(આ લેખની માહિતી માટે શ્રીહરકિશન જોષી લિખિત ‘નગર, નવા નગર, જામનગર’ પુસ્તકમાંથી તથા સ્વામી અખંડાનંદ કૃત બંગાળી ‘સ્મૃતિકથા’ના અંગ્રેજી અનુવાદ ‘હોલી વોંડરિંગ્‌ઝ – ફ્રોમ સર્વિસ ઓફ મેન ટુ સર્વિસ ઓફ ગોડ’ વગેરેમાંથી માહિતીની સહાય લેવામાં આવી છે. આ સંકલન માટે અમે શ્રી દુષ્યંતભાઈ પંડ્યાના આભારી છીએ.)

‘નામ રહંતાં ઠક્કરાં, નાણાં નવ રહંત’ – એવી જાણીતી કહેવત છે. પરંતુ સુપ્રસિદ્ધ વૈદ્યરાજ ઝંડુભટ્ટે નાણાની કે નામની, કશાની ખેવના રાખી ન હતી. તે છતાં આયુર્વેદિક ઔષધો બનાવનારી ઝંડુ ફાર્મસીમાં ભટ્ટજીનું નામ જળવાઈ રહેવા પામ્યું છે.

નાગરોની છ જ્ઞાતિઓમાંની એક તે પ્રશ્નોરા જ્ઞાતિ છે. પ્રશ્નોરાઓ સંસ્કૃતના અભ્યાસી અને વૈદકના પણ એટલા જ ઊંડા અભ્યાસી, ચરક, સુશ્રુત અને વાગ્ભટ્ટના મૂળ ગ્રંથોનો અભ્યાસ કરવા માટે સંસ્કૃતનું ઊંડું જ્ઞાન આવશ્યક. ઝંડુભટ્ટને વૈદું વારસામાં મળેલું હતું.

જામનગરના રાજવી જામ રણમલના રાજવૈદ્ય મુકુંદજી ભટ્ટ હતા. એમના પાંચ પુત્રોમાં સૌથી મોટા પુત્રનો જન્મ સંવત ૧૮૮૭ – ઈ.સ. ૧૮૩૧માં થયો હતો. બાળકની માતાએ કંઈ માનતા માની હશે. એટલે કરુણા શંકરના બાળમોવાળા બાળવયે ઉતરાવવામાં આવ્યા ન હતા. વાળનાં ઝૂંડ-ઝંડ વધ્યાં હશે, એટલે નાનપણથી જ ‘ઝંડુ’ નામ પડી ગયું અને તે આજીવન ચીટકી રહ્યું.

એ કાળે વૈદક શીખવતી કોલેજો ન હતી. પોતાના પિતા પાસે જ કરુણાશંકરે વૈદકનો અભ્યાસ કર્યો. અને વૈદકના ઊંડા અભ્યાસ માટે સંસ્કૃતનું પૂરું પ્રભુત્વ આવશ્યક. કરુણાશંકરે બે પ્રસિદ્ધ પંડિતો પાસે સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો. વૈદકને લગતા પ્રાચીન ગ્રંથો – હસ્તલિખિત પોથીઓ – ઘરમાં હતા અને પિતા જેવા જાણકાર ગુરુ હતા. પરંતુ ઊંડી લગન અને સૂઝ ઝંડુ ભટ્ટનાં પોતાનાં હતાં. એમણે આયુર્વેદનું ઊંડું જ્ઞાન પ્રાપ્ત કર્યું. એમના આયુર્વેદના જ્ઞાનના તથા કેટલીયે વ્યક્તિઓને એમણે આપેલ સારવારના કેટલાક દાખલાઓ કર્ણોપકર્ણ ચાલતા આવ્યા છે તેમજ ઇતિહાસને ચોપડે પણ ચડેલા છે.

એમાંનો એક માની ન શકાય તેવો, પ્રસિદ્ધ દૃષ્ટાંત છે ઝંડુભટ્ટે આપેલી વઢવાણના ઠાકોરસાહેબની સારવારનો. ઠાકુર શ્રીરામકૃષ્ણના એક શિષ્ય અને સ્વામી વિવેકાનંદના લાડકા નાના ભાઈ સમા સ્વામી અખંડાનંદે પણ વઢવાણ – આજના સુરેન્દ્રનગર-ના ઠાકોર સાહેબની સારવાર કરવા માટે ભટ્ટજીએ કરેલા ગાંઠના ગોપીચંદનનો કિસ્સો પોતાની પ્રવાસકથામાં વર્ણવ્યો છે. આપણે એ કિસ્સો જોઈએ.

