ઉન્નત પડછંદ – સંઘેડા, ઉતાર કાયા, ભેદક – ઓજસ્વી – વિશાળ નયનો અને મેઘગંભીર અવાજ, ધરાવતા સ્વામી વિવેકાનંદ રાજાધિરાજ જેવા પ્રભાવક અને શક્તિશાળી વ્યક્તિત્વથી સમ્પન્ન હતા. તેથી જ તેમના ગુરુ શ્રીરામકૃષ્ણે તેમને વિશાળ સાગર, મોટી ગાગર, કાલુ રક્તાક્ષી માછલી અને સહસ્રદલ કમલ સાથે સરખાવ્યા છે, તેમને મતે તેઓ વિશાળકાય વૃક્ષના મજબૂત થડ જેવા હતા.

એમનું આવું વ્યક્તિત્વ બલ-વીર્ય-ધૈર્યથી ભરપૂર હતું. શિકાગોમાં (૧૮૯૩)માં તેમને ‘ભારતના વંટોળ જેવા સાધુ’થી નવાજવામાં આવ્યા હતા. એમના જાજરમાન વ્યક્તિત્વથી અંજાઈને એક અજાણ્યા માણસના  મોંએથી ‘શિવ – શિવ’ના ઉદ્ગારો સરી પડયા હતા. ‘જીત’ એમનો જીવનમંત્ર હતો. રોમા રોલાંએ સાચું જ કહ્યું છે કે સૂર્ય જેમ પોતાના પ્રકાશ – પ્રતાપને ઘટાડી શકતો નથી, તેવી રીતે વિવેકાનંદ જેવા પ્રચંડ પુરુષો ગર્જના જ કરે, એ કુમાશથી બોલી જ ન શકે.

કયાં શ્રીરામકૃષ્ણની અતિવિનમ્ર્રતા અને કયાં વિવેકાનંદનો આગ્રહી સ્વભાવ? કયાં ગુરુ રામકૃષ્ણનું શાંત સ્નિગ્ધ વ્યક્તિત્વ અને કયાં શિષ્ય વિવેકાનંદનું જોમ-જુસ્સાભર્યું વ્યક્તિત્વ? પણ એવા તો ગુરુ-શિષ્યના સ્વભાવ વિભેદના અનેક દાખલાઓ છે. પ્લેટો અને એરિસ્ટોટલ, ગોથે અને શીલર, વાગ્નેર અને નિત્શે, ફ્રોઈડ અને જૂંગ, ગાંધી અને નહેરુ – આ બધામાં ગુરુ-શિષ્યનું સ્વાભવૈલક્ષણ્ય નજરે પડે છે, છતાં ગુરુ પ્રત્યે શિષ્યનો આદરભાવ તો સ્પષ્ટ દેખાય જ છે! પણ એ બધા કરતાં રામકૃષ્ણ – વિવેકાનંદનો સંબંધ મને તો બુદ્ધ અને આનંદના સંબંધ જેવો વધારે લાગે છે. પોતાના ગુરુ પ્રત્યે એકનિષ્ઠ ભક્તિભાવમાં વિવેકાનંદ પૂર્ણ અચલ હતા. તેમના સંવાદોમાં કયાંય કશા મતભેદ કે અસંતોષનો ઓછાયો પણ પડતો નથી. શિષ્ય બન્યા પહેલાંની વાત જુદી ભલે હોય. છતાં સ્વભાવ ભિન્નતા તો હતી જ! રામકૃષ્ણ રહસ્યવાદી, અંત:પ્રેરણા પર શ્રદ્ધા રાખનારા હતા તો વિવેકાનંદ બૌદ્ધિક હતા. બૌદ્ધિકતાની મર્યાદા સમજવા છતાંયે બૌદ્ધિક! બુદ્ધિ પર શ્રદ્ધાળુ જ હતા. રામકૃષ્ણ લગભગ નિરક્ષર હતા, તો વિવેકાનંદ પુસ્તકપ્રેમી પારંગત વિદ્વાન હતા, રામકૃષ્ણ ભાવુકોને પ્રભાવિત કરતા તો એમનો આ શિષ્ય શંકરાચાર્યની પેઠે વાદવિવાદ અને તર્કપૂત દલીલોમાં પાવરધો હતો. એમના જ શબ્દોમાં કહીએ તો તેઓ (સ્વામી) સ્મશાન જેવી મૃત:પ્રાય સ્થિતિમાં રહેવા માગતા ન હતા. તેઓ તો માનવ સમાજમાં માનવી થઈને રહેવા માગતા હતા. વૈવિધ્ય જીવનનું પ્રતીક છે અને મતભેદ વિચારશીલતાનો દ્યોતક છે. જેટલા માણસ તેટલા સંપ્રદાય થાય, તોયે વમળો તો ધસમસતા જીવતા જળપ્રવાહમાં જ થાય છે ને?

