સમાજમાં સહયોગ અને મિત્રતાના સ્થાને નાદુરસ્ત સ્પર્ધા અને ઈર્ષ્યાને પ્રોત્સાહન આપવામાં જ એમના સુખનો માર્ગ રહેલો હોય છે એવા દૃઢ વિશ્વાસનો પુરસ્કાર આપણને હિંસાવૃદ્ધિના રૂપે મળે છે. સ્પર્ધાની ભાવનાથી આક્રમકતા અને વિદ્વેષની ભાવનામાં વધારો થાય છે. સ્વસ્થ અને તંદુરસ્ત સ્પર્ધા સારી હોઈ શકે છે, એનાથી ઉત્પાદન વધી શકે છે, પરંતુ આ વૃદ્ધિ માટે આપણે કેટલી મોટી કીમત ચૂકવવી પડે છે! એની કીમત છે – સામાન્ય જનતા પર અત્યાચાર. વાસ્તવમાં ભૌતિકવાદી દૃષ્ટિકોણ તથા ઈર્ષ્યાપૂર્ણ સ્પર્ધાથી પરિચાલિત કોઈ પણ વ્યક્તિ ચિંતાઓમાંથી મુક્ત થઈને માનસિક શાંતિ પ્રાપ્ત ન કરી શકે. જો આપણે માનવના અસ્થિર સ્વભાવ, એની ઇચ્છાઓ અને કામનાઓની પૂર્તિ માટે તેના સંઘર્ષ તેમજ અજાણતાં જ એના વાસના પ્રવાહમાં વહી જવાની વાત અને એ વ્યક્તિની અસહાય અવસ્થાનો વિચાર કરીએ તો આટલું સ્પષ્ટ થઈ જાય છે કે માત્ર ને માત્ર આર્થિક તથા ટેકનિકલ પ્રગતિ દ્વારા માનવને વધુ સારો બનાવવાની આશા કરી ન શકાય. જર્મન દાર્શનિક શોપેનહાવરે મનુષ્યની તુલના શાહુડી નામના પક્ષી જેવા પ્રાણી સાથે કરી છે. જો આવી અનેક શાહુડીઓને કોઈ સંકીર્ણ સ્થાનમાં ધકેલી દેવામાં આવે તો તે બધી એક બીજાના અણીદાર કાંટાવાળા પીંછાથી વીંધાઈને બરબાદ થઈ જાય. આ રીતે માનવની અત્યંત સ્વાર્થપરાયણતા માનવજાતિનો વિનાશ કરી શકે છે. તો પછી માનવની સ્વાર્થ-પરાયણતાને ઓછી કરીને એને બીજાને નુકશાન કરતો અટકાવાનો કોઈ ઉપાય છે ખરો? વિશ્વબંધુત્વનો આધાર શું છે? એની પ્રેરકશક્તિ કઈ છે? આ એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ન છે અને એનો સમુચિત ઉત્તર જોઈએ છે.

