સચ્ચિદાનંદ સાગરમાં શ્રીરામકૃષ્ણ

સચ્ચિદાનંદ નિરાકાર, નિષ્કામ અને નિર્ગુણ છે. સત્‌ (અસ્તિત્વ), ચિત્‌ (જ્ઞાન) અને આનંદ એ ત્રણ બ્રહ્મનું સત્ત્વ છે. નિરાકાર બ્રહ્મનું દર્શન ગહન વસ્તુ છે. રામપ્રસાદનાં કાલીનો કોઈ ચિત્રકાર કે શિલ્પી જન્મ્યો નથી તેમ શ્રીરામકૃષ્ણનાં દર્શનોનો વર્ણવનાર કોઈ નથી. બ્રહ્મની પોતાની અનુભૂતિ વિશે અને સર્વ પદાર્થોમાં બ્રહ્મનાં પોતાનાં દર્શન વિશે, શ્રીરામકૃષ્ણને પોતાને જ આપણે બોલવા દેવા જોઈએ.

ઠાકુર શ્રીરામકૃષ્ણ (મ.ને) : ‘અહીં કોઈ પરાયું નથી. તે દિવસે હરીશ હતો ત્યારે, આ કોષમાંથી સચ્ચિદાનંદ બહાર આવતા મેં જોયા હતા. એણે કહ્યું કે : ‘યુગે યુગે હું અવતાર ધારણ કરું છું.’ તરંગમાં આવી હું જ આ બોલ બોલતો હતો એમ મને લાગ્યું. શાંત રહીને હું તાલ જોવા લાગ્યો. સચ્ચિદાનંદે ફરી કહ્યું કે, ‘ચૈતન્યે પણ શક્તિની ઉપાસના કરી હતી.’ મેં જોયું કે સચ્ચિદાનંદનું એ પૂર્ણ પ્રાગટ્ય હતું; પણ આ વેળા સત્ત્વની કીર્તિ દ્વારા દિવ્યશક્તિ પ્રગટ થઈ છે.’

ઠાકુર : ‘મને ખૂબ આશ્ચર્યજનક દર્શનો થતાં. મને અખંડ સચ્ચિદાનંદનું દર્શન થયું હતું. એમાં વચ્ચે વાડ સાથેનાં બે વૃંદ મને દેખાયાં. વ્યક્ત ઈશ્વરમાં માનતા કેદાર, ચુની વગેરે એક તરફ હતા. લાલ ઈંટોના ભૂકા જેવો ઝળહળતો પ્રકાશ બીજી તરફ હતો. તેમાં સમાધિસ્થ નરેન્દ્ર હતો.’

ઠાકુર : ‘અખંડ સચ્ચિદાનંદ – હું એને અંદર ને બહાર – સર્વત્ર જોઉં છું. એણે માત્ર (પોતાના દેહને ચીંધીને) આ રૂપ ગ્રહણ કર્યું છે, માત્ર આધાર માટે અને તે અંદર બહાર સર્વત્ર છે. હું એ સ્પષ્ટ જોઈ શકું છું.’

ઠાકુરને ગિરીશ ઘોષે એકવાર કહ્યું હતું કે : ‘માત્ર આપ – પૂર્ણ બ્રહ્મ છો! તેમ ન હોય તો બધું જૂઠું છે.’

એકવાર, નિરાકાર બ્રહ્મનું ધ્યાન કેમ કરવું તે શીખવવા મ.ને ઠાકુર એકવાર મતીશીલને પુકુરે લઈ ગયા હતા. એમાં પાળતું માછલીઓ હતી. કોઈ એમને કશું કરતું નહીં. ત્યાં આવનારાઓ મમરા કે બીજું કંઈ પાણીમાં નાખે અને મોટી માછલીઓ ટોળાબંધ એ ખાવા આવે. માછલીઓ નિર્ભયપણે પાણીમાં તરતી અને આનંદથી ક્રીડા કરતી. ઠાકુરે મ.ને કહ્યું : ‘આ માછલીઓ જુઓ. આનંદના અને ચૈતન્યના સાગરમાં આ માછલીઓ સેલારા મારે છે તેના જેવું નિરાકાર બ્રહ્મનું ધ્યાન છે.’

