આજના આધુનિક વ્યવસ્થાતંત્રમાં એક નવું ઊભરતું વલણ છે, સર્વંટ લીડરશીપનો વિચાર. આ વિભાવના સૌથી પહેલાં રોર્બટ ગ્રિનલિફ નામના વિદ્વાને રચી હતી અને લોકપ્રિય બનાવી હતી. આ જ વિભાવનાને સ્ટીફન કોવે, પિટર બ્લોગ, પિટર સેંજે, માર્ગારેટ વ્હિટલી, કેન બ્લેન્ચાર્ડ જેવા બીજા વ્યવસ્થાપન તંત્રના નિષ્ણાતોએ આગળ ધપાવી. ઉપરથી નીચે જતી શ્રેણીવાળી આદેશાત્માક અમલદારશાહીની પરંપરાગત નેતૃત્વની રીતને બદલે આ સર્વંટ લીડરશીપની પ્રક્રિયા પ્રમાણમાં ઘણી જુદી છે. એમાં પરસ્પરના સાથ-સહકાર, વિશ્વાસ, બીજાની સંવેદનાને સમજવાનો સક્રિય પ્રયત્ન થાય છે; કાર્યમાં ભાગીદારીનો ભાવ, શક્તિનો નૈતિક અને સદાચારપૂર્વક વિનિયોગનો અભિગમ રહેલો છે.

આ નવા નેતૃત્વમાં સર્વ પ્રથમ તો બીજાની વધારે સારી સેવા કરવાના હેતુથી સજાગ બનીને કોઈ પણ વ્યક્તિ વ્યક્તિગત રીતે નિર્ણય લે છે; એમાં પોતાની જ શક્તિને વધારવાનો કે બતાવવાનો ઈરાદો હોતો નથી. આજના આધુનિક વ્યવસ્થાપન તંત્રના ૧૦૦થી વધુ વર્ષ પૂરાં થાય છે. આટલાં વર્ષ પછી જૂના સ્વસત્તાશાહી વ્યવસ્થાપકો કે સંવાહકો અતિ આધુનિક સુખસુવિધાનાં સાધનો, ગાડીઓ, નોકરચાકર, આન-બાન અને શાન ધરાવતા હતા તેમાં પણ એમણે પોતાના વલણ વિશે પુનર્વિચાર કરવાનો સમય આવી ચૂક્યો છે, એ વાત નક્કી છે. પોતાની નીચે કામ કરતા બીજા કર્મચારીઓ પ્રત્યે પણ એમણે એક સહાનુભૂતિ અને સંવેદનાભર્યું તેમજ નવી વિશ્વસનીયતા કેળવી શકાય તેવું વલણ અપનાવવું રહ્યું. શિકાગો ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચરલ અફેર્સના ઈન્ટરનેશનલ મેનેજમેન્ટ અર્ફેસના સામયિક ‘ઈમેજ’ (જુલાઈ, ૯૮)ના અંકમાં આમ લખાયું છે:

‘આજની વ્યવસ્થાપન તંત્રની સંસ્થાઓમાં અત્યંત આવશ્યક એક એવી નવી ‘સર્વન્ટ લીડરશીપ’ની વિભાવના વધારે પ્રબળ અને લોકપ્રિય બની છે… આપણા મનમાં તો આટલી સમજણ છે કે જે આ તંત્રમાં જોડાય એણે સર્વન્ટ લીડર બનવું જ પડશે. દેના ઝોહરે કહ્યું છે તેમ સર્વન્ટ લીડરશીપને વળગેલા નેતાઓ શ્રેષ્ઠ હોય છે કારણ કે એમનો પોતાનો આઈક્યૂ (બુદ્ધિઆંક), ઈક્યૂ (ભાવનાંક)ને જ વાપરતા નથી પણ એની સાથે પોતાના એસક્યૂ એટલે કે ઉચ્ચતર આધ્યાત્મિક અંક- અંત:પ્રેરણાનો ઉપયોગ કરે છે.’

