સૌભરિ ઋષિ તો કણ્વવંશના કુળદીપક હતા. વેદવેદાંગના મર્મજ્ઞ હોવા ઉપરાંત એમના મનમાં વૈરાગ્યભાવના પણ હતી. એમને જગતના વિષયો તુચ્છ લાગતા. જગતના કીડા જેવા ક્ષણભંગુર ભોગો પ્રત્યે યુવાવસ્થામાં જ તેમને અણગમો ઉપજ્યો હતો.

સૌભરિ યુવાવસ્થામાં આવ્યા ત્યારે તેમનાં માતાપિતાએ એને સમજાવતાં કહ્યું: ‘બેટા, તું હવે પૂરો યુવાન થયો છે. તારા જીવનની વસંત ખીલી છે. કંઈક કોડોથી ભરેલું તારું મન છે. હવે તારી એ કામનાઓને ગૃહસ્થાશ્રમના કેન્દ્રમાં પૂર્ણ કર.’

પણ સૌભરિનું મન માતાપિતાની સમજાવટથી માન્યું નહિ. કારણ કે એમનું મન તો વૈરાગ્ય અને અધ્યાત્મમાં ડૂબેલ હતું. છતાં એમના હૃદયમાં અંતર્દ્વન્દ્વ ઊભું થયું: ‘શું કરું? મતાપિતાની આજ્ઞાનો અનાદર પુત્ર માટે હાનિકર છે પણ આત્મકલ્યાણ જ જીવનનો પરમ ઉદ્દેશ છે! એક બાજુ વડીલોની આજ્ઞા અને બીજી બાજુ આત્મ કલ્યાણ!’ સૌભરિ ખૂબ મૂંઝાયા! ખૂબ વિચાર કર્યો, ખૂબ સંઘર્ષ પછી છેવટે તેમણે યુવાનીમાં જ માતાપિતા સાથેનો નાતો છોડી ઘરનો ત્યાગ કર્યો અને વૈરાગ્યને માર્ગે પ્રયાણ આરંભ્યું; સૌ પરિચિતોનાં હૃદય વિસ્મિત કરી દીધાં.

સૌભરિએ સાધના માટે તપોવન સર્જ્યું. પવિત્ર નદીતટ, કલકલકારી કાલિન્દી, કિનારા પરનાં તમાલવૃક્ષોની ગાઢ છાયા, રંગબેરંગી પંખીઓનો કિલ્લોલ, આસપાસ જંગલ, પશુઓનો સ્વચ્છંદ વિહાર, વગેરેથી એ સ્થળ મનોરમ્ય હતું. રોજ સાયંકાળે ગોધૂલિ વેળાએ આંચળમાં દૂધ ભરેલી ગાયો પોતપોતાના ગામે જતી દેખાતી. યમુનાજળમાં શીતપવનની લહેરથી ભમરીઓ ઊઠતી સૌભરિ જોતા. ત્યાં શાંતિનું અખંડ સામ્રાજ્ય હતું. માછલીઓનાં ટોળેટોળાં એકબીજા પર કૂદાકૂદ કરતાં હતાં. આ હતું સૌભરિનું તપોવન!

સૌભરિ ભારે કષ્ટ વેઠનારા તપસ્યાનુરાગી હતા. ત્યાગી પણ હતા. આ એકાંતે એમનું મન બળપૂર્વક વશ કરી લીધું. યમુનાજળમાં ઊભા રહી સૌભરિએ શારીરિક તપશ્ચર્યા આરંભી. મોટાં પૂર આવવાથી યમુનાજળ ગમે તેટલું ભારે વેગીલું બનતું, તો પણ ઋષિના મનમાં એની કશી અસર ન થતી! પોષ-મહા માસમાં જળ બરફ થઈ જતું, બધાં જળચર કંપતાં, પણ ઋષિના શરીરને એની કોઈ જ અસર ન થતી! વર્ષાઋતુમાં ઠંડીની સાથોસાથ ભયંકર વરસાદમાં બધાં પ્રાણીઓનાં શરીર સંકોચાઈ જતાં પણ ઋષિ તો એમ ને એમ અડગ રહીને ઘોર તપસ્યામાં સ્થિર જ રહેતા! અન્ય એવા તપસ્વીઓ વિશે જોયું-જાણ્યું હતું, તેવું કરવા લાગ્યા.

