જન્મ અને મરણ માનવમાત્ર માટે હંમેશા રહસ્યમય જ રહ્યાં છે. જો જન્મને આવકારવામાં-નવાજવામાં આવે છે, તો મરણને ધિક્કારવામાં આવે છે- એના તરફ ભયની નજરે જોવામાં આવે છે. જે માણસ મોતને જીવનનો અંત માને છે, વ્યક્તિત્વનો નાશ સમજે છે, એને માટે તો મોત એને આખેઆખો ગળી જનાર દાનવ જ છે! એના પ્રિયતમ વ્યક્તિત્વને એકાએક જ ખત્મ કરી દેનાર દૈત્ય છે! પણ શ્રદ્ધાળુ તો એમ માને છે કે એના અહીંના જીવન દરમિયાન અને તે પછી પણ ભગવાન એની ભેળો ને ભેળો રહેલો છે.

જગતના બધા જ ધર્મો જ્યારે કોઈક ને કોઈક પ્રકારના મરણોત્તર જીવનને સ્વીકારે છે, ત્યારે હિન્દુઓ મરણને એક જીવનમાંથી બીજા જીવનમાં પ્રવેશ તરીકે માને છે. એમના માનવા પ્રમાણે અહીંનો દેહ છોડી દીધા પછી એ છોડનાર આત્માને પોતાના વંશજોની સહાયતાની અણીની આવશ્યકતા પડે છે અને એ પણ કંઈ ફક્ત ભૌતિક શરીર છોડી દેવાના સમય દરમિયાન જ નહિ, પણ એની લોકાન્તરયાત્રા દરમિયાન પણ એ આવશ્યકતા કાયમ રહે છે. મરણ પછી તરત કરવામાં આવતી વિવિધ ક્રિયાઓની આ જ ભૂમિકા છે પ્રતિમાસ કે પ્રતિવર્ષ પુનરાવર્તિત થતી આવી ક્રિયાઓ જ ‘શ્રાદ્ધ’ છે અને એ જગતના સર્વ ધર્મોમાં વિવિધ રીતે સ્વીકૃત છે.

હિન્દુ સમાજમાં પ્રાચીનતમ કાળથી પળાતી આવતી પ્રથાઓ પૈકી આજે પણ આવી શ્રાદ્ધ જેવી પ્રથાઓ ચાલુ છે. એને પોતાનું જીવનમૂલ્ય છે. પૂર્વજો પ્રત્યેની કૃતજ્ઞતાની એ અભિવ્યક્તિ છે. એમાં સાંસ્કૃતિક સાતત્યનો ભાવ પણ જળવાય છે. આમ છતાં અત્યારે ચાલતી એ ક્રિયાઓ યાંત્રિક અને નિર્જીવ બની ગઈ છે. એનું દેખીતું કારણ તો આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીની ભારે પ્રભાવક અસર લાગે છે અને બીજું કે આપણા લોકોને મોટેરાંઓ દ્વારા આવાં કાર્યમાં સૂચિત થતા જીવનમૂલ્ય-પૂર્વજો પ્રત્યેની કૃતજ્ઞતાનો, સંસ્કૃતિના સાતત્યનો, કશો ખ્યાલ જ આપવામાં આવતો નથી.

ભારતમાં તો આ મરણોત્તર પૂર્વજ પૂજાના આવા અંત્યેષ્ટિ અને શ્રાદ્ધ જેવા પ્રસંગો ઘણા જ પ્રાચીન કાળથી મનાતા આવતા જોવા મળે છે પિતૃપૂજા-પૂર્વજોની પૂજાના ઘણા પરિચ્છેદો ઋગ્વેદમાંય મળે છે. કેટલીક વખત એને સપ્તર્ષિ અને નવાગ્વ કે દશાગ્ન તરીકે ઓળખાય છે. પ્રસંગોપાત્ત પછી એમાંયે ઘણાં જૂથો બની ગયાં છે; સોમરસ પીનારાઓ, રાંધેલું ખાનારાઓ, વગેરે. પછી તો એમને રહેવાનો એક પિતૃલોક પણ કલ્પાયો! પિંડપિતૃયાગ અને મહાપિતૃયાગ એ બંને આહિતાગ્નિ ગૃહસ્થો માટે ફરજિયાત ઠેરવાયા! આ બધું વિધિ વૈવિધ્ય મૂળ સીધા સાદા શ્રાદ્ધ વિધિનો પાછળનો થયેલો વિકાસ જ લાગે છે. ભાવનાઓનું યાંત્રિકતામાં આવું રૂપાંતર ઇતિહાસ માટે નવી વાત નથી.

