આપણા સન્માનનીય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિશ્રી અને સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક ડો. એ.પી.જે. અબ્દુલ કલામે શ્રી આર.એમ. લાલા લિખિત અંગ્રેજી પુસ્તક ‘ફાઈન્ડીંગ એ પર્પઝ ઈન લાઈફ’માં લખેલ લેખ ‘રિચિંગ ફોર ધ યુથ’નો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસિદ્ધ છે.  – સં

ખુલ્લા દિલના અને ધ્યેયનિષ્ઠ એવા આપણા ભૂતપૂર્વ સન્માનનીય રાષ્ટ્રપતિશ્રી એ.પી.જે. અબ્દુલ કલામ રાષ્ટ્ર માટે યુવાનોને કામ કરવા પ્રેરણા પાતા રહે છે, એ ખરેખર પ્રશંસનીય કાર્ય છે. એમણે આ ધર્મ કાર્ય પોતે રાષ્ટ્રપતિ બન્યા એ પહેલાંથી જ શરૂ કરી દીધું હતું. એક વખત મેં એમને પૂછ્યું કે એમના જીવનમાં અને મનમાં આ ઉદાત્ત હેતુ ક્યારે ઉદ્‌ભવ્યો હતો? તેમણે સ્પષ્ટપણે કહ્યું કે મને એની ખબર નથી પણ પોતાની વાત ઉમેરતાં કહ્યું: ‘યુવાનોનો અગ્નિ કે તેમની ઊર્જા મરી જાય એ પહેલાં હું યુવાનો સુધી પહોંચવા માગું છું. સામાન્ય રીતે આ ઊર્જાશક્તિ ૨૦ વર્ષ પછી મરી જતી હોય છે. મેં સેંકડો યુવાનોને સંબોધ્યા છે, એમાંથી હું બે ત્રણ યુવાનો પર પણ પ્રભાવ પાડી શકું તો મેં મારું કાર્ય પૂર્ણ કર્યું છે એમ હું માનીશ.’ નવભારતના સર્જનના પરિપ્રેક્ષ્યમાં ડોક્ટર કલામની આ ચિંતા સૌ કોઈએ સમજવી જોઈએ.

એક સ્થળે એમના વાર્તાલાપ પછી દસ વર્ષની એક છોકરી એમની પાસે હસ્તાક્ષર મેળવવા માટે આવી. ડોક્ટર કલામે એ નાનકડી બાલિકાને પૂછ્યું: ‘બેટા, તારી મહત્ત્વાકાંક્ષા શી છે?’ નિર્દોષ બાલિકાનો કોઈ પણ જાતના ખચકાટ વિનાનો જવાબ આ હતો: ‘હું વિકસિત ભારતમાં જીવવા માગું છું.’ ભારતીય ઉદ્યોગસંઘના – ‘૨૦૨૦નું ભારત, નવયુગ માટેનું એક નવો દૃષ્ટિકોણ’ મુખ્ય સલાહકાર ડોક્ટર વાય. એસ. રાજન સાથે ડોક્ટર કલામ સંયુક્ત રીતે અભ્યાસ-સંશોધન કરતા હતા. એ વખતે આ નાની બાલિકાએ આપેલો ઉત્તર એના મનમાં ચમકી ગયો. ડોક્ટર કલામ મક્કમપણે માનતા હતા કે આ નવી યુવાપેઢી જ નવભારતનું સર્જન કરશે. ‘પોતાની હાલની ગરીબીથી ઉપર ઊઠીને ભારતીય લોકો આગળ આવી શકે તેમ છે અને પોતાના સુધરેલા આરોગ્ય, સારી કેળવણી અને સ્વમાનને લીધે પોતાના રાષ્ટ્રને ઘણી સમૃદ્ધિ અને ઉત્પાદકતા આપી શકે તેમ છે.’ અન્ન, કૃષિવિષયક પ્રક્રિયાઓ, જૈવિક સમૃદ્ધિ અને આરોગ્યની સંભાળ વગેરે માટે ૨૦૨૦ સુધીમાં શેની શેની આવશયકતા રહેશે તે તેમણે અને વાય.એસ. રાજને કહ્યું છે.

