આધ્યાત્મિક જીવનમાં પ્રશિક્ષણની આવશ્યકતા

ચીનના મહાન દાર્શનિક લાઓત્સેના એક શિષ્યે આ વાર્તા કહી હતી : ‘એક યુવક ‘ચી’ નામના લૂંટારાના સરદારના ટોળામાં સામેલ થયો. એક દિવસે નવશિખાઉ એ ટોળાના સરદારને પૂછ્યું: ‘શું તાઓ (સત્યપથ) ચોરીમાં પણ મેળવી શકાય?’ ‘ચી’એ ઉત્તરમાં કહ્યું: ‘ભાઈ, મને એવી વસ્તુ વિષય બતાવ કે જેમાં ‘તાઓ’ અર્થાત્‌ ‘સત્યપથ’ કે નિયમ ન હોય. ચોરી લૂંટનાં ઠામ-ઠેકાણાં મેળવવાની બુદ્ધિ, સૌથી આગળ જઈ શકવાનું સાહસ, અંતે ત્યાંથી બહાર નીકળવાની વીરતા, સફળતાની સંભાવના, મૂલ્યાંકનની અંતર્દૃષ્ટિ, તેમજ ચોરેલી ચીજવસ્તુની નીતિસંગત વહેંચણી માટે ન્યાયની આવશ્યકતા રહે છે. આ પાંચ ગુણ વિના કોઈ પણ વ્યક્તિ સફળ ચોર ન બની શકે.’

જીવનના પ્રત્યેક કાર્યમાં અરે ચોરીના ધંધાને પણ કેટલાક સિદ્ધાંતો હોય છે. એ શીખવા જ રહ્યા. દરેક ધંધા-વ્યવસાયમાં પ્રશિક્ષાર્થી માટે પ્રશિક્ષણની આવશ્યકતા છે. આધ્યાત્મિક જીવન માટે આ વાત અધિક સત્ય છે. લાઓત્સેના શિષ્ય વધુમાં કહે છે : ‘વિદ્વાનોએ પ્રસ્થાપિત કરેલ સિદ્ધાંતો ડાકુ અને સજ્જન બંને માટે અપરિહાર્ય છે. વળી સજ્જનો ઓછા છે અને દુર્જનો વધુ, એટલે સંતો દ્વારા જગતનું કલ્યાણ ઓછું થાય છે; જ્યારે બીજા લોકો જગતનું અલ્યાણ વધુ માત્રામાં કરે છે. પશ્ચિમના દેશોમાં સંહારાત્મક પ્રવૃત્તિઓમાં પાછળ થતા શક્તિવ્યયને જોઈને હું દંગ રહી જતો. કેટકેટલા સૈનિકો, વિમાનચાલકો, યાંત્રિકો અને વૈજ્ઞાનિકોને યુદ્ધ માટે પ્રશિક્ષણ આપવામાં આવે છે. આ સમયશક્તિના વ્યયનો એકાદ અંશ પણ આત્માના પ્રશિક્ષણ માટે, પરમાત્મ જ્ઞાન માટે, આનંદ અને શાંતિપ્રાપ્તિ માટે સમર્થ બનાવવા કેમ કામે લગાડાતો નથી?

ઉપનિષદના મહાન ઋષિઓએ આપણી સામે આત્મસાક્ષાત્કારને જીવનના લક્ષ્ય રૂપે મૂક્યો છે. પરંતુ આધ્યાત્મિક જાગરણ વિના આ લક્ષ્ય સાધી ન શકાય. વળી ધર્મજગતમાં ક્રિયાકાંડ-અનુષ્ઠાન અને કર્મકાંડ વધુ પ્રમાણમાં અને વાસ્તવિક આધ્યાત્મિક જાગરણ બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. એટલે જ આત્મસાક્ષાત્કાર રૂપ વાસ્તવિક ધર્મમાં લોકોને શ્રદ્ધા-વિશ્વાસ નથી. વધારામાં ધર્મદંભીની સંખ્યા વધી ગઈ છે, એ બધા યૌગિક સિદ્ધિઓના દાવા કરે છે અને સહજમાં સ્વર્ગ દેખાડવાનું સ્વપ્ન બતાવે છે. સાથે ને સાથે નૈતિક શુદ્ધિ માટે પ્રયત્ન કરવામાં પ્રમાદી અનિચ્છુક પરાશ્રયી લોકો સરળતાથી મોક્ષ પ્રાપ્તિ ઇચ્છે છે.

