એક બાળકે મને પૂછ્યું, ‘મહાશય, આપ જ્યારે નાના હતા, ત્યારે કઈ ઘટનાએ આપના ઉપર ઊંડો પ્રભાવ પાડ્યો ?’ જ્યારે હું મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં છું, ત્યારે મને એક પ્રસંગ કહેવાની ઇચ્છા થાય છે.

તે સમયે હું આઠમા ધોરણમાં હતો. હું મારી શાળાનો મોનિટર હતો. એ દિવસ હતો 15મી ઓગસ્ટ, 1947નો. મારા શિક્ષકે કહ્યું કે મધ્યરાત્રીએ આપણને સ્વતંત્રતા મળશે. તેથી રેડિયો પર જીવંત પ્રસારણ સાંભળવા બધા જ વિદ્યાર્થીઓને તે દિવસે શાળામાં એકત્ર કરવા. બરાબર મધ્યરાત્રીના 12 વાગ્યે બ્રિટિશ ધ્વજને ઉતારવામાં આવ્યો અને ભારતીય ધ્વજને લાલ કિલ્લા પર  ફરકાવવામાં આવ્યો. એ એક અદ્વિતીય અનુભવ હતો. પંડિતજી (જવાહરલાલ નહેરુ) હિન્દી અને અંગ્રેજીમાં બોલ્યા. પણ અમે તો બન્ને ભાષાઓમાંથી કંઈ પણ સમજી શક્યા નહીં કેમ કે અમે તો માત્ર તામિલ જ જાણતા હતા. તેમ છતાં અમને ખૂબ જ ખુશી થઈ.

બીજે દિવસે બે ફોટાઓ છપાયા હતા. પહેલા ફોટામાં પંડિતજીને ધ્વજ ફરકાવતા દેખાડ્યા હતા. એ જોઈને હું ખુશ થયો. જ્યારે બીજા ફોટાએ મારા સ્કૂલ, કોલેજ અને સમગ્ર જીવનના ઘડતરમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. એ ફોટો કયો હતો ? એ ફોટામાં હુલ્લડોમાં  ઘવાયેલા લોકોનાં દુ:ખોને દૂર કરવા માટે ખુલ્લે પગે શેરીમાં ફરી રહેલા મહાત્મા ગાંધીજીને બતાવવામાં આવ્યા હતા. નેતૃત્વની ઉદાત્તતા તમે જોઈ શકો છો. બીજા લોકો જ્યારે લાલ કિલ્લા પર વિજયની ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે મહાત્માજીએ તેમ નહોતું કર્યું. આ સ્પષ્ટપણે બતાવે છે કે સત્તા અને હોદ્દો તેમણે બીજા નેતાઓને આપ્યાં, પણ પોતે તો લોકોનાં દુ:ખદર્દને દૂર કરવામાં જ પ્રવૃત્ત રહ્યા. તેઓ મહાન નેતા હતા. આ ફોટાની ગહન છાપ મારા સમગ્ર જીવન ઉપર પડી છે. આપણામાં જીવનનું ઉમદાપણું, નેતૃત્વનું ઉમદાપણું અને આપણે જે કંઈ કાર્ય કરીએ તેમાં ઉમદાપણું હોવું જોઈએ.

મિત્રો, હું તમને કહેવા માગું છું કે તમે જે ભારતમાં રહો છો તે વિકસતું રાષ્ટ્ર છે. હું એવું ઇચ્છું છું કે તમે વિકસિત રાષ્ટ્રમાં રહો, વિકસિત ભારતમાં રહો. તે માટે કાર્યયોજના છે, ખાતરીભર્યું જીવનદર્શન છે.

ભારતના ટી.આઈ.એફ.સી.એ. દ્વારા ભારત કેવી રીતે વિકસિત દેશ બને તે માટેના 20 અંકોમાં દસ્તાવેજો બહાર પાડ્યા છે. આ દસ્તાવેજો કહે છે કે 300 મિલિયન લોકો એટલે કે ભારતનો 1/3 ભાગ ગરીબીની રેખા નીચે જીવે છે. આ ગરીબીને દૂર કરવા જીડીપી- ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ-એકંદર ઘરેલુ ઉત્પાદનવૃદ્ધિના દરને બમણો કરવો પડશે. જીડીપીને બમણો કરવા માટે પાંચ ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યાં છે :

  1. એગ્રિકલ્ચર એન્ડ ફૂડ પ્રોસેસીંગ
  2. એજ્યુકેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી
  3. ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી
  4. ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ
  5. ક્રિટિકલ ટેકનોલોજી

આ ધ્યેયને હાંસલ કરવા અસંખ્ય લોકોની જરૂર પડશે. આ ધ્યેય માટેના જરૂરી કાગળો સરકાર પાસે છે. મને આશા છે કે એ તાત્કાલિક મંજૂર થઈ જશે અને પછી હજારો લોકોએ આ કાર્યમાં જોડાવું પડશે.

ગયે વર્ષે મેં સૂર્યની પ્રદક્ષિણાનું 69મું ભ્રમણ પૂરું કર્યું. એટલે કે હું 69 વર્ષનો થયો. જ્યારે મેં 69મું વર્ષ પૂરું કર્યું અને 70મા વર્ષમાં પ્રવેશ કર્યો, ત્યારે બેંગ્લોરમાં રહેતા મારા મિત્રોએ મને 15મી ઓક્ટોબર, 2001ની મધ્યરાત્રીએ જણાવ્યું કે તેમણે મારા નામની વેબસાઈટ શરૂ કરી છે. સામાન્ય રીતે એક વેબસાઈટ શરૂ કરવી ઘણી ખર્ચાળ છે. વળી જેમના નામની વેબસાઈટ શરૂ કરવી હોય તેમની પરવાનગી પણ લેવી જરૂરી છે. પરંતુ મારા મિત્રો હોવાને કારણે મારી પરવાનગી લીધા વગર જ તેમણે વેબસાઈટ શરૂ કરી દીધી.