આવું છતાંય એ ગુરુ-શિષ્યમાં વિચાર – ભાવનાઓનું ઊંડું ઐક્ય હતું જ અને એ જ એમના પરસ્પરાકર્ષણનો પાયો છે. જૂંગની આ વાત ખરેખર સાચી જ છે કે ‘પોતાના  ચેતન માનસમાં સર્વોપરી રહેલા મનોવલણનું વિરોધી, અને છતાંયે એનું પૂરક એવું મનોવલણ દરેક વ્યક્તિના અવમાનસમાં હોય જ છે.’ દરેકમાં પોતાના બાહ્ય વ્યક્તિત્વને અનુરૂપ (પર્સોના) એક આંતર વ્યક્તિત્વ (એનીમા) પણ હોય જ છે, સ્વામીજીના દેખાતા જ્ઞાનપરક વલણના ગર્ભમાં લાગણીની અન્તર્ધારા પણ વહેતી હતી. સ્વામી વિવેકાનંદ કહેતા કે ‘એમની જ્વલંત ભાવનાઓની સાથોસાથ એમની હૃદય વિદારક સહાનુભૂતિનું દર્શન જેણે ન કર્યું હોય તે માણસ એમને સમજી ન શકે.’ એવી જ રીતે શ્રીરામકૃષ્ણના ઉત્કટ ભાવોદ્રેકની પાછળ પણ શાન્ત, એકધારી પ્રજ્વલિત જ્ઞાન જ્યોત છુપાયેલી હતી. સ્વામીજી એ જાણતા હતા. એમણે ભગિની નિવેદિતાને કહ્યું પણ હતું કે રામકૃષ્ણ બહારથી ભક્ત દેખાતા હોવા છતાં જ્ઞાની હતા અને પોતે તેમનાથી ઊલટા જ છે. એકબીજામાં પરસ્પરના વ્યક્તિત્વનું કંઈક હતું જ, એટલે એ બન્નેએ ભેગા મળીને સર્વાત્માનું અદ્ભુત – ભવ્યાતિભવ્ય સંગીત સુણ્યું અને માણ્યું.

૧૨ જાન્યુઆરી ૧૮૬૩ના રોજ નરેન્દ્રનાથ રૂપે કોલકાતામાં કાયસ્થ કુટુંબમાં જન્મેલા સ્વામીજી સ્વસ્થ સુદૃઢ બાંધાના હતા; શારીરિક કેળવણીમાં તેઓ ખૂબ રસ લેતા. પહેલવાની રમતો અને સાહસોથી તેઓ શક્તિશાળી યુવાન અને સાથોસાથ સૌંદર્યદૃષ્ટિ ખીલવીને કોમળ પણ બન્યા. શાસ્ત્રીય સંગીત અને કવિતાપ્રેમથી હૃદયની કેળવણી પામ્યા. કોલેજની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ રહ્યા; સુંદર વક્તા પણ થયા. અને છતાં ધ્યાનપરક વલણને કારણે કેટલીકવાર ભીતરમાં ખોવાઈ પણ જતા હતા.