પરમલક્ષ્ય કરનારા કે ઓછામાં ઓછું એની નિકટ પહોંચનાર મોક્ષપ્રાપ્તિનો માર્ગ બતાવી શકે. આધ્યાત્મિક જીવનમાં સમ્યક્‌ માર્ગદર્શન વિશે કઠ ઉપનિષદ (૧.૨.૭-૮)માં કહ્યું છે :

श्रवणायापि बहुभिर्यो न लभ्यः श्रृण्वन्तोऽपि बहवो यं न विदुः।
आश्चर्यो वक्ता कुशलोऽस्य लब्धाऽऽश्चर्यो ज्ञाता कुशलानिशष्ट॥

‘ઘણા લોકો આત્મતત્ત્વ વિશે સાંભળતા નથી. કેટલાક તો સાંભળીને સમજી શકતા નથી. આત્મતત્ત્વના વક્તા આશ્ચર્યજનક હોય છે, એને જાણનારો પણ આશ્ચર્યજનક હોય છે. કુશળ આચાર્ય દ્વારા અનુશિષ્ટ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરનાર ધન્ય છે.’

न नरेणावरेण प्रोक्त एष सुविज्ञेयो बहुधा चिन्त्यमानः।
अनन्यप्रोक्ते गतिस्त्र नास्ति-अभीयान् ह्यतर्क्यम् अणुप्रमाणात्‌॥

આત્મતત્ત્વનું જ્ઞાન કોઈ બીજી (નિમ્નકક્ષાની) વ્યક્તિના કહેવાથી પૂર્ણતયા પ્રાપ્ત થતું નથી; કારણ કે એ વિશે વિભિન્ન ધારણાઓ છે. આત્મા તો અણુથી પણ અણુતર (સૂક્ષ્મ) છે અને અતાર્કિક છે. અનુભૂતિ સંપન્ન આચાર્યના કહેવાથી વ્યક્તિ લક્ષ્ય પ્રાપ્તિ કરી શકે છે અને પુન: જન્મ પામતો નથી.

 મુમુક્ષુએ કર્મ દ્વારા પ્રાપ્ત સ્વર્ગાદિ લોકનાં સુખોની કસોટી કરવી જોઈએ. ત્યારબાદ એ બધાંથી વિરક્ત બનીને ચિરંતન આત્માનું જ્ઞાન મેળવવા વિનમ્રતાપૂર્વક શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ સમીપ જવું જોઈએ. આવા પ્રશાંત ચિત્ત, શમયુક્ત, વિનયાવનત શિષ્યને વિદ્વાન આચાર્ય તત્ત્વવેત્તા બ્રહ્મવિદ્યા આપે છે. એ વિદ્યાથી અક્ષરબ્રહ્મને સમ્યક્‌ રૂપે જાણી શકાય છે.

ગુરુનું કાર્ય

આત્મ સાક્ષાત્કારનો અર્થ શું છે? એનો અર્થ છે, જીવ અને આત્માનું મિલન. જીવનમાં ભિન્ન ભિન્ન અનુભવો અને દુ:ખોમાંથી પસાર થતાં થતાં જીવ પરમાત્માની નિકટ પહોંચે છે. અંતે એમની સાથે એકત્વ અનુભવે છે. આ પ્રક્રિયાનું મુંડક ઉપનિષદ (૩.૧.૧,૨)માં મનોહર વર્ણન આવે છે :

 द्वा सुपर्णा सयुजा सखाया समानं वृक्षं परिषस्वजाते।
तयोरन्य: पिप्पलं स्वाद्वत्त्य-नश्नन्नन्यो अभिचाकशीति॥
समाने वृक्षे पुरुषों निमग्नोऽ-नीशया शोचति मुह्यमानः।
जुष्टं यदा पश्यत्यन्यमीश-मस्यमहिमानमिति वीतशोक:॥

સુવર્ણ પાંખોવાળાં તથા નિત્ય સાથી એવાં બે પક્ષી વૃક્ષની ડાળીઓમાં રહે છે. એમાંનું એક વૃક્ષનાં કટુ અને સુસ્વાદુ ફળ ખાય છે, બીજું ખાધા વિના શાંતભાવે જોયે રાખે છે. આત્મ સ્વરૂપને ભૂલીને મોહગ્રસ્ત જીવ સાંસારિક જીવનમાં લિપ્ત રહીને દુ:ખ ભોગવે છે. પરંતુ એ જ્યારે ઉપાસ્ય ઈશ્વરને પોતાના આત્મા રૂપે જાણે છે અને એના મહિમાને જુએ છે ત્યારે તે શોક રહિત બની જાય છે.

