જગતથી અજાણ અને ઈશ્વર સાથે તન્મય રહેવું એ ઘણા સાધકોનું સ્વાભાવિક વલણ હોય છે. તે છતાંય ધર્મ, દર્શનશાસ્ત્ર અને ઈશ્વર વિષયક મોટાં ગ્રંથાલયો પાસેથી આપણને મળે તે કરતાં અનેકગણી માહિતી તેમનાં જીવનો આપણને આપે છે. એ મહાનુભાવો ધર્મબોધ આપતા નથી : કોઈવાર એ મૌન દ્વારા અને કોઈવાર એ થોડાક શબ્દો દ્વારા બોધ આપે છે. મિષ્ટ સૌરભવાળાં ફૂલો તરફ મધમાખીઓ આકર્ષાય તેમ ઈશ્વરના સાચા શોધકો આવા સાધકો-સંતો-તરફ આકર્ષાય છે.

લાટુ મહારાજના નામથી પરિચિત સ્વામી અદ્‌ભુતાનંદ સાચા સંત હતા. પોતાના ગુરુ શ્રીરામકૃષ્ણની કાળજીભરી તાલીમ અને દિવ્ય અસરને લઈને આ અશિક્ષિત ગામડિયો છોકરો જ્ઞાનાંજન પામેલ સંત બન્યા હતા. એમના ગુરુભાઈ સ્વામી વિવેકાનંદે એકવાર કહ્યું હતું કે : ‘લાટુ શ્રીરામકૃષ્ણનો મોટામાં મોટો ચમત્કાર છે. કશા જ શિક્ષણ વિના, ઠાકુરના સ્પર્શથી એણે સર્વોચ્ચ, જ્ઞાન પ્રાપ્ત કર્યું છે.’ સ્વામી તુરીયાનંદે પણ કહ્યું છે: ‘બૌદ્ધિક જ્ઞાનના કાદવિયા પાણીમાં અમારામાંથી ઘણાને છબછબ કરતાં ચાલવું પડ્યું છે ત્યાર પછી અમને ઈશ્વરપ્રાપ્તિ થઈ છે જ્યારે, લાટુએ તો હનુમાન (રામાયણમાં જણાવ્યા પ્રમાણે સીતાની શોધ કરવા જવા માટે હનુમાને સમુદ્ર ઓળંગ્યો હતો)ની જેમ કૂદકો જ માર્યો છે. સંસારના કાદવને સ્પર્શ્યા વિના ઈશ્વરમાં કેવી રીતે રહેવું તે એનું જીવન આપણને શીખવે છે.’

ઔપચારિક શિક્ષણના અભાવે શ્રીરામકૃષ્ણના નિજી શિષ્યોમાં લાટુને અનન્ય બનાવ્યા હતા. એમનું ચિત્ત બુદ્ધિવાદની બેડીઓમાં બદ્ધ ન હતું અને શંકા ઉઠાવવાની તાલીમ વિનાનું હતું તેથી, કદાચ, પોતાના ગુરુની સૂચનાઓ સવાલો કરવાની વૃત્તિના અભાવની સરળતાથી, આત્મસાત કરી લેતું. સમાધિભાવમાં ઠાકુરે એકવાર કહ્યું હતું : ‘તારે હોઠેથી એક દિવસ વેદ અને વેદાંત સરવા લાગશે.’ આમ લાટુને એમના ગુરુએ આશીર્વાદ આપ્યા હતા અને એક કામની જવાબદારી સોંપવામાં આવી હતી. કેમ જાણે અર્વાચીન જગતને ઠાકુર બતાવવા માગતા હતા કે, ગ્રંથો અને શાસ્ત્રોના વાચન વિના ઈશ્વરનો સાક્ષાત્કાર કરી શકાય છે અને આધ્યાત્મિક જ્ઞાન બુદ્ધિવાદમાંથી નહીં પણ આંતરિક સાક્ષાત્કારથી પ્રાપ્ત થાય છે.

