હિન્દુ દેવોમાં વિદ્યાદાયિની દેવી સરસ્વતી ચાર હાથવાળી કલ્પાઈ છે. એના એક હાથમાં પુસ્તક છે; બીજા હાથમાં વીણા અપાઈ છે, ત્રીજામાં અક્ષમાલા છે અને ચોથો હાથ અભયમુદ્રામાં રખાયેલો છે. આ રીતનું એનું સ્વરૂપ એક અનોખું પ્રતીકાત્મક મહત્ત્વ દર્શાવે છે.એના હાથમાંનું પુસ્તક સમગ્ર ભૌતિક જ્ઞાનનું – સમગ્ર પુરુષ પ્રયત્નોનું પ્રતિનિધિત્વ કરે છે; તો વીણા સમગ્ર લલિતકલાઓનું પ્રતિનિધિત્વ કરે છે, માનવની સમગ્ર હૃદય-ભાવનાઓનું એ પ્રતિનિધિત્વ કરે છે; તો અક્ષમાલા આધ્યાત્મિકતાનો સંકેત કરે છે. આ રીતે કેળવણીના ત્રણેય આધારસ્તંભો – હાથ, હૈયું અને હોશ, શ્રમ, સંવેદના અને સ્વરૂપભાન – આ સરસ્વતીના રૂપવિધાનમાં સુયોગ્ય સ્થાને સંકેત પામીને શોભે છે. અને આ ત્રણેયનો સમાન્તર વિકાસ માનવજીવનને અભય બનાવે છે – એવી ફલશ્રુતિ પેલો અભયમુદ્રાવાળો હાથ બતાવી રહ્યો છે!

સમગ્ર લલિતકળાઓનું પ્રતિનિધિત્વ કરતો પેલો વીણાવાદક હાથ માનવજીવનમાં જાણે કે સૌન્દર્ય સીંચી રહ્યો છે; જીવન તરફ પ્રેમ કરવાનો સંદેશ આપી રહ્યો છે, જીવનમાં આનંદ અને ભાવનાતંત્રની પરિતૃપ્તિને પ્રબોધી રહ્યો છે. એ પરિતૃપ્તિ જ જીવનનું લક્ષ્ય છે – આધ્યાત્મિકતા છે. માનવજીવનનું પરમલક્ષ્ય છે એનું પ્રમાણપત્ર પેલો અભયમુદ્રાંકિત ચોથો હાથ આપી રહ્યો છે!

આ રીતે વિદ્યાદાયિની સરસ્વતીની સ્વરૂપ વિભાવનામાં શિક્ષણનાં તમામ અંગોને આવરી લઈને હિન્દુઓએ એને દિવ્યરૂપ આપ્યું છે. હિન્દુઓની બધી કળાઓની ગંગોત્રી તો ઈશ્વર જ છે અને એ બધી અભિવ્યક્ત કળાઓની સાર્થકતા પણ ઈશ્વરપૂજામાં એનો સર્વશ્રેષ્ઠ ઉપકરણ તરીકે વિનિયોગ થાય, એ જ છે અર્થાત્‌ દિવ્યતામાંથી જન્મેલી કળાઓ દિવ્યતાની પૂજાનું શ્રેષ્ઠ ઉપકરણ બનવી જોઈએ. એટલે જ ભારતમાં બધી જ કળાઓનો વિકાસ ઈશ્વરમંદિરને કેન્દ્રમાં રાખીને જ થયેલો જોવા મળે છે. કલાની આ ઈશ્વર-કેન્દ્રીયતા ભારતની વિશેષતા ગણાવી જોઈએ.

ભારતની આ કલાઓ, રંગકલા, ચિત્રકલા, શિલ્પ, નૃત્ય, નાટ્ય, સંગીત, વગેરે અનેકાનેક પ્રકારની છે. આ કલાઓ ચોસઠ પ્રકારની ગણવામાં આવે છે. એમાં ઉપરની છએક કલાઓ તો તરત જ નજરે ચડી જાય તેવી છે. બાકીની કલાઓમાં પુષ્પગુંફન, શય્યાસજ્જીકરણ, જાદુગરી, પાકશાસ્ત્ર, શારીરિક વ્યાયામ, સુતારીકામ, પશુઓની સાઠમારી, પુસ્તકવાચનકલા, કેશગુંફનકલા વગેરે છે. પરંતુ આ બધી કળાઓમાં ઉપર જણાવેલી પાંચ – છ કલાઓ તો અત્યંત વિકસિત થઈ છે. એટલે આવશ્યક રીતે જ એનું વર્ણન – એનો ખ્યાલ – આપવો જરૂરી બને છે.

