શ્રીયુત મહેન્દ્રનાથ ગુપ્ત રચિત ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના શ્રી ‘મ’, ‘માસ્ટર’, ‘મણિ’, ‘મોહિનીમોહન’ કે ‘એક ભક્ત’ આ રીતે ગુપ્તનામ કે અધૂરા પરિચયના આવરણમાં પોતાને ગુપ્ત રાખવાની કોશિશ કરવા છતાંય અસફળ રહ્યા, કેમકે એમની અનુપમ કીર્તિસૌરભ એની મેળે જ સર્વત્ર પ્રસરી ગઈ હતી. ઈ.સ. ૧૮૮૨માં શ્રીરામકૃષ્ણનાં પ્રથમ દર્શન થયાં. તે વખતે તેઓ મેટ્રોપોલિટન વિદ્યાલયમાં શ્યામબજારમાં આવેલી શાળામાં મુખ્ય શિક્ષક હતા. શ્રીરામકૃષ્ણ ભક્ત મંડળીના સુપ્રસિદ્ધ રાખાલ, બાબુરામ, સુબોધ, પૂર્ણ, તેજચંદ્ર, પલ્ટુ, ક્ષીરોદ, નારાયણ વગેરે જુદા જુદા સમયે આ વિદ્યાલયના વિદ્યાર્થીઓ હતા. આથી જ તેઓ ‘માસ્ટર મહાશય’ના નામથી જ ઓળખાતા હતા. તે એટલે સુધી કે ઠાકુર પણ કયારેક તેમને ‘માસ્ટર’ કહીને બોલાવતા હતા.

કથામૃતના આરંભમાં શ્રીમદ્ ભાગવતમાંથી આ શ્લોક૧ લેવામાં આવ્યો છે :

હે પ્રભુ! તમારી લીલાકથા અમૃત સ્વરૂપ છે, તાપથી બળ્યા ઝળ્યા જીવો માટે શીતલ જીવન સ્વરૂપ છે. ઋષિઓ દ્વારા એનું ગાન કરવામાં આવ્યું છે અને બધાં પાપોનો નાશ કરવાવાળી આ કથાનું શ્રવણ સર્વ પ્રકારે માંગલ્ય અને શ્રીની વૃદ્ધિ કરે છે. તમારી આવી લીલાકથાનું ગાન કરવાવાળા જ આ જગતમાં સર્વથી ઉત્તમ દાતા છે. (ભાગવત ૧૦-૩૧-૬)

तव कथामृतं तप्तजीवनं कविभिरीडितं कल्मषापहम् ।
श्रवणमङ्गलं श्रीमदाततं भुवि गृणन्ति ते भूरिदा जनाः॥