કામારપુકુરમાં, એક વેળા, કેટલીક સ્ત્રી ભક્તોની સાથે ઠાકુરને દર્શન થયું હતું. શારદાનંદે લખ્યું છે કે :

બપોરે જમ્યા પછી ઠાકુર એક દિવસ આરામ કરતા હતા – પડોશની કેટલીક મહિલાઓ એમને મળવા આવી. ઠાકુરની પાસે બેસીને એ સૌ આધ્યાત્મિક બાબતોની વાતો કરવા લાગી. ઠાકુર અચાનક સમાધિમગ્ન થઈ ગયા – એ દશામાં એમને લાગ્યું કે પોતે આનંદપૂર્વક સચ્ચિદાનંદ સાગરમાં માછલીની માફક તરી રહ્યા છે – કોઈવાર પાણીમાં ગરકાવ થાય છે અને કોઈવાર ઉપર તરે છે. બીજા લોકો સાથે વાતો કરતાં ઠાકુર ઘણીવાર આ રીતે સમાધિમાં સરી પડતા એટલે, એમની તરફ ધ્યાન આપ્યા વિના પેલી મહિલાઓ ઠાકુરની દશા વિશે મોટેથી પોતાના અભિપ્રાયો કહેતી રહી. પછી, ઠાકુરની સમાધિ પૂરી ન થાય ત્યાં સુધી એમાંની એક બાઈએ સૌને મૂંગી રહેવા કહ્યું. એ બોલી કે : ‘સચ્ચિદાનંદ સાગરમાં એ માછલીની માફક તરી રહ્યા છે. તમે ઘોંઘાટ કરશો તો એમની આનંદસમાધિમાં ખલેલ પડશે.’ ઘણી સ્ત્રીઓ આ વાતમાં માનતી ન હતી છતાં સૌ મૂંગી થઈ ગઈ. પછીથી ઠાકુર સામાન્ય દશામાં આવ્યા અને પેલી સ્ત્રીએ પોતાની અનુભૂતિ વિશે જે કહ્યું હતું તે સાંભળ્યું.ત્યારે, તેઓ બોલ્યા કે : ‘એ બહેન સાચી છે. એ અદ્‌ભુત છે. એને કેમ ખબર પડી?’

ઈસુ ખ્રિસ્ત તરીકે શ્રીરામકૃષ્ણ

હિંદુ ધર્મના વિવિધ પંથો અનુસાર ઠાકુરે સાધના કર્યા પછી, શંભુ મલ્લિકે એમને બાઈબલ વાંચી સંભળાવ્યું. એટલે એમને ઈસુ ખ્રિસ્ત વિશે જાણવાની ઇચ્છા થઈ. એમની એ ઇચ્છા કેવી રીતે પૂર્ણ થઈ એ સ્વામી શારદાનંદે વર્ણવ્યું છે :

દક્ષિણેશ્વરના કાલીમંદિરની દક્ષિણ બાજુએ યદુલાલ મલ્લિકનું ઉદ્યાનગૃહ આવેલું છે. ત્યાં ઠાકુર કોઈવાર ફરવા માટે જતા. ઠાકુર સાથેના પહેલા મિલનથી જ યદુલાલ અને એમનાં મા ઠાકુરને ખૂબ આદર આપતાં અને એમને ખૂબ ચાહતાં. ઠાકુર ત્યાં જાય ત્યારે એ લોકો ત્યાં ન હોય ત્યારે, ઘરનું ધ્યાન રાખનારાઓ એમને દિવાનખાનાની આગળની ઓસરી ખોલી દે અને, ઠાકુરને ત્યાં નિરાંતથી બેસવા કહે. એ ઓરડાની ભીંતો પર આકર્ષક ચિત્રો ટાંગવામાં આવ્યાં હતાં અને એમાંના એકમાં માતાને ખોળે બેઠેલા બાળ ઈસુ હતા. પોતે એકવાર એ ચિત્રને ધ્યાનપૂર્વક નીરખ્યું અને ઈસુના અદ્‌ભુત જીવન વિશે ચિંતન કરવા લાગ્યા. તે વખતે જ એ ચિત્રને જીવંત અને જ્યોતિર્મય થતું જોયું. માતા મેરી અને બાળ ઈસુના દેહમાંથી પ્રકાશનાં કિરણો નીકળી પોતાના અંતરમાં પ્રવેશતાં અને પોતાનાં માનસિક વલણોમાં આમૂલ પરિવર્તન કરતાં ઠાકુરે અનુભવ્યાં. પોતાના ચિત્તમાંથી હિંદુ સંસ્કારો દૂર થઈ તેમને સ્થાને જુદા સંસ્કારો પ્રગટ થતા જોઈ એમણે માતાજીને પ્રાર્થના કરી કે : ‘મા, તું આ તે શું કરી રહી છો?’ પણ પેલો ભાવ ચાલુ જ રહ્યો. એ સંસ્કારોના તરંગો જોરથી ઊઠતા હતા અને એમણે ઠાકુરના ચિત્તના હિંદુ વલણને પૂરા દબાવી દીધા. હિંદુ દેવદેવીઓ પ્રત્યેનો ઠાકુરનો આદર અદૃશ્ય થઈ ગયો અને ઈસુ તથા એના ધર્મ માટે શ્રદ્ધા અને આદરે એમના હૈયાનો કબજો લઈ લીધો.

