અધ્યાય: ૧, અર્જુન વિષાદયોગ

શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેનો આ સંવાદ છે. આપણને એ કેવી રીતે પ્રાપ્ત થયો છે? સંજય નામે એક ત્રીજું પાત્ર છે. અંધ કૌરવ સમ્ર્રાટ ધૃતરાષ્ટ્રનો એ એક મંત્રી હતો. ભગવાન વ્યાસે એને ખાસ વરદાન આપ્યું હતું કે, ‘તું સમ્ર્રાટની પાસે મહેલમાં બેસવા છતાં, કુરુક્ષેત્રની રણભૂમિ પર જે કંઈ થશે તે બધું જોઈ-સાંભળી શકીશ. આ વરદાનને કારણે, કુરુક્ષેત્ર પરની ઘટનાઓને જાણવા આતુર ધૃતરાષ્ટ્રને, ત્યાં બનતું બધું વર્ણવે છે. એટલે, પહેલા અધ્યાયનો આરંભ ધૃતરાષ્ટ્રના પ્રશ્નથી થાય છે.

धृतराष्ट्र उवाच-

धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः।
मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय॥१॥

ધૃતરાષ્ટ્ર બોલ્યા: ‘હે સંજય! ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં, લડવા માટે એકઠા મળેલા મારા લોકોએ અને પાંડવોએ શું કર્યું તે મને કહે.’

હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં મળેલા લોકોએ શું કર્યું? આ ‘લોકો’ તે કોણ? समवेता युयुत्सव: – ‘યુદ્ધ લડવા’ માટે એકઠા થયેલા લોકો, मामाका: पाण्डवाश्चैव – ‘દુર્યોધન અને બીજાઓ મારા પક્ષના અને, યુધિષ્ઠિર અને બીજા પાંડવો તે સામા પક્ષના.’ એમણે શું કર્યું?

કુરુક્ષેત્ર શહેર દિલ્હીથી ૧૦૫ માઈલ પર આવેલું છે અને, ગીતાના કાળે પણ, એ પ્રાચીન સ્થળ પવિત્ર ધર્મક્ષેત્ર મનાતું. આજે પણ ખાસ પ્રસંગોએ લાખો લોકો ત્યાં ભેગા થાય છે અને ત્યાં સરોવરમાં સ્નાન કરે છે. આજે એ મોટા શહેરમાં એક યુનિવર્સિટી વિકસી રહી છે. એ કુરુક્ષેત્ર ધર્મક્ષેત્ર – ઘણું પવિત્ર સ્થળ – પણ છે. એ કુરુક્ષેત્રમાં મારા પુત્રો અને યુધિષ્ઠિર અને એના માણસો, એ બે પક્ષો યુદ્ધ લડવા તત્પર થયા છે તો, એમણે શું કર્યું? આ પ્રશ્ન પોતાના મંત્રી સંજયને ધૃતરાષ્ટ્ર પૂછે છે.

 सञ्जय उवाच-

दृष्ट्वा तु पाण्डवानीकं व्यूढं दुर्योधनस्तदा।
आचार्यमुपसङ्गम्य राजा वचनमब्रवीत्॥२॥

સંજય બોલ્યો: ‘પાંડવસેનાને યુદ્ધ માટે ગોઠવાયેલી જોઈને રાજા દુર્યોધન દ્રોણાચાર્ય પાસે ગયો અને આ શબ્દો બોલ્યો.’ પાંડવ સેનાને યુદ્ધ માટે ગોઠવાયેલી જોઈ, ધૃતરાષ્ટ્રનો પુત્ર રાજા દુર્યોધન પોતાના ગુરુ દ્રોણ પાસે ગયો. કૌરવો અને પાંડવો બેઉને એમણે ધનુર્વિદ્યા શીખવી હતી. ભીષ્મની જેમ દ્રોણ પણ આદરપાત્ર હતા. મહાભારત યુદ્ધની આ બે આદરપાત્ર વ્યક્તિઓ હતી. દુર્યોધને દ્રોણને નીચે પ્રમાણે કહ્યું:

पश्यैतां पाण्डुपुत्राणामाचार्य महतीं चमूम्।
व्यूढां द्रुपदपुत्रेण तव शिष्येण धीमता॥३॥

‘હે આચાર્ય! આપના બુદ્ધિમાન શિષ્ય, દ્રુપદના પુત્રે ગોઠવેલી પાંડવોની આ મોટી સેના જુઓ.’ દ્રુપદનો પુત્ર તે ધૃષ્ટદ્યુમ્ન. દ્રોણાચાર્યનો એ બુદ્ધિશાળી શિષ્ય હતો. પછી વિગતો અપાઈ છે.

