તા. ૧૨મી જાન્યુઆરી, ૨૦૦૬ના રોજ, રાષ્ટ્રિય યુવા દિન નિમિત્તે ‘વિવેકાનંદ ઈન્સ્ટિટયૂટ ઓફ વેલ્યુ એજયુકેશન એન્ડ કલ્ચર’ના ઉદ્‌ઘાટન પ્રસંગે રામકૃષ્ણ મિશન, પોરબંદરમાં યોજાયેલ યુવા સંમેલનમાં તત્કાલીન રાષ્ટ્રપતિશ્રી ડો. એ.પી.જે. અબ્દુલ કલામે આપેલ પ્રવચન વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં.

અદમ્ય ચેતના :

રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ દ્વારા નિર્મિત ‘વિવેકાનંદ ઇન્સ્ટિટયૂટ ઓફ વેલ્યુ એજ્યુકેશન એન્ડ કલ્ચર’ના ઉદ્‌ઘાટન સમારોહમાં તથા યુવા સંમેલનમાં ભાગ લેતાં હું ખરેખર આનંદ અનુભવી રહ્યો છું, આ કાર્યક્રમમાં ભાગ લઈ રહેલાં સર્વને, – વ્યવસ્થાપકો, પ્રાચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ, માતાપિતાઓ અને અન્ય આમંત્રિત મહાનુભાવો, આ સર્વને હું અભિનંદન પાઠવું છું. અહીં હું તમારી સાથે છું, ત્યારે મને સ્વામી વિવેકાનંદનું એક વાક્ય યાદ આવે છે. ‘ધન્ય છે એ લોકો જેમનાં હૃદય પવિત્ર છે, કારણ કે તેઓ ઈશ્વરનાં દર્શન કરી શકશે! હૃદયની પવિત્રતા ઈશ્વરનું દર્શન કરાવશે.’ ખરેખર વિશ્વના સમગ્ર સંગીતનો આ મુખ્ય સાર છે. એ વિચારે મારા અંત:કરણ પર અસર કરી છે. મને ‘અદમ્ય ચેતના’ એ વિષય પર બોલવું ગમશે.

પ્રિય યુવા મિત્રો, હમણાં જ મેં ‘વિવેકાનંદ ઇન્સ્ટિટયૂટ ઓફ વેલ્યુ એજ્યુકેશન એન્ડ કલ્ચર’ સંસ્થાનું ઉદ્‌ઘાટન કર્યું. જ્યારે હું યુવાનોને સંબોધવા માટેના વિષયની તૈયારી કરી રહ્યો હતો, ત્યારે મને એક અદ્વિતીય પત્ર મળ્યો. આ પત્ર મેં જમશેદપુરના તાતા-પ્રદર્શનમાં જોયો હતો. જે પત્ર હું વાંચવાનો છું, એના વિષે તમે સહુ જાણો એમ હું ઇચ્છું છું. આ પત્ર યુવાનોને ઘણો જ મહત્ત્વનો સંદેશ આપે છે.

પ્રિય સ્વામી વિવેકાનંદ,

આશા રાખું છું કે જાપાનથી શિકાગો સુધીની દરિયાઈ સફરના આ સહયાત્રીનું આપને સ્મરણ હશે. આપના જે વિચારો હતા કે ભારતવર્ષમાં ત્યાગ-તપસ્યાનો જે આદર્શ પુન:જાગ્રત થઈ રહ્યો છે, તેને નષ્ટ કરવાનું આપણું ધ્યેય નથી. પરંતુ તેને રચનાત્મક કાર્યો તરફ વાળવાની વિશેષ જરૂરત છે, આ બાબતનું હવે મને વિશેષ સ્મરણ થઈ રહ્યું છે.