ડો. કલામના સેક્રેટરી શ્રી પી.એમ. નાયરે રાષ્ટ્રપતિ ભવનના પોતાના પાંચ વર્ષના કાર્યકાળને યાદ કરીને ‘ધ કલામ ઈફેક્ટ – ડો.કલામનો પ્રભાવ’ નામના પુસ્તકમાં લખ્યું છે : ‘ડોક્ટર કલામની યુવાનોમાં શ્રદ્ધા અને યુવાનો સાથેનો એમનો નિકટનો નાતો, એ એક રોમાંચક કથા બની ગઈ છે. તેઓ એ વાતથી પૂરેપૂરા વાકેફ હતા કે યુવાનો જ રાષ્ટ્રનું ભાવિ છે અને એમને સુપેરે ઘડવા એ જ રાષ્ટ્રને આગળ ધપાવવાનો એકમાત્ર ઉપાય છે. એકેય દિવસ એવો નથી ગયો કે જ્યારે એમણે એકાદ-બે કલાક આવા સેંકડો યુવાનોની સાથે ગાળી ન હોય! સાથે ને સાથે ભાવિ ભારતનો આધાર તેમના પર જ છે, એટલે કે તેમની પ્રામાણિકતા, તેમની ધ્યેયનિષ્ઠા અને ઉદારદિલથી જ આ મહાકાર્ય સિદ્ધ થશે, એ વાત પણ એમણે કહી છે. આ ‘ભગીરથ કાર્ય’ જેવો એમનો માનીતો શબ્દ પણ આ યુવાનો સમક્ષ એમણે મૂક્યો છે. એમણે યુવાનોની સંકલ્પનાને કેવી રીતે પ્રજ્વલિત કરી અને આવી પ્રબળ શક્તિ સાથે કેવી ચમત્કારિક રીતે ઊજવાળી દીધી છે.

ડોક્ટર કલામે ‘ઈગ્નાઈટેડ માઈન્ડ્‌સ – અનલિશિંગ ધ પાવર વિધીન ઈંડિયા’ નામનું પુસ્તક લખ્યું. એનું કારણ એ હતું કે ભારતને ‘વિકસતા ભારત રાષ્ટ્ર’માંથી ‘વિકસિત ભારત રાષ્ટ્ર’માં પરિવર્તિત કરવાનો શક્તિશાળી સ્રોત યુવાનો જ છે, એમ એમને સ્પષ્ટપણે લાગ્યું હતું. એટલા માટે આવું પુસ્તક લખવું ઘણું મહત્ત્વનું હતું. એનું કારણ એ છે કે કોઈ પણ ઉદ્દેશ્યને વિકસિત કરવો હોય, સહજ-સરળ બનાવવો હોય અને એને અભિવ્યક્ત કરવો હોય તો કોઈ એના મર્મને સમજી શકે તેવો હોવો જોઈએ.

પોતાના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવેલપમેન્ટ ઓર્ગોનિઝેશન – ડી.આર.ડી.ઓ.માંના વૈજ્ઞાનિક સલાહકાર તરીકે ભારત સરકારમાં પોતાનો કાર્યકાળ પૂરો કર્યા પછી ડોક્ટર કલામનું ભાવિ પગલું કેવું હશે એ જાણવા લોકો આતુર હતા. એમણે એક પત્રકાર સંમેલનમાં ઉદ્‌ઘોષણા કરી હતી કે તેઓ ચેન્નઈની અન્ના યુનિવર્સિટીમાં ફરીથી જશે અને ભારતના યુવાનોને ભારત માટે કંઈક અનોખું અને સુયોગ્ય કાર્ય કરવાનું શીખવશે અને તેઓને પ્રેરણા આપશે અને થોડા જ વખતમાં આમંત્રણોનો ઢગલો થવા માંડ્યો. પછીના થોડાક જ મહિનામાં એમણે એક લાખ ભારતના યુવાનોને સંબોધ્યા.

મે, ૨૦૦૨માં ભારતના રાષ્ટ્રપતિ તરીકે તેઓ ઉમેદવાર રૂપે પસંદ થયા અને જુલાઈમાં તેઓ રાષ્ટ્રપતિપદે ચુંટાઈ આવ્યા. રાષ્ટ્રપતિ ભવને અને એમના સ્થાને એમના વિચાર માટે વધુ વિસ્તૃત અને સર્વલક્ષી વ્યાપ પૂરો પાડ્યો. અસંખ્ય યુવાનોની સાથે એમણે રાષ્ટ્રપતિપદે રહીને પાંચ વર્ષ સુધી પરિચર્ચા કરી; આ સંખ્યા લાખોમાં પણ ગણાવી શકાય.

એમને ફરી વખત રાષ્ટ્રપતિપદ ન મળ્યું એથી ઘણા નિરાશ પણ થયા હતા પણ પછી તો તેઓ પોતે અવિચલ જ રહ્યા. ભારતને સુવિકસિત રાષ્ટ્ર બનાવવાનો એમનો સ્પષ્ટ હેતુ હતો અને પોતાના આ મિશન માટે એમણે સતત કામ કરવાનું ચાલુ રાખ્યું.

Total Views: 25

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.