પરંતુ બલિષ્ઠ કાળબળ અને સહેજે નીચે લપસણો માનવસ્વભાવ જગતને એકધારું જીવવા દેતાં નથી. પ્રાચીનકાળમાં જ કેટલાક બ્રાહ્મણો પોતાના પરંપરિત મહાન વ્યવસાય-જ્ઞાનના આદાનપ્રદાનને છોડી ઠેઠ મહાભારતકાળનીય પહેલાંથી ક્ષત્રિયો કે વૈશ્યોના પરંપરિત વ્યવસાયોમાં પડ્યા. આ રીતે કેટલાક બ્રાહ્મણોએ પરંપરિત વ્યવસ્થાને છોડીને જ્ઞાતિસંસ્થાનો વ્યાવસાયિક આધારસ્તંભ ધ્વસ્ત કર્યો એટલે પછી અન્ય વ્યવસાયનામી જ્ઞાતિઓએ પણ એવું જ કર્યું. પરિણામે વ્યવસાય આધારિત જ્ઞાતિસંસ્થાનું આખું માળખું કડડભૂસ કરતું તૂટી પડ્યું! હવે કેવળ વંશીયતા અને રોટી-બેટીનો કહેવાતો આધાર પૂરતો રહ્યો અને છેલ્લાં પચાસ વર્ષોમાં એ પણ ધરાશાયી થઈ ગયો!

તો હવે? વળી પાછી વંશીય હક-મોભાવાળી સ્થાપિત હિતની વાતે માથું ઊંચક્યું. આ વાત આજની નથી ઠેઠ મહાભારતના દ્રોણાચાર્ય, વિશ્વામિત્ર અને પરશુરામથી ચાલી આવી છે. અશ્વત્થામાને બ્રાહ્મણના વંશનો ગણીને જ એની હત્યા નહોતી કરાઈ! મહાભારતના પૂર્વોત્તરકાળની સ્મૃતિઓમાં વંશપરસ્ત બ્રાહ્મણોએ સ્વપ્રશંસાઓ પાથરી છે. તે જોઈને આપણને વીસમી સદીમાં બધા વૈજ્ઞાનિક વિકાસનું શ્રેય એકલી નોર્ડિક જાતિને જ આપી દેવાનાં ફૂંકાયેલાં બણગાંઓ યાદ આવી જાય છે! જો કે એ બણગાંઓ અને આ પ્રશંસાઓમાં આકાશપાતાળનું અંતર છે. સ્મૃતિઓમાં ગર્વની ગંધ પણ નથી – આ બણગાંઓમાં તો એ ભરપૂર ભરી છે, પણ આવી પ્રશંસાઓથી દ્વિમુખી નુકસાન તો થયું જ. એક તો એથી એમની આધ્યાત્મિકતાનો સત્યાનાશ થયો અને બીજું એણે સમાજના અન્ય વર્ગોના સભ્યોમાં વિકૃત પ્રતિક્રિયા ઊભી કરી દીધી! અને આમ છતાંય સમાજને ઝોક આપનાર તો બ્રાહ્મણો જ રહ્યા! આદર્શ માનવનું પ્રતિનિધિત્વ પણ એમણે કર્યું હતું અને એને છોડીને સમગ્ર સમાજમાં આ દુર્ઘટના સર્જવાની જવાબદારી પણ એમને શિરે જ પડી! જો આજનો સામાન્ય હિંદુસમાજ ભ્રષ્ટાચાર, સગાંવાદ કે અનૈતિકતામાં ડૂબી ગયેલો લાગે, તો એનીય જવાબદારી આ બ્રાહ્મણો પર લાદી દેવામાં આવે છે!