જેના બધા સભ્ય પોતાની સ્વાર્થવૃત્તિ પર વધારેમાં વધારે સંયમ-અંકુશ લગાવી રાખે છે, એ જ સમાજ શ્રેષ્ઠ છે. આવા સમાજમાં જ એકતા, શાંતિ અને સહયોગનો ભાવ વિકસી શકે છે. શું આજના સમાજની ભાવના આવી છે ખરી? આપણને સર્વત્ર અવ્યવસ્થા, અસહિષ્ણુતા, ઘૃણા અને હિંસાનું સામ્રાજ્ય દેખાય છે, એનું કારણ શું છે? એનું કારણ છે અસંયમિત સ્વાર્થ-પરાયણતા. ધનસંપત્તિનો સંગ્રહ, શક્તિ તથા પદ પ્રતિષ્ઠાની પ્રાપ્તિ તથા સસ્તી લોકપ્રિયતાની ઘેલછા – આ બધાં જ આપણા જીવનના ઉદ્દેશ્ય બની ગયા છે. સ્વેચ્છાચારમાં લિપ્ત રહેવું એ એક અત્યંત ઘૃણાસ્પદ ભૌતિકવાદી દૃષ્ટિકોણ છે. એનાથી સ્વાર્થપરાયણતામાં વૃદ્ધિ થાય છે. અંગ્રેજ દાર્શનિક હોબ્સે કહ્યું છે: ‘મનુષ્ય નૈતિક આદર્શ પ્રત્યે દ્વેષ રાખનાર એક પશુ માત્ર છે. શિક્ષણ તથા પ્રશિક્ષણ આપીને એમાં થોડીઘણી સુધારણા લાવી શકાય છે.’ ગ્રીસના દાર્શનિક પ્લેટો કહે છે : ‘મનુષ્ય જન્મથી જ પ્રકૃતિનો વિદ્રોહી છે. ધારો કે કોઈ એક વ્યક્તિને પોતાની ઇચ્છાનુસાર અદૃશ્ય થવાની શક્તિ મળી જાય તો શું એનાથી કોઈ પણ ખજાનો સુરક્ષિત રહી શકે ખરો? એનાથી શું મહિલાઓની લાજ-આબરુ સુરક્ષિત રહી શકે ખરી?’ સામાજિક આક્રોશ થતાં બહિષ્કારની આશંકા તેમજ પોલીસના દંડાના ભયથી જ મોટા ભાગના લોકો ભલા અને સજ્જન બનીને રહે છે. આ ભયને અભાવે મનુષ્ય પોતાનાં નૈતિક મૂલ્યોને ગુમાવી દેવાનો. દૃઢ ઇચ્છાશક્તિ તથા આત્મ સંયમથી સંપન્ન ગણ્યાગાંઠ્યા લોકો જ એવા મળશે કે જે કોઈ પણ પરિસ્થિતિમાં લોભાઈ જતા નથી. ધર્મ તથા આધ્યાત્મિક દૃષ્ટિકોણ એટલે કે ઈશ્વર તેમજ નૈતિકતામાં દૃઢ વિશ્વાસ, સદાચારમાં પૂર્ણ નિષ્ઠાની શક્તિ જ મનુષ્યને ભ્રષ્ટ આચરણથી દૂર રાખે છે.

સાચો ધર્મ અને મન

સાચો ધર્મ બે કાર્યો કરે છે. એક તો એ ચંચળ મનને પ્રશિક્ષિત કરીને એની શક્તિઓને એક ઉચ્ચ આદર્શ તરફ વાળી દે છે અને બીજું મનને અન્ય લોકો સાથે પ્રેમ, આદર તથા સામંજસ્યપૂર્વક રહેવાનું શીખવે છે. આ પ્રબુદ્ધ સ્વાર્થથી કોઈની ક્ષતિ નથી થવાની અને કોઈનું શોષણ પણ નથી થવાનું. ધન અને કામ જ સર્વકંઈ નથી. મનુષ્ય જડપદાર્થોનો એક સરવાળો માત્ર નથી. તે આત્મા છે, જે પોતાનાં શરીર-મન અને ઈંદ્રિયોનો ઉપયોગ કરે છે. એ આત્મા જ આપણા બધાની ભીતર ‘હું પણા’નો ભાવ છે. આ ‘હું’ જ કર્તા અને ભોક્તા છે. મનુષ્યે એવી શ્રદ્ધા રાખવી જોઈએ કે પોતે આત્મા છે અને બીજા લોકોમાં પણ એવો જ આત્મા છે. ‘આપણે બધા આત્મા છીએ’ આ દૃઢ વિશ્વાસ આપણને પોતાનાં શરીર અને ઈંદ્રિયોનો દાસ બનાવવાને બદલે એ બધાંનો સ્વામી બનાવી દે છે. ઈંદ્રિય નિગ્રહથી ચિત્ત શુદ્ધિ થાય છે અને એનાથી મનુષ્ય આત્મસાક્ષાત્કારના પથ પર આગળ વધે છે. આત્મજ્ઞાન કે પોતાના સાચા સ્વરૂપની અનુભૂતિથી બધાં દુ:ખોનો નાશ થઈ જાય છે. સાથે ને સાથે વ્યક્તિ શાશ્વત આનંદ પ્રાપ્ત કરી લે છે. શાસ્ત્રો અને ઋષિઓનો આ જ બોધ છે. ધર્મના ઉપદેશોનું પાલન કરવાથી ધર્મ બધી અડચણોમાંથી આપણી રક્ષા કરે છે અને આપણને જીવનના સનાતન લક્ષ્ય તરફ દોરી જાય છે. આપણી સન્મુખ કોઈ આધ્યાત્મિક આદર્શ રાખીને, તેના રૂપાયતન માટે પ્રયત્નશીલ રહીએ તો આપણા જીવનની કાયાપલટ થઈ જાય છે. એમાં સમય અને સતત પ્રયાસની આવશ્યકતા રહે છે. આ આદર્શ તરફ વધુ ને વધુ આગળ વધવાથી આપણને ચોક્કસપણે શાંતિ અને આનંદની અનુભૂતિ થશે. અંતે અનંત શાશ્વત શાંતિ મેળવીશું. આધ્યાત્મિક આદર્શ વિના કોઈ પણ ભૌતિક શાંતિ કે પ્રસન્નતા ક્ષણિક જ રહે છે. અંતે તેનાથી માત્ર દુ:ખ જ ઉદ્‌ભવે છે. મનોદૈહિક ગરબડો મનના વિક્ષોભના પરિણામે જન્મે છે. એનો શારીરિક સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે છે, એટલે જ માનસિક સ્વાસ્થ્ય સૌથી વધારે મહત્ત્વનું છે.

