જીવનની બધી સમસ્યાઓનું કોઈ સ્થાયી અને પૂરેપૂરું સમાધાન છે ખરું? વિશ્વના બધા મહાન ધર્મગ્રંથો અને તત્ત્વજ્ઞાની ઋષિઓએ એવી ઉદ્‌ઘોષણા કરી છે કે જીવનની સમસ્યાઓનું એકમાત્ર આધ્યાત્મિક સમાધાન છે. મહાપુરુષો અને શાસ્ત્રોનાં વચનામૃતોમાં શ્રદ્ધા, આધ્યાત્મિક જીવનની આધારશીલા છે. આપણાં પવિત્ર ધર્મશાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે શ્રદ્ધા કે દિવ્ય વિશ્વાસસંપન્ન વ્યક્તિ પરમ જ્ઞાન પ્રાપ્ત કરે છે.  શ્રદ્ધા આપણને નૈતિક અને આધ્યાત્મિક સદ્‌ગુણો ધારણ કરવા માટે પ્રેરે છે. એ મનુષ્યને નિમ્નતર સુખ અને પાશવિક પ્રવૃત્તિઓને છોડવા પ્રેરણા આપે છે. એને લીધે મનુષ્ય પોતાના દૈનંદિન જીવનમાં પોતાની ભીતર રહેલી દિવ્યતાને અભિવ્યક્ત કરી શકે છે. આવો મનુષ્ય નૈતિક અને આધ્યાત્મિક જીવનના નિયમોનું પ્રામાણિકતા અને નિષ્ઠાથી પાલન કરે છે; સાથે ને સાથે પૂજા-પ્રાર્થના, આત્મવિશ્લેષણ તથા ધ્યાન વગેરેના માધ્યમથી બધાં દુ:ખો અને બધી પરેશાનીઓથી મુક્ત બની જાય છે.

આર્થિક સમસ્યાઓ

કેટલાક લોકો એમ કહેતા રહેતા હોય છે: ‘ધનનો અભાવ ન હોત તો હું અદ્‌ભુત કાર્ય કરી બતાવત.’ અમેરિકામાં એક પત્રકારે હજારો લોકોના જીવનનું અધ્યયન કર્યા પછી એવો નિષ્કર્ષ તારવ્યો કે લગભગ ૭૦% ચિંતાઓ આર્થિક સમસ્યાઓને કારણે ઉદ્‌ભવે છે. ભારત જેવા ગરીબ દેશમાં આ સમસ્યાએ ગંભીર રૂપ ધારણ કર્યું છે. આપણા લોકો સતત આર્થિક સંકટમાં ઘેરાયેલ રહે છે, તેથી જીવનની સમસ્યાઓનો ઉકેલ શોધવામાં તેઓ હિંમત હારી જાય છે. આત્મસંશય, ઉત્સાહનો અભાવ અને શારીરિક થાક આપણા મનને રુંધી નાખે છે. કંટાળો, આળસ અને ચિંતા આપણને સતત સતાવે છે. સંપત્તિની પૂજા કરનારા કોઈ પણ સમાજમાં ગરીબી એક મોટો અભિશાપ બની જાય છે.

આવી મોટી આર્થિક સમસ્યાઓનું કોઈ સમાધાન ખરું? શું આપણે નિરાશ થઈને હાથ પર હાથ રાખીને સમસ્યાઓ વિશે વિચારતા જ રહેવું પડશે?

આટલી વાત સાચી કે વાત વાતમાં આપણી આર્થિક સમસ્યાઓનો ઉકેલ કરનાર કોઈ જાદુઈ સૂત્ર આપણી પાસે નથી. આમ છતાં પણ આપણે પ્રામાણિકતા સાથે વિચાર અને કાર્ય કરીએ તો એને ઉકેલવાનું કઠિન નહિ હોય. સંભવત: આ સમસ્યાઓ મારા તમારા જેવા મોટા લોકો દ્વારા માનવ સંસાધનોના કુપ્રબંધને કારણે ઉદ્‌ભવી છે. આનો ઉકેલ શોધવાની જવાબદારી પણ મારા તમારા પર છે. પરિસ્થિતિનો સામનો કરવા આપણે બધાએ ઈમાનદારી પૂર્વક પ્રયાસ કરવા પડે.