મૂળની પ્રાચીનતમ વર્ણવ્યવસ્થામાં સામાજિક સીડીને મોખરે જો બ્રાહ્મણ હતો, તો છેલ્લે પગથિયે શૂદ્ર હતો. આ શૂદ્ર કોણ? એ વિચારણીય વિષય છે. સમાજશાસ્ત્રીઓ અને માનવવંશ-શાસ્ત્રીઓ ગમે તે માને પણ હકીકતમાં શૂદ્રો પણ ભારતીય સમાજનું વર્ણવ્યવસ્થામાં અભિન્ન અંગ જ હતું. એ લોકો શારીરિક શ્રમ દ્વારા આજીવિકા રળતા અને તેમનું પણ સમાજમાં એક નિશ્ચિત સ્થાન હતું. પ્રાચીન વૈદિક સાહિત્યમાં શૂદ્રોને રસોયા તરીકે રાખવાના અને શૂદ્રો સાથે આંતરવિવાહ કરવાનાં અન્ય વર્ણોનાં ઉદાહરણો ઓછાં નથી. (જુઓ, આપસ્તંબ ધર્મશાસ્ત્ર, ૨.૨.૩.૪) ત્રૈવર્ણિકો શૂદ્રોએ આપેલા ભોજનના નિમંત્રણનો સ્વીકાર કરતા. શૂદ્રો ખેતીના ભાગિયા અને પરિવારના મિત્રોય બનતા. (જુઓ, ગૌતમધર્મસૂત્ર, ૧૭.૧ અને ૬) બાદરિઋષિ જેવાઓએ તો શૂદ્રોને અગ્નિહોત્ર અને સંસ્કારોનો ય હક આપ્યો હતો. આ બધાંનું તારણ કદાચ આપણે એવું કાઢી શકીએ કે વૈદિક અગ્નિ અને વેદોના અધ્યયન – અધ્યાપન સિવાય શૂદ્રો બીજી બધી રીતે સમાજમાં અન્ય આર્યોની પેઠે જ સુંદર જીવન જીવી શકતા અને અધ્યાત્મજ્ઞાન મેળવી શકતા. ભલે વેદોમાંથી નહિ તો ઇતિહાસ પુરાણોમાંથી!

દૈવયોગે આમાં સડો પેઠો. કાળનાં જડબામાં શૂદ્રોનું સ્વાતંત્ર્ય ધીરે ધીરે ચવાવા લાગ્યું, એમની સામાજિક ક્ષમતાઓનો ધીરે ધીરે હ્રાસ થતો ગયો. એમનાં માનમોભો ઘટ્યાં, એમાંના કેટલાક તો અસ્પૃશ્ય ગણાયા, બાકીના સમાજથી બહિષ્કૃત થઈને તેમને ગામને છેવાડે વસવું પડ્યું, એમાં કોઈ ક્ષતિ થાય તો સજા ફરમાવાઈ.

આવું ભયંકર પાતક સમાજમાં કેમ પેસી ગયું? આવો હડહડતો માનવતાહીન અન્યાય સમાજમાં પેઠો જ કેવી રીતે? આવો દુષ્ટ દૈવયોગ કેમ આવ્યો? એનાં અનુમાન કંઈક આવાં હોઈ શકે. સામાન્ય વસતિવધારાને લીધે શૂદ્રોનીય વૃદ્ધિ થઈ હશે અને ઉચ્ચતર જ્ઞાતિઓના મનમાં અભાનપણે પેદા થયેલા સંખ્યાવૃદ્ધિના ભયે તેમને શૂદ્રો પર નિયંત્રણો લાદવા પ્રેરી હશે. અથવા અનુલોમ – પ્રતિલોમ વિવાહોની અતિવૃદ્ધિથી એવાં લગ્નો કરનારનાં માબાપને પણ ઉચ્ચતરોએ, શૂદ્રોમાં ધકેલી દીધાં હશે અને એમ શૂદ્રવર્ણની સંખ્યા વધતી ચાલી હશે અને એવા ધર્મચ્યુતોને પૂર્વની સુવિધાઓ આપવા બ્રાહ્મણો ઇચ્છતા નહિ હોય! વળી, વિદેશી જાતિના આક્રમકોએ ભારતમાં જ ઠરીઠામ થવાનું નક્કી કરતાં ન તો એમને નકારી શકાયા, કે ન તો એમને પૂર્ણ રીતે ભેળવી શકાય. એટલે એ લોકોમાંથી ઘણા ધીરે ધીરે શૂદ્રત્વ પામતા ગયા હશે! સ્થાનીય ભારતીય સંસ્કૃતિથી તેઓ અલગ હોવાથી ભારતીય ધર્મ-સંસ્કૃતિના રક્ષણને બહાને એમના ઉપર નિયંત્રણો લદાયાં હશે.

