વિષ્ણુના રામ – કૃષ્ણ એ બે અવતારો, દેવી અને શિવ – આ ચાર દેવો પર હિન્દુઓની આસ્તિકતાનો મહેલ ચણાયો છે. રામાયણ – મહાભારત ઉપરાંત વિશાળ પૌરાણિક સાહિત્ય એના પાયામાં છે. આ ચારેય શાખાઓએ હિન્દુ ધર્મનું ભાતીગળ પોત ઉપસાવ્યું છે. આ  બધાં પાયાનાં પુરાણો – મહાકાવ્યોમાં ભાગવત આપણું વિશેષ ધ્યાન ખેંચે છે. એમાં તત્ત્વજ્ઞાન અને ભક્તિની સુગંધ તો છે જ. પરંતુ, સાથોસાથ ઊડીને આંખે વળગે એવું સાહિત્યિક સૌંદર્ય પણ છે.આમ તો એ માત્ર વૈષ્ણવોનો એક સાંપ્રદાયિક ગ્રંથ – વિષ્ણુ અવતાર કૃષ્ણની ભક્તિને પ્રબોધતો ગ્રંથ જ છે. છતાં પોતાના દૃષ્ટિકોણમાં એ આશ્ચર્યકારક ઉદારતા દેખાડે છે અને અદ્વૈત તત્ત્વજ્ઞાનનો તેમજ શૈવ સંપ્રદાયનો વૈષ્ણવ સંપ્રદાય સાથે સફળ સમન્વય સાધી બતાવે છે. આ રીતે આ પુરાણનું અધ્યયન અવશ્ય અતિ આકર્ષક અને ફળદાયી છે એટલે જ એવું મનાયું છે કે ‘विद्यावतां भागवते परीक्षा’ ‘આનાથી વિદ્વાનોની કસોટી થાય છે.’

આ ભાગવત અઢાર પુરાણો પૈકીનું એક છે. ‘પુરાણ’ શબ્દનો ઉલ્લેખ એકવચનમાં જ અથર્વવેદ, શતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્યક ઉપનિષદ – આટલા પ્રાચીન વૈદિક સાહિત્યમાં મળે છે. એમ પુરાણ નામની વૈદિક અધ્યયનની એક શાખા હોવાનું અનુમાન થાય છે. પુરાણ સાહિત્યનું પ્રાચીનતમ રૂપ ‘પારિપ્લવ આખ્યાનો’માં મળે છે. યજ્ઞોના અવકાશકાળે આવી રાજાઓની વંશાવળીઓ ગવાતી. કાળાન્તરે આ વંશાવળીએ, સુત જાતિના લોકોએ વારસારૂપે સંભાળી. અને યજ્ઞોથી એ સ્વતંત્ર થઈ. અને એનો વિકાસ થતાં એકમાંથી જ અનેકાનેક પુરાણો અને ઉપપુરાણો રચાતાં રહ્યાં. વ્યાસના શિષ્ય લોમહર્ષણના નેતૃત્વ નીચે એ કામ થયું.

એ બનાવજોગ છે કે વ્યાસે મૂળ પુરાણસંહિતા રચી હોય અને પછી પાછળથી ધીમે ધીમે લોમહર્ષણે અને એના શિષ્યોએ એનો વિકાસ અને વિભાગીકરણ કર્યાં હોય! અને એનું જ પરિણામ અઢાર પુરાણો અને અઢાર ઉપપુરાણો હોય! એનાથી જ અઢાર પુરાણોના કર્તા વ્યાસ છે એવો ખુલાસો મળી શકે છે.

આ અઢાર મહાપુરાણોમાં ભાગવતનું સ્થાન છે કે નહિ, તે સંબંધે વિવાદ ચાલે છે. અઢાર પુરાણોમાં આ શ્રીમદ્ ભાગવત છે કે દેવી ભાગવત છે? એ વિવાદ છે. પણ મોટા ભાગના વિદ્વાનો આ શ્રીમદ્ ભાગવતને જ મહાપુરાણ પૈકીનું એક ગણે છે.