તત્કાલીન ભાવુક બંગાળી યુવાનોની પેઠે સ્વામીજી પણ બુદ્ધિવાદી વિચારધારાના સંપર્કમાં આવ્યા અને રાજશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર, પશ્ચિમના સમાજની લોકશાહી, ઉદારમતવાદ, વિજ્ઞાનના રજૂ થયેલા સિદ્ધાંતોના પ્રભાવમાં આવ્યા હતા. એટલું નહિ પણ કેટલાક એવા લોકો સાથે પત્રવ્યવહાર પણ કર્યો હતો. તેમની ટીકાય કરી હતી, પશ્ચિમી વાઙમય ઉપરાંત બ્રાહ્મસમાજી લખાણો અને તેના ધાર્મિક નેતાઓના સંપર્કે તેમને ભારતના ધાર્મિક – દાર્શનિક વારસાની નજીક લાવીને થોડા જ સમયમાં ભારતીય વિચારસરણીનાં મૂળતત્ત્વોથી પરિચિત કરી દીધા.

આ રીતે વિવિધતાભર્યા છતાં અવ્યવસ્થિત અભ્યાસે તથા યુવાસહજ બૌદ્ધિક તરવરાટે તેમને સંશયવાદી અને અજ્ઞેયવાદી બનાવી દીધા; પણ ત્યારપછી તેમના જીવનમાં ભારે કટોકટીનો કાળ આવ્યો. ૧૮૮૧ના નવેમ્બરમાં શ્રીરામકૃષ્ણની મુલાકાતનો સ્વલ્પકાલીન સંક્ષોભ થયો અને પછી તરત જ તેઓ ગુરુને ચરણે પૂર્ણત: સમર્પિત થઈ ગયા! એમનું તર્કઝનૂન મોળું પડયું અને બૌદ્ધિક્તા કરતાં આત્મ- સાક્ષાત્કારનું મૂલ્ય તેઓ વધુ સમજ્યા. પછીનાં ત્રણ વર્ષ તેમણે ભારે ઉથલપાથલ અનુભવી – પિતા ગુમાવ્યા, નોકરી માટે ભટકયા, અપમાનો સહ્યાં અને કેટલાય પાઠો જીવનશાળામાં શીખ્યા. પાછા સંશયવાદી બન્યા. જગતનો ત્યાગ કરવા ઇચ્છયો, પણ ગુરુદેવે તેમને એવું કરતાં અટકાવ્યા અને તેમને આધ્યાત્મિક સોપાનોમાંથી દોરીને ક્રમશ: સર્વોચ્ચ આત્માનુભૂતિને શિખરે મૂકીને પછી જ સંસારત્યાગ કરાવ્યો.