ઉપર્યુક્ત સંકલ્પના સો રોબર્ટ ગ્રીનલિફે સ્થાપેલી ‘ગ્રીનલિફ સેન્ટર ફોર સર્વન્ટ લીડરશીપ’ સંસ્થા એક આંતરરાષ્ટ્રિય સંસ્થા બની છે. આ સંસ્થા કોઈ નફો કે પૈસા રળવા માટેની નથી, તે માત્ર શૈક્ષણિક સંસ્થા જ છે અને સર્વન્ટ લીડરશીપની સમજણ તેમજ તેના આચરણ માટે તે કાર્યકરોને પ્રેરતી રહે છે.

નેતાઓના જીવનમાં આધ્યાત્મિકતાને વ્યવહારુ બનાવવા માટે આજથી સોએક વર્ષો પહેલાં આવી જ સર્વન્ટ લીડરશીપની વિભાવનાની સ્વામી વિવેકાનંદે વ્યાખ્યા કરી હતી. ભારતમાંની આ પ્રાચીન વિભાવના પ્રમાણે એક રાજા પોતાના સામાન્યમાં સામાન્ય કાર્યકર કે પ્રજાને નમતો. એમના પ્રત્યે ભાવ-આદર રાખતો અને આવા રાજાને રાજર્ષિ કહેવામાં આવતા. એમનો મુદ્રાલેખ હતો – ‘જો તમે શાસક બનવા ઇચ્છતા હો તો એક નોકર પહેલાં બનો.’ આ વિચાર વાસ્તવિક રીતે તો દરેકેદરેક માનવમાં, પછી ભલે એ ઉચ્ચ હોય કે નીચ પણ એમાં રહેલી દિવ્યતાને સૌથી વધારે માન-આદર આપવાની વૈદાંતિક પ્રણાલીમાં હતો જ.

મદ્રાસમાં આપેલ ‘મારી સમર યોજના’ નામના વ્યાખ્યાનમાં પોતાના ગુરુ ભગવાન શ્રીરામકૃષ્ણદેવ વિશે બોલતાં આ શબ્દો ઉચ્ચાર્યા હતા :

‘આથી આ માણસ (શ્રીરામકૃષ્ણદેવ) અર્ધી રાત્રે ઊઠીને એ ભંગીને ઘેર છાનામાના જઈને તેનું સંડાસ સાફ કરી આવ્યો અને પોતાના લાંબા વાળથી એ સ્થાન લૂછી નાખ્યું. પોતે સૌનો સેવક છે એ ભાવના પોતાનામાં દૃઢ કરવા સારુ એ કામ તેણે એવી રીતે દિવસોના દિવસો સુધી કરેલું. હું એ પુરુષનાં ચરણ મારે મસ્તકે ચડાવું છું, એ મારો આદર્શ છે. એ આદર્શ પુરુષના જીવનનું અનુસરણ કરવા હું હંમેશાં મથીશ. હિંદુ બીજા બધાનો સેવક બનીને પોતાને ઊંચે પચડાવવા ઇચ્છે છે.’ (૪.૯૩)

શ્રીરામકૃષ્ણદેવની જેમ એમનાં લીલાસહધર્મિણી શ્રીમા સારદાદેવીમાં પણ ‘સેવક-નેતૃત્વભાવ’ના બધા ગુણો જોવા મળતા. આ સેવા માટેનો સર્વસમર્પણભાવ એ એમનું જાણે કે જીવનસંગીત બની ગયું. પોતે પોતાના મૂળવતન જયરામવાટીમાં હોય કે પતિ શ્રીરામકૃષ્ણની સાથે દક્ષિણેશ્વરમાં હોય ત્યારે એમણે આ જીવન સંગીતનો સૂર છોડ્યો નહિ. શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી પણ આ સૂર સૌને માણવા મળ્યો. એમણે પોતાની અંગત સુખસુવિધા માટે બહુ પરવા કરી ન હતી. એમની મુશ્કેલીઓનો ભાગ્યે જ ખ્યાલ આવતો એવું વર્તન તેઓ રાખતાં. આપણે આ જીવનમાં ભિખારીની વૃત્તિ ન રાખીએ તેમ સ્વામીજી પણ ઇચ્છતા હતા. બદલાની આકાંક્ષા સેવ્યા વિના પ્રેમભાવે અને મુક્તમને બીજાની સેવા કરવાનું તેઓ કહેતા.

