ભય કે આતંકનો પ્રભાવ

નાગે ફુલાવેલી ફેણ અને એની ભયાનક મુખાકૃતિને જોતાં જ ઉંદર બીકનો માર્યો અધમૂઓ અને જડ જેવો થઈ જાય છે. વાઘની નજરમાં આવતાં જ વાંદરો એટલો ભયભીત થઈ જાય છે કે કૂદવા માટે સુરક્ષિત ઊંચાઈ હોય છતાં પણ એના હાથ પગ શિથિલ થઈ જાય છે અને ડાળી તૂટી જવાને લીધે તે પોતે વાઘની સામે પડીને તેના મુખનો કોળિયો બની જાય છે.

એક હરણ લંગડાતા સિંહની ત્રાડ સાંભળીને, ભયભીત બનીને દિશાનો વિચાર કર્યા વિના ચારે પગે દોડવા લાગે છે. આમ તો હરણ ઘણી તીવ્ર ગતિએ દોડી શકે છે, પરંતુ ભયને લીધે દિશાનો વિચાર કર્યા વિના દોડતાં દોડતાં એ સિંહની બરાબર સામે આવી જાય છે.

આમ તો એ સ્વાભાવિક છે કે ઉંદર નાગથી ડરે છે, વાંદરો વાઘની ક્રૂર નિષ્ઠુર નજરથી ડરે છે અને હરણ સિંહની ત્રાડ સાંભળીને ભયભીત બની જાય છે. ભય પહેલાં જ સાવધાન થઈ જવું એ આત્મરક્ષાનું એક સાધન છે. પરંતુ ભયનો અતિરેક આત્મસુરક્ષાના સાધનને બદલે ઊલટાનો ઘાતક સિદ્ધ થઈ શકે છે.

એવી પણ ઘટનાઓ બનતી રહે છે કે જ્યારે વ્યક્તિ અંધારામાં કંઈ જોઈને તેના વિશે ભૂત કે ચોરની કલ્પના કરીને ભયભીત થઈ જાય છે. એક વ્યક્તિએ કહ્યું: ‘હું ભૂતપ્રેતોના અસ્તિત્વમાં માનતો નથી, પણ અંધારી રાતે ક્યાંય એકલા જવામાં મને ભય લાગે છે. જાણે કે કોઈ મારી પાછળ પાછળ ચાલ્યું આવે છે એવું મને લાગે છે. અને એને પરિણામે મારા રોમેરોમ ઊભાં થઈ જાય છે.’ બીજી વ્યક્તિએ કહ્યું: ‘રાહુ, કેતુ અને શનિના પ્રભાવથી તથાકથિત અશુભ કાળે ચાલવું એ અંધવિશ્વાસ છે. આમ છતાં પણ આવાં મુહૂર્તોમાં કોઈ પણ શુભકાર્ય હું શરૂ કરવાનું ઇચ્છતો નથી. એનું કારણ એ છે કે હું મારી પત્ની અને બાળકોની ભાવનાઓને આઘાત પહોંચાડવા ઇચ્છતો નથી.’

આપણે નાનપણથી જ કેટલાય ભયને આત્મસાત્‌ કરી લઈએ છીએ અને એ બધા ભય આપણા મનમાં ઊંડાં મૂળિયાં નાખી દે છે. આપણે એ બધા ભયને હટાવવાનો પ્રયત્ન કરીએ તો પણ આપણને એ છોડતા નથી. એ બધા નિષ્ક્રિય પણ રહેતા નથી. આપણી ભીતર છુપાઈને તેઓ લગભગ આપણી બધી ઉન્નતિના માર્ગમાં પથરા કે અડચણો નાખતા રહે છે.

નવો નવો સાઈકલ શીખતો માણસ સાઈકલ ચલાવતી વખતે ઊલટી દિશામાંથી આવતાં વાહનોથી ગભરાઈને પોતાનું સમતુલન ગુમાવી દે છે અને નીચે પડી જાય છે કે ખાડામાં પડવાથી બચવાનો પ્રયાસ કરે છે. આમ છતાં પણ ભયત્રસ્ત એ વ્યક્તિ પોતાની જાતને સંભાળતાં સંભાળતાં પણ ખાડામાં જ જઈને પડે છે.