આપણે આપણા દિવ્ય સ્વરૂપને ભૂલી ગયા છીએ. એટલે જ ભગવાનની નિકટ જવાને બદલે આપણે સંસારમાં વધારે ને વધારે ફસાતા જઈએ છીએ. કોઈકે આપણને પોતાના વાસ્તવિક રૂપનું ભાન કરાવવું જોઈએ. ગુરુ આ કાર્ય કરે છે. ગુરુ શિષ્યને અનાદિ અજ્ઞાન નિદ્રામાંથી જગાડીને પરમાત્માનો પથ દેખાડે છે. ઈસાઈ પાદરીની જેમ ગુરુ ભગવાન અને માનવની વચ્ચે ઊભો રહેતો નથી. ગુરુનો વ્યુત્પતિપક અર્થ છે:

गुकारोऽन्धकारस्तु रुकारस्तन्निवर्तकः।
अन्धकारनिवर्त्या तु गुरुरित्यभिधीयते ॥

‘અજ્ઞાનનો નાશ કરીને જ્ઞાનલોકનું પ્રદાન કરનાર આધ્યાત્મિક પથપ્રદર્શક.’

તે આપણા પોતાના વિશેની પોષિત વિપરીત માન્યતાને દૂર કરે છે અને મોહનિદ્રાનો ભંગ કરવામાં સહાયક બને છે. શ્રીરામકૃષ્ણ પોતાને ઘેટું સમજનાર વાઘની વાર્તા વારંવાર કહેતા :

એક વાર એક વાઘણે ઘેટાંના ટોળા પર હલ્લો કર્યો. એ સગર્ભા હતી એટલે, એણે કૂદકો માર્યો તેવો જ એણે બચ્ચાને જન્મ આપ્યો અને પછી એ મરી ગઈ. પણ એ બચ્ચું જીવતું રહ્યું અને ઘેટાના ટોળામાં જ એ મોટું થયું. ઘેટાં ઘાસ ચરતાં અને આ બચ્ચું પણ એમની સાથે ઘાસ ચરતું. ઘેટાં બેં બેં કરતાં અને એ પણ બેં બેં કરવા લાગ્યું. સમય જતાં એ પુખ્ત વયનો વાઘ બની ગયું. અચાનક, એક દિવસે બીજા એક વાઘે એ ટોળા પર હલ્લો કર્યો. પણ ઘેટાના એ ટોળામાં એક ઘેટા-વાઘ જોઈ એ આશ્ચર્ય પામ્યો. પછી એની જ પાછળ પડી, પેલા વાઘે એને ગરદનથી પકડ્યું. એ પણ ઘેંટાની જેમ ડરી જઈ એ બેં બેં કરવા લાગ્યું. પણ પેલો મોટો વાઘ તેને એક તળાવ પાસે લઈ ગયો અને પાણીમાં પોતાનાં બંનેનાં પ્રતિબિંબ બતાવી બોલ્યો, ‘જો, તારું રૂપ મારા જેવું જ છે. તું પણ મારી માફક વાઘ જ છો. હવે આ થોડું માંસ ખા.’ એટલું બોલી, એણે માંસનો ટુકડો પેલાના મોઢામાં ખોસી દીધો. પણ પહેલાં તો એ ઘેટું-વાઘ ખાવાને તૈયાર જ ન થયો. બેં બેં કરીને કહે, ‘હું તો ઘેટું છું.’ જેવો એણે લોહીનો સ્વાદ થોડો ચાખ્યો કે તરત જ એની સુષુપ્ત વૃત્તિ જાગી ઊઠી અને એ માંસ ખાવા લાગ્યું. પછી મોટો વાઘ બોલ્યો, ‘તું મારા જેવો જ છે એ હવે તને સમજાયું ને?’ તો હવે મારી સાથે જંગલમાં ચાલ.’ એ જ રીતે, ગુરુકૃપા થાય તો, પછી કશો ભય નથી. ગુરુ તમારી આંખો ખોલશે અને તમે કોણ છો તથા તમારું સત્ય શું છે તે તમને કહેશે.

