પ્રાચીન ભારતના નીતિ-ધર્મ વિષયક વાઙ્‌મયનો પહેલો તબક્કો સૂત્રયુગનો હતો. એની વાત આપણે આગળના લેખ (ભારતનાં ધર્મશાસ્ત્રો અને તત્કાલીન નીતિધર્મો સૂત્રયુગ-૧, ઓક્ટોબર-૨૦૦૯)માં કરી ગયા છીએ. એ વાઙ્‌મયનો બીજો તબક્કો સ્મૃતિ સાહિત્ય છે. એની થોડી માહિતી મેળવીએ.

જેવી રીતે સૂત્ર યુગના એ તબક્કામાં આ વિષયના નવેક ગ્રંથો મળે છે, એ વાત આપણે જાણી એ રીતે સ્મૃતિ સાહિત્યમાં નીતિધર્મ વિષયક પંદરેક સ્મૃતિઓ મળે છે. આ નવેક ધર્મસૂત્રો- ગૃહ્ય સૂત્રો અને પંદરેક સ્મૃતિઓની આ સંખ્યા સ્પષ્ટ સૂચવે છે કે સમાજની પરિવર્તનશીલને અનુરૂપ કાળે કાળે, થોડા ઘણા ફેરફારો સાથે આપણા આચારો અને વ્યવહારો બદલતા જ રહ્યા છે. ભારતને સ્વતંત્રતા મળ્યા પછી સંવિધાનમાં પચાસથી પણ વધારે સુધારાઓ જેવી રીતે કરવામાં આવ્યા છે તેવી જ રીતે સમાજના આચાર અને વ્યવહારમાં આવેલા પરિવર્તનને અનુકૂળ સ્મૃતિ સાહિત્ય રચાતું રહ્યું છે.

ઋગ્વેદના દસ પ્રાચીનતમ ઋષિઓ પૈકીના એક એવા અંગિરસના નામે ત્રણ સ્મૃતિઓ અત્યાર સુધીમાં પ્રકાશિત થઈ છે. પહેલી કેવળ ૭૨ શ્લોકની અને પ્રાયશ્ચિત્ત વિષયક છે. – મૂળ મોટીનું એ સંક્ષેપીકરણ લાગે છે. બીજી ૧૬૮ શ્લોકની પ્રાયશ્ચિત્ત વિષયક જ છે. એમાં આપસ્તંબ, શંખલિખિત અને સુમંતુ જેવા પ્રાચીનતમ સ્મૃતિકારોનો ઉલ્લેખ છે અને ત્રીજી એ બન્નેથી મોટી ૧૨૦૦ શ્લોકોની છે.

બીજી, મનુએ પણ જેને ઉલ્લેખ્યા છે તેવા પ્રાચીન અત્રિ ઋષિની ‘આત્રેયધર્મશાસ્ત્ર’ નામની નવ અધ્યાયની, ગદ્ય-પદ્યાત્મક સ્મૃતિ છે. એમાં તપ, યાત્રા, ભેટસોગાદ – વિષયો ચર્ચ્યા છે. એની વિશેષતા એ છે કે એમાં શક, યવન, પારસ અને બાહ્‌લીક જેવી વિદેશી જાતિઓના ઉલ્લેખો મળે છે ‘અત્રિ સ્મૃતિ’ (અત્રિસંહિતા),ની પાંડુલિપિ એમના નામ પર છે. એમાં પાપોનાં પાયશ્ચિત્ત, ભેટો અને યાત્રાના નિયમો છે. બીજી છાપેલી અત્રિસંહિતા ૪૦૦ શ્લોકવાળી અને વર્ણાશ્રમની ચર્ચા કરતી મળે છે. આ ઉપરાંત પણ આ ઋષિને નામે ‘લઘુ અત્રિ’ ‘વૃદ્ઘ આત્રેય સંહિતા’ જેવા ગ્રંથો છે.