પરીક્ષા આપતી વખતે કંઈ ભૂલચૂક ન થઈ જાય એટલે બેસતાં પહેલાં લગભગ છેલ્લી ઘડી સુધી વિદ્યાર્થીઓ અધ્યયન કરતા રહે છે. આમ છતાં પણ પૂછેલા પ્રશ્નનો ઉકેલ શોધતી વખતે તેઓ લગભગ અત્યંત મહત્ત્વની બાબતો ભૂલી જાય છે અને પરીક્ષાખંડમાંથી બહાર નીકળતાં જ એ ભૂલાયેલી વાતો યાદ આવી જાય છે અને પોતાના સ્મૃતિલોપ માટે પસ્તાવો પણ કરે છે. પરીક્ષાના ભયથી ઉદ્‌ભવેલ દુ:ખોનો અંત જ નથી. આ ભયને લીધે વિદ્યાર્થીઓ અનુચિત ઉપાયોનો ઉપયોગ કરે છે. શું આ ભયને દૂર કરવા માટે કોઈ ઉપાય જ નથી?

ચિંતાની કરોળિયા જાળ

જ્યારે ભય અને ચિંતા એક સાથે ક્રિયાશીલ બને છે ત્યારે આપણી કલ્પનાના હાનિકારક અને ભયાનક ચિત્ર વાસ્તવિક સ્વરૂપ ધારણ કરે છે.

એક માણસ વાતચિત કરવામાં અત્યંત કુશળ હતો. એણે એક દિવસે પોતાના જીવનમાં પહેલી વખત ભાષણ આપવાનું હતું. એક પ્રભાવક વક્તવ્ય આપવાનો એણે નિર્ણય કરી લીધો હતો અને એને માટે પૂરેપૂરી તૈયારી યે કરી લીધી. વક્તવ્યનો અભ્યાસ કરતી વખતે એણે પોતાના પરિવારજનોને પણ પોતાનું ભાષણ સંભળાવ્યું સર્વોત્તમ વસ્ત્રો પહેરીને, મોઢા પર હાસ્ય તરવરતું રાખીને સ્વાભિમાન અને પૂર્ણ આત્મવિશ્વાસ સાથે એ વ્યાખ્યાનખંડમાં પ્રવેશ્યો. દરેક વ્યક્તિ ઘણી ઉત્સુકતા સાથે તેના મુખ તરફ નિહાળી રહી હતી. જ્યારે એણે પોતાની સમક્ષ રહેલા શ્રોતાઓ તરફ નજર નાખી તો એને એવું લાગ્યું કે જાણે હજારો તીક્ષ્ણ નજર એને ભેદી રહી છે. આથી એના હોઠ સૂકાવા લાગ્યા. પોતાના હોઠ પર જીભ ફેરવીને પોતાની જાતને સંયમમાં રાખવા પ્રયત્ન કર્યો. આમ છતાં પણ એના મુખ પર ચિંતાનો ભાવ પ્રગટતો રહ્યો. વ્યાખ્યાન આપતી વખતે ઊભા થઈને પોતાના ગભરાટને દબાવવા માટે એક-બે વાર જોરથી ખોંખારો પણ ખાધો. ઠંડીની ઋતુ હતી છતાંયે એના શરીરે પરસેવો છૂટવા લાગ્યો. ૪૫ મિનિટ માટે તૈયાર કરેલું વક્તવ્ય ૧૦ મિનિટથી વધારે ટક્યું નહિ. બોલતાં બોલતાં એકાએક એ અટક્યો અને ભાઈ, મારી તબિયત બરાબર નથી એવું બહાનું કાઢીને ઘરે પાછો આવી ગયો.

ત્યાર પછી એમણે કહ્યું હતું : ‘અનૌપચારિક વાર્તાલાપ સમયે પોતાની સામે અનેક લોકોને બેઠેલા જોઈને મને જરાય ભય લાગતો નથી. પણ ઔપચારિક વાર્તાલાપ વખતે શ્રોતાઓ સમક્ષ હું ભયંકર રીતે ગભરાઈ જાઉં છું.’