હવે હું તમને મારા એક મિત્ર વિશે વાત કહેવા માગું છું: ત્રણ સભ્યોના નાનકડા પરિવારના ભરણપોષણ માટે તે પૂરતું ધન કમાતો હતો. તે સરકારી કર્મચારી છે. એને ઘર ચલાવવા વધુ ખર્ચ કરવો પડતો નથી. આમ છતાં પણ દર મહિનાના આરંભમાં તે કરજ લે છે. વળી પાછું બીજે મહિને પગાર મળે ત્યારે ગયા મહિનાના કરજને તે પૂરેપૂરું ચૂકવી શકતો નથી. જૂનું કરજ ચૂકવવા વળી પાછું તે કોઈ નવું કરજ લે છે. આ પ્રમાણે એના જીવનનું દુશ્ચક્ર ચાલતું રહે છે. એટલે ખોટું બોલવુંયે આવશ્યક બની જાય છે. મિત્રો ઉધાર ન આપે એટલે મિત્રતા પર એનો પ્રભાવ પડે છે.

ક્યારેક ક્યારેક તો એને માટે ઘરની બધી જરૂરતો પૂરી પાડવી મુશ્કેલ બની જાય છે. એમાં વળી ઘરમાં કોઈ બીમાર પડી જાય કે ઓચિંતાના મહેમાન આવી જાય તો પરિસ્થિતિ વધુ દુ:ખદાયી બની જાય. આમ જોઈએ તો આવી પરિસ્થિતિ માટે બધી ભૂલ એની પોતાની જ છે. આમ છતાં પણ તે બીજાઓને દોષ દેતો રહે છે અને સમાજને અભિશાપ આપતો કહે છે : ‘લોકોનો હેતુ અને એમનાં કાર્યો પૂરેપૂરાં સ્વાર્થભર્યાં છે!’

આ સજ્જન મિત્ર સારા અને ઉદાર છે પણ થોડા દુર્વ્યય કરનારા છે. તેઓ ઉચ્ચ જીવનસ્તર જીવવાનું ઇચ્છે છે. મિત્રતાને મહત્ત્વ આપે છે. સારા લોકોની સંગતિ શોધતા રહે છે. આમ છતાં પણ કરકસરથી બચત કરવામાં તેઓ માનતા નથી. કરજ કરીને ટેલિવિઝન, ફ્રિજ, વોશિંગમશીન વગેરે ખરીદી લે છે. અપેક્ષા કરતાં તેઓ સરળતાથી સુખસગવડતાવાળું જીવન વીતાવી શકે તેમ હતા. એની મોટામાં મોટી ખામી કે ભૂલ એટલી જ છે કે તેઓ વગર વિચાર્યે પોતાનું ધન ચીજવસ્તુઓ ખરીદવામાં વાપરી નાખે છે. આ ખર્ચ એમની ત્રેવડ બહારનો છે. એટલે જ એમને કરજે નાણાં લેવા પડે છે. કરજ અને નિર્ધનતાનાં દુશ્ચક્ર એમને સદૈવ પીડતાં રહે છે.

અર્થવ્યવસ્થા એક કઠોર શાસક છે. એ કોઈના પ્રત્યે દયા કે સહાનુભૂતિ દેખાડતી નથી. તમે ગમે તેટલા પ્રયાસ કરો પણ ધન ખર્ચ્યા વિના રહી શકતા નથી. આમ છતાં પણ જો તમે થોડું વિચારીને અને ભવિષ્યની આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને ચાલો તો તમે તમારું ધન ગમે તેમ ખર્ચી નહિ શકો. કહેવાનો અર્થ એ છે કે ભવિષ્યની આવશ્યકતાઓ પર થોડું ધ્યાન દેવાની વાત આપણને નિરર્થક ખર્ચમાંથી રોકે છે.

વાસ્તવિક સમસ્યા ધનના અભાવની નથી. મહાન અર્થ શાસ્ત્રીઓનું એ તારણ છે કે ધનનો બરાબર ઉપયોગ કરવો એ વાત ઘણી મહત્ત્વની છે. બીજા શબ્દોમાં કહીએ તો આપણે ધન વાપરવાની કળા શીખી લેવી જોઈએ. અનેક ધનવાન લોકો પોતાની આવકના પ્રમાણમાં ઘણો વધારે ખર્ચ કરી નાખે છે. પરિણામે આર્થિક સંકટને નોતરે છે. કેટલાક લોકો એવા પણ હોય છે કે પોતાની મર્યાદિત આવકનો પણ વિવેકપૂર્વક ખર્ચ કરે છે તથા સુખી, સંતુષ્ટ અને ઋણમુક્ત જીવન જીવે છે.

