ભયગ્રસ્ત દેબુ

ઈલેક્ટ્રિકલ ફિટિંગમાં દેબુ સિદ્ધહસ્ત યુવક હતો. થોડાક જ સમયમાં તે આખા મકાનનું વાયરિંગ કરી શકતો. એકવાર એના એક પરિચિત સંભ્રાંત વડીલે કહ્યું: ‘તમારાં માતપિતાનું મૃત્યુ ક્ષયને લીધે થયું હતું. મને એવું લાગે છે કે તનેય ક્ષય લાગુ પડશે.’ પછીના કેટલાક દિવસો સુધી એ વડીલના શબ્દો એના મનમાં ગુંજતા રહ્યા. ત્યાર પછી જ્યારે એને ઉધરસ આવતી ત્યારે ભયભીત થઈ જતો. એક પુસ્તકમાં ક્ષયનાં લક્ષણો વાંચીને તે અત્યંત ડરી ગયો. એને એમ લાગતું કે મારામાં એના લગભગ બધાં લક્ષણો જણાય છે. વળી એ બીજાનેય કહેતો : ‘મને ખાવામાં ક્યાંય સ્વાદ લાગતો નથી. દરરોજ સાંજે મને એવું લાગે છે કે જાણે મારા શરીરમાં તાવ વધતો જાય છે. કાંઈ કામ કરવાની ઇચ્છા થતી નથી. ભાઈ, હવે મારા દિવસો પૂરા થયા!’ પછીના ત્રણ મહિનામાં એનું સ્વાસ્થ્ય ઝડપથી લથડ્યું. ચિકિત્સકો જ્યારે કહેતા કે તે સાવ સારો સાજો છે તો પણ એનામાં વિશ્વાસ ન પડતો. અંતત: ચિકિત્સકે તેના ફેફસાનો એક એક્સ-રે કરાવીને એનો રિપોર્ટ બતાવતાં કહ્યું: ‘જુઓ ભાઈ, તમારાં ફેફસાં બરાબર છે. આ દવા એક સપ્તાહ સુધી બરાબર લેતા રહેજો.’ એણે એક ક્ષયના રોગીના એક્સ-રે સાથે પોતાનો એક્સ-રે મેળવી જોયો ત્યારે જ એને વિશ્વાસ બંધાણો કે તેને ક્ષયની સંભાવના છે જ નહિ. થોડા દિવસોમાં દેબુ પૂર્વવત્‌ સાજો-સારો થઈ ગયો. જો ભય તથા સંદેહમાં ડૂબેલા રહીએ તો ક્યારેય સ્વસ્થ ન થઈ શકાય.

ભયનું મૂળ

ભય ક્યાંથી ઉત્પન્ન થાય છે? ખતરો અને તેનાથી થનારી હાનિની શંકાનું ચિંતન કરવાનો પ્રભાવ આપણા અવચેતન મન પર પડે છે. ભયની તીવ્રતા વધવાની સાથે જ્યારે આવનાર ખતરાની કલ્પના વધુ સ્પષ્ટ થઈ જાય છે અને ત્યારે આપણું મન આ કાલ્પનિક ભયને વાસ્તવિકતામાં ફેરવી નાખે છે. દેબુએ પહેલાં તો ક્ષયગ્રસ્ત રોગીની અવસ્થાની કલ્પના કરી અને એના મનમાં ભય ઊભો થયો કે એને પણ એક ક્ષયરોગીની પીડા ભોગવવી પડે તેમ છે. ભય અને દુરાશાના તીવ્ર ચિંતને એના મન પર એવો પ્રભાવ પાડ્યો કે કરેલી કલ્પના પ્રાય: વાસ્તવિકતામાં પરિવર્તિત થઈ ગઈ.