ગમે તેમ પણ કહેવાતા શૂદ્રોની આમ અધોગતિ થતી જ રહી! અને એની પરાકાષ્ઠા – હિંદુસમાજના કપાળમાં કાળી ટીલીરૂપે અસ્પૃશ્યતામાં પર્યવસાન પામી! વૈદિક સમય કે પ્રાચીન ધર્મશાસ્ત્રના કાળમાં અસ્પૃશ્યતા ક્યાંય મળતી નથી એમાં તો નિમ્નતમ ચાંડાલનેય શૂદ્રોમાં ગણી લેવાયા છે.

આ અસ્પૃશ્યતાનું કલંક ક્યારથી શરૂ થયું, તે કહેવું મુશ્કેલ છે. જન્મમરણ વખતે સૂતક લાગવાથી અપવિત્ર અને અસ્પૃશ્ય પરિવારજનોની વાત આપણે ત્યાં જાણીતી છે. અપવિત્ર પદાર્થના સ્પર્શથી માણસ અસ્પૃશ્ય બને અને પછી સ્નાન કરવાથી પાછો પવિત્ર બને છે, તે પણ આપણે જાણીએ છીએ આ ધારણા ઉપર જ ‘સદાયે અપવિત્ર મલિન કામ (વ્યવસાય) કરનારાઓ સદાય અસ્પૃશ્ય’ – એવો ખ્યાલ ઊભો થયો હશે. અને મેલું ઉપાડનાર, ખાટકી અને માંસ વેચનારા વગેરેને એ વર્ગમાં મૂકવામાં આવ્યા હશે. અને એનો અલગ વાસ કરવામાં આવ્યો હશે. કારણમાં આખા સમાજનું સ્વાસ્થ્ય, આગળ ધરાયું હશે. અહીં આપણને આફ્રિકાના અને ઓસ્ટ્રેલિયાના બુશમેનો ઉપરનો વંશીય વિદ્વેષને કારણે ગુજારાયેલો જુલ્મ અને અમેરિકાના નિગ્રો ઉપરનો અમેરકાનો સિતમ યાદ આવ્યા વિના રહેશે નહિ! આમાં વધુ ખરાબ તો એ થયું કે એ મલિન વ્યવસાય કરનારી એકાદ વ્યક્તિને બદલે આખો પરિવાર અને વંશ પણ લેવાદેવા વગર જ અસ્પૃશ્ય બની ગયાં! અને એથીય ખરાબ તો એ કે એને આખા હિંદુસમાજે આંખો મીંચીને માની લીધી! – અસ્પૃશ્યતાનું કલંક સ્વીકારાયું. ભવતિ વિનિપાત: શતમુખ:. અલબત્ત આ અસ્પૃશ્યતા વિરુદ્ધ જબરા આર્તનાદો અને બળવાઓ ભારતના ભક્તિ-સંપ્રદાયો (પંદર-સોળમી સદી), નારાયણ ગુરુ અને મહાત્મા ગાંધીએ કર્યા! અભાગિયાઓને મોભાસરનું જીવન જીવવા માટે સમાજને ઢંઢોળ્યો!

