સીતાભાવે શ્રીરામકૃષ્ણ

શ્રીરામકૃષ્ણનાં સીતાદર્શનનું સ્વામી શારદાનંદનું વર્ણન ખૂબ કાવ્યમય છે – એમણે લખ્યા પ્રમાણે.

ઠાકુર આ દાસ્યભાવે આરાધના કરતા હતા તે ગાળા દરમિયાન એમને અપૂર્વ દર્શન થયું હતું. એમની અગાઉની આધ્યાત્મિક અનુભૂતિઓ કરતાં આ દર્શન એટલું તો ભિન્ન હતું કે, એમના ચિત્ત પર એ બરાબર અંકિત થઈ ગયું અને એમની સ્મૃતિમાં એ સદાને માટે જડાઈ ગયું. ઠાકુરે એનું વર્ણન આમ કર્યું છે : ‘એ સમયે એક દિવસ હું પંચવટીમાં બેઠો હતો. હું મનની સાધારણ દશામાં હતો અને મારી આસપાસની પરિસ્થિતિ વિશે હું સભાન હતો. અચાનક મારી સન્મુખ અસાધારણ છટાવાળું જ્યોતિર્મય નારીરૂપ પ્રગટ થયું. એના તેજે એની આસપાસનું સર્વ કંઈ ઝળહળિત થઈ ઊઠ્યું. હું એમને તથા તે સાથે પંચવટીનાં વૃક્ષો, છોડ, ગંગા, સર્વ કંઈ જોઈ શકતો હતો. તેઓ માનવરૂપ છે તે હું જાણી શકયો કારણ, દેવોને હોય છે તેવી ત્રીજી આંખ કે બીજી કશી નિશાની એમને ન હતી. પણ, પ્રેમ, પીડા, કરુણા અને ધૈર્ય સમા લક્ષણો એમના મુખ ઉપર અંક્તિ હતાં તે, દેવીઓમાં પણ ભાગ્યે જ જોવા મળે. એ આકૃતિ ઉત્તર તરફથી ધીમે ધીમે મારી પાસે આવી અને મારી ભણી સતત કૃપાદૃષ્ટિ વરસાવતી હતી. હું ચક્તિ થઈ ગયો. તેઓ કોણ હશે તે વિશે હું વિચાર કરતો હતો તે વખતે, એક વાંદરો, ચીસ પાડી, તેમને પગે પડ્યો અને આળોટવા લાગ્યો. ત્યારે મને તરત જ ઝબકારો થયો કે તેઓ જનકદુહિતા સીતા જ છે; એમણે આખું જીવન ખૂબ સહન કર્યું હતું અને પોતાનું સમગ્ર જીવન પોતાના પતિ રામને સમર્પિત કર્યું હતું. લાગણીના આવેશ હેઠળ હું પોકારી ઊઠ્યો, ‘મા’ અને એમને ચરણે પડવા જતો હતો ત્યાં, તે સ્વરૂપે તરત જ મારામાં પ્રવેશ કર્યો અને એ મારામાં એકરૂપ થઈ ગયું. આનંદાશ્ચર્યથી અભિભૂત થઈ હું ભાન ભૂલીને ભોંયે પડી ગયો. ખુલ્લી આંખે અને ધ્યાનમાં ન હોઉં તે રીતનું આ મારું પ્રથમ દર્શન હતું. પોતાના કરુણ સ્વરૂપમાં સીતાનું આવું મને થયેલું પ્રથમ દર્શન હતું. તે કારણે જીવનમાં આટલી પીડા મેં ભોગવી છે એમ હું માનું છું.’

ઠાકુરને સીતાદર્શન અનેક વેળા થયું હતું અને તેઓ મા કાલીને પ્રાર્થના કરતા : ‘હે મા, દેહ, અવયવો, હાથ, પગ, ઈંદ્રિયો બધું હું વીસરી જઉં અને, ‘રામ ક્યાં છે?’ એ એક જ વિચાર મારા મનમાં સીતાની જેમ તરતો રહે તેવો તું મને બનાવ.’

‘ઠાકુર સીતા વિશે વાત કરતા હોય ત્યારે તેઓ પૂરા સીતામય બની જતા અને એમની અને સીતાની વચ્ચે જરાય અંતર રહેતું નહીં’, એમ સ્વામી રામકૃષ્ણાનંદે કહ્યું છે.

આપણા પૂરા ચિત્તથી કોઈ વસ્તુને કેમ જોવી તે આપણે જાણતા નથી માટે તો આપણને ધૂંધળું દેખાય છે. આપણે ભલે કશુંક જોયું હોય પણ થોડીવાર પછી આપણને એ યાદ રહેતું નથી. ઠાકુરનાં દર્શનની પારદર્શિતાનું વર્ણન પૂજ્ય શ્રીમાએ કર્યું છે : ‘પંચવટીમાં, અવનવીન આકૃતિવાળાં કંકણ પહેરેલાં સીતાને ઠાકુરે જોયાં હતાં. પછી એવાં જ કંકણની ભેટ એમણે મને આપી હતી.’

