(ગતાંકથી આગળ)

આગળ કહ્યું તેમ ભારતના પુનર્જાગરણ માટેની સ્વામી વિવેકાનંદની આગવી યોજનાનાં વિશેષ પાસાં હતાં. હવે આપણે એની ચર્ચા કરીશું :

૧ : આપણા બીજા નેતાઓ કરતાં અલગ રીતે સ્વામી વિવેકાનંદે પોતાની ગહન ઐતિહાસિક અંતર્દૃષ્ટિ દ્વારા એટલું ખાતરીપૂર્વક અનુુભવ્યું હતું કે આ દેશના કરોડો પદદલિત અને દરિદ્ર લોકો દેશની કરોડરજ્જુ સમા છે. તેમણે કહ્યું છે : ‘ભારત ઝૂંપડીઓમાં વસે છે.’ બીજા દેશનેતાઓને તો વિધવાવિવાહ જેવી ઉપરછલ્લી સમસ્યાઓ સાથે લેવાદેવા હતી. વાસ્તવિકતાની ભૂમિકાને ઓળખવામાં તેઓ નિષ્ફળ ગયા હતા. એટલે જ રાષ્ટ્રના પુનર્જાગરણ માટેની યોજનાનું કેન્દ્રબિંદુ સ્વામીજીની દૃષ્ટિએ આ પરસેવો પાડતા ગરીબ ભારતવાસીઓના સમૂહ પર કેન્દ્રિત હતું. એમણે કહ્યું છે : ‘મારી દૃષ્ટિએ સામાન્ય જનસમૂહની અવગણના એ આપણું મોટું રાષ્ટ્રિય પાપ છે અને આપણા પતનનાં કારણોમાંનું એક છે. જ્યાં સુધી ભારતનો આ સામાન્ય જનસમૂહ સારી કેળવણી ન પામે અને એમને ભરપેટ ખાવાનું ન મળે તેમજ તેમની પૂરતી કાળજી ન લેવાય ત્યાં સુધી રાજનીતિ જરાય કામમાં નહિ આવે… જો આપણે ભારતનું પુનર્ઘડતર કરવા માગતા હોઈએ તો આપણે એમને માટે કાર્ય કરવું પડશે.’

સ્વામીજીના સમયથી સામાન્ય જનસમુહની સાર્વત્રિક સુધારણામાં ઠીક ઠીક કામ થયું છે પણ અપેક્ષિત ધોરણો કરતાં એ ઘણું નીચું છે.

ભારતના કરોડો અભણ, અંધશ્રદ્ધામાં ડૂબેલા, અજ્ઞાની અને ગામડામાં, ઝૂંપડીઓ કે ઝૂંપડપટ્ટીમાં વસનારા લોકોનું શોષણ કરનાર એવા શ્રીમંતો અને ગણ્યાંગાઠ્યા ધનસંપત્તિમાં રાચતા લોકોની ઝાટકણી કાઢવામાં સ્વામીજીએ કંઈ બાકી રાખ્યું નથી. એમણે તો સમાજના બધા લોકો માટે સામાજિક ન્યાય અને મુક્તિ માટે હંમેશાં અવાજ ઉઠાવ્યો છે. આ ભગીરથ સમસ્યાઓનો કાર્યલક્ષી ઉકેલ શોધવા માટે તેમણે ભારતના વિશેષાધિકારવાળા શિક્ષિત લોકો તરફ આંગળી ચીંધી છે. ‘ભારતના પદદલિત અને પરસેવો પાડતા દરિદ્રના લોહીના ભોગે જીવનની બધી સુખાકારીઓ ભોગવતા અને શિક્ષિત બનેલા તેમજ પેલા દુ:ખીદરિદ્ર માટે એક ક્ષણ પણ વિચાર ન કરનારા લોકોને હું દેશદ્રોહી ગણું છું.’ એ ઘણા ઊંડા દુ:ખની વાત છે કે આજના શિક્ષિત યુવાનો રાષ્ટ્રના આદર્શોની બહુ ઓછી ચિંતા સેવે છે અને દેશના ગરીબોની તો એનાથીયે ઓછી ચિંતા રાખે છે. થોડું શિક્ષણ મેળવીને તેઓ તો પશ્ચિમના દેશોને સમૃદ્ધ કરવા ચાલ્યા જાય છે.