 अत्र शूरा महेष्वासा भीमार्जुनसमा युधि।
युयुधानो विराटश्च द्रुपदश्च महारथः॥४॥

धृष्टकेतुश्चेकितानः काशिराजश्च वीर्यवान्।
पुरुजित्कुन्तिभोजश्च शैब्यश्च नरपुङ्गवः॥५॥

युधामन्युश्च विक्रान्त उत्तमौजाश्च वीर्यवान्।
सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथाः॥६॥

‘અહીં ભીમ અને અર્જુન સમા મહાન બાણાવળી યોદ્ધાઓ – યુયુધાન, વિરાટ, દ્રુપદ, વીર ધૃષ્ટકેતુ, ચેકિતાન, વીર્યવાન કાશીરાજ, પુરુજિત, કુન્તિભોજ અને શૈબ્ય જેવા નરપુંગવો, સમર્થ યુધામન્યુ અને, બહાદુર ઉત્તમૌજસ, સુભદ્રાનો પુત્ર અને દ્રૌપદીપુત્રો, બધા મહારથીઓ છે.’ પછી પોતાના ગુરુ દ્રોણાચાર્યને દુર્યોધન પોતાના સૈન્યની વાત કરે છે.

 अस्माकं तु विशिष्टा ये तान्निबोध द्विजोत्तम।
नायका मम सैन्यस्य संज्ञार्थं तान्ब्रवीमि ते॥७॥

‘હે દ્વિજોમાં ઉત્તમ! હવે આપણા સૈન્ય વિશે કહું છું. આપણા પક્ષના વિશિષ્ટ નાયકોનાં નામ હું આપને કહું છું.’

 भवान्भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः।
अश्वत्थामा विकर्णश्च सौमदत्तिस्तथैव च॥८॥

‘સૌ પ્રથમ આપ, પછી ભીષ્મ, કર્ણ, યુદ્ધવિજેતા કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ, જયદ્રથ અને સોમદત્તનો પુત્ર.’ કર્ણ યુધિષ્ઠિર અને બીજા પાંડવોનો જયેષ્ઠ ભાઈ છે, કુન્તીનો જયેષ્ઠ પુત્ર છે પણ, એ સમયે એમને આ વાતની જાણ ન હતી. એ રહસ્ય હતું. એટલે, કર્ણ કૌરવ પક્ષે હતો.

अन्ये च बहवः शूरा मदर्थे त्यक्तजीविताः।
नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः॥९॥

‘અને યુદ્ધમાં કુશળ એવા બીજા અનેક વીરો, શસ્ત્રસજ્જ થઈને, મારે માટે પોતાનું જીવન તજી દેવા તૈયાર થઈ ઊભા છે.’

अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितम्।
पर्याप्तं त्विदमेतेषां बलं भीमाभिरक्षितम् ॥१०॥

‘ભીષ્મથી રક્ષાયેલું આપણું સૈન્ય અમર્યાદિત છે ત્યારે, ભીમ વડે રક્ષાયેલું એમનું સૈન્ય નાનું ને મર્યાદિત છે.’

 अयनेषु च सर्वेषु यथाभागमवस्थिताः।
भीष्ममेवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि॥११॥

‘હવે સેનામાં સૌ પોતાને સ્થાને વ્યવસ્થિત રહીને તમે સૌ ભીષ્મને ટેકો આપો અને એમનું રક્ષણ કરો.’

ભીષ્મ સૌથી અગત્યની વ્યક્તિ છે. એમને કંઈ અઘટિત થશે તો તે આપણે માટે ખરાબ છે. એટલે, એમનું બરાબર રક્ષણ થાય તે આપણે જોવાનું છે.

तस्य सञ्जनयन्हर्षं कुरुवृद्धः पितामहः।
सिंहनादं विनद्योच्चैः शङ्खं दध्मौ प्रतापवान्॥१२॥

‘પછી કુરુક્ષેત્રમાં વૃદ્ધ એવા ભીષ્મ પિતામહે, દુર્યોધનને રાજી કરવા સિંહનાદ કર્યો અને પછી પોતાનો શંખ ફૂંકયો.’