તો હવે આવી જ્ઞાતિવાદી વિષમતાઓ, અસ્તવ્યસ્તતાઓ, અસ્પૃશ્યતા અને અસ્વસ્થતામાંથી સમાજને ઉગારવાનો કશો ઉપાય છે ખરો? અને આધુનિક ભારતમાં આ જ્ઞાતિસમસ્યાનો કશો ઉકેલ દેખાય છે ખરો? વિચારીએ- એક વાત ચોક્કસ જ છે કે આ વિકૃત અને વકરેલો જ્ઞાતિવાદ અવારનવાર અનેક ગંભીર સામાજિક સમસ્યાઓ ઊભી કરતો રહ્યો છે. કાયદા અને વ્યવસ્થાની સમસ્યાઓ પણ એનાથી સર્જાય છે. આ જ્ઞાતિવાદે સમાજના માનસમાં એટલાં ઊંડાં મૂળ ઘાલ્યાં છે કે અસ્પૃશ્યોના વર્ગોમાંય એકબીજાથી ઊંચનીચની ભાવના ઘર કરી બેઠી છે. અને આ સમસ્યાને સ્વાર્થી અને સંકુચિત રાજકારણીઓએ ગાઢ કરી દીધી છે. મોભાના લોભી તથાકથિત સમાજસેવકોનોય એમાં સાથ છે. કેન્દ્રે કે રાજ્યે ઘડેલા કાનૂનોને આ લોકો અસરકારક થવા દેતા નથી.

ઘણા સમાજસેવકોએ એનો એકમાત્ર ઉકેલ જ્ઞાતિપ્રથાની નાબૂદી બતાવ્યો છે. પણ એ તો માથાનો દુ:ખાવો મટતો નથી, માટે માથું જ કાપી નાખવા જેવી વાત થઈ! મધ્યકાલીન ધાર્મિક નેતાઓ – કબીર આદિએ કરેલા આવા પ્રયાસનું ફળ જ્ઞાતિપ્રથાની નાબૂદી ન આવ્યું, પણ પોતાની એક આગવી નાત-જમાત-જ્ઞાતિ ઊભી થવામાં જ આવ્યું, એ સૌ જાણે છે!

જે દેશોમાં ભારત જેવી જ્ઞાતિપ્રથા નથી ત્યાં પણ સામાજિક ઉદ્વેગ અને હિંસક અથડામણો અદૃશ્ય નથી. વંશીય બળવાઓ, સાંપ્રદાયિક હિંસા અને ધાર્મિક સંઘર્ષો-સહધર્મીઓમાંયે સંઘર્ષો થાય જ છે. એટલે જ્ઞાતિપ્રથાને નાબૂદ કરી નાખવાનો ઉકેલ તો કદાચ સમસ્યા કરતાં પણ વધુ હાનિકારક લાગે છે!

ખરો ડહાપણભર્યો ઉકેલ તો એ લાગે છે કે આ જ્ઞાતિસંસ્થાને એક નવો જ ખ્યાલ – નવી જ વિભાવના આપવી. અને એમાં જે છટકબારીઓની સંભાવના હોય એને ખોળીને દૂર કરવી. એવાં ઘટકો રચાય કે જેથી સમાજનું કલ્યાણ થાય. આપણે એ યાદ રાખવું જોઈએ કે માનવ ઇતિહાસમાં સમગ્ર સમાજમાં આવાં જ્ઞાતિ જેવાં શ્રમવિભાજનની ઓળખવાળાં ઘટકોએ જ હજારો વરસોથી સમાજનું સફળતાપૂર્વક સંચાલન કર્યું છે કાર્યવિભાજનના ઘટકો વગરનો સમાજ ગતિ કરી શકતો નથી.

પરંતુ એમાં સખત બાજનજર એ રાખવી પડે છે કે સ્વાર્થ અને પોતાના જ જૂથને – કહો કે જ્ઞાતિને – શ્રેષ્ઠ માનવાનું મિથ્યાભિમાન તો ઘૂસી નથી જતું ને? આ બે દૂષણોએ જ આપણી જ્ઞાતિપ્રથાઓની ઘોર ખોદી છે! સ્વાર્થતત્ત્વે પરસ્પરના વ્યવસાયો પર આક્રમણ કર્યા અને મિથ્યાભિમાને વંશીય સંઘર્ષો નોતર્યા! અને આજની અવદશામાં ધકેલાયા છીએ! આ બે દૂષણોને મૂળમાંથી ડામી દઈને વંશીયતાવિહોણો સમાજ-અભિમુખી નિ:સ્વાર્થ રચનાત્મક અભિનવ સમાજઘટકોની રચના જ માત્ર એનો વિકલ્પ છે. એનેય તમે ‘જ્ઞાતિ’ એવું નામ આપી શકો છો. આર્થિક-સાંસ્કૃતિક ઉન્નતિ કરતાં આવાં ઘટકો, અન્ય ઘટકોને પણ એવું કરવા પ્રેરશે.