૨ : આના જેટલી જ ઉદ્વિગ્નતા સ્વામીજીને આપણા સમાજની અવગણાયેલી અને કચડાયેલી સ્ત્રીઓની પરિસ્થિતિ માટે હતી. ‘સ્ત્રીઓ પરના જુલમો અને અત્યાચારો’ જોઈને એમનું હૃદય ભયંકર પીડાથી નીચોવાઈ જતું. સામાજિક અન્યાય અને વિષમતાની નારીઓ સૌથી વધારે ભયંકર ભોગ બની છે. છેલ્લાં સો એક વર્ષમાં અલબત્ત સ્ત્રીસમાજની પરિસ્થિતિમાં ઠીક ઠીક સુધારો થયો છે, પણ આ જ સમયગાળા દરમિયાન આપણને ચેતવી મૂકે એટલી કક્ષાએ પુરુષ અને સ્ત્રીની સંખ્યામાં જબરદસ્ત ખાઈ જોવા મળે છે. સમાજમાં આજે પણ દહેજને કારણે સ્ત્રીનાં મોત, સ્ત્રીને જીવતી બાળી નાખવી, સ્ત્રીઓને ઢોર માર મારીને મારી નાખવી કે છૂંદી નાખવાની પ્રવૃત્તિ પૂર જોશમાં ચાલે છે. જ્યાં સુધી આપણા સમાજની સ્ત્રીઓની આ પરિસ્થિતિમાં પરિવર્તન ન આવે ત્યાં સુધી ભારતના વાસ્તવિક પુનર્જાગરણની અપેક્ષા કરી ન શકાય. પક્ષીને ઉડવા માટે બંને પાંખની જરૂર છે. સમાજને પણ પોતાના સાર્વત્રિક વિકાસ માટે સ્ત્રીશક્તિની આવશ્યકતા છે. ખરેખર તો સમાજમાં સ્ત્રીનું સ્થાન એ કોઈ પણ સમાજ કે રાષ્ટ્રના વિકાસનું બેરોમિટર છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે: ‘જો સ્ત્રીઓને ઉન્નત કરી શકીએ.. તો પછી સંસ્કૃતિ, જ્ઞાન, શક્તિ, શ્રદ્ધા આ ભૂમિમાં એની મેળે જાગી જશે.’ સ્ત્રીઓની ઉન્નતિ માટે એમણે આપેલો સિદ્ધાંત આ હતો: ‘સ્ત્રીઓ પોતાની સમસ્યાઓનો પોતાની જ રીતે ઉકેલ શોધે એવી પરિસ્થિતિમાં આપણે રાખવી જોઈએ. આપણી ભારતની નારીઓ વિશ્વની કોઈ પણ નારીની જેમ એ કરવા શક્તિમાન છે.’ સ્વામીજીના આ ધ્યેયની પૂર્તિમાં સહાયરૂપ થવા સારદા મઠ અસ્તિત્વમાં આવ્યો છે. ભારતની નારીઓ માટે આ મઠ દીવાદાંડી સમો છે. સ્વામીજીને વાસ્તવિક રીતે સ્ત્રીશક્તિમાં એટલી બધી શ્રદ્ધા હતી કે એમણે એક વખત આમ લખ્યું હતું: ‘મને પ્રેરણાભર્યા ૫૦૦ પુરુષો મળે તો ભારતનું સાર્વત્રિક પરિવર્તન ૫૦ વર્ષમાં થઈ શકે, જ્યારે આવી જ પ્રેરણાથી ભરેલી ૫૦ નારીઓ એ કાર્ય એક જ વર્ષમાં પૂરું કરી શકે.’