સ્વામી બ્રહ્માનંદજી ગુરુની તુલના રાજાના મંત્રી સાથે કરતા. એક ગરીબ માણસે મંત્રીને સાત દરવાજાવાળા મહેલમાં રહેનાર રાજાને મળવા દેવા વિનંતી કરી. મંત્રીએ એની વિનંતી માની અને એક પછી એક દરવાજેથી એને લઈ જઈ રહ્યો હતો. દરેક દરવાજે એક એક સુસજ્જ અધિકારીને ઊભેલા જોઈને દર વખતે પેલો ગરીબ માણસ મંત્રીને પૂછતો, ‘શું આ રાજા છે?’ સાતમો દરવાજો વટાવીને રાજસી વૈભવમાં પ્રતિષ્ઠિત રાજા પાસે પહોંચતાં પહેલાં દર વખતે ‘નહીં’ એમ મંત્રી કહેતો. સાતમા દરવાજા પછી રાજાને જોઈને ગરીબે કંઈ પૂછ્યું નહિ. પૂછવાની જરૂર પણ રહી નહીં, જોઈને સમજી ગયો કે આ જ રાજા. આમ, મહેલના દરવાજા અને ગલીઓમાંથી લઈ જવા માટે માર્ગદર્શકની આવશ્યકતા હતી. સ્વામી બ્રહ્માનંદજી કહે છે, ગુરુ પણ આવા જ હોય છે. રાજાના મંત્રીની જેમ તે શિષ્યને આધ્યાત્મિકતાની વિભિન્ન અવસ્થામાં લઈ જાય અને અંતે પરમાત્માની નિકટ પહોંચાડી દે છે.

માનવ વ્યક્તિત્વમાં એક પછી એક અંદરનાં ભવનો અને પરસાળવાળો મોટો રાજમહેલ છે. પરમાત્મા ગુરુને રૂપે આપણી નિકટ આવે છે. આપણને અનુભૂતિ કરવામાં સહાય કરે છે અને કહે છે કે આપણે સ્થૂળ દેહ, મન, ભાવનાઓ, વિચાર અને મનોભાવ નથી; પરંતુ નિત્ય આત્મા છીએ. અજ્ઞાત પ્રદેશમાં મુસાફરી કરતી વખતે માર્ગના જાણનાર ભોમિયાનું હોવું આવશ્યક છે. તેઓ આપણને ગંતવ્ય સ્થાન સુધી લઈને ત્યાં આપણને છોડી દે છે.

ગુરુની આવશ્યકતા

ભારતમાં આપણે આધ્યાત્મિક જીવન માટે ગુરુની આવશ્યકતા રહે છે, એમ માનીએ છીએ. હું જ્યારે પહેલીવાર યુરોપ ગયો ત્યારે કેટલાક ધાર્મિક સમુહોને એવું બોલતા સાંભળીને આશ્ચર્ય થયું કે તેઓ કોઈ પણ જાતના વિશેષ પ્રશિક્ષણ વગર ભગવાન સાથે વાર્તાલાપ કરે છે, ઈશ્વરીય વાણી સાંભળે છે અને આધ્યાત્મિક નિર્દેશ પ્રાપ્ત કરે છે. મેં તેમાનાં થોડા લોકોનું અવલોકન-અધ્યયન કર્યું, તો મને જેવી આશા હતી તેવું જ જોવા મળ્યું. તે લોકો પોતાનો જ અવાજ સાંભળતા કે જે ક્યારેક ક્યારેક શુભ હોય છે. ભગવાન અને ભગવદ્‌વાણી અપવિત્ર લોકોથી દૂર હોય છે. એક સુપ્રશિક્ષિત અને શુદ્ધ ચિત્ત વ્યક્તિ અંતર્યામી ભગવાન સાથે અવશ્ય વાર્તાલાપ કરી શકે છે, પરંતુ જ્યારે અપવિત્ર અને અપ્રશિક્ષિત વ્યક્તિ આવું કહે ત્યારે તે પોતાને જ છેતરે છે, છતાં પણ તેઓ કહે છે કે તેમને બાહ્ય કોઈ સહાયતાની આવશ્યકતા નથી! મારા ગુરુ સ્વામી બ્રહ્માનંદજી મહારાજ કહેતા, ‘ચોરી કરવાનું શીખવા માટે પણ ગુરુની આવશયકતા રહે છે, તો શું બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ માટે ગુરુની આવશ્યકતા નથી?’