આપણે નવા નવા સાઈકલ ચાલકના પ્રસંગને યાદ કરી શકીએ. પડી જવાના કાલ્પનિક ભયને કારણે અંતે એ ખાડામાં પડી ગયો. પરીક્ષાના ભયથી પોતાની સ્મૃતિશક્તિ ગુમાવી બેઠેલા બાળકની વાત પણ આવી જ છે. જ્યારે આપણે બૂરાઈ કે દોષોનું અત્યંત ચિંતન કરવા લાગીએ છીએ ત્યારે આપણા અંતરમનમાં અંકિત થઈને ધીમે ધીમે તે અભિવ્યક્ત થવા લાગે છે. ભયના આ બીજનું ફળ આપણને ખરાબ સ્વાસ્થ્ય, અનેક મુશ્કેલીઓ, તેમજ દુ:ખકષ્ટના રૂપે મળે છે.

જે વાતો અજ્ઞાત રૂપે અવચેતન મનમાં અંકિત થઈ જાય છે તે એકને એક દિવસે પ્રગટ થવાની જ. કોઈ વસ્તુ પ્રત્યે અત્યંત ઘૃણા કે તિરસ્કારના ભાવ સાથે તેનું સતત ચિંતન આપણા મનમાં માઠાં ફળનાં બીજ વાવી દે છે. જેનું આપણે ઉન્મૂલન કરવા ઇચ્છીએ છીએ એ બૂરાઈના મૂળિયાં જમાવવામાં સહાયક બની શકે છે. એને આપણે બહાર કાઢી નાખવા માગીએ છીએ, એ જ આપણને પોતાનામાં ડૂબાડી શકે છે.

સંજય ટાંચણી ગળી ગયો

કન્નડ ભાષાની એક લઘુ પુસ્તિકા ‘ભય એક વિશ્લેષણ’માં ડો. શિવરામ એક ઘટના વર્ણવે છે : એક વિચિત્ર ઘટના એવી બની કે સંજય નામનો એક ધનવાન યુવક એક ટાંચણી ગળી ગયો અને જો એ ટાંચણી આંતરડામાં ફસાઈ જાય તો એનાથી ઘણી મોટી સમસ્યા સર્જાય તેમ હતું. એને લીધે ઓપરેશન કરવાની જરૂર પડે અને કદાચ એ ઘાતક પણ નીવડે. મેં એને દર છ કલાકે એક એક્સ-રે કઢાવવા કહ્યું. એને લીધે એ ટાંચણી મળત્યાગ વખતે બહાર નીકળી ગઈ છે કે નહિ એનો ખ્યાલ આવી શકે. ચોથી વાર એક્સ-રે કઢાવ્યો ત્યારે એમાં ક્યાંય ટાંચણીની નિશાની દેખાતી ન હતી. મેં સંજયને પૂછ્યું: ‘શું તમે તમારા મળમાં ટાંચણી જોઈ ખરી?’ સંજયે નિર્ભયતાથી જવાબ આપ્યો: ‘એવી ચિંતા કોણ કરે? ટાંચણી છે કે નહિ, એની અહીં કોને પડી છે? પણ એક્સ-રેમાં તો એ ટાંચણી ક્યાંય દેખાણી નથી.’

સંજય પૂરેપૂરો સ્વસ્થ અને નિશ્ચિંત હતો. સાથે ને સાથે આંતરડામાં ટાંચણી ફસાઈ ગઈ હોય તો શસ્ત્ર ક્રિયાથી એને કાઢી પણ શકાય. એની નિશ્ચિંતતાને લીધે ભય કે ચિંતાને કારણે ઉદ્‌ભવેલ જટિલતા ઊભી ન થઈ. એના નિર્ભય મનોભાવના કારણે જ આંતરડાએ સ્વાભાવિક પ્રક્રિયા દ્વારા મળત્યાગ સાથે એ ટાંચણીને પણ બહાર કાઢી નાખી. જો એ ચિંતિત રહેતો હોત તો કદાચ ભયને કારણે પણ એ ટાંચણી આંતરડામાં ફસાઈ જાત.