૩ : આપણા સમાજમાં રહેતી પછાત જાતિઓ જેવી કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગોને આપણાં શાસ્ત્રોમાં રહેલ ઉમદા વિચારો કે આદર્શોનો અભ્યાસ કરવાનો અધિકાર ન હતો. એટલે કોઈ પણ જાતિ, સંપ્રદાય કે લિંગભેદને ધ્યાનમાં રાખ્યા વિના બધાં સ્ત્રીપુરુષોને વેદાંતનું સાહિત્ય તેમજ પશ્ચિમના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી શીખવાનો અધિકાર મળવો જોઈએ. દાર્શનિક દૃષ્ટિએ સ્વામી વિવેકાનંદે સૂચવ્યું હતું કે સાચું વાસ્તવિક સાર્વત્રિક નવજાગરણ ભારતીય સંસ્કૃતિના માનવીય ઉદાત્ત ધોરણો પર આધારિત હોવું જોઈએ. એમનો વિચાર આવો હતો : ‘એમને (આ જનસમૂહને) આદર્શો કે વિચારો આપવા જોઈએ. એમની આસપાસની આ દુનિયામાં શું ચાલી રહ્યું છે એ સાંભળવા જોવા માટે એમણે દૃષ્ટિ દોડાવવી જોઈએ. અને પછી એ લોકો પોતાની મુક્તિ પોતાની મેળે મેળવી લેશે.’ એમણે આમ પણ કહ્યું છે : ‘આપણે તો રસાયણોનું સંયોજન કરવું એ આપણી ફરજ છે, સ્ફટિકીકરણ ઈશ્વરના નિયમના આધારે થશે.’

૪ : જ્ઞાતિ પ્રથાએ પોતાના મૂળ પાસાથી સમાજને રંગી દીધો છે અને એટલે જ એ વારસાગત બની ગયો છે અને તે આપણા સમાજના પતનનું કારણ બન્યું છે. સ્વામી વિવેકાનંદે ભદ્ર સમાજના કેટલાક વિશેષાધિકારો અને દાવાઓને સાવ નકારી કાઢ્યા હતા અને પોતાના દેશબંધુઓની સામાજિક ચેતનાને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો. વેદાંતના સિદ્ધાંતની ઉદ્ઘોષણા કરતાં એમણે કહ્યું હતું કે બધામાં એક જ ચૈતન્યતત્ત્વ રહેલું છે. આમ છતાં પણ સ્વામી વિવેકાનંદે બ્રાહ્મણોને કચડી નાખવાનું કહ્યું નથી, કારણ કે બ્રાહ્મણત્વને સમાજના આદર્શ તરીકે ગણવામાં આવે છે. એટલે સ્વામીજીનું સૂચન ઉચ્ચવર્ણને નિમ્નકક્ષાએ લઈ જવાનું ન હતું પરંતુ નિમ્નવર્ણના લોકોને ઉચ્ચવર્ણની કક્ષાએ લઈ જવાનું હતું. તેઓ જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચેના વર્ગવિગ્રહો દૂર કરવા ઇચ્છતા હતા. સાથે ને સાથે નિમ્નવર્ગ માટે કેળવણી અને સંસ્કૃતિનો અધિકાર ન હતો તેનો નિમ્નવર્ગના લોકોને અધિકાર આપીને એક સમાન કક્ષાએ લાવવા માટેનો પ્રયત્ન કરવા કહ્યું છે. એમનો વિચાર કંઈક આવો હતો : ‘નવી પદ્ધતિ એટલે જૂનાની ઉત્ક્રાંતિ કરવી.’ રામકૃષ્ણ મિશન દ્વારા જ્યાં જ્યાં સુદીર્ઘકાળના વિકાસનાં કાર્યો હાથ ધરવામાં આવ્યાં છે ત્યાં ત્યાં આ અભિગમની કાર્યકુશળતા જોવા મળે છે.

