સંધ્યાનો સમય હતો, રાજા જાનશ્રુતિ પોતાના મહેલની અટારીમાં બેઠો હતો. અને પોતે કેટકેટલું દાન કર્યું છે, એનો વિચાર કરી મનોમન આનંદ અનુભવી રહ્યો હતો. મનમાં વિચારતો હતો કે આખી પૃથ્વીમાં હવે મારા જેવો દાની કોઈ નથી. ખરેખર એમ જ હતું. તેણે ભૂખ્યાંજનો માટે ઠેર ઠેર અન્નક્ષેત્રો ખોલાવ્યાં હતાં. સ્થળે સ્થળે ધર્મશાળાઓ, તળાવો, કૂવાઓ બંધાવ્યા હતા. તેના રાજ્યમાં કોઈ ભૂખ્યું કે દુ:ખી ન રહે, તેનું તે ખાસ ધ્યાન રાખતો હતો. આથી લોકો તેની પ્રશંસા કરતા થાકતા ન હતા. અરે, ઋષિમુનિઓ પણ તેની પ્રશંસા કરવા લાગ્યા હતા. કીર્તિભૂખ્યો આ રાજા પોતાની પ્રશંસાથી આનંદિત થઈને વધુ પ્રશંસા મેળવવા દાન પ્રવાહ વહેવડાવ્યા કરતો હતો.

અટારીમાં બેઠાં બેઠાં તે પોતાનાં આ સત્કર્મો વિશે વિચારી રહ્યો હતો. તે વખતે જ આકાશમાં બે શ્વેત હંસો ઊડતાં ઊડતાં ત્યાંથી પસાર થયા.તેઓ અંદરોઅંદર કંઈ વાતચીત કરી રહ્યા હતા. રાજાને ઉત્સુકતા  થઈ કે આ શ્વેત પક્ષીઓ તે વળી શું ગુપસુપ કરી રહ્યા છે, એટલે તેણે તે તરફ ધ્યાન આપ્યું તો પાછળ રહેલો હંસ આગળ જતા હંસને કહેતો હતો, ‘અરે, મંદબુધ્ધિવાળા, જરા ધ્યાન રાખ. જોતો નથી જાનશ્રુતિનું તેજ દિવસના જેવું સઘળે વ્યાપ્ત છે તેની કીર્તિનું આ તેજ ક્યાંક તને બાળી ન નાખે. આજે પૃથ્વી ઉપર તેનાં જેવાં ભલાઈનાં કામો કરનાર બીજું કોઈ નથી.’ આ સાંભળીને રાજા અપાર આનંદ અનુભવી રહ્યો. તેને થયું કે મનુષ્યો નહિ પણ પક્ષીઓ પણ તેનાં ભલાં કાર્યોને જાણવા લાગ્યાં છે. ખરેખર હવે તો પોતાના જેવું મહાન કોઈ નથી.’ ત્યાં તો આગળના હંસે પાછળના હંસ ને કહ્યું : ‘એમ તું મને ડરાવ નહીં આપણે તો આકાશના પ્રવાસીઓ છીએ. આપણે વિશ્વ વિષે જેટલું જાણીએ એટલું બીજા કોઈ જ જાણતા નથી. શું આ રાજાના ગુણો ગાડાવાળા રૈક્વના ગુણો કરતા વધારે છે? એટલે પાછળ રહેલા હંસે તેને પૂછ્યું: ‘આ ગાડાવાળા રૈક્વ કેવા છે? એના ગુણો આ રાજાના ગુણો કરતા કઈ રીતે વધારે છે? એતો મને કહે.’ આથી આગળનો હંસ તેને કહેવા લાગ્યો: ‘જોને આ રાજા તો નામ યશ પાછળ ગાંડો બન્યો છે. એ જે કંઈ સારાં કાર્યો કરે છે, એની પાછળ તેની પ્રશંસાની  ભૂખ રહેલી છે. આટલાં બધાં સત્કાર્યો કરવા છતાં એના મનમાં શાંતિ ક્યાં છે? જ્યારે રૈક્વ તો પરમ શાન્તિમાં સ્થિર છે. તેને જે કાર્યો કરવાના છે, તે શાંતિમાં રહીને કર્યે જાય છે. આત્મસ્થ રહીને તે બધું જ કરે છે. એને કંઈ મેળવવું નથી કે કશાયની સ્પૃહા પણ નથી. જેમ ઢાળવાળા તળાવમાં ચારે બાજુથી પાણી આવતું રહે છે તેમ રૈક્વની અંદર ચારે બાજુથી સદ્‌ગુણો આવીને તેના આત્માને પુષ્ટ બનાવે છે. તે કદી આવતીકાલનો વિચાર કરતો નથી. અન્નદાન દેહની ભૂખ ભાંગે છે.પણ જ્ઞાન દાન તો આત્માની ભૂખ ભાંગી જીવનું પરમ કલ્યાણ કરે છે. રૈક્વ એ જ્ઞાનદાન કરે છે. એથી જ તો એ આ રાજા કરતાં ક્યાંય મહાન છે.’ આ રીતે વાતો કરતાં કરતાં બંન્ને હંસો તો ઊડી ગયા અને તેમની વાતોએ રાજાની ઊંઘ પણ ઉડાડી દીધી. રાજા આખી રાત સુઈ શક્યો નહીં. હંસોની વાતો એમના મનમાં ઘોળાયા જ કરી.

