(અનુવાદક : શ્રીઅનિલભાઈ આચાર્ય )

નોંધ : ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરામાં ૧૦ ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ યોજાયેલ પ્રથમ આંતરરાષ્ટ્રિય યુવા સંમેલનમાં આપેલ વ્યાખ્યાનના અંશ અહીં પ્રસ્તુત છે. – સં.

શિક્ષણ – એક વિશાળ ક્ષેત્ર

એક કવિએ કહ્યું છે – જ્યારે તમે આકાશના તારાની ઇચ્છા સેવો છો ત્યારે તમે કોણ છો તે મહત્ત્વનું નથી. તમારા મનની બધી આકાંક્ષાઓ પરિપૂર્ણ થશે.

આજે જ્યારે હું તમારી સાથે છું ત્યારે હું તમને સ્વામી વિવેકાનંદના એક પ્રેરણાદાયી ઉપદેશની યાદ અપાવવા માગું છું.

મનની શક્તિઓને એકાગ્ર કર્યા સિવાય બીજી કઈ રીતે જગતમાંનું કોઈપણ જ્ઞાન મેળવાયું છે? જગતને જો ધક્કો મારતાં આપણને આવડે, તેને યોગ્ય રીતે આઘાત કરતાં જો આપણને આવડે તો દુનિયા પોતાનાં રહસ્યો ખુલ્લાં કરી દેવા માટે તૈયાર પડી છે. એ આઘાતનું બળ અને વેગ આવે છે એકાગ્રતામાંથી. માનવમનની શક્તિને કોઈ સીમા નથી. જેમ જેમ તે વધુ એકાગ્ર થાય છે, તેમ તેમ તેની શક્તિ એક કેન્દ્ર પર વધુ ને વધુ એકાગ્ર કરી શકાય છે. રહસ્ય એ છે.

વહાલા મિત્રો, ખરેખર મારા અંતરાત્માને પણ આ જ વિચાર સ્પર્શી ગયો છે અને હું કહીશ કે આપણી શિક્ષણપ્રથા એવી હોવી જોઈએ કે જેમાંથી આપણી યુવાન પેઢીમાં આ પ્રકારના સંસ્કારોનું સિંચન થાય અને યુવાનો પોતાના આ સંસ્કારોને તેમની દરેક પ્રવૃત્તિઓ દ્વારા આચરણમાં મૂકે.

હું વિચારતો હતો કે આવા આંતરરાષ્ટ્રીય યુવા સંમેલનમાં હું કઈ રીતે સહભાગી બનું.

ભારતની અને વિદેશની હજારો શાળાઓ, મહાવિદ્યાલયો અને વિશ્વવિદ્યાલયોમાં મેં કરેલાં મારાં અવલોકનોનું હું આપની સાથે આદાનપ્રદાન કરું ?

કે છેલ્લાં સાત વર્ષ દરમ્યાન મારા સંપર્કમાં આવેલા લાખો યુવાનોનાં સ્વપ્નો વિશે આપની સાથે ચર્ચા કરું?

કે સિંગાપોરમાં જોયેલ અનોખો પ્રયોગ કે જેમાં પ્રાથમિક શાળાઓના શિક્ષકોને જહેમતથી તૈયાર કરીને, તેમની કસોટી કરીને અને એ ચકાસણીમાં સફળ થયેલા શિક્ષકોને જ બાળકોને શિક્ષણ આપવાના કાર્યમાં પસંદગી અપાય છે, એની વાત તમને કરું?

કે ફિન્લેન્ડની શાળાઓમાં શીખવવામાં આવતા ભૌતિકશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રના વિષયોની અનન્ય શિક્ષણપદ્ધતિને કારણે તે સમગ્ર યુરોપમાં આદર્શ અને અનુસરણીય બની છે, એની વાત કરું?

કે લિવરપુલ અને દુબાઈમાં મળેલા વિશ્વ યુવા સંમેલનમાંનો મારો અનુભવ – જેમાં ‘વિશ્વ શાંતિ માટે યુવાશક્તિનો ફાળો’ એ વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, એની ચર્ચા કરું?

અત્યાર સુધી મેં જે કંઈ કહ્યું તે અગત્યનું છે. (ભારતની) જેમ બહુવિધ સંસ્કૃતિઓને સીમા હોતી નથી અને એનો સુમેળ સધાય છે તેવી રીતે શિક્ષણમાં પણ સીમાડા ન હોવા જોઈએ. મારું સદ્ભાગ્ય છે કે મારી યુવાવસ્થામાં મને આ વિચારધારાનો લાભ મળ્યો અને મારી વિવિધ કારકિર્દીમાં તેનો અમલ કરવાની તક મળી. મિત્રો, મારા બાળપણથી અત્યાર સુધીના સમયગાળા દરમ્યાન શિક્ષણ, જ્ઞાન અને મૂલ્યલક્ષી ઘટનાઓ મારા જીવનઘડતરમાં કેટલાં ઉપયોગી નીવડ્યાં છે, એ હું મારા અનુભવોથી તમને આજે અવગત કરાવવા માગું છું. અહીં ઉપસ્થિત રહેલા યુવાનોનાં હૃદયને તે ખરેખર સ્પર્શી જશે. વહાલા યુવા મિત્રો, આજે હું આપ બધાની સમક્ષ ‘મારે પાંખો છે, હું ઊડતો જ રહીશ’ એ વિષય પર મારા વિચારો રજૂ કરવા માગું છું.