બૃહસ્પતિ પ્રાચીન ભારતના અર્થશાસ્ત્ર અને રાજનીતિના વિદ્વાન હતા. એમણે કોઈક ધર્મશાસ્ત્રનો ગ્રંથ લખ્યો હોવાનું મનાય છે. કારણ કે એમના પછીના ધર્મશાસ્ત્રકારોએ અનેક વખત એમનાં ઉદાહરણો પોતાનાં લખાણોમાં ટાંકયાં છે – ઘણાં એમને નાસ્તિક લોકાયતિક ગણે છે. એમની એક સ્મૃતિ મળે છે. એ પદ્યાત્મક ૭ અધ્યાયોવાળી છે અને સામાજિક વ્યવહારો અને સામાન્ય વર્તનના વિષયો ચર્ચે છે. એમાં ‘આપદ્‌ ધર્મ’ અને ‘પ્રાયાશ્ચિત્ત’ વિભાગ વિશેષ ધ્યાન ખેંચે છે તેઓ ઈ.સ. ૨૦૦ – ૩૦૦માં થયેલા મનાય છે.

વર્તમાનની વધારે નજીક ગણાય એવી સૌથી મોટી – ૧૨ અધ્યાયો અને ૩૦૦૦ શ્લોકોવાળી તો છે બૃહત્પારાશર સ્મૃતિ! પુરાણી પારાશરસ્મૃતિનું એ સંવર્ધિત સંસ્કરણ છે. કોઈક સુવ્રતે લખી છે. એમાં થોકબંધ વિષયો છે. પ્રતિદિન કરવા જોઈતાં ૬ કર્મો, સંસ્કારો, અશૌચ, પ્રાયાશ્ચિત્ત ચાર આશ્રમોના કર્તવ્યો, રાજધર્મ, યોગના નિયમો – વગેરે.

એક દક્ષસ્મૃતિ પણ જૂની જણાય છે. ૭ અધ્યાયો અને ૨૨૦ શ્લોકોમાં એ છાપેલી મળે છે. એમાં ચાર આશ્રમો અને દ્વિજોનાં દૈનિક કર્તવ્યો બતાવવામાં આવ્યાં છે. જુદાં જુદાં કર્મો, વિવિધ દાન, પ્રકારો, અશૌચ, યોગ અને તેનાં અંગો તેમજ દ્વૈત અને અદ્વૈતની ફિલસૂફી સમજાવી છે. અન્ય સ્મૃતિકારોએ આ સ્મૃતિનાં ઉદાહરણો વારંવાર ખૂબ લીધા છે.

મહાભારતમાં દેવલ ઋષિ ખૂબ પ્રસિદ્ઘ છે અને બીજા ઋષિ અસિત સાથે વારંવાર મહાભારતમાં તેમનો ઉલ્લેખ થયો છે. એમણે ધર્મશાસ્ત્રનો એક વિસ્તૃત ગ્રંથ લખ્યો હતો. એમાં ઉદાહરણો મહાભારતમાં મળે છે. એમને નામે ચડેલો એ ધર્મશાસ્ત્રનો ગ્રંથ અતિ વિસ્તૃત લાગે છે. એમાં ધર્મશાસ્ત્રનાં આચાર – વ્યવહાર અને પ્રાયાશ્ચિત્ત એ ત્રણેય પાયાના વિષયોનું તેમજ શ્રાદ્ધનું નિરૂપણ કર્યું હશે. એવું વિદ્વાનોનું તારણ છે. કારણ કે એ વિષયોનાં એમને નામે અસંખ્ય ઉદાહરણો મહાભારતમાં ટાંકવામાં આવ્યાં છે. આમ છતાં આજે જે દેવલસ્મૃતિ નામનો ગ્રંથ મળે છે, તે આ દેવલે લખ્યો હોય એમ જણાતું નથી. વિદ્વાનો આ ગ્રંથને કોઈકે લખેલી ઘણા પાછળના સમયની રચના માને છે. ૯૦ શ્લોકોમાં લખાયેલી આ સ્મૃતિ શુદ્ધિ – શુચિતાનો વિષય ચર્ચે છે.

પહેલાં એક ગોભિલ ગુહ્યસૂત્ર નામનો સામવદીય સૂત્રગ્રંથ મળતો હતો પણ હાલમાં ગોભિલ સ્મૃતિ પણ ઉપલબ્ધ થઈ છે. એનાં ૩ પ્રકરણોમાં ૪૯૧ શ્લોકો છે. યજ્ઞોપવીત, ઉપાકર્મ અને શ્રાદ્ધના વિષયો આમાં સમાવાયા છે.