આમાં કંઈ રહસ્ય નથી. લોકો રેડિયમને વિશે જાણવા માટે મેડમ ક્યૂરીની પાસે જાય છે. અણુના સ્વરૂપને સમજવા માટે રદરફોર્ડ પાસે જાય છે. જેવી રીતે  પ્રકૃતિ વિજ્ઞાન ને સમજવા માટે સક્ષમ ગુરુની આવશ્યકતા છે. એવી જ રીતે અધ્યાત્મ-વિજ્ઞાનમાં આત્મ સાક્ષાત્કારની પદ્ધતિ શીખવા માટે ગુરુનું માર્ગદર્શન નિતાંત આવશ્યક છે. આ વિષયમાં આપણે એવા ક્ષેત્રમાં યાત્રા કરીએ છીએ કે જેના વિશે આપણને કશી જાણકારી નથી. જે લોકોને કોઈ ગુરુની આવશ્યકતાની જરૂર નથી લાગતી, વળી જે બીજાના ગુરુ બનવા માટે અત્યંત વ્યગ્ર હોય છે તેમને યાદ રાખવાની જરૂર છે કે એક આંધળો બીજા આંધળાને માર્ગ બતાવવા જેવો પ્રયત્ન માત્ર છે.

હિંદુ શાસ્ત્રોમાં ગુરુની આવશ્યકતા પર વારંવાર ભાર અપાયો છે. ભગવદ્‌ ગીતા (૨.૭)નું ઉદાહરણ લો. એમાં પહેલાં અર્જુનને કોઈ આધ્યાત્મિક ઉપદેશ આપ્યા વિના યુદ્ધ ક્ષેત્રમાં (યોદ્ધાની વચ્ચે) લઈ જાય છે. એ વખતે અર્જુન એમને વિનંતી કરે છે :

कार्पण्यदोषोपहतस्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेताः।
यच्छ्रेयः स्यान्निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम् ॥

દીનતાના દોષથી નષ્ટ સ્વભાવવાળો અને ધર્મમાં મૂઢ ચિત્તવાળો હું આપને પૂછું છું. મારે માટેનો જે નક્કી કલ્યાણકારી પથ હોય, તે મને કહો. હું તમારો શિષ્ય છું  શરણે આવેલા મને ઉપદેશ આપો.

શ્રીકૃષ્ણને ગુરુ રૂપે સ્વીકાર્યા પછી જ દિવ્યગુરુ શ્રીકૃષ્ણ અર્જુનને ઉપદેશ આપવાનું શરૂ કરે છે. શંકરાચાર્ય રચિત ‘વિવેક ચૂડામણિ’માં શિષ્ય ગુરુને પ્રાર્થના કરે છે : ‘સ્વામી હું સંસારસાગરમાં પતિત છું, કૃપા કરીને આ દુ:ખમાંથી મારો ઉદ્ધાર કરો.’

અધ્યાત્મદીક્ષાનો પ્રભાવ

શ્રીરામકૃષ્ણ કહે છે : ‘અપરિવર્તનશીલ અક્ષર તત્ત્વનો સાક્ષાત્કાર કરવા અંતરાત્માનું જાગરણ આવશ્યક છે.’ આધ્યાત્મિક તથ્યોનું અધ્યયન અને એની ચર્ચા પૂરતાં નથી. અંતર્જ્યોતિનું પ્રત્યક્ષ દર્શન થવું જોઈએ.

અંતરાત્માનું આ પ્રથમ જાગરણ કેવી રીતે થાય? બ્રહ્મજ્ઞ ગુરુ અધ્યાત્મ-દીક્ષાથી આ જાગરણ કરે છે. પ્રત્યેક ધર્મમાં સ્નાન, બેપ્ટીઝમ, પવિત્રજળ કે તેલનું સિંચન, પવિત્ર શાસ્ત્રાંશોનો પાઠ, પૂજા-અનુષ્ઠાન વગેરે દીક્ષા-રીતિઓ જોવા મળે છે. આ અનુષ્ઠાનોથી દીક્ષા મેળવનાર દીક્ષિત વ્યક્તિ જે તે ધાર્મિક સંપ્રદાયોમાં વિશેષ અધિકાર મેળવે છે. એમને સભ્ય રૂપે દીક્ષાવિધિ દ્વારા ધર્મસમુદાયમાં સામેલ કરવામાં આવે છે. આધ્યાત્મિક દીક્ષાની આપણે વાત કરીએ છીએ. તેનાથી આ ઔપચારિક દીક્ષા ઘણી જુદી છે.