વિજ્ઞાન સંશોધન સંસ્થાના સંદર્ભમાં જ હું આપના વિચારોને યાદ કરી રહ્યો છું, જેના વિષે આપે જરૂર વાંચ્યું કે સાંભળ્યું હશે. મારા મંતવ્ય પ્રમાણે એવા આશ્રમો કે નિવાસ ગૃહોની સ્થાપના કરવી જોઈએ કે જ્યાં ત્યાગવ્રત ધારણ કરનારા લોકો સાદું જીવન વ્યતીત કરવાની સાથે ભૌતિક અને માનવીય વિજ્ઞાનોની ચર્ચામાં પોતાનું જીવન સમર્પિત કરી શકે. તો ત્યાગ ભાવનાની આથી વધારે સારી ઉપયોગિતા બીજી ન હોઈ શકે. મને લાગે છે કે આ પ્રકારની જેહાદની જવાબદારી જો કોઈ યોગ્ય નેતા ઉપાડી લે તો તેનાથી ધર્મ અને વિજ્ઞાન બંનેની પ્રગતિ થશે. તથા આપણા દેશની કીર્તિ પણ ફેલાશે, અને આવી ચળવળના ‘જનરલ’ રૂપે વિવેકાનંદથી વધારે સુયોગ્ય પાત્રની કલ્પના કરી શકતો નથી. આપણી રાષ્ટ્રીય પરંપરાઓને આ રસ્તે પુનર્જિવિત કરવા માટે શું આપ સમર્પિત થઈ શકશો? આ દિશામાં જનજાગ્રતિ લાવવા માટે સૌ પ્રથમ, ઘણું કરીને આપ આપની આગ ઝરતી વાણીમાં એક પેમ્ફલેટ લખશો, જેનો પ્રકાશન ખર્ચ હું સહર્ષ સ્વીકારીશ.

હું છું, પ્રિય સ્વામી,


આપનો વિશ્વાસુ,
જમશેદજી એન. તાતા

૨૩ નવેમ્બર, ૧૮૯૮, એસ્પ્લાનેડ હાઉસ, મુંબઈ.

મિત્રો, શું આપ જાણો છો કે ૧૮૯૮માં આ પત્ર કોણે કોને લખ્યો હતો? સ્વામી વિવેકાનંદને ભારતમાં વિજ્ઞાન માટેની ‘રિસર્ચ ઇન્સ્ટિટયૂટ’નું અધ્યક્ષપદ લેવા માટે જમશેદજી એન. તાતાએ આ પત્ર લખ્યો હતો. પ્રગતિશીલ ઉદ્યોગપતિ જમશેદજી તાતાની હિંમત અને દૃષ્ટિની કલ્પના કરો કે તેમણે એક આધ્યાત્મિક નેતાને પત્ર લખ્યો હતો! જાપાનથી અમેરિકા સુધીની યાત્રા દરમિયાન જે એક મહત્ત્વની ઘટના બની હતી, તેમાંથી તેમને આ શક્તિ મળી હતી.