કર્મ અને પુનર્જન્મના વ્યાપક સિદ્ધાંત પ્રમાણે તો મરનાર મનુષ્ય પોતાના કર્માનુસાર અહીં કે પછી અન્ય લોકમાં પુનર્જન્મ ધારણ કરે છે અને જ્યાં સુધી એ માણસ જ્ઞાન દ્વારા મોક્ષ ન પામે ત્યાં સુધી આ જન્મમરણના ફેરા ચાલ્યા જ કરે છે. એટલે જ્યારે શ્રાદ્ધમાં મૃતક ને પિંડ અપાય છે, ત્યારે એ પૂર્વજનું – મૃતકનું – ખરેખર ક્યું પોતિકાપણું કયે ઠેકાણે હોય છે કે જે ઠેકાણે આ પિંડોનું સત્ત્વ પહોંચે છે અને એને ટેકો આપે છે?

આ પ્રશ્ન સ્મૃતિઓમાં અને અન્ય ઠેકાણે ચર્ચાયો છે અને એને માટે ઠીક ઠીક વિવાદો પણ થયા છે અને એનો છેવટે તારણ નીવેડો એવો લાવવામાં આવ્યો છે કે માણસની બુદ્ધિ કરતાં શાસ્ત્રો જ છેવટનાં પ્રમાણરૂપ ગણાવાં જોઈએ. શાસ્ત્રોની પ્રમાણભૂતતા માનવીય ઈંદ્રિયોથી પર છે. એટલે માણસે શાસ્ત્રો ઉપર શ્રદ્ધા રાખવી જોઈએ, અને તે કહે તેવી રીતે કરવું જોઈએ. શાસ્ત્રો એવું કહે છે કે શ્રાદ્ધબલિ પહેલાં તો વસુ, રુદ્ર અને આદિત્યો નામના વિશિષ્ટ દેવતાઓ ગ્રહણ કરે છે. કારણ કે એ મૃત – પિતરોના વાલીઓ છે અને ત્યાર પછી આ દેવો એ પિંડના સત્ત્વને લાગતાવળગતા લોકોને સ્વર્ગ, નરક, મર્ત્યલોક કે અન્ય પ્રાણીઓમાં અવતરેલ વ્યક્તિને મોકલી આપે છે અને એ દેવો પણ પોતાની તે તે વ્યક્તિ પાસેથી શ્રાદ્ઘના રૂપમાં યોગ્ય રીતે વળતર પ્રાપ્ત કરી લે છે.

આવાં પુરાકલ્પનો તરફ સહાનુભૂતિ દાખવ્યા છતાં પણ આધુનિક વિજ્ઞાનથી પ્રભાવિત બૌદ્ધિક જનતાને ગળે એ ન જ ઊતરે એ સાવ સ્વાભાવિક વાત છે. સામાન્ય જન પણ આવી વાતો ઝડપથી માની લે એવું નથી. એટલે આ માટે કંઈક જુદી રીતે જ વિચારવાની – નવેસરથી વિચાર કરવાની જરૂર છે.

મહાત્મા ગાંધી જ્યારે ચિત્તરંજનદાસનાં રૂઢિગત વૈધવ્ય પાળતાં ગં. સ્વ. વાસંતીદેવીને મળવા ગયા ત્યારે તેમણે સૂત્રાત્મક રીતે જે શબ્દો ઉચ્ચાર્યા હતા તે જ આ શ્રાદ્ધના પુનર્મૂલ્યાંકનની પ્રેરક વાણી છે. તેઓએ કહ્યું કે ‘રિવાજના કૂવામાં તરવું એ સારું છે, પણ એમાં ડૂબી જવું ન જોઈએ.’ દરેક સંસ્કૃતિમાં પોતપોતાનાં વિશિષ્ટ રિવાજો – પ્રથાઓ – જીવનરીતિઓ હોય છે. લોકોને એના ઉપર તરતાં આવડવું જોઈએ. તરવામાં ગતિશીલતા છે; પરિવર્તનશીલતા છે, પરિણામિતા છે. જેમ નદી એક જ છે, છતાં એનું જળ હંમેશા વહ્યા જ કરે છે તેમ સંસ્કૃતિમાં રિવાજો છે – પદ્ધતિ છે પણ એ સતત સમયાનુકૂલ ગતિશીલ જ રહેવી જોઈએ, સમય પ્રમાણે એની વિભાવનાઓ બદલતી રહેવી જોઈએ, એનો નાશ કદી ન થવો જોઈએ. પણ એનું સ્વરૂપ ભલે બદલતું રહે. જેમ માણસની બાલ્ય-યૌવનાદિ અવસ્થાઓ બદલે છે તેવી રીતે એ બદલ્યા કરે છે, પણ પેલો માણસ તો તેનો તે જ રહે છે. નદી એક છે પણ એનું જળ તો વહ્યા જ કરે છે, માણસ એક છે પણ અવસ્થા પ્રમાણે બદલ્યા કરે છે. એને ‘પરિણામી નિત્યતા’ કહેવાય! આ બંને શબ્દો બહુ મહત્ત્વના છે આમાંનો ‘નિત્યતા’ શબ્દ સંસ્કૃતિનું સાતત્ય જાળવવાની શીખ આપે છે, તમને મૂર્તિભંજક થતા રોકે છે અને ‘પરિણામી’ શબ્દ ‘ગતિશીલતા’નું સૂચન કરે છે : આ રીતે સમયાનુકૂલ પ્રથાની વિભાવનાઓ બદલે છે પણ એ પ્રથા તો પૂર્વોક્ત નદી કે વ્યક્તિની પેઠે એની એ જ રહે છે. એક જ વસ્તુ કલેવર બદલતી રહે છે.

