(ગતાંકથી આગળ)

બપોર પછી સમગ્ર આકાશ વાદળોથી છવાઈ ગયું તો પણ અમે ચારેય ગંગોત્રી મંદિરનાં દર્શન કરવા નીકળી પડ્યા. મંદિરની પાસે જ પવિત્ર ગંગા ઉત્તરવાહિની થઈને વહેતી હતી. ઘટાદાર દેવદારનાં વૃક્ષોથી ઘેરાયેલ આ સ્થળનું પ્રાકૃતિક સૌંદર્ય અવર્ણનીય છે. એક પવિત્ર સ્થળ પર મંદિર રચાયું છે. એવું કહેવાય છે કે સર્વ પ્રથમ આદ્ય શંકરાચાર્યે મંદિર બંધાવ્યું હતું. પરંતુ પછી ગુરખા શાસનકાળમાં ગુરખા સરદાર અમરસિંહ થાપરે નવું મંદિર બનાવડાવ્યું અને આ મંદિર પણ જ્યારે ખંડિત થયું તે પછી જયપુરના રાજાએ અત્યારનું મંદિર બંધાવ્યું. મંદિરની અંદર મુખ્ય પ્રતિમા ગંગાજીની છે. અન્ય પ્રતિમાઓમાં ભગીરથ, યમુના, સરસ્વતી તથા શંકરાચાર્યની પ્રતિમાઓ જોવા મળી. પાસે જ ભગીરથ શિલા જોઈ, જેના ઉપર કેટલાક યાત્રાળુઓ પિંડદાન આપી રહ્યા હતા. એવું કહેવાય છે કે આ શિલા પર બેસીને રાજા ભગીરથે ગંગાને પૃથ્વી ઉપર ઉતારવા માટે કઠોર તપશ્ચર્યા કરી હતી. સમુદ્રની સપાટીથી અમે લગભગ દશ હજાર ફૂટની ઊંચાઈ ઉપર હતા. કડકડતી ઠંડી હોય એ સ્વાભાવિક હતું. અને વધારામાં આકાશ વાદળોથી ઘેરાયેલું હતું. ગંગામૈયામાં ડૂબકી મારવાની ઇચ્છા હોવા છતાં પણ હિંમત કરી શક્યા નહિ. કેમ કે બધાને શરદી થઈ હતી. અમારા ચારમાંથી ફક્ત એક જ બહાદુર નીકળ્યો. બાકીના ત્રણેયે વ્યવહારુ બુદ્ધિનો આશ્રય લઈને થોડું જળ પોતાના શરીર ઉપર છાંટીને એને જ પવિત્ર સ્નાન માની લીધું.

બીજે દિવસે ૧૯ મેએ સવારે સાડાચાર વાગ્યે અમે ચારેય ગૌમુખ જવા માટે નીકળ્યા. કેટલાક લોકોએ અમને ચેતવ્યા હતા કે ‘ગૌમુખનો રસ્તો ખૂબ જ વિકટ છે અને હાલમાં તે બંધ છે એટલે અત્યારે જવું યોગ્ય નથી.’ આકાશ પણ વાદળછાયું હતું. તો પણ અમે ભગવાનનું નામ લઈને નીકળી પડ્યા. સાથે કોઈ માર્ગદર્શક પણ નહોતો. એક કુલીએ સાથે આવવા કહ્યું હતું તે પણ ન આવ્યો.