એ સમયના વઢવાણના ઠાકોરસાહેબ દાજીરાજજીને કોઈ અસાધ્ય રોગ થયેલો હતો. ડોક્ટરો, વૈદ્યો, હકીમો વગેરેના ઉપચારો નિષ્ફળ ગયા પછી ઠાકોરસાહેબે ઝંડુભટ્ટને પોતાની સારવાર માટે બોલાવ્યા. એ કાળે રેલવે આવી નહિ હોઈ, ભટ્ટજી પોતાના સગરામમાં ગયા. અંતર બસો કિલોમિટર જેટલું અને આજના જેવા પાકા રસ્તાનો પૂરો અભાવ. ધ્રોળ, પડધરી, રાજકોટ, ચોટીલા જેવા ગામોમાંથી રસ્તો પસાર થતો. નદીઓ ઉપર આજના જેવા પૂલો પણ ન હતા.

એક કરતાં વધારે કુશળ ડોક્ટરો, વૈદ્યો અને હકીમો ‘દર્દ અસાધ્ય છે’ કહી પાછા ચાલ્યા ગયેલા. અલબત્ત સૌ પોતાની પૂરી ફી લઈને. આ ભટ્ટજીએ તેમ નહિ કર્યું. ઠાકોરસાહેબનું દર્દ અસાધ્ય જ છે તેમ જાણતા હોવા છતાં, ભટ્ટજી ત્યાં પૂરા ત્રણ મહિના રોકાયા અને પોતાનાં કેટલાંક ઔષધો આપી જોયાં. પરંતુ ઠાકોરસાહેબનું દર્દ જ હઠીલું હતું અને ભટ્ટજી એ જાણતા પણ હતા. આખરે ભટ્ટજીએ કચવાતે મને, જામનગર પાછા ફરવાનો નિશ્ચય કર્યો.

પોતાના પાછા ફરવાના નિર્ણયની વાત કરી. ભટ્ટજી દાજીરાજજી પાસે ગયા ત્યારે, ખણખણતા રૂપિયા ભરેલી સાત કોથળીઓ ઠાકોર સાહેબે ભટ્ટજીને ધરી. ભટ્ટજીના ત્રણ મહિના રોકાણની તથા તેમણે ઠાકોરસાહેબને આપેલાં ઓસડોની એ ફી હતી; દસ હજાર રૂપિયાની રકમ એ હતી.

‘આપ ઠાકોરસાહેબ પાસે આટલો લાંબો સમય શા માટે રોકાયા હતા?’ એમ ભટ્ટજીને કોઈએ પૂછ્યું હતું.

‘બીજા જે દાક્તરો અને વૈદ્યો અહીં આવી ‘રોગ અસાધ્ય છે’ એમ કહી, પાછા ચાલ્યા જતા હતા તેથી ઠાકોરસાહેબના અંતરમાં નિરાશાનો બોજો કેટલો વધી ગયો હતો? એમનો રોગ અસાધ્ય છે તે હું પણ જાણતો જ હતો. પણ ઠાકોરસાહેબના હૈયામાં મારે નિરાશા ભરવી ન હતી એ માટે હું અહીં રોકાયો અને એમના ચિત્તને બને તેટલું પ્રસન્ન રાખવા અને સમતાથી ભરવા મેં પ્રયત્ન કર્યો હતો. મારા રોકાણનું કારણ એ હતું.’

એથીયે અગત્યની વાત તો એ છે કે ઠાકોર સાહેબે ભટ્ટજીને આપવા ધારેલી રૂપિયાની થેલીઓને ભટ્ટજીએ હાથ પણ લગાડ્યો ન હતો. 

‘દર્દી સારો ન થાય તેની પાસેથી ફી કેમ લઈ શકાય?’ વૈદકના કોઈ પણ ગ્રંથમાં આવો નિયમ લખ્યો છે કે નહિ તે તો એ ગ્રંથોના અભ્યાસીઓ જ કહી શકે. પણ,

કો નુ સ્યાત્‌ ઉપાયોઽત્ર યેનાહં સર્વદેહિનામ્‌ ।
અંત: પ્રવિશ્ય સતતં ભવેયં દુ:ખભાગ ભાક્‌ ॥

(બીજાં પ્રાણીઓનાં શરીરોમાં પ્રવેશીને એમની બધી પીડા હું વેઠું એવો કોઈ માર્ગ છે?)

રંતિદેવના આ મંત્રનો સતત જાપ જપતા ભટ્ટજીનો આ આદર્શ હતો. સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ સ્વામી અખંડાનંદ ભટ્ટજીને ત્યાં ચારેક માસ રહ્યા હતા અને એમની સાથે કોઈ દર્દીને એ જોવા ગયા ત્યારે એ યુવાન સંન્યાસી તેમની સાથે ખંભાળિયા પણ ગયા હતા. ભટ્ટજીને મુખેથી આ મંત્રનો સતત થતો જપ અખંડાનંદે પણ સાંભળ્યો હતો.