લાટૂ મહારાજ શ્રીરામકૃષ્ણની અદ્‌ભુત સૃષ્ટિ હતા. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું: ‘લાટૂએ જે સ્થિતિમાંથી આવીને જે આધ્યાત્મિક પ્રગતિ કરી છે અને આપણે જે સ્થિતિમાં રહીને આધ્યાત્મિક પ્રગતિ કરી છે, એ બંનેને સરખાવતાં જાણી શકાય છે કે તે આપણા કરતાં ઘણો વધારે મહાન છે. આપણા બધાનો ઉચ્ચ કુળમાં જન્મ થયો છે, આપણે ભણીગણીને તેમજ વિશુદ્ધ બુદ્ધિ લઈને ઠાકુર પાસે આવ્યા છીએ, પણ લાટૂ તો સંપૂર્ણપણે નિરક્ષર હતો. ધ્યાનધારણામાં આપણું ચિત્ત ન ચોંટે તો આપણે વાચન-મનન દ્વારા પણ ચિત્તની એ વૃત્તિને દૂર કરી લેતા હતા, પણ લાટૂને તો બીજો કોઈ આધાર જ ન હતો – તેને તો ફક્ત એક જ ભાવનો આશરો લેવો પડતો હતો. ફક્ત ધ્યાન-ધારણાની મદદથી જ લાટૂ પોતાના મસ્તિષ્કને બરાબર રાખીને અતિ નિમ્ન ભૂમિકામાંથી ઉચ્ચતમ આધ્યાત્મિક ભૂમિકાનો અધિકારી બન્યો – આથી એની આંતરિક શક્તિ તથા તેના પ્રત્યે ઠાકુરની અસીમ કૃપાનું દર્શન થાય છે.’

લાટૂ મહારાજનું બાળપણનું નામ રખતૂરામ હતું.  લાટૂ મહારાજનો જન્મ છાપરા જિલ્લાના કોઈ ગામડામાં એક ભરવાડને ત્યાં થયો હતો. એમના બાળપણ વિશે ખાસ કંઈ જાણવા મળતું નથી, કેમ કે પાછળથી જો કોઈ એમને આ બાબતમાં પૂછતું તો તેઓ નારાજ થઈને કહેતા: ‘અરે, ભગવાનને છોડીને શું તમે લોકો મારી બાબતમાં સમય વેડફશો? મારા વિશે જાણવાની શી જરૂર છે? તમે મને નાહકનો હેરાન ન કરો.’

ઠાકુર એમને પોતાના પુત્ર જેવા ગણીને અક્ષરજ્ઞાનથી માંડીને દરેક પ્રકારનું શિક્ષણ આપવા પ્રયત્ન કરી રહ્યા હતા. વર્ણાક્ષર વાંચતી વખતે જ્યારે વ્યંજનનું ઉચ્ચારણ કરવાનું હતું, ત્યારે લાટૂ પોતાની બિહારી ટેવ પ્રમાણે ‘ક’ને ‘કા’ અને ‘ખ’ને ‘ખા’ કહેતા. ઠાકુર જેમ જેમ કહે કે અરે ‘ક’ છે, તેમ તેમ એ એટલું જ ‘કા’ બોલતા. ‘અરે, જો તું આને ‘કા’ કહીશ તો પછી ‘ક’માં ‘આ’કાર લાગશે ત્યારે શું કહીશ?’ ત્યારે પણ લાટૂનું તો બસ એક જ રટણ ‘કા’. છેવટે બીજો વધારે પ્રયત્ન કરવો નકામો છે, એમ જાણીને ઠાકુરે કહ્યું: ‘જા, હવે તારે ભણવાની જરૂર નથી.’ લાટૂના વિદ્યાભ્યાસની ત્યાં જ પૂર્ણાહૂતિ થઈ ગઈ. આ રીતે પુસ્તકિયા જ્ઞાનનો પ્રારંભમાં જ અંત આવી જતાં ઠાકુર એમને અધ્યાત્મવિદ્યાથી પરિપૂર્ણ કરવા લાગ્યા. લાટૂ મહારાજ કહ્યા કરતા: ‘ઠાકુર, મને કેટલું શીખવતા, કેટલું સમજાવતા, કહેતા – ‘જા ને નરેનની પાસે.’ ત્યાં બેઠાં બેઠાં મેં કેટલું સાંભળ્યું છે!’ વળી ઠાકુરે એમને નશો કરતાં પણ શિખવાડ્યું. જેવો તેવો નશો નહિ; અસલ રાજવી નશો. એમણે એને ભગવાનનો નશો કરાવી દીધો. લાટૂ કહેતા: ‘ભગવાને મને ખેંચી લીધો.. તેઓ મને કહેતા – ‘જો દિલને સાફ રાખવું અને એના ઉપર મેલ જામવા દેવો નહિ.’ અહંકારનાં કાર્યોને તેઓ ‘મેલ’ કહેતા. ‘જુઓ છો ને? અહંકારી માણસ કેવો ફસાઈ જાય છે! મારો દીકરો, મારી દીકરી, મારા રૂપિયા- આ બધું કહેતાં કહેતાં પોતે જ પોતાને માટે જાળ રચે છે.’ 

