(૧૫ વર્ષની ઉંમરથી જીવન સંઘર્ષ કરતાં કરતાં મોટા ઉદ્યોગપતિ બન્યા. સક્રિય રાજનીતિમાં ભાગ લીધો હતો, એવા શ્રી રામેશ્વર તાંતિયાએ લખેલ ‘ભૂલે ન ભૂલાયે’ પુસ્તકમાંથી ગુજરાતી અનુસર્જન રૂપે કેટલાક અંશ અહીં પ્રસ્તુત છે. – સં.)

માતૃદર્શન

૧૬૫૭ની ઓક્ટોબરની એક સાંજનો સમય છે, સંધ્યા સુંદર ખીલી છે અને વાતાવરણ ગુલાબી છે. શિવાજી માતા ભવાનીના મંદિરમાંથી બહાર આવીને આશ્ચર્યમાં ડૂબી ગયા.

ખચ્ચરો અને બળદગાડીની એક લાંબી કતાર નજરે ચડે છે. હીરા-પન્ના અને જર-જવાહરાતથી ભરેલ અને સોના ચાંદીના ભારથી દબાયેલા પશુ ધીમે ધીમે કિલ્લામાં પ્રવેશ કરી રહ્યા છે.

પ્રધાન મોરો પંતે શિવાજીની જિજ્ઞાસાને શાંત કરતાં કહ્યું: ‘મહારાજ, અંબાજી સોનદેવે કલ્યાણના સુબા પર આધિપત્ય કરી લીધું છે અને લૂંટનો સામાન લઈને આવ્યા છે.’ શિવાજી અંબાજીને ભેટી પડ્યા અને પોતાનો બહુમૂલ્ય હાર ઈનામ રૂપે આપ્યો. કલ્યાણના શક્તિશાળી સુબેદાર આટલી આસાનીથી હારી ગયા, એનાથી શિવાજી આશ્ચર્ય અનુભવતા હતા. શિવાજીની છાતી ગર્વથી ફૂલી ઊઠી. પોતાના બહાદૂર વીર સેનાપતિને જોઈને કહ્યું: ‘શાબાશ અંબાજી! તમારી સ્વામીભક્તિ અને બહાદૂરી માટે હું ગર્વ અનુભવું છું.’ 

ઓચિંતાની એક પાલખી જોઈને તેઓ ચોંકી ઊઠ્યા અને પૂછ્યું: ‘આ પાલખીમાં શું છે?’ અંબાજીએ હસતાં હસતાં કહ્યું: ‘મહારાજ, આ પાલખીમાં કલ્યાણની સૌથી ખૂબસૂરત, મુલ અહમદની પુત્રવધૂ સલમા છે. તેનું સૌંદર્ય સમગ્ર મહારાષ્ટ્રમાં પંકાયેલું છે. એનો ક્રૂર સાસરો સેંકડો હિંદુ સ્ત્રીઓની આબરૂ સાથે ખેલ કરતો રહ્યો હતો. આજે એનો બદલો લેવાનો મજાનો અવસર આપણને મળ્યો છે.’ શિવાજીને અંબાજીની આ સફળતા પર ઘણું ગૌરવ થતું હતું પરંતુ આ વાત સાંભળીને શિવાજી વિહ્‌વળ થઈ ઊઠ્યા. તેમણે આંખો મીંચી દીધી. એમને પોતાનું બાળપણ યાદ આવવા લાગ્યું. પિતા શાહજી વીજાપુરના સુલતાનોને ત્યાં જાગીરદાર અને લશ્કરી અધિકારી હતા. ૩૦૦૦ મરાઠા ઘોડે સવાર અને પાયદળ સિપાઈઓનું એમનું પોતાનું સૈન્ય હતું. માતા જિજાબાઈ કર્તવ્યનિષ્ઠ, સાહસિક અને ધર્મપરાયણ આદર્શ નારી હતાં. પરંતુ પરમાત્માએ એમને રૂપ આપ્યું ન હતું.

શાહજીએ ૩૦ વર્ષની ઉંમરે તુકાબાઈ નામની એક બીજી સુંદર યુવતી સાથે લગ્ન કર્યાં. એમની સાથે તેઓ બેંગલોરમાં રહેવા લાગ્યા. ૧૬૨૬માં એમણે જીજાબાઈને બે વર્ષના પુત્ર શિવાજી સાથે શિવનેરના કિલ્લામાં મોકલી દીધાં. દુ:ખી જીજાબાઈએ પોતાનું સમગ્ર વહાલ બાળક શિવા પર વરસાવી દીધું. પૂરી ધીરતા સાથે તેઓ પોતાનું જીવન વીતાવતાં હતાં.