ભય અને માનસિક તણાવ આપણાં બધાં કાર્યોને બરબાદ કરી નાખે છે. એક ખેડૂતે દરરોજની જેમ એક દિવસ સવારે પોતાના ઘરના એક ખૂણામાં રાખેલ કોથળામાંથી વાવણી માટે બીજ લીધાં. બિયારણ કાઢતી વખતે એને એવું લાગ્યું કે એના પગની આંગણીમાં કંઈક ખૂંચી ગયું છે. એના પર જરાય ધ્યાન દીધા વિના જ તે આખો દિવસ ખેતરમાં વાવણીનું કામ કરતો રહ્યો. સાંજે ઘરે પાછા ફરીને જ્યારે બાકી વધેલાં બિયારણને ફરી પાછા કોથળામાં નાખતો હતો ત્યારે એમાંથી એક સાપ નીકળીને ફૂંફાડા મારવા માંડ્યો. સાપને જોતાંવેંત જ એને સવારે પગમાં કંઈક લાગવાની વાત યાદ આવી. હવે એને ખબર પડી કે સાપે જ દંશ દીધો છે. એ ધડામ દઈને પડી ગયો અને મરી ગયો. આશ્ચર્યની વાત એ છે કે તે માણસ સાપના દંશને લીધે નહિ પણ ભયને કારણે મરી ગયો હતો.

ભયની વિભીષિકાનું વર્ણન કરનારી એક કથા છે: ‘એકવાર યમરાજે પોતાના દૂતોને પૃથ્વી પરથી ૪૦૦ જીવ લાવવાનો આદેશ કર્યો. એ લોકોએ કેટલીક બીમારીઓ ફેલાવીને ૪૦૦ લોકોને મારવાની વ્યવસ્થા કરી. પરંતુ જ્યારે એ લોકો યમલોક પહોંચ્યા તો એની સાથે ૪૦૦ને બદલે ૮૦૦ હતા. યમરાજે આને લીધે ક્રોધિત થઈને પોતાના આદેશનું ઉલ્લંઘન કરવા માટે એ બધાને ઘણા ઠપકાર્યા. યમદૂતોએ જવાબ આપતાં કહ્યું: ‘હે પ્રભુ, અમે તો કેવળ ૪૦૦ને જ માર્યા હતા. પણ બાકીના બીજા બધા તો ભયથી મરી ગયા છે.’

ભય એક પડકાર

કર્કશ અવાજ સાંભળીને શિશુ ભયભીત થઈ જાય છે. ચાલવાનું શીખતી વખતે એ લથડે છે અને પડી જવાનો ભય એને સતાવતો રહે છે. ભય એ બધાની એક સ્વાભાવિક અને જન્મજાત પ્રવૃત્તિ છે. આપણા અસ્તિત્વ કે સ્વાધીનતા પર ઘેરાયેલ કોઈ સંકટ કે એ વિશેની કેવળ આશંકા પણ આપણા મનમાં ભયનાં બીજ વાવી દે છે. જીવનની સમસ્યાઓનો સામનો કરવામાં આપણા સામર્થ્ય વિશેના આત્મવિશ્વાસનો અભાવ પણ આપણને ભયગ્રસ્ત કરી દે છે. હીનભાવના સહજભાવે ભયની તરફ દોરી જાય છે. એકવાર જ્યારે કોઈ એક વ્યક્તિ કોઈ એક ભયનો સામનો કરીને સફળતાપૂર્વક એનાથી બચી જાય છે ત્યારે એનામાં સાહસ અને આત્મવિશ્વાસ આવી જાય છે. એક નાનું બાળક પડી જવાના ભયથી ચાલવામાં અચકાય છે. ધીમે ધીમે તે જ બાળક માત્ર ચાલવાનું નહીં પણ દોડવાનુંયે શીખી જાય છે. ખતરાની ભાવનાને લીધે આપણને આ ખતરાની મુશ્કેલીઓને પાર કરવાની યુક્તિ શોધી કાઢવાની પ્રેરણા મળવી જોઈએ. આ દૃષ્ટિએ ભયને એક પડકાર રૂપે સ્વીકારી લેવો જોઈએ. તે આપણી ભીતરના આંતરિક બળને જાગ્રત કરવાનો એક સુઅવસર આપે છે.

