lf you can make one heap of all your winnings
And risk it on one turn of pitch – and – toss,
And lose, and start again at your beginnings
And never breathe a word about your loss;

– તમે તમારી બધી સિદ્ધિઓનો ઢગલો કરી શકો અને તેમાં હારજીત ભાગ્યધીન હોય તેવી તકમાં તમે તેને હોડમાં મૂકી શકો અને તમે હારી બેસો તથા ફરીથી એકડો ઘૂંટવાનો વારો આવે અને તમે તમને પોતાને થયેલા નુકસાન વિષે એક હરફ પણ ઉચ્ચારો નહીં તો તમે મરદ માણસ છો.

રાષ્ટ્રવિધાયકોના જીવનમાં ઘણીવાર આવા પ્રસંગો ઉપસ્થિત થતા હોય છે. કવચિત્‌ સાચો માણસ એકલા પડી જાય છે એને સામે પક્ષે જંગી બહુમતી હોય છે. એ વખતે આપણે જાણીએ છીએ કે બહુમતી પોતાની સંખ્યાના બળને લીધે ધાર્યું કરી જાય છે. અને પેલા વિચારશીલ પુરુષે પોતાનું સર્વસ્વ હોડમાં મૂક્યું હોય છે. તેમાં જો તે ભાગ્યવશાત્‌ નિષ્ફળ નીવડે તો લોકો તો તેના નામ પર થૂંકવાના જ પણ મહાપુરુષનું વર્તન કેવું હોવું જોઈએ, તેના વિષે કવિ કહે છે કે એણે તો પોતાની બધી સિદ્ધિઓ જોખમમાં મૂકીને ગુમાવી દીધી છે. લોકોની નજરે એ હલકો પડી ગયો છે. પણ એ છાનોમાનો पुनश्च हरि: ॐ- કરીને ફરીથી એકડો ઘૂંટવા માંડશે. એ પોતાની ભૂતપૂર્વ સિદ્ધિઓનાં કદાપિ બણગાં પણ નહીં ફૂંકે. એને પોતાને નવેસરથી શરૂઆત કરવી પડી છે એવી ફરિયાદ પણ નહીં કરે. આ મૌનએ જ આદર્શ વર્તન છે. એ જ જીવન પ્રત્યેનો સાચો અભિગમ છે.

માણસના જીવનમાં વિષાદની એકાદ પળ એવી આવી જાય છે, જ્યારે તેને એમ લાગે છે કે તેના શરીરનું તંત્ર તેને યારી આપતું નથી, અને તે વિદાય લેતું હોય એવી લાગણી થાય છે. પણ આ અંધકાર પૂર્ણ ગુફામાં ય એકાદું આશાનું કિરણ આછો આછો પ્રકાશ પાથરી રહ્યું હોય છે, તે છે સંકલ્પશક્તિ. આ શક્તિ જો માણસ પાસે હોય, તો તેનો ઉચિત પળે તથા યોગ્ય દિશામાં વિનિયોગ કરી શકે, તે જ સાચો માણસ. આવા માણસને ઉદ્દેશીને કવિ ઉદ્‌બોધન કરે છે :

If you can force your heart and nerve and sinew
To serve your turn long after they are gone,
And so hold on when there is nothing in you
Except the Will which says to them : “Hold on!”

– જો તમે તમારા હૃદયને, નાડીતંત્રને અને સ્નાયુઓને તેઓ વિદાય લઈ ગયાં હોય, ત્યારે તમારી સેવામાં યોજી શકો અને જ્યારે તમારામાં નિશ્ચયશક્તિ સિવાય બીજું કશું જ બચ્યું ન હોય અને લગભગ શૂન્યાવકાશ પ્રવર્તતો હોય, ત્યારે જો તમે કહી શકો કે ‘‘ચાલુ રાખો,’’ તો તમે સાચા માણસ.