લેખક સ્વામી શારદાનંદે સ્મર્યું છે કે, એ દર્શન વેળાએ ઠાકુરને પોતાના મધુર સ્મિતની ભેટ પણ સીતાએ કરી હતી એમ ઠાકુર કહેતા. એટલે સીતાજી કેમ હસતાં તે ઠાકુરને હસતા જોનાર જાણી શકતું – (સ્વામી શારદાનંદ જીવની (લે. અક્ષય ચૈતન્ય), પૃ. ૧૫૨ અને, સ્વામી ચેતનાનંદ કૃત શ્રીરામકૃષ્ણ એન્ડ હિઝ ડિવાઈન પ્લે, પૃ. ૨૨૯).

સ્વામી શાંતાનંદને ઠાકુર વિશેની આ આકર્ષક વાત એકવાર સ્વામી તુરીયાનંદે કરી હતી :

એકવાર ભપકાદાર ફીટન ગાડીમાં બેસીને મથુરબાબુ પોતાને ઘેર, જાનબજાર જતા હતા. સાથે શ્રીરામકૃષ્ણ હતા. ગાડી ચિત્પુર રોડે પહોંચી ત્યારે, ઠાકુરને અદ્‌ભુત દર્શન થયું. પોતે સીતા છે અને રાવણ પોતાનું અપહરણ કરી રહ્યો છે એમ તેમને લાગ્યું. આ ભાવથી ગ્રસ્ત થઈને તેઓ સમાધિમાં ડૂબી ગયા. બરાબર તે જ સમયે લગામ છોડીને ઘોડાઓએ ગડથોલિયું ખાધું. આ અકસ્માતનું કારણ મથુરબાબુ સમજી શક્યા નહીં. રામકૃષ્ણ પાછા ભાનમાં આવ્યા ત્યારે, મથુરે એમને અકસ્માત વિશે વાત કરી. શ્રીરામકૃષ્ણે મથુરને જણાવ્યું કે હું ભાવસમાધિમાં હતો ત્યારે, રાવણ સીતાને હરી જતો એમને દેખાયો હતો અને, સીતાને બચાવવાનો પ્રયત્ન કરતા જટાયુએ રાવણના રથનો નાશ કરવા કોશિશ કરી હતી.’ આ સાંભળી મથુરબાબુ બોલ્યા: ‘બાબા, તમારી સાથે રસ્તે જવું પણ કેટલું જોખમી છે?’

મહાવીર હનુમાનના ભાવમાં શ્રીરામકૃષ્ણ

હનુમાનની એકનિષ્ઠ ભક્તિ હોય તો, રામનું દર્શન સહેલાઈથી કરી શકાય એ શ્રીરામકૃષ્ણ જાણતા હતા. એટલે હનુમાનની દાસ્યભક્તિના ભાવમાં ઠાકુર સંપૂર્ણ રીતે નિમજ્જિત થઈ ગયા અને દાસ્ય ભાવમાં પૂર્ણતા પામવા એમણે સાધના આદરી. આ ગાળા દરમિયાન તેઓ પોતાનું ચિત્ત હનુમાન પર કેન્દ્રિત કરતા અને એવા તો તન્મય થઈ જતા કે પોતાનાં જુદાં અસ્તિત્વને અને વ્યક્તિત્વને તેઓ સંપૂર્ણપણે વીસરી જતા. ઠાકુરે પછીથી કહ્યું હતું કે, ‘મારે હનુમાનની જેમ ખાવું ને ચાલવું પડતું અને હનુમાને કર્યું હોય તે રીતે દરેક કાર્ય કરવું પડતું. આમ વર્તવા માટે મારે કોશિશ કરવી પડતી ન હતી, એ એની મેળે જ થતું. પૂછડું લાગે એ રીતે મારી કેડે હું ધોતિયું વીંટાળતો અને કૂદકા મારતો ચાલતો. ફળમૂળ સિવાય કશું ખાતો નહીં અને એમની છાલ ઉતરી હોય કે એમના ટુકડા કર્યા હોય તે મને ગમતું નહીં. હું વધુ સમય વૃક્ષો વચ્ચે પસાર કરતો અને ઊંડે સ્વરે ‘રામ! રામ!’ એમ પોકારતો. વાંદરાની આંખો જેવી ચંચળતા મારી આંખોમાં દેખાતી અને સૌથી અદ્‌ભુત વાત એ હતી કે મારી કરોડરજ્જુનો નીચેનો છેડો લગભગ એક ઈંચ જેટલો લાંબો થયો!’ આ સાંભળી અમે પૂછ્યું : ‘મહાશય હજી પણ આપને એ (કરોડરજ્જુ)ની લંબાઈ છે?’ ઠાકુરે જવાબ આપ્યો : ‘ના, પછી એ ભાવમાંથી મારું મન મેં વાળી લીધું તે પછીથી, ધીમે ધીમે ગાંઠ પૂર્વવત થઈ ગઈ.’

મંદિરનો એક ચોકીદાર હનુમાનસિંહ હનુમાનનો ભક્ત હતો. પોતાના ઈષ્ટદેવ હનુમાન માટે હતો એટલો જ તીવ્રભાવ એને ઠાકુર માટે હતો. એકવાર દક્ષિણેશ્વરમાં કોઈ બીજો પહેલવાન આવ્યો અને એણે હનુમાનસિંહને પડકાર કર્યો. જીતનારને હનુમાનસિંહની નોકરી મળે. કુસ્તીને દહાડે હનુમાનસિંહે ઠાકુરને પ્રણામ કરી કહ્યું : ‘આપ મારી ઉપર કૃપા કરશો તો, હું જરૂર જીતીશ.’ અને એ જીત્યો પણ.

Total Views: 189

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.