સંસ્કૃતિના આવા ગતિશીલ અને પરિણામી સ્વરૂપથી આપણે અજ્ઞ નથી પ્રાગૈતિહાસિક કાળના અર્ધ સંસ્કૃત માનવીએ શરૂ કરેલી લિંગપૂજા આજે થતી શિવપૂજા – હિરણ્યગર્ભપૂજા-બ્રહ્માંડ પ્રતીકની પૂજાના રૂપમાં આપણી સામે જ છે. આજના સામાન્ય માણસને પ્રાગૈતિહાસિક જનનાંગ પૂજાની એમાં ગંધ પણ નથી આવતી. શ્રીકૃષ્ણે પણ ‘યજ્ઞ’ની પુરાણી વિભાવના બદલી જ નાખી છે ને!

એ જ રીતે આજે આ ‘શ્રાદ્ધ’ની વિભાવના જ બદલી નાખવી રહી! ગાંધીજીના સૂત્રવાક્યનો ઉત્તરાર્ધ છે – ‘રિવાજના કૂવામાં ડૂબી ન મરાય’ અર્થાત્‌ આંધળી-જડ-ર્જીણ વિભાવનાને વળગી ન રહેવાય! એવું થાય તો સંસ્કૃતિના નાશને નોતરું જેવી વાત થાય. વહેતું પાણી જ શુદ્ધ રહે છે, બંધિયાર પાણીમાં શેવાળ અને ગંદકી જામે છે.

એટલે આપણે આ શ્રાદ્ધની રૂઢિગત વિભાવનાને જ બદલી નાખવી જોઈએ. ‘પિતૃઓની તૃપ્તિ’ની વિભાવનાને બદલે ‘પૂર્વજો પ્રત્યેની કૃતજ્ઞતા, પૂર્વજોનો ઋણ સ્વીકાર’ – એવી નવી વિભાવનાનું એમાં આરોપણ કરવું જોઈએ. પણ શ્રાદ્ધ-તર્પણ-નું અપેક્ષિત સાતત્ય તો અવશ્ય જાળવવું જ જોઈએ – તરવું તો જોઈએ જ પછી ભલે એને નવા વાઘા – નવા વેશ પહેરાવીએ! પણ આપણે કૃતજ્ઞતાનું મૂલ્ય જરાય ઓછું ન કરીએ! ભલે સ્વરૂપ બદલીએ.

જૂના જમાનામાં સીધા-સાદા શ્રાદ્ધને ઠેકાણે પાછળથી સમય જતાં શ્રાદ્ધની જાળ ગૂંથાઈ ગઈ એનું કારણ પણ પરિવર્તનશીલતા જ છે ને? આપણે ત્યાં ઋગ્વેદ સંહિતા, બ્રાહ્મણો, સ્મૃતિઓ, સૂત્રગ્રંથો, ગૃહ્યસૂત્રો, ધર્મશાસ્ત્રો વગેરેમાં અતિવિસ્તૃત રીતે આ શ્રાદ્ધ વિશેનું વાઙમય પથરાયેલું છે. ઓછામાં ઓછા ઈ. પૂર્વે ૬૫૦થી આ દોર સતત ચાલુ રહ્યા કર્યો છે.