‘શ્રીરામકૃષ્ણ કથામૃત’નો પ્રચાર કરીને માસ્ટર મહાશયે સાચે જ સેંકડો ધર્મપિપાસુ જનોના ઘરની સમીપ અમૃતગંગાની ધારા વહેવડાવીને તેઓ સર્વોત્તમ પુણ્યના અધિકારી થયા છે. ગુજરાતીમાં બે ભાગમાં અનુવાદિત આ અનુપમ ગ્રંથે શ્રીરામકૃષ્ણની ભાષાની સહજ સરળ ગતિ, ભાવગાંભીર્ય, તેમના વાર્તાલાપનું સજીવ ચિત્રાંકન, સર્વ પ્રત્યેની અનુકંપા, અસીમ ઉદારતા અને અબાધ અંતરદૃષ્ટિના નિર્મલ દર્પણરૂપે સંસારનાં સર્વશ્રેષ્ઠ સાહિત્યોમાં ઉચ્ચપદ ગ્રહણ કરીને લેખકને અમર બનાવી દીધા છે. એક જીવનને માટે આ જ પર્યાપ્ત હોવા છતાં પણ માસ્ટર મહાશયે એનાથી સંતુષ્ટ ન રહેતાં પોતાના ચિત્તાકર્ષક અને પ્રેરણાપૂર્ણ મૌખિક ઉપદેશોના પ્રભાવથી સેંકડો દુર્બળ ધર્મપથાચારીઓ સમક્ષ શ્રીરામકૃષ્ણ જીવનનો ઉજ્જવળ આલેખ રજૂ કરીને નવીન દૃષ્ટિ અને અભિપ્સા તેમનામાં જાગૃત કરી દીધાં છે. જ્યારે તેઓ વાત કરતા ત્યારે અતુલનીય સ્મૃતિશક્તિ દ્વારા પરિપુષ્ટ, કવિત્વપૂર્ણ ગુણોના વર્ણનથી શ્રીરામકૃષ્ણનાં અંતિમ કેટલાંક વર્ષોનું ચિત્ર શ્રોતાઓ સમક્ષ જીવંતરૂપે પ્રગટ થતું; શ્રીઠાકુરના પવિત્ર સાંનિધ્યથી ધન્ય બનેલા એ દિવસોના અનુભવના પ્રકાશથી ઉજ્જવળ બનેલું એ ચિત્ર અલૌકિક દિવ્ય વાતાવરણ સર્જતું અને હાજર રહેલા સહુ ધર્મપિપાસુઓના ચિત્તને અનાયાસે એ સજીવ પુરાતન લીલાક્ષેત્રમાં ખડું કરી દેતું. તેમજ શાંતિ અને વિશ્વાસની શુભ્ર પવિત્ર જ્યોતિમાં નિમજ્જન કરાવી દેતું. માસ્ટર મહાશય જાણે હંમેશા દક્ષિણેશ્વર અને કામારપુકુરના સ્મૃતિ રાજ્યમાં જ વસતા હતા. તેમજ બહાર કોઈ પણ શબ્દ બોલાયો કેમ ન હોય, તેઓ એ રાજ્યની જ કોઈ ઘટનાનું ચિત્ર પ્રગટ કરીને એનું એની સાથે અનુસંધાન કરીને ગતજીવનની પુનરાવૃત્તિમાં જકડી રાખતા. કોઈ શ્રોતા આવીને કોઈ પણ વિષયનો પ્રશ્ન પૂછે તો તેઓ ઉત્તરના માધ્યમ દ્વારા તુરત જ શ્રીરામકૃષ્ણ – ચરિત્રના થોડા ભાગનું વર્ણન ઉજ્જવળ ભાષામાં એની સમક્ષ કરતા. અને આમ, તેઓના સંશયોને શ્રીરામકૃષ્ણના અમૃતમયી જીવનચરિત્ર દ્વારા છિન્ન ભિન્ન કરીને સંતુષ્ટ કરતા. ઈ.સ. ૧૯૩૨ની ૪થી જૂનના શરીર ત્યાગ કર્યા પહેલાંની આખરી ક્ષણ સુધી તેમણે પોતાના સ્વેચ્છાએ ગ્રહણ કરેલા વ્રતનું જ પાલન કર્યું હતું.