આપણે આપણી સંસ્કૃતિના ઇતિહાસમાંથી આવી પરિસ્થિતિનું ઉદાહરણ જોઈએ તો અર્જુનનું મળી આવે છે. મહાભારતના યુદ્ધમાં કટોકટીની પળે એ પોતાનું શરીર જુદી દિશામાં કામ કરી રહ્યું છે, એવું વિધાન કરે છે એનું મોઢું સુકાય છે, એની ચામડીમાં બળતરા ઊપડે છે અને સમગ્ર શરીરતંત્ર જાણે અર્જુનનું ન હોય, તેવી રીતે વર્તી રહ્યું છે, એમ લાગે છે, ત્યારે પરબ્રહ્મ પરમાત્મા શ્રીકૃષ્ણ તેની કુમકે આવે છે અને તેને યુદ્ધ માટે પ્રવૃત્ત કરે છે. જે લોકો સમગ્ર ગીતાને રૂપક માને છે, તે લોકોના મતે જોઈએ, તો કૃષ્ણનો અવાજ –

“तस्‍माद युद्धस्‍व विगतऽवर: ।”

– ‘‘તેથી હે પાર્થ, તું આસક્તિરહિત થઈને યુદ્ધ કર.’’ એ બીજું કશું જ નથી, પણ અર્જુનના અંતરાત્માનો અવાજ છે. બધાને કૃષ્ણ મળે કે ન મળે, પણ માણસ પાસે જો કાન હોય તો તેને અંતરાત્માનો અવાજ અવશ્ય સંભળાતો હોય છે.

સંકલ્પશક્તિ એ મનનો વ્યાપાર છે. સ્થૂળ પ્રક્રિયાઓ હૃદય, નાડીતંત્ર અને સ્નાયુઓ ચલાવતાં હોય છે. પણ મન ઇન્દ્રિયોનો રાજા છે. એ જો ધારે તો અન્ય સેવકો પાસેથી ધાર્યું કામ કરાવી શકે છે. કવિ અહીં આવા તેજસ્વી, લાગણીપ્રવણ અને પ્રગતિશીલ મનની વાત કરી રહ્યા છે. આવું મન ધરાવતા માણસ જ સંસ્કૃતિનું નિર્માણ કરી શકે છે અને દેશનો ઇતિહાસ પર પોતાની કાયમી છાપ મૂકી જાય છે.

માણસે માણસે પ્રકૃતિ બદલતી રહે છે. આપણા મહાકવિ કાલિદાસે ગાયું છે :

“भिन्नरुचि र्हि लोक:।”

– લોકોની રુચિ – ગમા અને અણગમા – જુદા જુદા પ્રકારના હોય છે. કવિ કિપ્લિંગ અહીં આવી બે પ્રકૃતિઓનો ખ્યાલ આપે છે અને તેની ગુણવત્તાની મીમાંસા કરતાં કહે છે :

lf you can talk with crowds and keep your virtue,
Or walk with kings – nor lose the Common touch,

– જો તમે લોકસમુદાય સાથે વાતચીતો કરતા રહો – હળતામળતા રહો અને તમારા સદ્‌ગુણોને જાળવી રાખો અથવા રાજવી સાથે વિહાર કરતા રહો અને સામાન્ય લોકો સાથેનો સંપર્ક ગુમાવી ન દો તો તમે સાચા મનુષ્ય.

આ શબ્દોમાં કવિએ એકાન્ત અને લોકાન્ત વિષે સરસ વાત કરી છે. આપણા સમાજમાં કેટલાક લોકો માને છે કે જો આપણે લોકસમુદાયની વચ્ચે રહેવું હોય તો તેના જેવા જ થવું જોઈએ. બીજા કેટલાક લોકો માને છે કે લોકસમુદાય સાથે ભળવા જેવું જ નથી. તેમની સાથે ભળવા જતાં આપણે આપણું સ્વત્વ, આપણી મૌલિકતા ગુમાવી બેસીએ છીએ.

આ બન્ને મતો ખરેખર વિવાદાસ્પદ છે. કેમ કે લોકસમૂહ જો પ્રબુદ્ધ લોકોના સંપર્કથી સાવ વંચિત રહે તો તેમને આદર્શ સ્થિતિનું ભાન કોણ કરાવે? અને બીજે પક્ષે પોતાનું સ્વત્વ જાળવી રાખવું, એ એક પ્રકારની ઉત્કટસાધના છે. એ સાધના કરનાર માણસે ઉત્તરોત્તર ઉન્નતિ સાધવાની હોય છે, નીચે ઊતરવાનું નહીં. જો આવો માણસ લોકસમુદાયની વચ્ચે જાય તો તેની વર્તણૂક, બોલચાલ વગેરે પર લોકસમુદાયની અસર પડ્યા વિના રહે નહીં. આથી સાધકો લોકોનાં ટોળાંથી આઘા ભાગે છે. સાધકો એકાન્તપ્રિય હોય છે, હોવા જોઈએ, એવો પરંપરાગત આગ્રહ છે.