પોતાના ગુરુભાઈ સ્વામી શિવાનંદજીને લખેલા એક પત્રમાં એમણે આ પ્રમાણે કહ્યું હતું: 

‘જો તમારે સત્તા જોઈતી હોય તો પહેલાં સેવક બનો. ખરું રહસ્ય આ છે. તમારા શબ્દો કડવા હશે તો પણ તમારો પ્રેમ અસર કરશે. ગમે તેવી ભાષામાં હશે છતાં પ્રેમને માણસ સ્વાભાવિક રીતે જ અનુભવશે.’ (૧૨.૪૫)

યુએસએથી ૩૧ ઓગસ્ટ, ૧૮૯૪ના રોજ આલાસિંગા પેરુમલને લખેલા પ્રેરણાદાયી પત્રોમાંના એક પત્રમાં સ્વામીજીએ પોતાના વિશ્વાસુ શિષ્યોને એક સંસ્થા સ્થાપવામાં પ્રોત્સાહન આપતા સાવચેતીના સૂરે લખ્યું હતું : 

‘હવે એક નાનકડું મંડળ સ્થાપો. આ આખી પ્રવૃત્તિનો ભાર તમારે વહન કરવાનો છે, પણ તે ‘નેતા’ તરીકે નહિ, એક ‘સેવક’ તરીકે. એ તમને ખ્યાલ છે, કે નેતૃત્વનો સ્વલ્પમાત્ર દેખાવ પણ ઈર્ષ્યા ઉપજાવીને કાર્યમાત્રને ધૂળધાણી કરી નાખે છે.’ (૧૧.૨૨૬)

૧૮૯૫ની ૬ઠ્ઠીમેએ આલાસિંગા પેરુમલને એક પત્રમાં સ્વામીજીએ આ વસ્તુની યાદ અપાવતાં લખે છે:

‘સંપૂર્ણપણે નિ:સ્વાર્થ રહો, નિશ્ચલ બનો અને કાર્ય કર્યે જાઓ. આપણે મહાન કાર્યો કરવાના છીએ; ડરશો નહિ… એક વાત વધારે. તે એ કે સૌના સેવક બનો અને બીજાઓ ઉપર હકૂમત ચલાવવાનો લશમાત્ર પણ પ્રયાસ ન કરો. હકૂમત ચલાવવાથી ઈર્ષ્યાનો ઉદ્‌ભવ થશે અને આપણું કર્યુંકારવ્યું બધું ધૂળ મળશે.’ (૧૧.૨૬૫)

૨૭ એપ્રિલ, ૧૮૯૬ના રોજ આલમબજાર મઠમાં રહેતા પોતાના ગુરુભાઈઓને મઠના વ્યવસ્થાપન વિશે ઘણી બધી સૂચનાઓ વિગતે આપી હતી. એ પત્રને અંતે તા.ક.માં તેઓ એમને આ બાબતોની યાદ અપાવતાં લખે છે : 

‘કૃપા કરી આ પત્રની હકીકત બધાને વંચાવશો, અને આ સૂચનાઓને તમે અમલ કરવા જેવી ગણો છો કે કેમ તે જણાવશો. કૃપા કરીને બ્રહ્માનંદને કહેજો કે જે બધાનો સેવક છે તે જ તેમનો સાચો સ્વામી છે. જેના પ્રેમમાં ઊંચનીચની ગણના છે તે કદી પણ નેતા બનતો નથી; જેના પ્રેમનો અંત નથી અને જેને ઊંચનીચની ગણના નથી, તેને ચરણે આખી દુનિયા આવીને બેસે છે.’ (૧૨.૫૬)

સ્વામીજી અવારનવાર કહેતા કે સમગ્ર માનવ પ્રજાના મહાન નેતાઓ માત્ર મહાન વિચારકો ન હતા, પણ એ બધાં સ્ત્રીપુરુષો મહાન વ્યક્તિમત્તા ધરાવતાં હતાં. ૮ જાન્યુઆરી, ૧૯૦૦ના રોજ કેલિફોર્નિયાના લોસએજલેન્સમાં પોતાના આપેલા સુખ્યાત વ્યાખ્યાન ‘મનની શક્તિઓ’માં તેમણે કહ્યું હતું:

