શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની વિવિધ પ્રવૃત્તિ

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા તા.૬ સપ્ટે.ના રોજ જૂનાગઢમાં નેત્રચિકિત્સા કેમ્પનું આયોજન ત્યાંના રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રચાર-પ્રસાર કેન્દ્રના સહયોગથી થયું હતું. શહેર અને આજુબાજુનાં ગામડાંનાં કુલ ૨૫૦ દર્દીઓને ચકાસવામાં આવ્યાં હતાં. તેમાંથી ૪૭ દર્દીઓને દરરોજ ૧૫-૧૫ની ટૂકડીમાં આશ્રમની બસમાં જૂનાગઢથી ઓપરેશન માટે લાવીને ‘વિવેકાનંદ આઈ-કેર-સેન્ટર’માં તેમનાં ઓપરેશન થયાં હતાં. દર્દીઓના ભોજનની વ્યવસ્થા પણ થઈ હતી.

શનિવાર ૨૬ સપ્ટેમ્બરના રોજ મહાઅષ્ટમી (દુર્ગાષ્ટમી) પૂજાના ઉપલક્ષ્યમાં શ્રીમંદિરમાં સવારથી મંગલ આરતી, સ્તોત્રપાઠ, વેદપાઠ, ધ્યાન, વિશેષ પૂજા, ચંડી પાઠ, ભજન, હવન, પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. બપોરે ૧૨ કલાકે પ્રસાદ વિતરણ થયું હતું. સાંજના શ્રીમા નામ સંકીર્તન અને ભજનકીર્તનનો કાર્યક્રમ યોજાયો હતો.

૨૮ સપ્ટેમ્બર, સોમવારે દશેરા નિમિત્તે સંધ્યા આરતી પછી શ્રીમંદિરમાં શાંતિજળનો કાર્યક્રમ યોજાયો હતો.

રામકૃષ્ણ મિશન, વડોદરા

રામકૃષ્ણ મિશન, વડોદરા દ્વારા ધો.૧૦ અને ૧૨ના ટોપટેનનો સન્માન સમારંભ શ્રી ચંચી મહેતા ઓડિટોરિયમમાં સુપ્રિમ કોર્ટના ભૂતપૂર્વ ચિફ જસ્ટિસ પદ્મવિભૂષણ શ્રી પી.એન. ભગવતીના અધ્યક્ષ સ્થાને સંપન્ન થયો.

સ્વામી વિવેકાનંદે શિકાગો વિશ્વ ધર્મસભામાં સર્વધર્મ સમન્વયનો આપેલ સંદેશ આજે પણ પ્રાસંગિક: વડોદરામાં યોજાયેલ સર્વધર્મસભાનો સૂર

સ્વામી વિવેકાનંદે ૧૧ સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ આપેલ સર્વધર્મ સમન્વયનો સંદેશ આજે ગ્લોબલાઈઝેશનના યુગમાં વધારે પ્રાસંગિક બની ગયો છે, એવી ભાવના ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૯ના રોજ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરા દ્વારા આઈ.જી. પટેલ સેમિનાર હોલ ખાતે યોજાયેલ સર્વ ધર્મ સભામાં વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે આ વર્ષે તા. ૨ થી ૭ ડિસેમ્બર, ૨૦૦૯ દરમિયાન મેલબોર્નમાં યોજાનારી પાંચમી વિશ્વધર્મ પરિષદના સર્વધર્મ સભાના ડાયરેક્ટર પ્રો. કેહિલે વડોદરા શહેરની સુંદરતાની પ્રશંસા કરી હતી અને વિશ્વધર્મ પરિષદ વિશે વિસ્તારથી માહિતી આપીને તેમાં ભાગ લેવા નિમંત્રણ આપ્યું હતું.

‘ઈન્ટર ફેઈથ હારમોની’ વિશે યોજાયેલ આ ઈન્ટર ફેઈથ મીટનું ઉદ્‌ઘાટન કે. જે. સોમૈયા ટ્રસ્ટ, મુંબઈના ચેરમેન ડો. શાંતિલાલ સોમૈયાએ કર્યું હતું. શ્રીમત્‌ સ્વામી પ્રભાનંદજી મહારાજના અધ્યક્ષપદે યોજાયેલ આ સમારંભમાં હિન્દુ, ખ્રિસ્તી, ઈસ્લામ, બૌદ્ધ, પારસી, જૈન તેમજ શીખ ધર્મોના પ્રતિનિધિઓએ આ વિષય પર પોતપોતાના ધર્મોની વિદ્વત્તાપૂર્ણ રજૂઆત કરી હતી. શહેરના વિદ્વત્તજનોએ બહોળી સંખ્યામાં આ કાર્યક્રમને રસપૂર્વક માણ્યો હતો.

* આજની પરિસ્થિતિમાં મૂલ્યલક્ષી શિક્ષણની તાતી જરૂરિયાત છે, એવી ભાવના મ.સ. યુનિવર્સિટીના કુલપતિ ડો. શ્રીમતી મૃણાલિની દેવી પુવારે ‘મૂલ્ય નિષ્ઠ શિક્ષણ – શા માટે અને કેવી રીતે’ વિષય પર રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરા દ્વારા મહારાજા સયાજીરાવ (મ.સ.) યુનિવર્સિટીના આર્ટસ ફેકલ્ટીના સેમિનાર હોલમાં તા. ૧૨મી સપ્ટેમ્બરના રોજ યોજાયેલ સેમિનારનું ઉદ્‌ઘાટન કરતી વખતે વ્યક્ત કરી હતી. બેલૂર મઠથી પધારેલ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્‌ સ્વામી પ્રભાનંદજી મહારાજે પોતાના અધ્યક્ષીય ભાષણમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણ કેવી રીતે આપણી શૈક્ષણિક સંસ્થાઓમાં લાવી શકાય તે વિશે વિસ્તારથી વાત કરી હતી. મ.સ. યુનિ.ના ઉપકુલપતિ ડો. રમેશ ગોયલ અને ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિ.ના કુલપતિ ડો. મનોજ સોનીએ આ મહત્ત્વપૂર્ણ વિષય પર સુંદર વક્તવ્યો આપ્યાં હતાં. નગરના અનેક શિક્ષણવિદો અને શિક્ષક ભાઈ-બહેનોએ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રારંભમાં રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજે સ્વાગત પ્રવચન કર્યું હતું.

Total Views: 37

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.