15મી ઓક્ટોબર, 2001ની મધ્યરાત્રીએ મારા મિત્રોએ જે લોકો મારી સાથે સંપર્ક કરવા માગતા હોય તેમના માટે મને બે સંદેશા મોકલવા કહ્યું. એ વખતે મેં તેમને જણાવ્યું કે મારો સંદેશ માત્ર 20 વર્ષથી નીચેના યુવાનો માટે જ છે. માત્ર 20 વર્ષથી નીચેના યુવાનો જ મારી સાથે પ્રશ્નોત્તરી કરી શકે, એ માટે મારા બે પ્રશ્નો આ પ્રમાણે છે.

  1. ભારત વિકસિત જી-8 દેશોની સરખામણીમાં વિકસતું રાષ્ટ્ર છે. મારો પહેલો પ્રશ્ન એ છે કે યુવાન કુમાર કે કુમારી હોવાના નાતે તમારા દેશને વિકસિત બનાવવામાં તમે કઈ રીતે ફાળો આપી શકો?
  2. બીજો પ્રશ્ન, ભારતનું ગીત હું ક્યારે ગાઈ શકું ?

જ્યારે તમે ભારતનું ગીત ગાઓ છો ત્યારે તમે ખુશ થાઓ છો. જ્યારે તમને સાચું શિક્ષણ આપવામાં આવે, જ્યારે તમને સારી નોકરી મળે, જ્યારે તમારા જીવનમાં દૃષ્ટિ અને મૂલ્યો પ્રસ્થાપિત થાય, ત્યારે તમે ભારતનું ગીત ગાશો. ભારતને વિકસિત રાષ્ટ્રમાં પરિવર્તિત કરવાનું અને ભારતનું ગીત ગાવાનું આ બન્ને આંતરિક રીતે જોડાયેલાં છે અને પરસ્પર આધારિત છે. એટલે મેં આ બે પ્રશ્નો વેબસાઈટ પર મૂક્યા છે. ફક્ત ત્રણ અઠવાડિયાંમાં જ મને ભારતમાંથી અને ભારતની બહારથી સેંકડો જવાબો મળ્યા. આ સેંકડો જવાબોમાંથી હું પસંદ કરેલા માત્ર ચાર જ જવાબો વિશે વાત કરીશ. 20 વર્ષની નીચેના એ ચાર યુવાનોએ પોતાના વિકસતા દેશને વિકસિત દેશમાં પરિવર્તિત કરવા કઈ રીતે ફાળો આપશે, એ વાત કરી.

મેઘાલયના શિલોંગનો 16 વર્ષનો વિદ્યાર્થી કહે છે કે મારે શિક્ષક બનવું છે. શિક્ષક એટલા માટે બનવું છે કે મારે શિક્ષણના પ્રકાશથી અજ્ઞાન અને નિરક્ષરતાના અંધકારને દૂર કરવો છે. હું દેશના રક્ષણ માટે સૈનિક બનવા ઇચ્છું છું. એટલે કે શિક્ષક બનીને નિરક્ષરના અંધકારને દૂર કરશે અને સૈનિક બનીને દેશનું રક્ષણ કરશે.

બીજી કેરાલાના કોટ્ટાયમની 15 વર્ષની કિશોરી છે. તેણે જણાવ્યું કે તે પોતે પુષ્પ જેવી છે. પણ તે પુષ્પ બની રહેવા માગતી નથી. તે કહે છે કે પુષ્પ તો સુગંધ, સૌંદર્ય અને મધ આપે છે. આમ છતાં પણ તે પુષ્પમાળા બનવા માગે છે કે જેથી તે લોકોનાં મનની એકતા સર્જવાનું કામ કરી શકે. જુઓ તો ખરા, બે યુવાનોનાં ભેજાંની ફળદ્રુપતા કેવી અદ્‌ભુત છે !

ત્રીજો યુવાન છે રાજસ્થાનનો. તે ઇલેક્ટ્રોન જેવું કાર્ય કરવા માગે છે. ઇલેક્ટ્રોન ધરીની આસપાસ સતત ફર્યા કરે છે. એ જ રીતે આ યુવાન પણ દેશ માટે સતત કાર્યરત રહીને પોતાનું પ્રદાન આપવા ઇચ્છે છે.

ચોથો યુવાન છે યુએસએના જ્યોર્જિયાના એટલાન્ટાનો 16 વર્ષનો કિશોર. તે ભારતનું ગીત ગાવા ઇચ્છે છે. તેની ઇચ્છા ભારતને એવો શક્તિશાળી દેશ બનાવવાની છે કે બીજા દેશોએ ભારતની વિરુદ્ધમાં જે આર્થિક અને ટેકનોલોજીકલ બાબતો પર નિયંત્રણો મૂકેલાં છે, તે ભારત દૂર કરી શકે. ભારતને મહાન રાષ્ટ્ર બનાવવા માટે તે કાર્ય કરવા ઇચ્છે છે.

Total Views: 339

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.