અન્ય શાસ્ત્રોની પેઠે જ કેટલાંય કારણોને લીધે ભાગવતનો રચનાકાળ પણ નક્કી કરવો કઠિન છે. તેમ જ એના આ સંવર્ધિત સંસ્કરણનો કર્તા શોધવો પણ મુશ્કેલ છે. અંત:સાક્ષ્ય જોઈએ તો શુકદેવ પરિક્ષિતને પ્રબોધે છે એ એનો પ્રારંભ કલિયુગની શરૂઆતનો સમય છે. એટલે કે ઈ. પૂ. ૩૦૦૦નો સમય છે. આ રૂઢિ પરસ્તોની માન્યતા છે. બીજો મત તેરમી સદીના બોમદેવને આના કર્તા માને છે. આ મતને તો કેટલાયે વિદ્વાનોએ નકારી જ કાઢયો છે. કેટલાકનો એવો અભિગમ છે કે પુરાણોનું મૂળરૂપ તો પ્રાચીન છે પણ એને ઈ.સ.ની શરૂઆતમાં મહાપુરાણનો આકાર અપાયો, અને પછીથી તામિલ સંતોએ પાંચમીથી આઠમી સદીમાં એનો વિસ્તાર કર્યો. આલ્વારોનો પણ એ જ કાળ હતો. આ રીતે ત્રણ સ્તરે પુરાણોનો વિકાસ થયો છે.

જો કે પરંપરા તો માત્ર વેદ વ્યાસને જ ભાગવતના કર્તા તરીકે માને છે. એ જ માત્ર મૂળ ભાગવતના નિર્માતા હતા. એનું બીજા સ્તરે અને ત્રીજા સ્તરે કયારે સંવર્ધન અને પરિષ્કરણ થયું, તે વાતની તેમને જાણ નથી. આજે મળતું શ્રીમત્ ભાગવત બાર સ્કંધોમાં વહેંચાયેલું છે, એના ૩૩૫ અધ્યાયો છે. એના ૧૪૦૦૦ શ્લોકો છે. (પરંપરા પ્રમાણે ૧૮૦૦૦ શ્લોકો છે.) એમાં સર્ગ, પ્રતિસર્ગ, વંશાવલિ, મન્વન્તર વગેરે પાંચેય પુરાણ લક્ષણો ઉપરાંત વિષ્ણુના બધા અવતારોની કથાઓ છે. વળી ભાગવત કૃષ્ણ ભક્તિકેન્દ્રી હોવાને કારણે એમાં કૃષ્ણજન્મથી માંડીને કંસમંત્રણા, પૂતનામોક્ષ, નામકરણ, બાળલીલા, દામણબંધન-લીલા, ફળ વેચનારીનું ફળદાન, વ્રજવાસીઓનું ગોકુળથી વૃંદાવન આગમન, ગોચારણ લીલા, અઘાસુરવધ, બ્રહ્મમોહન અને તેમણે કરેલી સ્તુતિ, કાલિયદમન, રાસલીલા, કૃષ્ણ બલરામનું મથુરાગમન અને કંસવધ, ઉદ્ધવનું વ્રજગમન, શિશુપાલવધ, જરાસંઘ વધ, કુરુક્ષેત્રમાં સૂર્ય ગ્રહણ વખતે યાદવો – ગોપગણોનું મિલન, કૃષ્ણ-ઉદ્ધવ સંવાદ, લીલા સંવરણ વગેરે સાંગોપાંગ વર્ણવાયાં છે. તદુપરાંત, કુંતી અને ભીષ્મની કૃષ્ણ સ્તુતિઓ, વિદુર – ઉદ્ધવ સંવાદ, મૈત્રેય-વિદુર સંવાદ, કપિલ દેવહૂતિ સંવાદ, ધ્રુવ કથા, પ્રહલાદ કથા, પૃથુનું  ઉપાખ્યાન વગેરે અનેક રસપ્રદ – બોધપ્રદ – અદ્ભુત વાતો આવેલી છે.