બધાં જ સમાજઘટકોની ઉન્નતિનો શ્રેષ્ઠ અને એકમાત્ર ઉપાય શિક્ષણ છે. સમાજના સર્વરોગોનું એ રામબાણ ઔષધ છે. આ શિક્ષણ કેવળ વ્યાવસાયિક તાલીમ આપવાને બદલે એની સાથોસાથ નૈતિક – આધ્યાત્મિક-સાંસ્કૃતિક મૂલ્યોની નિષ્ઠાવાળું હોવું જોઈએ. એનું નામ જ ‘ધર્મ’ છે. એ અર્થમાં શિક્ષણ ધર્મકેન્દ્રી હોવું જોઈએ. આવો શિક્ષિત જન પોતાને ભવ્ય સંસ્કૃતિના વારસદાર તરીકે પિછાણે તો જ જંગલિયતમાંથી માનવતાના મંદિરમાં પ્રવેશી શકાય. આ બ્રાહ્મણત્વ છે. અને આપણે વંશીયતાને હડસેલીને શૂદ્રો સહિત સર્વનું ‘બ્રાહ્મણીકરણ’ કરવાનો આદર્શ રાખવો જોઈએ. અને એની શરૂઆત આપણા વ્યક્તિ ગત આચરણથી થવી જોઈએ. બીજાને ઉપદેશ આપીને નહિ. ‘આપણે સારા તો જ સૌ સારા!’

અત્યંત દુર્ભાગ્યપૂર્ણ વાત દેશમાં એ થઈ કે છેલ્લા કેટલાક દસકાઓથી બ્રાહ્મણો વિરુદ્ધ પદ્ધતિસરનું આંદોલન બિનબ્રાહ્મણોએ શરૂ કર્યું છે! અને સમાજનાં બધાં દૂષણો માટે બ્રાહ્મણોને જવાબદાર ઠેરવવા યત્ન કર્યો છે એનો જવાબ આપણે સ્વામી વિવેકાનંદના શબ્દોમાં જ દઈએ. સ્વામીજી કહે છે :

‘.. એટલે જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચે ઝઘડવાનો કશો અર્થ નથી, એ તો આપણામાં વધારે ભાગલા પડાવીને આપણને વધુ નિર્બળ બનાવી મૂકશે, વધારે નીચા પાડી દેશે. ઊંચાને નીચે પાડવો એ કંઈ ઉકેલ નથી પણ નીચાને ઊંચાની હરોળમાં લાવવો એ જ ઉકેલ છે. બધાં શાસ્ત્રોમાં એ જ ઉકેલ મળે છે એને એક છેડે બ્રાહ્મણ છે અને બીજે છેડે ચાંડાલ છે. આખી શાસ્ત્રપ્રક્રિયા ચાંડાલને બ્રાહ્મણ બનાવવાની છે, તમે જોશો કે ધીરે ધીરે ચાંડાલ બ્રાહ્મણના અધિકાર પામે છે.’

પ્રાચીનતમ કાળે બ્રાહ્મણ આર્યવંશનો ઉપદેશક અને આત્મસાક્ષાત્કાર માટે સર્વસ્વ ત્યાગી દેનાર પણ એ સૌથી પહેલો જ હતો. એ આગળ પહેલો હતો એ કંઈ એનો વાંક ન હતો. તો પછી અન્ય જ્ઞાતિઓએ શા માટે એવું સમજીને એનો વિરોધ કરવો જોઈએ? એનો ખાર રાખી ઉન્નતિ કરવાને બદલે શા માટે અન્ય જ્ઞાતિઓએ આળસુ બની બેસી રહેવું જોઈએ?