ઈશ્વરનો ભય

‘ઈશ્વરનો ભય જ જ્ઞાનનું મૂળ છે.’ એવી એક કહેવત છે. પણ ભાઈ ઈશ્વરથી કોણ અને શા માટે ડરે? વાસ્તવિક રીતે ઈશ્વરથી ડરવાની કોઈ જરૂર નથી. ઈશ્વર તો પરમપ્રેમ સ્વરૂપ છે. ઈશ્વરથી વધારે પ્રિયતમ એવું આપણું કોઈ નથી. પ્રેમનું આવું અજસ્રસ્રોત ભયનું કારણ કેમ બની શકે?

એની સ્પષ્તા કે વ્યાખ્યા આ રીતે કરી શકાય : ‘એક સર્વજ્ઞ તથા સર્વશક્તિમાન ઈશ્વર છે. એના જ્ઞાનની બહાર કંઈ નથી. એને કોઈ દગો-ફટકો આપી ન શકે. આ બ્રહ્માંડની સુવ્યવસ્થા તેઓ જ કરે છે. આપણા જીવનમાં પણ એક નિશ્ચિત નિયમ છે. જીવનમાં સફળતા મેળવવા આપણે બધાએ એક સુનિશ્ચિત આચાર સંહિતાનું પાલન કરવું પડે છે. જેમ નિયમિત આહાર વિહારથી આપણું સ્વાસ્થ્ય જળવાય છે તેવી જ રીતે આચારસંહિતાના પાલન દ્વારા આપણને માનસિક બળ મળે છે અને આપણે સાચા અર્થમાં માનવ બનીએ છીએ. આપણે ઈશ્વરીય રાજના નૈતિક આચારોનું પાલન કરવું છે – તમે ચોરી નહિ કરો, હિંસા નહિ આચરો અને ખોટું નહિ બોલો. નૈતિક આચારસંહિતાનું પાલન ન કરીને આપણે બધા મુશ્કેલીઓ નોતરીએ છીએ. જો આપણે એટલું સમજી લઈએ કે આ નિયમોના ઉલ્લંઘનથી આપણી આસપાસના લોકોને નુકશાન થશે તો આપણે સજાગ બની જઈશું અને એ ઉલ્લંઘનથી થનારી ક્ષતિઓથી ડરવા લાગશું. એ સજગતા કે સાવધાની પણ એક પ્રકારનો ભય જ છે. એ ઇચ્છનીય પણ છે. વાસ્તવિક રીતે એ એક પ્રકારની ચેતવણી પણ ખરી. બુરાઈના પથે ચાલવાનો ભય, ખોટું બોલવાનો ભય, છળ-કપટનું આચરણ કરવાનો તથા કર્તવ્યનું પાલન ન કરવાનો ભય આપણને એના ઉલ્લંઘનથી બચાવે છે. આવો ભય એક પ્રકારનું સંરક્ષણ પણ છે. દુરાચારનું બીજ વાવવાથી એનું ફળ ચોક્કસ રૂપે કડવું મળે.