મનની વ્યાધિઓને દૂર કરવા દવાઓ કારગર નિવડતી નથી. શુદ્ધ વિચાર તથા ભાવનાઓ જ મનને સારી હાલતમાં રાખે છે. યોગદર્શન અને અન્ય ધાર્મિક પરંપરાઓ બધાને દસ નિયમોનું પાલન કરવા નિર્દેશ આપે છે. આ દસ નિયમો છે : અહિંસા, સત્ય, ચોરી ન કરવી, બ્રહ્મચર્ય, સંગ્રહ ન કરવો, પવિત્રતા, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રત્યે પ્રેમ.

મનનું ટોનિક

બધા ધર્મોમાં સત્ય, પ્રામાણિકતા, ઉદારતા તેમજ સંયમનો ઉપદેશ આપવામાં આવ્યો છે. વ્યક્તિગત અને સામુહિક કલ્યાણ ઇચ્છતી કોઈ પણ બુદ્ધિમાન વ્યક્તિ આ આદર્શોને અંધવિશ્વાસ છે એમ કહીને એની અવગણના કરી ન શકે. ત્યાં સુધી કે કોઈ સંશયી અને બુદ્ધિવાદી કે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણવાળી વ્યક્તિ પણ આ આદર્શોની ઉપેક્ષા કરી ન શકે. આ આદર્શોનું લક્ષ્ય વ્યક્તિગત ઉત્થાનની સાથે સામુહિક ઉત્થાન પણ છે. આ આદર્શ વ્યક્તિને સુખપૂર્વક જીવન જીવવાની સાથે બીજા લોકોને પણ સુખી બનાવવા માટે પ્રેરે છે.

બીજાનાં કઠોર વચનો અને કૃત્યોથી ઘવાઈને આપણે કષ્ટ અને પીડા અનુભવીએ છીએ. એવાં જ વચન તથા કૃત્ય બીજાને પણ ઘાયલ કરે છે. અહિંસા મનનો એક એવો ભાવાત્મક દૃષ્ટિકોણ છે કે જેના દ્વારા આપણે મન, વાણી તથા કર્મથી સતત પરહિતમાં નિરત રહીએ છીએ. આવી રીતે સત્ય, ચોરી ન કરવી, બ્રહ્મચર્ય તથા અલોલુપતા જેવા સદ્‌ગુણોનો અભ્યાસ વ્યક્તિગત ક્ષેમકલ્યાણની સાથે સામુહિક કલ્યાણનો પણ પોષક બને છે.

આપણા ધર્મગ્રંથોમાં સત્ય તેમજ પ્રામાણિકતાની બહુ મોટા પ્રમાણમાં પ્રશંસા કરાઈ છે. મહાભારતના ઋષિગણ સત્યની મહાનતાનો ઉદ્‌ઘોષ કરતાં ક્યારેય ન થાકતા. એમાં ધર્મવ્યાધ નામના એક મહાપુરુષ કહે છે કે અહિંસાનાં મૂળિયાં સત્યમાં રહેલાં છે. સત્યની આધારશીલા વિના વાસ્તવિક પ્રગતિ સંભવ નથી. વૈજ્ઞાનિકોએ સત્યની ખોજ માટે નિરંતર પ્રયાસો અને પ્રયોગો દ્વારા તેમજ એની ગૂંચોને ઉકેલવાના હેતુથી પોતાની એકાગ્ર નિષ્ઠાથી અદ્‌ભુત શોધો કરી છે. ‘સત્યમેવ જયતે નાનૃતમ્‌ – સત્યનો જ જય થાય છે, મિથ્યાનો ક્યારેય નહિ’ – આ મહાન ઉપદેશની સત્યતા બધા લોકો સમજી શકે તેવી છે. ગાંધીજી માટે સત્ય એ જ ઈશ્વર હતા. શ્રીરામકૃષ્ણદેવે કહ્યું છે : ‘સત્યનિષ્ઠ વ્યક્તિ જાણે કે ભગવાનના ખોળામાં બેઠો છે.’

