પ્રેમનું સ્વરૂપ

અનેક લોકોનો એવો વિચાર છે કે પ્રેમ એક ભાવનાત્મક ઉત્તેજના કે પુરુષ તેમજ સ્ત્રીની વચ્ચેનું દૈહિક આકર્ષણ છે અને એ સિવાય બીજું કંઈ નથી. પરંતુ દૈહિક આકર્ષણથી અલગ કરીને આપણે સાચા પ્રેમનું સ્વરૂપ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. ત્યારે જ આપણને પ્રેમની વિરાટ શક્તિ અને મહાન પ્રભાવનો અનુભવ થઈ શકે.

એડલાઈ સ્ટીવન્સન કહે છે: ‘પ્રેમનો અર્થ ભાવુકતા કે અધિકારપૂર્ણ ભાવના નથી. પરંતુ બીજાની વિશિષ્ટતાઓની સતત જાણ-ઓળખાણ અને નિરંતર એના ભલા માટેની કામના છે.’

પેલી ગરીબોની વસતીનાં બાળકો પ્રત્યે શીલા રૌરકેનો પ્રેમ આ પ્રકારનો છે. એમણે દરેક વિદ્યાર્થીનું પૂરેપૂરું ધ્યાન રાખીને એમનાં રુચિ, પૃષ્ઠભૂમિ, સામર્થ્ય અને ખામીઓને ખ્યાલમાં રાખીને એમના વિકાસ માટે અપેક્ષિત ઉપાયો વિશે વિચાર કર્યો. એક વાક્યમાં કહેવું હોય તો તેઓ પ્રત્યેક છાત્રને સમજવામાં સક્ષમ હતાં. એમણે એમના સર્વાંગીણ વિકાસની આવશ્યકતાને પૂરી કરવા એમનાં સુખ અને દુ:ખમાં ભાગીદારી કરવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ વિદ્યાર્થીઓને પ્રેમ કરતાં હતાં પણ એનો અર્થ એ નહિ કે એમને પોતાની મનમાની રીતે કંઈ પણ કરવાની છૂટ મળી ગઈ હતી. વિદ્યાર્થીઓ શરારત કરે, મશ્કરી કરે અને લક્ષ્મણ રેખા ઓળંગીને આગળ વધે ત્યારે એમણે લાકડીનો ઉપયોગ પણ કરી લીધો હતો. પરંતુ જે રીતે એમણે વિદ્યાર્થીઓને ભૂલ માટે સજા આપી હતી બરાબર એ જ રીતે એમની વિશેષ ગુણભરી ઉપલબ્ધિઓ તથા પ્રતિભા માટે પ્રશંસા કરી હતી અને એમને પ્રોત્સાહિત પણ કર્યા હતા. એ બધાની કલ્યાણ કામના સિવાય બીજો કોઈ વિચાર નજર સામે રાખ્યા વિના એમણે એ બધાને શિષ્ટ વ્યક્તિ બનાવવા લાંબા સમય સુધી કઠોર તપશ્ચર્યા જેવા પ્રયત્ન કર્યા હતા. વસ્તુત: તેઓ પ્રાપ્ત થતા પગારના બદલામાં અપેક્ષિત ન્યૂનતમ કર્તવ્ય જ નીભાવતાં હોત તો પણ કોઈ એમના પર દોષારોપણ ન કરત. એમની સદ્ભાવનાઓ તથા સારા ઈરાદાને જે લોકો સમજી ન શકતા તેઓ વ્યંગમાં કહેતા: ‘આ મૂર્ખાઓ માટે આટલું બધું દુ:ખકષ્ટ શા માટે ઉપાડે છે? એવું લાગે છે કે એને ઘરમાં કરવા જેવું વધારે સારું કાર્ય બીજું કંઈ નહિ હોય. જો એમ ન હોય તો કોણ આવા શેતાનોને સુધારવાના પ્રયાસમાં લાગી રહે? અને કદાચ એને બીજો કોઈ લાભ તો નહિ મળતો હોય?

પરંતુ એ જ પ્રેમની શક્તિ છે. પ્રિય વ્યક્તિ માટે કરેલ સેવા કે ત્યાગ બીજાઓને જરૂર કરતાં થોડાં વધારે લાગે ખરાં. પણ બીમારી કે દરદથી બાળકનું સતત રડતા રહેવું એ જોઈ-સાંભળીને કોઈ પણ મા શું શાંતિથી ઊંઘી શકે ખરી? એ નિદ્રા ત્યજીને કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે દુ:ખદર્દનો સામનો કરીને બાળકને સ્વસ્થ કરવા એની સેવા કરે છે. આ પ્રેમને કારણે જ મનુષ્ય પોતાના શિશુકાળની અસહાય અવસ્થામાં જીવિત રહી શકે છે. પ્રેમની આ જ અભિવ્યક્તિ બાળકોમાં આત્મસન્માન કે આત્મશ્રદ્ધાનો ભાવ લાવી દે છે. સાથે ને સાથે એમને મહાન વ્યક્તિના રૂપે વિકસિત થવામાં મદદ પણ કરે છે. શીલા રૌરક પેલાં અભાગિયાં સંતાનો પ્રત્યે જે શુદ્ધ અને નિ:સ્વાર્થ પ્રેમ અર્પિત કરવા સમર્થ બન્યાં એને જ પરિણામે અંતે એ બાળકો પોતાના પગ ઉપર ઊભાં રહીને સારું જીવન જીવવા યોગ્ય માનવ બન્યાં. કદાચ, હવે આ વાત સ્પષ્ટ થઈ ગઈ હશે કે ‘મેં દરેક બાળકને પ્રેમ કર્યો છે’. શીલાના આ અત્યંત સાધારણ કથનના મર્મમાં નિ:સ્વાર્થતા તથા સેવાભાવનાની એક અજબની મિશાલ છુપાયેલ છે. તમારી ભીતર પણ પ્રેમનો સ્રોત   એવી રીતે ઊમટી પડવો જોઈએ. ચાલો, આપણે બધા માટે સમર્પણ કરતાં શીખી લઈએ. ચાલો, આપણે પણ સેવાના આદર્શ પ્રત્યે મનની સાચી લગની અને યથાર્થ પ્રેમનો વિકાસ કરીએ.