એક દિવસ ચરણ સેવા કરી રહેલા લાટૂને ઠાકુરે પૂછ્યું: ‘ભલા, એ તો કહે કે તારા રામજી અત્યારે શું કરી રહ્યા છે?’ એ વખતે લાટૂ રામજીના કામને ભલા શું જાણે? તેઓ ચૂપ રહ્યા. ત્યારે ઠાકુરે પોતે જણાવ્યું: ‘અરે, તારા રામજી અત્યારે સોયના નાકામાંથી હાથીને પસાર કરાવી રહ્યા છે.’ પાછળથી એનો અર્થ સમજાતાં લાટૂએ કહ્યું હતું: ‘મારો એટલો નબળો આધાર હતો અને તેઓ મારી અંદર સાધના ઢાળ્યે જતા હતા.’

ગુરુ સેવાની બાબતમાં લાટૂ મહારાજે કહ્યું હતું: ‘ગુરુને જે દિવસે માતાપિતા સમાન ગણી શકશો, તે દિવસથી તમે એમની થોડી સેવા કરી શકશો- તે પહેલાં નહિ.’ સેવામાં એમની એકાગ્રતાનું એક ઉદાહરણ દેવું પૂરતું થશે. એક વખત રાત્રે ઠાકુર કોઈને પણ કંઈ જ જણાવ્યા વગર બહાર જતા રહ્યા. એ વખતે ખબર નહિ કેમ પણ લાટૂનું મન જપમાં લાગ્યું નહિ – હૃદયમાં એક શૂન્યતાનો અનુભવ થવા લાગ્યો. તેથી તેઓ ઠાકુરના ઓરડામાં પાછા ફર્યા. તેમણે જોયું તો ઠાકુર ત્યાં નહોતા. એમણે વિચાર્યું કે ઠાકુર શૌચ માટે ગયા હશે. તેથી તેઓ તે બાજુ ચાલી નીકળ્યા. થોડા સમય બાદ ઠાકુરે એ બાજુથી જ આવીને કહ્યું: ‘અરે! જેની સેવા કરવાની હોય, એને ક્યારે કઈ વસ્તુની જરૂર છે એનું ધ્યાન રાખવું.’

દક્ષિણેશ્વરમાં શ્રીમાતાજીનું જીવન ખૂબ જ એકાકી હતું. વળી, ભક્તોને માટે ભોજન બનાવવું વગેરે માટે ખૂબ પરિશ્રમ કરવો પડતો. એક દિવસ ઠાકુરે લાટૂને ગંગાકિનારે ચૂપચાપ બેઠેલા જોઈને કહ્યું: ‘અરે, લેટો, તું અહીં બેઠો છે, અને એમને નોબતખાનામાં રોટલી વણવા કોઈ મળતું નથી.’ પછી તેમને શ્રીમાતાજી પાસે લઈ ગયા અને તેમણે કહ્યું: ‘આ છોકરો ઘણો શુદ્ધ-સત્ત્વ છે.. તમને જ્યારે જે કંઈ કામ પડે તે એને કહેજો, એ કરી આપશે.’ એ દિવસથી લાટૂ આનંદપૂર્વક શ્રીમાતાજીની સેવામાં જોડાઈ ગયા.