વાતને આમતેમ ફેરવ્યા-ઘુમાવ્યા વિના યથાર્થ રૂપે કહી દેવું તે સત્યનું એક રૂપ જ છે. પરંતુ એમાંયે અપવાદ પણ છે. ક્યારેક ક્યારેક આપણે બીજાને દુ:ખકષ્ટ પહોંચાડનારી કેટલીક અપ્રિય કે કટુ પણ સત્ય વાતને કહી શકતા નથી. આપેલા વચનનું પાલન કરવું એ પણ સત્યનું બીજું રૂપ છે. કર્મ પ્રત્યે સમર્પણ એ સત્યનું ત્રીજું રૂપ છે. જો કે સત્યનિષ્ઠ લોકો પરહિતમાં મચ્યા રહીને અનેક મુશ્કેલીઓનો સામનો કરે છે. આમ છતાં પણ તેઓ પોતાના પથ પરથી વિચલિત થતા નથી. તેઓ પોતાની પ્રામાણિકતા અને આપેલાં વચનોને ક્યારેય ભૂલતા નથી. સત્યના આચરણ દ્વારા જ સત્યસ્વરૂપ ઈશ્વરની પ્રાપ્તિ થઈ શકે છે. એટલે જ સત્ય આપણા વ્યક્તિગત અને સામુહિક જીવનમાં તેમજ આપણા સામાજિક વ્યવહારમાં ઓતપ્રોત બની જવું જોઈએ. શાળા તથા કોલેજમાં અધ્યયનરત આપણા વિદ્યાર્થીઓના હૃદયમાં સત્યનો સંસ્પર્શ રહેવો જોઈએ. સામાજિક કલ્યાણનો આ જ એક માત્ર ઉપાય છે. આ ઉદાત્ત સિદ્ધાંતો પર દૃઢતાપૂર્વક ચાલનાર કોઈ પણ સત્યનિષ્ઠ અને પ્રામાણિક વ્યક્તિને જોતાં જ એવું લાગે છે કે તે ચિંતા, માનસિક તણાવ અને ક્રોધથી મુક્ત છે. એક ઈમાનદાર માનવ પોતાનાં વચન તથા કર્મમાં એકરૂપતા લાવવા પ્રયાસ કરે છે. એનો વિવેક પારદર્શી હોય છે અને એની સમજ સુસ્પષ્ટ હોય છે. પોતાની શક્તિઓ, દુર્બળતાઓ, પ્રતિભાઓ તથા સીમામર્યાદાઓ વિશે એના મનમાં કોઈ ભ્રમણા હોતી નથી. તે સજાગતાપૂર્વક પોતાના વિશેષ ગુણોને નિખારવા અને પોતાની દુર્બળતા-ઊણપોને ઘટાડવા માટે પ્રયત્નશીલ રહે છે.

તે પોતાનાં બધાં સગાં-સંબંધીઓ તથા બીજા લોકો સાથે પ્રામાણિકતાભર્યું વર્તન રાખે છે. એ પોતાના આવક અને ખર્ચનો ઉચિત હિસાબ પણ રાખે છે. પોતે કરેલા વાયદાઓને પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ રહે છે. કોઈ અનિવાર્ય કારણોને લીધે પોતે આપેલ વાયદા કે વચનને પૂરા કરવામાં અસમર્થ રહે તો તેની ક્ષમાયાચના પણ માગી લે છે. અજાણતામાં થયેલી પોતાની ભૂલો અને ઊણપો માટે એ ક્ષમાયાચના કરે છે અને ફરીથી આવું ક્યારેય ન થાય એ માટે અત્યંત સજાગ પણ બની જાય છે. તે બીજાને પૂછ્યા વિના, ઘરના કે પરિવારના સભ્યો સુધ્ધાંની ચીજવસ્તુઓનો ક્યારેય સ્પર્શ નથી કરતા. બીજાની પાસેથી ઉછી-ઉધારું લઈને તેને યથા સમયે પાછું વાળી દે છે. પોતાના પરિવાર માટે બનેલી કોઈ પણ ચીજવસ્તુ તે પોતે એકલો જ છાનો-માનો ક્યારેય ખાતો નથી. ઘરની ભીતર અને ઘરની બહાર સર્વત્ર એના વ્યવહારમાં એકરૂપતા જોવા મળે છે. આવા આદર્શ આચરણના ફળ સ્વરૂપ મનુષ્યને શાંતિ મળે છે. તે મિથ્યા ભયથી મુક્ત થઈ જાય છે. એનાથી એને સંતોષ મળે છે, જવાબદારીની ભાવના વધે છે અને એ માનવનું ચરિત્ર સબળ બની જાય છે. તે બીજાને પ્રસન્ન રાખવાનો પ્રયત્ન કરતો નથી, પરંતુ પોતાના સાચા ચારિત્ર્યથી બીજાને એની મેળે પ્રભાવિત કરે છે. બીજા લોકો સ્વેચ્છાએ એમની સહાય કરવા માંડે છે. લોકો આવી વ્યક્તિની પ્રશંસા કરીને એના સદ્‌ગુણોને અપનાવવાનો પ્રયાસ કરે છે. લોકો એના પર વિશ્વાસ રાખે છે અને સાથે ને સાથે એમનો વધારે ને વધારે સંગ કરવાની ઇચ્છા પણ રાખે છે.