આ બધું હોવા છતાં વેદવ્યાસે આ ભાગવત સંપૂર્ણ રીતે કૃષ્ણાવતારના માધ્યમ દ્વારા એમનાં જ ગુણગાન, એમની જ ભક્તિને અભિવ્યક્ત કરવા જ રચ્યું છે એટલે કૃષ્ણને સ્પર્શ્યા સિવાય ખાસ કરીને દશમ સ્કંધને સમજ્યા વગર તો – ભાગવત પૂરું ન થાય. કૃષ્ણના માનવસંબંધો અને કૃષ્ણના વ્યક્તિત્વને પૂરું સમજવું જ રહ્યું. ભાગવત કૃષ્ણ કેન્દ્ર છે.

ભાગવત કહે છે : ‘कृष्णस्‍तु भगवान्स्वयम्‌’– ‘કૃષ્ણ ભગવાન પોતે જ છે.’ જો કૃષ્ણ ભગવાન હોય, તો એમની માનવીય અભિવ્યક્તિઓ પણ પૂર્ણ જ હોય અને એનું ભૌતિક રૂપ સૌંદર્ય પણ ભારે લોભામણું હોય. એની વાણીયે મધમીઠી હોય, એની બુદ્ધિ અને શાણપણ પણ ભેદક જ હોવાં જોઈએ. એની દીર્ઘદૃષ્ટિ અને નિર્ણયશક્તિ અનન્ય હોવી જોઈએ. એની સત્તા, બળ, પૌરુષ, વીરત્વ – બધું ભારે પ્રભાવક હોય જ. પણ આ બધું જ હોવા છતાં તેઓ કોઈ જુલ્મગાર રાજવી નથી. હા, જુલ્મગાર રાજવીઓ એનું નામ માત્ર સાંભળીને થથરી ઊઠે છે તો ખરા! કૃષ્ણનું હૈયું માખણ જેવું કૂણું છે. બહુમતી ધરાવતા વિશાળ સામાન્ય જનસમુદાય સાથે હળવુંભળવું એને ગમે છે. તેઓ દીનહીનોના દોસ્ત અને બેલી છે, એ કૃપાવતાર છે. દબાયેલાં – પિસાયેલાંના સૌ પહેલા તારણહાર છે.

તેઓ રાક્ષસોના સંહારક, રાજાઓના વિજયી, રાજાઓને બનાવનાર અને ઉઠાડી મૂકનાર પણ છે. છતાં એણે ક્યારેય રાજગાદીની ખેવના કરી નથી. સંપત્તિ અને સત્તા તો એનાં ચરણો ચાટતી જ આવી હતી. પણ એ પરમ અનાસક્ત ભાવે જ રહ્યા.

તો એવું વ્યક્તિત્વ હતું ભાગવતના કૃષ્ણનું! એ ભગવાન મહાન આધ્યાત્મિક ઉપદેશક હતા. જેવા યુદ્ધવીર તેવા જ પરમતત્ત્વના ઉપદેશક! તેઓ યોગેશ્વર હતા, યોગીઓનું લક્ષ્ય હતા! એમણે ગોપીઓને અને ઉદ્ધવને આપેલો ઉપદેશ એમની અનન્ય આંતરસૂઝ અને સાથોસાથ વ્યવહારુતા પણ પૂરેપૂરી રીતે બતાવી જાય છે.