ઠાકુરના સાંનિધ્યમાં લાટૂને એક લાભ તો એ થયો કે તેઓ એમની સાથે કોલકાતાની અનેક શિક્ષિત વ્યક્તિઓનાં ઘરોમાં જઈને એ સમાજની સંસ્કૃતિથી સુપરિચિત બની ગયા અને આ રીતે શાળાકીય શિક્ષણ ન હોવા છતાં પણ બધા જ વિષયોમાં એમની બુદ્ધિ પરિપક્વ બની ગઈ. લાટૂ ખૂબ જ સરળ હતા. તેઓ પોતાની નબળાઈની વાતો ઠાકુરને નિ:સંકોચ કહી દેતા; કેમ કે તેઓ જાણતા હતા કે આ સર્વજ્ઞ પુરુષથી કંઈ પણ છૂપું રહી શકતું નથી. ઠાકુર પણ પોતાના આ સરળ શિષ્યને સરળ માર્ગે જ લઈ જઈ રહ્યા હતા. જીવ-પ્રકૃતિના સંસ્કારો સાધકને કંઈ સહેલાઈથી છોડતા નથી. એક દિવસ લાટૂના અંતરમાં આસક્તિનો અગ્નિ એટલા જોરથી ભૂભૂકી ઊઠ્યો કે નામજપ થઈ શક્યાં નહિ અને એમણે ઠાકુરનું શરણ લીધું. ઠાકુરે બધું જ સાંભળીને કહ્યું: ‘એ તો આવે ને જાય; પણ નામ ન છોડવું.’ ઠાકુરના ઉપદેશની મદદથી તેઓ પોતાના મન ઉપર વિજય મેળવવા સમર્થ બન્યા.

એક રાતે પોતાના યુવાન શિષ્યોને ઠાકુરે કહ્યું : ‘તમને શું થયું છે? તમે અહીં ઊંઘવાને આવ્યા છો?’ પછી દરેક શિષ્યને એમણે ખાસ સૂચનાઓ આપી અને તેમને મંદિરની વાડીમાં જુદી જુદી જગ્યાએ મોકલ્યા. પોતે બેલતલામાં તાંત્રિક સાધના કરી હતી ત્યાં તેમણે લાટુને મોકલ્યા. મધ્યરાત્રિએ લાટુ ખૂબ ધ્યાનમગ્ન થઈ ગયા અને પોતાને આસનેથી જરા પણ ખસી ન શક્યા. સવારે પોતાના સેવકને પોતાના ઓરડામાં નહીં ભાળતાં, એની શોધમાં ઠાકુર બેલતળાએ ગયા. ત્યાં એમણે ધ્યાનમાં લીન અને બે કૂતરાઓથી રક્ષિત લાટુને જોયા. ધીમે ધીમે લાટુને બાહ્ય ભાન આવ્યું, એમણે ઠાકુરને સન્મુખે જોયા અને એમણે ઠાકુરને પ્રણામ કર્યા.  

ઓરડે પાછા ફરતાં ઠાકુરે લાટુને કહ્યું : ‘કૂતરાને વેશે એ ભૈરવને તારી રક્ષા કરતાં જોયા. તું ખૂબ ભાગ્યશાળી છે. એ બે દિવ્ય રૂપોને માએ તારી રક્ષા માટે મોકલ્યાં હતાં.’