૧૮૮૬ના ઓગસ્ટમાં રામકૃષ્ણદેવની મહાસમાધિ વખતે શિષ્ય મંડળમાં સ્વામીજી મુખ્ય હતા. અહીંથી તેમની કારકિર્દીનું બીજું ચરણ આરંભાયું. સોક્રેટીસના મર્યા પછી પ્લેટોએ કરેલા લાંબા પ્રવાસોની યાદ અપાવતાં લાંબા પ્રવાસો સ્વામીજીએ પણ ભારતભરમાં આરંભ્યા. તેમનો પ્રાકૃતિક સૌંદર્ય પ્રત્યેનો પ્રેમ, આંતરિક વેદનાજન્ય અશાંતિ, ભારતને પૂર્ણ રીતે સમજવાની તેમની તીવ્ર તાલાવેલી, વગેરેને લીધે તેમણે પરિવ્રાજક બનીને ભારતીય સંસ્કૃતિનાં સર્વ કેન્દ્રોની – આ સેતુ હિમાલયની – યાત્રા કરી. એ અજ્ઞાતવાસીનો ત્યારે કોઈને કશો જ ખ્યાલ ન હતો કે રામકૃષ્ણના આ વહાલા શિષ્યનું શું થયું છે? સ્વામીજીએ તો ભારતની વિરાટ ભવ્યતામાં પોતાની જાતને ઓગાળી નાખી હતી. ભીષણ ગરીબી, સામાજિક પછાતપણું, માનસિક જડતા, અને ઘોર તમસમાં સબડતા તત્કાલીન ભારતને તેમણે નિહાળ્યું! અને એની સાથોસાથ જ ભારતની ભીતર સાંસ્કૃતિક સમૃદ્ધિ, એની પરંપરાનું બળ, એની સર્વસંગ્રાહકતા અને સર્વ સમાવેશકતા, એની આધ્યાત્મિક શક્તિ – વગેરેનાં પણ દર્શન કર્યાં! કશા આયોજન વગર કેવળ અંત:કરણની પ્રેરણાથી જ તેમણે ભ્રમણ કર્યું. તેમના નિરીક્ષક મન અને સંવેદનશીલ હૃદયે સર્વત્ર કંઈક ને કંઈક તો સંઘર્યું જ. તેઓ અલ્મોડાના હિમાલયમાં રહી સંસ્કૃત ઊંડાણથી શીખ્યા. તો ગુજરાતમાં જૈન અને ઈસ્લામ પરંપરાઓ જાણી, તો વળી અલ્વરમાં ઇતિહાસના વિદ્યાર્થી બન્યા. ત્યાં એમણે ભારતીય ઇતિહાસકારો માટે એક નવી વૈજ્ઞાનિક તાલીમની સંસ્થા સ્થાપવાની જરૂર અનુભવી. અલ્વરની ઐતિહાસિક ઇમારતો તેમને સ્પર્શી ગઈ. નાલંદા અને સારનાથનાં ખંડેરો વચ્ચે રહીને એમણે બુદ્ધનાં જીવનદર્શનનું ચિન્તન કર્યું. આગ્રાના તાજની કલાની ભવ્યતા જોઈ તેમની આંખોમાં આંસુ આવ્યાં. દક્ષિણનાં મંદિરોએ એમનામાં દેશભક્તિ જગાવી. આત્મનિરીક્ષણ અને મનનથી ભરેલું ભ્રમણ તેમણે ચાલુ જ રાખ્યું. આત્મશ્રદ્ધાથી તેઓ બસ, ઘૂમતા જ રહ્યા. આજે ભિક્ષુક તો કાલે રાજઅતિથિ, તો વળી કોઈક દિવસ ભૂખ્યા રહીને! આમ ભારત ભ્રમણ પૂરું કર્યું ત્યારે ભાવિ કાર્યક્રમના આયોજનનું પૂરું ભાથું તેમને મળી ચૂકયું હતું. આ પછીની કારકિર્દીમાં તેમને ભારે ઉથલપાથલનો સામનો કરવો પડયો. શિકાગોમાં ભરાનારી વિશ્વધર્મ પરિષદની વાત સાંભળીને જ તેમના મનમાં ભારતનો સંદેશ વિશ્વ સમક્ષ રજૂ કરવાની તાલાવેલી જાગી. અને તેમણે એ તક ઝડપી જ લીધી અને અમેરિકા જવા ચાલી નીકળ્યા.