પ્રાત : કાલે બંદીજનોએ નિત્યક્રમ પ્રમાણે રાજાને ઉઠાડવા માટે સ્વસ્તિવચનો અને રાજાની પ્રશંસાનાં સ્તવનો ગાવાં શરૂ કર્યાં. ‘હજાર હાથોથી જેઓ દાન કરી રહ્યા છે, રવિરશ્મિની જેમ જેમનાં ધનકિરણોએ અનેકનાં જીવન અજવાળ્યા છે, એવા હે અન્નદાતા! હે પ્રાણદાતા! જાગો. પૃથ્વીના લોકો તમારી દૈવી બક્ષિસો માટે ક્યારનાય પ્રતીક્ષા કરી રહ્યા છે.’ આવાં સ્તુતિ વચનો સાંભળીને રોજ આનંદિત થતો રાજા આજે આનંદિત થવાને બદલે વધારે ઉદાસીન બની ગયો. તે વિચારી રહ્યો કે, આ રાજ્યમાં મારાથીય વધારે સમૃદ્ધ, વધારે તેજસ્વી, વધારે સદ્‌ગુણી કોઈ છે ખરો? એની પાસે જે છે, તે મને જ્યાં સુધી ન મળે, ત્યાં સુધી મારી યશગાથા નિરર્થક છે.’ આથી તેણે સ્તુતિ ગાઈ રહેલા બંદીજનોને અટકાવી દીધા અને કહ્યું; ‘મારી પ્રશંસામાં વખત ન બગાડો મારાથી પણ મહાન કોઈ વસે છે, એને શોધી આવો. જ્યાં સુધી હું એ મહાન આત્માને નહીં મળું ત્યાં સુધી મને ચેન નહીં પડે.’ એમ કહીને રાજાએ સેવકોને હંસો પાસેથી સાંભળેલી ગાડાવાળા રૈક્વની વાત કરીને તે મહાત્માને શોધી લાવવા સેવકોને આજ્ઞા કરી.

સેવકોએ વિચાર્યું કે આ તો રાજા કરતાંય મહાન છે, એટલે કોઈ ભવ્ય મહાલયમાં રહેતા હશે અને તેમની કીર્તિ ચારે બાજુ ફેલાયેલી હશે, એટલે તેમને શોધતાં જરાય તકલીફ નહીં પડે. હમણાં શોધી લાવશું, એમ માનીને તેઓ શોધ માટે ગયા. પણ કેટલાય દિવસો શોધ કરી છતાંય ક્યાંય ગાડાવાળા રૈક્વનો પત્તો ન મળ્યો. એટલે થાકીને તેઓ પાછા આવ્યા. રાજાએ જ્યારે એમની શોધ વિષે જાણ્યું ત્યારે તેમણે કહ્યું; ‘અરે એ કોઈ રાજા કે નગરશેઠ નથી. એ તો મહાત્મા છે, તપસ્વી છે. એ કંઈ મહાલયોમાં કે શહેરમાં ઓછા રહે? એ તો જ્યાં બ્રહ્મવેત્તાઓ રહેતા હોય ત્યાં જંગલના એકાંતમાં રહેતા હશે. જાઓ ત્યાં તપાસ કરો, હવે સેવકો નિર્જન જગ્યાઓએ તપાસ કરવા લાગ્યા. એક જગ્યાએ સેવકે એક માણસને ગાડા નીચે શાંતિથી બેઠેલ જોયો. તેણે અનુમાન કર્યું કે કદાચ આ જ ગાડાવાળો રૈક્વ હશે. કેમકે ગાડું જ એનું ઘર હોય એવું લાગે છે. ત્યાં જઈને તેણે પૂછયું : ‘પ્રભુ, રૈક્વ ગાડાવાળા જે કહેવાય છે, તે શું આપ જ છો?’ ‘હા, છું તો હું જ.’ આ સાંભળીને સેવકો વિચારવા લાગ્યા, ‘આ તો કંઈ મહાન માણસ હોય તેવું લાગતું નથી. ક્યાં અમારા મહારાજા, અને ક્યાં આ મૂર્ખ જેવો ગામડિયો, રહેવાને ઘર પણ નથી. આવા માણસને રાજા પોતાના કરતાંય કેમ મહાન માનતા હશે? આનું તો કંઈ ઠેકાણું નથી.’ આમ વિચારતા તેઓ પાછા નગરમાં ગયા અને રાજાને બધા સમાચાર આપ્યા. રાજા ખુશ થઈ ગયો અને વિચારવા લાગ્યો કે બસ હવે રૈક્વ પાસેથી જ્ઞાન મેળવી લઉં, પછી મારી કીર્તિની તોલે કોઈ જ નહીં આવી શકે. મારે એક જ્ઞાન જ મેળવવાનું બાકી રહ્યું છે. આથી તેણે રૈક્વ પાસે જવાનું નક્કી કર્યું.