ઈસુ ખ્રિસ્તે કહ્યું છે : ‘જ્યાં સુધી વ્યક્તિનો પુનર્જન્મ નથી થતો ત્યાં સુધી તે ઈશ્વરના સામ્રાજ્યનું દર્શન કરી શકતો નથી.’ પુનર્જન્મનો અર્થ છે – આધ્યાત્મિક જાગરણ થવું. પોતાને દેહ સમજવાનું છોડીને આત્મા સમજવો જોઈએ. ઈસુએ કહ્યું છે : ‘જેનો જન્મ દેહથી થાય છે, તે દેહ છે; જે પરમ આત્માથી જન્મે છે, તે આત્મા છે.’ ત્યાર પછી ઈસુના શિષ્ય સેન્ટ પીટરે આ કથનને સમજાવતાં કહ્યું છે: ‘દૂષણીય બીજ દ્વારા પુનર્જન્મ નહિ, પરંતુ નિત્ય અને સ્થાયી ભગવાનના નામ રૂપી અદૂષણીય પવિત્ર બીજથી પુનર્જન્મ થવો.’ ગુરુ ભગવાન્નામનો સંચાર કરે છે. ભગવાનની શક્તિ નામ દ્વારા, મંત્ર દ્વારા આવે છે અને મંત્ર દ્વારા જ આત્માનું જાગરણ થાય છે.

ભારતમાં દ્વિજત્વની ધારણા આવી છે. દ્વિજ શબ્દનો અર્થ પક્ષી પણ થાય છે. પહેલાં ઈંડું જન્મે છે, ત્યાર પછી ઈંડામાંથી બચ્ચું જન્મે છે. એ થોડા સમયે મોટું થઈને પક્ષી બને છે. બધાં ઈંડાં પૂરાં સેવાતાં નથી, બધાં બચ્ચાં મોટાં નથી થતાં. એવી જ રીતે બધા લોકો આધ્યાત્મિક અનુભૂતિ મેળવી શકતાં નથી. લોકો આધ્યાત્મિક વિકાસનાં વિભિન્ન સ્તરે હોય છે. એક પ્રસિદ્ધ શ્લોક છે: (અત્રિ સ્મૃતિ, ૧૪૧-૪૨)

જન્મના જાયતે શૂદ્ર: સંસ્કારાદ્‌ દ્વિજ ઉચ્યતે ।
વેદપાઠી ભવેદ્વિપ્ર: બ્રહ્મ જાનાતિ બ્રાહ્મણ:॥

અર્થાત્‌ મનુષ્યનો શૂદ્ર કે અજ્ઞાનીના રૂપે જન્મ થાય છે. સંસ્કારથી તે દ્વિજ બને છે. સ્વાધ્યાય અને શાસ્ત્રપાઠથી તે વિપ્ર કે વિદ્વાન કે કવિ બને છે. બ્રહ્મને જાણીને તે બ્રાહ્મણ બને છે. આધ્યાત્મિક દીક્ષાનો ઉદ્દેશ્ય વ્યક્તિને સાચો બ્રાહ્મણ કે બ્રહ્મજ્ઞાની બનાવવાનો છે. ઉપનિષદમાં કહ્યું છે : ‘અથય એતદક્ષરં ગાર્ગિ વિદિત્વાસ્માલ્લોકાત્‌ પ્રૈતિ સ બ્રાહ્મણ: । (બૃહ. ઉપ. ૩.૮.૧૦) અર્થાત્‌ જે અક્ષર બ્રહ્મને જાણ્યા પછી આ સંસારમાંથી જાય છે, તે બ્રાહ્મણ છે. શ્રીરામકૃષ્ણના મહાન શિષ્ય મહાપુરુષ મહારાજે (સ્વામી શિવાનંદ) એક વખત મને કહ્યું હતું: ‘જે કોઈ શ્રીરામકૃષ્ણના શરણે આવે છે, તે વસ્તુત: બ્રાહ્મણ છે.’

આધ્યાત્મિક દીક્ષાથી જીવનું પરમાત્મા સાથે તાદાત્મ્ય સ્થપાય છે. એક સંતે પ્રાકૃતિક સમરસતા (તાઓ)ના સિદ્ધાંતને આ શબ્દોમાં દર્શાવ્યો છે : એણે બે વીણાને બરાબર એક સરખી રીતે તાર બાંધીને તૈયાર કરી.એણે એકને પાસેના એક ઓરડામાં રાખી અને પોતાની હાથની વીણા પર ‘કુંગ’ સ્વર બજાવ્યો. તરત જ બીજી વીણા પર પણ ‘કુંગ’ સ્વર બજવા માંડ્યો. ‘ચિઓ’ સૂર બજાવતાં બીજી વીણા પર એ જ તાર પર ઝણકાર ઊઠ્યો. એનું કારણ એ હતું કે બંને વીણાનાં તાર એક જ સૂરમાં બાંધ્યા હતા. એક વીણામાં સૂરોનું અંતર બદલવાથી બીજી વીણાના સૂર બેસૂર અને કર્કશ થઈ ગયા. ધ્વનિ તો હતો જ, પણ મુખ્ય સ્વરનો પ્રભાવ ન હતો. એવી જ રીતે આપણે વાંચી, વિચારી શકીએ છીએ; બોલી શકીએ છીએ; પરંતુ જ્યાં સુધી આપણે આપણા આત્મા સાથે તાદાત્મ્ય સાધવાનું શીખી શકતા નથી ત્યાં સુધી બધું વ્યર્થ છે.