આ પ્રસંગે મને સ્વામી વિવેકાનંદ અને જમશેદજી તાતાની સ્ટીમરમાં થયેલી મુલાકાત વિષે કહેવાનું ગમશે. તે ૧૮૯૩માં બન્યું. સ્ટીમર જાપાનથી અમેરિકા જઈ રહી હતી. આ સ્ટીમરમાં સેંકડો લોકો હતા. તેમાં બે મહાન વ્યક્તિઓ પણ હતી; સ્વામી વિવેકાનંદ અને જમશેદજી તાતા. સ્વામીએ જમશેદજીને પૂછયું કે તેઓ શા માટે અમેરિકા જઈ રહ્યા છે? ત્યારે તેમણે કહ્યું કે ભારતમાં લોખંડના ઉદ્યોગને લાવવા માટે તેઓ અમેરિકા જઈ રહ્યા છે. સ્વામી વિવેકાનંદે તેમને આશીર્વાદ આપ્યા અને તેમણે સૂચવ્યું કે ‘લોખંડ ઉદ્યોગના બે ભાગ છે, એક, લોખંડ-ઉદ્યોગનું વિજ્ઞાન અને બીજો, તેના ઉત્પાદનની ટેકનોલોજી… ભૌતિક ટેકનોલોજીમાં તમે આ દેશમાં શું લાવશો? તમારે તો આ જ દેશની અંદર ભૌતિક વિજ્ઞાનનો પાયો નાખવો જોઈએ.’ જમશેદજી વારંવાર વિચાર કરવા લાગ્યા અને પછી તેમણે નિર્ણય કર્યો. એ પહેલાં જમશેદજી જ્યારે લંડન ગયા હતા, ત્યારે તેમણે ત્યાંના લોખંડ ઉદ્યોગના ઉદ્યોગપતિઓને સ્ટીલ પ્લાન્ટ માટેની ટેકનોલોજી આપવા પૂછયું. ત્યારે એ ઉદ્યોગપતિઓએ પહેલાં તો જમશેદજી તાતા સામે જોયું અને પછી કહ્યું : ‘જો ભારતીયો સ્ટીલ બનાવશે તો બ્રિટીશરો એ ખાઈ જશે!’ પછી જમશેદજીએ એટલાન્ટિક પાર કર્યો અને અમેરિકનો સાથે વાત કરી. તેઓ લોખંડ ઉદ્યોગના ઉત્પાદનની ટેકનોલોજીને ભારતમાં લાવ્યા અને જમશેદપુરમાં તાતા સ્ટીલ – ઉદ્યોગની સ્થાપના કરી. એમણે લોખંડ –  ઉદ્યોગનું બીજ વાવ્યું અને સ્ટીલ – ઉદ્યોગના વિકાસ માટે કામ કર્યું. આજે જમશેદજી નથી પણ તેમના કારખાનામાં સાત મિલિયન ટનનું ઉત્પાદન પ્રતિવર્ષ થઈ રહ્યું છે. દૃષ્ટા જમશેદજીએ પોતાની અસ્ક્યામતોનો એક ભાગ સાયન્સ ઇન્સ્ટિટયૂટ સ્થાપવા માટે આપી દીધો, તેના પરિણામે આજે બેંગ્લોરમાં ‘ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ’ તરીકે જાણીતી સંસ્થા અસ્તિત્વ ધરાવે છે. આ શ્રોતાઓને હું એ સંદેશ આપવા ઇચ્છું છું કે સ્વપ્નાંઓ વિઝનને સર્જે છે, વિઝન વિચારોનું સર્જન કરે છે, અને વિચારો કાર્યને દોરે છે. જમશેદજીએ આ દેશમાં બે સ્થાપના કરી – એક તો લોખંડ ઉદ્યોગની સ્થાપના, અને બીજી ‘એજ્યુકેશનલ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ’ની સ્થાપના. એટલા માટે ધ્યેય રાખો, ખંતથી વળગી રહો અને સફળતા માટે અથાક પરિશ્રમ કરો. હવે તમે જમશેદજી તાતાના વિવેકાનંદ પરના પત્રનું મહત્ત્વ સમજી શક્યા હશો. જમશેદજી જેવા દૃષ્ટા, સ્વામીજીના આશીર્વાદથી પોતાના ભંડોળ દ્વારા ૧૯૦૫માં ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સની સ્થાપના કરી શક્યા. ‘ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ (IISC) મહાન માનસના વિઝનમાંથી જન્મી છે, જે અનુસ્નાતક કક્ષાનું શિક્ષણ આપતી વિજ્ઞાનની એક આગવી સંશોધન સંસ્થા છે. સ્વામી વિવેકાનંદના સ્વપ્નમાંથી આ સંસ્થા સર્જાઈ છે. તેની પાસે વિજ્ઞાનની એક ઉત્તમ પ્રયોગશાળા છે, જે વિવિધ R & D પ્રયોગશાળાઓ, ઉદ્યોગોના વિકાસ, ભૌતિક ઉત્પાદન માટેનાં શ્રેષ્ઠ સંશોધનોનાં પરિણામો પૂરાં પાડે છે.