૫ : શિક્ષણની પ્રક્રિયામાં સ્વામી વિવેકાનંદની ઘણી ગહન અંતર્દૃષ્ટિ હતી અને તેઓ સ્પષ્ટપણે માનતા હતા કે કેળવણી લોકોના સામાજિક અને આધ્યાત્મિક પુનર્ઘડતર માટેનું સાધન છે. આ યોજનામાં એમની દૃષ્ટિએ કેળવણી બધાં અનિષ્ટોનો રામબાણ ઈલાજ છે. આ કેળવણી જ સામાન્ય જનસમૂહની બધી ઊણપોને દૂર કરી શકે, કારણ કે જીવનના સંઘર્ષો માટે સ્ત્રીપુરુષોને લડવા કેળવણી જ સુસજ્જ કરી શકે છે. આ ઉપરાંત એમણે કહ્યું છે: ‘ચારિત્ર્યબળ નીપજાવવા બધા માનવની ક્ષેમકલ્યાણની ભાવના જગાડવાની ‘સિંહસમી હિંમત’ કેળવણી જ આપી શકે.’ કેળવણી લોકોને પોતાના પગ ઉપર ઊભા રહેવાની શક્તિ આપવામાં મદદ કરે છે અને પોતે ગુમાવેલ પોતાની વ્યક્તિમત્તાને ફરીથી પ્રસ્થાપિત કરવાની શક્તિ પણ આપે છે.

ચિલા ચાતરી ગયેલાં કૌશલ્યો અને માહિતીજ્ઞાન આપતી કેળવણીની પદ્ધતિઓએ સમાજે કરેલી તાતી માગનું મૂલ્યાંકન કરીને એ માગને સંતોષવા પ્રયત્ન કરવો જોઈએ. કેળવણી સામે આજે પહેલાં ન જોયેલી કે જાણેલી એવી સમસ્યા આવીને ઊભી છે. એક ઉદાહરણ રૂપે નિરક્ષરતા નિવારણને આજના સંદર્ભમાં સંપૂર્ણ રીતે પુનરાવલોકનની જરૂર છે. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી ક્ષેત્રના આધુનિક આગેકદમે માહિતી પ્રૌદ્યોગિકી દ્વારા એક નવી ઉત્ક્રાંતિ લાવી મૂકી છે અને એણે આ અક્ષર જ્ઞાનની પ્રણાલીગત વ્યાખ્યાને નિરર્થક બનાવી દીધી છે. હવે લોકો વાંચવાનું જાણતા ન હોવા છતાં પણ, અરે! સાવ નિરક્ષર હોય તોયે ઘણી વસ્તુઓ શીખી શકે છે. આમ છતાં પણ પ્રૌદ્યોગિકીએ નિરક્ષરતાનાં નવાં રૂપ પણ ઊભાં કર્યાં છે. દા.ત. કમ્પ્યુટરનું અજ્ઞાન. ઝડપથી આવી રીતે આજની અતિ પરિવર્તનશીલ દુનિયાએ કેળવણીનું ધ્યેય મેળવવાનાં નવાં નવાં સોપાનો ઊભાં કર્યાં છે. પરંતુ એણે કોઈ દિવસ ન જોયેલ ન જાણેલ પડકારો પણ ઊભા કર્યા છે.

૬ : સ્વામી વિવેકાનંદનો કેળવણી વિશેનો મુખ્ય વિચાર કે આદર્શ ‘માનવ ને માનવ’ બનાવવાનો છે. તેમણે કહ્યું છે : ‘આપણે તો માનવને માનવ બનાવે તેવા ધર્મની આવશ્યકતા છે. આપણે તો માનવનું ઘડતર કરતી સિદ્ધાંતપ્રણાલીઓ ઇચ્છીએ છીએ. સર્વસ્થળે માનવ ને માનવ બનાવતી કેળવણી આપણે ઝંખીએ છીએ.’ આજના ઊછરતા બાળકે વૈશ્વિક અને આધ્યાત્મિક મૂલ્યોવાળા જ્ઞાનને એકઠું કરવાનું છે. એમણે વિચારો અને આદર્શોને ગ્રહણ કરવાના છે અને આત્મસાત્ પણ કરવાના છે. વાસ્તવિક રીતે આ ઉછરતા બાળકે આધ્યાત્મિક અને બૌદ્ધિક કક્ષાએ જે કંઈ મેળવ્યું છે તેના દ્વારા પોતાની અખિલાઈને વ્યક્ત કરવાની છે. પણ આ માટે પહેલેથી જ કેળવેલ જાગૃત ચૈતન્ય, અંતર્દૃષ્ટિ, હિંમત કે શૌર્ય તેમજ ભાવાત્મક દૃષ્ટિકોણની આવશ્યકતા રહે છે. વિવેકાનંદના કેળવણીના આદર્શ પ્રમાણે કેળવણીએ સામાન્ય જનસમૂહમાં જાગૃતિ લાવવાના કામમાં લાગી જવું જોઈએ. તેમણે ભૌતિક અને આધ્યાત્મિક વિચારોના સુસંવાદી સંયોજન એટલે કે ધર્મ અને વિજ્ઞાનના કૌશલ્યવાળા જોડાણની વાત કરી છે. એના દ્વારા વહેમ, અંધશ્રદ્ધાને દૂર કરી શકાય; સાથે ને સાથે દરિદ્રતા અને પછાતપણું પણ નિવારી શકાય.