બિનબ્રાહ્મણોને હું કહું છું કે (યાદ રહે કે સ્વામી વિવેકાનંદ બ્રાહ્મણ ન હતા). થોભો! ઉતાવળા ન થાઓ! બ્રાહ્મણો સાથે ઝઘડવાની તકો ઝડપશો નહિ. કારણ કે તમે તમારા જ દોષનું ફળ ભોગવો છો. તમને અધ્યાત્મવિદ્યા અને સંસ્કૃતનું અધ્યયન કરવાની કોણે ના પાડી હતી? આટલા બધા વખત સુધી તમે ક્યાં સૂતા હતા? શા માટે તમે ભારતની બધી જ્ઞાતિઓને-લાખો-કરોડો લોકોને સંસ્કૃતનું શિક્ષણ ન આપ્યું? અત્યારે પણ તમે જે ક્ષણે એ શરૂ કરશો કે તરત જ બ્રાહ્મણોની સમકક્ષ બની જ જશો. ભારતની શક્તિનું એ રહસ્ય છે.’

વિવેકાનંદે પોતાના જીવનકાળ દરમિયાન બધા માટે સંસ્કૃતના અધ્યયનની ભલામણ કર્યા કરી હતી. કારણ કે એમને મતે આપણા પ્રાચીન ધાર્મિક-સાંસ્કૃતિક સાહિત્યનો આખો ખજાનો એ ખોલી આપે છે અને વ્યક્તિમાં સંસ્કાર અને શિષ્ટતા લાવે છે.

જ્ઞાતિ સાથે જકડાયેલી એક બીજી સમસ્યા સ્વજ્ઞાતિમાં જ રોટી-બેટીના વ્યવહારની છે. જો કે શહેરી વિસ્તારોમાં હવે અન્ય જ્ઞાતિજનો સાથે રોટીવ્યવહાર તો સામાન્ય બની ગયો છે. પણ પછાત ગામડાઓમાં હજુ એ પ્રતિબંધ ચાલુ રહ્યો છે. પણ આંતર જ્ઞાતીય વિવાહનો પ્રતિબંધ તો શહેરી-ગ્રામ્ય બધી જગ્યાએ હજુએ અકબંધ રહ્યો જ છે. ગ્રામીણ વિસ્તારોમાં તો આવાં આંતરજ્ઞાતીય લગ્નોથી હિંસા પણ ફાટી નીકળે છે! આંતર જ્ઞાતીય લગ્નો માટે ગમે તેટલાં સરકારી પ્રોત્સાહનો અને પ્રચારો હોવા છતાં આ ખ્યાલ સામાન્ય જનતાને ગળે હજી ઊતર્યો નથી. આ બાબતમાં સામાન્ય જનતાનું વલણ તો એટલું બધું કડક છે કે પેટા જ્ઞાતિઓમાં થતાં આંતરજ્ઞાતીય લગ્નો તરફ પણ એ સૂગાળવી નજરે જુએ છે. આ એક લાગણીનો સવાલ હોઈને એમાં ધીરે ધીરે ને કાળજીપૂર્વક પગલાં ભરવાં જોઈએ. સ્વામી વિવેકાનંદના કહેવા પ્રમાણે આ એકતાની પ્રક્રિયા પહેલાં પેટાજ્ઞાતિઓ અને પેટા જૂથોમાં થઈને ધીરે ધીરે મુખ્ય જ્ઞાતિઓમાં ભળીને છેવટે ચાર મૂળ વર્ણોનું પ્રતિષ્ઠાપન થવું જોઈએ અને એની સાથોસાથ એને અધિકારો અને સમાજ પ્રત્યેની ફરજો સુસ્પષ્ટ રીતે જણાવવી જોઈએ. આ ફરજો ઉપર તો પૂરો ભાર મુકાવો જોઈએ. અલબત્ત, એમાં યુવાવસ્થામાં લીધેલું સાચું શિક્ષણ જ મહત્ત્વનો ભાગ ભજવી શકે છે.