કેટલાંય વરસો સુધી આવી વિકટ તપશ્ચર્યાનો ક્રમ ચાલતો જ રહ્યો! સૌભરિએ જ્યારે તપ કર્યું ત્યારે તે યુવાન હતા, હવે તો તેમની ઉંમર ઢળવા લાગી હતી! દાઢી વધી ગઈ હતી, પળિયાં આવી ગયાં હતાં. કેટલી ઘોર તપસ્યા! કેટલી ગજબની તિતિક્ષા! એમને જોઈને સૌ નવાઈ પામતા! એવા તપે એમને સિદ્ધિઓ તો આપી પણ આત્મસાક્ષાત્કાર ન આપ્યો! એનું કારણ એ હતું કે જોનારાની નજરે ઋષિ જેવા દેખાતા તેના કરતાં ઋષિના મનની સ્થિતિ ઘણી વિચિત્ર હતી! માનવીના બહાર દેખાતા વ્યક્તિત્વમાં અને એના ભીતર વ્યક્તિત્વમાં – સાચુકલા વ્યક્તિત્વમાં કેટલું આકાશ-પાતાળ જેવડું મોટું અંતર હોય છે, એની કલ્પના સામાન્ય માણસ દ્વારા કરવી ઘણી મુશ્કેલ વાત છે. સૌભરિની બાબતમાં એવું જ કંઈક હતું!

વાત એમ હતી કે ઋષિ નિત્ય યમુનાના શ્યામલ જલમાં માછલા-માછલીની રતિક્રીડા જોઈને આનંદિત થતા રહેતા. એ પતિપત્નીનાં રિસામણાં-મનામણાં, પ્રેમ, પ્રેમસમર્પણ રતિક્રિયાઓ વગેરે જોઈ જોઈને ઋષિના મનમાં આનંદ લહેરાયા કરતો!

આ ઉદ્દીપનથી ઋષિના હૈયાના કોઈક છાને ખૂણે પડેલ વાસનાબીજમાં અંકુર ફૂટી ગયો. હૈયાને કોઈ અજાણ સ્થળે અભાન અવસ્થામાં પડેલ વાસનાબીજ પણ કોળી ઊઠે છે. વાસનાને વિરામ ક્યાં છે? એ ચુડેલ ધરાઈ ગયેલી અને શાંત થયેલી દેખાય ખરી, પણ ઉદ્દીપન મળે કે તરત જ કેન્સરની ગાંઠની માફક કોણ જાણે ક્યાંથી ફૂટી નીકળે છે! વરસાદ આવ્યે ફૂટી નીકળતાં દેડકાઓની પેઠે એ માનવજીવનને અશાંત કરી મૂકે છે. પરમ વૈરાગી ઋષિ સૌભરિના સંબંધમાં સ્વપ્નમાં પણ કોઈ કલ્પી શકે ખરું કે માછલાંની રતિક્રીડાથી તેમની વાસનાઓ સળવળી ઊઠશે!

ઋષિ વિચારવા લાગ્યા: ‘ગૃહસ્થજીવન પણ રસમય તો છે! એમાં પતિપત્નીના કેવા રસમય પ્રેમકિલ્લોલ હોય છે! શિશુઓનું સ્વભાવસહજ હાસ્ય કેવું સરસ! તપશ્ચર્યા તો શુષ્ક, એમાં તો રસહીનતા! જીવનલતા ખીલે જ નહિ! વસંત જ ક્યાં આવે છે? શરીર સૂકવી નાખવું એ તે કંઈ જીવન છે? સહજવૃત્તિઓ દબાય ખરી કે?’