૭ : બીજી સૌથી મહત્ત્વની બાબત કે સમસ્યા ધર્મ અને નિરપેક્ષવાદ છે. રાજનીતિ નહિ, સૈનિકબળ નહિ, ઔદ્યોગિક કે વ્યાપારી સફળતા પણ નહિ, પરંતુ ધર્મ જ રાષ્ટ્રની ઉન્નતિનું સાધન છે. પણ અહીં ધર્મ એટલે માત્ર ક્રિયાકાંડ કે ઉત્સવ-મહોત્સવ નહિ. એમાં બધા ધર્મ કે સંપ્રદાયોમાં રહેલા મૂળભૂત કે પાયાના સિદ્ધાંતોની વાત છે. સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ ભારતનું મિશન પોતાની જાતિની આધ્યાત્મિક શક્તિનું એકત્રીકરણ કરીને અને તેને સંરક્ષીને સમગ્ર વિશ્વ પર એ સંગૃહિત શક્તિના પ્રવાહને ધોધમારવેગે વહાવવાનો છે. સ્વામીજીએ કહ્યું છે કે આધુનિક વિજ્ઞાન, પ્રૌદ્યોગિકી અને વ્યાપાર વાણિજ્ય વિચાર્યા વિના આંધળાની જેમ દેશ પર લદાય તે પહેલાં મરણાસન્ન રાષ્ટ્રને સર્વપ્રથમ પુન: સંજીવની આપવા આધ્યાત્મિકતાને સર્વત્ર ફેલાવી દેવી પડે. જો કે રાષ્ટ્રના આધ્યાત્મિક જીવનને પ્રબળ બનાવવું એ આપણી પ્રથમ અને પ્રાથમિક ચિંતા હતી. આ બાબતમાં કોઈ પણ વ્યક્તિ સ્વામીજીના વિચારના વૈશ્વિક અને મહત્ત્વના અભિગમની અનદેખી ન કરી શકે. ભારત પોતાના સમગ્ર ઇતિહાસકાળમાં સર્વધર્મ સમન્વયની તેમજ બહુલક્ષી સંસ્કૃતિના મૂળિયાંવાળી  વૈશ્વિકતાની ભૂમિકાની પ્રણાલીને જાળવી રહ્યું છે. કેટલાક પશ્ચિમના સમાજે માનવજીવનને પવિત્રતા, સદાચાર અને જાગતિક એવા બે વિભાગોમાં વહેંચી દીધો છે. ભારતીય સમાજે બધી કક્ષાએ અને બધાં ક્ષેત્રે આધ્યાત્મિકતાને જ ગળે લગાડી છે. એણે વિવિધતામાં એકતાના આદર્શ કે વિચારનું અનુશીલન કર્યું છે. ભારતીય પ્રણાલીમાં ધર્મ નિરપેક્ષતા એ ધર્મ વિરુદ્ધની બાબત નથી. એ દરેક વ્યક્તિને પોતાની પસંદગીની ધર્મ સાધના કરવાની છૂટ આપે છે, એટલું જ નહિ જે તે વ્યક્તિના જાહેર જીવનમાં કે રાજ્ય સંચાલનના કાર્યમાં તેની દખલ જોવા મળતી નથી. આ જાતની ધર્મ નિરપેક્ષ ભાવના લોકશાહી પ્રણાલીના બંધારણ સાથે સરળતાથી સુસંબદ્ધ બની શકે. ભારતીય સંસ્કૃતિના વારસાગતભાવે એવી સંગઠન ભાવના આપી છે કે જેની અનન્ય શક્તિથી રાજકીય ઉથલપાથલની લાલચનો તે સામનો કરી શકે છે. આવી ઉથલપાથલો અને લશ્કરી શાસન અગ્નિ એશિયાના દેશોમાં જોવા મળે છે.

