વિશ્વાસથી ભય દૂર ભાગે છે

જમીન પર રાખેલા એક ફૂટ પહોળા લાકડાના પાટિયા પર એક બાળકને ચાલવાનું કહો. તે નિર્ભય બનીને એના પર ચાલે છે. હવે એ જ પાટિયાને જમીનથી ૨૦ ફૂટ અધ્ધર રાખીને બાળકને એના પર ચાલવાનું કહો. નીચે પડી જવાનો ભય એના હૃદયમાં વ્યાપી જાય છે. કોઈ પ્રોત્સાહક વાણી કે પુરસ્કારનું પ્રલોભન પણ એને એ કાર્ય કરવા પ્રેરતું નથી. પુરસ્કારનું આકર્ષણ હોવા છતાં પણ ભય એ બાળકની ઇચ્છાશક્તિ પર સવાર થઈ જાય છે. જે બાળક આવા ભયથી જાણે કે મરતું રહેતું હોય એને ધીરે ધીરે એ જ કાર્ય કરવા માટે તાલીમ આપી શકાય. ધીમે ધીમે ક્રમશ: એ પાટિયાની ઊંચાઈ વધારતા જાઓ તો બાળક નિર્ભય બનીને એના પર ચાલતાં શીખી લે છે.

આવા સતત પ્રયાસથી મનના સંદેહ કે મનના ભયમાંથી મુક્ત થવા માટે વિશ્વાસ અને બળ પ્રાપ્ત થાય છે. શરૂઆતમાં એ બાળક એટલી ઊંચાઈએ રાખેલ પાટિયા પર ચાલતાં એનો પગ કદાચ લથડી જાય તો એવો એને ડર હતો. પરંતુ ક્રમશ: પ્રશિક્ષણને લીધે એનામાં ઊભી થયેલ અભાવાત્મક ભાવનાઓ પર વિજય મેળવવા એને સમર્થ બનાવી દીધો. ભયને સ્થાને વિશ્વાસનો ભાવ સુદૃઢ બની ગયો. વારંવારના અનુભવોના પરિણામે જ આત્મવિશ્વાસ આવે છે.

હવે આપણે કોઈ વ્યક્તિના આત્મવિશ્વાસ વિશે આવા તારણ પર પહોંચી શકીએ છીએ કે એ આત્મવિશ્વાસ એની પોતાની સકારાત્મક તથા વિધેયાત્મક ધારણાઓનો કુલ સરવાળો છે. આગળના ઉદાહરણમાં ૨૦ ફૂટની ઊંચાઈ પર ઊભેલા બાળક પર ભયનું આક્રમણ થયું હતું. એણે નિયમિત અભ્યાસ કરીને એ ભયને દૂર કર્યો અને એની જગ્યાએ ‘હા, આ સંભવ છે’ની સકારાત્મક ધારણા સ્થાપિત કરી. એટલે વિશ્વાસ એક ભાવાત્મક કે સકારાત્મક દૃષ્ટિકોણ છે અને એ વારંવારના અનુભવો તથા પ્રયત્નોથી દૃઢ બની જાય છે. આત્મવિશ્વાસ કે વિશ્વાસ કોઈ સાધારણ ધારણાથી ભિન્ન છે. તમે વિશ્વાસનો આધાર લીધા વિના અનેક ધારણાઓ કરી શકો છો, પરંતુ ધારણાઓના આધાર વિના ક્યારેય વિશ્વાસ આવી શકતો નથી. અત: વિશ્વાસ પ્રાયોગિક શોધો દ્વારા વિકસિત તથા અનુભવોના સત્ય દ્વારા સ્થાપિત એક રચનાત્મક ધારણા છે. જો એ બાળકે આટલી ઊંચાઈ પર ચાલવાનો આત્મ વિશ્વાસ ઊભો કરી લીધો હોય તો ‘હું આટલી ઊંચાઈએ પણ ચાલી શકું છું’ એવી ધારણા એનામાં દૃઢ થઈ જાય છે, એટલે જ એનામાં ભયનો ભાવ રહેતો નથી. અત: વિશ્વાસ મનનો એક ભાવાત્મક અને વિધેયાત્મક દૃષ્ટિકોણ છે.

