જ્યારે હું કોલેજમાં ભણતો હતો ત્યારે મને બે મહત્ત્વની બાબતોનો ઉપદેશ મળ્યો હતો. એક તો શ્રીરામકૃષ્ણનો એ ઉપદેશ કે જેમ તેલ વગર દીવો પ્રગટતો નથી, તેમ ઈશ્વર વગર મનુષ્ય જીવી શકતો નથી. અમારા એક વ્યાખ્યાતાએ આ સુંદર વિચાર વર્ગખંડના કાળા-પાટિયા પર લખ્યો હતો અને મારા ઉપર એની ઊંડી અસર પડી. અમારા ઍરોનૉટિકલ એન્જિનિયરીંગના પ્રોફેસર સ્વામી વિવેકાનંદનું એક વાક્ય હંમેશાં કહેતા કે યોગ્ય દિશામાં કાર્યાન્વિત કરેલી આપણી સંકલ્પના એ આપણી મોટામાં મોટી શક્તિ છે. તે બુદ્ધિથી પર છે. આ જ એક માત્ર એવો પ્રકાશ છે કે જે આપણને દરેક જગ્યાએ લઈ જઈ શકે.

મારા આદરણીય સ્વામી નિખિલેશ્વરાનંદજીએ તમને હિન્દી ભાષામાં સુંદર ઉદ્‌બોધન કર્યું. હું પણ આવી જ રીતે તમારી સાથે તમિળ ભાષામાં વાત કરી શકું, પરંતુ તમારામાંના ઘણા ઓછા લોકો તમિળ ભાષા જાણતા હશે. એટલે હું તમારી સાથે અંગ્રેજીમાં વાત કરીશ. જો કે શરૂઆત તો હું એક તમિળ કવિતાથી જ કરીશ. આ કવિતા આજથી સો વર્ષ પહેલાં તમિળ કવિ સુબ્રમણ્યમ ભારતીએ લખેલી છે. જ્યારે તેઓ મહાભારતની કથા પર આધારિત ‘પાંચાલી સપ્તમ્’ મહાકાવ્ય લખતા હતા, ત્યારે તેમણે પ્રારંભમાં આ કવિતા લખી હતી. આ મહાકાવ્ય લખતાં પહેલાં તેમણે માતા સરસ્વતીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. એ માટે રચાયેલી છ પંક્તિઓની આ કવિતા તમને કહેતાં મને આનંદ થશે :

‘ઇડૈઇન્ડ્રી અનુક્કલએલ્લામ સૂરલું યેણ,

ઇયલ લ્લાનાર ઇસૈતલ કેટ્ટોમ.

ઇડૈઇન્ડ્રિક કદીર્ગયલ્લામ સૂરલું યેણ,

વાનુલ્લાર ઇયમ્બુગ્રીનડ્રાલ.

ઇડૈઇન્દ્રિત તોરિલ્લ પુરિદલ ઉલગિનઇડૈ,

પોરુટકલ્લામ ઇયર્કૈયાયિન

ઇડૈઇન્દ્રિક કલૈમગલે નિનાદરુલિઇલ

યેણદલ્લામ ઇયંગોનાદો.’

કવિતાનો અર્થ આ છે : ‘વૈજ્ઞાનિકો કહે છે કે અણુનો પ્રત્યેક કણ અવિરત ગતિ કરતો રહે છે. ખગોળશાસ્ત્રીઓ કહે છે કે ગ્રહો પણ ગતિમાં રહે છે, બધા જ તારાઓ પણ ગતિમાં રહે છે. હું જોઉં છું કે પક્ષીઓ પણ હંમેશાં ગતિમાં ઊડતાં જ રહે છે. હે માતા સરસ્વતી ! મારા પર કૃપા કરો જેથી મારાં તન અને મન અવિરતપણે તમારાં ચરણોની આસપાસ ગતિ કરતાં રહે અને હું તમારી શક્તિથી કાર્ય કરવા શક્તિમાન બનું.’