આ ‘ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ’ વિશ્વમાં ભૌતિક વિજ્ઞાન, અવકાશક્ષેત્ર, ટેકનોલોજી, જ્ઞાન સર્જન, બાયો સાયન્સ અને બાયો ટેકનોલોજી માટેનાં વિવિધ ક્ષેત્રો માટે સર્વશ્રેષ્ઠ સંસ્થા છે. આ એક એવી સંસ્થા છે કે જ્યાં ટેકનોલોજીનું રૂપાંતર બાયોટેકનોલોજી, ઈન્ફર્મેશન ટેકનોલોજી અને નેનો ટેકનોલોજી જેવાં સ્વરૂપે થાય છે, તેનાં પરિણામો સૂર્ય ઊર્જાની ક્ષમતા, આરોગ્ય સંભાળ અને ઔષધી વિતરણ વ્યવસ્થામાં સુધારો કરીને પ્રબળ અસર ઉપજાવશે. આ સંસ્થાએ અવકાશ કાર્યક્રમો, સંરક્ષણ કાર્યક્રમો અને ઘણી સામાજિક સેવા સંસ્થાઓનાં સંશોધનો અને વિકાસની યોજનાઓમાં ભાગ લીધો છે.

રાષ્ટ્રનું ધ્યેય યુવાન માનસને પ્રજ્જ્વલિત કરે છે :

આપણું રાષ્ટ્ર, કરોડોની વસ્તીમાંના ૨૬૦ મિલિયન (૨૬કરોડ) લોકો જે ગરીબીની રેખાની નીચે જીવી રહ્યા છે, તેમનું ઉત્થાન કરવાના મહત્ત્વના પડકારમાંથી પસાર થઈ રહ્યું છે. આ ઉપરાંત આપણે ગરીબીની રેખા નીચે જીવતા અથવા તેનાથી જરાક ઉપર રહેલા કરોડો લોકોને પણ ઉત્તમ જીવન આપવાનું તેમને સારા આવાસની, વાજબી વેતનવાળા કાર્યની, ખોરાકની, ઝડપથી મળે તેવી તબીબી સારવારની, શિક્ષણની અને અંતે આખું જીવન ઉજ્જ્વળ ભવિષ્યની આશાની જરૂર છે. આપણી જીડીપી પ્રતિવર્ષ સરેરાશ ૮ %થી પણ વધારે દરે વધે છે. જ્યારે અર્થશાસ્ત્રીઓ એવું સૂચવે છે કે આપણું અર્થતંત્ર પ્રતિવર્ષ દશ ટકાના દરે સ્થિરતાપૂર્વક એક દશકા સુધી વધે તો ગરીબીની રેખાની નીચે જીવતા લોકોને ઊંચે લાવી શકાય.

સમન્વિત કાર્યો :

એક બિલિયન (૧૦ કરોડ) લોકોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આપણું ધ્યેય ભારતને વિકસિત રાષ્ટ્રમાં પરિવર્તિત કરવાનું છે. આ સમન્વિત કાર્યોને શક્ય બનાવવા માટેનાં પાંચ મુખ્ય ક્ષેત્રો આપણે શોધી કાઢયા છે.

(૧) એગ્રિકલ્ચર એન્ડ ફુડ પ્રોસેસિંગ (૨) એજ્યુકેશન એન્ડ હેલ્થ કેર (૩) રિલાયેબલ એન્ડ કવોલિટી ઇલેકટ્રિક પાવર, સરફેઈસ ટ્રાન્સપોર્ટ, દેશના બધા ભાગોનું ઇન્ફ્રાસ્ટ્રકચર (૪) ઇર્ન્ફોમેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી (૫) સ્ટ્રેટેજિક સેકટર

આ પાંચ ક્ષેત્રો એકબીજા સાથે ગાઢ સંકળાયેલાં છે. અને જો તેનો ધ્યેયના રૂપે અમલ કરવામાં આવે તો આપણે આપણા દેશને આહાર, આર્થિક અને રાષ્ટ્રીય સલામતી પૂરાં પાડી શકીએ. આને શક્ય બનાવવા રાષ્ટ્રે પૂરાં પાડેલા વાતાવરણ વિષે જાણવું કદાચ તમને ગમશે.