આ ‘શ્રાદ્ધ’ શબ્દ ‘શ્રદ્ધા’ પરથી ઉત્પન્ન થયો છે. શ્રદ્ધાથી દીધું તે શ્રાદ્ધ! પણ પછીથી એ અર્થ સંકુચિત થઈ ગયો અને ફક્ત મરણોત્તર ક્રિયાનો જ વાચક બની રહ્યો! વિગતવાર અર્થ એ છે : ‘યોગ્ય વારસદાર દ્વારા મૃતક પૂર્વજને માટે શ્રદ્ધાપૂર્વક કરાતી વિધિ કે જે પિતા, પિતામહ અને પ્રપિતામહ માટે લાભદાયી હોય તેને શ્રાદ્ધ કહેવાય. એ શાસ્ત્રવિદિત યોગ્ય દેશકાલમાં પારિવારિક રિવાજ પ્રમાણે કરાય છે. એમાં રાંધેલું કે રાંધ્યા વગરનું અન્ન તથા યોગ્ય દક્ષિણા બ્રાહ્મણોને અપાય છે.’ – આમ અર્થસંકોચ થયો. એમાં પણ વેદાનુસાર વિધિઓની વિભિન્નતાઓ અને એવું બધું ઘણું ઘણું આવે છે.

ગમે તેમ પણ વિશ્વના બધા જ ધર્મોમાં પોતપોતાની રીતની આ મરણોત્તરવિધિ – શ્રાદ્ધનું અસ્તિતવ તો છે જ! હિન્દુઓમાં મરણ પામતી વ્યક્તિનો મોટો દીકરો અંત્યેષ્ટિ કરે છે. પછીની શ્રાદ્ધવિધિના અધિકારી બીજા પુત્રો બને છે. મૃતકને દીકરો ન હોય તો નજીકનો કોઈ પુરુષ સગો-ભાઈ, દત્તક પુત્ર, પૌત્ર કે સાળો વગેરે વિધિ કરે છે. આ પાછળની જૂની વિભાવના એ છે કે એ શ્રાદ્ધ મૃતક પિતા, પિતામહ, પ્રપિતામહના અને અન્યોના કલ્યાણ માટે કરાય છે. સ્ત્રીનું શ્રાદ્ધ મોટો દીકરો જ કરે; એ ન હોય તો પૌત્ર કરે! એ પણ ન હોય તો દીકરી અને એ પણ ન હોય તો પુરોહિત કરે! અપરિણીત સ્ત્રીનું શ્રાદ્ધ પિતા કરે! આવા આવા તો કંઈ કંઈ નિયમો-ઉપનિયમો-અપવાદો વગેરે હિન્દુ શ્રાદ્ધ-શાસ્ત્રોમાં છે. શ્રાદ્ધો વ્યક્તિની મરણતિથિએ વરસોવરસ કરાય છે અથવા શ્રાદ્ધ પક્ષની તે તિથિએ કરાય છે દરરોજનું પિતૃતર્પણ તો ખરું જ! આ સિવાય પણ માગશર, પોષ, ફાગણ, ચૈત્ર, ભાદ્રપદ વગેરે શ્રાદ્ધના મહિનાઓ ગણાય છે.

હિન્દુઓમાં શ્રાદ્ધનું સાહિત્ય તો ઘણું વિશાળ છે. એમાં શ્રાદ્ધના અધિકારી શ્રાદ્ધ માટે યોગ્ય ભોક્તા, શ્રાદ્ધનાં દ્રવ્યો, શ્રાદ્ધને યોગ્ય સમયો, શ્રાદ્ધ કરવા માટેનાં યોગ્ય સ્થાનો, શ્રાદ્ધોનું વર્ગીકરણ, પાર્વણશ્રાદ્ધ, ગયા શ્રાદ્ધ આદિ અનેકાનેક બાબતોની ઝીણી ઝીણી ચર્ચાઓ કરવામાં આવી છે, એ શ્રાદ્ધની પ્રાચીનતા, એનું મહત્ત્વ વગેરે સૂચવે છે.

હજુયે હિન્દુ સમાજમાં આ શ્રાદ્ધપર્વની ઉજવણી પૂર્વની રીતે નહિ તો યે એક યા બીજી રીતે થતી જોવા મળે છે. જો કે આધુનિક હિન્દુઓ દ્વારા એની ઉજવણીની આવશ્યકતા તથા કાર્ય સાધકતા વિશે શંકા તો ઉઠાવવામાં આવે જ છે! છતાં પણ આ ઉજવણીનો મર્મ-એનું રહસ્ય-આપણા સ્વર્ગસ્થ પૂર્વજો પ્રત્યેની માનસન્માનની લાગણી અને પ્રેમ – ખાસ કરીને તાજેતરમાં જ ચાલ્યા ગયેલા પૂર્વજ તરફની ભાવનાના જીવનમૂલ્યને ગમે તે માણસ આવકાર્યા વગર રહી જ ન શકે.