તેમની અમેરિકાયાત્રા વિશે ખૂબ ખૂબ કહેવાયું – લખાયું છે એટલે એનું વિવરણ નહિ કરીએ. અમેરિકામાંની તેમની કીર્તિગાથાઓનું સારતત્ત્વ એટલું જ સમજાય છે કે તેમણે અમેરિકામાં પોતાની ઊંડી છાપ અવશ્ય પાડી હતી. છતાં એ માટે તેમનું વૈદુષ્ય અને વક્તૃત્વને જ કેવળ કારણભૂત માનવાં યોગ્ય નથી. મૂળ વાત એમ છે કે છેલ્લા કેટલાક દસકાઓથી પશ્ચિમનું માનસ આધ્યાત્મિક કટોકટી અનુભવી રહ્યું હતું. એમાંથી બહાર નીકળવા માટે એ ભારત તરફ મીટ માંડી રહ્યું હતું. થોમસ – ઈમર્સન અને અન્ય અધ્યાત્મવાદીઓએ ભૂમિકા રચી દીધી હતી. એવા અણીને ટાણે વિવેકાનંદે કરેલી વેદાંતની તર્કપૂત બૌદ્ધિક રજૂઆતે તેમની કેટલીય ગેરસમજણોને દૂર કરી દીધી. હવે કોઈપણ પશ્ચિમી વિદ્યાર્થી માટે વેદાંત રહસ્યમય ગુપ્ત વિષય ન રહ્યો. હવે સૌ માટે વેદાંત એક દાર્શનિક અભિગમ બની ગયું! પશ્ચિમે સાંભળેલા બધા વક્તાઓ કરતાં સ્વામીજી જ ભારતીય ચિંતન અને સંસ્કૃતિ વિશે સૌથી વધારે સ્પષ્ટ વિચારો ધરાવતા સમજદાર સજ્જ પ્રતિનિધિ હતા, એમ સૌએ સ્વીકાર્યું; એમનો શબ્દેશબ્દ ચેતેલી ચિનગારી સમો હતો અને એમના પ્રત્યેક લઢણમાં નિ:સ્વાર્થતા અને સચ્ચાઈનો રણકાર સંભળાતો હતો.

વિવેકાનંદ તરફથી પશ્ચિમને પણ સારી પ્રશંસા મળી. કર્મઠતા, જનજાગરણ, સાહસ, શ્રમપ્રિયતા, વ્યાવહારિક મૂલ્યોનું જગત, કાળજી – ચોકસાઈ ને એવી એવી કેટલીય બાબતોમાં એમણે અમેરિકા અને યુરોપની પ્રજાઓની સાચી પ્રશંસા કરી. તેમની વિજ્ઞાનની સિદ્ધિઓમાં સ્વામીજીએ માનવ ચેતનાનો વિજય જોયો. પરંતુ સાથે પશ્ચિમની મર્યાદાઓ પણ એમણે પારખી લીધી. પ્રગતિ અને નવાઈભર્યું અજ્ઞાન બન્ને સમાન્તરે ત્યાં વહેતાં તેમણે જોયાં, એટલે ૧૮૯૯ની બીજી યુરોપયાત્રામાં તેઓ નિરાશ થઈ ગયા.

વિદેશથી તેઓ સ્વદેશ આવ્યા, ભારે સત્કાર પામ્યા, પણ વિચાર મંથનમાં જ ડૂબ્યા રહેવાનું તેમને પરવડે તેમ ન હતું. ભારતની નવજાગ્રત આધ્યાત્મિકતાને ભારતને ખૂણે ખૂણે ફેલાવવા તેમણે વાવાઝોડા પેઠે ભારતયાત્રા આરંભી. તે ગાળાનાં તેમનાં વ્યાખ્યાનોએ ભારતના બૌદ્ધિકોમાં આત્મશ્રદ્ધા જગાવી દીધી! બૌદ્ધિકો ભારતીય ધર્મ-દર્શનનો અભ્યાસ કરવા પ્રેરાયા. ૧૮૯૬માં સ્વામીજીએ બેલુરમાં રામકૃષ્ણ મિશન સ્થાપ્યું. પછી બીજી વાર પશ્ચિમની યાત્રા કરી અને ચાલીસ વર્ષ પૂરા થયાં નહિ ત્યાં જ ૧૯૦૨માં જુલાઈની ૪થી તારીખે મહાસમાધિ લીધી.

આમ, સ્વલ્પકાળમાં જ દંતકથાનું પાત્ર બનેલા સ્વામીજી સકળ વિશ્વનો આદર પામી ગયા. આજે ય તેમની જન્મ જયંતીના સાર્ધશતાબ્દિના અવસરેય તે મહામાનવની ખ્યાતિ એવી જ અકબંધ છે. હિમાલયના પહાડી પ્રદેશોમાં તેમના નામે અનેક આશ્રમો ઊભા થયા છે, કોલકાતા પાસેની હુગલી નદી પર વિવેકાનંદ પુલ છે. એ સ્થળે ક્ષણ વાર ઊભા રહીને તેમણે વિશ્વરહસ્યનું ચિંતન કર્યું હતું.