પોષક વાતાવરણ : ભારત નિર્માણ પ્રોગ્રામ :

ભારત સરકારે, ખાસ કરીને ગ્રામ્ય વાતાવરણમાં આંતર માળખાનું સર્જન કરવા માટે, ધંધાકીય વિકાસ માટે ચાર વર્ષની ભારત નિર્માણ નામની યોજના ઊભી કરી છે. તેના છ વિભાગો છે. જેવાં કે સિંચાઈ, રસ્તાઓ, પાણી પુરવઠો, આવાસ, ગ્રામ્ય વિદ્યુત અનેગામડાઓમાં ટેલિફોનિક જોડાણ. ભારત નિર્માણનાં વિશાળ ધ્યેયો આ પ્રમાણે છે:

* ૧૦ મિલિયન હેકટર (૧ કરોડ હેકટર) જમીનને ખાતરીવાળી સિંચાઈ હેઠળ આવરી લેવી. * જ્યાં એક હજારની વસ્તી હોય (અથવા ડુંગરાળ આદિવાસી ક્ષેત્રોમાં ૫૦૦ની વસ્તી હોય) તેવાં દરેક ગામડાંઓને રસ્તાઓની સગવડ પૂરી પાડવી. * ગરીબો માટે વધારાના ૬૦ લાખ આવાસો બાંધવા. * બાકી રહેલા ૧૨૫૦૦૦ ગામડાંઓને વીજળી પૂરી પાડવી તેમજ ૨૩ મિલિયન (૨૩૦ લાખ) ઘરોને વીજળીનું જોડાણ આપવું. * બાકી રહેલાં ૬૭૦૦૦ ગામડાંઓમાં ટેલિફોનનું જોડાણ આપવું. આ યોજનાનો અંદાજિત ખર્ચ ૧૭૪૦ બિલિયન રૂપિયા (૧૭૪૦૦૦ કરોડ રૂા.) છે. આવતા ચાર વર્ષમાં આ યોજના પૂરી કરવાની છે. સરકારે ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન સામાજિક ક્ષેત્રના કાર્યક્રમો માટે વધારાના ૨૫૦ બિલિયન રૂા. (રૂા. ૨૫,૦૦૦ કરોડ) મંજૂર કર્યા છે. ભારત નિર્માણ તેના આયોજનમાં અને અમલીકરણમાં પંચાયતી રાજની સંસ્થાઓનો સમાવેશ કરશે. ઁેંઇછ દ્વારા કે જ્યાં સર્વાંગી વિકાસ શક્ય છે, ત્યાં ધ્યેયની પ્રક્રિયા માટેના સંચાલકીય માળખાંની ઉત્ક્રાંતિ કરવી એ પડકારરૂપ કાર્ય છે.

ગ્રામ્ય ધિરાણ વધારવું :

બેંકો હાલની ૯૦૦ બિલિયનના ધિરાણને બદલે રૂા. ૨૦૦૦ બિલિયનનું ધિરાણ કૃષિ અને એગ્રો પ્રોસેસિંગ માટે આ ગાળામાં પછીના ત્રણ વર્ષમાં આપવા સંમત થઈ છે. PURAનાં મકાનોનું બાંધકામ અને PURAનાં ક્ષેત્રમાં નાના ઉદ્યોગો શરૂ કરવા માટે તેઓ અગાઉથી ધિરાણ આપશે.

નેશનલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી બિલ :

ખાસ કરીને દેશના કેટલાક વધુ પછાત પ્રદેશોને સલામતીની ખાતરી આપવા માટે અને જેઓ વિકાસની પ્રક્રિયાને કારણે પાછળ રહી ગયા છે, એવા લોકોની સંભાળ રાખવા માટે કેન્દ્ર સરકાર નેશનલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી બિલ સાથે આગળ આવી છે. રાષ્ટ્રના કેટલાક સહુથી વધારે પછાત જિલ્લાઓના દરેક ગરીબ પરિવારના ઓછામાં ઓછા એક માણસને ઓછામાં ઓછી ૧૦૦ દિવસની રોજગારીની કાયદાકીય ખાતરી આ બિલ પૂરું પાડે છે. આ કાર્યક્રમ ધીમે ધીમે બધા જ ગ્રામ્ય વિસ્તારોમાં વિસ્તરતો જશે. મેં સૂચન કર્યું છે કે ‘ગેરંટીડ રૂરલ એમ્પ્લોયમેન્ટ સ્કીમ’ સાથે પુરા (PURA) માટે આવશ્યક આંતર માળખાકીય કાર્યોનું પ્રત્યક્ષ જોડાણ હોવું જોઈએ.

સંભવિત રોજગારીનું સર્જન :

તમે જ્યારે શિક્ષણનો અમુક તબક્કો પૂરો કરો છો ત્યારે તમે સમાજની સક્રિયતામાં પ્રવેશો છો. અલબત્ત તમે સંશોધન, વિકાસ, કૃષિક્ષેત્ર, ઉદ્યોગો, સેવાઓ કે જેમાં ICTની સેવાનો સમાવેશ થાય છે, આ બધાં ક્ષેત્રોમાં કારકિર્દી માટે તપાસ કરો છો. ૨૬મી જાન્યુઆરી, ૨૦૦૫ના રોજ ૭૬ મિલિયન (૭ કરોડ ૬૦ લાખ) લોકો માટે રોજગારીની તકો ઊભી કરવા માટે મેં રાષ્ટ્રને એક યોજના આપી છે. તેમાં આઠ ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે. જેમાં ‘બાયોફયુઅલ જનરેશન, પડતર જમીન વિકાસ, પાણી પુરવઠો, બામ્બુ મિશન (વાંસ વન વિસ્તરણ યોજના) ટેક્ષટાઈલ મિશન (કાપડ ઉદ્યોગ) ફલાઈ એશનું સંપત્તિમાં રૂપાંતર  (Converting Fly ash into wealth generator) આરોગ્ય અને ગ્રામ્ય શિક્ષણ કેન્દ્રનો સમાવેશ થાય છે. હવે તમે ઉદ્યોગ સાહસિક કેવી રીતે બની શકો, તેની ચર્ચા કરવી મને ગમશે.

ઉદ્યોગ સાહસિકતા દ્વારા રોજગારી સર્જન :

આપણી ઉચ્ચશિક્ષણ પદ્ધતિમાં સંગીન વિકાસ થયો છે, તેથી આપણે પ્રતિવર્ષ ૩૦ લાખ સ્નાતકો બહાર પાડી રહ્યાં છીએ. ખાસ કરીને વિવિધ વ્યવસાયલક્ષી કોલેજો દ્વારા ઘણું કરીને ૩ લાખ એન્જિનિયરો દર વર્ષે બહાર પડે છે. તે ઉપરાંત ૧૦ અને ૧૦ + ૨ના વર્ગને પૂર્ણ કરેલા લગભગ ૭ મિલિયન (૭૦ લાખ) વિદ્યાર્થીઓ તો જુદા. આપણી રોજગાર નિર્માણ વ્યવસ્થા કંઈ એ સ્થિતિમાં નથી કે યુનિવર્સિટીઓ દ્વારા પાસ થતા બધા સ્નાતકોને રોજગારી પૂરી પાડી શકે. તેથી વરસોવરસ શિક્ષિત બેકારોમાં વધારો થતો જાય છે. આ પરિસ્થિતિ સામાજિક માળખામાં અસલામતી ઊભી કરે છે. શિક્ષણને વધુ આકર્ષક બનાવવા માટે વૈવિધ્યપૂર્ણ માળખું જરૂરી છે અને સાથે સાથે શક્ય તેટલી રોજગારીનું સર્જન કરવાની પણ જરૂર છે. આપણે તે કેવી રીતે કરવું?