પછી, ચર્ચમાં ઈસુની પ્રતિમા સમક્ષ પાદરીઓને ધૂપદીપ ધરાવતા જોયા; પ્રાર્થના દ્વારા એ લોકો પોતાના અંતરની આતુરતા વ્યક્ત કરતા હતા.

દક્ષિણેશ્વરમાં પોતાને સ્થાને પાછા આવ્યા પછીયે, જિસસને લગતા એ અનુભવોના ધ્યાનમાં ઠાકુર અવિરત વ્યસ્ત રહ્યા. મંદિરમાં માતાજીને દર્શને જવાનું તેઓ સાવ વીસરી જ ગયા. ખ્રિસ્તી ધર્મના પ્રભાવ હેઠળ તેઓ ત્રણ દિવસ રહ્યા. ત્રીજા દિવસને અંતે, ઠાકુર પંચવટીમાં આંટા મારી રહ્યા હતા. ત્યારે, ગૌર વર્ણના સુંદર પણ અજાણ દિવ્ય પુરુષને એમણે જોયા; પોતાની પર નજર માંડીને તેઓ પોતાની તરફ જ આવી રહ્યા હતા. એ કોઈ ભિન્ન જાતિના અને વિદેશી છે તે ભાન ઠાકુરને તરત જ થયું. ઠાકુરે જોયું કે એ પુરુષની આંખો મોટી વિશાળ અને સુંદર હતી અને એનું નાક થોડું સપાટ હતું છતાં એના ચહેરાની સુંદરતાને એ જરાય ખંડિત કરતું ન હતું. એની ગંભીર મુખમુદ્રા પરની અનન્ય દિવ્યઆભાથી ઠાકુર આકર્ષાયા અને એ કોણ હશે તે વિશે વિચાર કરવા લાગ્યા. તરત જ એ આકૃતિ ઠાકુરની નજીક આવી અને, ઠાકુરના ભીતરના અવાજે એમને કહ્યું કે, ‘આ ઈસુ ખ્રિસ્ત છે, ઈશ્વરના પ્રિય પુત્ર, ઈશ્વર સાથે એકરૂપ હતા તે છે અને માનવજાતની મુક્તિ માટે એમણે યાતનાઓ સહી હતી અને પોતાના હૈયાનું લોહી રેડ્યું હતું.’ પછી એ દિવ્ય ઈસુ ઠાકુરને ભેટ્યા અને એમનામાં ભળી ગયા. ગહન ભાવમાં આવી જઈ ઠાકુરનું બાહ્ય ભાન જતું રહ્યું અને એમનું ચિત્ત કેટલાક સમય માટે સગુણ બ્રહ્મ સાથે યુક્ત રહ્યું. આ દર્શને ઠાકુરને ખાતરી કરાવી કે, ઈસુ પણ ખરે જ દિવ્ય અવતાર હતા.

પછીથી કોલકાતાના એક ખ્રિસ્તી દેવળમાં શ્રીરામકૃષ્ણે પ્રાર્થના સમયે હાજરી આપી હતી અને બીજે એક સમયે, વિલિયમ્સ( અમને પાકા ખબર મળ્યા છે કે, ઠાકુરને કેટલીકવાર મળ્યા પછી, એને ખાતરી થઈ કે ઠાકુર દિવ્યાવતાર છે. ઠાકુરની સલાહથી સંસાર છોડી, પંજાબની ઉત્તરે, હિમાલયમાં એ સાધના કરવા ગયા અને ત્યાં, આકરી તપશ્ચર્યા પછી એ અવસાન પામ્યા હતા.) નામના એક ખ્રિસ્તીએ ઠાકુરને મળ્યા પછી કહ્યું હતું કે, ‘આપ ઈશ્વરના પુત્ર ઈસુ ખ્રિસ્ત જ છો, સનાતન ચૈતન્યનું મૂર્તિમંત સ્વરૂપ છો.’