વૃંદાવનમાં કૃષ્ણનો ગોપીઓ સાથેનો વિહાર ઘણીવાર પૂરું પૃથક્કરણ કર્યા વગર જ લોકો નિંદે છે. અરે, પરીક્ષિત પોતે પણ આ વિષયમાં ભાગવતમાં ગંભીર શંકાઓ ઉઠાવે છે અને પછી શુકદેવના ઉત્તરથી એનું સમાધાન થાય છે. શુકદેવે કહ્યું: ‘જે ભગવાનનાં ચરણકમલોના ધ્યાનથી આધ્યાત્મિક જ્ઞાનપ્રાપ્ત ઋષિઓ પણ જો આ જાગતિક યોગ્યતા-અયોગ્યતાને ઓળંગી શકતા હોય, તો પછી પોતાની ઇચ્છાથી જગતનો ઉદ્ધાર કરવા અવતરેલ સ્વયં ભગવાન વિશે તો કહેવાનું જ શું હોય?’ કેટલીક વાર આવા મહાન અવતારો દુન્યવી નીતિધર્મનું ઉલ્લંઘન કરતા જણાય છે ખરા, પણ આવી બાબતોમાં આપણે તેમના ઉપદેશોને જ અનુસરવું જોઈએ. તેમનાં કાર્યોને નહિ જ! દાખલા તરીકે શિવજીએ વિશ્વરક્ષા કાજે હળાહળ ઝેર પીધું તે આપણે કરી શકીએ નહિ! અગ્નિદેવ હોમેલું બધું હજમ કરી જાય છે, આપણું એ ગજું નથી.

જે કોઈ રીતે ભક્તો શ્રીકૃષ્ણ પાસે આવ્યા, તે જ રીતે શ્રીકૃષ્ણે તેમને પ્રતિસાદ આપ્યો. ગોપીઓનો પ્રેમ કામુકતાભર્યો હતો, તે તેઓ જાણતા હતા. એક નિપુણ માનસ ચિકિત્સકની અદાથી તેમણે એમને એવો પ્રતિસાદ આપીને જ તેમના અવચેતન-માનસમાંથી કામુકભાવને દૂર કર્યો. પોતે તટસ્થ ચિકિત્સક તરીકે નિહાળતા રહ્યા. (૧૦.૩.૨૬, ભાગવત) એમનું આ કલાકૌશલ કામ કરી ગયું અને ગોપીઓએ તેમના સાચા સ્વરૂપને ઓળખી લીધું! (૧૦.૪૭.૫૩)

જેલમાં જન્મ્યા છતાં એમણે અનેકોને જેલમુક્ત (બંધનમુક્ત) કર્યા! ગોવાળોમાં ઉછરીને એણે ભલભલા ભૂપતિઓ અને ઋષિઓનાં માનસન્માન હાંસલ કર્યાં. પોતે અનેકાનેક આતંકોના ભોગ બનીને અન્ય અનેકને આતંકમુક્ત કર્યા. તેઓ એક આદર્શ ગૃહસ્થ, આદર્શ ત્યાગવીર, અનેક યુદ્ધો ખેલનાર, પરાજયને નહિ જાણનાર આદર્શ યુદ્ધવીર, અત્યાચારી અને દંભીઓના કાળ, અનન્ય રાજનીતિજ્ઞ, સંપૂર્ણ કર્મઠ પુરુષ, દીનહીનોના મિત્ર, નારીની પ્રતિષ્ઠાના પુરસ્કર્તા, અસ્પૃશ્યો અને સમાજમાં કચડાયેલાઓના તારણહાર, શ્રીકૃષ્ણ તો ‘પુરુષોત્તમ’ હતા!

શ્રીમદ્ ભાગવત તો દિવ્ય જીવન અને દિવ્ય પ્રેમનો જ ઉપદેશગ્રંથ છે, એ કોઈ દાર્શનિક ગ્રંથ તો નથી. છતાં પણ એ સત્ તત્ત્વની અપરોક્ષ અનુભૂતિ ઉપર જ પ્રતિષ્ઠિત થયેલ છે. એનો પાયો વિજ્ઞાન (વિશેષ જ્ઞાન) છે. એટલે બૌદ્ધિક માનદંડથી પણ એવી અનુભૂતિની કસોટી કરી શકાય તેમ છે.

