શ્રદ્ધા અને વિશ્વાસ સાચું ઔષધ છે

૧૯મી શતાબ્દિની શરૂઆતમાં વિજ્ઞાનનો ઝંઝાવાત ભારત તરફ વહેવા લાગ્યો. જેમ પશ્ચિમના વૈજ્ઞાનિક પ્રવૃત્તિસંપન્ન લોકોએ પોતાના ધર્મના નેતાઓની આલોચના કરી હતી, બરાબર એવી જ રીતે આ દેશના કહેવાતા શિક્ષિત લોકો પણ એમના જ અવાજને દોહરાવી રહ્યા હતા. વસ્તુત: ભારતીય ધર્મ ક્યારેય પણ સાચા વૈજ્ઞાનિક ચિંતનનો વિરોધી રહ્યો નથી. ધર્મની સીમાઓની ભીતર રહીને મર્યાદિત સુખોની આપણાં ધર્મશાસ્ત્રોએ ક્યારેય નિંદા કરી નથી. અહીં સત્યની શોધ તથા તેની અનુભૂતિની વિધિ અત્યંત વૈજ્ઞાનિક રીતે વિકસિત થઈ ચૂકી હતી. આપણા ઋષિમુનિએ આત્મા, ઈશ્વર અને બ્રહ્માંડનાં સત્યો તથા મનુષ્યના હૃદયના અંતર્જગતની ખોજ કરીને એમાં પરસ્પર રહેલા સંબંધનો આવિષ્કાર પણ તેઓ કરી ચૂક્યા હતા. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે વેદાંતમાં જોવા મળતાં સાર્વભૌમિક સત્ય આધુનિક વિજ્ઞાનના પડકારોનો સામનો કરી શકે છે. માનવતાને પ્રગતિ અને શાંતિના પથે આગળ લઈ જઈ શકે તેમ છે. એમણે એક વ્યાવહારિક જીવનદર્શનનો ઉપદેશ આપ્યો. જેને કોઈ ખાસ ધર્મ સાથે કોઈ વિશેષ સંબંધ ન હતો. આ દર્શન વ્યક્તિત્વના બહુમુખી વિકાસ તથા સમાજ અને રાષ્ટ્રનું હિત-કલ્યાણ સાધી શકે છે. એમની માન્યતાઓ છે – સમગ્ર બ્રહ્માંડની આધ્યાત્મિક એકતા, સર્વ ધર્મ સમભાવ, આત્માની દિવ્યતા તથા માનવ માત્રની સેવા દ્વારા ઈશ્વરની સેવા.

સ્વામી વિવેકાનંદ ભારતીય સ્વાધીનતાના પૂર્વકાળના એક મહાન દેશભક્ત અને આધ્યાત્મિક આચાર્ય હતા. એમણે દેશમાંથી ગરીબીનું ઉન્મૂલન અને દેશસેવામાં આત્મત્યાગ કરવાના હેતુ માટે યુવાનોમાં પ્રેરણાનો સંચાર કર્યો હતો. પ્રખ્યાત ઇતિહાસકાર ડો. રમેશચંદ્ર મજૂમદાર પોતાના પુસ્તક ‘ભારતીય સ્વતંત્રતા સંગ્રામનાં ત્રણ રૂપ’માં એમણે લખ્યું છે :

હવે તો આ એક સુવિદિત તથ્ય છે કે બંગાળના સેંકડો યુવાન ક્રાંતિકારીઓ સ્વામી વિવેકાનંદના સંદેશથી પ્રેરાયા હતા. એમણે પોતાના હોઠ પર ‘વંદેમાતરમ્’ અને હૃદયમાં સ્વામી વિવેકાનંદના ઉપદેશને ધારણ કરીને દુ:ખકષ્ટ અને મૃત્યુનું સહર્ષ આલિંગન કર્યું હતું.

કોઈએ પણ એ વાત ભૂલવી ન જોઈએ કે વિવેકાનંદને પોતાના આ કઠિન કાર્યમાં પોતાના અસીમ જ્ઞાનમાંથી સહાયતા મળી હતી. આધ્યાત્મિકતા એ જ્ઞાનની આધારશીલા હતી. પછીના દિવસોમાં સ્વયં ગાંધીજી આધ્યાત્મિકતા પર આધારિત એકીકૃત જીવનના એક ઉદાહરણ બની ગયા અને એમણે સમગ્ર દેશને નિ:સ્વાર્થ સેવાનો ઉપદેશ આપ્યો.