ધીરે ધીરે ઋષિની વાસના પૂરજોરમાં ભભૂકી ઊઠી. એ ખાઉધરી વાસનાની ચુડેલ પોતાનો ખોરાક ખોળવા જોરદાર મથામણ કરવા લાગી. ઋષિ અધીરા થઈ ઊઠ્યા.

આધ્યાત્મિક તપનો મર્મ સમજ્યા વગર દેખાદેખી પૂર્વક માત્ર બહારથી તપની વેશભૂષા અથવા સાંભળેલા તપના નિયમો પાળીને કંઈ સાચા આત્મલક્ષી તપના ફળની પ્રાપ્તિ ખાલી અનુકરણથી થઈ જતી નથી! ખોટી તિતિક્ષા, ‘શમ’ વગરનો ખાલી ‘દમ’ ખતરનાક હોય છે. મર્મની દૃષ્ટિ વગરની નિષ્ઠા તો આંધળી છે અને નિષ્ઠા વગરની મર્મજ્ઞતા પાંગળી છે. આ વાત મુનિ સમજ્યા ન હતા. તેથી જ આવી ઘોર શારીરિક તપશ્ચર્યાએ મુનિના મનનો મેલ દૂર ન કર્યો; એમના મનનું સુવર્ણ તપથી કુંદન ન બન્યું. મત્સ્યમૈથુનના ઉદ્દીપને ઋષિના મનમાં જન્મજન્માંતરથી જીવતું રહેલું વાસનાબીજ વૃક્ષરૂપે સતત વધતું જ રહ્યું અને એણે પેલા કાચા, આવેશી અને અસ્થાયી વૈરાગ્યને ઉખેડી નાખ્યો અને ઋષિ તપને તિલાંજલિ દઈને ગૃહસ્થી જમાવવાની ચિંતામાં ડૂબકાં ખાવા લાગ્યા.

સહધર્મિણીની શોધ કરતા સૌભરિ દૂર દૂર ભટકવા લાગ્યા. પણ નારીરત્ન એમ કંઈ રસ્તે રઝળતું થોડું હોય છે? મુનિની શોધખોળને અંતે એમને ભાળ લાગી.

એ વખતે સપ્તસિંધુના પશ્ચિમી ભાગમાં ‘ત્રસદ્‌સ્યુ’ નામનો એક રાજા રાજ્ય કરતો હતો. રાજા ઘણો પ્રતાપી હતો. સપ્તસિંધુના બીજા રાજાઓ આ ત્રસદ્‌સ્યુ સામે માથાં ઝુકાવતા. આ ત્રસદ્‌સ્યુનું નામ પણ એને એટલા માટે મળ્યું હતું કે તેણે આર્યસભ્યતાના સદા દ્વેષી એવા દસ્યુઓને ભારે ત્રાસ આપ્યા કર્યો હતો. દસ્યુઓ એના નામમાત્રથી થરથર ધ્રૂજતા. આ રાજા પુરુવંશના મુકુટમણિ સમા પુરુકૃત્સનો પુત્ર હતો.

ઋષિ સૌભરિને જાણવા મળ્યું કે આ રાજાની પુત્રીઓ ગુણવતી છે. એમણે એ રાજા પાસે જઈ કન્યાઓની માગણી કરવાનો વિચાર કર્યો.

સૌભરિ યમુનાતટથી ચાલતાં ચાલતાં સુવાસ્તુ-સ્વાત નદીના કાંઠે જ્યાં રાજા રાજસભા ભરીને બેઠો હતો ત્યાં આવી પહોંચ્યા. અચાનક જ વૃદ્ધ મુનિને રાજસભામાં આવતા જોઈને રાજાને ભારે નવાઈ લાગી.

