(૧૫ વર્ષની ઉંમરથી જીવન સંઘર્ષ કરતાં કરતાં મોટા ઉદ્યોગપતિ બન્યા. સક્રિય રાજનીતિમાં ભાગ લીધો હતો, એવા શ્રી રામેશ્વર તાંતિયાએ લખેલ ‘ભૂલે ન ભૂલાયે’ પુસ્તકમાંથી ગુજરાતી અનુસર્જન રૂપે કેટલાક અંશ અહીં પ્રસ્તુત છે. – સં.)

મહાભારતમાં એક કથા આવે છે : એક દિવસ બાળક અશ્વત્થામા દૂધ માટે રિસાઈ ગયો. એ જમાનામાં દૂધ ઘણું સસ્તું હતું પણ ગરીબ માટે એ સંભવ ન હતું. આંખમાં આંસું સાથે માતાએ પાણીમાં લોટ મેળવીને બાળક અશ્વત્થામાને રાજી રાખવા પ્રયત્ન કર્યો પણ એને છાનો રાખી ન શક્યાં. એટલીવારમાં દ્રોણાચાર્ય ઘરે પાછા આવ્યા. આવીને જોયું તો બાળક તો રડે છે. કારણ જાણીને દ્રોણાચાર્ય દુ:ખ અને આશ્ચર્યમાં પડી ગયા. મનમાં ગ્લાનિ પણ થઈ. ઘોર દરિદ્રતામાંથી મુક્તિ મેળવવા તેઓ બેબાકળા થઈ ગયા અને કંઈક સ્થાયી વ્યવસ્થા થાય એવું વિચારીને મહારાજા દ્રુપદ પાસે ગયા.

પોતાના સહપાઠી મિત્ર મહારાજ દ્રુપદે કહ્યું: ‘બ્રાહ્મણ ઇચ્છો તો કંઈ પણ ભીક્ષા મળી શકે. બાળપણના સમયને યાદ કરીને એને મિત્રતાનું રૂપ આપીને મારી ભાવુકતાને ઉત્તેજવાનો પ્રયત્ન ન કરો. ભાઈ, સંબંધ અને મૈત્રી બરોબરિયા વચ્ચે હોય છે.’

અપમાનિત દ્રોણના મનમાં આ વાત બરાબર ખૂંચી ગઈ. એમણે એ જ ક્ષણે નિર્ણય લીધો અને ત્યાંથી સીધા હસ્તીનાપુર ચાલ્યા ગયા. તેઓ ધનુર્વિદ્યાના અનુપમ આચાર્ય હતા. કૌરવ અને પાંડવોના શિક્ષણ માટે હસ્તીનાપુરના રાજ્યે એમને આદરપૂર્વક ગુરુ તરીકે નીમી દીધા. દ્રોણે કઠોર પરિશ્રમ અને મનની લગનીથી કુમારોને અસ્ત્રશસ્ત્રના સંચાલનમાં પ્રવીણ કરી દીધા. અર્જુન, ભીમ અને દુર્યોધન જેવા પોતાના પરાક્રમી શિષ્યોને જોઈને એમનું હૃદય આનંદથી ગદ્‌ગદ્‌ થઈ ઊઠ્યું.

શિક્ષણકાર્ય પૂરું થયું. દીક્ષાંત સમારોહ વખતે જ્યારે આચાર્ય દ્રોણને ગુરુદક્ષિણા માટે વિનંતી કરવામાં આવી તો એમણે દ્રુપદ પર આક્રમણ કરવાની દક્ષિણા માગી. રાજકુમારોએ એનો સહર્ષ સ્વીકાર કર્યો. હસ્તીનાપુરના સેનાનાં પ્રચંડ આક્રમણ અને રણકૌશલ્ય સાથે દ્રુપદ ઝાઝું ટકી ન શક્યો. એને બંદીવાન બનાવીને શિષ્યો આચાર્ય સમક્ષ લાવ્યા. આવી અવસ્થામાં રાજા દ્રુપદને જોઈને દ્રોણાચાર્યે પૂછ્યું: ‘રાજન્‌, કહો, હવે તો મિત્રતા થઈ શકે છે ને?’ દ્રુપદનું માથું શરમથી નીચું ઝૂકી ગયું. એને જવાબ શું દેવો? આ વાત દ્વાપર યુગના અંતિમ ચરણની છે. વર્તમાન યુગમાં પણ એક બનેલી સાચી ઘટના આ સંદર્ભમાં યાદ આવે છે :

‘ભીવાનીના એક ગરીબ વૈશ્યનો પુત્ર કોઈ સાધન સંપન્ન પરિવારમાં દત્તક રૂપે કોલકાતા આવ્યો. ઘણાં વર્ષો પછી એમનાં માતપિતાને જગન્નાથપુરીની યાત્રા કરી આવીએ અને આ પળે આપણે આપણા પુત્ર અને પૌત્રોને પણ મળતા આવીએ એવી ઇચ્છા થઈ.