આથી અમે પોતપોતાની સાથે એક એક નાની બેગ લીધી. થોડું આગળ ચાલતાં જ એક મોટું સાઈનબોર્ડ લટકાવેલું જોયું – ‘રસ્તો બંધ છે.’ પરંતુ અમે તો ગૌમુખ તરફ જવા માટે સંકલ્પબદ્ધ હતા. સૌંદર્યનો આસ્વાદ કરતાં કરતાં હિમાલયનાં ધવલ શિખરોની આભા નિરખતાં નિરખતાં જઈ રહ્યા હતા એવામાં એક અદ્ભુત દૃશ્ય દેખાયું. નીચેની બાજુથી કાળા વાદળાં તીવ્ર ગતિથી ઉપર તરફ જતાં દેખાયા. ગંગોત્રીનું મંદિર બજાર વગેરે થોડી જ ક્ષણોમાં આંખોની સામેથી અદૃશ્ય થઈ ગયાં. આજુબાજુના પર્વતોનાં શિખરો પણ હવે વાદળોથી છવાઈ ગયાં. અમે ક્યાંક વરસાદનો સામનો ન કરવો પડે એમ વિચારીને અમારા ચાલવાની ગતિને તેજ કરી દીધી. ત્યાં તો હિમવર્ષા શરૂ થઈ ગઈ. રૂ જેવો મુલાયમ હલકો સફેદ બરફ વરસવા લાગ્યો. આ સમયે હિમવર્ષા થવી સંભવિત નહોતી. હિમાલયનાં બધાં જ તીર્થોમાં યાત્રાળુઓ મે-જૂન અને એ જ રીતે સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં જ જાય છે, કેમ કે જુલાઈ-ઓગસ્ટમાં વરસાદ થાય છે અને નવેમ્બરથી એપ્રિલ સુધી સમગ્ર વિસ્તાર હિમાચ્છાદિત રહે છે. આથી અમે આ પરિસ્થિતિ માટે જરા પણ તૈયાર નહોતા. સાથે નહોતો રેઈનકોટ કે નહોતી છત્રી. સદ્ભાગ્યે અમારી પાસે થોડી પોલીથીનની શીટ હતી. તેને માથે ઓઢી લીધી. થોડું આગળ ચાલતાં ભગવાનની કૃપાથી એક ચટ્ટી મળી. મોટે ભાગે ગૌમુખના રસ્તા ઉપર આ એક માત્ર ચટ્ટી છે. આ તૂટીફૂટી ઝૂંપડીમાં પણ અમારે ઊભાં ઊભાં હિમપાતનો સામનો કરવો પડતો હતો. પરંતુ ગરમાગરમ ચાનો એટલો સુખદ અનુભવ થયો કે એ અનુભવ વિરલ બની રહ્યો. અમે ચા પી રહ્યા હતા. એ સમયે કેટલાક યાત્રાળુઓ જેઓ ગૌમુખથી પાછા આવ્યા હતા તેઓ આ નાનકડી ઝૂંપડીમાં આવી ગયા. એટલે હવે તો ત્યાં ઊભા રહેવાની પણ જગ્યા નહોતી. અમે લગભગ આઠ કિ.મિ.નું અંતર પાર કરી લીધું હતું પરંતુ હજુ ગૌમુખ અહીંથી દશ કિ.મિ. દૂર હતું. વચ્ચે લાલબાબાના આશ્રમ સિવાય બીજું કોઈ ઉતરવાનું સ્થળ નહોતું. તે પણ લગભગ ચાર કિ.મિ. દૂર હતું. પાછા ફરવું મુશ્કેલ હતું અને આગળ જવું પણ મુશ્કેલ હતું. અને ત્યાં રહેવું તો અશક્ય જ હતું. હિમવર્ષા અટકવાની કોઈ આશા દેખાતી નહોતી. નક્કી કર્યું, લાલબાબાના આશ્રમ સુધી પહોંચી જવું. ગૌમુખ તરફ જનારા અમે ચાર જ હતા. બીજા કોઈ યાત્રાળુઓ આગળ પાછળ દેખાતા નહોતા. રસ્તો ખૂબ જ સાંકડો અને દુષ્કર હતો. થોડું આગળ વધતાં એક જગ્યાએ માર્ગ ખૂબ જ સાંકડો થઈ ગયો. એ જગ્યાએ ઠૂંઠવાતા અમે ઊભા રહી ગયા. કેમ કે અહીંથી બે માર્ગ ફંટાતા હતા. એક જમણી બાજુ અને બીજો ડાબી બાજુ જે થોડો મોટો અને વધારે સારો હતો. કોઈ માર્ગદર્શક તો સાથે નહોતો. હવે શું કરવું? ખૂબ વિચાર કરીને આખરે બીજો મોટો માર્ગ જ પસંદ કર્યો. થોડા દૂર જતાં અમને લાગ્યું કે અમે ખોટો રસ્તો પસંદ કર્યો છે. કેમ કે એ રસ્તો નાની નાની ઝાડીઓથી ભરપૂર હતો. આ રસ્તે આવ-જા થતી હોવાથી આવી ઝાડીઓ હોવી અસંભવ છે, એમ વિચારીને અમે પાછા એ સ્થાન પર ગયા. જ્યાંથી અમે માર્ગ ભૂલ્યા હતા અને પાછો સાંકડો રસ્તો પસંદ કરી તેના ઉપર ચાલવાનું શરૂ કર્યું. પાછળથી ખબર પડી કે એ મોટો રસ્તો લશ્કરનો હતો. જે તે વખતે બંધ હતો. ભગવાને જ અમને પાછા ફરવાની સદ્બુદ્ધિ આપી. નહિ તો અમારી હિમસમાધિ નક્કી જ હતી.