હિન્દુ પરંપરામાં બધાં વિજ્ઞાનો અને બધી કલાઓની ગંગોત્રી દિવ્યતત્ત્વ જ છે, એમ મનાય છે. બધી કલાઓના આદિ પુરસ્કર્તાઓ તરીકે કાં તો ચતુર્મુખ બ્રહ્મા જેવા દેવો અથવા તો ભરત જેવા ઋષિઓ જ મનાયા છે. ચિત્રકલા, રેખાંકન અને રંગકલાના આદિ ઉદ્‌ભાવક તરીકે નરઋષિના શાશ્વત સાથી એવા નારાયણ ઋષિ મનાયા છે. એમણે ઉર્વી – પૃથ્વી પર સ્વર્ગીય અપ્સરાઓની શિરમોર એવી ઉર્વશીનું ચિત્ર દોરીને એમાં જીવ પૂર્યો હતો. એમણે જ વિશ્વકર્માને ચિત્રસૂત્ર શીખવ્યું હતું, જે અત્યારે ઉપલબ્ધ નથી.

આ ચિત્રકળાની અને રંગકલાની સંમાન્ય કક્ષાઓ લક્ષ્માં લઈએ તો એનાં ઘણાં પાસાં છે; સ્વરૂપ, સપ્રમાણતા, ભાવાભિવ્યંજકતા, રંગ, આકર્ષકતા – લાવણ્ય વગેરે. આ કૃતિઓ, દામોદર ગુપ્તની કુરુની માતા, વિષ્ણુ ધર્મોત્તર પુરાણ (ઈ.સ. ૫૦૦), માર્કંડેય પુરાણ (ઈ.સ. ૩૦૦), સોમદેવનું અભિલષિતાર્થ ચિંતામણિ (ઈ.સ. ૧૧૨૯) અને શિલ્પરત્ન વગેરે ગણાવી શકાય.

રંગકલાની પૂર્વ તૈયારીનાં ચાર સોપાનો આવાં છે : (૧) સફેદ સ્વચ્છ કપડાં જેવી સપાટી એ પાયાની આવશ્યકતા છે. (૨) એને ચોખાના ઓસામણ કે એવા કોઈ પદાર્થથી કડક બનાવવી જોઈએ. (૩) એના ઉપર કાળી પેન્સિલ કે કોલસાથી રેખાંકન કરવું જોઈએ. (૪) અને પછી યોગ્ય રંગપૂરણી દ્વારા એને સજાવવી જોઈએ.

ઉપર્યુક્ત પુસ્તકોમાં રંગકલા અને ચિત્રકલાની ઘણી ઘણી વિવિધતાઓ વર્ણવાઈ છે. આમ તો રંગકલામાં નવે નવ રસો દર્શાવી શકાય છે, છતાં સામાન્ય રીતે મનુષ્ય પોતાના ઘરમાં હાસ્ય, શ્રૃંગાર અન શાન્ત રસનાં રંગચિત્રો રાખી શકે છે, અન્ય રસોનાં નહિ. આમ છતાં સાર્વજનિક સ્થાનોમાં બધા જ રસોનાં રંગચિત્રો દર્શાવી શકાય છે.

આવાં રંગચિત્રોમાં પ્રાકૃતિક દૃશ્યો, અદૃશ્ય સપાટી, સાગરની ઊર્મિઓ, અગ્નિ, ધૂમ, મેઘ, સાવયવ જીવિત પ્રાણીઓ અને માનવોની વિસ્તૃત સૂચનાઓ પણ આપે છે. ચાલો આપણે અત્યાર સુધીમાં પ્રાચીન ભારતના વિવિધ ભાગોમાં શોધાયેલાં આવાં રંગ ચિત્રો તરફ આપણી નજર નાખીએ :

અત્યાર સુધીમાં ભારતના વિવિધ ભાગોમાં શોધાયેલાં પ્રાચીનતમ ચિત્રોમાં મધ્ય પ્રદેશમાં કૈયુર અને વિન્ધ્યાચલની ટેકરીઓમાં તથા રાયગઢ અને મિરઝાપુરમાં મળેલાં ચિત્રો આવે છે. એ બધાં પ્રાગૈતિહાસિક કાળનાં છે અને ખરબચડા પથ્થરના ઓજારથી બનાવવામાં આવ્યાં છે.એ ચિત્રો બહુધા શિકાર વિષયક છે.