સદ્‌ભાગ્યે દાદાજી કોંડદેવ જેવા સ્વામી ભક્ત અભિવાહક તથા સમર્થ ગુરુ રામદાસ જેવા ભવિષ્ય દૃષ્ટાનું માર્ગદર્શન બાળક શિવાજીને મળ્યું. એને લીધે બાળપણથી જ શિવાજીમાં સારા સંસ્કારનાં મૂળિયાં જામવાં લાગ્યાં. સાહસ અને વીરતાની સાથે ધર્મ પ્રત્યે અથાગ શ્રદ્ધાનાં લક્ષણ પણ આ નાના બાળકમાં સ્પષ્ટપણે નજરે પડતાં.

એ જમાનામાં વિવાહ બાળપણમાં જ થઈ જતા. તેઓ ૧૪ વર્ષના થયા ત્યારે માતાએ પોતાના પતિને શિવાજીનાં લગ્ન વિશે લખ્યું. શાહજીએ એ બંનેને બેંગલોરમાં પોતાના નિવાસસ્થાને બોલાવી લીધા. ત્યાં જીજાબાઈની શોક્ય તુકાબાઈએ એનું અનેક રીતે અપમાન કર્યું. આમ છતાં પણ ૧૨-૧૨ વર્ષની કઠિન તપસ્યાને લીધે જીજાબાઈએ પોતાની જાતને અત્યંત સંયમમાં રાખી હતી. એટલે જ સંયમ એનું ધન બની ગયું હતું.

એમણે શાહજીને કેવળ આટલું જ કહ્યું: ‘આપના સુખમાં જ મારું સુખ છે. આપનું બધું ધન અને જાગીર તુકાબાઈ અને એમના પુત્ર વ્યંકોજીને ભલે મળે. શિવાને કેવળ પૂના ગામ દેજો. પછી જો એનામાં યોગ્યતા હશે તો તે એમાં વધારો કરી લેશે.’

આ રીતે ૧૫ વર્ષની નાની ઉંમરમાં શિવાજી પૂનાના જાગીરદાર બન્યા. એમણે ઘોડેસવારોની એક નાની ટુકડી તૈયાર કરી લીધી અને મોકો જોઈને આસપાસના ઈલાકામાં છાપા મારવા લાગ્યા. મુસલમાન સુલતાનો અને અધિકારીઓના અત્યાચારથી લોકો ઘણા દુ:ખી હતા એટલે એમને ક્યાંય વિશેષ રોકવાવાળું કોઈ ન હતું. લૂંટનો સામાન લઈને માની સામે મૂકી દેતા. એમાંથી ત્રીજો ભાગ સિપાઈઓમાં વેંચી દેતા. કેટલોક અંશ જૂના પુરાણા મંદિરના પુનરુદ્ધારમાં કે કૂવા-વાવ ગળાવવા કે એની મરામત કરવાના ખર્ચમાં વપરાતો. બાકી વધેલું ધન ઉત્તમ ઓલાદના ઘોડા અને નવાં નવાં અસ્ત્રશસ્ત્ર ખરીદવામાં વપરાતું.

બધા પ્રકારે સાધન-સંપન્ન હોવા છતાં પણ તેઓ પોતાને સ્વામી રામદાસના સેવક માત્ર જ માનતા. એટલે જ એમણે પોતાના ધ્વજનો રંગ ભગવો રાખ્યો હતો. ૧૬૫૭માં એમની ઉંમર કેવળ ૩૦ વર્ષની હતી. એ સમય દરમિયાન એમણે મહારાષ્ટ્રના મોટા ભાગના કિલ્લાઓ કબજે કરી લીધા હતા. વીસ હજાર સુસજ્જ મરાઠાવીરોનું સૈન્ય એમની પાસે હતું. દુશ્મનોના મોટાં મોટાં સૈન્યો પર તેઓ બાજની જેમ આક્રમણ કરતા અને બધું લૂંટીને પાછા રાયગઢના પોતાના અભેદ્ય કિલ્લામાં આવી જતા. ૨૫-૨૫ કોશ સુધી આક્રમણ કરીને મરાઠા સૈન્ય રાયગઢ કોઈ પણ જાતના વિઘ્ન વિના પાછું આવી જતું. લોકોને તો શરૂ શરૂમાં એમાં વિશ્વાસેય ન પડતો. પછીથી અફઘાનો અને પઠાણોના મનમાં એવી ધારણા બંધાઈ ગઈ કે શિવાજીને પ્રેતાત્માનો સહારો છે. એટલે જ એમનું નામ સાંભળતાં જ હથિયાર છોડીને ભાગી જતા. 