બિન સાંપ્રદાયિકતાની ભાવનાના આપણા દેશના પ્રાચીન આદર્શો કે દૃષ્ટિકોણને સ્વતંત્ર ભારતના પંડિત જવાહરલાલ નહેરુ, ડો. એસ. રાધાકૃષ્ણન્, મૌલાના અબ્દુલ કલામ આઝાદ જેવા કેટલાક નેતાઓએ પરિષ્કાર્યો છે અને ઉપદેશ્યો પણ છે. પરંતુ ૧૯૭૨માં બંધારણના ૪૨મા સુધારા દ્વારા બંધારણના પ્રિએન્બલમાં બે વિશેષણો સામેલ થયાં – સેક્યુલર અને સોશિયાલિસ્ટિક. ત્યારથી જ સેક્યુલારિઝમ એટલે કે બિન સાંપ્રદાયિકતા, ધર્મ વિરુદ્ધના અર્થમાં વ્યાખ્યાયિત થયું. આ વાત તો આપણી જૂની સંસ્કૃતિની પાયાની ભાવનાની વિરુદ્ધની છે. એ વાત આપણી ભારતીય પ્રણાલી અને ભવ્ય ભારતના સ્વામી વિવેકાનંદની પરિકલ્પનાની સાવ વિરુદ્ધ છે.

૮ : લોકો આટલા વિવિધ ધર્મ, શ્રદ્ધાના પથનો ઉપદેશ કે સહજીવન માટેની વિવિધ ભાષાઓ બોલતા હોય એવું કોઈ પણ દેશમાં નથી. ભારતીયમાં આ બધું શક્ય બન્યું છે, એનું કારણ એ છે કે એમણે વિવિધતામાં એકતાના સિદ્ધાંતનું આચરણ કરી બતાવ્યું છે. અલબત્ત બ્રિટિશ હકુમત હેઠળની સામાજિક, રાજનૈતિક પ્રક્રિયાએ આ એકતાને હચમચાવી ખરી. સ્વામી વિવેકાનંદનું મિશન ભારતને વેદાંતના ધ્વજ હેઠળ એક કરવાનું હતું. એમને મન ‘વેદાંત’ એ કંઈક વિશેષ અર્થવાળું હતું. એમણે કહ્યું છે : ‘વેદાંત ભારતીય ધર્મ જીવન પર સમગ્રતયા છવાઈ જવું જોઈએ.’ ૧૮૯૩ની વિશ્વધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદ એવી એક મહાન વ્યક્તિ હતી કે જેમણે બધા ધર્મોને સમાદર આપ્યો હતો. કોઈએ ધર્મ પરિવર્તન કરવાની જરૂર નથી. તેમણે કહ્યું હતું: ‘પરંતુ, બીજા ધર્મોમાંથી દરેકેદરેક ધર્મે કંઈક મેળવવાનું છે. આમ છતાં પણ તેણે પોતાનું વ્યક્તિત્વ જાળવી રાખવાનું છે અને વિકાસના પોતાના નિયમ પ્રમાણે તેણે આગળ વધવાનું છે.’