લોકોને ચાહતા મહાપુરુષો અત્યંત કરુણાથી પ્રેરાઈને એવો સતત આગ્રહ સેવતા રહે છે કે પ્રબુદ્ધ લોકોએ સામાન્ય જનોથી વિમુખ ન થવું જોઈએ. તેમનું મંતવ્ય એવું છે કે સાધકે પોતાના વ્યવહારથી લોકસમાજને પોતાની કક્ષા સુધી ઊંચો લાવવાનો છે. માતા પોતાના બાળકને ઊંચકવા માટે નીચી નમે તો તે કાંઈ બાળક જેવી નાદાન બની જતી નથી. પણ માતા જો એવો હઠાગ્રહ સેવે કે બાળકે જ મારા જેટલા ઊંચું થવું જોઈએ તો બિચારા બાળકની શી સ્થિતિ થાય? આપણા કિપ્લિંગ બીજા મતના છે. તેઓ માને છે કે લોકકલ્યાણ ઇચ્છતા અગ્રણીઓએ લોકસંપર્કની સાથે જો રાજપુરુષોના સંપર્કમાં આવવાનું થાય તો પણ સામાન્ય જન સાથેનો સંપર્ક ગુમાવી ન દેવો જોઈએ. આદર્શ મનુષ્ય સમાજાભિમુખ હોવો જોઈએ અને સાથે સાથે પોતાની ઉન્નતિ પણ તેના જીવનમાં સધાતી રહેવી જોઈએ. માત્ર પોતાની ઉન્નતિ વિષે જ સચિન્ત બનીને લોકસમાજથી દૂર ભાગવું ન જોઈએ. એ જ ઈષ્ટ સ્થિતિ છે.

– આપણા સાંસ્કૃતિક ઇતિહાસમાંથી દાખલા લેવા હોય તો પ્રાચીન કાળમાં મનુ, યાજ્ઞવલ્ક્ય, વસિષ્ઠ વગેરે ઋષિઓનું અહીં સ્મરણ થાય છે. આધુનિક કાળમાં ગાંધીજી, વિનોબા, વિમલાતાઈ, સ્વામી વિવેકાનંદનાં ઉદાહરણો ઊડીને આંખે વળગે તેવાં છે.

સામાન્ય રીતે વ્યક્તિગત કક્ષાએ આપણે આપણા વર્તુળમાં લોકોના બે ભાગ પાડી નાખતા હોઈએ છીએ – (૧) શત્રુઓ (૨) મિત્રો. આપણો તેમની સાથેનો વ્યવહાર પણ તદનુસાર ગોઠવાઈ જતો હોય છે. પણ માનવસ્વભાવ ચંચલ હોય છે. શત્રુ કાયમ માટે શત્રુ જ રહે, એવું બનતું નથી અને મિત્રમાંથી પણ ક્યારે શત્રુ ફૂટી નીકળે, એની ખબર પડતી નથી. આમ શત્રુ અને મિત્રમાં એકાએક આવતું પરિવર્તન આપણને આઘાત પહોંચાડી જાય છે. કવિ માનવસ્વભાવનું આ ભયસ્થાન પોતાની આર્ષદૃષ્ટિથી જોઈ શકે છે. આ મિત્ર અને શત્રુના દ્વન્દ્વનો સમન્વય કરવો જરૂરી છે. આને માટે સમાજ વચ્ચે રહેનાર માણસે કોઈ એકને વધારે પડતું મહત્ત્વ ન આપી દેવું જોઈએ. કવિની સલાહ છે કે એટલું બધું મહત્ત્વ ન આપવું કે જેથી આપણને તેનો આઘાત લાગે.

ઉશ્કેરાટની આવી જ બીજી પળ છે કોઈને માફી ન આપવાની. ઘણા સંજોગોમાં માણસને લાગે છે કે આ કૃત્ય અક્ષમ્ય છે. જ્યાં સુધી ઉશ્કેરાટ હોય છે, ત્યાં સુધી માણસ ક્રોધ દ્વારા પોતાની અક્ષમાને પ્રકટ કરે છે. ક્રોધનાં પરિણામો આપણે જાણીએ છીએ. ક્રોધના આવેશમાં આવેલા માણસને ક્રોધાંધ – ક્રોધથી આંધળો – બનેલા કહેવામાં આવે છે. આવો અંધ માણસ ગમે તે અવિચારી કૃત્ય કરી બેસ. આથી કવિ આવી પરિસ્થિતિમાં શી રીતે વર્તવું, તેના વિષે વાત કરતાં કહે છે :

If you can fill the unforgiving minute
With sixty seconds’ worth of distance run,

– મિનિટમાં સાઠ સેકન્ડ હોય છે, એ વાત યાદ રાખીને અક્ષમાની વેળાએ આપણે એની ગણતરી કરીએ અને એટલે અંતરેથી એ ઘડીના અંતરને, એ ગાળા ને ભરી દઈએ. તો આપણે સાચા માણસ કહેવાઈએ.