ઈ.સ. ૧૮૫૪ની ૧૪મી જુલાઈ, (૩૧ અષાઢ, ૧૨૬૧ બંગાબ્દ) શુક્રવાર – નાગપંચમીના દિવસે મહેન્દ્રનાથ કોલકાતાના સિમુલિયા મહોલ્લાની શિવનારાયણ દાસ લેનના પિતૃગૃહમાં જન્મ્યા હતા. એ પછી થોડા દિવસો બાદ એમના પિતા શ્રી મધુસુદન ગુપ્તે ૧૩-૨ ગુરુપ્રસાદ ચૌધરી લેનનું મકાન ખરીદ્યું અને ત્યાં રહેવા ચાલ્યા ગયા. આ મકાન હજુ પણ મોજૂદ છે. અને એ મહોલ્લામાં તે મકાન ‘ઠાકુરવાડી’ નામથી ઓળખાય છે. પિતા મધુસુદન અને માતા સ્વર્ણમયી બંને સૌજન્ય, મધુર વ્યવહાર અને ધર્મનિષ્ઠા માટે જાણીતાં હતાં. એમનાં ચાર પુત્રો અને ચાર પુત્રીઓમાં મહેન્દ્રનાથ ત્રીજું સંતાન હતા. માતાના સ્નેહ અને સદ્ગુણોએ મહેન્દ્રને આજીવન માતૃભક્ત બનાવ્યા હતા. માતાની સાથે એમની અનેક અપૂર્વ સ્મૃતિઓ જડાયેલી હતી, એમાંની એક અહીં ખાસ ઉલ્લેખનીય છે. એક દિવસ ચાર વરસનો બાળક મહેન્દ્ર માતાની સાથે હોડીમાં બેસીને માહેશના રથનો મેળો જોવા ગયો હતો. પાછા વળતાં બધાં લોકો દક્ષિણેશ્વર ઊતર્યાં અને ભવતારિણી કાલીમાતાનાં દર્શને ગયાં. જ્યારે બધાં લોકો નવા બનેલા બગીચા અને મંદિરની આજુબાજુ ફરતાં હતાં ત્યારે આ બાળક કાલીમંદિરની સામે ઊભો રહીને તે પોતાની માતાથી એકાએક વિખૂટો પડી ગયેલો જોઈને રડવા માંડયો. તે વખતે મંદિરમાંથી એક શાંત મૂર્તિ સમા બ્રાહ્મણ બહાર નીકળ્યા. તેમણે બાળકના મસ્તક પર હાથ મૂકયો અને તેને સાંત્વના આપી. બાળક સ્વસ્થ થઈને તેમને અપલક નેત્રોથી જોતો રહ્યો. પાછળથી માસ્ટર મહાશય એ પુરુષ – પ્રવરની બાબતમાં કહેતા હતા, ‘કદાચ તેઓ ઠાકુર જ હશે. કેમકે એ અગાઉ ચાર વર્ષ પહેલાં રાણી રાસમણિએ દક્ષિણેશ્વરમાં કાલીવાડીની સ્થાપના કરી હતી અને ઠાકુર એ સમયે કાલીમાતાના પૂજારીના પદે હતા.’ બીજા એક સમયે પાંચ વર્ષની વયે તેઓ માતાની સાથે અગાસીમાં હતા ત્યારે અસીમ નીલાકાશનું દર્શન કરતાં કરતાં તેમનામાં અનંતની અનુભૂતિ જાગી હતી. આકાશમાંથી પાણી વરસતું ત્યારે બાળક મહેન્દ્ર નિ:સ્તબ્ધ બની પૃથ્વી પર ઊભો રહેતો અને અવિરત થતી જલવર્ષામાં અનંતના ચિંતનમાં ડૂબી જતો. કાલીઘાટના મંદિરની સામે બકરાઓ કાપવામાં આવતા. એ જોઈને મહેન્દ્રના હૃદયમાં તીવ્ર દુ:ખ થતું. 

સ્નેહમયી જનની એમને કિશોરાવસ્થામાં જ છોડીને સ્વર્ગવાસી થયાં હતાં. એ દિવસે રડતાં રડતાં બાળકે ઊંઘમાં સ્વપ્ન જોયું. જાણે માતા સ્નેહપૂર્વક કહી રહ્યાં છે : ‘અત્યાર સુધી હું તારું પાલન-પોષણ કરતી આવી હતી. હજી પણ કરીશ પણ તું મને નહીં જોઈ શકે.’ સાચે જ પછી સ્વયં જગદંબાએ એમના લાલન-પાલનનો ભાર લઈ લીધો હતો.