ભાગવત પ્રમાણે બ્રહ્મ કે આત્મા જ એક માત્ર પારમાર્થિક સત્ તત્ત્વ છે. અને આ નામરૂપાત્મક સમગ્ર જગત એની અભિવ્યક્તિ જ છે. આ સત્ તત્ત્વ માટે ભાગવતે વાપરેલા અન્ય શબ્દો પરમાત્મા, પ્રત્યગાત્મા, પુરુષોત્તમ, અક્ષર, સૂર્ય, ભૂમા વગેરે ઉપનિષદના જ શબ્દો છે, પરંતુ ભાગવતે એ જ સત્ તત્ત્વ માટે વાપરેલા અન્ય શબ્દો પણ છે. જેમ કે કૃષ્ણ, વાસુદેવ, નારાયણ, હરિ વગેરે. ગમે તેમ પણ આ બધા શબ્દો વાણી અને મનથી પર એવા એકમાત્ર પારમાર્થિક સત્ને જ સૂચવે છે, અનંત વ્યાપક સત્ને સૂચવે છે.

ભાગવતનું પરમતત્ત્વ બ્રહ્મ નિરાકાર, પુરુષોત્તમ, આ સમગ્ર સૃષ્ટિનું અને મનનું સર્જક, પાલક અને સંહારક છે. એ કણકણમાં વ્યાપ્ત છે, માયા તેની અનંત શક્તિ છે. એનો એ ઉપયોગ કરે છે. નિરાકાર હોવા છતાં ભક્તોની ઇચ્છા પ્રમાણે તે રૂપ ધારણ કરે છે; અને એ રૂપધારી પરમતત્ત્વ પર અહીં જોર અપાયું છે. કારણ કે પ્રેમ, ભક્તિ અને પ્રાર્થના માટે એ જ સૌથી વધુ અનુકૂળ છે. અને એ જ છે કૃષ્ણ! એ જ છે સ્વયં ભગવાન! ભાગવતમાં વારંવાર પ્રયોજાયેલો આ શબ્દ સાકાર, અનંત, પરમકૃપાળુ પરમતત્ત્વને સૂચવે છે. સંતો અને મહાપુરુષો માટે પણ આ શબ્દ વપરાયો છે. એટલે આ ગ્રંથનું નામ ‘ભાગવત’ જ ગ્રંથની વિભાવનાને છતી કરનારું અન્વર્થક નામ છે.

હવે અવતારની વિભાવના જોઈએ : આધ્યાત્મિક સંતુલન સ્થાપીને માનવજાતિને દિવ્યતાના સ્તરે પહોંચવામાં સહાય કરવા માટે ઈશ્વર દેહધારી બનીને નીચે ધરતી પર ઊતરે છે. ભાગવતમાં આવા ઘણા અવતારોના સંદર્ભો છે. એમાં કોઈ સમાનતા, ક્રમ કે શ્રેણી જેવું કશું નથી. આ અવતારો દસથી માંડીને ચાલીસ સુધી ના પણ હોય! ભાગવતમાં લખ્યું છે કે ‘અવતારા હ્યનન્તારતે..’

ભાગવતને નિગમકલ્પતરુનું ફળ કહ્યું હોવા છતાં એમાં વૈષ્ણવતંત્રના એટલે કે આગમના – પાંચરાત્રના ચાર વ્યૂહો પણ વર્ણવાયા છે. કેટલીક વાર આ ચારે વ્યૂહોને પણ અવતારો ગણવામાં આવ્યા છે. કારણ કે કોઈક વૈશ્વિક હેતુ માટે જ પરમેશ્વરમાંથી પરિણમતાં એ ચાર સ્વરૂપો છે. વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ – આ ચાર વ્યૂહો છે. ભગવાનના ‘ભગ’ – છ ગુણોની અભિવ્યક્તિ રૂપ આ વ્યૂહો છે. (જ્ઞાન, બલ, ઐશ્વર્ય વગેરે છ ગુણો ‘ભગ’ કહેવાય છે). વાસુદેવમાં આ બધા ગુણો પૂર્ણત: વિકસેલા છે. બીજા ત્રણ વ્યૂહોમાં બે ગુણો ઓછીવત્તી માત્રામાં વિકસેલા હોય છે.

