મહર્ષિ આયોધધૌમ્ય પોતાના આશ્રમની સામે શાંતભાવે બેઠા હતા. એક કિશોર બ્રાહ્મણકુમારે આવીને પ્રણામ કર્યા. એને એમણે આશીર્વાદ આપ્યા અને એનો પરિચય પૂછ્યો. કિશોર ઉપમન્યુએ પોતાનો પરિચય આપ્યો અને પોતાને શિષ્ય રૂપે સ્વીકારવા વિનંતી પણ કરી. આચાર્યે એને આશ્રમમાં રાખી લીધો.

એ બાળક મેધાવી હતો અને થોડા વખતમાં બીજા વિદ્યાર્થીઓ સાથે હળીમળી ગયો. થોડા દિવસો પછી આચાર્યે આ નવા વિદ્યાર્થીને બોલાવ્યો અને કહ્યું: ‘બેટા, આજથી તારે આશ્રમની ગાયો વનમાં લઈ જઈને ચરાવવાનું કામ કરવાનું છે. દરરોજ પ્રાત:કાળે ગાયોને લઈને વનમાં જવું અને સાંજે એને પાછી લાવીને બાંધી દેવી.’

ઉપમન્યુએ ગુરુદેવનાં ચરણોમાં પ્રણામ કરીને એમની આજ્ઞા શિરોધાર્ય કરી. દરરોજ સવારે આશ્રમની ગાયોને લઈને એ વનમાં જતો. ત્યાં એને ચરવા માટે છોડીને પોતે આસપાસનાં ગામડાંમાં જતો અને ભિક્ષા દ્વારા પોતાનો નિર્વાહ કરતો. એક દિવસ દરરોજની જેમ એણે આચાર્યને પ્રણામ કર્યા ત્યારે એમણે એને પૂછ્યું: ‘વત્સ, તું તારું ભરણપોષણ કેવી રીતે કરે છે?’

ઉપમન્યુએ કહ્યું: ‘ગુરુજી, નજીકના ગામડામાંથી ભિક્ષા મેળવીને હું ચલાવી લઉં છું.’ આ સાંભળીને આચાર્યે એને વળી બીજો આદેશ આપ્યો: ‘વત્સ, મને અર્પણ કર્યા વિના ભિક્ષાનો ઉપભોગ કરવો તારા માટે યોગ્ય નથી. તને જે ભિક્ષા મળે તે મને અર્પણ કરતો જજે.’

ઉપમન્યુએ આજ્ઞા માની અને ગુરુદેવનાં ચરણોમાં પ્રણામ કર્યા. હવે એને જે કંઈ ભિક્ષા મળતી તે આચાર્યની સેવામાં અર્પણ કરી દેતો. આચાર્ય એમાંથી થોડોઘણો ભાગેય ન દેતા. ઉપમન્યુ એમની પાસેથી કંઈ માગતો પણ નહિ. આમ કેટલાક દિવસો પસાર થયા. એક દિવસ વળી પાછું આચાર્યે પૂછ્યું: ‘બેટા, ભિક્ષાનો આખેઆખો ભાગ તો મને આપી દે છે; પછી તું શું કરે છે?’ ઉપમન્યુએ વિનયપૂર્વક કહ્યું: ‘હું મારા માટે બીજીવાર ભિક્ષા મેળવી લઉં છું.’

આ સાંભળીને આચાર્યે વળી કહ્યું: ‘વત્સ, તારે માટે આ પણ યોગ્ય ન ગણાય. આ રીતે તું બીજા ભિક્ષાર્થીઓનો ભાગ મેળવીને એ બધાને ભિક્ષાથી વંચિત રાખે છે. તારે બીજી વાર ભિક્ષા લેવા જવું ન જોઈએ.’ ઉપમન્યુએ ગુરુની આજ્ઞા માની લીધી. હવે તે ગામડામાં બીજીવાર ભિક્ષા લેવા ન જતો. થોડા દિવસો પસાર થયા. એક દિવસ આચાર્યે ઉપમન્યુને ફરીથી પાછો એ જ પ્રશ્ન પૂછ્યો: ‘વત્સ, તું બધી ભિક્ષા મને આપી દે છે. બીજીવાર ભિક્ષા માગવા જતો નથી. હવે તું તારું ભરણપોષણ કેવી રીતે કરે છે?’