‘મહાન ધર્મપ્રવર્તકોને મહાન ફિલસૂફો સાથે સરખાવો. ફિલસૂફોએ ભાગ્યે જ કોઈના આંતર જીવન પર પ્રભાવ પાડ્યો હશે અને છતાં તેમણે પુસ્તકો અદ્‌ભુત લખ્યાં હશે. બીજી બાજુ ધર્મોપદેશકોએ પોતાના જીવન દરમિયાન જ અનેક દેશોમાં હલચલ જગાવી દીધી હશે. આ તફાવત વ્યક્તિત્વને કારણે જ થયો હતો. ફિલસૂફના કિસ્સામાં અસર કરનારું જે વ્યક્તિત્વ છે તે ખૂબ જ મોળું છે, જ્યારે મહાન અવતારોના કિસ્સામાં વ્યક્તિત્વ પ્રચંડ છે. પહેલાના કિસ્સામાં આપણને માત્ર બુદ્ધિનો સ્પર્શ થાય છે, જ્યારે બીજા દાખલામાં આપણને જીવનનો સ્પર્શ થાય છે.’ (૭.૫૬-૫૭)

નેતા પોતાના અનુયાયીઓ માટે એક પ્રેરણાનું સ્રોત બની રહેવો જોઈએ. એની પાસે મસ્તિષ્ક અને હૃદય – એ બંનેની ગુણવત્તાઓ હોવી જોઈએ. તો અને તો જ આવી વ્યક્તિ બીજા પર પોતાનો પ્રભાવ પાડી શકે અને એને દોરવણી આપી શકે. આ વિશે સ્વામીજીના ઉદ્‌ગારો આવા હતા :

‘તમારી પાશ્ચાત્ય સંસ્કૃતિનું એ એક અનિષ્ટ છે કે તમે કેવળ બૌદ્ધિક કેળવણીની પાછળ જ પડ્યા રહો છો, અને હૃદયની કેળવણીની જરાય પરવા કરતા નથી. એ કેળવણી માણસોને દશગણા વધારે સ્વાર્થી જ બનાવે છે, અને એ તમારો વિનાશ નોતરશે. જ્યારે મગજ અને હૃદય વચ્ચે સંઘર્ષણ હોય, ત્યારે હૃદયને અનુસરજો, કેમ કે બુદ્ધિની અવસ્થા એક જ છે – દલીલની, અને એમાં રહીને જ બુદ્ધિ ક્રિયા કરે છે; એનાથી પર જઈ શકતી નથી. હૃદય જ માણસને સર્વોચ્ચ ભૂમિકાએ લઈ જાય છે; અને ત્યાં બુદ્ધિ કદી પહોંચી શકવાની નથી. હૃદય બુદ્ધિથી પર જાય છે, અને જેને પ્રેરણા કહેવામાં આવે છે તે સ્થિતિએ તે પહોંચે છે. બુદ્ધિ કદી દિવ્ય પ્રેરણા પામી શકતી નથી; માત્ર હૃદય જ જ્યારે તે પ્રકાશિત થાય છે ત્યારે, પ્રેરિત થઈ શકે છે. બુદ્ધિશાળી પણ હૃદયહીન માનવ કદી પ્રેરણાપ્રાપ્ત માનવ થઈ શકતો નથી. પ્રેમાળ માનવમાં જે બોલે છે તે સદા હૃદય જ છે; બુદ્ધિ શોધી શકે તેના કરતાં વધારે સારું સાધન-પ્રેરણારૂપી સાધન હૃદય શોધી આપે છે. જેવી રીતે બુદ્ધિ જ્ઞાનનું સાધન છે તેવી રીતે હૃદય પ્રેરણાનું સાધન છે.’ (૧૦.૨૧૨)