સ્વામીજી કહેતા કે તેમના જીવન દરમિયાન તેમણે જે કંઈ કહ્યું કે લખ્યું, તે બધું શ્રીરામકૃષ્ણના શિષ્ય તરીકે જ હતાં. વિશ્વધર્મપરિષદમાં વેદાંતનું તેમણે કરેલું વિસ્તૃત પ્રતિપાદન પૂરું કર્યા પછી તરત જ રામકૃષ્ણ ભાવધારાનું પ્રતિપાદન કાર્ય કરવા મંડી પડતા. રામકૃષ્ણના પ્રકીર્ણ ઉપદેશોને એક સુગ્રથિત દર્શનરૂપ આપવા માટે વિવેકાનંદ પાસે પૂરું આયુષ્ય ન હતું. તેમનાં ઓગણચાલીસ વર્ષો ભાવધારાના પ્રચાર અને યાત્રાઓથી ભરચક્ક હતાં. એમાં સ્થિર ચિંતનને કયાંથી અવકાશ હોય? આમ છતાં આવા જીવનમાંયે સ્વામીજીએ આટલું તલસ્પર્શી વૈદુષ્ય પ્રાપ્ત કર્યું, એ નોંધપાત્ર બાબત છે. ગીતા-ઉપનિષદોના તેઓ સતત અભ્યાસી હતા. બૌદ્ધોના પાલિ ધર્મગ્રંથોના ફકરાઓ તેમને કંઠસ્થ હતા. બૌદ્ધ – જૈન પરંપરાની આખ્યાયિકાઓનું તેમણે સારું ખેડાણ કર્યું હતું. ખ્ર્રિસ્તી ધર્મસિદ્ધાંતો અને પરંપરાથી તેઓ સારી રીતે વાકેફ હતા. થોમસ એ કેમ્પીસ પર તો તેમણે નિબંધ લખેલો. તેમણે ‘ઈમિટેશન ઓફ ક્રાઈસ્ટ’ને બંગાળીમાં ઊતાર્યું હતું. તેમના પત્રોમાં ભવભૂતિ – કાલિદાસનાં ઉદાહરણો આપણને મળે છે. તેમનું સંસ્કૃતનું જ્ઞાન છીછરું ન હતું. એ જ રીતે દાન્તે અને મિલ્ટનના ઉતારા પણ એમના લખાણોમાં છે. અતિપ્રાચીન વિશ્વ ઇતિહાસના તેઓ ખૂબ અભ્યાસુ હોઈને પ્રાચીન પ્રજાની માન્યતાઓ, ફિલસૂફીઓ, રીતરિવાજો વગેરે પણ જાણતા હતા. તેઓ તેમનાં લખાણોમાંથી સ્પષ્ટ જાણી શકાય છે. સમકાલીન સ્થાપત્ય અને સંગીતથી પણ તેઓ પરિચિત હતા.

આમ છતાં દર્શનશાસ્ત્ર એમનો અતિપ્રિય વિષય હતો. બંગાળી ન્યાય પંરપરાનું તેમને ગૌરવ હતું. ગદાધર – શિરોમણિ – જગદીશથી તેઓ સુપરિચિત હતા. પોતે અદ્વૈતમાં શ્રદ્ધાળુ હોવા છતાં મધ્યયુગીન ભારતના આજીવકો, દાદુપંથીઓ અને વૈષ્ણવો જેવા દ્વૈત – અનેકવાદીઓના મતોનો તેમણે કાળજીભર્યો અભ્યાસ કર્યો હતો. અદ્વૈત વેદાંતના તો તેઓ તલસ્પર્શી મર્મજ્ઞ હતા. શંકર – કાન્ટના વિચારોમાં સામ્ય દર્શાવતાં એકવાર તેમણે શાંકરભાષ્યના કેટલાક ફકરાઓનો અનુવાદ કરીને મેક્સ મૂલરને મોકલ્યા હતા. ‘કથામૃત’માં દર્શાવ્યા પ્રમાણે અદ્વૈતવાદ અને અન્ય તત્ત્વજ્ઞાનનો સ્વામીજીનો અભ્યાસ ઠેઠ બર્કલી, કોપરનીકસ અને અન્ય કેટલાય યુરોપના ચિંતકો સુધી પહોંચતો હતો. તેમને બ્રિટીશ તત્ત્વજ્ઞાનીઓ કરતાં જર્મન તત્ત્વજ્ઞાનીઓ વધુ પસંદ હતા.