જે ભગવાનને વ્યાકુલતા-ઉત્કટતાથી ચાહે છે, એવી પવિત્ર વ્યક્તિમાં દીક્ષાનો પ્રભાવ પ્રગટ થાય છે. પતંજલિએ શિષ્યોના ત્રણ ભેદ બતાવ્યા છે, ‘મૃદુ’ અર્થાત્‌ જે સાધક આધ્યાત્મિક સાધનાની કઠણાઈઓ સહન ન કરી શકે. ‘મધ્યમ’ અર્થાત્‌ જે પ્રથમથી જ અધિક પ્રયત્ન કરે છે. ‘તીવ્ર’ જે સાક્ષાત્કાર માટે તીવ્રતાપૂર્વક પ્રયત્ન કરે છે; જેમણે બાહ્ય વ્યવધાનોમાંથી મનને હટાવવાનું રહસ્ય શીખી લીધું છે; જેમને અંતર્યામી પરમાત્મ સત્તાનું જ્ઞાન સદૈવ રહે છે અને જેમને ભગવાનની તીવ્ર લાલસા હોય છે.’ ભગવદ્‌ પ્રાપ્તિની ઉત્કટ ઝંખનાને સદૈવ ભગવત્કૃપાનું લક્ષણ સમજવું જોઈએ.

મારા પોતાના આધ્યાત્મિક જીવનના પ્રારંભમાં આ પથ અત્યંત કઠિન લાગ્યો. મેં જ્યારે સ્વામી બ્રહ્માનંદજીને પૂછ્યું કે મારે શું કરવું જોઈએ. એમનો પ્રત્યુત્તર હતો:

‘સંઘર્ષ, સંઘર્ષ.’ ગુરુનો નિર્દેશ મેળવવો એ જ પૂરતું નથી. સતત સંઘર્ષ કરવો આવશ્યક છે. સૌથી પહેલાં તો શિષ્યે પૂર્ણ આંતરિકતા સાથે સત્યના સાક્ષાત્કાર માટે આતુર થવું જોઈએ. જે લોકો આ માટે તૈયાર છે, એમનામાં આધ્યાત્મિક જાગરણ તત્કાલ થાય છે. જે સંઘર્ષરત છે, એમનામાં ધીરે ધીરે થાય છે.

જ્યારે આપણે આનંદિત બનીએ છીએ ત્યારે આપણે એ આનંદનો બીજામાં સંચાર કરી શકીએ છીએ. એવી જ રીતે એક શ્રેષ્ઠ આધ્યાત્મિક ગુરુ પોતાના શિષ્યમાં આધ્યાત્મિક સ્પંદનોનો સંચાર કરી શકે છે. શ્રીરામકૃષ્ણના મહાન શિષ્યોને કેટલીયવાર આ શક્તિનો પ્રયોગ કરતા અમે જોયા છે. તેઓ આધ્યાત્મિક શક્તિના મહાન ભંડાર હતા. આ છતાં પણ તેઓ એનો ઉપયોગ ઘણી સાવધાનીપૂર્વક કરતા. સામાન્ય રીતે ગુરુ પોતાની શક્તિનો સંચાર ‘મંત્ર’ના માધ્યમથી કરે છે.

મંત્રશક્તિ

એકવાર એક સંન્યાસી શિષ્યે મહાપુરુષ મહારાજ (સ્વામી શિવાનંદજી)ને પૂછ્યું: ‘બધા લોકોનું દીક્ષા લેતાં જ આધ્યાત્મિક જાગરણ નથી થતું. આમ છતાં પણ એમને કંઈ ને કંઈ લાભ મળે છે કે કેમ?’ મહાપુરુષ મહારાજે ઉત્તરમાં કહ્યું: ‘દીક્ષા સમયે ભલે બધાને કંઈ અનુભવ ન થતો હોય, પણ બ્રહ્મજ્ઞ ગુરુ દ્વારા અપાયેલ મંત્રની શક્તિ અમોઘ છે. શિષ્યમાં સંચરિત આધ્યાત્મિક શક્તિ કાલાન્તરે એનું રૂપાંતરણ કરી દે છે અને ત્યારબાદ આધ્યાત્મિક જાગરણ થાય છે.