કાલ્પનિક ભય

એક યુવકે પોતાના કાલ્પનિક ભયની કથાની વાત કરતાં કહ્યું: ‘આપને મારી આ કહાણી સાંભળીને કદાચ હસવું આવશે. એ દિવસોમાં મારામાં અસીમ ભય હતો. જરાક પવન વધારે ઝડપથી વાય તોયે મને ભય લાગતો કે ક્યાંક મારા ઘરની છત ઊડી ન જાય. મેઘગર્જના સાંભળીને જાણે મૃત્યુ મારી નજર સામે તરવરે એવો આઘાત લાગે છે. વળી ક્યારેક નરક યાતનાનું વર્ણન સાંભળું છું અને હું મરણ પછી નરકવાસની પીડાની કલ્પનાએ ચડી જાઉં છું. આદેશોને પૂરા કરવામાં વિલંબ કરતા આળસુ કર્મચારીઓ સાથે હું કેવી રીતે કામ કરી શકીશ એની મને ચિંતા થવા લાગતી. એમને કોઈ પણ પ્રકારનો દંડ કે સજા થાય તો એ લોકો કદાચ મારા પર તો તૂટી નહિ પડે ને, એવી મને આશંકા થવા લાગતી. મારા ચાલવાની રીતભાત જોઈને છોકરીઓ મારી ઠેકડી ઉડાડે છે, એવી કલ્પનાયે હું કરતો. વળી, ક્યારેક એવી નિરંતર ચિંતામાં પડી જતો કે કોઈ છોકરી મને લગ્ન માટે પસંદ નહિ કરે તો! સાસરિયે મારે કેવું આચરણ કરવું જોઈએ, એના વિશે પણ હું ચિંતિત રહેતો. એવી કલ્પનાના રવાડે ચડી જતો કે જો મારી પત્ની ગામડાની હોય તો એના ઘર તરફ જનારા નિર્જન માર્ગ પરથી જતી વખતે કોઈ ચોર ડાકુ મારા પર આક્રમણ કે પ્રહાર કરીને મને લૂંટી લેશે તો! આવા ભયચિંતાના ચકરાવે ચડીને હું આતંકિત થઈ જાઉં છું.’

એકવાર મારા એક મિત્રે એક બીજી ઘટના વર્ણવી: એવું લાગે છે કે થોડા દિવસ પહેલાં અમારા પાડોશીને સાપે દંશ દીધો. લોકોએ કહ્યું: ‘સાપ કરડ્યો એટલે એકાદ કલાકની અંદર જ એ મરી ગયો. આપણે હવે સાવધાન રહેવું જોઈએ. વળી આ વિસ્તારમાં અવારનવાર સાપ નીકળતા રહે છે.’ આ સાંભળીને હું સાપના ભયથી અભિભૂત થઈ ગયો. મેં એક ટોર્ચ ખરીદી. સાંજે નગરમાં આવતી વખતે સદા હાથબત્તીને મારી સાથે રાખવા લાગ્યો. ક્યાંક વસ્તુના ઘસાવાનો કે પગલા પડવાનો અવાજ આવે તો હું ભયથી ઊછળી પડતો. પથારી ઉપર સૂતી વખતે પણ મારા પર ભય સવાર જ રહેતો. દરેક કલાકે ઊઠીને ટોર્ચથી ચારેબાજુ જોઈ લેતો. મારા મનમાં સાપનો ભય ભરપૂર ભરાઈ ગયો હતો. ક્યાંક સાપ મારા પગમાં ન કરડી જાય એ ભયથી હું પગની ચારેબાજુ દોરડી બાંધી લેતો અને વળી પાછો એ સાપ માથા પર દંશ દઈ દે તો? આવા કાલ્પનિક ભયથી હું સાવ માનસિક રીતે તૂટી ગયો. છ મહિના સુધી ક્યાંય પણ જતી આવતી વખતે હું ટોર્ચ હાથમાં જ રાખતો. ક્યાંય એકેયવાર મને સાપ જોવા પણ મળ્યો ન હતો. હવે મને મારી જાત ઉપર શરમ આવે છે. ભયની નકામી કલ્પનાઓને મનમાં ભરી લેવાથી મારા પર મને હસવું આવ્યું. આવા ભયને આશ્રય દેવાથી એકેય સત્ય સિદ્ધ ન થઈ શકે. અને આ કેવી મૂઢતા મેં દેખાડી છે, એનો મને સ્પષ્ટ ખ્યાલ આવ્યો.