માછીમારની પુત્રી અને સત્યવતીનો પુત્ર રાજા બને એ માટે, સત્યવતીને રાજી રાખવાના હેતુથી, પોતે રાજ્યગાદીએ નહીં બેસે એવી પ્રતિજ્ઞા ભીષ્મે લીધી હતી. એટલે ભીષ્મ આજીવન કુંવારા રહ્યા હતા. પોતાની પ્રતિજ્ઞાના પાલનમાં એ એવા તો મક્કમ હતા કે, અનેકવાર, મુશ્કેલીભરી પરિસ્થિતિઓમાં, એમને રાજ્યસિંહાસન સ્વીકારવા આગ્રહ કરવામાં આવ્યો હતો પરંતુ, એમણે કહ્યું હતું, ‘‘ના, મારે સત્તા જોઈતી નથી.’’ એટલે ભીષ્મ પ્રચંડ સંકલ્પ બળવાળા, પ્રચંડ હિમ્મતવાળા અને પ્રચંડ જ્ઞાનવાળા ગણાય છે. મહાભારતમાં, યુદ્ધને અંતે આખે શરીરે ઘવાઈને, પોતાની ઇચ્છાથી એ બાણશય્યા પર સૂતા છે. કારણ કે ઉત્તરાયન થવા પહેલાં એ મરવા ઇચ્છતા ન હતા. એમની પાસે શ્રીકૃષ્ણ અને બધા પાંડવો ગયા. પાંડવોને બોધ દેવા શ્રીકૃષ્ણે એમને કહ્યું. મહાભારતના શાન્તિપર્વમાં એ અદ્ભુત બોધ સાંપડે છે – રાજકારણ અને અધ્યાત્મ વિશેનો એ વાર્તાલાપ છે. ભીષ્મ ઉત્તરાયન થશે ત્યાં સુધી પ્રાણ ટકાવી રાખશે, પછી એમના અગ્નિસંસ્કાર થશે. મહાભારતમાં એનું પણ મોટું વર્ણન કરવામાં આવ્યું છે અને એમાં, આજે આપણે જે કરીએ છીએ તે જ જણાશે. આપણાં પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધી અવસાન પામ્યાં ત્યારે, મહાભારતના યુદ્ધ વખતે બન્યું હતું તેમ, દિલ્હીમાં તેમના અગ્નિસંસ્કાર પણ અદ્ભુત રીતે કરવામાં આવ્યા હતા.

ततः शङ्खाश्च भेर्यश्च पणवानकगोमुखाः।
सहसैवाभ्यहन्यन्त स शब्दस्तुमुलोऽभवत्॥१३॥

‘ભીષ્મે શંખ વગાડયો કે તરત જ બીજા બધા તેમ કરવા લાગ્યા; પછી શંખો, નગારાંઓ, ઢોલ, રણશિંગાં વાગવા લાગ્યાં અને પ્રચંડ શોર મચી ગયો.’

 ततः श्वेतैर्हयैर्युक्ते महति स्यन्दने स्थितौ ।
माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदध्मतुः ॥ १४॥

‘પછી સફેદ ઘોડાવાળા પોતાના ઉત્તમ રથમાં બેઠેલા માધવે – શ્રીકૃષ્ણે – અને પાંડવે – અર્જુને – પોતાના દિવ્ય શંખો ફૂંકયા.’

पाञ्चजन्यं हृषीकेशो देवदत्तं धनञ्जयः ।
पौण्ड्रं दध्मौ महाशङ्खं भीमकर्मा वृकोदरः ॥१५॥

‘ઋષિકેશે – શ્રીકૃષ્ણે – પાંચજન્ય શંખ વગાડ્યો; ધનંજય – અર્જુને – દેવદત્ત વગાડ્યો; ભીમે પોતાનો મહાશંખ પૌણ્ડ્ર વગાડ્યો.’

 अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः ।
नकुलः सहदेवश्च सुघोषमणिपुष्पकौ ॥ १६॥

‘કુન્તીના પુત્ર યુધિષ્ઠરે અનન્તવિજય નામનો શંખ ફૂંકયો; અને નકુળે ને સહદેવે પોતાના સુઘોષ અને મણિપુષ્પક શંખો વગાડ્યા.’

 काश्यश्च परमेष्वासः शिखण्डी च महारथः ।
धृष्टद्युम्नो विराटश्च सात्यकिश्चापराजितः ॥ १७॥

‘કુશળ બાણાવળી કાશીરાજ, મહારથી શિખંડી, ધૃષ્ટદ્યુમ્ન અને વિરાટ અને અજેય સાત્યકિ.’