૯ : પશ્ચિમમાંથી પાછા ફરીને સ્વામી વિવેકાનંદે રામનદમાં વાણીનો રણભેરી ફૂંક્યો : ‘મારા ભાઈઓ, ચાલો આપણે સખત પુરુષાર્થ કરીએ; આ સૂઈ રહેવાનો સમય નથી. આપણા પુરુષાર્થ પર જ ભાવિ ભારતના આગમનનો આધાર છે.’ ૧૮૯૭ની ૧લી મેએ એમણે રામકૃષ્ણ મિશન એશોસિયેશનની સ્થાપના કરી. એનો હેતુ હતો દેશની ‘ઐહિક, ચૈતસિક અને આધ્યાત્મિક ઉન્નતિ.’ ૧૮૯૮માં બેલૂર મઠમાં અગ્રતાક્રમે એક એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવાની હતી પણ એ થઈ ન શકી. આમ છતાં પણ મિશનના હેતુઓ એમના આદર્શને ચરિતાર્થ કરે છે – ‘કલા, વિજ્ઞાન અને ઉદ્યોગનું શિક્ષણ આપવું અને તેને પ્રોત્સાહિત કરવું’. તેઓ માનતા હતા કે દેશનો આર્થિક વિકાસ વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા ઔદ્યોગીકરણમાં થયેલ વિકાસમાં રહેલો છે.

સ્વામીજીએ જ્યારે આ શબ્દો ઉચ્ચાર્યા ત્યારે એમણે પોતાનો અભિગમ સ્પષ્ટ કર્યો હતો : ‘મારો આદર્શ છે, વિકાસ, વિસ્તૃતિ, ઉન્નતિ અને તે પણ રાષ્ટ્રિય ધોરણે.’ ખરેખર તો એમણે સર જમશેદજી તાતાને વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં નાણાનો નિવેશ કરવા માટે પ્રેર્યા હતા. જે લોકો ભારતના વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક વિકાસની પ્રવૃત્તિઓમાં મંડ્યા હતા અને એના દ્વારા ભારતની આર્થિક ઉન્નતિ તરફ દેશને દોરી જતા હતા તેવા લોકો માટે એમના ઉદ્‌ગારો પૂરતા પ્રોત્સાહક હતા.

સ્વામીજીના દેહાવસાન પછીનાં ૧૦૦ વર્ષ બાદના વિકાસના માનાંકો દર્શાવે છે કે આપણા દેશે નોંધનીય વિકાસ સાધ્યો છે. સ્વામીજીના પ્રકાશિત ગ્રંથોમાં ઉચ્ચતર ઉત્પાદકતા, સતત ગુણવત્તાવાળા ઉત્પાદનો, સ્પર્ધાત્મક વ્યાપાર વાણિજ્ય, સામાજિક કલ્યાણ થાય તેવી સંપત્તિ અને સમૃદ્ધિનો વિકાસ વગેરેની વિગતો આપણને સાંપડે છે. એમના અધૂરા રહેલ આયોજન-આદર્શને પરિપૂર્ણ કરવા સ્વામીજીની પોતાની વાણી અને એમના ઉદ્‌ગારો આપણને સુદીર્ઘ વિકાસના પથ પર ચાલવા નિ:શંક માર્ગદર્શન આપશે.

૧૦ : ધર્મ, ભાષાના, ભેદના સીમાડાને ઓળંગીને સ્વામીજીના સેવા ધર્મની કાવડની વાત સૌ કોઈના હૃદયને સ્પર્શી ગઈ છે. અબોલ સામાન્ય જનસમૂહની સેવામાં જ સાચો ધર્મ છે, આ આદર્શ પર ભાર મૂકીને એમણે ધર્મના વર્તુળને સમગ્રતયા વિસ્તૃત કર્યું છે. તેમણે કહ્યું છે : ‘ભારતમાં માનવની પૂજાના માનવીય આદર્શ કે વિચાર આણ્વિક કેન્દ્રની જેમ રહ્યો છે. પણ તેને ક્યારેય વિસ્તારવામાં આવ્યો નથી… તમારે આ આદર્શને વિકસાવવો જોઈએ. તમારે તો તેનાં કાવ્ય અને કલા રચવાં જોઈએ.’ તેમણે એમ પણ દર્શાવ્યું છે કે ભારતીય જીવનમાં મહત્ત્વનાં બે પાસાં કે વસ્તુ છે અને તે છે ત્યાગ અને આધ્યાત્મિકતા. સમાજથી વિખૂટા રહીને નિષ્ક્રિય જીવન કે ધ્યાનમગ્ન જીવનના ધ્યેયને ત્યજીને એમણે બે પથની સંવાદિતા આપણી સમક્ષ મૂકી છે : ‘આત્મનો મોક્ષાર્થં જગત હિતાય ચ – માનવમાં રહેલ પ્રભુની સેવા અને પોતાની મુક્તિ’ એ બે પથ. સ્વામીજીએ શરૂ કરેલાં ભાવ-આંદોલનનો એ મુદ્રાલેખ મુખ્ય મિશન બની ગયાં છે.