રાંધેલા ભાતમાં એક કાંકરો આવે તો એનો અર્થ એ નથી કે ભાતમાં કાંકરા જ છે. જો એક વિપત્તિ આવે તો એનો અર્થ એ નથી કે એનું જીવન દુ:ખ અને વિપત્તિમય જ છે. જો આપણામાં થોડી તર્કશક્તિ કે વિવેકબુદ્ધિ હોય તો આપણે આવા કાલ્પનિક ભયમાંથી પોતાની જાતને મુક્ત કરી શકીએ છીએ.

તનુજાનો ભય

આગળ જોયેલ ઉદાહરણની જેમ કાલ્પનિક ભય તનુજાને બે વર્ષ સુધી સતાવતો રહ્યો. તે બે બાળકોની માતા હતી અને હંમેશાં એના સંરક્ષણ વિશે ચિંતા કર્યા કરતી. સવારે શાળાએ જતી વખતે એ બાળકોને વારંવાર ચેતવણી આપતાં કે ‘જો જો મોટરગાડીઓથી સાવધાન રહેજો, નહિતર ક્યાંક કચડાઈ મરશો.’ મોટર નીચે પોતાનાં બાળકો કચડાઈ જાય એની કલ્પના એના મનને વારંવાર વ્યથિત કરી દેતી. થોડી થોડી વારે તે રસોડામાંથી બહાર નીકળીને જોઈ લેતી કે રસ્તા પર ક્યાંય કોઈ અકસ્માત તો નથી થયો ને! એને પરિણામે કોઈક દિવસ દાળમાં મીઠું નાખતાં ભૂલી જતી, તો વળી ક્યારેક શાકભાજી મસાલા વિનાની પાકી જતી. ઘરનાં બધાં કાર્ય અસ્તવ્યસ્ત થઈ જતાં તે વિચિત્ર રીતે ભૂલકણી થવા લાગી. દરરોજ આવું જ બનવા લાગ્યું.

એકવાર એના પતિએ કહ્યું: ‘શું તું ગાંડી થઈ ગઈ છો? જો તારી આશંકા સાચી હોય તો આ બે વર્ષ દરમિયાન સડક પર ચાલતાં ચાલતાં કેટલાંય બાળકો કચડાઈને મરી ગયાં હોત! તું નિરર્થક ચિંતામગ્ન રહે છે.’

તનુજાએ કહ્યું: ‘હા, એ વાત સાચી કે અકસ્માત દરરોજ થતા નથી.’ એમ વિચારતી રહી અને તે ક્રમશ: આવા કાલ્પનિક ભયોથી મુક્ત થઈ ગઈ.

તમે કદાચ વર્તમાનપત્રોમાં વાંચ્યું હશે કે ક્યાંક સાંભળ્યું હશે કે થોડાંક વર્ષો પહેલાં કેટલાંક બુકાનીધારીઓએ રાતે ચાલનારી એક બસને રોકી અને યાત્રીઓનો સામાન લૂંટી લીધો. જો આ જ રાતે તમે એ માર્ગથી યાત્રા કરવાના હો તો પેલી લૂંટફાટની કલ્પના તમારા મનને ભયભીત કરી દે છે. પિસ્તોલ લઈને એ બુકાનીધારીઓ દ્વારા યાત્રીઓને ધમકાવવાનું ચિત્ર પણ અખબારમાં તમે જોયું હશે. હવે એ ચિત્ર તમારા મનમાં સજીવ બની જાય છે. જો તમારી પાસે કંઈક રૂપિયા-પૈસા છે તો એને સુરક્ષિત રાખવાનો સર્વોત્તમ ઉપાય શોધી કાઢવાનો પ્રયાસ કરો છો, આખી રાત જાગતા પણ રહો છો. તમારા હૃદયના થડકારા પણ વધી જાય છે. આ બધો ભ્રમ જ છે, એમ માનીને વચ્ચે વચ્ચે તમે પોતે પોતાની જાતને આશ્વાસન આપવા લાગો છો. પરંતુ ભય નિરંતર પીડી રહ્યો છે. અંતે જ્યારે બસ કોઈ પણ જાતની દુર્ઘટના વિના પોતાના ગંતવ્ય સ્થાને તમને પહોંચાડી દે છે ત્યારે તમે નિરાંતનો શ્વાસ લો છો.