ઋગ્વેદના ‘પુરુષ’ની સંકલ્પના પણ ભાગવતમાં દેખાય છે, એ વૈશ્વિક પુરુષ પોતાને વિષય રૂપે અભિવ્યક્ત કરતો વ્યક્તિ અને વિશ્વનું રૂપ ધરે છે. એને જ પુરુષોત્તમ કે કૃષ્ણ પણ કહ્યો છે – બંનેને એક ગણ્યા છે.

હવે ‘માયા’ની વાત. એ ઈશ્વરની શક્તિ છે. સત્ત્વ, રજસ્ અને તમસ્ – એ ત્રણ એના ગુણો છે. આ ત્રણેય ગુણોની સામ્યાવસ્થા, જ્યારે ઈશ્વરેચ્છાથી ખળભળે છે, ત્યારે તેના ઊલટસૂલટ ક્રમ અને વિવિધ મિશ્રણથી આખું જગત બને છે, છતાં ઈશ્વર તો ચુંબકની પેઠે નિષ્ક્રિય જ રહે છે.

પ્રભુભક્તને સૃષ્ટિપ્રક્રિયા પ્રભુલીલા જ દેખાય છે. એને એમાં આનંદ મળે છે. સૃષ્ટિની રચનાનો હેતુ સંસારચક્રમાં સંઘર્ષ અનુભવતા લોકોને મુક્ત કરવાનો મુખ્યત: હોય છે.

ભાગવતના ઉપદેશની મુખ્ય બાબત તો સાધના દ્વારા પૂર્ણ ભક્તિ – પરાભક્તિની પ્રાપ્તિની છે. પરા-પ્રેમાભક્તિનું જ અહીં પ્રાધાન્ય છે. જો કે એવી યોજનામાં જ્ઞાન-કર્મ-યોગ વગેરેને પણ એનું ઉચિત સ્થાન અપાયું છે, પણ ભક્તિ તો સહજસરલ છે. એટલે પૂર્ણત્વની પ્રાપ્તિ માટે એ જ મુખ્યત: વર્ણવાઈ છે.

ભક્તિ બે પ્રકારની છે : પ્રાથમિક સાધન તરીકે સ્વીકારાયેલ  ભક્તિ ‘સાધન ભક્તિ’ અથવા ‘વૈધી ભક્તિ’ કહેવાય છે. એમાં કર્મ-પ્રાર્થના-પૂજા વગેરે મુખ્ય હોય છે. એ ભક્તિ જ્યારે પરિપક્વ થાય છે ત્યારે ‘એકાન્તિકી’, ‘અહૈતુકી’ કે ‘આત્યંતિકા’ કક્ષા પ્રાપ્ત કરે છે. અર્થાત્ તીવ્રતમ, એકલક્ષી અને અન્યાનપેક્ષી બની જાય છે. એમાં ઈશ્વર તરફ એકધારો પ્રેમ વહેતો હોય છે. એને નિર્ગુણ ભક્તિ પણ કહે છે. એને પામનાર ‘મહાભાગવત’ કહેવાય છે અથવા ‘ભાગવતોત્તમ’ કહેવાય છે.

આ ભક્તિનું લક્ષ્ય સાકાર ઈશ્વર અથવા તો કોઈ અવતાર કે પછી સમગ્ર વિશ્વ પણ હોઈ શકે. પણ આ ત્રણેયમાં પણ અવતારની ભક્તિ સરલતર અને મધુરતમ છે. ભગવાન પ્રત્યેના ભક્તના ભાવવૈવિધ્ય પ્રમાણે ભક્તિ અનેક પ્રકારની બને છે: શાંત, દાસ્ય, વાત્સલ્ય, સખ્ય, માધુર્ય, વગેરે..

ભાગવતની એક આગવી વિશિષ્ટતા એ છે કે ભક્તિના આ ભાવપરિઘમાં એણે ભગવાન તરફ તિરસ્કારભાવ અને વૈરભાવનો પણ સમાવેશ કર્યો છે! કારણ કે એ ભાવોની તીવ્રતાથી પણ ભગવાનનું તીવ્ર અનુસંધાન થાય છે અને છેવટે ચિત્તશુદ્ધિ થતાં મોક્ષ થાય છે.