કોઈને માફ ન કરવું, એ સહેલી વાત છે. પણ માફ ન કરનાર માણસ કેટલું બધું ગુમાવતો હોય છે, તેની પણ ગણતરી કરવી જરૂરી છે. એને શું મળે છે, એ વાત તો બાજુએ જ રહી જાય છે. માણસ ગુનો કરે છે, તેના માટે તે જવાબદાર છે જ, એની ના કોઈપણ ન પાડી શકે. પણ એને ગુનો કરવા પ્રેરે એવાં ક્યાં ક્યાં પરિબળો હતાં, તેની વિચારણા કરવી પણ જરૂરી હોય છે. જો ગંભીર રીતે આ વિચારણા કરવામાં આવે તો ચોક્કસપણે કોઈક નવાં સત્યો લાધે. બીજું કાંઈ નહીં તો માણસને એમ તો લાગે જ કે આ પરિસ્થિતિ કંઈ સાવ ન સુધારી શકાય એવી નથી. એ પરિસ્થિતિના સુધારમાં હું પણ કાંઈક ફાળો આપી શકું એમ છું. અને કદાચ મેં મારો ફાળો નથી નોંધાવ્યો તેથી જ પરિસ્થિતિ આટલી હદે વણસી છે. આનાથી વધુ બીજું ક્યું આત્મદર્શન હોય? આપણે સૌ આ દિશામાં કાંઈક વિચારીશું ખરાં?

જીવનની આ બધી કટોકટીની પળો છે. એમાં જ માણસના સંસ્કારોની ખરી કસોટી થાય છે. આવી પરિસ્થિતિઓમાંથી પસાર થઈ પોતાની સંસ્કારિતાનું દર્શન કરાવતા માણસને માટે કવિ અહોભાવના ઉદ્‌ગાર કાઢતાં કહે છે :

Yours is the Earth and everything that’s in it,
And – which is more – you’ll be a Man, my son!

– આ પૃથ્વી અને તેમાં જે કાંઈ છે, તે સર્વ તમારું છે અને તેથી વધુ તો તમે મરદ કહેવાશો, દીકરા!’’

ઉપર્યુક્ત પળોની કસોટી કે તાવણીમાં તવાયેલા માણસના ચરણોમાં સમગ્ર પૃથ્વીની સમૃદ્ધિ આળોટે, એમાં કાંઈ નવાઈ છે? અને વધારે સારું પરિણામ તો એ આવે છે કે એવો માણસ ‘માણસ’ – ‘‘મર્દ’’ હોવાનું પ્રમાણપત્ર મેળવી શકે.

કવિએ અંગ્રેજી ભાષાની અર્થસભરતાનો લાભ અહીં ‘મેન’ શબ્દમાં ‘એમ’ કેપિટલ કરીને લીધો છે. આ રીતની જોડણી કરવાથી અનેક અનેક વિશેષણોની ખોટ પુરાઈ જાય છે. એ ‘માણસ’ (MAN) સંસ્કારની અમુક કક્ષા વ્યક્ત કરનારો, શૌર્યની પરાકાષ્ટા સૂચવનારો કે આદર્શની મૂર્તિસમો છે, એમ સૂચિત થઈ જાય છે.

માનવજાતિના ચિંતકો સદ્‌ગુણોની સમૃદ્ધિ માટે સતત વિચારતા રહ્યા છે. ગીતાએ ભક્તનાં લક્ષણો (અધ્યાય ૧૨), ગુણાતીતનાં લક્ષણો (અધ્યાય ૧૪) અને સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો (અધ્યાય ૨) દૈવાસુર સંપદ વિભાગયોગ (અધ્યાય ૧૬) તથા મહાકવિ કાલિદાસે રઘુવંશના રાજવીઓનાં ગુણગાન કર્યાં છે અને ભારતના આદર્શ માનવીના જીવનની ઝાંખી કરાવવાનો પ્રયત્ન કર્યો છે, તેમને પગલે પગલે કવિ કિપ્લિંગ અહીં પોતાની રીતે વાત કરે છે.

Total Views: 82

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.