આપણું મન સદૈવ ભય, ઘૃણા, નિંદા તથા કષ્ટની ભાવનાનો વિરોધ કરે છે. વારંવાર નિષ્ફળ જવાને લીધે ઉદ્‌ભવેલ કષ્ટ, ઘૃણા તથા ભયની ભાવના તેમજ ‘હું આ કાર્ય કરી ન શકું’ એવી ભાવના યુવકોને આળસુ બનાવી દે છે. બાળકો કંઈક મેળવી શકે અને પોતાની વિફળતાથી હતાશ-નિરાશ ન બને એટલા માટે આપણે પ્રયાસ કરવા પડે. તેઓ વારંવારના પ્રયાસ દ્વારા પ્રોત્સાહિત બનીને અંતે સફળતા પ્રાપ્ત કરે એ પણ જોવું જોઈએ. બાળકોનો આત્મવિશ્વાસ દીનપ્રતિદિન વધતો રહે એ વાતનું આપણે ધ્યાન રાખવું પડે.

શિક્ષણમાં આત્મવિશ્વાસનું સર્વોપરિ મહત્ત્વ છે. શિક્ષકોએ ઘણી ધીરજથી બાળકોમાં આત્મવિશ્વાસ વધારવાનો પ્રયાસ કરવો જોઈએ. શું આ બધા માટે એક ચિંતનીય વિષય નથી?

ભય દરવાજે ટકોરા મારે છે. વિશ્વાસ દરવાજો ઉઘાડીને પૂછે છે, ‘કોણ છે?’ ત્યાં કોઈ નથી. વિશ્વાસનો અવાજ સાંભળતાં જ ભય ઊભી પૂંછડીએ ભાગી જાય છે. પોતાનામાં વિશ્વાસ અને ઈશ્વરમાં શ્રદ્ધા એ જ સફળતા તથા કંઈક પ્રાપ્તિની ગુરુચાવી છે.

ભયનો ભંડાર

વહેતા જળમાં વહેતી જતી એક વિશાળ હિમશીલાનો માત્ર નાનો એવો અંશ જ જળની સપાટી પર દેખાય છે. હિમશીલાનો વિશાળ અદૃશ્ય ભાગ તો જળમાં ડૂબેલો જ રહે છે. એવી જ રીતે આપણા મનનો અલ્પાંશ જ સપાટી પર ક્રિયાશીલ રહે છે અને બાકીનો ભાગ અવચેતનમાં છુપાયેલો રહે છે. અવચેતન મનના મોટા ભાગના ક્રિયાકલાપો આપણે સમજી શકતા નથી. મનોવૈજ્ઞાનિકોનું એવું કથન છે કે આપણા મોટા ભાગનાં વ્યવહાર, દૃષ્ટિકોણ તથા ભાવનાઓ આ અવચેતન મન દ્વારા નિયંત્રિત થતી રહે છે. આપણે પ્રાય: પોતાનાં ભય તથા દુ:ખકષ્ટને કારણે જ અજાણ રહીએ છીએ. એનાં મૂળિયાં મનની ગહનતર સપાટીઓમાં છુપાયેલાં અને છવાયેલાં રહે છે. ભય આવા ઊંડાણના અદૃશ્ય ઉદ્‌ગમ સ્થાને રહીને આપણા પર શાસન કરતો રહે છે. અવચેતન કે અચેતન મન ભયની મૂળ આધારભૂમિ કે એનો ખજાનો છે.

ભય એટલે એક રક્તપીપાસુ રાક્ષસ

ભયની કેટલીક ગ્રંથિઓ બધા મનુષ્યોને પીડતી રહે છે. બાહ્ય રૂપે આપણે એ ગ્રંથિઓની અભિવ્યક્તિઓને જોઈ શકતા નથી. એ બધી અવચેતન સ્તર પર આપણને પીડતી રહે છે. સામાન્ય ભય એક રીતે સુરક્ષાત્મક હોય છે. એ આપણને સાવધાન કરે છે અને વર્તમાન તેમજ ભવિષ્યના ખતરાની ચેતવણી પણ આપે છે. પરંતુ કાલ્પનિક કે આધારહીન ભય આપણને ડગલે ને પગલે હેરાન પરેશાન કરતો રહે છે અને આપણને દુર્બળ બનાવતો રહે છે. આ મનમાં દુર્બળતા લાવનારી એક માંદગી જ છે. તે આપણી શક્તિને નહિ પણ આપણી દુર્બળતા અને અસમર્થતાને વ્યક્ત કરે છે. આપણી દૈહિક, માનસિક અને આધ્યાત્મિક દુર્બળતાનું એક માત્ર કારણ ભય જ છે.