દિવસ-રાત યુદ્ધમાં મગ્ન રહેવા છતાં પણ પોતાની માતા પાસેથી એમને ધાર્મિક પ્રેરણા મળતી રહી. જો કે એમને હિંદુધર્મ પ્રત્યે સંપૂર્ણ શ્રદ્ધા હતી અને યવનોના અત્યાચારને લીધે મંદિરના વિઘ્વંશને કારણે એમનું ચિત્ત ખિન્ન થઈ ઊઠતું. આમ હોવા છતાં પણ એમણે બીજા ધર્મની ક્યારેય નિંદા કરી ન હતી. કોઈ મસ્જિદ કે ગિરિજાઘરનો નાશ કર્યો ન હતો કે એવાં સ્થાનોને ભ્રષ્ટ પણ નહોતાં કર્યાં. એટલું જ નહિ, એમણે જૂની-પુરાણી મસ્જિદોની મરામત પણ કરાવી હતી. પોતાના સેનાપતિઓને તેમણે સ્પષ્ટ આદેશ આપી રાખ્યો હતો કે કોઈ પણ ધર્મ સ્થાનને હાનિ ન પહોંચાડવી અને દુશ્મનોની કોઈ પણ સ્ત્રીની લાજ ન લૂંટવી. 

આવા સંસ્કારશીલ અને સાચા ધર્મપરાયણ શિવાજીએ જોયું કે પાલખીના ઝીણા બારિક પડદા પાછળ હીરા-ઝવેરાતથી સજ્જ થયેલ એક પરમ સુંદર યુવતી ભયભીત બનીને અને લજ્જાથી સંકોચાઈને એક બાજુએ બેઠી છે. થોડીવાર સુધી તેઓ એકીટસે એના તરફ જોઈ રહ્યા પછી કહ્યું: ‘બહેન, ઉંમરમાં તું મારાથી નાની છો. પણ તારામાં મને ‘મારી મા’ દેખાય છે. હા, એટલો ફરક છે કે પરમાત્માએ તને મારી મા કરતાં અતૂલનીય રૂપ સંપત્તિ પણ આપી છે. મને એવું લાગે છે કે ઈશ્વરે ફૂરસદના સમયે અત્યંત કાળજી અને જાગૃતતાપૂર્વક તારી રચના કરી હશે. સદ્‌ભાગ્યે આવા સૌંદર્યનો થોડો ઘણો અંશ મારી માતાને મળી જાત તો એને પોતાના સુહાગનું દુ:ખ સહન કરવું ન પડત. અને હું પણ સુંદર બાળક રૂપે જન્મ્યો હોત. મારા સેનાપતિએ તમારું અપમાન કર્યું છે. કોઈ પણ કારણ વગર તમને તકલીફ દીધી છે. જે ધારણા સાથે તમને એ અહીં લાવ્યા છે એ સાંભળીને શરમથી મારું માથું નીચે ઝૂકી જાય છે. જો મારી માતા અને મારા ગુરુજી સાંભળશે તો આવા જઘન્ય કાર્યમાં શિવાજીનો સંકેત જરૂર રહ્યો હશે એમ વિચારશે. બહેન તું ચિંતા ન કર. તને તારી ઈજ્જત સાથે તારા પતિ પાસે પહોંચાડી દઈશ. મારે બહેન નથી. આજથી તું મારી નાની બહેન બની છો અને હું તારો મોટો ભાઈ.’