ગઈકાલે હું રાજકોટમાં હતો. મેં મહાત્મા ગાંધી જે શાળામાં ભણ્યા હતા, એ આલ્ફ્રેડ હાઇસ્કૂલ (હાલ મહાત્મા ગાંધી વિદ્યાલય)ની મુલાકાત લીધી હતી. ઈશ્વરકૃપાથી આજે હું પોરબંદર કે જે માત્ર ભારતના જ નહીં પણ સમગ્ર વિશ્વના નેતા છે એવા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિમાં છું. આજે મને પોરબંદર કે જ્યાં સ્વામી વિવેકાનંદ ચાર મહિના રહ્યા હતા, એ ઓરડામાં ધ્યાન કરવાની અમૂલ્ય તક મળી. મારું એ સ્વપ્ન છે કે આ બન્ને મોટાં શહેરોને ફક્ત રસ્તાઓથી જ જોડી દેવાં એ પૂરતું નથી. પણ રસ્તાઓને આઠ ટ્રેકવાળા બનાવવા અને તેની એક બાજુએ બગીચાઓ, સાંસ્કૃતિક કેન્દ્રો સાથેનું આધ્યાત્મિક વૃંદાવન હોય અને તેની બીજી બાજુએ વૈજ્ઞાનિક અને ટેકનોલોજીની સંસ્થાઓ સાથેના ટેકનિકલ બગીચાઓ હોય! હું અંગત રીતે માનું છું કે વિશ્વના નક્શામાં આ બન્ને શહેરો મહાન શહેરો રૂપે ગણાવાં જોઈએ. મહાત્મા ગાંધીજીએ આપણને રાજનૈતિક સ્વતંત્રતા આપી અને સ્વામી વિવેકાનંદે આપણને આધ્યાત્મિક સ્વતંત્રતા આપી. આ બે મહાન આત્માઓ આ બન્ને મહાન શહેરોમાં રહ્યા હતા. આ બન્ને શહેરોમાં પરિભ્રમણ કરતાં મને ખૂબ આનંદ થયો.

ગઈકાલે રાજકોટમાં હાઇસ્કૂલના લગભગ 500 વિદ્યાર્થીઓને મળ્યો. બારમા ધોરણમાં ભણતી એક વિદ્યાર્થિનીને હું મળ્યો. મેં એને પૂછ્યું, ‘બારમા ધોરણ પછી તું શું બનવા માગે છે ?’

તેણે જવાબ આપ્યો, ‘હું ડોક્ટર બનવા માગું છું.’

મેં પૂછ્યું, ‘શા માટે ડોક્ટર બનવા માગે છે ?’

તે પૈસા કમાવા કે પ્રસિદ્ધિ મેળવવા માટે ડોક્ટર બનવા માગે છે, એમ તેણે ન કહ્યું. એને બદલે તેણે કહ્યું, ‘હું લોકોનાં દુ:ખદર્દ દૂર કરવા માટે ડોક્ટર બનવા માગું છું.’ આવું પ્રબળ વાક્ય ત્યારે જ ઉચ્ચારી શકાય કે જ્યાં એ ભૂમિનો પાયો શક્તિસભર હોય. આવું વાક્ય પોરબંદર કે રાજકોટ જેવી ભૂમિ પરથી આવી શકે.

હું એક બીજા વિદ્યાર્થીને મળ્યો. મેં તેને પૂછ્યું, ‘તું શું બનવા માગે છે?’ તેણે કહ્યું, ‘હું વૈજ્ઞાનિક બનવા માગું છું.’

મેં પૂછ્યું, ‘વૈજ્ઞાનિક બનીને તું શું કરીશ?’

તેણે કહ્યું, ‘હું મારા દેશને સમગ્ર વિશ્વમાં પ્રથમ કક્ષાનો દેશ બનાવવા માગું છું.’

મિત્રો, 20 વર્ષની નીચેના તરુણો અને કિશોરોમાં જ આવા મહાન વિચારો કે આદર્શો જોઈ શકાય છે. તેઓ સ્વપ્ન-કલ્પનાઓથી ભરપૂર હોય છે.

કોઈકે મને પૂછ્યું, ‘તમારું ધ્યેય શું છે ?’

મેં જવાબ આપ્યો, ‘હું 2003 સુધીમાં ગામડાંની હાઇસ્કૂલોના એક લાખ વિદ્યાર્થીઓને મળવા માગું છું. હું ઘણાં સ્થળે ગયો છું. ઓરિસ્સા, ત્રિપુરા, આસામ, મેઘાલય વગેરે. ગુજરાતમાં પણ હું અનેકવાર આવ્યો છું. અત્યાર સુધીમાં હાઈસ્કૂલના 22000 વિદ્યાર્થીઓને હું મળ્યો છું. પરંતુ હજુ મારે લાંબી મજલ કાપવાની છે. 2003 સુધીમાં મારે 1 લાખ વિદ્યાર્થીઓને મળવું છે. તમે મને પૂછી શકો, ‘શા માટે? એની પાછળનો હેતુ કયો છે?’

ગઈ કાલે રાજકોટમાં જે બન્યું તે મેં તમને કહ્યું, ‘હું એ લોકોની પ્રબળ કલ્પનાશક્તિ સાથે એકરૂપ થવા માગું છું. એથી મને જ લાભ થશે. બીજું એ લોકો સાથે હું વાત કરવા માગું છું, આ યુવામાનસને રાષ્ટ્રના વિકાસ પ્રત્યે અભિમુખ કરવા માગું છું.’

Total Views: 326

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.