પોતાની એ પ્રવાસકથામાં સ્વામી અખંડાનંદે ભારપૂર્વક જણાવ્યું છે કે ‘સેવાવ્રતનો ઉદ્‌ગમ જામનગરમાં થયો હતો, એનો વિકાસ ખેતડીમાં થયો હતો અને મુર્શિદાબાદમાં એ વ્રત પૂર્ણતાએ પહોંચ્યું હતું.’ આમ વૈદરાજ ઝંડુભટ્ટ રામકૃષ્ણ મિશનનાં સેવાકાર્યનો પાયો નાખનાર સ્વામી અખંડાનંદની પ્રેરણામૂર્તિઓમાંના એક હતા. ઝંડુભટ્ટજી રાજ્યના વૈદ હતા અને રાજ્ય એમને સારો પગાર આપતું હતું. વહેલી સવારથી મોડી સાંજ સુધી દર્દીઓની કતાર એમને ત્યાં લાગેલી જ રહેતી કારણ, અનેક રાંક દર્દીઓને એ મફત દવા આપતા, કેટલાક ગરીબ દર્દીઓને પોતાને ઘેર રાખી તેમની વિના મૂલ્યે સારવાર કરતા અને તેમને પથ્ય ખોરાક તથા આવશ્યક ફળ પણ વિના મૂલ્યે આપતા. વઢવાણના ઠાકોર સાહેબ પાસે પૂરા ત્રણ માસ રોકાયા હોવા છતાં એક પૈસો પણ ફીનો નહિ લેનાર ભટ્ટજી ત્યારે કરજવાન હતા. 

પરંતુ દાજીરાજજી ઠાકોર ઉપર, જામનગરના જામ વિભા ઉપર, અનેક નરનારીઓ ઉપર અને સ્વામી અખંડાનંદ ઉપર પણ ભટ્ટજીએ જે હૃદયસમૃદ્ધિની વર્ષા કરી છે, તેનું મૂલ્ય એમની પરના કરજ કરતાં ક્યાંય મોટું હતું.

સેવામૂર્તિ અને ત્યાગમૂર્તિ ભટ્ટજીને પ્રણામ.

***

રોગીઓનું ફક્ત શારીરિક જ નહિ પરંતુ માનસિક પરિવર્તન કેવી રીતે કરી શકાય તેનો એક અત્યંત પ્રેરણાદાયી પ્રસંગ સ્વામી અખંડાનંદજી પોતાનાં સંસ્મરણોમાં કહે છે : ‘એક દિવસ ભટ્ટજીને ઘેર એક બ્રાહ્મણ ‘જય રઘુનાથજી’ કહીને મૂઠી ભિક્ષા માગવા આવ્યો. આ ભિક્ષુક બ્રાહ્મણો પાસે દસમુખી ઝોળી હોય.એમાંથી એક ખાનામાં ચોખા, બીજામાં દાળ, ત્રીજામાં લોટ એમ જુદી જુદી ચીજોથી ઝોળીનાં દસ ખાનાં ભરાય. ભટ્ટજીના ઘરના ચોકમાં એઠાં વાસણોનો ઢગલો પડ્યો હતો. બ્રાહ્મણે જોયું કે ત્યાં કોઈ માણસ ન હતો. ચૂપચાપ એક બે એઠાં વાસણ લઈને થેલીના એક ખાનામાં સરકાવી દીધાં. બ્રાહ્મણ તરતોતરત ચાલ્યો જતો હતો, પણ મેડીએથી ભટ્ટજીએ બધું જોયેલું. તરત જ એને ઉપર બોલાવીને કહ્યું: ‘મહારાજ, તમારી ઝોળી અહીં મૂકો અને આ ગાદી પર બેસો.’ બ્રાહ્મણ તો બીકથી સજ્જડ થઈને બેઠો. ભટ્ટજીએ એક ચાકરને કહ્યું: ‘એક નવી થાળી અને નવી વાટકીમાં સીધું પૂરીને લઈ આવો અને સાથે એક નવો પ્યાલો પણ લાવો.’ ચાકર તરત જ કહ્યા મુજબ બધું લઈ આવ્યો.

બ્રાહ્મણે મનમાં વિચાર્યું: ‘હાશ, ભટ્ટજીની નજરે કશુંય નથી પડ્યું, બચી ગયો!’ ઝોળીનાં ખાનામાં સીધાની સામગ્રી ભરી લેવાને માટે જલદી જલદી ઝોળી લાવવાને ઊભો થયો. એટલામાં ભટ્ટજી બોલ્યા: ‘ઝોળી ન લાવશો, આ બધાં વાસણ તમારે માટે જ છે. મહારાજ, જરૂર આપને ઠામવાસણની અછત છે, નહિ તો તમે એઠી વાટકીઓ શું કરવા લો! વાંક અમારો છે કે અમે આપની જરૂરિયાતની કશી ખબર નથી રાખતા. આપ આ બધું લઈ જાઓ.’ બ્રાહ્મણ તો રડી પડ્યો ને ભટ્ટજીના પગ પકડી લઈને બોલ્યો, ‘આપ માણસ છો કે દેવ!’ એ બ્રાહ્મણનું જીવન બદલાઈ ગયું.’

Total Views: 30

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.