મુનિ આવ્યા. રાજાએ પ્રણામાદિથી તેમનું સ્વાગત કરીને આવવાનું પ્રયોજન પૂછ્યું. ત્યારે મુનિ બોલ્યા:

‘રાજન્‌, તપશ્ચર્યા કરતાં કરતાં મને છેવટે એવું લાગ્યું છે કે ગૃહસ્થજીવન ઘણું રસમય છે, અને તપશ્ચરણ સાવ શુષ્ક છે. પતિપત્નીનું પ્રસન્ન પ્રેમાલાપભર્યું દાંપત્ય અને શિશુઓનો ક્રીડાકલરવ કેવો મનોરમ્ય છે, તેનું ભાન થયું. એટલે ઘરગૃહસ્થી માંડવા વિચારું છું. સાંભળવા પ્રમાણે તમારી પુત્રીઓ યુવતીઓ છે. તેની સાથે મને પરણાવવાનો પ્રસ્તાવ લઈને તમારી પાસે આવ્યો છું.’

સૌભરિની વાત સાંભળી રાજા છળી ઊઠ્યો. તે વિચારી રહ્યો: ‘અરે! ઘરડેઘડપણ આટલી બધી કામવાસના! મરણની નજીક હોવા છતાં પણ પરણવાની ઇચ્છા થઈ! ધિક્કાર છે મુનિ!’

રાજા ક્રોધથી સળગી ઊઠ્યો. પણ ઋષિમુનિ સામે વિનયથી જ વરતવાનું એ કાળે જીવનમૂલ્ય ઓળંગી શકાય એવું ન હતું. એટલે ક્રોધ વ્યક્ત તો કરી શક્યો નહિ. હવે તેના મનમાં અંતર્દ્વન્દ શરૂ થયું. એક બાજુ મુનિની અવજ્ઞા અને બીજી બાજુ આ જરદ્‌ગવના ગળે ફૂલ જેવી પુત્રીને આપી દેવી! શું કરવું? એક બાજુ અભ્યાગત તપસ્વીની અવગણના અને બીજી બાજુ પિતાનું હૃદય!

પણ રાજા શાણો હતો. પરસ્પર વિરોધી વૃત્તિઓની વચ્ચેથી છેવટે એણે એક ઉપાય શોધી કાઢ્યો અને બોલ્યો: ‘ઋષિ સૌભરિ! અમે તો ક્ષત્રિયો છીએ. આપ જાણો છો જ કે ક્ષત્રિયોની કન્યાઓ તો સ્વયંવર દ્વારા જ પરણે છે. એટલે આપને હું અંત:પુરમાં લઈ જાઉં. અને ત્યાં જો મારી કોઈ પુત્રી આપના ગુણશીલથી આકર્ષાઈને આપને પરણવા ઇચ્છે, તો મને વાંધો નથી.’

રાજાને ખાતરી હતી કે આ બૂઢિયા સૌભરિને એની કોઈ પુત્રી પસંદ કરશે નહિ એટલે ટાઢે પાણીએ ખસ જતી રહેશે.

ઋષિએ રાજાનો પ્રસ્તાવ સ્વીકાર્યો અને બંનેએ અંત:પુર તરફ જવા પ્રયાણ કર્યું. તેઓ અંતપુરમાં પહોંચ્યા ત્યાં તો એક ભારે કૌતુક થયું. એ વૃદ્ધ સૌભરિએ તો સર્વાંગસુંદર યુવાનનું સ્વરૂપ ધારણ કર્યું. રાજાએ અને સૌએ તેને જોયા. રાજાના આશ્ચર્યની તો કોઈ સીમા જ ન રહી. રાજકન્યાઓની નજર એ મુનિ પર પડી. પિતાએ પ્રસ્તાવ મૂક્યો, ‘હું પરણું, હું પરણું’ની હોડ મચી ગઈ. રાજકન્યાઓએ મુનિને ઘેરી જ લીધા! રાજાએ મુનિને આપેલ વચન પાળ્યા વગર હવે છૂટકો જ ન રહ્યો!