આપણે તે કરી શકીશું :

સર્વ પ્રથમ તો શિક્ષણ પદ્ધતિ, અભ્યાસની રીત એવી હોવી જોઈએ કે વિદ્યાર્થીઓમાં ‘અમે તે કરી શકીશું’ આવો આત્મવિશ્વાસ જાગી ઊઠે. શિક્ષકો અનુભવી હોવા જોઈએ. અથવા તો કૃષિક્ષેત્ર, ઉત્પાદન અને સેવાકીય ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરનારાં અગ્રણીઓનાં વ્યાખ્યાનો યોજવા જોઈએ. આ બધું શિક્ષણના ભાગ રૂપે હોવું જોઈએ. ઉપરાંત અનેક પડકારરૂપ પરિસ્થિતિમાંથી સફળતાપૂર્વક બહાર આવ્યા હોય, તેવા મહાપુરુષોની જીવનકથાનું વાંચન પણ શિક્ષણના ભાગરૂપે હોવું જોઈએ.

ઉદ્યોગ સાહસિકતાની તાલીમ :

શિક્ષણ પદ્ધતિએ ઉદ્યોગ સાહસિકતાના મહત્ત્વને પ્રકાશમાં લાવવું જોઈએ. કોલેજના શિક્ષણની શરૂઆતથી જ વિદ્યાર્થીઓને નાના ઉદ્યોગો અને સાહસોની સ્થાપના માટે અને ગ્રામ્ય વિસ્તારના સાહસો માટે વ્યક્તિગત કે સામૂહિક રીતે પ્રેરિત કરવા જોઈએ કે જે તેમને સંપત્તિના ઉપાર્જન માટે સર્જનાત્મકતા, સ્વતંત્રતા અને સક્ષમતા પૂરાં પાડે.

સાહસો માટેની મૂડી :

ત્રીજું, બેંક વ્યવસ્થાએ નવાં સાહસો શરૂ કરવા માટે ગ્રામ્ય સ્તરથી માંડીને ઉજ્જ્વળ ભવિષ્યવાળા ઉદ્યોગ સુધી સાહસિકોને પહોંચવા માટે, સાહસ માટેની મૂડી પૂરી પાડવી જોઈએ. બેંકોએ નવી વસ્તુના ઉત્પાદનને ટેકો આપવા માટે વધુ સક્રિય બનવું જોઈએ. જેથી પરંપરાગત, ઓછી ટકાઉ અસ્ક્યામતોની વસ્તુઓની તરેહને બાજુએ મૂકીને યુવા સાહસિકોને સંપત્તિના ઉપાર્જન માટે સશક્ત બનાવી શકે. આમાં ચોક્કસ, ગણતરીપૂર્વકનાં જોખમોનો સમાવેશ થાય છે, તે સફળ સાહસ મૂડીવાળા ઉદ્યોગોના વિશ્લેષણથી નિવારી શકાય છે.

ઉપસંહાર (અદમ્ય ચેતના) :