સ્વામીજીએ સાચા નેતાની ગુણવત્તામાં પવિત્રતા કે શુદ્ધતા પર ઘણો ભાર દીધો હતો. માત્ર નૈતિકતા અને સદાચાર જ કોઈ પણ વ્યક્તિને પૂરતી શક્તિ આપે છે. અનૈતિક અને દુરાચારી હંમેશાં નિર્બળ હોય છે અને તેઓ પોતાની જાતને ક્યારેય બૌદ્ધિક રીતે ઊંચે લાવી શકતા નથી. સાથે ને સાથે આધ્યાત્મિક રીતે તો નહિવત્‌ પ્રમાણમાંયે ઊર્ધ્વગામી બની શકતા નથી. શારીરિક શુદ્ધિ વિશે બોલતાં એમણે એક વખત કહ્યું હતું:

‘ઓજસ એ છે, જે માણસ માણસ વચ્ચે તફાવત પાડે છે. જેનામાં ખૂબ ઓજસ હોય તે લોકોનો નેતા બને છે. તે અસાધારણ આકર્ષણશક્તિ બક્ષે છે. જ્ઞાનતંતુમાં થઈને વહેતા ચેતના-પ્રવાહોમાંથી ઓજસ પેદા થાય છે. એ એક વિશિષ્ટતા છે કે જે શક્તિ મૈથુનશક્તિ રૂપે પ્રગટે છે, તેમાંથી ઓજસ બહુ સહેલાઈથી બનાવી શકાય છે. જો મૈથુનકેન્દ્રોની શક્તિઓનો દુરુપયોગ કરીને તેમનો વ્યર્થ વ્યય કરવામાં ન આવે, (ક્રિયા એટલે સ્થૂળ સ્વરૂપે વિચાર જ) તો એ શક્તિઓમાંથી ઓજસ બની શકે.’ (૯.૨૪૮) 

સ્વામીજીની દૃષ્ટિએ બધા ધર્મના અગ્રણીઓની શક્તિ પાછળનું આ જ એકમાત્ર રહસ્ય હતું.

નેતામાં સ્વાર્થ પરાયણતા અને અહંભાવના અભાવ વિશે સ્વામીજીએ પોતાની અંતર્દૃષ્ટિપૂર્વકનું નિરીક્ષણ કરીને આ વાત કરી છે :

‘દરેક માણસ ‘નેતા થવાને જન્મ્યો’ હોતો નથી. પણ શ્રેષ્ઠ નેતા તે જ છે કે જે ‘બાળકની માફક દોરે છે’. બાળક દેખીતી રીતે બધાં ઉપર આધાર રાખતું હોય છે, છતાંયે ઘરનો રાજા તે છે. ઓછામાં ઓછું, મારા ખ્યાલ પ્રમાણે, તો તે જ રહસ્ય છે… મનમાં અનુભવ ઘણાંને થતો હોય છે, છતાં તેને પ્રગટ બહુ થોડા જ કરી શકે છે. વિચારોનો પ્રચાર કરવામાં એક માણસ બીજા કરતાં વધારે સફળ થાય છે તેનું કારણ એ છે કે તેનામાં બીજા તરફનો પોતાનો પ્રેમ, પ્રશંસાભાવ અને સહાનુભૂતિ દર્શાવવાની શક્તિ હોય છે.’ (૧૨.૨૧૩)

ઉપર્યુક્ત સંદર્ભે નેતાજી સુભાષચંદ્ર બોઝે સ્વામી વિવેકાનંદ વિશે કહેલા આ શબ્દો યાદ રાખવા ઘણા મહત્ત્વના છે :

‘આત્મ બલિદાનભાવ, પ્રવૃત્તિ કે કર્મમાં સાતત્ય, નિ:સીમ પ્રેમભાવ, શાણપણમાં પ્રકાંડતા અને સાર્વત્રિકતા, આક્રમણમાં નિષ્ઠુરતાની સાથે બાળકના જેવી સહજ-સરળ ભાવનાવાળી વ્યક્તિમત્તા આપણા આજના વિશ્વમાં એમનામાં જોવા મળતી… એમનાં કાર્ય અને દૂરંદેશીવાળાં અતિ મહત્ત્વનાં સંભાષણો દ્વારા સ્વામી વિવેકાનંદે અમારા યુગના વિદ્યાર્થીઓ પર જે પ્રભાવ પાડ્યો છે તેવો પ્રભાવ આ દેશમાં બીજા કોઈ નેતાએ પાડ્યો નથી.’

Total Views: 38

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.