જુલાઈ ૨૮ ને ૧૮૮૫ના રોજ, મ.ને ઠાકુર સાથે ઈસુ સંબંધી લાંબી ચર્ચા થઈ હતી. પોતાની અને ઈસુની વચ્ચે કશું સામ્ય છે કે નહીં એમ ઠાકુરે પૂછતાં, મ.એ ઉત્તર આપ્યો હતો કે : ‘ઈસુ, ચૈતન્યદેવ અને આપ, ત્રણેય એક જ અને એકરૂપ છો એમ મને લાગે છે. એક જ વ્યક્તિ આ ત્રણ રૂપમાં અવતરી છે.’ ઠાકુર : ‘હા, હા! એક જ! એક જ! ખરે જ એક; આ રીતે અહીં તેઓ – વસી રહ્યા છે તે તમે જુઓ છો ને!’

ક્વેકર સંપ્રદાયના એક ખ્રિસ્તી પ્રભુદયાળ મિશ્ર શ્યામપુકુરમાં ઠાકુરને મળવા આવ્યા હતા. મણીન્દ્ર કૃષ્ણ ગુપ્તાએ એ વિશે યાદ કરી કહ્યું છે કે :

મેં એક માણસને ઉપર આવતો જોયો. એમણે કાળું ખમીસ અને કાળી ટોપી પહેર્યાં હતાં. એ બિહારનો વતની છે એમ મને લાગ્યું. એણે મને પૂછ્યું : ‘મહાશય, રામકૃષ્ણ પરમહંસ અહીં રહે છે ને?’ ‘હા, જી, મારી પાછળ પાછળ આવો’, મેં કહ્યું. હું એમને ઠાકુરને ઓરડે લઈ ગયો.

ત્યાં થોડીવાર શાંત બેઠા પછી એણે ઠાકુરને કહ્યું : ‘મહાશય, હું ખ્રિસ્તી છું અને મેં એકાંતમાં લાંબા કાળ પર્યંત ઈસુનું ધ્યાન કર્યું છે. હું ખ્રિસ્તી છું ને મારા ઈષ્ટ ઈસુ છે છતાં, મારી પૂજાવિધિ હિંદુઓ જેવી જ છે અને હું એમના યોગશાસ્ત્રમાં માનું છું. આ જગતમાં હોવા છતાં જેણે ઉચ્ચતમ સિદ્ધિ મેળવી હોય તેવા કોઈને મળવા મને ઇચ્છા જાગી. એકવાર ધ્યાનમાં મને બે વ્યક્તિઓ દેખાઈ. એમાંની એકે ઉચ્ચતમ દશા પ્રાપ્ત કરી છે તેવી જોરદાર લાગણી મને થઈ અને, બીજી વ્યક્તિ ભલે એના પગ પાસે બેઠી હતી તે ભલે સર્વોચ્ચ દશાએ ન હજી પહોંચી તે છતાં એ સામાન્ય વ્યક્તિ ન હતી.

‘આ દર્શન પછી મને લાગ્યું કે, આવા મહાત્માઓ હોવા જ જોઈએ. પણ એ ક્યાં વસતા હશે અને મારે એમને શી રીતે શોધવા? ખાસ કરીને પશ્ચિમના પ્રદેશમાં મેં ખૂબ પ્રવાસ કર્યો અને મને જે દર્શનમાં દેખાયા હતા તેને શોધવા લાગ્યો. આખરે, ગાઝીપુરના પવહારીબાબા વિશે મેં સાંભળ્યું અને હું એમને દર્શને ગયો. પણ એમને મળી હું ખૂબ નિરાશ થયો કારણે, જે બેની ખોજ હું કરતો હતો તેમાંથી એક્કેયને એ મળતા આવતા ન હતા. પણ, મારા આશ્ચર્ય સાથે, એમના ઓરડામાં એક છબી ટીંગાતી મેં જોઈ. એને વિશે મેં પવહારીબાબાને પૂછ્યું તો એમણે કહ્યું કે, ‘એ રામકૃષ્ણ પરમહંસની છબી છે.’ ‘એ ક્યાં મળી શકે?’ મેં આતુરતાથી પૂછ્યું તો પવહારીબાબાએ કહ્યું કે ‘ઘણાં વર્ષોથી એ દક્ષિણેશ્વરમાં રહેતા હતા પણ, હવે એ ખૂબ માંદા પડ્યા છે તેથી એમના ભક્તોએ એમને સારવાર માટે કોલકાતા ખસેડ્યા છે.’ એટલે, પવહારીબાબાની સૂચનાથી હું અહીં આવ્યો છું.’