ઠાકુરના કહેવાથી યુવાન ભક્તો કીર્તનમાં ભાગ લેતા અને સાથે સાથે નૃત્ય પણ કરતા. એક દિવસ ઠાકુરે જગદંબાને કહ્યું: ‘મા, જો તારી ઇચ્છા હોય તો આ છોકરાઓને થોડો ભાવાવેશ વગેરે થાય.’ એ પછી જ વિષ્ણુમંદિરમાં કીર્તન કરતી વખતે લાટૂ ભાવાવેશમાં એવો હુંકાર કરવા લાગ્યા કે આખું મંદિર એના પડઘાથી ગાજી ઊઠ્યું. એક દિવસે શ્રીરામકૃષ્ણના ઓરડામાં કીર્તનો ખૂબ જામ્યાં હતાં. કીર્તન પછી ખોકા મહારાજે એમને પૂછ્યું: ‘આજે જે કીર્તન થયું તેમાં કોઈને બરાબર ભાવાવેશ થયેલો?’ ઠાકુરે થોડું વિચારીને કહ્યું: ‘આજે લાટૂને જ બરાબર ભાવાવેશ થયો, બાકી બધાને થોડો થોડો થયો.’ પરંતુ ઠાકુરને અતિશયતા ક્યારેય પણ પસંદ ન હતી એટલે એમણે એક દિવસ લાટૂને ચેતવી દીધા: ‘અરે ઝાઝું નાચવું-કૂદવું સારું નહિ, એનાથી ક્યારેક ક્યારેક ભાવ ભંગ થઈ જાય. ભાવને ગુપ્ત ન રાખી શકવાથી પછી તે અંતર્મુખી બનતો નથી.’

શ્રીઠાકુરની મહાસમાધિ પછી લાટૂ મહારાજની સાધના વધુ તીવ્ર બની. ભોજન વગેરે બાબતોમાં સ્વચ્છંદવૃત્તિનું આચરણ કરી રહેલા લાટૂ મહારાજ પોતાના ભાવ મુજબ ધ્યાન-ભજનમાં ડૂબેલા રહેતા અથવા તો પછી ગંગાકિનારે બીજા લોકોની સાથે બેસીને ભાગવત વગેરેની કથા સાંભળ્યા કરતા. એમના ધ્યાન વગેરે માટે કોઈ સમય કે સ્થળ નિશ્ચિત નહોતાં. આ સ્વાધીન મહાપુરુષ ક્યારેક ગંગાકિનારે પુલની નીચે, ક્યારેક પાસે ઊભેલી નાવમાં બેસીને ભગવદ્‌ચિંતનમાં મગ્ન રહેતા. એક વખત બાગબજારમાં તેઓ ઘાસથી ભરેલી હોડીમાં બેઠા, હોડી ક્યારે ચાલી તેની તેમને ખબર જ ન પડી. જ્યારે એમનું ધ્યાન પૂરું થયું ત્યાં સુધીમાં તો હોડી દક્ષિણેશ્વર પાર કરીને ઉત્તર તરફ આગળ જઈ રહી હતી. નાવિકોને કહીને તેઓ દક્ષિણેશ્વર ઊતરી પડ્યા. ગંગાકિનારે રહેતા ત્યારે તેઓ ઘણા દિવસો સુધી બપોરે શ્મશાનેશ્વર ઘાટની પાસે બેસી રહેતા અને પ્રસન્નકુમાર ઠાકુરના ઘાટ પર રાત વિતાવતા. પછી અર્ધી રાત્રે દ્વારમંડપની છત પર ચઢીને જપ-ધ્યાનમાં ડૂબી જતા. વરસાદ વરસે ત્યારે તેઓ ઘાટના કિનારાવાળી માલગાડીમાં ચઢી જતા. એક રાત્રે તેઓ આ રીતે ગાડીમાં બેઠા હતા ત્યારે એંજિને આવીને ગાડી ખેંચવી શરૂ કરી એની એમને બિલકુલ ખબર ન પડી. બીજા દિવસે કેટલાક કુલીઓ આવ્યા અને એમને ઊતરવાનું કહ્યું ત્યારે એમને ખબર પડી. પૂછતાં જાણ થઈ કે ગાડી ચિતપુર પહોંચી ગઈ છે! એ પછી વરસાદ હોય તો પણ તેઓ ગાડીમાં બેસતા નહિ. દ્વારમંડપની છત ઉપરથી નીચે ઊતરીને એના એક ખૂણામાં બેસી રહેતા.