ઉપમન્યુએ વિનયપૂર્વક કહ્યું: ‘મહારાજ, હું આશ્રમની ગાયોનું દૂધ પીને ચલાવું છું.’ સાંભળીને આચાર્યે કહ્યું: ‘બેટા, આ ગાયો તો ગુરુકુળની છે. એના દૂધ પર તારો કોઈ અધિકાર નથી. એટલે તારે એ ગાયોનું દૂધ પણ ન પીવું જોઈએ.’

ઉપમન્યુએ ગુરુદેવની આજ્ઞા સ્વીકારી લીધી અને વળી પાછો પોતાના કામે લાગી ગયો. થોડાક દિવસ વીત્યા એટલે આચાર્યે ઉપમન્યુને પોતાની પાસે બોલાવ્યો અને પૂછ્યું: ‘ઉપમન્યુ, તું ભિક્ષા પણ મને આપી દે છે. બીજીવાર ભિક્ષા માગવા જતો નથી અને આશ્રમની ગાયોનું દૂધ પણ નથી પીતો તો તું કેવી રીતે તારી ભૂખ દૂર કરે છે?’ ઉપમન્યુએ કહ્યું: ‘હે આચાર્યદેવ! જ્યારે હું વનમાં ગાયો ચરાવું છું એ સમયે કેટલાંક વાછડાં પોતાની માતાનાં આંચળમાંથી દૂધ પીએ છે. એ વખતે એમના મોંમાંથી ફીણ નીકળે છે. એ ફીણ ચાટીને મારી ભૂખ ભાંગું છું.’ આચાર્યે કહ્યું: ‘બેટા, તારે વાછડાંના મોંમાંથી નીકળનાર ફીણ ખાવા ન જોઈએ.’

ઉપમન્યુએ ગુરુની આજ્ઞા માની લીધી. વનમાં ગાયો ચરાવવા લાગ્યો. થોડાક દિવસ વીત્યા. ભિક્ષા ગુરુજીને આપી દીધી. બીજીવાર ભિક્ષા માગવા ગયો નહિ. આશ્રમની ગાયોનું દૂધ પણ પીધું નહિ. વાછડાનું ફીણ પણ ન ચાટ્યું. આમ એક દિવસ, બીજો દિવસ વીત્યો. હવે ઉપમન્યુ ભૂખથી આકુળવ્યાકુળ બની ગયો. અંતે એની આ ભૂખની આકુળતા અસહ્ય થઈ ગઈ.

અંતે ભૂખની વ્યાકુળતા દૂર કરવા આકડાંના પાંદડાં ખાઈ ગયો. એ પાંદડાંના ઝેરથી એની આંખ ચાલી ગઈ. તે આંધળો બની ગયો. આંધળો ઉપમન્યુ વ્યાકુળ બનીને વનમાં ભટકવા લાગ્યો. એ વનમાં એક જૂનો સૂકો કૂવો હતો. ઉપમન્યુ એ ખાડામાં પડ્યો. પડીને થોડીક ક્ષણો માટે બેભાન થઈ ગયો. જ્યારે તે ભાનમાં આવ્યો ત્યારે એણે પોતાની જાતને ઊંડા ખાડામાં જોયો. દુ:ખી દુ:ખી થઈ ગયો. દુ:ખ અને વિપત્તિની આ પળોમાં પણ એણે મનમાં ને મનમાં ગુરુદેવની કૃપા માટે પ્રાર્થના કરી.