અત્યંત કષ્ટદાયી યાત્રા પછી થાકીને એક દિવસ કોલકાતા પહોંચ્યા. પત્નીને બીજા સહયાત્રીઓ સાથે ધર્મશાળામાં રાખીને વૃદ્ધ પિતા પોતે પુત્રને મળવા એના બંગલે ગયો. પુત્ર તો પોતાની ગાદી પર બેઠો હતો. એની ખુશાલી અને વૈભવ જોઈને પિતાનું હૃદય ગદ્‌ ગદ્‌ થઈ ગયું. મેલાંઘેલાં કપડાં ઊંચી ઊંચી પોતડી અને વધી ગયેલી દાઢી સાથે સંકોચાતો સંકોચાતો તે ગાદીના એક ખૂણામાં બેસી ગયો. મિત્રો સાથે પુત્ર વાતચિત કરતો રહ્યો. ઊઠીને એણે આ વૃદ્ધ પિતાનાં ચરણને સ્પર્શેય ન કર્યો અને કોઈ કુશળ સમાચારેય ન પૂછ્યા. એક મિત્રે પૂછ્યું એટલે એણે કહ્યું: ‘આ તો અમારા ગામના ઓળખીતા ભાઈ છે.’

આ વૃદ્ધ નિર્ધન હતો પણ આત્મસન્માનની ભાવનાવાળો હતો. વૈભવના મદમાં ચકચૂર પુત્રની એ વાત એના મનમાં ખૂંચી ગઈ. રાજસ્થાની હવામાં મોટો થયો હતો, આવો અપમાનનો ઘૂંટડો સહન ન થઈ શક્યો. તે બોલી ઊઠ્યો: ‘શેઠજીના દેશનો તો હું ઓળખીતો માણસ છું, પરંતુ એમને જન્મ આપનારી માનો પતિ પણ છું. શેઠજી ધનવાન છે અને અમે ગરીબ છીએ એટલે અમારો અને એમનો સંબંધ કેવી રીતે હોઈ શકે? અહીં આવ્યો એ જ મારી ભૂલ થઈ. સારું થયું કે એની માને આ વાત સાંભળવી ન પડી, એને તો હું ધર્મશાળામાં જ મૂકીને આવ્યો છું.’

આ અણધારી અને અપ્રિય ઘટના પછી મિત્રો સાથે બેઠક જામી ગઈ. ધીમે ધીમે બધાએ ત્યાંથી ચાલતી પકડી. પેલા વૃદ્ધ તો પહેલેથી જ નીકળી ગયા હતા.

કોલકાતા આવ્યા પછી યુવક શેઠે પોતાના જન્મદાતા માતપિતાના ક્યારેય ખબરઅંતર પૂછ્યા ન હતા. એનામાં એક અભિમાન આવી ગયું હતું. પોતાના મુનિમ, ગુમાસ્તા અને મિત્રોની સામે જ બનેલી આ ઘટનાને કારણે તે ઝાંખોઝપટ બની ગયો. ઘોડાગાડીમાં પત્નીને લઈને સાંજે ધર્મશાળામાં પહોંચ્યો. ત્યાં સુધીમાં તો માતાપિતા જગન્નાથપુરી જવા રવાના થઈ ગયા હતા. થોડાં વર્ષો સુધી પોતાના સગા નાના ભાઈઓએ (આ ગરીબ મા-બાપના બીજા પુત્રો) ઘણું ધન કમાઈ લીધું. સમય જતાં પોતાના પુત્રોનાં અહીં પોતાના ગામના મકાન પણ થઈ ગયાં હતાં અને ધંધો રોજગાર પણ વધતો જતો હતો. નસીબ તો હરતીફરતી છાયા છે. વેપારમાં ખોટ આવવાને લીધે કોલકાતામાં મિથ્યાભિમાની મોટા પુત્રની સંપત્તિ ચાલી ગઈ. ગરીબીની વાત સાંભળીને માનું દિલ માન્યું નહિ. હઠ કરીને વૃદ્ધ પતિ સાથે કોલકાતા જવા રવાના થઈ ગયા.

ખબર મળતાં જ પોતાની પત્ની અને બાળકો સાથે સંકોચ સાથે મોટો પુત્ર માતપિતાને મળવા આવ્યો. આવતાં વેંત જ માતપિતાનાં ચરણમાં પડી ગયો અને વર્ષો પહેલાં પોતે કરેલા દુર્વ્યવહાર માટે માફી માગવા લાગ્યો.

‘હવે તો તમે મને ઓળખી ગયા હશો, ખરું ને?’ આમ કહીને પિતા મોં ફેરવીને બેસી ગયા. વૃદ્ધ માતા તો એકીટસે પોતાના દીકરા અને એનાં બાળકો તરફ જોઈ રહી હતી. ૨૦ વર્ષ પહેલાં ૧૨ વર્ષના દીકરાને એની સુખની કામનાના હેતુથી આ માએ પોતાના પુત્રને દુ:ખ સાથે પોતાનાથી અલગ કર્યો હતો. ‘કુપુત્રો જાયેત ક્વચિદપિ માતા કુમાતા ન ભવતિ – પુત્ર કુપુત્ર ભલે થાય, પણ માતા કુમાતા ન બની શકે.’ પોતાના પુત્રને પાસે લઈને એને ભેંટી પડી અને ગદ્‌ગદ્‌ કંઠે બોલી ઊઠી: ‘ભાઈ, ભગવાનની કૃપાથી તારા ભાઈઓ પાસે ઘણું છે. મગ અને મઠમાં ભાઈ કોણ નાનું અને કોણ મોટું! ચારેય ભેગા મળીને ધંધો રોજગાર સંભાળી લો.’

મોટા પુત્રની આંખ ભીની થઈ ગઈ. મા તો બંને પૌત્રોને કાંખમાં તેડીને જલદીથી ઓરડાની બહાર આવી ગઈ.

Total Views: 36

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.