હવે ભગવાનનું નામ સ્મરણ કરવા માટે કોઈ પ્રયત્ન કરવો પડતો નહોતો. અમે આપોઆપ સતત ભગવાનનું નામ લેતાં લેતાં જઈ રહ્યા હતા,એમ વિચારીને કે ‘કોને ખબર ક્યારે પગ ફસકી પડે અને બાર હજાર ફૂટ નીચે ખીણમાં જઈ પડીએ.’લાકડાના પુલને પાર કરતી વખતે અમે માંડ માંડ બચ્યા. એક જગ્યાએ હું એકાએક ઠૂંઠવાઈને ઊભો રહી ગયો. જોયું તો આગલો પગ જમીન પર નહોતો. પહાડીના વળાંક ઉપર હોવાથી રસ્તો દેખાતો નહોતો અને બીજો પગ ઉપાડતાં જ ખીણમાં જઈ પડત! હૃદય ધડકવા લાગ્યું. ભગવાનની કૃપાથી જ આ જીવનદાન મળ્યું. હવે વધારે સાવધ રહીને ચાલવા લાગ્યા. જેમ જેમ હિમવર્ષાનો વેગ વધતો રહ્યો તેમ તેમ અમે પણ અમારો ચાલવાનો વેગ વધારતા રહ્યા. હવે તો પીઠ ઉપર લાદેલો નાનો એવો બોજો પણ કષ્ટદાયક બની રહ્યો હતો. બાકીના ત્રણેય સાથીઓને આગળ ચાલવાનું કહીને હું આરામ માટે એક વૃક્ષની આડશે ઊભો રહી ગયો. પાછળ પીઠ ઉપર રાખેલી બેગને નીચે ઉતારીને જોયું તો અચંબામાં પડી ગયો! લાલ રંગની પ્લાસ્ટિકની બેગ સફેદ રંગની થઈ ગઈ હતી અને તેની ઊંચાઈ બમણી થઈ ગઈ હતી. રૂ જેવા પોચા પોચા બરફે વરસી વરસીને આ સ્વરૂપ ધારણ કર્યું હતું. હવે સમજાયું કે બેગ આટલી ભારે કેમ લાગતી હતી. કપડા બરાબર કરીને થોડો વિશ્રામ કરીને હું પાછો ચાલી નીકળ્યો. 

હવે હું તદ્દન એકલો હતો. બાકીના ત્રણેય સાથીદારો દૂર નીકળી ગયા હતા. ચારેબાજુ ધવલ હિમગિરિનાં શિખરો, શ્વેત હિમથી છવાયેલાં વૃક્ષનાં ઝૂંડો, આકાશમાંથી ટપકતાં શ્વેત રંગનાં હિમકણો તથા સામેનો આખો પથ પણ શ્વેત હિમમય! ચારે બાજુ જ્યાં નજર પડે ત્યાં ફક્ત બરફ અને બરફ જ. એ સિવાય બીજું કોઈ સાથી સંગાથી નહિ. અદ્ભુત રોમાંચક એ અનુભવ હતો. વિચાર્યું – ‘ચંદ્રની ધરતી પર પહેલીવાર પગ મૂકનાર નીલ આર્મસ્ટ્રોંગને ત્યાં પોતાને સંપૂર્ણપણે એકલો જોઈને કેવો રોમાંચક અનુભવ થયો હશે! આ બધું વિચારતો વિચારતો હું ખૂબ ઝડપથી આગળ વધતો ગયો અને થોડી જ વારમાં ત્રણેય સાથીદારોની સાથે થઈ ગયો. અમે આગળ ને આગળ ચાલતા રહ્યા.થોડીવાર પછી  જોયું તો અમારો એક સાથીદાર પાછળ રહી ગયો હતો. ઘણીવાર સુધી રાહ જોઈ તો પણ તે જ્યારે આવ્યો નહિ ત્યારે અમે તેને શોધવા માટે પાછા ફર્યા. થોડે દૂર પાછા જતા તે અમને મળી ગયો. તેનો અનુભવ સાંભળીને અમે સ્તબ્ધ બની ગયા. તેણે જણાવ્યું કે ભગવાનની અસીમ કરુણા દ્વારા કેવી રીતે તે મોતના મુખમાંથી પાછો ફર્યો. એક જગ્યાએ તે આરામ કરવા માટે અટકી ગયો હતો અને તેણે ભૂલથી પોતાના હાથમોજાં કાઢી લીધાં હતાં. ઠંડીથી તેના હાથ ઠુંઠવાઈ ગયા. હવે નહોતો તે મોજાં પહેરી શકતો હતો કે નહોતો પોતાની લાકડીને પકડી શકતો હતો. લપસવાને કારણે લાકડી વગર ચાલવું અશક્ય હતું. આથી તે નિરાશ થઈને એક ઝાડની નીચે બેસી ગયો અને હવે મૃત્યુ નિશ્ચિત છે એમ વિચારીને ભગવાનનું નામ લેવા લાગ્યો. એટલામાં ક્યાંકથી બે સાધુઓ આવ્યા અને ગુસ્સે થઈને તેને કહેવા લાગ્યા: ‘કેમ બેઠા છો? તમને ખબર નથી કે બરફ પડતો હોય તે વખતે રસ્તામાં ક્યાંય અટકવું ન જોઈએ. લોહી જામી જશે. મરી જશો. ચાલો ઊઠો!’ એ પછી તે ભગવાનનું નામ લઈને હિંમત કરીને ઊભો થયો અને કોઈ પણ રીતે તેણે ચાલવાનું શરૂ કર્યું. થોડી જ વારમાં ચાલવાથી તેના પગમાં લોહીનો સંચાર થયો અને તે બચી ગયો.