જો કોઈ મહાત્મા પૂર્ણ જ્ઞાની ન હોય અને દીક્ષા આપે તો એનો કેવો પ્રભાવ પડે? સામાન્ય મહાત્માની તુલના વિદ્યાલયના ઉચ્ચ કક્ષાના વિદ્યાર્થી સાથે કરી શકાય. આવા વિદ્યાર્થીઓ મહાવિદ્યાલયમાં ન પ્રવેશ્યા હોવા છતાં પણ પોતાનાથી કનિયાન વિદ્યાર્થીઓને પ્રારંભિક નિર્દેશ આપી શકે છે. એક બાજુએ એ પોતે સ્વયં સત્ય તરફ આગળ ધપે છે અને સાથે બીજામાં અધ્યાત્મ-જ્ઞાનનું જાગરણ કરવાનો પ્રયત્ન કરે છે. જો દીક્ષાર્થી નિષ્ઠાપૂર્વક આધ્યાત્મિક જીવન જીવે તો આધ્યાત્મિક જીવનમાં પ્રર્યાપ્ત પ્રગતિ સંપન્ન સામાન્ય ગુરુ દ્વારા અપાયેલ દીક્ષાથી પણ સમય આવ્યે આધ્યાત્મિક જાગરણ થાય છે. સ્વયં મંત્રમાં પણ મહાન શક્તિ હોય છે. શ્રીચૈતન્ય આપણને ઉપદેશ આપતાં કહે છે : ‘આપે આપનાં અનેક નામ પ્રગટ કર્યાં છે. એમાં આપે આપની બધી પ્રબળ શક્તિ અર્પિત કરી દીધી છે અને એમના સ્મરણમાં કોઈ સમય કે નિયમ નિર્ધારિત નથી કર્યો.’

નામ્નામકારિ બહુધા નિજસર્વશક્તિસ્તત્રાર્પિતા નિયમિત: સ્મરણે ન કાલ: । (શિક્ષાષ્ટકમ્‌ – ૨)

ઓમ તથા અન્ય ભગવન્નામોના જપના પ્રભાવ વિશે પતંજલિ કહે છે કે એનાથી સાધનપથની ભિન્ન ભિન્ન અડચણો દૂર થાય છે. તેમજ પ્રત્યક્‌ ચૈતન્યનો અધિગમ થાય છે. ‘તત: પ્રત્યકચેતનાધિગમોઽપ્ય અન્તરાયાભાવશ્ચ’ (પાતંજલ યોગસૂત્ર, ૧.૨૯) આ અડચણો શું છે? વ્યાધિ, સંશય, માનસિક ચંચળતા એ આ અડચણો છે. મંત્રનો જપ વ્યક્તિત્વમાં એક નવીન સમરચના અને સામંજસ્ય ઊભાં કરે છે. એનાથી સ્નાયુ શીતલ બને છે અને મનની શક્તિઓ કેન્દ્રિત થાય છે. સાથે ને સાથે કાલાંતરે અંતરાત્માનું જાગરણ થાય છે. આધ્યાત્મિક જીવનનો પ્રારંભ કરનાર સાધક મંત્રની શક્તિને સમજી ન શકે, પરંતુ નિષ્ઠાપૂર્વક જપ કરવાથી તે ક્રમશ: એની શક્તિનો અનુભવ કરી શકશે. સ્વામી બ્રહ્માનંદજી કહે છે : ‘જપ, જપ, જપ. કર્મ કરતાં કરતાં પણ જપ કરો. પોતાનાં બધાં ક્રિયાકલાપો વચ્ચે પણ મંત્રજપનું ચક્ર ચાલુ જ રહેવા દો. જો આવું કરી શકો તો હૃદયની સમસ્ત જ્વાલા શાંત થઈ જશે. ઘણા પાપીઓ પણ ભગવન્નામનું શરણ લઈને શુદ્ધ, મુક્ત અને સિદ્ધ થઈ ગયા છે. જાણે કે એ બંને ભિન્ન નથી એમ માનીને ભગવાન અને એમના નામમાં અતૂટ શ્રદ્ધા-વિશ્વાસ રાખો.’

(ક્રમશ:)

Total Views: 26

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.