આ રીતે અનેક લોકો નિરર્થક કાલ્પનિક ભયોથી પીડાતા રહે છે.

આઘાત લાવે છે વિનાશ

કોઈ પણ પ્રકારની શારીરિક દુર્બળતાહીન એક સ્વસ્થ યુવાન હતો. સામાન્ય રીતે તોતડાતો ન હતો પણ લોકોની ભીડ જોતાં જ એક શબ્દ બોલી ન શકતો. લાંબા સમય સુધી કોઈ પણ વ્યક્તિ એની આ અક્ષમતાનું કારણ સમજી ન શકી. અંતે વિશેષજ્ઞોએ એને સંમોહન વિદ્યાની મદદથી સુવડાવીને તેના તોતડાપણાનું કે બોલવામાં ખચકાટનું કારણ જાણી લીધું. ત્રણ વર્ષની ઉંમરમાં જ્યારે તે પોતાની માતા સાથે રસ્તા પર જઈ રહ્યો હતો ત્યારે રસ્તાના એક વળાંક પર એણે બે કારનો ભયંકર અકસ્માત જોયો. એની નજર સમક્ષ જ એ બંને કારમાં આગ લાગી ગઈ અને આગની લપટોની વચ્ચે કારમાં ફસાયેલાને બચાવવા લોકોની ભીડ ઉમટી પડી. આ દુર્ઘટનાને લીધે એ સંવેદનશીલ બાળકના મન પર ઘણો મોટો આઘાત લાગ્યો અને ત્યારથી માંડીને તે જ્યારે લોકોની ભીડને જોતો ત્યારે એની બોલવાની શક્તિ હરાઈ જતી. વિશેષજ્ઞોએ એને સંમોહન વિદ્યાથી ફરીથી સુવડાવીને એના ગહન મનમાં બેઠેલા એ ભયને દૂર કરવાનો પ્રયત્ન કર્યો. અંતે તેની ભીતર ફરીથી આત્મ વિશ્વાસ જાગ્યો. પેલા વિશેષજ્ઞ એને ફૂટબોલનો મેચ તેમજ સર્કસ વગેરે જોવા લઈ ગયા. તેમાં આનંદપૂર્ણ દૃશ્ય અને અદ્‌ભુત યુક્તિપ્રયુક્તિ જોવા મળી. ધીમે ધીમે એ ભીડની સાથે આનંદપૂર્ણ રમતોનો સંબંધ જોડતા શીખી ગયો. એના અવચેતન મને આ નવા સાહચર્યને સત્ય માની લીધું અને ક્રમશ: મોટા સમૂહમાં પણ એની બોલવાની શક્તિ ફરી પાછી આવી ગઈ.

એક યુવતી બોલવામાં ખચકાતી હતી અને એને લીધે ઘણી હેરાન-પરેશાન થતી હતી. મનોચિકિત્સકોને આ રોગનું મૂળ તેના અવચેતન મનમાં મળ્યું. બાળપણમાં તે લગભગ પોતાનાં માતપિતાની વચ્ચે થતા ઝઘડા જોયા કરતી. એકવાર પોતાના પિતાએ માને મારી. એ દૃશ્ય જોઈને તેણે મનમાં ઘણો મોટો આઘાત અનુભવ્યો હતો. આ આઘાત એના અંતર મનના ઊંડાણમાં બેસી ગયો હતો. આ છૂપો ભય મનમાંથી નીકળી ગયો અને તે બોલવામાં ખચકાતી બંધ થઈ ગઈ.