મહેન્દ્રનાથના જીવનમાં હંમેશા ધર્મભાવનો પ્રવાહ વહેતો હતો. શ્રીરામકૃષ્ણે જ્યારે એમને પૂછયું : ‘શું તમને અશ્વિનની (૫ ઓકટોબર ઈ.સ. ૧૮૬૪)ની આંધી યાદ આવે છે?’ ત્યારે મહેન્દ્રે ઉત્તર આપ્યો : ‘જી હા! એ વખતે મારી ઉંમર ૯-૧૦ વર્ષની હતી. એક ઓરડામાં હું એકલો ઈશ્વરને પોકારી રહ્યો હતો.’ કોઈ દેવમંદિરની પાસેથી નીકળતાં તેઓ ઊભા રહી જતા અને ભક્તિભાવથી પ્રણામ કરતા. આસો મહિનાની દુર્ગાપૂજા વખતે તેઓ કેટલીય વાર સુધી ભક્તિભાવપૂર્વક દેવીની સામે બેઠા રહેતા. ગંગાસ્નાન કે કોઈ ઉત્સવ નિમિત્તે કે તીર્થયાત્રા માટે કોલકાતામાં સાધુઓ આવતા તો તેઓ તેમનાં દર્શન, સ્પર્શન વગેરે માટે વ્યાકુળ બની જતા. પાછળથી તેઓ કહેતા કે આ સાધુસંગની અભિપ્સાએ જ એમને સર્વોત્તમ સાધુ શ્રીરામકૃષ્ણનાં ચરણોમાં પહોંચાડીને જીવન સાર્થક કરાવી દીધું હતું. વિદ્યાલય અને કોલેજમાં ભણતા હતા ત્યારે રામાયણ, મહાભારત, પુરાણ, ‘શ્રીચૈતન્ય ચરિતામૃત’ વગેરે ધર્મગ્રંથો સારી રીતે વાંચ્યા હતા. પાઠય પુસ્તકોમાં પણ ધર્મભાવ જગાડનાર ફકરાઓને તેઓ મોઢે કરી લેતા. ‘કુમારસંભવ’ ગ્રંથનો એ અંશ – જેમાં શિવના ધ્યાનનું વર્ણન કરતાં જણાવેલું છે કે ગુફાની અંદર મહાદેવ સમાધિમગ્ન છે અને ગુફાના દરવાજે નન્દી હાથમાં દંડ લઈને ઊભા છે અને સમસ્ત જીવો તેમજ પ્રકૃતિને સર્વ પ્રકારની ચંચળતાનો ત્યાગ કરવાનો આદેશ આપી રહ્યા છે. આ અલંઘ્ય આદેશથી વૃક્ષો નિષ્કંપ, ભ્રમરો ગુંજનરહિત, પક્ષી મૂક, પશુવૃંદ નિશ્ચલ અને સમસ્ત કાળ નિ:સ્તબ્ધ થઈ ગયા કે – ‘શાકુન્તલ’ ગ્રંથનો એ ભાગ કે જેમાં કણ્વમુનિના આશ્રમનું વર્ણન છે, અથવા પછી ‘ભટ્ટિકાવ્ય’માં જ્યાં રામ અને લક્ષ્મણ તાડકા રાક્ષસીના વધ માટે વિશ્વામિત્ર ઋષિના યજ્ઞ સ્થાનમાં આવીને વૃક્ષવેલીઓને યજ્ઞના ધૂમાડાથી શ્યામ રંગમાં રંગાયેલા જુએ છે, આવાં વર્ણનોને તેઓ કંઠસ્થ કરી લેતા હતા. ‘શ્રીચૈતન્ય ચરિતામૃત’ ગ્રંથ વિષે એમણે એક વખત કહ્યું હતું : ‘શ્રીઠાકુરની પાસે ગયા તે પહેલાં હું એ ગ્રંથ પાગલની જેમ વાંચતો હતો.’ બાઈબલના ‘ન્યુ ટેસ્ટામેન્ટ’થી તેઓ એટલા બધા માહિતગાર હતા કે પાછળથી ધર્મ અંગે પ્રવચન આપતી વખતે પોતાના વિષયવસ્તુને સમજાવવા માટે તેઓ બાઈબલનાં ઉદાહરણોને પોતાના ધારાપ્રવાહમાં મેળવી દેતા હતા. કાયદાના અભ્યાસ વખતે એમણે મનુ, યાજ્ઞવલ્કય વગેરેના સ્મૃતિ ગ્રંથોમાંથી હિન્દુઓની સમાજનીતિની માર્મિક વાતો શીખી લીધી હતી. પાછળથી તેઓ કહેતા: ‘વકીલાત કરો કે ન કરો, પણ કાયદો વાંચજો, કેમકે એમાંથી ઋષિઓનો આચારવ્યવહાર તથા નિયમ – કાનૂન ઘણું બધું જાણી શકશો.’