પ્રેમ સામાન્યતયા ઉપાસ્યની સેવામાં જ સરસ રીતે અભિવ્યક્ત થતો હોવાથી ભાગવત સગુણ ઈશ્વર કે સંતોની સેવા પર જ ખૂબ ભાર મૂકે છે. દીનદુ:ખીઓમાં ઈશ્વરની અભિવ્યક્તિ ભાળીને આ ભાગવત એમની સેવા પર પણ ખૂબ ભાર મૂકે છે.

ભાગવતની એક અન્ય ખાસ નોંધપાત્ર બાબત એ છે કે એ માતૃભૂમિ-ભારતવર્ષ-પર અત્યન્ત સન્માન દાખવે છે. મહાન રાજર્ષિ ભરત પરથી એનું નામ ‘ભારત’ પડ્યું છે. એ કંઈ ખાલી ભૌગોલિક એકમ નથી. એ તો છે સંસ્કૃતિની માતા! નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોની સભ્યતા!

વર્ણાશ્રમ ધર્મો એમાં વિસ્તારથી વર્ણવાયા છે. એ માનવીના આધ્યાત્મિક ઉચ્ચતમ સ્થાન પ્રાપ્ત કરવાના અધિકારને પ્રમાણપત્ર આપે છે. કોઈ પણ કરતાં ગુણ અને કર્મને એ પ્રાધાન્ય આપે છે અને સાથોસાથ ભારપૂર્વક જણાવે છે કે ભક્તિ વર્ણોની અને જન્મની ભીંતોના ભેદોને ભાંગી નાખે છે.

ધર્મભાવના પ્રાર્થના દ્વારા અભિવ્યક્ત થાય છે. ભાગવત વૈદિક પ્રાર્થનાઓને પણ ભક્તિ સાધના જ માને છે. મૂર્તિપૂજા, સૂર્યાદિપ્રતીકપૂજા, ગંગાદિ નદીપૂજા, હિમાલયાદિ પર્વતપૂજાને પણ એ ભક્તિનાં ઉપકરણો માને છે. એક વસ્તુ ખાસ કહેવાઈ છે કે ભક્તે ક્યારેય પણ કોઈ પોતાની વાંછાપૂર્તિ માટે ભક્તિ કરવી નહિ. કૃષ્ણ કે ભગવાન સર્વજ્ઞ છે અને પોતાના ભક્તનું કલ્યાણ શેમાં છે તે સારી રીતે જાણે છે.

મુક્તિ જીવનનું ઉચ્ચતમ લક્ષ્ય છે. સર્વબંધન મુક્તિની અને પોતાના મૂળ દિવ્ય ભાવની પ્રાપ્તિની એ અવસ્થા છે. ભક્તિ અને જપ ચિત્તશુદ્ધિનાં ખૂબ અસરકારક સાધનો છે, પણ ભાગવત એક બહુ જ રસપ્રદ વાત કહે છે કે ભક્તિ તો પાંચમો પુરુષાર્થ છે અને મોક્ષ કરતાંય ઉચ્ચતર છે. ભાગવત પ્રમાણે ભક્તિ કંઈ કેવલ ચિત્તશુદ્ધિ માટે નથી. ભક્તિ તો મોક્ષથી ય ઉપરની લક્ષ્ય સ્વરૂપ અવસ્થા છે! સારુપ્ય, સાલોક્ય, સામીપ્ય વગેરે પ્રકારની મુક્તિ હોય છે તેમ ભાગવત વર્ણવે છે. તાદાત્મ્યના અદ્વૈત કરતાં દ્વૈતનું માધુર્ય – ભક્ત ભગવાનની સમાનતાની પરાભક્તિને જ પ્રાધાન્ય આપે છે.