પાશ્ચાત્ય વૈજ્ઞાનિક વિકાસથી મોહિત અને પાશ્ચાત્ય આદર્શનું અનુસરણ કરવાનું ઇચ્છતા લોકોને આ શતાબ્દિના પ્રારંભમાં સ્વામી વિવેકાનંદે આ શબ્દોમાં ચેતવણી આપી હતી :

‘એ સત્ય છે કે સામાજિક અને આર્થિક રીતે પછાત લોકોને ભૌતિક સુખભોગ માટે કેટલીક હદે અવસર અને અધિકારની આવશ્યકતા છે. થોડું સુખમય જીવન વીતાવ્યા પછી વ્યક્તિમાં નિ:સ્વાર્થ ભાવનાનો સદ્ગુણ સ્વાભાવિક રૂપે આવી જાય છે. 

સંભવત: અહીં આપણે પાશ્ચાત્ય લોકો પાસેથી થોડું શિક્ષણ ગ્રહણ કરી શકીએ છીએ. પરંતુ આપણે એ બાબતમાં ઘણું સતર્ક રહેવું પડશે. આપણે દુ:ખ સાથે સ્વીકાર કરવો પડે છે કે પાશ્ચાત્ય આદર્શોને સમજી લેવાનો દાવો કરનારા મોટા ભાગના લોકોએ આપણા સમાજને લાભને બદલે નુકશાન જ વધુ પહોંચાડ્યું છે. 

વૈજ્ઞાનિક વિચાર અને પદાર્થોનો બહેતર ઉપયોગ કરવાની રીત તેમજ સામુહિક રૂપે કાર્ય કરવાના ક્ષેત્રમાં આપણે લોકો એમની પાસેથી શીખી શકીએ છીએ. પરંતુ જો કોઈ કહે કે ખાવું, પીવું અને નાચવું-ગાવું અર્થાત્ ઈંદ્રિયોના સુખભોગ જ જીવનનું એક માત્ર લક્ષ્ય છે, તો એ મિથ્યાવાદી છે. 

પાશ્ચાત્ય પ્રૌદ્યોગિકી અને પાશ્ચાત્ય સભ્યતા મંત્રમુગ્ધ કરી દે તેવી અને પ્રભાવક બની શકે છે. આમ છતાં પણ એવું જીવન તુચ્છ અને નિ:સાર છે. પોતાના આધ્યાત્મિક લક્ષ્યને કદાપિ ન છોડો. પૃથ્વી પર એક માત્ર આ જ ચિરસ્થાયી વસ્તુ છે. એનો અર્થ એ નથી કે રાજનૈતિક અને સામાજિક બાબતો જેવી બીજી વસ્તુની કોઈ આવશ્યતા નથી. પરંતુ એના પર જ વધારે ધ્યાન દેવું વાંછનીય નથી. એમને જ પોતાની ચિંતાનું મૂળ બિંદુ બનાવવું ન જોઈએ. 

ભારતવાસીઓ માટે ધર્મ જ સર્વકંઈ છે. જો એ ચાલ્યો ગયો તો આપણો દેશ પૂર્ણપણે નાશ પામશે. તમે દરેક વ્યક્તિને કુબેરનો ખજાનો આપી શકો છો, ઇચ્છો તેટલા સામાજિક સુધારા કરી શકો છો, પરંતુ આધ્યાત્મિક જીવન વિના ભારત જીવિત રહેશે નહિ.’

ભારતના ધર્માચારીઓ જ ધર્મ કે આધ્યાત્મિક જીવનના આદર્શની ઘોષણા કરે છે, એમ વિચારવું ભૂલ ભર્યું છે. સમગ્ર વિશ્વના ઇતિહાસનું વિશ્લેષણ કરનાર આર્નોલ્ડ ટોયમ્બી પણ કહે છે :

‘રાજનૈતિક અને આર્થિક બાબતો પર અત્યધિક ભાર દેવો અને જીવનના બીજા બધા આદર્શોને એમને અધીન રાખવા, એને કારણે જ બધી સભ્યતાઓ પતનને માર્ગે ચાલી છે. જે ભાવ ધાર્મિક કટ્ટરતા પર એક આક્રમણના રૂપે થયો હતો તે હવે આધ્યાત્મિક અગ્નિને જ હોલવી ચૂક્યો છે. આ પતન ૧૭મી સદીના પ્રારંભમાં થયું. ૨૦મી સદીમાં એણે પોતાનાં મૂળિયાં નાખી દીધા અને હવે એ વિશાળ પાશ્ચાત્ય સમુદાયનાં બધાં અંગાંગોમાં ફેલાઈ ચૂક્યાં છે. ધીરે ધીરે તેઓ આ ભયથી જાગ્રત થઈ રહ્યા છે. આ ખતરો કેવળ પશ્ચિમના સમાજના આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે નથી પરંતુ એના ભૌતિક અસ્તિત્વ માટે પણ ઘાતક છે. વસ્તુત: લોકો એટલું અનુભવી રહ્યા છે કે આ ધર્મ વિરોધી અભિગમ કોઈ ભયાનક રાજનૈતિક કે આર્થિક ઉથલપાથલથી પણ વધારે ઘાતક બની શકે છે.’