द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते ।
सौभद्रश्च महाबाहुः शङ्खान्दध्मुः पृथक्पृथक् ॥ १८॥

‘હે પૃથ્વીપતિ ધૃતરાષ્ટ્ર, દ્રુપદે અને દ્રૌપદીપુત્રોએ અને મહાબાહુ સુભદ્રાપુત્રે પોતપોતાના શંખ ફૂંકયા.’

स घोषो धार्तराष्ट्राणां हृदयानि व्यदारयत् ।
नभश्च पृथिवीं चैव तुमुलोऽभ्यनुनादयन् ॥ १९॥

‘એ ભયંકર ઘોષે આકાશ અને પૃથ્વીને ગજવી મૂકીને, ધૃતરાષ્ટ્ર પક્ષના લોકોનાં હૈયાં ચીરી નાખ્યાં.’

अथ व्यवस्थितान्दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वजः ।
प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुद्यम्य पाण्डवः ॥ २०॥

हृषीकेशं तदा वाक्यमिदमाह महीपते ।

‘પછી, હે પૃથ્વીપતિ, ધૃતરાષ્ટ્ર પક્ષને વ્યવસ્થિત ઊભેલો જોઈને તથા બાણો છૂટવાની તૈયારી જોઈને, હનુમાનની ધજાવાળા પાંડવ અર્જુને પોતાનું ધનુષ્ય ઊંચું કરીને શ્રીકૃષ્ણને કહ્યું.’

યુદ્ધમાં શ્રીકૃષ્ણ માત્ર સારથિ હતા, યોદ્ધા ન હતા. હવે શ્રીકૃષ્ણ અને અર્જુન ચિત્રમાં આવે છે.

अर्जुन उवाच ।

सेनयोरुभयोर्मध्ये रथं स्थापय मेऽच्युत ॥ २१॥
यावदेतान्निरीक्षेऽहं योद्धुकामानवस्थितान् ।

कैर्मया सह योद्धव्यमस्मिन् रणसमुद्यमे ॥ २२॥

અર્જુન બોલ્યો – ‘હે અચ્યુત, મારો રથ બે સેનાઓની વચ્ચે ઊભો રાખો જેથી, યુદ્ધ માટે તત્પર ઊભેલાઓને હું જોઈ શકું. આ યુદ્ધની પૂર્વ સંધ્યાએ મને જોઈ લેવા દો કે મારે કોની સામે લડવાનું છે.’

योत्स्यमानानवेक्षेऽहं य एतेऽत्र समागताः ।
धार्तराष्ट्रस्य दुर्बुद्धेर्युद्धे प्रियचिकीर्षवः ॥ २३॥

‘કારણ, દુર્બુદ્ધિ દુર્યોધનનો પક્ષ લઈને, એને રાજી રાખવા, આ રણભૂમિમાં કોણ એકઠા થયા છે તેમને હું જોવા ઇચ્છું છું.’

सञ्जय उवाच ।

एवमुक्तो हृषीकेशो गुडाकेशेन भारत ।
सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् ॥ २४॥

भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महीक्षिताम् ।
उवाच पार्थ पश्यैतान्समवेतान्कुरूनिति ॥ २५॥

સંજય બોલ્યો: હે ભારત (ધૃતરાષ્ટ્ર)! ગુડાકેશ અર્જુનના આમ કહેવાથી હ્યષિકેશ શ્રીકૃષ્ણે ઉત્તમ રથને બે સેનાઓની વચ્ચે રાખ્યો; સામે ભીષ્મ, દ્રોણ અને બીજા રાજાઓ હતા. ને પછી એમણે અર્જુનને કહ્યું; ‘‘હે પાર્થ, બધા કુરુઓને સામે ઊભેલા જોઈ લે.’’

तत्रापश्यत्स्थितान्पार्थः पितॄनथ पितामहान् ।
आचार्यान्मातुलान्भ्रातॄन्पुत्रान्पौत्रान्सखींस्तथा ॥ २६॥

‘એટલે અર્જુને બંને સેનાઓમાં, પોતાની સન્મુખ ઊભેલા, પોતાના પિતામહો, સસરાઓ, કાકાઓ, મામાઓ, પિતરાઈઓ, પુત્રો અને પૌત્રોને, સાથીઓ અને ગુરુઓને અને બીજા મિત્રોને જોયા.’ આખા યુદ્ધની પરિસ્થિતિની આ કટોકટીની પળ હતી.

Total Views: 17

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.