ઈંગ્લેન્ડમાં રહેતી વખતે ગાંધીજી દર મહિને ૪૫ પાઉન્ડનો ખર્ચ કરતા. પછીથી એમણે પોતાનો આ ખર્ચ કેવળ ૧૫ પાઉન્ડ સુધી મર્યાદિત બનાવી દીધો. બેંગલોરમાં પોતાના નિવાસ દરમિયાન મહાત્મા ગાંધીજીએ મહાદેવભાઈ દેસાઈને કહ્યું: ‘જુઓ, કપડાં ધોવડાવવામાં ઘણો ખર્ચ થાય છે.’ મહાદેવભાઈએ કહ્યું: ‘હું દરરોજ ચાર વાગે ઊઠીને અડધીરાત સુધી કામ કરું છું.’ ગાંધીજીએ કહ્યું: ‘તો પછી સવારે સાડા ત્રણવાગે ઊઠો અને પોતાનાં કપડાં ધોઈ નાખો.’

જ્યારે ગાંધીજી યરવદા જેલમાં હતા ત્યારે સરકાર તરફથી દર મહિને ૨૦૦ રૂપિયાનું ભથ્થું મળતું. તેઓ માત્ર ૩૫ રૂપિયા વાપરીને બાકીની રકમ સરકારમાં પાછી આપી દેતા. ગાંધીજીએ તપોમય જીવન વીતાવ્યું. આપણા બધા માટે ગાંધીજી જે રીતે કરકસર કરતા; બરાબર એવું કરવું સંભવ નથી. આમ છતાં પણ આપણે લોકો અમુક હદે તો પોતાનો ખર્ચ જરૂર ઘટાડી શકીએ. ગાંધીજીએ પોતાના જીવન દ્વારા આપણા સમક્ષ એક ઉદાહરણ મૂક્યું છે. થોડેઘણે અંશે પણ આપણે ગાંધીજીના આ આદર્શને અપનાવવાનો પ્રયાસ ન કરવો જોઈએ?

એકવાર એક અંગ્રેજે કહ્યું: ‘ધન કમાવું તો સૌ કોઈ જાણે છે, પરંતુ લાખોમાંથી કોઈ એક જ એનો સાચો વ્યય કરી જાણે છે.’ આ એક પરસ્પર વિરોધી કથન લાગે છે. આમ છતાં પણ એમાં એક ગહન સત્ય રહેલું છે. જો આપણે ઈમાનદારીથી પોતાના દૈનિક ખર્ચ પર વિચાર કરીએ તો આપણે કેટલો બિનજરૂરી ખર્ચ કરી નાખીએ છીએ, એ વાતનો ખ્યાલ આવે.

અમારો એક મિત્ર આમ કહ્યા કરતો : ‘રૂપિયા કેવી રીતે સિક્કામાં બદલાઈ જાય છે, એ તો મને સમજાય છે. આ સિક્કા ક્યાં અને કેવી રીતે અદૃશ્ય થઈ જાય છે, એની મને ખબર પડતી નથી.’ ઘણું ઘણું સમજાવીને મેં એને ઓછામાં ઓછું મહિનાભર માટે દૈનિક ખર્ચનો હિસાબકિતાબ રાખવા માટે રાજી કર્યો. તરત જ એને ખ્યાલ આવી ગયો કે વગર વિચાર્યે થતા નાના મોટા ખર્ચને લીધે જ એમની કમાણીના પૈસા ખતમ થઈ જાય છે. સામાન્યત: આપણે બધા ખર્ચને મહત્ત્વ વિનાનો અને નગણ્ય માનીને એની ઉપેક્ષા કરીએ છીએ. વસ્તુત: એ જ અજ્ઞાત રૂપે આપણા બજેટને અસંતુલિત કરી દે છે. નિત્ય ડાયરીમાં લખવું એ ઘણું લાભદાયી છે. એનાથી આપણી પોતાની આર્થિક સમસ્યાઓનું કારણ શોધવામાં મદદ મળશે. આવકના આધારે સામાન્ય બજેટ બનાવીને એના જ આધાર પર ખર્ચ કરવાની ટેવ પણ પાડી શકીએ. પ્રથમ તો જીવનની મૂળભૂત આવશ્યકતા પર ધ્યાન આપવું પડશે. રેડિયો કે ટેલિવિઝન ખરીદવા કરતાં બાથરૂમની તૂટેલી દીવાલની મરામત કરાવી લેવી એ વધારે જરૂરી છે.