સ્વામી અદ્‌ભુતાનંદનો આ અંતર્મુખી ભાવ ઓછામાં ઓછા અઢી વરસ સુધી સતત ચાલુ રહ્યો. એ પછી ઈ.સ. ૧૮૯૫માં ક્યારેક તેઓ પુરી અને ભુવનેશ્વર ગયા હતા. પુરીમાં જગન્નાથદેવની સામે ઊભા રહીને તેઓ પ્રાર્થના કરતા: ‘આપનું જે રૂપ જોઈને મહાપ્રભુનાં નેત્રોમાંથી જલધારા વહેવા લાગતી હતી, કૃપા કરીને મને પણ એકવાર આપનું એ રૂપ બતાવો.’ એમની આ પ્રાર્થનાને જગન્નાથજીએ પૂર્ણ કરી હતી. પછી પુરીથી પાછા ફરતી વખતે એમણે જગન્નાથજી પાસે બે વર માંગ્યાં હતાં: ‘મારે વધારે હરવું-ફરવું ન પડે અને જે કંઈ ખાઉં તે પચી જાય.’ કારણ જણાવતાં એમણે પોતે જ પાછળથી કહેલું: ‘જાણો છો ને, કે ભિક્ષામાં ક્યારે શું મળે એનું કોઈ ઠેકાણું તો છે નહિ! આથી જો પાચનશક્તિ બરાબર ન હોય તો તબિયત બગડી જાય અને તબિયત બગડવાથી સાધન-ભજનમાં મન ચોંટે નહિ.’ દક્ષિણેશ્વરમાં ઠાકુરની પાસે લાટૂ જેવા એક સરળ બાળક હતા તેવા જ પરિપક્વ અવસ્થામાં પણ શ્રીક્ષેત્રમાં જગન્નાથજી પાસે પણ સરળ બાળક હતા.

સ્વામી વિવેકાનંદ, ભાઈ અદ્‌ભુતાનંદને પોતાના પ્રાણની જેમ ચાહતા. ઈ.સ. ૧૮૯૭માં જ્યારે તેઓ ઉત્તર ભારતની યાત્રા કરવા ગયા ત્યારે સ્વામી અદ્‌ભુતાનંદને પણ પોતાની સાથે લઈ ગયા હતા. કાશ્મીરમાં સ્વામીજી જે હોડીઘરમાં હતા ત્યાં, ત્યાંની પ્રથા મુજબ નાવિક એ હોડીઘરમાં સપરિવાર રહેતો હતો. હોડીમાં ચઢીને એ લોકોને જોતાં જ લાટૂ મહારાજ તુરત જ હોડીમાંથી નીચે ઊતરી ગયા અને કહેવા લાગ્યા: ‘હું સ્ત્રીઓની સાથે એક જ હોડીમાં નહિ રહું.’ પછી જ્યારે સ્વામીજીએ એમને સમજાવ્યું કે, ‘એમની હાજરીમાં કોઈ જ ભય નથી’ ત્યાર પછી લાટૂ મહારાજ ફરીથી ઉપર આવવા સંમત થયા.

એક દિવસ કાશ્મીરના એક પ્રાચીન મંદિર વિશે સ્વામીજીએ કહ્યું: ‘આ મંદિર લગભગ બે-ત્રણ હજાર વર્ષ જૂનું છે.’ તરત જ લાટૂ મહારાજે આવું અનુમાન કરવાનું કારણ જાણવા ઇચ્છ્યું અને પૂછ્યું: ‘તમને કેમ ખબર પડી? મને સમજાવો. શું અહીં એવી કોઈ વાત લખેલી છે?’ સ્વામીજીએ હસતાં હસતાં કહ્યું: ‘આ વાત હું તને નહિ સમજાવી શકું. જો તું વાંચવા-લખવાનું શીખ્યો હોત તો તને સમજાવવાનો કદાચ પ્રયત્ન કરત.’ લાટૂ મહારાજની બુદ્ધિની પ્રશંસા કરવા માટે સ્વામીજી ક્યારેક ક્યારેક એમને પ્રસિદ્ધ ગ્રીક તત્ત્વવેત્તાના નામે ‘પ્લેટો’ કહીને બોલાવતા. આ રીતે મૂર્ખતાના આક્ષેપ પર પણ પીછેહઠ ન કરનાર આ બુદ્ધિમાન પ્લેટોએ જવાબ આપ્યો: 