સ્વચ્છતા, સંતોષ, સાધના, સ્વાધ્યાય તથા ઈશ્વરપ્રણિધાન – આ પાંચ સદ્‌ગુણ મનુષ્યને પૂર્ણતાના પથે લઈ જાય છે. વ્યક્તિએ શારીરિક સ્વચ્છતા અને માનસિક શુચિતા એ બંને પર ધ્યાન દેવું જોઈએ. ચિંતા, દુ:ખ, ક્રોધ, અહંકાર અને ઈર્ષ્યાથી મુક્ત હોય એવા પ્રસન્ન તેમજ શાંત મનની ચાહના કોને નથી હોતી? બધાં કામ લાપરવાહીથી કરતાં રહે એવું ચંચળ મન કોણ ઝંખે છે? આપણને બધાને ઈંદ્રિયો અને મનની એકાગ્રતાની આવશ્યકતા છે. મન તથા ઈંદ્રિય પર વિજય પ્રાપ્ત કરવામાં સહાયક સિદ્ધ થનાર અધ્યયન જ આપણા માટે અતિ-આવશ્યક છે. મનુષ્યે શ્રદ્ધા તથા ભક્તિની સાથે પરમશક્તિ એટલે કે પરમાત્માના શરણે જવું જોઈએ.

આ આદર્શોને આપણા પોતાના જીવનમાં અપનાવીને આપણે બધી ચિંતાઓ, બધાં દુ:ખો અને એને પરિણામે ઉદ્‌ભવેલી મનોદૈહિક વ્યાધિઓમાંથી મુક્ત થઈ શકીએ છીએ. ઉપર્યુક્ત બધા સદ્‌ગુણોની પ્રાપ્તિનો એક સીધો માર્ગ કે ઉપાય પણ છે. આધ્યાત્મિક રૂપે અત્યંત ઉન્નત એક વરિષ્ઠ સંન્યાસીએ એકવાર સલાહ આપી હતી : ‘આ સંસારમાં દરેકને પ્રસન્ન રાખવાનો મૂર્ખતાપૂર્ણ પ્રયત્ન છોડી દેવો.’ ‘ભગવાન બધું જુએ છે,’ આવો દૃઢ વિશ્વાસ જ આપણને સજાગ અને સાવધાન બનાવી દે છે. ‘ઈશ્વર આપણી મદદ માટે સદૈવ તત્પર રહે છે.’ આવો દૃઢ વિશ્વાસ આપણને વધારે ને વધારે ઉત્સાહપૂર્વક પોતાની સાધના ચાલુ રાખવાની પ્રેરણા આપે છે. ‘ઈશ્વર સર્વશક્તિમાન અને પરમ દયાળુ છે.’ આવી પ્રબળ શ્રદ્ધા આપણી બધી અસુરક્ષાની ભાવના તથા ભયને દૂર કરીને આપણને ભગવાનનું શરણ લેવામાં સહાય કરે છે. ‘ઈશ્વર આપણી માતા છે અને બધાં સુખોનું એક માત્ર મૂળ છે.’ એવું જાણી લેવાથી સાંસારિક વસ્તુઓ પ્રત્યે આપણું આકર્ષણ કે આપણો મોહ દૂર થઈ જશે. જ્યારે મન સ્પષ્ટ રૂપે સમજી લે છે કે ઈશ્વરની કૃપાથી બધું સંભવ છે ત્યારે આપણે વધારે ઉત્સાહપૂર્વક એમની અનુભૂતિનો પ્રયાસ કરવા માંડીએ છીએ. આ રીતે ઈશ્વરને શોધતા સાધકમાં ઉપર્યુક્ત દસ સદ્‌ગુણ પ્રગટ થાય છે.