આ રીતે ભગવાનનું નામ લેતાં લેતાં ભગવાનની અસીમ કરુણાનો પ્રત્યેક ક્ષણે અનુભવ કરતાં કરતાં વિચિત્ર અનુભવો અને સંકટોમાંથી પસાર થતાં થતાં અમે લગભગ સવારના અગિયાર વાગ્યે લાલબાબાના આશ્રમે આવી પહોંચ્યા. આશ્રમમાં પહોંચતા જ અમારા આનંદનો પાર ન રહ્યો. ત્યાં પહોંચતા જ આશ્રમના સેવકોએ અમારા ભીના કપડાં અને સામાનને ઉતારીને ઓસરીમાં રાખવાનું કહ્યું. ત્યાં ટીનના છાપરાથી બનાવેલી ઓસરીમાં એક બાજુ લાલબાબા ખૂબ મોટા હાંડામાં ચા બનાવી રહ્યા હતા અને બધાને પ્રેમપૂર્વક ચા આપી રહ્યા હતા. અમે ત્યાં પહોંચ્યા પછી તરત જ એમણે અમારા હાથમાં ચાનો એક મોટો ગ્લાસ પકડાવી દીધો અને કહ્યું: ‘પહેલા જલદી હાથ ગરમ કરો.’ અમે પણ ચા લઈ લીધી અને બીજા યાત્રાળુઓની સાથે બેસીને પરમ તૃપ્તિની સાથે પીવા લાગ્યા. કોઈ એક યાત્રાળુએ જ્યારે ચા લેવાનો ઈન્કાર કર્યો તો લાલબાબાએ ગુસ્સો કરતા કહ્યું: ‘અરે! આ પીવા માટે નથી હાથ ગરમ કરવા માટે છે.’ અને એ હાથમાં જબરદસ્તીથી ગ્લાસ મૂકી દીધો. લાલબાબા વિશે મેં થોડું સાંભળ્યું હતું: ‘પ્રેમાળ સાધુ છે. વિશાળ હૃદયવાળા છે. દરરોજ સેંકડો યાત્રાળુઓના નિવાસ અને ભોજનની વ્યવસ્થા સેવાભાવથી નિ:શુલ્ક કરે છે. આટલી વ્યસ્તતા હોવા છતાં પણ બધો જ વખત મસ્તીમાં રહે છે. વગેરે.’ હવે પ્રત્યક્ષ દર્શનનો લાભ મળ્યો. ચા પીવાનું પૂરું થતાં અમને એક ઓરડામાં મોકલી દેવામાં આવ્યા. જ્યાં ચાલીસ કરતાં પણ વધારે માણસો એક સાથે બેઠા હતા. બાકીના બીજા બે ઓરડામાં એથી પણ વધારે માણસો બેઠા હતા. કેમ કે ગૌમુખથી પાછા આવેલા અથવા તો ત્યાં જવા માટે આગલા દિવસે આવેલા બધા જ માણસો અહીં ફસાઈ ગયા હતા. આ સમગ્ર વિસ્તારમાં ગંગોત્રીથી ગૌમુખ સુધી યાત્રાળુઓ ને ઉતરવા માટે કદાચ આ જ એકમાત્ર આશ્રયસ્થાન છે. (ગઢવાલ મંડલ વિકાસ નિગમે એક અતિથિભવન બનાવ્યું છે. પરંતુ એમાં બહુ જ ઓછા યાત્રાળુઓને રહેવાની વ્યવસ્થા છે. ઘણાં સમય અગાઉ કિંમત આપીને આરક્ષણ કરાવવું પડે છે.) ધન્ય છે લાલબાબા, જેમણે આટલું કષ્ટ વેઠીને આ મહાન સેવાનું કામ શરૂ કર્યું છે.