સ્વામી વિવેકાનંદે ઉદ્ઘોષણા કરી છે કે શ્રીરામકૃષ્ણના આગમન સાથે જ માતૃભૂમિ ભારતનું પુનર્જાગરણ શરૂ થઈ ચૂક્યું હતું. ભલે ને આપણે પહેલાં ન જોયેલ સંઘર્ષ, છીછરાપણું અને બીજા વિરોધાભાસો આજે ભારતીય સમાજમાં જોવા મળતા હોય છતાં પણ ભારતે વાસ્તવિક રીતે નોંધનીય પ્રગતિ સાધી છે અને આજે એની સિદ્ધિઓને સમગ્ર જગત પ્રમાણી રહ્યું છે. તાજેતરમાં હૈદરાબાદમાં ભારતના સુખ્યાત ન્યુક્લીઅર વૈજ્ઞાનિક ડો. એ.પી.જે. અબ્દુલ કલામે સાચું કહ્યું છે: ‘આપણી શક્તિને, સામર્થ્યને ઓળખવામાં આપણે શા માટે શરમ અનુભવવી જોઈએ? આત્મસન્માન તો આત્મશ્રદ્ધા અને સ્વાવલંબનમાંથી આવે છે, એ વાત આપણે કેમ અનુભવતા કે સમજતા નથી?’ આવા સંઘર્ષોને ઘસી-ભૂંસી નાખવા પડશે અને વિરોધોમાંથી છૂટકારો મેળવવો પડશે. આપણે આપણા વિકાસનાં ધ્યેય અને તેનાં સાધનોને સ્વામીજીની દૃષ્ટિએ એક આલોચનાની રીતે તેની અન્વીક્ષા કરવી પડશે. સર્વપ્રથમ તો માનવ અને માનવના નીતિસદાચારનાં મૂલ્યોનું પુનર્જાગરણ કરવું પડશે.

સ્વામીજીની અસ્મિતા આપણને ઈશારો કરી રહી છે. સ્વામીજીએ ભારત અને સમગ્ર વિશ્વમાં સર્વના આત્માને જગાડનાર શક્તિ અને ગુણના મૂર્તિમંત પ્રચંડ વિરાટ પુરુષરૂપે ફલાંગો ભરી છે. એમની હચમચાવી મૂકતી વાણી, સર્વકોઈને આંજી દેતી એમની સિદ્ધિઓ અને સર્વોત્કૃષ્ટ વ્યક્તિત્વે સર્વત્ર નરનારીઓનાં હૃદયને હલાવી દીધાં છે. એમનો એ અમર આત્મા તો સોએક વર્ષ પહેલાં આપણી વચ્ચેથી વિલીન થઈ ગયો છે. પણ એ આપણાથી વિખૂટો પડ્યો નથી. એમની એ ભાવના આજે પણ આપણી સાથે ‘અશરીરી વાણીના રૂપે’ છે. પોતાના આ પાર્થિવદેહને છોડતાં પહેલાં એમણે આ શબ્દો ઉચ્ચારીને લોકોને ફરીથી ખાતરી આપી હતી: ‘હું કાર્ય કરતાં અટકી પડવાનો નથી. જ્યાં સુધી તેઓ (લોકો) ઈશ્વર સાથે ઐક્ય ન સાધે ત્યાં સુધી માનવોને હરસ્થળે પ્રેરતો રહીશ.’

Total Views: 37

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.