જે રાતે જઈને લોકોનું લોહી ચૂસ્યા કરે છે એવા વિશાળકાય ચામાચિડિયામાં કેટલાક દેશોના લોકો માને છે. એ કહેવાતાં ચામાચિડિયા કેવળ ઊંઘને સમયે જ લોહી પીએ છે. કાલ્પનિક ભય જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થાઓમાં આપણું લોહી પીતો રહે છે. જેમ કિટાણું કે રોગાણું કેવળ ગંદા અને અસ્વચ્છ સ્થાનોમાં જન્મે છે. એવી જ રીતે ભય પણ કેવળ અજ્ઞાની મનમાં જ ઉત્પન્ન થાય છે. નિર્ભયતા પણ મનની વૃત્તિ છે. કેટલાક લોકો બાળપણથી જ પોતાનાં માતપિતા કે પ્રતિકૂળ પરિસ્થિતિઓને લીધે ભયની આવી દૂષિત પ્રવૃત્તિમાં રચ્યાપચ્યા રહે છે. કેવળ કેટલાક વિરલ ભાગ્યશાળી લોકો જ સદૈવ નિર્ભય રહેવાનું શીખી શકે છે. સાહસ, સ્થિરતા, બળ અને ધૈર્ય વગેરે ભયની દુર્બળ બનાવનારી ભાવનાઓથી આપણને દૂર રાખી શકે છે, એ વાતમાં કોઈ સંદેહ નથી. ‘એકમાત્ર મન જ કોઈની સફળતા, સમૃદ્ધિ અને એનાં દુ:ખકષ્ટો માટે જવાબદાર છે.’ આ પ્રાચીન ઉક્તિ આજે પણ એટલી જ સત્ય છે.

ભયનું પરિણામ

કોઈ પણ માણસ ભયગ્રસ્ત બને એટલે એના હૃદયના થડકારા વધી જાય છે, શરીર કાંપવા લાગે છે અને શ્વાસોચ્છ્‌વાસમાં સમતુલા રહેતી નથી. પરસેવો આવવા લાગે છે. આપણી વિચારશક્તિ બહેરી કે અંધકારમય થઈ જાય છે અને આપણે પૂરેપૂરા હતપ્રભ થઈ જઈએ છીએ. આવી પરિસ્થિતિઓ આપણાં શરીર તથા મન બંનેને અશક્ત કરીને આપણા વિશ્વાસનો ભાંગીને ભુક્કો કરી નાખે છે. ભયપીડિત કોઈ પણ વ્યક્તિ સુયોગ્ય રીતે કાર્ય કરી શકતો નથી. માનવને અનિદ્રા, સંભ્રમ અને લોહીનું ઊંચું દબાણ જેવા અનેક રોગો ભેટ રૂપે ભય દ્વારા મળે છે. કેટલાક સંક્રામક ભય નિરાધાર હોય છે, છતાં પણ વ્યવહારમાં અસામાન્ય પરિણામ લાવી દે છે. ભયભીત લોકો દરેક પ્રકારનાં જઘન્ય કાર્ય કરી બેસે છે. એક વિશેષજ્ઞનું એવું કહેવું છે કે દરેક વર્ષે સાપ કરડવાથી એક વ્યક્તિનું મૃત્યુ થવાને લીધે હજારો સાપને નિર્દયતાપૂર્વક મારી નાખવામાં આવે છે. આ ક્રૂર આચરણની પાછળ સૂક્ષ્મ રૂપે આતંક કે ભય જ કાર્ય કરે છે. ભય સર્વત્ર પોતાનું ભયાનક માથું ઊંચકતો રહે છે. વિકાસશીલ દેશોને અમેરિકાનો ભય લાગે છે, આરબ લોકોને યહુદીઓનો ભય લાગે છે અને યહુદીઓ આરબોથી ડરે છે. શ્વેત લોકો અશ્વેત લોકોથી અને અશ્વેત લોકો શ્વેત લોકોથી ડરતા રહે છે. મનુષ્યની સ્વાર્થપરાયણતાને કારણે રાષ્ટ્રિય, આંતરરાષ્ટ્રિય, ધાર્મિક અને સામાજિક, જીવનનાં બધાં ક્ષેત્રોમાં ભયનું રોક્યા-ટોક્યા વગરનું શાસન ચાલે છે. ભયથી સંદેહ, સંદેહથી ક્રોધ, ક્રોધથી હિંસા અને હિંસાથી વિનાશનો પથ કોરાય છે. ભયને કારણે બધા ઉત્તમ ગુણો નાશ પામે છે. માનવ હિંસક પશુ બની જાય છે. ભય ક્યાંય આકાશમાં રહેતો નથી પણ એ તો માનવ મનમાં જ વસે છે. ભલે અણુબોંબ કે પરમાણુ બોંબનું નિર્માણ કારખાનામાં થતું હોય પણ એના નિર્માણનું મૂળ માનવમનમાં છુપાયેલો ભય જ છે. એટલે જ એ ભયને મૂળિયાં સાથે ઉખેડી નાખવો જોઈએ. કોઈ રાષ્ટ્રે અનુભવેલ ભય એની જનતાનો સામૂહિક ભય બની જાય છે. એક નિર્ભય મહાન નેતા પોતાનાં સાહસ, પરાક્રમ તથા ઉદાત્ત આદર્શોથી માનવ સમાજનું ભાગ્ય પલ્ટી નાખે છે.