રામગઢ ટેકરીમાં જોગીમર ગુફાઓમાંનાં ચિત્રો (મધ્ય પ્રદેશનો સુરગંજ જિલ્લો) ઈ. પૂ. ૨૦૦નાં છે અને કેટલાંક અજંતામાં (મહારાષ્ટ્રમાં) ઈ. પૂ. ૧૦૦નાં છે. અત્યાર સુધીમાં શોધાયેલાં ચિત્રોમાં આ ચિત્રો સૌથી પ્રાચીન છે.

અજંતાનાં રંગચિત્રો કુશલ કલાકારોની કૃતિઓ છે અને એ ઈ. પૂ. ૧૦૦થી માંડીને ઈ. સ. ૭૦૦ સુધીનાં હશે. એનો પ્રભાવ તિબેટ, અફઘાનિસ્તાન, ચીન, કોરિયા અને જાપાન જેવા એશિયાના અન્ય દેશોમાં પથરાયેલો દેખાય છે. આ રંગચિત્રો તેમાંના રેખાંકનની સંપૂર્ણતા, રંગમિશ્રણની સપ્રમાણતા, ભાવભિવ્યંજનની વિવિધતા અને સ્પષ્ટતા, વૃક્ષો – પુષ્પો – પ્રાણીઓ – માનવો – રાજાઓ – રાણીઓ – દેવો – સ્વર્ગના પ્રદેશો – બુદ્ધો – બૌધિસત્ત્વો વગેરે વિવિધ વિષયો તેમજ કુદરતનાં દૃશ્યો વગેરેથી યુક્ત છે.

વિવિધ પ્રકારનાં અન્ય રંગચિત્રો પણ મધ્યપ્રદેશના ગ્વાલિયર પાસે બોદ્ધ ગુફાઓમાંથી શોધાયાં છે. એ બધાં અજંતાનાં રંગચિત્રોને મળતાં આવે છે. બીજી સુપ્રસિદ્ધ રંગચિત્રકૃતિઓ કર્ણાટકમાં બાદામી ગુફાઓમાં ઈ. સ. ૭૦૦ની સાંપડી છે; તામિલનાડુમાં પુડુકોટેના સિટ્ટનિવાસલમાં ઈ. સ. ૭૫૦ની પણ કૃતિઓ છે. વળી મહારાષ્ટ્રમાં ઈલોરા (કૈલાસ મંદિર)માં ઈ. સ. ૮૦૦ની, તાંજુવરના બૃહદીશ્વર મંદિરની ઈ. સ. ૧૧૦૦ની તથા કેરળનાં કેટલાંક મંદિરોની -ભૂતપૂર્વ ત્રાવણકોર અને કોચીન રાજ્યોની – ઈ. સ. ૧૧૦૦ થી ૧૭૦૦ની રંગચિત્રોની કૃતિઓ પણ ઉલ્લેખનીય છે.

ઈ. સ. ૮૦૦ થી ૧૨૦૦ના સમયમાં કોઈ ગણનાપાત્ર ચિત્રકૃતિ દેખાતી નથી. ઇતિહાસકારોને એવું લાગે છે કે આ કાળમાં મુસ્લિમ આક્રમણકારોએ ઘણી કૃતિઓ નષ્ટ કરી નાખી હશે. એના પછીનો ચિત્રકલાના વિકાસનો બીજો તબક્કો રાજસ્થાની પરંપરાનો આવે છે.એ કલાપ્રસ્થાનને ‘રાજપૂત’ કે ‘રાજપુત્ર’ ચિત્રકલા કહેવામાં આવે છે. હિન્દુ સંસ્કૃતિના ઘટનાક્રમમાં આ પ્રસ્થાનનું પોતાનું એક વિશિષ્ટ સ્થાન છે. એ ચિત્રકલાએ જીવનનાં ભૌતિક તેમજ આધ્યાત્મિક – બંને પાસાંને સંતુલિત રીતે આવરી લીધાં છે. આ સિદ્ધિપ્રાપ્ત કલાનું મુખ્ય કેન્દ્ર જયપુર હતું. એના વિકાસનો તબક્કો ૧૫મી સદીથી ૧૮મી સદી સુધીનો હતો.