સ્વાત (સુવાસ્તુ) સરિતાના સુંદર કિનારે વિવાહ મંડપ રચવામાં આવ્યો. મહારાજ ત્રસદ્‌સ્યુએ પોતાની પચાસ પુત્રીઓનો વિવાહ કણ્વવંશીય સૌભરિ સાથે કરી દીધો. ખુશ થયેલા રાજાએ દહેજમાં પુષ્કળ સંપત્તિ પણ આપી. એમાં સિત્તેર સિત્તેર ગાયોનાં ત્રણ જૂથો, શ્યામવરણો એક ખૂંટ, વગેરે હતાં. ખૂંટ ગાયોની આગળ ચાલતો હતો. કેટલાય ઘોડા પણ આપ્યા, કેટલાંય રંગબેરંગી કપડાંલતાં પણ આપ્યાં. અણમોલ રત્નો પણ આપ્યાં. ઘરસંસારને ભર્યોભાદર્યો અને રસમય બનાવે એવી બધી જ વસ્તુઓ એકી સાથે એક જ જગ્યાએ ભાળીને મુનિની કામના પ્રોજ્જ્વલિત થવા લાગી. આ બધી વસ્તુઓને બરાબર વ્યવસ્થિત કરીને બની ઠનીને મુનિ જ્યારે યમુનાતટ તરફ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં વજ્રધારી દેવરાજ ઈંદ્રે તેમને અચાનક પુણ્યદર્શન આપ્યાં. ઋષિ તો આનંદવિભોર બની ગયા. ગળગળા થઈ તેઓ ઈંદ્રની સ્તુતિ કરવા લાગ્યા:

‘હે દેવરાજ! ભગવન્‌ આપ તો અનાથોના નાથ છો. અમે તો બંધુ વિનાના બ્રાહ્મણ રહ્યા! આપ તો પ્રાણીઓની કામનાઓને તરત જ પૂર્ણ કરી દેનારા દેવ છો. આપ સોમપાન કરવા માટે કૃપા કરીને આપના તેજની સાથે અમારે આંગણે પધારો.’

વખાણ કોને ન ગમે ભલા? એમાંયે ઈંદ્ર તો સોમપાનના ભારે રસિયા! સ્તુતિથી ખુશખુશાલ થઈને તરત જ ઋષિને વરદાન માગી લેવા માટે આગ્રહ કરવા લાગ્યા.

સૌભરિએ માથું નમાવીને વિનયથી કહેવાનું શરૂ કર્યું: ‘ભગવન્‌, મારું જીવન સદા સુખી બની રહે, મને યથેચ્છ રૂપ ધારણ કરવાની શક્તિ મળે, મારી ભોગ ભોગવવાની, સ્ત્રીસુખ માણવાની શક્તિ અક્ષય રહે, હું એકી સાથે આ પચાસ સ્ત્રીઓ સાથે રમણ કરી શકું, મને આસપાસ કલ્પવૃક્ષોવાળા સુવર્ણ મહેલો પ્રાપ્ત થાઓ, મારી પત્નીઓમાં ક્યારેય પરસ્પર દ્વેષ ન હો, મને સંપૂર્ણ સુખ મળો.’ ઋષિને હૈયે રહેલી ભૌતિક કામનાઓ હોઠે આવી રહી!

ઈંદ્ર ગંભીર સ્વરે ‘તથાસ્તુ’ કહીને ચાલતા થયા અને સૌભરિ ભોગોના દરિયામાં હિલ્લોળા લેવા લાગ્યા.