વિલાસિતાનાં સાધનોને પ્રાથમિકતા આપી ન શકાય. આપણી ભાવનાત્મક જરૂરતોની પૂર્તિ માટે પણ ચીજવસ્તુઓ ખરીદવી ન જોઈએ. ખર્ચ કરતાં પહેલાં પોતાની જાતને ‘શું આ ચીજવસ્તુ આવશ્યક છે?’ એવું પૂછવામાં વધારે બુદ્ધિમાની છે, એમ કહેવાય. પરિવારને પણ પોતાની આવકની મર્યાદામાં જ જીવન ગુજારો કરવા કહેવું જોઈએ. કટોકટીની પળે પરિસ્થિતિને સંભાળવા આપણે બેંકમાં રાખેલી પોતાની બચતની મદદ પણ લઈ શકીએ. બીમારી, દુર્ઘટના જેવી અણધારી અને અનિવાર્ય ઘટનાઓ માટે પણ આપણી પાસે સુરક્ષા વ્યવસ્થા કે વીમો હોવો જરૂરી છે. લોટરી, જુગાર વગેરે ધન મેળવવા માટેના સરળ ઉપાય આપણને લાગે; પણ અંતે તો આપણને એ બધા બરબાદ કરી નાખે છે.

એક વિખ્યાત બેંકર અને અર્થશાસ્ત્રી એક વખત યુવાન વિદ્યાર્થીઓના સમૂહને આર્થિક સફળતાનું રહસ્ય સમજાવતા હતા : ક્યારેય તમારી પોતાની કમાઈથી વધારે ખર્ચ ન કરો. જો તમારા ઉપર દેવું હોય તો પહેલાં એ દેવું ચૂકવી દો. દેવાથી દૂર રહો. ઉધારમાં કંઈ ખરીદવું નહિ. કેટલાક વેપારીઓ પ્રલોભન આપતાં કહે છે ‘તમારી ઇચ્છા પડે એ ચીજવસ્તુઓ લઈ જાઓ, પૈસા પછી દેજો’ એવા લોકોની ચાલમાં ફસાવું નહિ. નિતાંત આવશ્યક ચીજવસ્તુઓ માટે જ ધનનો ખર્ચ કરવો અને એને લીધે ખર્ચ ઘટાડવાનો પ્રયત્ન કરવો. શું આ વસ્તુ વિના તમારું કામ ચાલી શકે ખરું કે એનાથી પણ વધારે સસ્તી વસ્તુથી તમે પોતાનું કામ ચલાવી શકો છો, આવો પૂર્વ વિચાર કોઈ પણ ખરીદી કરતાં પહેલાં કરી લેવો. બને તેટલી બચત કરો અને બુદ્ધિ વાપરીને બરાબર રીતે એનું રોકાણ કરવાની કળા જાણી લો.’

આ વાતોની તો બધાને ખબર છે, તો પછી એને બતાવવાની શી જરૂર છે? એમ તમે કહી શકો. પરંતુ કેવળ જાણી લેવું જ પૂરતું નથી. તમે તમારા પોતાના જીવનમાં આ બાબતનો ઠીક ઠીક પ્રમાણમાં અભ્યાસ કરવામાં સમર્થ બનીને તમે એને કાર્યરૂપમાં ફેરવી નાખવા કેટલા પ્રયાસો કર્યા છે, સૌથી વધારે મહત્ત્વની વાત એ છે. સારા અર્થપ્રબંધનના ઉપર વર્ણવેલ પાંચ મૂળભૂત સિદ્ધાંતોનો અભ્યાસ કરો. એક વર્ષ સુધી આ પાંચ સિદ્ધાંતો પર ચાલવાનો પ્રયત્ન કરવાથી તમને મારી વાતની ખરાઈ સમજવામાં આવી જશે. એને લીધે તમારી અર્થવ્યવસ્થા પણ ચોક્કસ સુધરશે.