પાસે ઊભેલા સૈનિકોએ જોયું તો શિવાજીની આંખો ભીની થઈ ગઈ છે. થોડીવાર પછી મૌન તોડીને ક્રોધથી કાંપતાં કાંપતાં કહ્યું: ‘અંબાજી! તમે તમારી મૂર્ખતાને લીધે આટલી મોટી જીતને હારમાં ફેરવી નાખી. શિવાજી પણ પોતાના અંત:પુર માટે પારકી વહુ-દીકરીઓને પણ લૂંટે છે એ વાત જ્યારે લોકો સાંભળશે ત્યારે તેઓ આપણા વિશે શું વિચારશે? આપણી ઇજ્જત-આબરૂ ક્યાં જવાની? પછી તો મરાઠી સીપાઈઓ અને એના સરદારો ભર દિવસે સ્ત્રીઓની લાજ લૂંટતા રહેશે. છેલ્લાં ૧૪ વર્ષથી તમે મારી સાથે છો. ક્યારેય તમને આવી ઇચ્છા કે લાલસાનો આભાસ પણ થયો છે ખરો? તો પછી મારા આદેશની અવગણના કરીને એક દુ:ખી નારીને અહીં લઈ આવ્યા એવી હિંમત તમે કેમ કરી શક્યા? અંબાજી! તમે મારી આબરૂ પર કલંક લગાવ્યો છે. જો રાજા પોતે જ પોતાનું ચારિત્ર્ય ગુમાવી દે તો પછી સૈનિકોની મર્યાદા તૂટી જ જવાની. શું આ જ મારા ‘હિંદુ પદપાદશાહી’નું વિકૃત રૂપ હશે? ભૂલ તો તારી એટલી મોટી છે કે તમને ફાંસીને માચડે ચડાવી દેવા જોઈએ. પરંતુ આ સમયે હું ક્રોધમાં છું એટલે તમારા વિશે ફેંસલો સોંપવાનો અધિકાર પ્રધાનમંત્રી મોરોપંતને આપું છું.’ 

અંબાજી વિજયના આનંદ સાથે ઝૂમતો ઝૂમતો આવ્યો હતો અને અહીં બધાની સામે જ આ અપમાનનો ઘૂંટડો એણે ગળવો પડ્યો. પ્રધાનમંત્રી મોરોપંતને અંબાજી પર ઘણો સ્નેહભાવ હતો. એમણે પોતાની જાત દેખરેખ નીચે બધી રીતે યોગ્ય બનાવીને આટલા મોટા હોદા પર પહોંચાડ્યો હતો. બે હાથ જોડીને શિવાજીને એમણે પ્રાર્થના કરી : ‘મહારાજ! અંબાજી હજી જુવાન છે અને થોડો અજ્ઞાની પણ ખરો. એમ છતાં પણ વીર અને સાચો સ્વામીભક્ત છે. આ એનો પહેલો અપરાધ છે, એટલે હું એને ક્ષમા આપવાની પ્રાર્થના કરું છું.’

સલમાને મરાઠાઓની કેદમાં આવી આશા ન હતી. શિવાજી ઈન્સાન છે કે ફરિસ્તા – એ સમજવાનો તે પ્રયત્ન કરવા લાગી. એમના સાસરે લડાઈમાં જીતેલી સેંકડો સ્ત્રીઓ આવતી. કેટલીકને પસંદ કરીને, એને લાચાર બનાવીને તેઓ પોતાના માટે રાખી લેતા અને બાકીની સ્ત્રીઓને સામાન્ય સિપાઈઓમાં વેંચી દેતા. તેમની આબરૂ લૂંટી લેવામાં આવતી અને ઈસ્લામ ધર્મ સ્વીકારવા માટે લાચાર બનાવી દેવામાં આવતી. સલમાની આંખોમાં આંસુઓની ધાર વહેવા માંડી.

થોડા દિવસો પછી સલમા વિદાય થઈ રહી હતી. અહીં શિવાજીના ઘરેથી પોતાના સાસરે! શિવાજીએ પોતાની મોંબોલી નાની બહેનને ભેટીને વિદાય આપી. ખચ્ચર અને ઘોડા પર કરિયાવરનો સામાન પણ હતો. રૂપેરી-સોનેરી પડદાથી ઢંકાયેલ પાલખીની આજુબાજુ સુરક્ષા માટે ઘોડેસ્વાર રૂપે હતા અંબાજી સોનદેવ! તેઓ આજે પોતાના મહારાજ શિવાજીની અનામત પાછી સોંપવા જઈ રહ્યા હતા.