માનવજીવનના વિવિધ ભાવોને અભિવ્યક્ત કરતી વખતે ચિત્તાકર્ષક પ્રાકૃતિક દૃશ્યો પણ યોગ્ય રીતે આમાં ઝિલાયાં છે. આ રાજપૂત ચિત્રકલાનું એક મહત્ત્વનું પ્રદાન એ છે કે એણે ભારતીય સંગીતની રાગરાગિણીઓનું ચિત્રીકરણ કર્યું છે. શાસ્ત્રીય રાગોના પ્રામાણિત ગ્રંથોનાં વર્ણનોને આધારે એ બધાનાં ચિત્રો દોર્યાં છે! આ રાજપૂત કલા ધીરે ધીરે પંજાબ અને કેટલાક હિમાલયના ઉપાન્ત્ય ભાગો – નૂરપુર, ચમ્બા, જમ્મુ, અને કાંગ્રા સુધી વિસ્તરી છે. અને એણે ધીરે ધીરે નવું નામ પણ ધારણ કર્યું છે – ‘પિંડી પરંપરા!’ પંદરથી સત્તર સદીમાં ‘કાટોક’ વંશીય રાજાઓના અમલ દરમિયાન ત્યાં આ ચિત્રપદ્ધતિ પોતાને શિખરે પહોંચી હતી.

હવે આપણે શિલ્પકલાની વાત કરીએ. કારણ કે શિલ્પકલા એ ચિત્રકલા અને રંગકલાની સમ્બધ્ધ કલા છે. ચારેય વેદોમાં દેવોની મૂર્તિઓનો ઉલ્લેખ મળે છે, તેથી એવું સહેજે અનુમાન નીકળે છે કે શિલ્પકલા પણ ભારતમાં ઓછામાં ઓછા ઈ. પૂ. ૩૦૦૦ના સમયની આસપાસ પ્રચલિત હતી. ‘બૌદ્ધાયન ગુહ્યસૂત્ર (ઈ. પૂ. ૬૦૦) સ્પષ્ટ રીતે બતાવે છે કે કેવળ વિષ્ણુ, ગણેશ અને યમની મૂર્તિઓ જ નહિ, પણ એની સ્થાપના અને પૂજાવિધિઓ પણ હતી. હડપ્પાના ખોદકામમાંથી તાંબાની મૂર્તિ – ઈ. પૂ, ૩૦૦૦ જૂની – મળી આવેલ છે. વૈદિકકાળ દરમિયાન કાષ્ઠ, પથ્થર, ધાતુ, માટી અને કિંમતી પથ્થરોમાંથી મૂર્તિઓ બનતી. ઘરોમાં અંગત પૂજા માટે અને મંદિરોમાં જનસાધારણની પૂજા માટેની મૂર્તિઓ તો મૌર્યકાળ દરમિયાન (ઈ. પૂ. ૩૦૦) કે એની પહેલાંની પણ મળી આવે છે. આ મૂર્તિઓના વિકાસની સાથે જ એક વ્યવસ્થિત વિજ્ઞાન તરીકે મૂર્તિ શિલ્પકલાનો પણ વિકાસ થતો ચાલ્યો એ વિજ્ઞાનના ગણનાપાત્ર ગ્રંથો ‘શુક્રનીતિસાર’, ‘મયમત’, ‘બૃહત્સંહિતા’, ‘શિલ્પરત્ન’, ‘શિલ્પસાર’, ‘સુપ્રભેદાગમ’ અને ‘કારણાગમ’ છે. આ ગ્રંથો મૂર્તિનિર્માણની પ્રક્રિયાની આવશ્યક માહિતી પૂરી પાડે છે.

દેવદેવીઓની મૂર્તિઓ સામાન્ય રીતે બે ભાગમાં વહેંચાઈ છે : (૧) શૈવ અને (૨) વૈષ્ણવ. એ દરેક અન્ય રીતે ત્રણ ભાગોમાં વહેંચી શકાય : (૧) ચલપ્રતિમા, (૨) અચલ પ્રતિમા અને (૩) ચલાચલપ્રતિમા.