અને એ જીવનમૂલ્ય તો સંગ્રહણીય છે. સાથોસાથ સર્વવ્યાપક પણ છે. અંગ્રેજી કેળવણી અને આધુનિક વિચારોના ધસારાને લીધે શ્રાદ્ધવિધિઓમાંથી જેમનો વિશ્વાસ ઊડી ગયો છે એવા લોકોને માટે ડો. પી.વી. કાણેએ આવું સૂચવ્યું છે કે –

‘વરસમાં ઓછામાં ઓછું એકવાર પોતાનાં દિવંગત સ્વજનોની સ્મૃતિમાં પોતાના મિત્રો, સગાંસંબંધીઓ અને વિદ્વાનોને ભોજન માટે નિમંત્રવા અને સાદું જીવન અને ઉચ્ચત્તમ વિચાર ધરાવતા ચારિત્ર્ય સંપન્ન એવા ગરીબ વિદ્વાનોને ધનની સહાય કરવી એ ખરેખર સારી જ વાત છે. આવું કાર્ય આપણી પ્રાચીન પરંપરાને અનુકૂળ જ છે; એટલું જ નહિ પરંતુ એ આજે નિર્જીવ અને યાંત્રિક બની ગયેલી શ્રાદ્ધ જેવી પ્રથામાં નવા પ્રાણ સીંચશે અને એનું ભૂતકાળ સાથે અનુસંધાન પણ કરી આપશે. અને એને એક નવું પરિમાણ-આયામ-આપી શકશે. આમ થશે તો જ અત્યારે ઘણાને નિરર્થક લાગતી આ પ્રથામાં મોટી સાર્થકતા દેખાશે.’ (ડો. પી.વી.કાણે – ધર્મશાસ્ત્રનો ઇતિહાસ, ગ્રંથ ૪, પૃ. ૫૫૦ – ભાંડારકર રિસર્ચ ઈન્સ્ટી. પૂણે)

સુપ્રસિદ્ધ ધર્મશાસ્ત્રજ્ઞ ડો. કાણેના આ વિધાનમાં આપણે એટલું ઉમેરીએ કે એ ઉપરની શ્રાદ્ધ ઉજવણીની અભિનવ રીત સાથે ઉપવાસ, એકટાણું, કુળદેવતાની પ્રાર્થના, ધ્યાન અને જપ, સ્વર્ગસ્થોના આત્માની ચિરશાંતિ માટે ઈશ્વરને હાર્દિક પ્રાર્થના વગેરે પણ જોડી શકાય.

આપણે જોયું કે શ્રાદ્ધવિધિ ભલે પ્રાચીન હોય તો પણ તે એક જીવનમૂલ્ય તરીકે આજેય સાચવી રાખવા જેવી છે. ભલે સમયાનુસાર એનાં રૂપ-રંગ બદલી નાખવાં પડે. પેલી ગળાવેલી માધાવાવમાં પાણી લાવવા માટે દીકરા અને વહુનું દેવાયેલું બલિદાન અંધશ્રદ્ધા જ હતી છતાં એની પાછળ રહેલી લોકો માટે મરી ફીટવાની – તમન્નાનું મૂલ્ય જરા પણ ઓછું ન જ આંકી શકાય. એમ પિંડદાન અવ્યવહારુ અને અવૈજ્ઞાનિક હોવા છતાં એની પાછળ રહેલી કૃતજ્ઞતાની ભાવનાનું મૂલ્ય જરાપણ ઓછું ન અંકાવું જોઈએ – ફક્ત અવૈજ્ઞાનિકતા જ દૂર થવી ઘટે. મૂલ્ય નહિ!

અત્યારે પણ કોઈ વિદ્વાનનું શ્રાદ્ધ-તર્પણ આપણે તેને ગમતાં શાસ્ત્રીય પ્રવચનો કે એનું કંઈક ગોઠવીને કરીએ છીએ. કોઈ સંગીતકારનું શ્રાદ્ધ તર્પણ એને સંગીતાંજલિ આપીને ઉજવીએ છીએ. શ્રાદ્ધ ભલે નવાં કલેવર ધારણ કરે પણ પૂર્વજોની કૃતજ્ઞતા અભિવ્યક્ત કરતું એ આ આપણી સંસ્કૃતિનું સાચવવા જેવું મૂલ્યવાન રત્ન છે.

Total Views: 38

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.