આપણે ઉપર્યુક્ત ઘટનાઓનું તાત્પર્ય સમજવું પડે. એનો નિહિતાર્થ ઘણો મહત્ત્વનો છે. આ ઘટનાના આલોકમાં આપણે આટલું સમજી શકીએ છીએ કે આપણા દેશમાં માતપિતાની અજ્ઞાનતા અને પરિવેશના પ્રભાવને લીધે બાળકોને કેવી ભયંકર પરિસ્થિતિ અને કઠિન સંકટોનો સામનો કરવો પડે છે! ભિન્ન જાતિઓ, ધર્મો તેમજ સાંસ્કૃતિક પરંપરાઓમાં જન્મેલ આપણાં બાળકોનું જીવન કેટલું જટિલ છે! જો કે આ વિષય આ ભયના પ્રકરણની સાથે સીધે સીધો સંબંધિત નથી. આમ છતાં પણ બાળકોમાં ભાવનાત્મક જીવન અને શિક્ષણ સાથે એનો સંબંધ છે ખરો. એ વિશે થોડી માહિતી કે જાણકારી મેળવી લેવી એ અહીં વિષયાન્તર નહીં ગણાય.

એક બાળક જેમ જેમ મોટું થતું જાય છે તેમ તેમ તે પોતાની આસપાસના વાતાવરણ – ઘર, શાળા, સમાજની સાથે ઉચિત કે અનુચિત રીતે જોડાવા લાગે છે. ઘર જ બાળકોને પ્રભાવિત કરનારું સર્વપ્રથમ અને સૌથી વધારે શક્તિશાળી સ્થાન છે. જો ઘરનું વાતાવરણ એના પરિવારના સભ્યો, વિશેષ કરીને માતપિતાની વચ્ચેના પરસ્પરના વિવાદો તેમજ એકબીજા પર દોષારોપણથી દુષિત હોય તો એ બાળકના માનસિક સ્વાસ્થ્ય પર તેની ગંભીર અસર પડે છે. આપણે કલ્પના કરી શકીએ છીએ કે એને લીધે બાળકોના વ્યક્તિત્વનો વિકાસ કેટલો બધો કુંઠિત બની જાય છે.

માની લો કે કોઈ બાળકને ઘર, શાળા અને આડોશપાડોશમાંથી તિરસ્કાર અને ઉપેક્ષાવાળાં વર્તન-વ્યવહાર મળે છે. જો આવું બને તો એ બાળક સહજ રીતે કુસંગમાં પડીને જાતજાતનાં ઉત્પીડન અને પ્રહારોનો શિકાર બનતું જાય છે. આ ભયાનક અનુભવોની સ્મૃતિઓ એના મન પર એક ચિરસ્થાયી અનિષ્ટ છાપ પાડી દે છે. એના મનમાં એવી ભાવના ઘર કરી જાય છે કે તે બધા લોકો દ્વારા અવાંછિત ત્યજાયેલો અને અવગણિત બાળક છે. ભિન્ન ભિન્ન પ્રકારનાં દુષ્કર્મોમાં લીન કે લિપ્ત રહીને એનામાં અપરાધની ભાવના આવી જાય છે. તેનામાં એવી ખોટી શ્રદ્ધા બંધાઈ જાય છે કે તે કોઈ પણ ઉપયોગી કાર્ય કરવા અસમર્થ છે. આ રીતે એ વ્યક્તિના રૂપે તેનો વિકાસ પ્રભાવિત થવા લાગે છે. હીન ભાવનાથી ગ્રસ્ત થવાને લીધે તે બીજા લોકો સમક્ષ પોતાના મનોભાવ પ્રગટ ન કરી શકતો. તે પોતાના ભવિષ્યમાં આવી પડનારા દુર્ભાગ્યથી ડરતો રહેતો. અસહાયતા, નિરાશા, અપરાધીપણાનો ભાવ, ક્રોધ અને બદલાની ભાવનાથી તે તરબતર રહેતો. આવા યુવકો ભવિષ્યમાં સહજ રીતે જ અસામાજિક તત્ત્વ બની જાય છે.

Total Views: 50

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.