‘ઓહ! જાણી લીધું. તમે એવા વિદ્વાન છો કે મારા જેવા બુદ્ધુને પણ સમજાવી નથી શકતા!’ ચારે બાજુ હાસ્યની લહેર ફરી વળી.

જો કે લાટૂ મહારાજ નિરક્ષર હતા, તો પણ એમને માટે શાસ્ત્રનાં વચનો ફક્ત કહેવા પૂરતાં જ નહોતાં, પણ એ તો એમની આંતરિક અનુભૂતિનો વિષય હતાં. એક દિવસ તેઓ સ્વામી શુદ્ધાનંદ (સુધીર મહારાજ) સાથે પંડિત શશધર તર્કચૂડામણિનું ઉપનિષદ પરનું વ્યાખ્યાન સાંભળવા ગયા. પંડિતજીએ જ્યારે કઠોપનિષદમાંથી – અંગુષ્ઠમાત્ર: પુરુષોઽન્તરાત્મા સદા જનાનાં હૃદયે સન્નિવિષ્ટ: । તં સ્વાચ્છરીરાત્‌ પ્રવૃહેન્મુંજાદિવેષિકાં ધૈર્યેણ ॥ 

આ શ્લોકનો પાઠ કરીને તેનો અર્થ સમજાવ્યો. તો એનો પોતાની અનુભૂતિ સાથે મેળ બેસતો જોઈને લાટૂ મહારાજે પાસે બેઠેલા શુદ્ધાનંદને ઉત્સાહપૂર્વક કહ્યું: ‘એ સુધીર, પંડિતે બરાબર જ કહ્યું.’ આ વાત તેઓ ઊંચેથી બોલ્યા. 

એનાથી બીજાનું ધ્યાન એમના પ્રત્યે દોરાશે અને લોકો એનો ઊંધો અર્થ પણ કરશે – આ બાબતનો એમને બિલકુલ ખ્યાલ જ ન હતો. અને ફક્ત એકવાર કહીને એમને સંતોષ ન થયો – અંતરમાં વહેતી આનંદધારા ક્ષણે ક્ષણે સરિતામાં ઊઠતા તરંગોની જેમ બહાર કિનારે ઊછળવા લાગી અને તેઓ સ્વામી શુદ્ધાનંદના શરીરને ઠેલો મારીને કહેવા લાગ્યા: ‘એ સુધીર, પંડિતે બરાબર જ કહ્યું.’ છેવટે સુધીર મહારાજે વિચાર્યું કે અહીં હાજર રહેલા લોકો આ ભાવની ગંભીરતા સમજી શકશે નહિ. આથી સભાગૃહમાંથી ચાલ્યા જવું જ હિતાવહ છે. નિવાસસ્થાને પહોંચ્યા પછી પણ સ્વામી અદ્‌ભુતાનંદનો આનંદનો આવેશ ઓછો થયો નહિ. તે એટલે સુધી કે રાત્રે પણ તેઓ શુદ્ધાનંદને જગાડીને કહેવા લાગ્યા: ‘એ સુધીર, પંડિતે બરાબર જ કહ્યું.’ કહેવાની જરૂર નથી કે એક જ ઉચ્ચ ભાવમાં આટલા લાંબા સમય સુધી આ રીતે સતત તન્મય રહેવાનું ઉદાહરણ ધ્યાનસિદ્ધ વ્યક્તિઓ સિવાય મળવું મુશ્કેલ છે. સ્વામી શુદ્ધાનંદ એ દિવસોમાં એમની સાથે એક જ ઓરડામાં રહેતા અને શાસ્ત્રચર્ચા પણ કરતા. લાટૂ મહારાજની આ શાસ્ત્રપ્રીતિ ગહન રાત્રિમાં પણ અપૂર્વ રીતે પ્રગટ થતી રહેતી. રાત્રે ક્યારેક એકાએક આજ્ઞા કરતા: ‘સુધીર, સુધીર! ગીતાપાઠ કરો.’ શુદ્ધાનંદ આનંદથી તેમ જ કરતા.