ચલપ્રતિમાઓ ધાતુની બનાવેલી અને ઉત્સવોમાં ઉપયોગમાં લેવાતી હોય છે. એટલા માટે એને ‘ઉત્સવમૂર્તિઓ’ એવું નામ અપાયું છે. અચલપ્રતિમાઓ (મૂલવિગ્રહો) ઘણું કરીને પથ્થરની બનાવેલી અને મંદિરની પીઠ પર જડાયેલી હોય છે. હવે જો એ જ મૂર્તિ મંદિરમાં પૂજાર્થેય રહેતી હોય અને શોભાયાત્રામાં પણ લઈ જવાતી હોય તો એ ચલાચલ પ્રતિમા કહેવાય છે. જગન્નાથમંદિરની કાષ્ઠમૂર્તિઓ (ઓરિસા) આ પ્રકારની છે.

આ મૂર્તિઓ ત્રણ પ્રકારના અંગવિન્યાસવાળી હોય છે : સ્થાનક (ઊભેલી), આસન (બેઠેલી) અને શયન (સૂતેલી). એમાં શયનમાં તો કેવળ વિષ્ણુની મૂર્તિ જ હોય છે. વળી આ મૂર્તિઓ ઉગ્ર અને શાંત પણ હોય છે.

મૂર્તિઓ દ્વારા અભિવ્યક્ત થતી દેવીદેવતાઓની ખાસિયતો એમના હાથની મુદ્રા, ઘરેણાં અને આંગળીઓની મુદ્રાઓથી, તેમના આસન ઉપરથી તેમનાં ચિહ્‌ન ઉપરથી અને તેમના પગોની સ્થિતિ ઉપરથી અને વસ્ત્રો ઉપરથી પારખી શકાય છે.

મુદ્રાઓ અને આસનો, અભયમુદ્રા અને વરદમુદ્રા, પદ્‌માસન અને યોગાસન ઘણાં સામાન્ય છે. શિવશક્તિઓની મૂર્તિઓમાં ડમરું, ત્રિશૂલ, પાશ, અંકુશ, બાણ, ખડ્‌ગ, વગેરે પ્રતીકો હોય છે. જ્યારે ચક્ર, શંખ, ગદા અને પદ્મ વગેરે પ્રતીકો વિષ્ણુ અને તેમનાં સહ દેવદેવીઓનાં હોય છે. એ મૂર્તિઓના, શિલ્પના માર્ગદર્શક અનેકાનેક નિયમો છે. મૂર્તિની ઊંચાઈ, લંબાઈ, પહોળાઈ, જાડાઈ અને વિવિધ અવયવોની સપ્રમાણતા – આ બધું જ તાલમાન પદ્ધતિ પ્રમાણે છે. ‘તાલ’ એટલે હથેળીની ટોચથી – મધ્યમાને અગ્રભાગથી કાંડા સુધીનું માપ. એ માપ ચહેરાનું હોય છે. એમ દેવ-દેવીઓની મૂર્તિઓમાં નક્કી થયેલું હોય છે.

સમય જતાં ચાર શિલ્પ પદ્ધતિઓ વિકાસ પામી : (૧) મદુરાઈ પદ્ધતિ (૨) કાંચી પદ્ધતિ, (૩) ચાલુક્ય હોયસળ પદ્ધતિ અને (૪) બંગાલી પદ્ધતિ – આ પદ્ધતિ હજુ બંગાળ, આસામ અને ઓરિસામાં ચાલુ છે.

જો કે આ બધી પદ્ધતિઓ મૂર્તિકલાવિધાનના સામાન્ય નિયમોનું અનુસરણ તો કરે જ છે. આમ છતાં તે તે પદ્ધતિ પોતપોતાની આગવી વિશિષ્ટતા પણ એમાં પ્રદર્શિત કરે છે.

હવે આપણે ભારતની સંગીત-નાટ્ય-નૃત્ય કલા વિશે કશુંક કહીશું.

જો ચિત્રકલા અને રંગકલા આંખોને આકર્ષે છે તો સંગીતમાં હૃદયને આકર્ષવાની શક્તિ છે, નૈતિક – આધ્યાત્મિક લાગણીઓને અભિવ્યક્ત કરવાની ઉચ્ચતમ સંભાવના છે. દુ:ખી દિલને દિલાસો આપવાનું એ માત્ર ઔષધ જ નથી, પણ આધ્યાત્મિક સાધકના આત્માને ઈશ્વર તરફ જગાડી દેવામાં પણ સહાયક વસ્તુ છે. એટલે જ હિન્દુ ઋષિઓએ એને કેટલીકવાર ‘નાદયોગ’ એવું અને ઈશ્વરને ‘નાદબ્રહ્મ’ એવું નામ આપ્યું છે. એટલે ભારતમાં સંગીતનો વિકાસ સદૈવ દેવમંદિરોમાં અને ધાર્મિક સ્થાનોમાં થયો છે. ધર્મ અને આધ્યત્મિક મૂલ્યો સાથે હમેશાં એનો સંબંધ રહ્યો છે.

ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત – એવા ત્રણ વૈદિક સ્વરો એ ભારતીય સંગીતના પાયાના સ્વરો છે. આ ત્રણમાંથી કાળાંતરે સામવેદમાં સાત સ્વરોનો વિકાસ થયો. તે સાત સ્વરો આ છે : કૃષ્ટ, પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ, મન્દ્ર, અને અતિસ્વર – એ સ્વરો આધુનિક ભારતીય સંગીતના ‘પ’ (પંચમ), ‘મ’ (મધ્યમ), ‘ગ’ (ગાંધાર), ‘રિ’ (ઋષભ), ‘સા’ (ષડ્‌જ), ધ (ધૈવત) અને ‘નિ’ (નિષાદ) સાથે મળતા આવે છે એટલા માટે સામવેદને ભારતીય સંગીતની ગંગોત્રી માનવામાં આવે છે.

જૂના જમાનામાં સંગીત – નાટક – નૃત્ય ત્રણેયને એક નાટ્ય કે નૃત્ય તરીકે જ ગણવામાં આવતાં. નૃત્ય – નાટક – સંગીતનું એક જ એકમ હતું. આ વિષયમાં ભરતનું નાટ્યશાસ્ત્ર (ઈ. સ. ૧૦૦) મૂળ પદ્ધતિસરના ગ્રંથ તરીકે સ્વીકૃત છે. બીજા પણ આ વિષયના ગ્રંથો લક્ષમાં લેવાય છે ખરા, જેવા કે – મમ્મટની સંગીતરત્નમાલા (ઈ. સ. ૧૧૦૦), શાઙ્‌ર્ગધરનો સંગીત રત્નાકર (ઈ. સ.૧૨૬૦), વિદ્યારણ્યનો સંગીતસાર (ઈ. સ. ૧૩૮૦), દામોદરનું સંગીતદર્પણ (ઈ. સ. ૧૩૮૦) અને રામયામાત્ય ટોડરમલ્લનું સ્વરમેલકલા નિધિ (ઈ. સ. ૧૬૦૦).

ભારતીય સંગીતમાં ‘સા’ અને ‘પ’ – એ બે સ્વરો પાયાના અને કદી પરિવર્તન ન પામે એવા છે. બાકીના ‘રે’, ‘ગ’, ‘મ’, ‘ધ’ અને ‘નિ’ એ પાંચ સ્વરો બે બે પ્રકારના છે. આમ, કુલ બાર સ્વરો થાય છે. કેટલીક વાર ૧૬ સ્વરો પણ વર્ણવાયા છે. છતાં બધાં વ્યાવહારિક પ્રયોજનો માટે તો બાર જ પૂરતા છે.

આ સ્વરોની ક્રમિક અદલાબદલી અને મેળવણીથી અનેકાનેક રાગરાગિણીઓનું સર્જન થાય છે. જેમાં આ સાતેય સ્વરો ઉપસ્થિત હોય, તેને ‘મેલકર્તા’ અથવા ‘જનક’ રાગો કહેવામાં આવે છે અને એમાંથી નીપજતા અન્ય રાગો ‘જન્યરાગો’ કહેવાય છે. વૈંકટમુખી એ (ઈ. સ. ૧૬૦૦) પોતાના સંસ્કૃતમાં લખેલા ‘ચતુર્દણ્ડપ્રકાશિકા’ નામના ગ્રંથમાં બોતેર ‘જનકરાગો’ને છત્રીસ છત્રીસનાં બે જૂથોમાં ગોઠવ્યા છે; વળી, સંગીતના સર્વવિદ્વાનોને માર્ગદર્શન પૂરું પડે તે માટે સંગીતનાં કેટલાંક પાયાનાં પાસાંઓને પણ તેમની આ મહાન કૃતિમાં ચર્ચ્યાં છે, એ ખરેખર અમૂલ્ય છે.