વિદ્યાર્થીઓ શૈક્ષણિક સંસ્થાઓમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કરી તકોની દુનિયામાં પ્રવેશ કરે છે, ત્યારે તેઓમાં શિક્ષણમાંથી અને મહાન વ્યક્તિત્વોના સંપર્કથી  પ્રાપ્ત કરેલ અદમ્ય જુસ્સા સાથેનો આત્મ-વિશ્વાસ જરૂરી છે. જો લોકો ઊંચું વિચારે તો રાષ્ટ્ર મહાન બને છે.ઘણું કરીને ભારતની યુવા પ્રજામાં ચોક્કસપણે આત્મગૌરવ અને આત્મવિશ્વાસ છે. વિકસિત ભારતનાં ધ્યેયોના પડકારો યુવા વર્ગના સુગ્રથિત અને કેન્દ્રિત પ્રયત્નો ઝંખે છે. કોઈપણ ધ્યેયની સફળતા માટે અદમ્ય જુસ્સાની જરૂર છે. ચાલો હવે આપણે અદમ્ય જુસ્સાનાં લક્ષણોનો અભ્યાસ કરીએ. તેના બે ભાગ છે. પ્રથમ એ કે સિદ્ધિઓના ઊંચા ધ્યેયને પામવા માટે એક વિઝન હોવું જોઈએ. ૨૨૦૦ વર્ષ પહેલાં તિરુકુરલના તિરુવલ્લુવર નામના સંત કવિએ લખેલી બે પંક્તિ મને યાદ આવે છે. તેનો અર્થ એ છે કે નદી, તળાવ કે સરોવરની ઊંડાઈ ગમે તે હોય, પાણીની સ્થિતિ ગમે તેવી હોય, પણ તેમાં કમળ તો હંમેશા ઊગે છે અને ખીલે છે. એ જ રીતે જો ધ્યેયને સિદ્ધ કરવા માટેનો દૃઢ નિશ્ચય હોય તો ગમે તેવી જટિલ સમસ્યાઓનો પણ વ્યક્તિ ઉકેલ લાવીને સફળતા પ્રાપ્ત કરે છે.

બીજું પાસું એ છે કે ધ્યેયને પરિપૂર્ણ કરવાના માર્ગે આવતાં બધાં જ વિઘ્નોને પાર કરવાની ક્ષમતા હોવી. આપણામાંના ઘણાં મોટા કાર્યક્રમો અને યોજનાઓમાંથી પસાર થયા છે. આપણે એ પણ અનુભવ્યું હશે કે સફળતા એકવારમાં જ પ્રાપ્ત થતી નથી અને તેમાં ઘણાં વિઘ્નો હોય છે. એ જ કવિ આ ક્ષણે આપણને બીજી પંક્તિ દ્વારા યાદ અપાવે છે. તેનો અર્થ એ કે સફળ નેતાઓ કદી વિઘ્નોથી પરાજિત થતા નથી. તેઓ સંજોગોના સ્વામી બનીને વિઘ્નોને પરાજિત કરે છે.

હું માનું છું કે આ બંને પંક્તિઓ અદમ્ય ચેતનાના લક્ષણને પ્રગટ કરે છે, મને ખાતરી છે કે અહીં એકત્રિત થયેલા તમે બધા આ પ્રસંગને અનુરૂપ ઊંચે ઊઠશો અને સુજ્ઞ નાગરિકો રૂપે નેતાઓનો વિકાસ કરશો.

આજે સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ છે, ચાલો આપણે આપણી જાતને પુન: સમર્પિત કરીએ કે જેથી આપણે તેમનાં દર્શનને પચાવી શકીએ, અને આપણાં સમાજના ઉત્કર્ષ માટેના એમના આદર્શોના આવિર્ભાવ માટે કાર્ય કરી શકીએ. આ શબ્દો સાથે હું ‘વિવેકાનંદ ઇન્સ્ટિટયૂટ ઓફ વેલ્યુ એજ્યુકેશન એન્ડ કલ્ચર’નું ઉદ્‌ઘાટન કરું છું. આપણા સમાજના દરેક સભ્યોને મૂલ્યનિષ્ઠ શિક્ષણ પ્રાપ્ત થાય તે માટેના અને તેને આગળ ધપાવવાનાં કાર્ય માટે, અહીં ઉપસ્થિત રહેલા સર્વ સભ્યોને મારી શુભકામનાઓ પાઠવું છું.

ઈશ્વરની કૃપા સર્વ ઉપર ઊતરો.

Total Views: 18

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.