અમે આખો દિવસ તે ઓરડામાં રહ્યા. ત્યાં જ ભોજન અને ત્યાં જ આરામ. રાત્રે પણ એ નાનકડી જગ્યામાં ગમે તે રીતે પણ સંકોરીને સૂઈ ગયા. આખો દિવસ વીત્યો હતો – એક બાબાજીનો ઉપદેશ સાંભળવામાં. એમના બુદ્ધિમત્તાપૂર્ણ વ્યાખ્યાનનું હાર્દ હતું – ગૌમુખનું જળ રામેશ્વરમાં ચડાવવાથી શું પુણ્ય મળે છે, આ જળ ત્યાં કેવી રીતે લઈ જવું જોઈએ, કર્મનાશા નદી તથા નર્મદા નદી રસ્તામાં આવવાથી શું નુકશાન થઈ શકે છે, એનાથી બચવા માટે રામેશ્વર જતી વખતે ક્યાં ક્યાં ટ્રેન બદલીને કયા રસ્તે જવું જોઈએ વગેરે. હાય ભગવાન! કાશ ધર્મના નામ ઉપર આપણે જો બુદ્ધિનો થોડો વધારે સારો સદુપયોગ કરતા હોત તો! સવારે ઊઠ્યા અને ઓરડાની બહાર આવીને અદ્ભુત દૃશ્ય જોઈ સ્તબ્ધ બની ગયા! ચારેબાજુ ફક્ત બરફ જ બરફ! લાલબાબાનું બટેટાનું ખેતર જાણે બરફનો પહાડ બની ગયું હતું. બધી જ જગ્યાએ ચાર ફૂટ બરફ જામી ગયો હતો. ઉપર છત પર પણ બરફ છવાયેલો હતો. બહાર પીપમાં રાખેલું પાણી પણ જામીને બરફ થઈ ગયું હતું. આખો દિવસ અને આખી રાતની હિમવર્ષાએ આ જાદુ પાથરી દીધું હતું. હવે સમજાયું કે આગલી રાતે મોટો ધાબળો ઓઢવા છતાં પણ અમે શા માટે ઠંડીથી ધ્રૂજી રહ્યા હતા. પાછળથી જાણવા મળ્યું કે આ પ્રદેશમાં અને આ મોસમમાં આટલી હિમવર્ષા ક્યારેય થઈ ન હતી. સવારની ચા પીવડાવીને લાલબાબાએ અમને આદેશ આપી દીધો કે બધાંએ ગંગોત્રી જવા માટે નીકળવું. કેમ કે હવે ગૌમુખ જવું શક્ય ન હતું. ત્યાં તો આઠથી દશ ફૂટ સુધીનો બરફ હોવાની શક્યતા હતી. ‘આટલે દૂર આટલું કષ્ટ વેઠીને આવવા છતાં પણ મા ગંગાના ઉદ્ભવ સ્થાનનું શું દર્શન નહિ થાય? અરે! કેવું દુર્ભાગ્ય!’ આમ, બધા વિચારવા લાગ્યા. પરંતુ હવે પાછા ફરવા સિવાય બીજો કોઈ રસ્તો જ ન હતો.

એવું જાણવા મળ્યું કે હવે તો આશ્રમમાં લાકડા પણ ખૂટી ગયા છે એટલે યાત્રાળુઓને ત્યાં રહેવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. એટલે ગૌમુખની દિશામાં પ્રણામ કરતાં કરતાં ભગવાનની ઇચ્છા પ્રમાણે ફરી પાછા ક્યારેક ગૌમુખનાં દર્શન કરી શકશું એવી આશા સેવીને અમે લગભગ સવારે આઠ વાગ્યે ગંગોત્રી પાછા જવા રવાના થયા. જતા પહેલાં આસપાસના હિમજડિત સુંદર વાતાવરણને કેમેરામાં જકડી લીધું.