ધર્મોની બાબતમાં લાટૂ મહારાજ ખૂબ જ ઉદાર હતા. મુસલમાનોના ઈદ અને મોહરમના તહેવારોના ઉપક્રમે તેઓ પીરની દરગાહ પર ચઢાવો તેમજ નાતાલ અને ગુડ ફ્રાઈડેના દિવસોએ તેઓ પોતાના જ હાથે જિસસ ક્રાઈસ્ટને નૈવેદ્ય અને માળા અર્પણ કરતા. ખ્રિસ્તીધર્મી ડી. મેલોએ જ્યારે એમને ધ્યાન વિશે ઉપદેશ આપવા કહ્યું ત્યારે એમણે પૂછ્યું: ‘તમને કોના ઉપર પ્રેમ છે?’ સાહેબે જવાબ આપ્યો: ‘ઈસુ અને ઠાકુર બંને પર.’ ફરી પ્રશ્ન પૂછ્યો: ‘અત્યાર સુધી કોની ભક્તિ કરતા આવ્યા છો?’ ડી. મેલોએ ઈસાનું જ નામ આપ્યું, ત્યારે લાટૂ મહારાજે કહ્યું: ‘જુઓ, તમે ઈસુને જ પકડી રાખો.’

લાટૂ મહારાજને હંમેશાં અનેક ભક્તોની આધ્યાત્મિક ભૂખ સંતોષવી પડતી હતી. એક નિરક્ષર સાધુના મુખે જે ધર્મતત્ત્વ અવિરત પ્રગટ થતું રહેતું એને સાંભળવા માટે કેટલાય શિક્ષિત લોકો મંત્રમુગ્ધ બની કલાકો સુધી એમની પાસે બેસી રહેતા. આ સમય દરમિયાન એમણે આપેલો ઉપદેશ સંકલિત કરવામાં આવ્યો છે અને બંગાળીમાં ‘સત્કથા’ નામના પુસ્તક રૂપે પ્રગટ થયો છે. એ વાંચતાં એમની અનુભૂતિ અને બીજાઓનાં મનમાં પ્રેરણા જગાડવાની અદ્‌ભુત શક્તિ જોઈને આશ્ચર્યમગ્ન બની જવાય છે.

અંતિમ દિવસોમાં એમને બહુમૂત્ર રોગ થયેલો. એ વખતે એમના પગમાં એક ગૂમડું થયેલું અને યોગ્ય સારવારના અભાવને લઈને તેમાંથી ગેંગરીન થઈ ગયું. શસ્ત્રક્રિયાથી એ વખતે તો એ મટી ગયું, પણ પછી બહુમૂત્રના રોગને કારણે ફરીથી એ થયું. એ માટે છેલ્લા ચાર દિવસોમાં તો એમના શરીર પર રોજ બે-ત્રણ વાર શસ્ત્રક્રિયા કરવી પડતી હતી. પણ એમની સહનશક્તિ અદ્‌ભુત હતી. એમને જોતાં જાણે એવું લાગતું હતું કે એમને જરાસરખી પણ પીડાનો અનુભવ થતો નથી. પણ આ વાઢકાપથી પણ કોઈ જ ફાયદો થયો નહીં. ૨૪ એપ્રિલ, ઈ.સ. ૧૯૨૦માં એમણે મહાસમાધિ દ્વારા શરીર છોડી દીધું.

Total Views: 28

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.