બેકન કહે છે : ‘ધન એક સારો સેવક છે પણ સાથે ને સાથે ખરાબ માલિક પણ ખરો. ધનના સેવક બનવાને બદલે એને જ પોતાનો સેવક બનાવો.’

સફળતાનું રહસ્ય

પોતાના સહકર્મચારીઓની વચ્ચે ઘણા લોકપ્રિય એવા ભારતીય જીવન વિમા નિગમના એક વરિષ્ઠ અધિકારીને એકવાર મેં એમની સફળતાનું રહસ્ય પૂછ્યું. ચિંતા અને નિરાશા એમને સતાવતાં તો નથી ને, એ વાત હું જાણવા માગતો હતો. એકવાર હતાશાનો શિકાર બનીને કેવી રીતે તેઓ એક ભીષણ પરિસ્થિતિમાંથી સહીસલામત બહાર નીકળવામાં સફળ થયા, એ વાત એમણે કહી:

જો કે શરૂઆતમાં એક અધિકારી રૂપે મારી નિમણૂંક થવાને લીધે હું ખૂબ પ્રસન્ન હતો. પણ ધીમે ધીમે એક ભય અને ચિંતાએ મને ઘેરી લીધો હતો. ભિન્ન ભિન્ન સંગઠનોમાં લગભગ ૧૭ વર્ષ સુધી એક કર્મચારી રૂપે કાર્ય કરીને મેં અનુભવ પ્રાપ્ત કર્યો હતો. કર્મચારીઓનાં દોષ, કટુતા, અનુશાસનહીનતા અને એની અકડાઈથી હું પરિચિત હતો. મારા મનમાં શંકા હતી – શું હું એમને કાર્ય કરવામાં પ્રેરણા આપીને સુયોગ્ય રીતે મારી જવાબદારી નિભાવી શકીશ? પોતાની હેઠળ કામ કરતા કર્મચારીઓને શિસ્તબદ્ધ રાખવામાં મળેલ વિફલતાથી ઉદ્‌ભવતા સંભવિત માનસિક તણાવને લીધે હું ભયભીત થઈ ગયો.

 મને એવું લાગતું હતું કે ક્યારેક ને ક્યારેક મારી અધીન કર્મચારીઓ સાથે ખેંચતાણ અનિવાર્ય બની જશે. આવી પરિસ્થિતિનો કેવી રીતે પનારો પાડવો, એ મારો પ્રશ્ન હતો. હું એ પણ સમજતો હતો કે કેવળ મોટી મોટી વાતો કરવાથી, તર્ક, સામર્થ્ય કે વાદવિવાદની શક્તિથી કોઈ મદદ મળી ન શકે. હરીફને તર્કથી હરાવવામાં કોઈ લાભ નથી મળતો. જે લોકો તર્કમાં હારી જાય એ લોકો બદલાની ભાવના રાખીને વિજેતાને એક દિવસે તો ભોંય ભેગો કરવાના જ. માનવના વિજય પછી પણ આનંદ ઉલ્લાસનું પ્રદર્શન ન કરવાની તેમજ હારી જઈને પણ પરાજયનો ભાવ વ્યક્ત થવા ન દેવો એવી કળા શીખી લેવાની આવશ્યકતા છે. આ ઉપરાંત કર્મચારીઓના દુર્ભાવને જીતવા એક ભાવાત્મક ચિંતનશક્તિ પણ વિકસિત કરવી જોઈએ. મનોવૈજ્ઞાનિક યુદ્ધમાં સમર્થ બુદ્ધિમાન, ભણેલ-ગણેલ અને સુસંગઠિત કર્મચારી વૃંદ સાથે પ્રભાવક રીતે પનારો પાડવો એ કોઈ સહેલું કામ નથી. હું પહેલેથી જ એ જાણતો હતો કે અહીં ચાલબાજી ચાલવાની નથી. કોઈ પણ ચાલાકીનો આશરો લેવાથી તે લોકો તરત જ સમજી લેવાના અને એ ચાલાકીને પ્રભાવહીન કરવાના પ્રયાસમાં લાગી જાય છે.