ભાગવતનું સાહિત્યિક સૌંદર્ય પણ અનુપમ છે. એનું પ્રકૃતિવર્ણન (૧૦.૨૦), એનું મથુરા-દ્વારકાનું નગરવર્ણન (૧૦.૪૧, ૧૦.૩૭), એનું નવરસવર્ણન (૧૦.૨૯, ૧૦.૬૦, ૧૦.૩૭, ૧૦.૮, ૧૦.૮૦-૮૧) ખરેખર અદ્ભુત છે. વિદ્વજ્જનોએ સેંકડો વર્ષોથી એને વિદ્વત્તાની કસોટીરૂપ માન્યું, એ નવાઈ નથી. એ જ કારણે ભાગવતે કેટલાય વિદ્વાનોને ટીકા કરવા આકર્ષ્યા છે. હાલ લગભગ ૪૪ ટીકાઓ મળે છે. એમાં ચૌદમી સદીની શ્રીધરી સુવિખ્યાત છે, કારણ કે એમાં સ્પષ્ટતા અને સંક્ષિપ્તતાનો વિરલ સંયોગ છે. વીર રાઘવાચાર્યની ભાગવતચંદ્રિકા, વિજયધ્વજતીર્થની પદરત્નાવલી પણ પ્રખ્યાત ટીકાઓ છે. બાકી તો વલ્લભાચાર્યની સુબોધિની વગેરે અનેકાનેક સાંપ્રદાયિક ટીકાઓ છે.

ભાગવત આમ તો ભક્તિગ્રંથ જ છે. છતાં એમાં શ્રદ્ધાપ્રધાન તત્ત્વજ્ઞાન ઘણું છે. એ ભક્તિને સિદ્ધાંત તરીકે પ્રબોધે છે. તાત્ત્વિક રીતે એ વેદાંત જ છે. એટલે ઉપનિષદનો સંદેશ અહીં શબ્દશ: નજરે પડે છે. આમ આ કૃતિ અદ્વૈત તરફ ખૂબ ઢળતી હોવા છતાં સગુણ ઈશ્વરને ખાસ કરીને નારાયણ-મહાવિષ્ણુ કે કૃષ્ણને જ પ્રાધાન્ય આપે છે. અને તેમના તરફની ભક્તિને જ જીવનના પરમલક્ષ્યની પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ સાધન માને છે.

ભાગવતની ભક્તિ કોઈ લાગણીવેડા નથી. એ તો વૈરાગ્યજનિત ઉપાસના કે ધ્યાન છે અને સત્યનું દર્શન છે. અને કદાચ લાગણીવેડા હોય તો પણ એ લક્ષ્યપ્રાપ્તિમાં મદદ તો કરે જ છે. કારણ કે એ પરમાત્મા તરફ જ અભિમુખી છે. પરમાત્મા એનો પ્રતિસાદ આપવાનું જાણે છે, એનો પરિષ્કાર કરવાનું, ભક્તને દોરવાનું, માર્ગ બતાવવાનું પ્રભુ જાણે જ છે.

શિવ-વિષ્ણુ સંપ્રદાયોના તે કાળે વિરોધી ગણાતા સમન્વયનો પણ અહીં પ્રયત્ન થયો છે. જ્ઞાન-ભક્તિ-કર્મ તેમજ અન્ય માર્ગોના સમન્વયો પણ અહીં જોવા મળે છે. પરંતુ ભાગવતની સૌથી મોટી સિદ્ધિ એ છે કે એણે કૃષ્ણવંશગાથા અને કૃષ્ણ વ્યક્તિત્વ કવિત્વમય રીતે અને છતાં ખૂબ જ પ્રભાવક ઓજસ્વી અને બળૂકી ભાષા દ્વારા ઉપસાવી બતાવ્યાં! કૃષ્ણ જો કરોડો હિન્દુ હૈયાંનો લાડકો આજે બની શક્યો હોય તો કેવળ આ અનુપમ કૃતિથી જ, એમ કહેવું જરાય અતિશયોક્તિભર્યું નથી!

Total Views: 31

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.