વિદ્યાલયમાં તેઓ અત્યંત બુદ્ધિશાળી ગણાતા હતા. તેઓ હેયર સ્કૂલમાંથી પ્રવેશિકા પરીક્ષામાં બીજા નંબરે પાસ થયા હતા. એફ.એ. પરીક્ષામાં એમણે પાંચમો નંબર મેળવ્યો હતો. એ પછી ઈ.સ. ૧૮૭૪માં તેઓ પ્રેસિડન્સી કોલેજમાં ત્રીજો નંબર મેળવીને ‘ઓનર્સ’ સાથે પદવી પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા. વિદ્યાર્થીકાળમાં તેમણે દર્શન, ઇતિહાસ, અંગ્રેજી સાહિત્ય, વિજ્ઞાન વગરેનો ખૂબ ધ્યાનપૂર્વક અભ્યાસ કર્યો હતો. તેઓ અંગ્રેજી ભાષાના અધ્યાપક ટોની સાહેબના અત્યંત પ્રિય પાત્ર હતા.

કોલેજનો અભ્યાસ પૂરો કર્યા પહેલાં જ એમણે શ્રીયુત ઠાકુર ચરણ સેનની પુત્રી તથા શ્રીયુત કેશવચંદ્ર સેનની પિતરાઈ બહેન શ્રીમતી નિકુંજદેવી સાથે લગ્ન કર્યું હતું. (ઈ.સ. ૧૮૭૩) ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાથી તેઓ આગળ અભ્યાસ કરી શકયા નહીં. કાયદાની પરીક્ષા આપવા માટે તેઓ તૈયારી કરી રહ્યા હતા. પરંતુ ઘરગૃહસ્થીનો ખર્ચ ઉપાડવા માટે એમણે એ સંકલ્પ છોડી દેવો પડયો અને વ્યાપારી દફતરમાં નોકરી સ્વીકારવી પડી. પાછળથી તેઓ અધ્યાપન કાર્યમાં જોડાયા. અને અનેક ઉચ્ચ વિદ્યાલયોમાં મુખ્ય શિક્ષક તરીકે કામગીરી બજાવી. 

તેઓ જુદી જુદી કોલેજોમાં પણ અધ્યાપન કરતા હતા. કયારેક કયારેક એક જ દિવસે એકથી વધુ વિદ્યાલયમાં કામ કરતા હોવાથી તેઓ પાલખીમાં આવતા-જતા. વિદ્યાર્થીઓ એમના ગાંભીર્ય, ધર્મભાવ અને સહજ અધ્યાપન પ્રણાલિથી આકર્ષાતા. આથી અધ્યાપન સમયે એમને શિસ્ત જાળવવા માટે નકામી શક્તિનો વ્યય કરવો પડતો ન હતો. આ રીતે એમણે બધાં કાર્યો દ્વારા સુયશ પ્રાપ્ત કર્યો હતો.