સંધ્યા સમય થયો. બધા શિષ્યોએ સંધ્યા વંદન પછી આચાર્યને પ્રણામ કર્યા, પણ ઉપમન્યુ આવ્યો નહિ. આચાર્યે શિષ્યોને પૂછ્યું: ‘ઉપમન્યુ ક્યાં છે?’ એક શિષ્યે કહ્યું: ‘મહારાજ, ઉપમન્યુ આજે વનમાંથી પાછો આવ્યો નથી.’ આચાર્યની ચિંતા વધી ગઈ. એમણે શિષ્યોને કહ્યું: ‘ચાલો, આપણે બધા જંગલમાં ઉપમન્યુને ખોળતા આવીએ.’

આચાર્યના આદેશ પ્રમાણે બધા શિષ્યો એમની સાથે મશાલ લઈને ઉપમન્યુને ખોળવા જંગલમાં નીકળી પડ્યા. ગાઢ જંગલમાં આચાર્ય મોટે અવાજે ‘ઉપમન્યુ, ઉપમન્યુ’ એમ બોલવા લાગ્યા. કૂવામાં પડેલા ઉપમન્યુએ પોતાના આચાર્યનો અવાજ સાંભળ્યો. સાંભળીને એ ઊંડા ખાડામાંથી જ એણે કહ્યું: ‘ગુરુદેવ હું અહીં આ ખાડામાં પડ્યો છું.’

ઉપમન્યુનો અવાજ સાંભળીને બધા એ ખાડા પાસે પહોંચ્યા. ગુરુદેવે પૂછ્યું: ‘વત્સ, તું આ કૂવામાં કેવી રીતે પડ્યો?’ ઉપમન્યુએ બધી વાત કરી: ‘આચાર્યની આંખોમાંથી આંસુંની ધારા વહેવા લાગી.’ એમણે પોતાના આ આજ્ઞાકારી શિષ્યને શાંત્વના આપી અને વૈદિક ઋચાઓનું પઠન કરીને દેવવૈદ્ય અશ્વિનીકુમારની પ્રાર્થના કરવા કહ્યું. ગુરુની આજ્ઞા પ્રમાણે ઉપમન્યુએ પ્રાર્થના વંદના કરી.

એની સ્તુતિથી પ્રસન્ન થઈને અશ્વિનીકુમાર ત્યાં આવ્યા અને ઉપમન્યુને કહ્યું: ‘હે વત્સ, અમે તારી પ્રાર્થનાથી પ્રસન્ન થયા છીએ. તું આ માલપૂડા ખાઈ લે. એ ખાવાથી તારી આંખોનું તેજ પાછું આવશે અને તું સંપૂર્ણ સાજો સારો થઈ જઈશ.’

ઉપમન્યુએ કહ્યું: ‘હે દેવવૈદ્યો, આપની કૃપા માટે હું કૃતજ્ઞ છું. પણ મારો એ નિયમ છે કે મને મળેલી પ્રત્યેક વસ્તુ મારા ગુરુદેવનાં ચરણોમાં હું અર્પિત કરી દઉં છું અને એમની આજ્ઞા પ્રમાણે જ કાર્ય કરું છું. એટલે આ માલપૂડા પણ હું એમનાં શ્રીચરણોમાં અર્પણ કરી દઉં છું. હું એમની આજ્ઞા વિના આ માલપૂડા ખાઈ ન શકું.’