નારદ, બૃહસ્પતિ અને કાત્યાયન પ્રાચીન હિન્દુ કાનૂનના પ્રમાણભૂત વિદ્વાનો છે. કાત્યાયન સ્મૃતિ ૯૭૩ શ્લોકોમાં અને એની સાથે પરિશિષ્ટના ૧૨૧ જોડેલા શ્લોકોમાં ઉપલબ્ધ છે. એમાં આચાર અને પ્રાયશ્ચિત્ત વિભાગ છે, પણ વ્યવહાર વિભાગ હજી શોધવો બાકી છે. આ કાત્યાયન ઈ.સ.ની ૪ થી ૬ સદી દરમિયાન જીવિત હશે એમ મનાય છે.

કાત્યાયનને નામે ચડેલો એક બીજો ગ્રંથ ૩ વિભાગવાળો અને ૨૯ અધ્યાયવાળો પણ મળે છે. એમાં ૫૦૦ શ્લોક છે. એમાં યજ્ઞોપવીત ધારણવિધિ અને ગણેશ તેમજ અન્ય દેવીઓની પૂજાવિધિ, કેટલાક વૈદિક યજ્ઞોની માહિતીઓ, વૈદિક મંત્રોનું ગાન અને અશૌચ – આટલા વિષયો સમાવાયા છે.

ધર્મશાસ્ત્રના અત્યાર સુધીમાં ઉપલબ્ધ પદ્ય ગ્રંથોમાં જો કોઈ પ્રાચીન અને પ્રમાણભૂત ગ્રંથ હોય તો તે મનુસ્મૃતિ છે. એમાં ૧૨ અધ્યાયો અને ૨૬૮૪ શ્લોકો છે. એમાં ધર્મશાસ્ત્રનાં ત્રણેય પાસાઓ છે.

એ ધર્મશાસ્ત્રનો એક વિશિષ્ટ ગ્રંથ છે. એના ૧ થી ૭ અધ્યાયોમાં આચાર, ૮ થી ૧૦ અધ્યાયોમાં વ્યવહાર અને ૧૧ – ૧૨ અધ્યાયોમાં પ્રાયશ્ચિત્ત વિષય વર્ણવેલ છે. એના વિષયોમાં વિશ્વસૃષ્ટિ, ચાર આશ્રમો, સોળ સંસ્કારો, શ્રાદ્ધ, ચતુર્વર્ણ, વિરોધો અને તેનાં સમાધાનો, આપદ્‌ ધર્મ, જીવલેણ પાપો અને એની સજાઓ, સારાં – નરસાં કર્મો અને આત્માનું સ્વરૂપ વગેરે સમાવવામાં આવેલ છે. અત્યારે મળતા આ ગ્રંથનો રચનાકાળ ઈ.પૂ. ૩૦૦નો અંકાય છે, જો કે એનાં ઘણાં સંસ્કરણો થયાં છે. એમ મનાયું છે.

એક નારદસ્મૃતિની છાપેલી પ્રત ઉપલબ્ધ છે. તેમાં ૨૧ અધ્યાયો અને ૧૦૨૮ શ્લોકો છે. એ લગભગ ઈ.સ. ૧૦૦ થી ૫૦૦ના ગાળામાં લખાયેલી મનાય છે. એ મનુસ્મૃતિને જ અનુસરે છે. કેટલાક નિબંધ ગ્રંથોમાં એના ઉતારા મળે છે. એના વિષયો પણ અન્ય ધર્મશાસ્ત્રમાં બતાવેલા વિષયો જેવા જ છે. કેટલીક બાબતોમાં એ મનુથી અલગ વિચાર ધરાવે છે અને ધર્મશાસ્ત્રના કેટલાક મુખ્ય વિષયોના એણે પેટા વિભાગ પાડયા છે.

એણે કરેલ નપુંસકોનું વર્ગીકરણ, પુન:વિવાહ કરનાર સ્ત્રીઓનું વર્ગીકરણ તથા કેટલાક રાજકીય તથા કાનૂની અધિકારોની બાબતમાં જુદો મત વગેરે ઉલ્લેખનીય બાબતો છે.

