(‘વિવેકાનંદ લાઈફ સ્કિલ્સ એકેડમી’ દ્વારા પ્રકાશિત અને જે.ચંદ્રશેખર અને એમ.ગંગાધર પ્રસાદે લખેલ ગ્રંથ ‘ઈટરનલી ટેલન્ટેડ ઈંડિયા – ૧૦૮ ફેક્ટ્‌સ’ માંથી શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.)

ન્યૂટને ઝાડ પરથી સફરજન નીચે પડતાં એના પર પૂરતી વિચારણા કરીને સર્વપ્રથમ ગુરુત્વાકર્ષણનો નિયમ વિશ્વને આપ્યો એમ આપણે માનીએ છીએ. વાસ્તવિક રીતે પ્રાચીન ભારતના ખગોળ વિદ્યાનાં પુસ્તકોમાં ગુરુત્વાકર્ષણના નિયમની વાતો ભરપૂર ભરી છે. ભારતના આ પ્રાચીન ખગોળ શાસ્ત્રીઓને સાચી રીતે પ્રમાણવાની આવશ્યકતા છે. ભારતીય તરીકે આપણે તો એમને જાણીએ, ઓળખીએ! હવે આપણે એની વિગતો જોઈએ :

* પ્રાચીન ભારતના ખગોળ વિદ્યાના ગ્રંથ ‘સૂર્યસિદ્ધાંત’માં કહ્યું છે : ‘ધારણાત્મિકા શક્તિ’ પૃથ્વી અવકાશમાં સ્થિર ઊભી છે અને પડતી નથી.

મધ્યે સમન્તાદસ્ય ભૂગોલો વ્યોમ્નિ તિષ્ઠતિ ।
બિભ્રાણ: પરમાં શક્તિં બ્રાહ્મણો ધારણાત્મિકામ્‌॥
(સૂર્યસિદ્ધાંત ૧૨.૩૨)

* છઠ્ઠી સદીના વરાહમિહિરે આમ કહ્યું હતું: ‘દરેકનો આ અનુભવ છે કે ધરતીના કોઈ પણ ભાગ પર અગ્નિની જ્વાળાઓ ઊંચે જાય છે અને જે પદાર્થો આપણે એના પર ફેંકીએ છીએ તે નીચે પડી જાય છે.’

ગગનમુપૈતિ શિખિશિખા ક્ષિપ્તમપિ ક્ષિતિમુપૈતિ ગુરુકિંચિત્‌ યદ્વદિહ માનવાનામ્‌ઽસુરાણામ્‌ તદ્વદ્દેવા-જગદધ: । (પંચ સિદ્ધાંતિ, ૧૩.૪)

* ૧૧મી સદીના ભારતના સુખ્યાત ગણિત શાસ્ત્રી ભાષ્કરાચાર્યે પોતાના ગ્રંથ ‘લીલાવતી’ નામના ગ્રંથમાં ગુરુત્વાકર્ષણની વાત આવી રીતે કરી છે. ધરતીને ‘ગુરુત્વાકર્ષણ શક્તિ’ છે. જુદા જુદા ગ્રહોની વચ્ચેની આકર્ષણશક્તિને લીધે આ ગ્રહો અવકાશમાં પોતાને સ્થિર રાખી શકે છે.

* પોતાના બીજા ગ્રંથ ‘સિદ્ધાંત શિરોમણિ’માં ભાષ્કરાચાર્ય ગુરુત્વાકર્ષણ વિશે આવી વાત કરે છે. પૃથ્વી અવકાશમાં સ્વાભાવિક રીતે જ દરેક પદાર્થને પોતાના તરફ આકર્ષે છે. આ આકર્ષણશક્તિને લીધે બધા પદાર્થો ધરતી પર પડે છે. બધા ગ્રહોના આકર્ષણમાં એક સરખાપણું કે સમતુલન હોય તો એ પદાર્થો ક્યાં પડવાના?

સૂર્ય આથમતો નથી કે ઊગતો નથી. ધરતીની ગતિને કારણે આપણને સૂર્ય પૂર્વમાં ઊગતો દેખાય છે અને પશ્ચિમમાં આથમતો દેખાય છે. (ઋગ્વેદ ઐતરૈય બ્રાહ્મણ)

આર્યભટ્ટે ‘લઘુગુરુન્યાય’ના ન્યાય સિદ્ધાંત પ્રમાણે આ જ વિલક્ષણ ઘટનાની વાત કરી છે. લઘુ એટલે વજનમાં હળવું, ગુરુ એટલે વજનમાં ભારે. એટલે કે શિષ્ય જેમ ગુરુની આસપાસ ફરતો રહે તેમ નાના પદાર્થો મોટા પદાર્થોની આજુબાજુ ફરતા રહે છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે ચંદ્રને સૂર્યમાંથી પ્રકાશ મળે છે અને પ્રકાશે છે. આ મહામાનવે પ્રથમ વાર જણાવ્યું કે પૃથ્વી પોતાની ધરીની આસપાસ ફરે છે. એની દૈનિક ગતિના અને સૂર્યની આસપાસ પ્રદક્ષિણાના સમયગાળાની પણ એમણે ગણતરી કરી આપી હતી.

ભારતીય દૃષ્ટિએ સૂર્ય અને ચંદ્ર ગ્રહ છે. ગ્રહ એટલે જે બીજા પર પ્રભાવ પાડે છે અને જે બીજાથી પ્રભાવિત થાય છે.

ભારતના વિવિધ ખગોળ શાસ્ત્રીઓની ખગોળ વિષયક અને જ્યોતિષની ગણતરીઓ વિવિધ ખગોળીય પદાર્થોના સ્થાનને આધારે થઈ છે. એટલે આ ગણતરીઓ વિશે આપણે એમ ન કહી શકીએ કે બ્રહ્માંડ પૃથ્વીના કેન્દ્રમાં રહેલું છે. ભારતીય ખગોળ શાસ્ત્રીઓમાં આ સર્વસ્પષ્ટ વાત હતી કે સૂર્ય જ બ્રહ્માંડના કેન્દ્રમાં છે. વેદો અને ભારતીય ખગોળ વિદ્યા વિષયક ઉપર્યુક્ત ગ્રંથો આ જ વાતને સમર્થન આપે છે.

Total Views: 76

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.