શું આપણને સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધીજીના જીવનમાં આવી મહાનતાનું દર્શન નથી થતું? જ્યારે ભારતવાસીઓએ અંગ્રેજી સૈનિકોની ગોળીઓથી ડરવાનું બંધ કર્યું ત્યારે અંગ્રેજોએ ભારત છોડીને ચાલ્યા જવું પડ્યું.

ભયના ભિન્ન ભિન્ન પ્રકાર

મહાભારતમાં ભીષ્મ પિતામહ કહે છે કે રાજા સમકાલીન સમાજ પર પોતાનો પ્રભાવ પાડે છે. એટલે જ નેતાઓ અને ઉચ્ચ સ્થાને રહેલા લોકો સામાન્ય જનોનાં જીવનમાં પરિવર્તન લાવી શકે છે. તેઓ સામાન્યજનોને સદ્‌ભાવ, સહયોગ અને નિર્ભયતાના આદર્શોથી અનુપ્રાણિત કરી શકે છે. ભારત પર આક્રમણ કરનાર વિદેશી આક્રમણકારો અને ભારત વિશે અધ્યયન કરવા આવેલા વિદ્વાન યાત્રીઓ કેટલાક રાજાઓના શાસનકાળ દરમિયાન ભારતમાં પ્રચલિત ઉચ્ચ નૈતિક માનદંડોનું ગુણગાન ગાય છે. આમ છતાં પણ પદલોલુપ અને દૂરદૃષ્ટિ વિહોણા, જનતા પ્રત્યે સહાનુભૂતિ વિનાના અને અનેક બંધનોથી જકડાયેલા નેતાઓ ઉત્તમ પ્રાપ્તિનો કયો માર્ગ બતાવી શકે? પોતાની શક્તિ હરાઈ જવાના ભયથી પીડિત આ નેતાઓ જનતાના મનમાં ભયનું વાવેતર કરીને એમનામાં ફાટફૂટ કરતા રહે છે. એવી રીતે આપણે સમગ્ર જગતને સુધારી શકતા નથી, પણ પોતાની સુધારણા જરૂર કરી શકીએ છીએ. કાર્લાઈલે કહ્યું છે: ‘જો તમે તમારી જાતને બદલી નાખો તો સમગ્ર જગતને ઓછામાં ઓછા એક મૂર્ખથી તો મુક્તિ મળી જાય.’ જો વ્યક્તિગત જીવનમાંથી ભય ચાલ્યો જાય તો સામુદાયિક જીવન પોતાની મેળે જ ભયમુક્ત બની જાય.

માનવને ત્રાસ આપનાર ભય ભિન્ન ભિન્ન પ્રકારના છે. એમાંથી કેટલાક આવા ભય છે : 

‘ભિન્ન ભિન્ન રોગોનો ભય,
ઝેરી સાપનો ભય,
ભૂતપ્રેત અને કાળાજાદુનો ભય,
સતાવતો રહે છે સંસારને.
આનુષ્ઠાનિક અશુચિતાનો ભય,
નિર્ધનતા અને અપમાનનો ભય,
સતાવે છે માનવને.
પ્રિયજનોથી થનારા વિયોગનો ભય,
વ્યાપાર વાણિજ્યમાં નુકશાનનો ભય,
સતાવે છે માનવોને.
વિદ્યાર્થીઓને પરીક્ષાનો ભય થરથરાવે છે.
ખોટાં કાર્યોની સજાનો ભય સૌને પીડે છે.
પોતાના જ લોકો દ્વારા છેતરાવાનો ભય,
કરજના ફંદામાં ફસાવાનો ભય,
સરકાર દ્વારા સંપત્તિ જપ્ત થવાનો ભય,
સતાવે છે ઘણાને.
ચોર અને ડાકુઓનો ભય,
યુદ્ધ અને વિનાશકારી શસ્ત્રોનો ભય,
સૌને કંપાવી દે છે.
પ્રદુષિત પર્યાવરણનો ભય,
મૃત્યુ અને નરકની યાતનાનો ભય,
કોને સતાવતો નથી?’

ભયનો આ કઠોર ફાંસલો કોઈ પણ વ્યક્તિને કેવી રીતે ઉત્પીડિત કરે છે, શું તમે એ જાણો છો?

Total Views: 39

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.