પરાશર મુનિ તો પુરાણા છે. પણ એમને નામે ચડેલી અને અત્યારે મળતી પરાશર સ્મૃતિના તો કેટલાંય પરિવર્તનો થઈ ગયેલાં લાગે છે. આ સ્મૃતિ કળિયુગની આદર્શ માર્ગદર્શિકા ગણાય છે. ૧૨ અધ્યાયો અને ૫૯૨ શ્લોકોમાં એમાં કેવળ આચાર અને પ્રાયશ્ચિત્તનાં બે જ પાસાં જ ચર્ચ્યાં છે. ચાર યુગો, છ નિત્યકર્મો, વેદાધ્યયન, ગૃહસ્થધર્મ, ચાર વર્ણો અને એના ધર્મો, અમુક સંજોગોમાં વિધવા પુનર્વિવાહ, વિવિધ ઉપયોગી વસ્તુઓનું શુદ્ધીકરણ, અને વિવિધ પાપોનાં પ્રાયશ્ચિત્તો પણ એમાં વર્ણવેલ છે.

પરાશરને નામે બીજા બે ગ્રંથો પણ મળે છે – (૧) બૃહત્પરાશર, (૨) વૃદ્ધપરાશર. પણ દેખીતી રીતે જ એ ઘણી પાછળની રચનાઓ છે.

એક સંવર્તસ્મૃતિ પણ છે. આજે મળતી મુદ્રિત પ્રતમાં એમાં ૨૩૦ શ્લોકો છે. એમાં બહુ જૂની વાત સંગ્રહાઈ છે. એટલે એમ લાગે છે કે આજે મળતી આ સ્મૃતિ કોઈક પુરાણી મૂળ સ્મૃતિનું સંક્ષેપીકરણ હોવી જોઈએ. એમાં સંવર્ત મુનિએ વામદેવને અને અન્યોને આપેલો ઉપદેશ છે. એમાં બ્રહ્મચારીઓના આચાર નિયમો વર્ણવ્યા છે અને બ્રહ્મચારીઓના તેમજ અન્યોના નિયમ સ્ખલનનાં પ્રાયશ્ચિત્તો પણ બતાવ્યાં છે. તદુપરાંત ગૃહસ્થો, વાનપ્રસ્થો અને યતિઓના ધર્મો પણ બતાવ્યા છે. પછીના કેટલાક લેખકોએ વ્યાવહારિક વિષયોની ચર્ચા કરતી વખતે આ સંવર્તકના વિચારોનો હવાલો આપ્યો છે.

વ્યાસના નામે ચડેલી એક વ્યાસસ્મૃતિ પણ મળે છે. એમાં ચાર અધ્યાયો અને ૨૫૦ શ્લોકો છે. વિદ્વાનો અને ઈ.સ. ૨૫૦ થી ૫૦૦ના ગાળામાં રચાયેલી માને છે. એમાં સમાવેલા વિષયો આ છે : શ્રુતિપ્રામાણ્ય, સ્મૃતિપ્રામાણ્ય, પુરાણોનું પ્રામાણ્ય, સોળ સંસ્કારો, મિશ્ર જ્ઞાતિઓ, બ્રહ્મચારીનાં કર્તવ્યો, વિવાહ, નિત્ય – નૈમિત્તિક – કામ્ય કર્મો, ગૃહસ્થધર્મ પ્રશંસા અને બીજા કેટલાક આનુષંગિક વિષયો.