મનની એક્તા

હું એક વિવિધ સંસ્કૃતિ, બહુભાષી અને અનેક ધર્મો પાળતા કરોડો લોકોના સુગ્રથિત સમાજમાંથી આવું છું એટલે હું જે પ્રકારનું શિક્ષણ મેળવવા ભાગ્યશાળી બન્યો છું તે વિષે મારે તમારી સાથે વાતચીત કરવી છે.

મારો જન્મ ભારતના દક્ષિણ દિશાના છેવાડાના એક નાનકડા ગામમાં થયો હતો. મારું શિક્ષણ એ ટાપુ પૂરતું મર્યાદિત રહ્યું હોત, પરંતુ તે સમયના મારા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી શિવસુબ્રમણ્ય ઐયરે મને પક્ષીઓ કેવી રીતે ઊડે છે તે શીખવ્યું. તેને કારણે ‘ઉડ્ડ્યન વિજ્ઞાન’ મારા જીવનનું લક્ષ્ય બન્યું. આપણા દેશના ઘણા ભાગોમાં સામાન્ય જેવી બનતી એક ઘટનાની હું તમને યાદ અપાવવા માગું છું. હું દશ વર્ષનો નાનો બાળક હતો ત્યારે મેં જોયું છે કે મારા ઘરમાં વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતી ત્રણ વ્યક્તિઓ અવારનવાર મળતી.

એક તો વિખ્યાત રામેશ્વરમ્ મંદિરના મુખ્ય પૂજારી અને વેદોમાં પારંગત પાક્ષી લક્ષ્મણ શાસ્ત્રીગલ, બીજા, રામેશ્વરમ્ દ્વીપમાં સૌ પ્રથમ દેવળ પ્રસ્થાપિત કરનાર આદરણીય પાદરી બોડલ અને ત્રીજા, મારા પિતાશ્રી કે જેઓ મસ્જિદમાં ઈમામ હતા. આ ત્રણેય આ દેશના ક્રમશ : હિન્દુ, ખ્રિસ્તી અને ઈસ્લામ એવા ત્રણ મુખ્ય ધર્મો સાથે સંકળાયેલ હતા. તેઓ સાથે બેસીને રામેશ્વરમ્ ટાપુને લગતા વિવિધ પ્રશ્નોની ચર્ચા કરતા અને ઉકેલ લાવતા. આ ઉપરાંત આ ત્રણેયે વિવિધ ધર્મો વચ્ચે ઉદારતાપૂર્વક સુમેળ સાધ્યો હતો. આ સુમેળની સુગંધ ફૂલોની મહેકની જેમ ટાપુમાં પ્રસરી હતી. આજે પણ હું જ્યારે લોકો સાથે ધર્મ સંબંધી ચર્ચા કરું છું ત્યારે મારી નજર સમક્ષ આ દૃશ્ય ખડું થાય છે.

હજારો વરસોથી ભારતને જુદી જુદી વિચારધારાઓના સમન્વયનો લાભ મળ્યો છે. પહેલાં કરતાં આજે વિશ્વમાં અલગ અલગ સભ્યતાઓ, ધર્મો અને સંસ્કૃતિઓ વિશે વિચારવિમર્શ કરવાની આવશ્યકતા ઊભી થઈ છે. ઉપર્યુક્ત ઘટના વખતે મને નહોતું સમજાયું પણ આજે સ્પષ્ટપણે સમજાય છે કે આ ત્રણેય મહાનુભાવોએ મન-મનની એકતા અને મુક્ત શિક્ષણની શક્તિને કેવી સ્પષ્ટ રીતે પ્રતિપાદિત કરી હતી! મારી કિશોરાવસ્થામાં તેમણે જ આ મહાન આદર્શવસ્તુનો વિના પરિશ્રમે મને પરિચય કરાવ્યો હતો. આ આદર્શવસ્તુ હતી મન-મનની એકતા. એક કિશોર તરીકે હું જે બોધપાઠ શીખ્યો તે વિવિધ સંસ્કૃતિ અને વિવિધ ધર્મો પરનાં વ્યાખ્યાનમાં ઉપસ્થિત રહેવા બરાબર છે.

બીજનું સંવર્ધન

અહીં મને ૨૦૦૧માં બનેલી એક ઘટના યાદ આવે છે ત્યારે હું ચેન્નાઈની અન્ના યુનિવર્સિટીમાં ‘ટેકનોલોજી દ્વારા સામાજિક પરિવર્તન’ એ વિષય પર શીખવતો હતો. એ સમયે મને ચેન્નાઈની પ્રેસિડેન્સી કોલેજ તરફથી વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરવા આમંત્રણ મળ્યું. હું જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે સભાગૃહ લગભગ દોઢેક હજાર વિદ્યાર્થીઓથી ખીચોખીચ ભરેલું હતું. મારા માટે મંચ પર પહોંચવાનું પણ મુશ્કેલ હતું.