પરંતુ જે આનંદ અભીષ્ટની પ્રાપ્તિ થયા પહેલાંની ઝંખના અને તલસાટમાં હોય છે, તે અભીષ્ટ પ્રાપ્તિ પછી રહેતો નથી. અવિરત દુ:ખની પેઠે અવિરત સુખ પણ પીડાદાયક બનતું હોય છે. સુખદુ:ખની દિવા-નિશામાં જ જીવન પોતાનું મુખ ખોલી શકે છે. વિકાસ પામી શકે છે. રોજના એકધારા એકરસીલા ભોગવિલાસો ધીરે ધીરે અસહ્ય બનતા જાય છે. આનંદ જ્યારે માણસને ગળેપડુ બની જાય છે, એક વળગાડ બની જાય છે, ત્યારે એ બલા રૂપ આનંદ પણ ત્રાસદાયક બની જાય છે.

એવી જ રીતે સૌભરિનું ભોગસુખમય ગૃહસ્થજીવન પણ હંમેશ માટે તો લીલુંછમ ન રહી શક્યું. ભોગો ભોગવતાં ભોગવતાં પોતે જ ભોગોના ભોગ્ય જાણે બની ગયા હોય એવું તેમને કાળાન્તરે લાગવા માંડ્યું. હૈયામાં મોટી મોટી કામનાઓ સંઘરીને તેઓ જીવનના આ ઘાટે ઊતર્યા તો હતા, પણ ભોગજન્ય વિપદાઓના જન્તુઓએ કોલાહલ મચાવી દીધો! એ વિચારજન્તુઓના કોલાહલે મુનિને બેચેન કરી મૂક્યા. વિચારવાન તો તે પહેલેથી જ હતા, કેવળ એક આવેશના પ્રહારે તેઓ વિચલિત થઈ ગયા હતા. ધીરે ધીરે વિચારો જ્યારે સ્થિર થયા, ત્યારે તેમનામાં સાચો વૈરાગ્ય ઉત્પન્ન થયો. પહેલાંના માત્ર શારીરિક તપથી કરવો પડેલો ભોગ ત્યાગ આ ન હતો. એ વખતે તો ભોગ તરફનું રસબીજ હૈયાના કોઈક ખૂણે જાગતું પડ્યું હતું. આ વખતે રસબીજ રહિત સાચો વૈરાગ્ય ઉત્પન્ન થયો. મુનિ વિચારવા લાગ્યા: ‘અરે! જે સુખને માટે મેં આટલાં બધાં વરસોની તપશ્ચર્યાની તિલાંજલિ આપી તે સુખ બસ આ જ હતું કે? ધનધાન્યની મારે કોઈ કમી નથી, ભૂખનું દુ:ખ મેં ક્યારેય જોયું નથી. સંપત્તિમાં હું આળોટી રહ્યો છું. છતાં મારા મનને શાંતિ કેમ મળતી નથી? કોયલનેય શરમાવે એવા મધુર કંઠવાળી કામિનીઓએ મારા જીવનબાગમાં લાવેલ વસંત હાલક ડોલક થતી કેમ જણાય છે? શિશુઓના કલશોરે વર્ષા વરસાવ્યા, છતાં જીવન હર્યું ભર્યું કાં ન બન્યું? હૈયાની વેલ ખીલું ખીલું કરતાં જ કેમ કરમાઈ ગઈ? ગૃહસ્થી શું આટલી ક્ષણિક છે? આટલો જલદી અભાવો આવી જાય તેવી છે?’

ઋષિની વિચારધારા આગળ વહી: ‘અરેરે! આવા બાહ્ય પ્રપંચ સામે મેં ઝૂકીને આત્મસમર્પણ કરી દીધું? હું શ્રેયને ભૂલી ગયો? યોગ દ્વારા આત્મદર્શન માનવનું ચરમલક્ષ્ય છે, એ હું વીસરી ગયો! હું તુચ્છ ભોગોમાં ફસાઈ પડ્યો! ભોગોએ યોગને ભુલાવ્યો, અનાત્માના ચક્કરે આત્માને ભુલાવ્યો!ખરે જ વાસના વૃકોદરી છે, એ ચુડેલ છે.’