પાલખી આવી ત્યારે સલમા હીબકા ખાઈ રહી હતી. એની આંખમાં ચિંતા અને આશંકાના આંસું હતા અને જ્યારે પાલખી આજે વિદાય લઈ રહી હતી ત્યારે પણ એ હીબકે ચડી ગઈ. પણ આજે એ હીબકામાં પ્રેમ આનંદ અને ઉલ્લાસ હતો.

આત્મીયતા

આ વાત જૂની પુરાણી નથી. ૪૦-૫૦ વર્ષ પહેલાંના લોકોએ આ શેઠજીને નજરે જોયા હતા. એમનું પોતાનું વતન રાજસ્થાનના શેખાવતી વિસ્તારમાં હતું. પોતે તો મોટે ભાગે મુંબઈમાં રહેતા. ત્યાં રૂ અને એની આડતનો ધંધો કરતા. વર્ષમાં એક-બે વાર પોતાના ગામડે જતા ત્યારે ગરીબ અને જરૂરતવાળા લોકોમાં મહિના પહેલાં એમના આગમનની ચર્ચા થતી. ગામના અસંખ્ય લોકો બે-ચાર કોશ ચાલીને એમનું સ્વાગત કરતા. શેઠજી પણ નાનાં-મોટાં બધાંને નામ લઈને બોલાવતા અને એમનાં કુશળક્ષેમ પૂછતા. આવડા મોટા માણસના મુખે પોતાનું નામ સાંભળીને લોકો ખુશ ખુશ થઈ જતા અને પોતાને સદ્‌નસીબવાળા માનતા.

તેઓ ગામમાં રહેતી વખતે દરરોજ હનુમાનજીના પ્રસાદનું તો ક્યારેક સત્યનારાયણની કથા-પ્રસંગે ગામના લોકોને ભોજન પણ કરાવતા. બ્રાહ્મણોના ઘરે ઘરે એક રૂપિયો, એક ધોતિયું અને એક સાડી પણ આપતા. આમ જોઈએ તો મોટા ધનવાનોની સરખામણીમાં એમની પાસે પૈસા બહુ વધુ ન હતા, પણ એ જમાનામાં ચીજવસ્તુઓ સસ્તી હતી અને શેઠનું મન ઉદાર હતું એટલે આવક થતી તેનો મોટો ભાગ તેઓ દાન ધર્મમાં વાપરતા.

એમના એકના એક દીકરાના લગ્ન રાજસ્થાનના એક ગામમાં જ થયાં હતાં. એ જમાનામાં છાપેલી કંકોત્રી મોકલવાની પ્રથા ન હતી. વાળંદ કે બ્રાહ્મણ ગામના બધા ઘરે ઘરે જઈને આમંત્રણ દઈ આવતા. જે સગોત્ર સગા હોય એમને આમંત્રણ આપવા શેઠજી પોતે ગયા. આ વખતે પાંચ દસ બીજા માણસો પણ એમની સાથે રહેતા.

એમના કુટુંબમાં એક એવું ઘર હતું કે જેમને ચણા મમરા બનાવવાની દુકાન હતી. એક ગરીબ ચણા-મમરાની દુકાનવાળાને ત્યાં જઈને તેણે રાખેલ મુંજના ખાટલા પર બેસી ગયા. એ જોઈને બધાને આશ્ચર્ય થયું. બે ત્રણવાર આમંત્રણની યાદ આપ્યા પછી પણ ઘરધણી કંઈ બોલ્યો નહિ. શેઠજી એના ન બોલવાનું કારણ સમજી ગયા. એમણે કહ્યું: ‘ભાઈ, સવારનો ઘરેથી નીકળ્યો છું. તરસ લાગી છે, થોડું પાણી મગાવી દો ને.’ દુકાનદાર લોટામાં પાણી લઈને આવ્યો ત્યારે શેઠજીએ હસતાં હસતાં કહ્યું: ‘અરે ભાઈ! ખાલી પેટે પાણી પીવાય તો પેટમાં ગેસ થઈ જાય, એટલીયે તમને ખબર નથી! એટલે થોડો ગોળ અને આ શેકેલા ચણા-મમરા ખાઈને પાણી પીઈશ.’ આ સાંભળીને દુકાનદાર ગોળ અને ચણા-મમરા લાવ્યો અને શેઠજી ખાઈને તૃપ્ત થયા.