‘દીર્ઘદૃષ્ટિ રાષ્ટ્રને ઉન્નત કરે છે’ એ વિષય પર મારું વ્યાખ્યાન પૂરું થયા બાદ વિદ્યાર્થીઓના અનેક પ્રશ્નોના ઉત્તર આપ્યા. જ્યારે હું સભગૃહ છોડીને જતો હતો ત્યારે એક યુવાન વિદ્યાર્થી ભીડમાંથી રસ્તો કરી એકાએક મારી સામે ધસી આવ્યો અને તેણે મારા હાથમાં એક ચોળાયેલ કાગળનો ટુકડો મૂક્યો. મેં તે ખીસામાં મૂક્યો અને અન્ના યુનિવર્સિટી તરફ પાછા ફરતાં કારમાં બેઠાં બેઠાં તે વાંચ્યો. તે સમયે પ્રેસિડેન્સી કોલેજમાં M.Phil કરતા ટી. સર્વનનને આપેલ સંદેશાનો મર્મ વાંચીને મારું મન ઉન્નત થઈ ગયું. આ પત્રનું લખાણ આપણા આજના વિષયના સંદર્ભ સંબંધિત હોવાથી હું તમને જણાવવા ઇચ્છું છું.

પત્ર આ પ્રમાણે હતો :

વહાલા કલામ સાહેબ, વટવૃક્ષની સંપૂર્ણ શક્તિ બીજમાં રહેલી ક્ષમતાના પ્રમાણમાં હોય છે. એક રીતે આપણે બન્ને, આપ અને હું એકસરખા છીએ. પરંતુ આપણે આપણી પ્રતિભા ભિન્ન સ્વરૂપે પ્રદર્શિત કરીએ છીએ. બહુ થોડાં બીજ વટવૃક્ષમાં પરિવર્તિત થાય છે. બાકીનાં તો વૃક્ષ બન્યા પહેલાં રોપાની અવસ્થામાં જ કરમાઈ જાય છે. અમુક સંજોગો અને વાતાવરણને કારણે ઘણાં બીજ નાશ પામે છે અને જમીનમાં ભળી જઈ અન્ય બીજોને વૃક્ષ બનાવવાના ખાતરમાં પરિવર્તિત થાય છે.

હવે સર્વાનન પૂછે છે :

આપે આ દેશ માટે ઘણું કાર્ય કર્યું છે અને અનેક વૈજ્ઞાનિકો, ઈજનેરો અને બૌદ્ધિકોને માર્ગદર્શન આપ્યું છે. તો એ બધાની શક્તિઓ વેડફાઈ ન જાય અને તેમનો વિકાસ વડના બીજની જેમ વૃક્ષ બનતા પહેલાં જ રુંધાઈ ન જાય, તે વાત આપે કેવી રીતે સુનિશ્ચિત કરી? આ કાર્યમાં આપને કેટલા ટકા સફળતા મળી?

મેં સર્વાનાનને યોગ્ય પ્રત્યુત્તર આપ્યો અને જણાવ્યું કે મને અત્યંત આનંદ થાય છે કે મારી સાથે કામ કરતા જૂથના સભ્યો જ્ઞાન અને કામમાં સર્વશ્રેષ્ઠ છે. સર્વાનનને મારી સફળતાના ટકા જાણવાની પણ ઇચ્છા હતી એટલે મેં જણાવ્યું કે તે અલ્પતમ ૬૦% હશે. આ ૬૦% એ મારી સાથે પ્રકલ્પ પર કામ કરતા ૧૦૦ % સભ્યોમાંથી છે.

આ દ્વારા હું એ સંદેશ આપવા માગું છું :

રાષ્ટ્રના નાગરિકો વટવૃક્ષનાં બીજ જેવા છે. લોકશાહી અને શાસન મારફત દરેક નાગરિકને વિકાસ અને કાર્યક્ષમતાની તક મળે છે. આમ દરેક સ્ત્રી કે પુરુષને પોતપોતાની ક્ષમતા પ્રમાણે દેશના વિકાસમાં ફાળો આપવાની તક મળે છે. આ પ્રક્રિયા મારફત તેઓ અલ્પ પ્રમાણમાં બીજા લોકોની સફળતામાં પણ ફાળો આપે છે. એ ભૌમિતિક પ્રગતિ દ્વારા રાષ્ટ્રની સફળતામાં પરિણમે છે અને દરેક નાગરિક તેમાં ભાગીદાર બને છે. દરેક બીજનું સંવર્ધન થવું જોઈએ. કોઈ બીજ વૃક્ષ બનતાં પહેલાં જ ખાતર બની જાય તો તેનું મહત્ત્વ જરા પણ ઓછું આંકવું ન જોઈએ. (ક્રમશ 🙂

…..

Total Views: 311

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.