વૈજ્ઞાનિકોનું સમર્થન

વૈજ્ઞાનિકો પણ હવે સ્વીકારવા લાગ્યા છે કે નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોના અભાવે સમાજમાં વિઘટન અવશ્યંભાવિ છે. મહાન વિચારક બર્ટ્રાણ્ડ રસેલે કહ્યું છે: ‘વિજ્ઞાનની પ્રત્યેક શોધ માનવ માત્ર માટે એક દુર્ભાગ્ય સિદ્ધ થતી જાય છે. જો પ્રૌદ્યોગિકીય કુશળતા સાથે વિવેકનો વિકાસ ન થાય તો એ આપણાં દુ:ખનું કારણ પૂરવાર થાય છે.’

એલેક્સિસ કૈરલ કહે છે : ‘આધુનિક સભ્યતા માનવતાને મનગમતી થતી નથી. તે માનવ જાતિની સાચી પ્રકૃતિને ઓળખ્યા વિના બનાવેલી એક ઇમારત જેવી છે. એને કોઈ નિશ્ચિત લક્ષ્ય કે પ્રયોજન નથી. તે માનવતાના સર્વાંગીણ વિકાસને પોતાનું લક્ષ્ય બનાવતી નથી. વૈજ્ઞાનિક પ્રયોગ આપણને ક્યાં લઈ જાય છે, એ જાણવાનો પ્રયાસ કર્યા વિના જ એમાં મંડ્યા રહેવું એનો અર્થ શું? વિજ્ઞાનના અસીમિત ખજાનામાંથી જે કંઈ આપણે પસંદ કરીએ છીએ તે માનવતાની વૃત્તિ માટેની આપણી ચિંતા મુજબના નથી હોતા. આપણને થોડુંઘણું સારું સુવિધાજનક લાગ્યું અને આપણે એનો વિકાસ કર્યો. આપણે એક પળ પણ જરા સ્થિર રહીને એવું વિચાર્યું કે આ બધાનો માનવજાતિ પર કેવો પ્રભાવ પડશે… માનવજાતિને વધારે ને વધારે અવકાશ આપીને વૈજ્ઞાનિક સભ્યતાએ ઘણા દુર્ભાગ્યને જન્મ દીધો છે. ટેકનિકલ ક્રાંતિની કીમત કદાચ આપણે માનસિક દુર્બળતા, મનોવિકૃતિ અને ઉન્માદના રૂપે ચૂકવવી પડશે.’

લેકામ દ’ નોઈએ કહ્યું છે : ‘જે સભ્યતા પૂરેપૂરી યંત્રોના વિકાસ અને પ્રૌદ્યોગિકી કુશળતા પર આધારિત છે એનો વિનાશ ચોક્કસ છે જ. માનવ ઇતિહાસમાં પહેલી વાર કોરી બુદ્ધિ અને નૈતિક મૂલ્યોની વચ્ચે ‘આ બેમાંથી કોણ બચશે અને કેનો નાશ થશે’ નો સંઘર્ષ ચાલુ રહ્યો છે.’

સોરોકિન નામના વિદ્વાન કહે છે : ‘વિજ્ઞાન અને પ્રાયોગિક વિજ્ઞાનનાં પરિણામોનો ભયંકર દુરુપયોગ થયો છે. અણુબોંબની સર્વનાશી શક્તિનો ભય ભવિષ્યનાં યુદ્ધો પર વિરામ ચિહ્ન લાવી દેશે, આ ધારણા એટલી જ મૂર્ખતાપૂર્ણ છે જેટલી આવી ભ્રાંતિ કે કોઈ પ્રેત જેટલું વધારે દુષ્પ્રવૃત્તિઓવાળું બને એટલું દિવ્ય બનતું જશે. મનુષ્યનો આર્થિક વિકાસ માનવતાને તેને અનુરૂપ નૈતિક ચારિત્ર્યના વિકાસ તરફ લઈ જાય છે, આવી ધારણા મિથ્યા છે, એ અસંદિગ્ધ રૂપે પહેલાંથી જ સાબિત થઈ ચૂક્યું છે.’

આજના મનોવૈજ્ઞાનિક ભારપૂર્વક કહે છે કે મનુષ્યની ભીતર જીવન, માનસિક સંતુલન તથા સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ધર્મ કે ધર્મના આદર્શ આવશ્યક છે. 