કાર્ય કરતી વખતે આપણું મન વર્તમાનમાં જ કેન્દ્રિત રહેવું જોઈએ. મનમાં અતીત કે ભવિષ્યનું ચિંતન થવું ન જોઈએ. મનુષ્યે ઈશ્વર પર નિર્ભરશીલ બનવું જોઈએ. પ્રતિકૂળ પરિસ્થિતિઓથી હતોત્સાહી પણ ન થવું જોઈએ. યોગ્ય સમય આવતાં પ્રભુની કૃપા અવશ્ય થશે. દરેક વ્યક્તિએ પોતાનું કાર્ય પૂરેપૂરી લગનીથી કરવું જોઈએ, સાથે ને સાથે પોતાની આધ્યાત્મિક સાધના પણ ચાલુ રાખવી જોઈએ. કેટલાક લોકો ઝડપથી આગળ વધી શકે છે અને કેટલાક પાછળ પણ રહી જાય છે. કેટલાક લોકોમાં વિશેષ ગુણ અને શક્તિઓ હોઈ શકે છે અને બીજા કેટલાકમાં આવાં ગુણ-શક્તિનો અભાવ હોય છે. આવા ભેદ હોવા છતાં પણ બધા લોકો ભગવાનના જ સંતાન છે. આ સમસ્ત વ્યક્તિગત ભેદોને ભૂલીને આપણે સામુહિક રૂપે અને દક્ષતાપૂર્વક પોતાનું કાર્ય કરવું જોઈએ.

આ સહજ પરામર્શમાં ધર્મનો સાર રહેલો છે. જ્યાં સુધી આપણે આપણી પોતાની બધી સમસ્યાઓનું આધ્યાત્મિક સમાધાન નથી મેળવી લેતા ત્યાં સુધી માનસિક શાંતિ પ્રાપ્ત કરવી અસંભવ છે.

વિશ્વાસ દ્વારા સફળતા

સારાં કર્મોથી વ્યક્તિને પરમ કલ્યાણ અને સફળતા મળે છે. આવો દૃઢ વિશ્વાસ, આત્મવિશ્વાસનો મૂળ સ્રોત ઈશ્વર પરની શ્રદ્ધા છે. એક વૈજ્ઞાનિક અને એક સાધક બંને વિશ્વાસને જ સેવે છે, પૂજે છે. શ્રદ્ધા જ જીવન છે. વિલિયમ જેમ્સે કહ્યું છે: ‘વિશ્વાસ જ અનેક શક્તિઓમાંની એક શક્તિ છે, એના સહારે મનુષ્ય જીવતો રહે છે અને જેના પૂર્ણ અભાવનો અર્થ છે વિનાશ.’ ઈશ્વર પ્રત્યે આવી શ્રદ્ધા કેળવવા સાધકે દિવસ-રાત સર્વદા ઈશ્વર ચિંતન કરતાં કરતાં, પથની સફળતા-નિષ્ફળતાને નજર-અંદાજ કરીને, બધી સુખસુવિધાઓને ત્યજીને, જ્ઞાન-વિનયનો આશ્રય લઈને પ્રયત્નશીલ રહેવું પડે. તરવાનું શીખવા જળમાં ભૂસકો મારવો જ પડે છે. તરવાનો અભ્યાસ કરનાર વ્યક્તિ શરૂઆતમાં ભયભીત અને વિફળ થઈ શકે છે, પ્રારંભિક વિફળતાઓ પછી તરવાનું છોડી દેવાથી શું કોઈ તરવાનું શીખી શકે? આ રીતે આધ્યાત્મિક જીવનમાં પણ સાચો અને સતત પ્રયત્ન જરૂરી છે. નિષ્ફળતા મળે તો શું? આપણે તો આગળ જ વધવાનું છે. માનસિક તણાવોથી મુક્તિ મેળવવા આપણે શાંતિની બધી પ્રાપ્ય રીતો કે ઉપાયોનો પ્રયોગ કરવો જોઈએ. સાથે ને સાથે સ્થાયી શાંતિ કેવળ આધ્યાત્મિક સાધનાથી જ સંભવ બને છે એ વાત ભૂલવી ન જોઈએ.

Total Views: 42

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.