વિવેકાનંદનાં વિદ્વત્તા અને દાર્શનિક પાયા પરનાં લખાણોમાં અનિચ્છનીય ઔપચારિકતા કયાંય દેખાતી નથી. તાત્ત્વિક સમસ્યાઓ વિશેના તેમના ઉદ્ગારોમાં સૌંદર્ય અને કલ્પનાશીલતા વરતાયા જ કરે છે. ઈશ્વરને તેઓ ‘પ્રાચીનતમ કવિ’ કહે છે. બ્રહ્માંડ ઈશ્વરનું મહાકાવ્ય છે. તેઓ વળી કહે છે કે ‘પ્રાકૃતિક સૌંદર્યની ઉપેક્ષા કરનાર તત્ત્વજ્ઞ કેમ હોઈ શકે?’… ‘જો તમે નિસર્ગનું સૌંદર્ય માણી ન શકતા હો, તો અપૂર્વ સંવાદિતાના મૂર્તિમંત એવા ઈશ્વરને કેવી રીતે જાણી શકશો?’

સ્વામીજી જેટલા પ્રાકૃતિક સૌંદર્ય પ્રત્યે સંવેદનશીલ હતા, તેટલા જ ઇતિહાસ પ્રત્યે પણ હતા! ઐતિહાસિક સ્મારકો, વ્યક્તિઓ, પુસ્તકો પ્રત્યે સ્વામીજીના પ્રતિભાવો નિવેદિતાએ નોંધ્યા છે. લાંબાં પરિભ્રમણોમાં આવા અવસરો અવારનવાર આવ્યા કરતા. અમેરિકામાં સ્વાતંત્ર્ય સંગ્રામ અને આંતરવિગ્રહ સાથે સંકળાયેલાં સ્થાનોની મુલાકાત લઈને તેમણે વોશિંગ્ટન અને લિંકનને ‘સાચા કર્મયોગી’ કહ્યા હતા. ભૂમધ્ય સમુદ્ર પરથી પસાર થતાં ઈટાલીના કિનારાનું દૃશ્ય તેમના અંતરને સ્પર્શી ગયું હતું અહીં તેમણે કલા, સ્વાતંત્ર્ય અને મેઝીની વિશે કહ્યું હતું. જિબ્રાલ્ટર પાસે મુરોના છલાંગ ભરતા અશ્વો વિશે અને આરબોના આક્રમણ વિશે કલ્પના કરી હતી. ચંગીઝખાનની મહાનતા અને એશિયાની એકતા વિષયક તેના સ્વપ્નની તેમને સમજ હતી. કોર્સીકા ટાપુ પર નજર પડતાં જ તેમને નેપોલિયનનું જીવન યાદ આવી જતું. અકબરનું નામ સાંભળતાં જ એ મહાન રાજવીની અસાધારણ સિદ્ધિઓ સંભારતાં એમની આંખોમાં આંસુ આવી જતાં.

એમની લેખનશૈલીમાં ને વાક્છટામાં તેમની ભાતીગળ સંવેદનાનો પડઘો પડે છે. કયારેક તેઓ જલદ – વ્યંગપૂર્ણ બોલે છે, તો કયારેક સૌંદર્યપૂર્ણ રૂપકાત્મક બોલે – લખે છે. તેમની ભાષા સંગીતમય તો ખરી, પણ કેવલ ભાવનાપ્રધાન નહિ, પણ ઓજસ્વી, શક્તિશાળી અને હૃદયસ્પર્શી સંગીતવાળી છે. જુઓ : ‘હું શરીર નથી, પણ ચૈતન્ય છું, હું છું સમસ્ત વિશ્વ અને તેના સંબંધોનો સાક્ષી, હું છું માત્ર દૃષ્ટા!’ રોમાં રોલાં વિવેકાનંદનાં વચનોને વિદ્યુત્સંચાર જેવાં રોમાંચક કહે છે.