રૈક્વને પ્રસન્ન કરવા માટે તે પોતાની સાથે છસ્સો ગાયો, સુવર્ણના સિક્કાઓ, સોનાનો હાર અને ઘોડા સાથેનો રથ, ભેટ રૂપે તેમને આપવા લઈ ગયા. રાજા રૈક્વની સામે હાથ જોડીને ઊભો રહ્યો અને કહ્યું : ‘આપના માટે આ ભેટો લાવ્યો છું. આપ સ્વીકારો, અને આપની પાસે જે જ્ઞાન છે, તે મને આપો.’ રાજાની મનોદશા જોઈને રૈક્વે કહ્યું : ‘હે શુદ્ર, તારી આ બધી ભેટો પાછી લઈ જા. મારે તેની બિલકુલ જરૂર નથી.’  રૈક્વે વિચાર્યું કે આ રાજા એવું માનતો લાગે છે કે ધનથી ન ખરીદાય એવી કોઈ વસ્તુ આ દુનિયામાં નથી. આથી તેણે કહ્યું; ‘આ બધી વસ્તુઓ તો શું પણ તારાં આવાં હજારો રાજ્યો પણ જ્ઞાન ખરીદી શકે નહીં. જ્ઞાન કંઈ એવી વસ્તુ નથી કે જેનો સોદો થઈ શકે, અને જે બજારમાંથી ખરીદી શકાય. જા, આ બધું લઈને પાછો ચાલ્યો જા.’

આ સાંભળીને રાજા ઘવાયો તો ખરો. પણ સાથે સાથે તેને એ ભાન પણ થયું કે જ્ઞાન કેટલી ઊંચી વસ્તુ છે કે તેની આગળ રૈક્વને આ મૂલ્યવાન વસ્તુઓ પણ તુચ્છ લાગે છે. એટલે જ્ઞાન તો ગમે તે ભોગે મેળવવું જ રહ્યું, એવા સંકલ્પ સાથે તે પોતાના રાજ્યમાં પાછો આવ્યો. એના હૃદયમાં હવે જ્ઞાન મેળવવાની ઝંખના વધુ ને વધુ પ્રબળ બનવા લાગી. તેણે ફરી એકવાર પ્રયત્ન કરવાનું નક્કી કર્યું. આ વખતે તે વધુ વિનમ્ર્ર બનીને ગયો. આ વખતે તે પોતાની સાથે છસ્સોને બદલે હજાર દૂધાળી, વાછરડાવાળી ગાયો, બે રથ, બે સુવર્ણહાર અને ઘણાં સુવર્ણ સિક્કાઓ તથા રૈક્વને પરણાવવા માટે પોતાની પુત્રીને પણ લઈને આવ્યો હતો. ‘પ્રભો, આ આપના માટે છે, આપ સ્વીકારો એમ કહીને વિનમ્ર્રભાવે હાથ જોડીને રૈક્વની સામે ઊભો રહ્યો. રૈક્વે જોયું કે હવે રાજાની જ્ઞાન મેળવવાની આંતરિક તૈયારી પૂરી થઈ ચૂકી છે. તેની જ્ઞાનપિપાસા સાચી છે. આથી પછી તેણે રાજાને સંવર્ગ વિદ્યાનો ઉપદેશ આપ્યો. તેમણે સમજાવ્યું કે લોકો જુદા જુદા દેવોને મુખ્ય માનીને પૂજે છે, પણ તે બધામાં અગ્નિ અને વાયુ એમ બે મુખ્ય છે. પણ તેમાંય મુખ્ય તો વાયુદેવ જ છે. કેમકે જ્યારે અગ્નિ શાંત થઈ જાય છે, ત્યારે તે વાયુમાં મળી જાય છે. જો આપણી આજુબાજુ આ વાયુ હવા સ્વરૂપે ન હોય તો જીવન જ ન હોય. વળી હવા વગર સૂર્યપ્રકાશ આપણા સુધી પહોંચી ન શકે, તો પૃથ્વી ઉપર વનસ્પતિ ન થાય, તો પ્રાણીજીવન કે મનુષ્ય જીવન પણ ન ટકે. આમ વાયુ જ મુખ્ય છે. આપણી બહાર તે દેવ વાયુરૂપે છે, જ્યારે આપણી અંદર તે દેવ પ્રાણરૂપે રહેલા છે. પરંતુ વાસ્તવમાં બંને એક જ છે. તે પરમસત્નું જ સ્વરૂપ છે. બ્રહ્મ છે.