પાસે ઊભેલા લોકોએ જોયું તો પેલા ગરીબની આંખોમાંથી હર્ષના આંસું વહી રહ્યાં હતાં. આટલો મોટો માણસ અને પોતાને બારણે આટલા ભાવથી ચણા-મમરા અને ગોળ ખાઈ લીધા! એણે હાથ જોડીને કહ્યું: ‘શેઠજી, ભોજનમાં આવવાનું મારું મન થતું ન હતું. એનું કારણ એ હતું કે મારે ત્યાં પ્રસંગ પડે ત્યારે આપ આવશો જ નહિ, એવી મારી ધારણા હતી પણ હું ખોટો ઠર્યો. હું આપને ત્યાં સહપરિવાર ભોજન માટે આવીશ.’

કહેવાય છે કે ભોજન સમારંભ ચાર-પાંચ દિવસ સુધી ચાલતો રહ્યો. આસપાસનાં ગામડાંના હજારો લોકો આવ્યા. બધાનો આદર સત્કાર થયો. લગ્નના કાર્યમાં વ્યસ્ત હોવા છતાં પણ શેઠજીના ધ્યાનમાં એક વાત આવી. ભંગીબાઈ ભૂરીની જગ્યાએ કામ કરવા માટે કોઈક બીજી બાઈ આવતી હતી. એમને બોલાવીને પૂછ્યું. એટલે એમણે શેઠજીને કહ્યું કે ભૂરી બહેનની છોકરીના લગ્ન રૂપિયા પૈસાને કારણે અટકી ગયા છે. એટલે મેં એને એકસો રૂપિયા ઉધાર આપ્યા અને એનું ઘર ગીરવી રાખી લીધું. એની વાત સાંભળીને શેઠ ક્રોધે ભરાયા અને એને એ જ સમયે ભૂરીને પાછી કામે બોલાવી લીધી.

મુંબઈથી ઘણા મિત્રો અને વેપારીઓ લગ્નમાં આવ્યા હતા. એ બધાની સામે શેઠજીએ કહ્યું: ‘ભૂરીકાકી! તમે આ ખોટું પગલું કેમ ભર્યું? જ્યારે જ્યારે તમારા તરફથી સમાચાર મળ્યા ત્યારે ત્યારે મુંબઈથી રૂપિયા તો હું મોકલતો હતો.’ ભૂરીએ વાતનો સ્વીકાર કર્યો અને વિનમ્રતાથી કહ્યું કે પેલી ત્રણ છોકરીઓનાં લગ્ન માટે રૂપિયા-પૈસા તો તમારે ત્યાંથી જ આવ્યા હતા. એ સમયે તમારા કાકા જીવતા હતા. આ સમયે મારે જરા ઉતાવળ હતી. ચોથી છોકરી માટે સારું ઘર અને સારો વર મળી ગયો એટલે આ જીવણી પાસેથી રૂપિયા ઉધાર લઈને છોકરીના લગ્ન કરી નાખ્યા. એને લીધે મારે મારું મકાન ગીરવી રાખવું પડ્યું. બે-ચાર મહિનામાં એને છોડાવી લઈશ.

એક ગરીબ અને વળી પાછી ભંગી પ્રત્યે શેઠજીનો આવો આદર અને ‘કાકી’થી સંબોધન થયાનું સાંભળીને હાજર રહેલા લોકોના આશ્ચર્યનો પાર ન રહ્યો. ભૂરી પણ જરાય અચકાયા વિના પોતાના સ્વર્ગસ્થ પતિને શેઠજીના કાકા કહેતી હતી. જીવણી કોઈ પણ રીતે લગન પહેલાં ઘર છોડવા તૈયાર ન હતી. ગમે તેમ કરીને સમજાવી ફોસલાવીને એને બસો રૂપિયા આપીને ભૂરીને એનું ઘર પાછું અપાવી દીધું.

આજે આ વાત જરા વિચિત્ર લાગે ખરી. પણ એ સમયે સ્પૃશ્ય-અસ્પૃશ્યતાના જમાનામાં એક ભંગી સ્ત્રી પ્રત્યે પોતાના મનમાં આવું પોતાપણું એમનાં સુખ-દુ:ખમાં ભાગ લેવાની ભાવના, અંતરની આત્મીયતા અને પ્રેમભર્યું, માનભર્યું સંબોધન મોટા માણસો પણ રાખતા ખરા.

Total Views: 41

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.