પછી એ આગળ કહેવા લાગ્યો કે : ‘તમે મને જે વસ્ત્રોમાં જુઓ છો તે મારો રોજિંદો પોશાક નથી -’ અને આ બોલતી વેળા એણે ઊભા થઈને બધાં વસ્ત્રો ઉતાર્યાં અને નીચેથી ભગવું વસ્ત્ર દેખાયું.

ઠાકુર પણ તરત ઊભા થયા અને સમાધિમાં સરી પડ્યા અને, ઈસુના ચિત્રમાં છે તેમ તેમણે એક હાથ ઊંચો કર્યો. તરત જ, પેલો સાધુ હાથ જોડી ઘૂંટણીએ પડ્યો અને, ભાવપૂર્વક ઠાકુર પર દૃષ્ટિ માંડી રહ્યા. એની આંખોમાંથી આંસુ સરતાં હતાં અને ધ્રૂજતા હતા.

એ બેઉના આધ્યાત્મિક ભાવને જોઈ અમે ચક્તિ થઈ ગયા. થોડી વેળા પછી ઠાકુર સામાન્ય દશામાં આવ્યા અને, પોતાની પથારીમાં બેઠા. તે સાધુ અમારી તરફ જોવા લાગ્યા અને આનંદથી પ્રફુલ્લ ચહેરે બોલી ઊઠ્યા : ‘આજે હું ધન્ય થયો છું.’

પછી અમે એને બાજુના ખંડમાં લઈ ગયા ને ત્યાં સ્વામી વિવેકાનંદે એને પ્રસાદ તથા ભોજન આપ્યાં. અંતે, એ સાધુને પોતાના સમાધિઆનંદનું કારણ કહેવા અમે કહ્યું. ‘અરે!’ તેઓ બોલી ઊઠ્યા, ‘અનેક વર્ષોથી હું જેમનું ધ્યાન કરતો હતો તેમને મેં આજે પ્રત્યક્ષ જોયા. એમનામાં મને પ્રભુ ઈસુ દેખાયા.’

શ્રી મ.એ એવો જ એક પ્રસંગ વર્ણવ્યો છે : ‘શ્રીમાન મિસિર ખ્રિસ્તી ભક્ત હતા. ઠાકુરને એ ખૂબ ગમતા અને એની સાથે ઠાકુર ઈશ્વર સંબંધી વાતો કરતા. ઠાકુરે એમને ઈસુનું દર્શન કરાવ્યું. એકવાર એને ઠાકુર કાલી મંદિરમાં લઈ ગયા. મસ્તક નમાવીને મિસિરે માતાને પ્રણામ કર્યા. તે પછી પોતાનું મસ્તક ઊંચું કર્યું ત્યારે, કાલીને સ્થાને એમને ઈસુ દેખાયા. પછીથી એમને ખાતરી થઈ કે ઠાકુર ઈસુ જ છે.’

ઈસ્લામના સત્યની શ્રીરામકૃષ્ણની અનુભૂતિ

વેદાંતની સાધના કર્યા પછી રામકૃષ્ણ ઈસ્લામની સાધના કરવા લાગ્યા. એ સમયે ગોવિંદરાય નામના એક સુફી દક્ષિણેશ્વરમાં સાધના માટે આવ્યા. આ સાધક પહેલાં હિંદુ હતા પણ પછી એમણે ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. એ ફારસી અને અરબી જાણતા હતા અને રોજ કુરાન પઢતા હતા તથા ઈસ્લામી સાધના કરતા હતા. એમનાં શ્રદ્ધા અને પ્રેમથી પ્રભાવિત થવાથી ઠાકુર ઈસ્લામ તરફ આકર્ષાયા હતા.