મનોવિકૃતિના અનેક રોગીઓનું અધ્યયન અને એનો ઉપચાર કરનાર ડોક્ટર સી જી યુંગે કહ્યું છે : 

‘૩૫ વર્ષની ઉંમરથી વધુ ઉંમરના મારા બધા રોગીઓને કોઈ ધાર્મિક કે આધ્યાત્મિક દૃષ્ટિકોણ ન હતો. કોઈ પણ પ્રકારનો ધાર્મિક દૃષ્ટિકોણ રાખ્યોહોત તો તેઓ રોગમુક્ત બની જાત. અમાં એકેય અપવાદ પણનથી. દુર્ભાગ્યવશ ફ્રોઈડેએ એ વાત પર ભાર ન દીધો કે મનુષ્ય એકલો જ જીવનની સમસ્યાઓ અને માઠી શક્તિઓનો મુકાબલો કરી શકતો નથી. ધર્મનું આધારબળ સદૈવ આવશ્યક છે. તે મનુષ્યને નિરાશાના ઊંડા કાદવમાંથી ઉગારી શકે છે.’

જડ પર કુઠારાઘાત

આપણે પોતાનાં ધર્મ અને સંસ્કૃતિના ઉદાત્ત વિચારોને સમાજના પછાત વર્ગોમાં ફેલાવવા જોઈતા હતા. એ લોકો શતાબ્દીઓથી એનો લાભ મેળવવામાં વંચિત રહ્યા છે.  

‘આપણે ધર્મ અને કર્મવાદના વિચારોથી છેતરાઈ ચૂક્યા છીએ, ધર્મમાં છળકપટ, અંધવિશ્વાસ અને શોષણ સિવાય બીજું કશું નથી’ એવા બરાડી ઊઠતા અવાજે આપણો નેતાવર્ગ બોલતો રહ્યો, એ આપણી મોટી વિસંગત દશા છે. ધર્મ નિરપેક્ષતા, વૈજ્ઞાનિક અને બુદ્ધિવાદની પ્રશંસાનાં પુષ્પો વેરતાં સામાન્ય જનને ઉદાત્ત નૈતિક અને આધ્યાત્મિક વિચારોથી પરિચિત બનાવવાની તકથી વંચિત કરીને આ નેતાવૃંદ પોતે જ દલિત જનતાનું શોષણ કરવાનું માધ્યમ બની ગયા. આમ છતાં પણ હિંદુ સમાજમાં એકતા સ્થાપિત કરવાનો એ સમયે એક સ્વર્ણિમ અવસર હતો. પરંતુ એને સુસમૃદ્ધ કરવાને બદલે કેટલાક લોકોએ પોતાની સ્વાર્થપૂરતી માટે એક વિદ્રોહીવૃત્તિને જ પ્રોત્સાહિત કરી. 

એણે પરોક્ષ રૂપે અંતે દાસ્યવૃત્તિના ભયંકર રૂપનો ઉદ્ભવ કર્યો. પોતાના વ્યક્તિગત ધર્મમતનો પ્રચાર-પ્રસાર કરવા અને અન્ય ધર્મોના અસલી રૂપ બતાવવામાં મગ્ન કેટલાક ધર્મોના અનુયાયી પોતાના બંધુઓમાં એક ભયાનક રાજનૈતિક ભાવના સંચાર કરવાના દુષિત કાર્યમાં મંડ્યા રહ્યા. તેઓ ધર્મ પરિવર્તનોની મદદથી પોતાના ધર્મવર્ગની શક્તિને વધારવામાં પણ રત રહ્યા. 

આ રીતે તેઓ સરકારના વિભિન્ન પ્રકારના વિશેષાધિકારો તથા લાભો મેળવવામાં સફળ રહ્યા. આપણા નેતાઓની દીર્ઘદૃષ્ટિના અભાવને લીધે દેશની પ્રજામાં ધાર્મિક શ્રદ્ધા નબળી બની અને એના પ્રત્યક્ષ અને પરોક્ષ પરિણામ રૂપે હિંદુ જનતાની વચ્ચે આંતરિક ફૂટ ઊભી કરવા પણ પ્રેર્યા. ધર્મ તથા સાંસ્કૃતિક મૂલ્યોને કોરાણે મૂકીને આ નેતાઓએ સામાજિક સંરચનાની પ્રાણશક્તિને જ નિસ્તેજ કરી મૂકી. સાથે ને સાથે રાષ્ટ્રિય ઈમારતની સંરચનાને પણ ધ્વસ્ત કરી નાખી.

Total Views: 10

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.