આ બધું કરવા માટે આપણે સાચા બ્રાહ્મણોની સાચા શિક્ષણકારોની – શિક્ષણને સમર્પિત લોકોની – રાહ જોવાની રહે છે. વૈશ્યવૃત્તિના શિક્ષણકારોએ શિક્ષણની ઘોર ખોદી છે. આપણે તો એ માટે સાદા જીવન અને ઉચ્ચતમ વિચારવાળા બ્રાહ્મણો જોઈએ છે. એવા શિક્ષકો સમાજ ઝંખે છે કે જેઓ પોતાના એક જ દીપકમાંથી અનેક શીલવંતાં યુવકયુવતીઓ પ્રકટ કરે! જેઓ સમાજનું સંતુલન કરે, સરળતાથી અને જલદીથી સમાજને સ્વસ્થ કરી દે – શ્રોત્રિયં બ્રહ્મનિષ્ઠમ્‌ – નિષ્ઠા અને દૃષ્ટિસંપન્ન ત્યાગી શિક્ષણકારો!

તો છેલ્લે કેટલાંક તારણો કાઢીએ :

(૧) વેદકાલીન આર્યોના સમાજની અને સંસ્કૃતિની મૂળની વર્ણવ્યવસ્થામાંથી જ સમાજનો વિકાસ અને વૃદ્ધિ થતાં સ્વાભાવિક રૂપે જ જ્ઞાતિપ્રથાનો જન્મ થયો છે – વર્ણમાંથી જાતિ અને જાતિમાંથી જ્ઞાતિ.

(૨) આ વ્યવસાયમૂલક જ્ઞાતિસંસ્થાએ વિદેશીઓના સતત આક્રમણો વચ્ચે પણ પાંચ-છ હજારો વર્ષો સુધી ટકી રહીને એણે હિંદુ સમાજને સ્વસ્થ રાખ્યો છે.

(૩) બ્રાહ્મણોના પ્રથમ આધ્યાત્મિકતાના વિસ્મરણીય આ જ્ઞાતિસંસ્થામાં પહેલો સડો શરૂ થયો. પછી એમાં વર્ચસ્‌ની ભૂખ અને સ્થાપિત હિતો પેઠાં, વ્યવસાયોનો વ્યતિક્રમ થયો. પશ્ચિમીસંસ્કૃતિના ઔદ્યોગીકરણે આવીને તો ભૌતિક સુખવાદ વધાર્યો, યંત્રયુગે ઘણું બધું ઉથલપાથલ કરી નાખ્યું.

(૪) શિક્ષણ, સંસ્કાર દ્વારા લોકમાનસમાં યોગ્ય વલણ ઘડીને પારસ્પરિક શંકા-કુશંકાઓ દૂર કરીને પારસ્પરિક સાથસહકારથી રહેવા માટે ઈષ્ટ વાતાવરણ રહે તેમ કરવું જોઈએ! જો જ્ઞાતિસંસ્થાનું માધ્યમ એક સમાજસંસ્થા તરીકે જીવતું નહિ રહેવા માગતું હોય તો એને સ્થાને અન્ય દૂષણરહિત ઘટક જીવતું થશે પણ ઘટકો સિવાય આખો સમાજ કદી રહી શક્યો નથી. પણ સ્વયં એના ભંજક ન થવું. અને ઘટકને જ આખો સમાજ માની લેવાની ભૂલ ન કરવી જોઈએ.

(૫) એક કુટુંબમાં કોઈ બાળક અપંગ જન્મે, તો એને મોટેરાઓ નકામું ગણીને કૂવામાં ફેંકી નથી દેતાં. પણ એને વધારે દયામાયાથી ઉછેરે છે; તે જ રીતે સમાજના આર્થિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક રીતે આગળ પડતા લોકોએ વધારે પરિશ્રમ લઈને નબળા લોકોની ઉન્નતિ માટે જવાબદારીભર્યો પ્રયત્ન કરવો જોઈએ. તેથી મદદ પામનાર અને મદદ કરનાર બંને ખુશી થશે અને સામાજિક તાણ આપમેળે ઓછી થશે.

અઢી હજાર વરસ પહેલાં બુદ્ધે કહ્યું હતું : ‘શમે ના વેરથી વેર, પ્રેમથી જ શમે વેર.’ આ શાશ્વત સત્યનો ચાલો આપણે ઘર આંગણેથી જ પ્રયોગ શરૂ કરીએ.

Total Views: 41

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.