અદ્વૈતને બૌદ્ધિક રીતે, મૂર્ત, વૈજ્ઞાનિક, વ્યાવહારિક અને પ્રેરક રીતે રજૂ કરવાનો જ સ્વામીજીનો દાર્શનિક પ્રયત્ન હતો. આવી રજૂઆતથી જ ભારતને તેની પ્રાચીન પ્રતિષ્ઠા ફરી પ્રાપ્ત થવાની સ્વામીજીને પ્રતીતિ હતી. અને આધ્યાત્મિક જગતમાં એવી પ્રતિષ્ઠા ફરી મળવાની ખાતરી ઉપરાંત આનુષંગિક રીતે રાષ્ટ્રિય એકતા સ્થપાશે. જો કે એ તો એક આનુષંગિક વાત જ હતી. બાકી પોતે તો રાષ્ટ્રિય સીમાની પેલી પારની સમગ્ર માનવજાતિની વિશાળ વૈશ્વિક એકતાથી શોભતું દર્શન રચવા માગતા હતા. એટલે જ તો એ વિશ્વદર્શન માટે પહેલાં તો સદીઓથી વિદ્વત્તાના કોચલામાં કેદ બનેલા વેદાંતના પ્રેરક વિચારોને મુક્ત કરવા ચાહતા હતા. ‘દીર્ઘકાળ પર્યન્ત વેદાંત ગુફાઓ – જંગલોમાં જ ગુપ્ત છુપાયેલું પડયું છે. એને એ એકાંતમાંથી છોડાવી કુટુંબો અને સમાજના જનજીવન સુધી પહોંચાડવાનું કામ મને સોંપાયું છે’ – આ એમના શબ્દો છે. વળી, ‘અદ્વૈતનો ડંકો માનવવસ્તીમાં, પર્વત શિખરો, ઘરો, મેદાનો સર્વમાં વાગશે’ – એમ પણ તેઓ કહેતા. તેઓ આપણા રોજિંદા જીવનમાં અદ્વૈતને જીવતું કાવ્ય બનાવવા માગતા હતા- ગોટાળાભરી પુરાણકથાઓમાંથી સાચા નીતિધર્મો શોધવા અને મૂંઝવણ ભરેલ યોગસંપ્રદાયોમાંથી વિજ્ઞાન શોધવું એવી તેમની મનીષા હતી. ગણ્યાગાંઠયા લોકોનો જ વેદાંત કોઈ ઈજારો નથી – એમ તેઓ માનતા – વિદ્વાનોના વાડામાંથી દર્શનોને બહાર કાઢી એને સર્વજન ભોગ્ય બનાવવા તેઓ મથતા રહ્યા. એથી જનસાધારણની બુદ્ધિ પર વિશ્વાસ રાખીને તેમણે કહ્યું કે ‘સામાન્ય માનવી માટે તો માનવ ગૌરવને ઘટાડનારા સિદ્ધાંતો શીખવાયા કર્યા છે, હજી સુધી તેવાઓને સાચા આત્મપરિચયની કયારેય તક નથી મળી! તો ચાલો, તેમને આત્માનું સત્ય સમજાવીએ તેમને પણ શીખવી દઈએ કે નીચમાં નીચ માણસમાં પણ એ જ આત્મા વસે છે. જે કદી નાશ પામતો નથી, તલવાર તેને કાપી શકતી નથી, અગ્નિ બાળી શકતો નથી, પવન સૂકવી શકતો નથી. એ નિત્ય શુદ્ધ બુદ્ધ સર્વ વ્યાપી અને સર્વશક્તિમાન છે.’

(ક્રમશ:)

Total Views: 28

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.