યાજ્ઞવલ્કય ઋષિ તો ખૂબ આદરણીય વિદ્વાન ગણાય છે. પ્રાચીન ભારતના તેઓ અગ્રેસર બ્રહ્મજ્ઞાની હતા. શુકલ યજુર્વેદના તેઓ જ દ્રષ્ટા હતા. એમના નામની સ્મૃતિના ત્રણ કાંડો અને ૧૦૧૦ શ્લોકો છે. એ ત્રણેય કાંડોમાં ધર્મશાસ્ત્રનો ત્રણેય પાસાં – આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત્ત – આવરી લેવાયાં છે. આ આખીય સ્મૃતિ સુસંકલિત અને પ્રશિષ્ટ અનુષ્ટુપ છન્દમાં લખાયેલી છે. આ સ્મૃતિમાં આ વિષયો નિરૂપ્યા છે : સંસ્કારો, વિવાહો, વર્ણ, જાતિ, દાન, શ્રાદ્ધ, નાગરિક સંઘર્ષ અને એના ઉકેલો, અપરાધો અને સજાઓ, અશૌચ, પ્રાયશ્ચિત્ત અને અન્ય પરચુરણ વિષયો. એવું લાગે છે કે મૂળ ગ્રંથના સમયાંતરે ઘણાં સંસ્કરણો થયાં હશે. ઈ.પૂ. ૧૦૦ થી માંડીને ઈ.સ. ૩૦૦ સુધીમાં એની રચના થઈ હોવાનું વિદ્વાનોનું માનવું છે.

પ્રાચીનકાળમાં એક યમ નામના મોટા ઋષિ થઈ ગયા હશે. કારણ કે એમના વિચારો વશિષ્ઠ ધર્મસૂત્રોમાં પણ ટાંકવામાં આવ્યા છે. એમને નામે અત્યારે મળતી યમસ્મૃતિમાં પ્રાયશ્ચિત્ત અને શુદ્ધિ વિષયક માત્ર ૭૮ શ્લોકો મળે છે. આમાં આ વાત રસપ્રદ છે કે આમાં ઝાડ, છોડ, લતા, રોપા અને પુષ્પિત વનસ્પતિ કાપનારને સજા ફરમાવાઈ છે!

આમ પૂર્વોક્ત નવ સૂત્રગ્રંથોની સાથે આ પંદર સ્મૃતિગ્રંથોએ પણ ધર્મશાસ્ત્ર સાહિત્યની વૃદ્ધિ કરી છે. આવા જ આઠેક નિબંધગ્રંથો પણ છે. એનોય જરાક પરિચય કરીએ :-

‘ચતુર્વર્ગ ચિન્તામણિ’ એવો પ્રથમ ધર્મશાસ્ત્રીય નિબંધગ્રંથ છે. પ્રાચીન ધાર્મિક વિધિવિધાનો અને વ્રતોનો આ વિશ્વકોશ હેમાદ્રિનો લખેલો છે. ઈ.સ. ૧૨૬૦ થી ૧૨૭૦ના સમયગાળામાં એ લખાયો છે. ચાર દળદાર ગ્રંથોમાં ૬૦૦૦ શ્લોકોમાં એ રચાયેલો મળે છે (છાપેલાનું કદ એવડું છે). હજુ એ ગ્રંથ પૂરેપૂરો તો શોધાયો નથી. ચાર પુરુષાર્થોનું પ્રતિપાદન એનો મુખ્ય ભાગ રોકે છે. બાકીના ભાગમાં વ્રતો, દાન, શ્રાદ્ધ, કાલ, મુહૂર્તો વગેરેનું વિશદ પ્રતિપાદન કરવામાં આવ્યું છે.

‘કલ્પતરુ’ નામનો એક બીજો ધર્મશાસ્ત્રીય નિબન્ધગ્રંથ છે એને ‘ક્રિયાકલ્પતરુ’ પણ કહે છે. લક્ષ્મીધર એના પ્રણેતા છે. ચૌદ કાંડનો દળદાર ગ્રંથ ઈ. ૧૧૧૪-૧૧૫૪માં રચાયો. એના કર્તા લક્ષ્મીધર કન્નોજનરેશ ગોવિંદચંદ્રના પ્રધાનમંડળના સભ્ય હતા. ઉત્તર પ્રદેશમાં ૫૦૦ વરસો સુધી આ ગ્રંથનો ખૂબ ભારે પ્રભાવ રહ્યો હતો. ચૌદ કાંડોના આ ગ્રંથમાં બ્રહ્મચારીના અને ગ્રહસ્થોનાં ધર્મો, આહ્‌નિક, શ્રાદ્ધ, વ્રતો, પૂજાઓ, યાત્રાઓ, પ્રાયશ્ચિતો, શુદ્ધીકરણ, રાજધર્મ, કાનૂન, સંચાલન, શાંતિ અને મોક્ષ – એટલા વિષયો ચર્ચ્યા છે.

Total Views: 24

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.