સ્વામી શારદાનંદે લખ્યું છે કે, ‘આ વિચારનો તરત અમલ કરવામાં આવ્યો. ઠાકુરે ગોવિંદને પોતાની ઇચ્છા કહી અને તરત જ દીક્ષા લીધી અને ઈસ્લામી પરંપરા મુજબ એ વર્તવા લાગ્યા. ઠાકુરે જણાવ્યું છે કે, ‘પછી હું ભક્તિપૂર્વક અલ્લાહના નામનો જપ કરવા લાગ્યો, મુસ્લિમોની જેમ લુંગી વીંટવા લાગ્યો અને રોજ અનેકવાર એમની જેમ બંદગી કરવા લાગ્યો. મારા ચિત્તમાંથી હિંદુભાવ અદૃશ્ય થઈ ગયો હતો એટલે, મંદિરોમાં જવાની મને ઇચ્છા જ થતી ન હતી અને દેવોને પ્રણમવાનું મન મુદ્દલ પણ થતું ન હતું. એ ભાવમાં મેં ત્રણ દિવસ કાઢ્યા અને એ મઝહબની સાધનાનો મને પૂર્ણ સાક્ષાત્કાર થઈ ગયો.’ ઈસ્લામની સાધના કરતાં, જ્યોતિર્મય, દાઢીવાળા પુરુષનું દર્શન થયું હતું; પછી એમને વૈશ્વિક સગુણ બ્રહ્મનું દર્શન થયું અને, અંતે એમનું ચિત્ત અનંત નિર્ગુણ બ્રહ્મમાં લીન થયું હતું.

રામલાલે એ વિશે આમ જણાવ્યું છે : ‘ઠાકુરને એકવાર મસ્જિદમાં બંદગી કરવાની ઇચ્છા થઈ. અમારા ઘરથી દક્ષિણેશ્વરના માર્ગમાં વચ્ચે એક મસ્જિદ હતી. એક દિવસે વહેલી સવારે ઠાકુર ત્યાં જઈ દરવાજા પાસે ઊભા રહ્યા. એમણે પોતાનું વસ્ત્ર મુસલમાની ઢબે પહેર્યું હતું. દરવાજો ખોલતાં મુસલમાનોએ એમને ત્યાં જોયા. એમણે પૂછ્યું : ‘તમે કોણ છો ને ક્યાંથી આવો છો?’ એમાંનો એક ઠાકુરને ઓળખી ગયો ને બોલ્યો કે : ‘એ પેલા મંદિરમાં રહે છે ને ત્યાં પૂજા કરે છે.’ પછી ઠાકુર મસ્જિદમાં ગયા અને ત્યાં એ લોકો સાથે બંદગીમાં જોડાયા. આમ મુસ્લિમો સાથે એમણે ત્રણ દિવસ બંદગી કરી. મસ્જિદમાં એક દિવસે એમણે સફેદ દાઢીમૂછવાળા વૃદ્ધ ફકીરને જોયા. એણે લાંબો ઝભ્ભો પહેર્યો હતો અને એના ગળામાં કાચના મણકાની તસબી હતી. હાથમાં એ લાકડી પણ રાખતા હતા. ઠાકુર પાસે આવી તેઓ બોલ્યા કે : ‘તમે આવ્યા છો! ઘણું સરસ!’ હસીને ઠાકુરના દેહ પર હાથ ફેરવીને એણે ઠાકુરને દુવા આપી. મેં આ ઠાકુર પાસેથી જ સાંભળ્યું છે.’

જેરાતલા મસ્જિદમાં ભાવાવિષ્ટ થઈને ઠાકુર કેવી રીતે દાખલ થયા તે સગી આંખે જોનાર મન્મથનાથ ઘોષે વર્ણવ્યું છે.’ એક સાંજે જેરાતલા મસ્જિદ પાસેથી હું પસાર થતો હતો ત્યારે, એક ફકીરની બંદગીના બોલ મારે કાને પડ્યા કે, ‘હે મારા’ પ્રિય, મહેરબાની કરીને મારી પાસે આવ, આવ’, મારા પ્રિય!’ આ બંદગી કરતાં એ ઇચ્છાથી અને ઝંખનાથી મસ્ત હતા અને એના ગાલ આંસુથી ભીના હતા.

‘અચાનક ઠાકુરને ભાડાની ગાડીમાંથી ઊતરતા અને ફકીર તરફ ધસી જતા જોયા. એ બંને એકમેકને ભેટ્યા. કાલીઘાટમાં દેવીનું દર્શન કરીને ઠાકુર પાછા વળતા હતા ત્યારે આ બન્યું હતું. કેવું અદ્‌ભુત દૃશ્ય હતું એ! ગાડીમાં બીજા બે જણ પણ હતા. ઠાકુરની આજ્ઞાથી દક્ષિણેશ્વરમાં મને પ્રસાદ આપનાર એમનો ભત્રીજો રામલાલ એક હતો.’

Total Views: 42

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.