‘વિષ્ણુ સહસ્રનામ’માં ઈશ્વરને ‘ભયકૃત ભયનાશન:’ એટલે કે ભય ઉત્પન્ન કરનાર અને ભયને ભગાડનાર કહ્યા છે. એનું તાત્પર્ય એ છે કે પાપીઓ માટે તેઓ ભયરૂપ છે પણ સજ્જનો માટે તેઓ ભયને ભગાડનાર છે. ભગવાન નરસિંહનાં દર્શન માત્રથી જ હિરણ્યકશિપુ ડરી જાય છે. પણ પ્રહલાદ જરાય ભયભીત થતો નથી. જે લોકો પોતાની ભૂલોને સમજીને જાણીને પશ્ચાત્તાપ કરીને ઈશ્વરના શરણાગત બને અને તેમની ક્ષમાયાચના કરે, તને ઈશ્વર ચોક્કસ સહાય કરે છે. એને લીધે એને આત્મસુધારણાનો અવસર સાંપડે છે. આ પૂર્ણ રૂપે સાચી વાત છે કે ઈશ્વર દયામય છે અને તેઓ બધાની રક્ષા કરે છે. આમ છતાં પણ પાપી વ્યક્તિને પોતાની પાપભાવનામાંથી મુક્ત થવા માટે ઘણા દીર્ઘ કાળ સુધી સંઘર્ષ કરવો પડે છે. વિશ્વવિધાતા દ્વારા નિર્મિત આચારસંહિતાને જાણવી અને તેનું અક્ષરશ: પાલન કરવું એ જ સાચું જ્ઞાન છે. આ જ્ઞાન જીવનને સાર્થકતા અર્પે છે. બ્રહ્માંડ તથા એના નિયમોના નિર્માતાના જ્ઞાનથી ઉત્પન્ન થતી જાગૃતિ જ સાચું જ્ઞાન છે. વૈજ્ઞાનિક પ્રકૃતિનાં સૂક્ષ્મ નિયમો તથા રહસ્યોને ઉદ્‌ઘાટિત કરે છે, અને વિશ્વના ધર્મગ્રંથો, ઋષિમુનિઓ, મહાપુરુષો આપણને ઉચિત આચરણ અને સાચા ધર્મના નિયમ આપે છે.

આપણા દેશવાસીઓ ઈશ્વર વિશે વિવિધ પ્રકારના ભયથી કાંપે છે. આ ભયનું મૂળ પ્રાય: બાળપણથી જ અર્જિત એમની મિથ્યા ધારણાઓમાં રહેલું છે. કેટલાક લોકો ભગવાનનું નામજપતી વખતે પણ આનુષ્ઠાનિક અશુચિતાથી ભયભીત રહે છે. કેટલાક લોકો ભગવાન ક્યાંક એમને અભિશાપ તો નહીં આપે ને! એ ડરથી ભયભીત રહે છે. કેટલાક વળી પોતાની પ્રાર્થના આદિ સાધનાઓમાં કેટલીક ત્રુટિઓ કે અપૂર્ણતાની આશંકાથી જ એનો સાવ ત્યાગ કરી દે છે.

એક ગ્રામવાસીના જીવનની ઘટના છે : એકવાર એ બસમાં ચડ્યો અને સીટ પર બેઠો અને પછી તરત બીમાર પડી ગયો. એમના સહયાત્રીઓ એમની મદદે દોડી આવ્યા. એક ચિકિત્સકે આવીને એને એક ઈંજેક્શન લગાવ્યું અને એ તરત જ સાજોસારો થઈ ગયો. તે પોતાની જગ્યાએ બેઠો અને ચારેતરફ જોવા લાગ્યો. તે પોતાની બીમારીનો દોષ એ બસ પર જ ચડાવવા લાગ્યો. આ ઘટના માટે તે બસના ચાલક અને પરિચાલકને પણ દોષવા માંડ્યો. જો કે બસમાં ચડ્યા પછી જ તે બીમાર પડ્યો હતો એટલે એ બસને જ પોતાની બીમારીનું કારણ માનવા લાગ્યો. વસ્તુત: એણે એક હોટલમાં વાસી ભોજન ખાધું હતું. આરામના અભાવે અને થાકને કારણે એની તબિયત લથડી. આમ છતાં પણ એની આ બિમારી માટે બસ જ જવાબદાર છે એમ એને લાગ્યું. આવી જ રીતે ભગવાન ક્યારેય કોઈને હાનિ કરતા નથી. લોકો કેવળ પોતાનાં અજ્ઞાન, મૂઢતા તથા અંધવિશ્વાસને લીધે કેટલીયે ઝંઝટમાં ફસાઈ જાય છે.

Total Views: 41

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.