ઋષિના પસ્તાવાનો કોઈ પાર ન રહ્યો. પસ્તાવાના જળથી ઋષિના મનનો મેલ ધોવાવા લાગ્યો. વાસનાઓ નાશ પામવા લાગી. હવે એમને ભોગો માયાની ભુલભુલામણી જેવા ઠગારા લાગવા માંડ્યા. પ્રેયના આંટીઘૂંટીવાળા માર્ગને છોડીને હવે તેમણે ફરી શ્રેયમાર્ગ પર પગરણ માંડવા વિચાર્યું. તેમને લાગ્યું કે અત્યાર સુધી તેઓ ગોળ ગોળ જ ઘૂમ્યા કર્યા હતા અને આગળ કશી જ પ્રગતિ કરી ન હતી.

ઋષિ આત્મપરીક્ષણ કરવા લાગ્યા: ‘શું અત્યાર સુધીનો મારો વૈરાગ્ય કાચો, આવેશી, અસ્થાયી અને ઉપરછલ્લો જ હતો કે? હા, એવું જ છે. સાચો વૈરાગ્ય કદીય દગાબાજ હોતો નથી! કાચી ઉંમરમાં સાચો વૈરાગ્ય પ્રાપ્ત કર્યાનો મને ગર્વ હતો. પણ મત્સ્યમૈથુને એક સપાટે ગર્વને ગાળી નાખ્યો. અહા, સોબત કેવી બળવાન છે! એ પોતાની અસર પાડ્યા વગર રહેતી નથી. સંગ તેવો જ રંગ! સાચા વૈરાગ્ય વિના તો ભગવાન ન મળે. તે માટે તો મારે સાધુ-સંગમાં જ રહેવું જોઈએ. આવા ભોગવિલાસોમાં નહિ જ! અરેરે! હું ક્યાં ઘસડાઈ ગયો! બસ, હવે તો આત્મદર્શન જ કલ્યાણ.’

ઋષિએ નિશ્ચય કરી લીધો. બીજે દિવસે લોકોએ સાંભળ્યું કે સૌભરિનો ગૃહસ્થાશ્રમ ઉજ્જ્ડ થઈ ગયો છે. ઋષિ સાચા-સ્થાયી વૈરાગી બનીને વનમાં ચાલ્યા ગયા છે. સાચી તપસ્યાથી ભગવાનમાં લીન બની ગયા છે. અગ્નિ શાંત થતાં જેમ એની જ્વાળાઓ શમી જાય છે, તેવી રીતે પતિની ઉચ્ચતર પ્રગતિ જોઈને પત્નીઓએ પણ એમની સંગતિ કરી સદ્‌ગતિ પામવા નક્કી કર્યું. સારી બૂરી સંગતિ ક્યારેય નિષ્ફળ નથી હોતી. સત્સંગતિનો સાથ લઈને મનુષ્યે પોતાનું જીવન સફળ બનાવવું જ જોઈએ. કુસંગનું કડવું ફળ સૌભરિએ ચાખ્યું અને થૂંકી નાખ્યું! સૌભરિની પશ્ચાત્તાપવાણી અને પછીની પ્રેરકવાણી આજેય જો સૂક્ષ્મ કાન હોય તો એમાં પડઘાયા કરે છે!

સંદર્ભો: (૧) ઋગ્વેદ, ૮/૧૯, ૮૧ (૨) નિરુક્ત, ૪/૧૫, (૩) બૃહદેવતા, ૬/૫૧ (૪) કાત્યાયન સર્વાનુક્રમણી, ૮/૧૯ (૫) નીતિમંજરી પૃષ્ઠ, ૨૬૦-૬૪ (૬) ભાગવત, ૯/૬/૨૮-૫૫

Total Views: 35

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.