એની ગુરુભક્તિ જોઈને અશ્વિનીકુમારો આશ્ચર્યચકિત બની ગયા. એમણે ઉપમન્યુને ગળે લગાડ્યો. મહર્ષિ ધૌમ્ય પણ પોતાના શિષ્યની ગુરુભક્તિ જોઈને ગદ્‌ગદ્‌ થઈ ઊઠ્યા. એમણે અશ્વિનીકુમારો પાસે ઉપમન્યુને એની આંખનું તેજ ફરીથી આપવા પ્રાર્થના કરી. એમની કૃપાથી ઉપમન્યુની આંખો હતી એવી જ થઈ ગઈ. ગુરુદેવે એને વેદ-વેદાંગોમાં પારંગત બનીને મહાન જ્ઞાની – બ્રહ્મજ્ઞાની બનવાનું વરદાન આપ્યું. ગુરુકૃપાથી ઉપમન્યુ મહાન બ્રહ્મજ્ઞાની બન્યા.

સંસારનો પ્રત્યેક સાધક ઉપમન્યુ છે. આધ્યાત્મિક જીવનની પૂર્ણતા માટે ગુરુની આજ્ઞાનું પાલન અનિવાર્ય છે. વાસ્તવિક રીતે પરમાત્મા જ ગુરુ રૂપે પ્રગટ થાય છે. શિષ્યનું પરમ કલ્યાણ શેમાં છે એ વાત ગુરુ સારા પ્રમાણમાં જાણે છે. એવું બને કે ગુરુના વિધાનમાં પ્રત્યક્ષ રીતે શિષ્યને દુ:ખકષ્ટ ભોગવવાં પડે. પરંતુ આ દુ:ખકષ્ટની પાછળ પણ શિષ્યનું પરમ મંગળ રહેલું હોય છે. કષ્ટ અને વિપત્તિથી શિષ્યનું ચિત્ત શુદ્ધ થાય છે. એનામાં પુરુષાર્થ પ્રગટી ઊઠે છે.

એનો આત્મ વિશ્વાસ વધી જાય છે. એને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અને નિર્ભરતા અચળ બની જાય છે અને એનો અહંકાર નાશ પામે છે. આ રીતે જ્યારે શિષ્યનો અહંકાર સાવ દૂર થઈ જાય ત્યારે તેના પર ગુરુની ભરપૂર કૃપા વરસે છે. ગુરુકૃપાથી જ સાચી જ્ઞાનપ્રાપ્તિ થાય છે. આધ્યાત્મિક જીવનનું પ્રથમ સોપાન ગુરુભક્તિ છે. ગુરુભક્તિ એવું જહાજ છે કે જે આપણને સંસાર-સાગરને પાર કરવામાં સહાયરૂપ બને છે.

આત્મસમર્પણમાં ફરિયાદને કશું સ્થાન નથી

રામ અને લક્ષ્મણ પંપા સરોવરમાં નહાવા પડ્યા ત્યારે તેમ કરતાં પહેલાં પોતાનાં ધનુષ્યો જમીનમાં ખોસ્યાં હતાં. પાણીમાંથી બહાર નીકળતાં પોતાનું ધનુષ્ય ધરતીમાંથી ખેંચતાં લક્ષ્મણે જોયું તો તેને લોહી લાગેલું હતું.

રામ બોલ્યા : ‘જો, ભાઈ જો! આપણે કોઈ પ્રાણીને ઈજા પહોંચાડી લાગે છે.’

ખોદતાં લક્ષ્મણે જોયું તો એક મોટો દેડકો દેખાયો. એ મરી રહ્યો હતો.

દુ:ખભર્યા અવાજે રામે તેને કહ્યું : ‘તેં શા માટે ‘ડ્રાંઉ, ડ્રાંઉ’ કર્યું નહીં? તને બચાવવા અમે મહેનત કરી હોત. સાપ પકડે છે ત્યારે કેવા જોરથી તું બરાડે છે?’

દેડકાએ કહ્યું, ‘પ્રભુ! સાપ મારી ઉપર હલ્લો કરે ત્યારે, ‘ડ્રાંઉ ડ્રાંઉ’ કરી હું પોકારું કે ‘હે રામ મને બચાવો!’ પણ આજે તો રામ જ મને મારતા હતા એટલે હું મૂંગો રહ્યો.’

Total Views: 41

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.