લોકોના હૃદયપરિવર્તન સિવાય આ સમસ્યાનું સમાધાન શોધવાનો બીજો કોઈ પ્રભાવશાળી ઉપાય ન હતો. આ કાર્ય પૂર્ણ કરવું પણ સરળ ન હતું. અલબત્ત પોતાના જીવનમાં અત્યાર સુધી મળેલા અનુભવોને લીધે મારામાં આત્મવિશ્વાસ વિકસ્યો હતો અને એણે મને મક્કમમનનું સાહસ આપ્યું હતું. ભગવાનની કૃપાથી હું પોતાના કાર્યમાં સફળ થયો છું.

મારી સફળતાનું સર્વાધિક શ્રેય મેં રાખેલી ધીરજને જાય છે. કોઈ પણ કચેરીમાં ઊભી થતી સમસ્યાઓનો ઉકેલ શોધવામાં ધૈર્ય જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અનેક સમસ્યાઓ માનસિક તાણ અને વિક્ષોભની અભિવ્યક્તિ બને છે. સંચિત ભાવનાઓની અભિવ્યક્તિને સુયોગ્ય અવસર મળે તો એ એની મેળે બહાર આવે છે. કોઈ ઉત્તેજિત વ્યક્તિએ ઉચ્ચારેલ શબ્દ, વાક્ય કે અભિવ્યક્તિને અક્ષરશ: માની ન લેવું. નિરાશા કે ઉત્તેજનાની અભિવ્યક્તિના પ્રત્યુત્તરમાં ક્રોધભરી પ્રતિક્રિયા કરવાથી સમસ્યા વણસે છે. ક્યારેક તો વધારેમાં વધારે જટિલ પણ બની જાય છે. આવા પ્રસંગોમાં ધૈર્ય જાળવી રાખવું આવશ્યક છે. મેં ક્યાંક આવું વાંચ્યું હતું: ‘અનેક રોગીઓને એની બીમારીમાંથી મુક્ત કરવા કોઈ ચિકિત્સક નહિ, પણ એક શ્રોતાની આવશ્યકતા રહે છે.’

પોતાના મનનો ભાર હળવો કરીને અને હૃદયનાં દુ:ખદર્દ બીજાની સાથે વહેંચીને આપણે નિરાંત અનુભવીએ છીએ. માનસિક દુ:ખદર્દ વિશે તો આ વિશેષ રૂપે સાચું ગણાય. અનેક કર્મચારીઓવાળા કોઈ કાર્યાલયમાં મુખ્ય સમસ્યા માનવીય સંબંધોની છે. કોઈ કર્મચારી દ્વારા ઉગ્ર કે ક્રોધપૂર્ણ આચરણ થઈ જાય તો એક મોટી સમસ્યા ઊભી થાય છે. તર્કવિતર્ક કરીને એ સમસ્યાનું કારણ શોધવું એ પણ નિરર્થક છે. હિંસાભાવને પ્રભાવહીન બનાવી દેવાની જ આવશ્યકતા છે. કર્મચારીના મનના ભાવની અભિવ્યક્તિને સૌ પ્રથમ તો ધીરજ અને સહાનુભૂતિપૂર્વક સાંભળી લેવી એ સર્વોત્તમ ઉપાય છે. પોતાની ભાવનાઓ પ્રગટ કર્યા પછી જ એ વ્યક્તિનો આક્રોશ ઘટી જાય છે. પછીના દિવસે કદાચ એને પોતાની સમસ્યા યાદ પણ ન હોય. આ રીતે ધૈર્ય દ્વારા અનેક સમસ્યાઓનું સમાધાન શોધી શકાય. ધૈર્યપૂર્વક વાત સાંભળવાથી પીડિત વ્યક્તિનો અહંકાર શાંત થઈ જાય છે. એનું સ્વાભિમાન વધી જાય છે અને ચોક્કસપણે એની પ્રતિક્રિયાની તીવ્રતા પણ ઘટી જાય છે. ત્યાર પછી ધૈર્યને લીધે એક બીજો લાભ પણ થાય છે અને તે એ છે કે વિરોધીના મનમાં વિજયનો ભાવ આવી જાય છે. આ વિરોધીને પણ જ્યારે ખ્યાલ આવે કે એના વિચારોનો સાવ અસ્વીકાર નહિ કરાય, એને ટાળી ન શકાય તો એને લીધે એના અહંભાવને ઠીક ઠીક પ્રમાણમાં પરિતોષ મળે છે, એની ઉત્તેજના ઘણી ઓછી થઈ જાય છે.

Total Views: 30

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.