ભગવાનની કૃપાથી હિમવર્ષા હવે બંધ થઈ ગઈ હતી. સૂર્યનારાયણનાં કિરણોનો આહ્લાદક અનુભવ થઈ રહ્યો હતો. પરંતુ આખા રસ્તા ઉપર બરફ જામેલો હતો અને તેને પીગળવાની પૂરી શક્યતા હતી. ક્યાંક ક્યાંક તો ગોઠણ સુધી બરફ છવાયેલો હતો. ગંગોત્રીથી ૨થી૩ કિ.મિ. દૂર હતા ત્યારે એક અંધ વૃદ્ધની સાથે મુલાકાત થઈ. તે એમ પૂછતો પૂછતો જઈ રહ્યો હતો કે ગૌમુખ કેટલું દૂર છે?અમે અને બીજા યાત્રાળુઓએ તેને ખૂબ જ સમજાવ્યો કે ‘ગૌમુખ અહીંથી ચૌદ પંદર કિ.મિ. દૂર છે, હાલ ત્યાં જવું શક્ય નથી. કેમ કે ત્યાં આઠથી દશ ફૂટ બરફ જામેલો છે. અમે પણ ત્યાં જઈ શક્યા નથી. વગેરે.’ પરંતુ તે વૃદ્ધે અમારું કંઈ જ સાંભળ્યું નહિ. તે પોતાની ધૂનમાં ભગવાનનું નામ લેતો લેતો, લાકડી ઠોકતો ઠોકતો ઉપર ચડતો જ ગયો. રસ્તામાં આગલી રાતે હિમવર્ષાને કારણે કેટલાય યાત્રાળુઓ મૃત્યુના ઝપાટામાં આવી ગયા હતા. એમની લાશો રસ્તામાં પડેલી જોવા મળતી હતી. હવે કદાચ આ એક વધારે. પરંતુ ઉપાય શું? વૃદ્ધ પર ગુસ્સો પણ આવ્યો અને દયા પણ આવી. સાથે સાથે ભારત માતાનાં ચરણોમાં મસ્તક શ્રદ્ધાથી ઝૂકી ગયું. ખરેખર આ પુણ્યભૂમિ છે, જ્યાં લોકો ધર્મને માટે પ્રાણ ત્યજી દે છે.

બપોરે બાર વાગ્યે અમે ગંગોત્રી પહોંચી ગયા. જાણે વરસાદ અમારા પહોંચવાની રાહ જોઈ રહ્યો હતો. અમે કોઈ પણ રીતે દંડી આશ્રમ પહોંચી ગયા. આખો દિવસ વરસાદ હોવાને લીધે અમે બહાર નીકળી શક્યા નહીં. સાંજે આશ્રમમાં જ ભોજન કરીને ભગવાનનું નામ સ્મરણ કરતાં કરતાં સૂઈ ગયા. સવારે ઊઠીને દરવાજાની બહાર પગ મૂકતાં જ આશ્ચર્યચકિત થઈ ગયા! નીચે ઊતરવાની સીડી પર બે ફૂટ બરફ જામેલો હતો. ઉપર છત ઉપર પણ બરફ હતો. નીચે પીપમાં રાખેલું પાણી પણ બરફ થઈ ગયું હતું. અહીં પણ આખી રાત હિમવર્ષા થઈ હતી. કોઈ પણ રીતે બરફથી જ પ્રાત:કર્મ પતાવીને ગરમાગરમ ચાનો આનંદ લેવા જઈ ચડ્યા. ઓરડામાં પાછા આવીને બારી ખોલતાં જ અદ્ભુત દૃશ્ય જોયું. સામેનાં મકાનો, દેવદારનાં વૃક્ષો – બધું જ હિમથી છવાયેલું હતું. બે મકાનોની વચ્ચે એક શ્વેત રંગની પાઈપલાઈન જોડાયેલી હતી. પહેલે દિવસે તો આ પાઈપ નહોતી. એક જ રાતમાં કોઈએ આ કમાલ કોણે કરી હશે? એમ વિચારી રહ્યો હતો ત્યાં તો સૂર્ય નારાયણના કિરણોએ આ રહસ્યનો ભેદ ખોલી દીધો. કપડાં સૂકવવા માટેની એક દોરી ઉપર આખી રાત બરફ પડવાથી તે પાઈપ જેવી બની ગઈ હતી અને હવે બરફ પીગળવો શરૂ થઈ ગયો હતો. ભગવાનની કેવી લીલા!

Total Views: 14

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.