રૈક્વે, પછી એક રૂપક વાર્તા દ્વારા બ્રહ્મને વિશેષ રૂપે સમજાવ્યું. તેમણે કહ્યું : ‘એક દિવસ શૌનક અને કાક્ષસેની જમવા બેઠા હતા. એ વખતે બ્રહ્મની ઉપાસના કરનારો એક બ્રહ્મચારી યુવક ત્યાં આવ્યો, અને આ બંને પાસે ખાવાનું માંગ્યું. ત્યારે આ લોકોએ ના પાડી, ત્યારે તે બ્રહ્મચારીએ કહ્યું કે, ‘તમે મારી અંદર રહેલા બ્રહ્મનો અનાદર કર્યો છે.’ આ સાંભળીને તેઓ બંને તેની સામુ જોઈ રહ્યા. પછી તેમાંના એકે કહ્યું : ‘શું બ્રહ્મ ફક્ત તારી અંદર જ વિદ્યમાન છે? એ ક્યાં નથી એ તો કહે. બ્રહ્મ જ સર્વ દેવોનું ફળ છે, બ્રહ્મ જ સર્વ પદાર્થોનું પણ મૂળ છે. બ્રહ્મ બધાંનું ભક્ષણ કરે છે, પણ એ પોતે તો અભક્ષ્ય છે, એટલે કોઈ તેનું ભક્ષણ કરી શકતું નથી. આ રીતે તેમણે અભિમાની બ્રહ્મચારીને બ્રહ્મનો પાઠ શીખવાડ્યો. અને પછી ભોજન પણ આપ્યું. ‘રૈક્વે આગળ સમજાવતાં કહ્યું; આ રૂપક વાર્તા એ કહે છે કે, જે કંઈ આધિદૈવિક છે, જેમકે સૂર્ય, ચંદ્ર, તારા વગેરે, તેમ જ જે કંઈ આધિભૌતિક છે, જેમકે આપણી આસપાસના સઘળા પદાર્થો અને જે કંઈ આધ્યાત્મિક છે, જેમકે આપણી અંદર રહેલું સત્ તત્ત્વ – આ બધું જ બ્રહ્મ છે. બ્રહ્મની બહાર કશું જ નથી. – હે રાજન્ આ જ્ઞાન સાથે તું તારું રાજ્ય ચલાવ. તું દાન આપ પણ તે અહંભાવમાંથી નહીં, કીર્તિની આકાંક્ષાથી નહીં, પણ મુક્ત રીતે, ઉદારતાથી આપ. આ તારું છે, એમ માનીને નહીં, પણ એ પરમતત્ત્વનો જ હિસ્સો છે, એમ માનીને આપ. જેઓ બ્રહ્મને જાણે છે, તેમને કશું જ બાંધી શકતું નથી. તેઓ દૃષ્ટા બને છે  અને તેઓ જ સાચા આનંદને પ્રાપ્ત કરે છે.’ રૈક્વની વાણીએ રાજાની જ્ઞાનભૂખને તૃપ્ત કરી. તેનામાં સાચા જ્ઞાનનો ઉદય થયો. બ્રહ્મની અનુભૂતિથી જગતને જોવાની નવી દૃષ્ટિ મળી અને તેણે રૈક્વનાં ચરણોમાં પ્રણિપાત કરી આશીર્વાદ મેળવ્યા અને જ્યારે તે પોતાના નગરમાં પાછો ફર્યો ત્યારે તેના મુખ પર સંતુષ્ટિની શાંતિ અને જ્ઞાનની આભા છવાયેલાં હતાં.

Total Views: 28

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.