‘જન્ય રાગો’ તો અસંખ્ય છે. અત્યારે પણ પંડિત સંગીતજ્ઞો નવા નવા રાગો શોધી જ રહ્યા છે. આ બધા રાગો શ્રોતાઓમાં પ્રેમ, ક્રોધ, માર્દવ, શોક, વિષાદ, કરુણ, આનંદ વગેરે અનેક ભાવોને અભિવ્યક્ત કરવામાં સમર્થ છે.

ભારતીય સંગીતની અન્ય વિશેષતા એ છે કે અમુક રાગ દિવસના કે રાતના અમુક સમયખંડમાં જ ગાવા માટે નિયત કરાયો છે. ભૈરવ જેવા કેટલાક રાગો સવારના વહેલા અને યમન કલ્યાણ જેવા રાગો રાતે ગવાય છે. કહેવાય છે કે યથાસમયે ગવાયેલો રાગ માનવમાં વિશિષ્ટ ભાવના ઉત્પન્ન કરવાની વધારે શક્તિ ધરાવે છે,વાતાવરણ ખડું કરે છે.

જો ‘સિમ્ફની’ પશ્ચિમી સંગીતનું હૃદય ગણાય તો તાનપૂરાથી જન્મતો પાયાનો સ્વર ‘સ્તુતિ’, રાગ, તાલ અને લય – આ ભારતીય સંગીતના પાયા છે. પાંત્રીસ પ્રકારના તાલ ભારતીય સંગીતમાં વિકસ્યા છે.

આમ તો ભારતનું સંગીત કેટલીય સદીઓ સુધી એક જ પ્રકારનું હતું. પરંતુ મોગલ સમયમાં ફારસી અસર તળે એમાં અવનવા પ્રયોગો થવા લાગ્યા અને ધીરે ધીરે એના બે સંપ્રદાયો પડી ગયા; એક ઉત્તર ભારતીય સંગીત અને બીજો દક્ષિણ ભારતનો કર્ણાટક સંપ્રદાય! આ બંને શાખાઓમાં ઘણી ઉલ્લેખનીય સમાનતાઓ અને વિભિન્નતાઓ પણ છે. ઉત્તરીય સંગીતમાં તો વળી ઘરાણાંની વિભિન્નતાઓ પણ છે. આજે પણ એ પરંપરિત ઘરાણાંઓ મોજૂદ છે.

સંગીત સામાન્યતયા ગાનકેન્દ્રી પ્રસ્તુતિ હોય છે. દક્ષિણ ભારતીય સંગીતમાં ગાયકને વાયોલિન વગાડનાર તેમજ મૃંદગ વગાડનાર સાથ આપે છે. પણ તાનપૂરો તો પાયાના વાદ્ય તરીકે અવશ્ય હોય જ છે. કેટલીક વાર ‘ઘટમ્‌’ જેવાં (માટીનાં) કે ખંજરી જેવાં આઘાત વાદ્યો અને મોરસીંગ જેવા નાનાં તંતુવાદ્યો પણ ઉમેરવામાં આવે છે.

ઉત્તર ભારતીય શાસ્ત્રીય સંગીતની પ્રસ્તુતિમાં સામાન્ય રીતે ગાયકને હારમોનિયમ અને તબલાં સાથ આપે છે. પ્રસંગોપાત વાયોલીન કે સારંગી જેવાં તંતુ વાદ્યો પણ સાથ આપતાં હોય છે. દિલરુબા પણ કયારેક હોય છે. પણ બંને પ્રકારનાં સંગીતોમાં તાનપૂરો તો અનિવાર્ય જ છે.

કંઠ્ય સંગીત ઉપરાંત વાદ્યસંગીતમાં પણ ભારત સમૃદ્ધ છે. વૈદિક અને આનુષંગિક વાઙ્‌મયમાં પણ વીણાઓ-સો તારોવાળા તન્તુ વાદ્યના – તેમજ ધનુર્વીણા, દુંદુભિ, આડમ્બર આદિના સંદર્ભો મળે છે. આ ધનુર્વીણા વાયોલીનની ગંગોત્રી ગણાય છે. જો કે અત્યારે તો એ વિદેશનું જ વાદ્ય છે. બાકી તો બંસરી (વંશી), પાવો, સિતાર, સરોદ, ગોટુવાદ્ય, પખવાજ, ખોલ, ઢોલક, કલેરિયોનેટ, નાદસ્વરમ્‌, શરણાઈ વગેરે અનેકાનેક વાદ્યો પણ વપરાયા કરે છે.

(ક્રમશ:)

Total Views: 45

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.