શ્રીરામકૃષ્ણનાં દર્શન પહેલાં તેઓ બ્રાહ્મસમાજના કેશવચંદ્ર સેનના ભાષણથી આકર્ષાયા હતા અને સમાજમંદિર તેમજ ‘કમલ કુટિર’ વગેરે સ્થળે જતા હતા. શ્રીરામકૃષ્ણની સાથે ઘનિષ્ઠ પરિચય પ્રાપ્ત કર્યા પછી એમણે કેશવચંદ્ર સેનની અપૂર્વ આકર્ષણ શક્તિનું કારણ જણાવતાં એકવાર કહ્યું હતું : ‘ઓહ! એમને હું દેવતા જેવા માનતો હતો. કેમકે તેઓ એ સમયે પોતાના મિત્રોને લઈને ઠાકુર પાસે આવતા રહેતા અને ઠાકુરના અમૃતમય ઉપદેશોનો પ્રચાર એમના નામનો ઉલ્લેખ કર્યા વગર કરતા હતા.’ 

બ્રાહ્મસમાજના જાણીતા પોતાના સંબંધી શ્રી નગેન્દ્રનાથ ગુપ્ત પાસેથી ઈ.સ. ૧૮૮૧માં એમણે શ્રીરામકૃષ્ણનો પ્રથમ પરિચય મેળવ્યો હતો. એ વખતે લગ્નના થોડા દિવસ બાદ સાંસારિક આઘાત-પ્રત્યાઘાતની અચાનક જ શરૂઆત થઈ. એમાંથી મુક્તિ મેળવવા માટે ઈ.સ. ૧૮૮૨ના ફેબ્રુઆરીના એક દિવસે મહેન્દ્રનાથે વરાહનગર મહોલ્લાના તેમના બનેવી શ્રીયુત ઈશાનચંદ્ર કવિરાજના ઘરમાં આશ્રય લીધો. 

એ મકાનમાં રહેતા હતા ત્યારે તેઓ (૨૬મી ફેબ્રુ.ના) એક દિવસ સંધ્યાકાળે શ્રીયુત સિદ્ધેશ્વર મજમુદારની સાથે દક્ષિણેશ્વર કાલીમંદિરમાં ગયા. ત્યાં તેમણે જોયું, સંધ્યા પહેલાં શ્રીરામકૃષ્ણ ભક્તોની વચ્ચે બેસીને ભગવત્પ્રસંગનો વાર્તાલાપ કરી રહ્યા હતા. મંદિરનું સુંદર પવિત્ર વાતાવરણ હતું. એવું લાગ્યું જાણે સાક્ષાત્ શુકદેવજી ભાગવત સંભળાવી રહ્યા છે! અથવા જાણે જગન્નાથના ક્ષેત્રમાં શ્રી ગૌરાંગદેવ રામાનંદ, સ્વરૂપ વગેરે ભક્તો પાસે બેસીને ભગવદ્ ગુણાનુકીર્તન કરી રહ્યા છે. આ છોડીને બીજે સ્થળે જઈ જ નહીં શકાય. તો પણ માસ્ટર મહાશયનું કુતૂહલવાળું કવિ – સુલભ મન એ દેવોદ્યાનનો પૂર્ણ પરિચય મેળવવા માટે એમને બહાર લઈ ચાલ્યું. ઉદ્યાનનું નિરીક્ષણ કરીને તેઓ ફરીથી ઠાકુરના ઓરડામાં આવીને બેસી ગયા. એમનો પરિચય પૂછતાં ઠાકુર અન્યમનસ્ક થઈ રહ્યા છે. એ જોઈને માસ્ટર મહાશયે વિચાર્યું કે તેઓ હવે ઈશ્વર ચિંતન કરશે. આથી તેઓ વિદાય લઈને ત્યાંથી ઊઠી ગયા. જતી વખતે ઠાકુરે એમને કહ્યું : ‘પાછા આવજો.’

Total Views: 12

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.