‘તમારો આદર્શ’

તમે પણ લોકપ્રિય બનવા ઇચ્છતા હશો, પણ તમને એ માટે કોઈ ઉપાય નજરે ચડતો નથી. એનો ઉપાય આ છે – લોકોનાં વિશેષ ગુણ તથા ક્ષમતાઓને ઓળખીને શું તમે એમની પ્રશંસા કરીને નિષ્કપટભાવે આનંદ અનુભવી શકો છો? શું તમે એમને પ્રોત્સાહન આપી શકો છો? શું તમે એ બધાંની ભલાઈના ઉપાયો પર ચિંતન કે વિચાર કરી શકો છો? શું તમે એમની સુખસમૃદ્ધિ માટે પ્રાર્થના કરી શકો છો? જો એવું હોય તો તમે પણ લોકોનો પ્રેમ પ્રાપ્ત કરી શકો છો.

શું તમે એક વિદ્વાન કે મહાન ચિંતક બનવા ઇચ્છો છો? એને માટે તમારે પોતાના અધ્યયનના વિષય પ્રત્યે પ્રગાઢ પ્રેમ ઊભો કરવો પડે. એક વાર પોતાની પસંદગીના વિષય પ્રત્યે તીવ્ર પ્રેમ વિકસિત થઈ જાય પછી તમે પોતે જ જોઈ શકશો કે તમારી સન્મુખ નવી ક્ષિતિજો અને નવા વિચાર ક્રમશ: ઉઘડતાં રહેશે.

શું તમે સ્પષ્ટ અને સબળ બનવા ઇચ્છો છો? એને માટે પોતાની આસપાસના લોકો પ્રત્યે પ્રેમ અને સ્નેહની દૃષ્ટિથી જુઓ. સંપૂર્ણ પ્રકૃતિ – વનસ્પતિ – સૃષ્ટિ તેમજ જીવજંતુઓ પ્રત્યે પ્રેમપૂર્ણ દૃષ્ટિ રાખો. એનો તમારા મન તથા રક્તવાહિનીઓ પર સ્વાસ્થ્યમાં વૃદ્ધિ કરનારો પ્રભાવ પડશે. જો તમે ઘૃણાભાવને પોષતા રહેશો તથા એનો પ્રસાર કરશો તો તમારાં મન શરીર વિષમય બની જશે. કેવળ આ પ્રેમ જ લોહીમાં સૌથી વધારે હિતકારી અને સ્વાસ્થ્યપ્રદ રાસાયણિક પરિવર્તન ઉત્પન્ન કરે છે. જીવનને એક સુખમય જીવનયાત્રા બનાવી લેવાના આદર્શ માર્ગ વિશે તમારા મનમાં શું આજે પણ કંઈ સંદેહ છે?

પ્રેમનો વિજય

પોતાના સુંદર ગ્રંથ ‘પ્રેમની શક્તિઓ’માં પ્રિટ્રિમ સોરોકિન કહે છે: ‘નિસ્વાર્થ પ્રેમમાં અધિકાંશ, લોકોની ધારણા કરતાં પણ વધુ પ્રમાણમાં ભાવાત્મક અને આરોગ્યપ્રદ ક્ષમતાઓ હોય છે. શારીરિક, માનસિક અને નૈતિક સ્વાસ્થ્ય માટે પ્રેમ એક આવશ્યક સંજીવની શક્તિ છે. પરોપકારી લોકો અહંકારી લોકો કરતાં વધુ દીર્ઘાયુ પણ હોય છે. પ્રેમ-સ્નેહથી વંચિત રહેનારાં બાળકોની જીવન-શક્તિ નૈતિક અને સામાજિક દૃષ્ટિએ ક્ષીણ બની જાય છે. અપરાધી, રોગી, આત્મઘાતી પ્રવૃત્તિઓ, ભય-ઘૃણા તેમજ સ્નાયુઓમાં રોગ વિ. માટે પ્રેમ સર્વાધિક સબળ પ્રતિરોધક બળ છે, ગહન તથા સ્થાયી સુખ માટે એ એક અપરિહાર્ય સાધન છે. તે ભલમનસાઈ અને સ્વાધીનતાનું સર્વોચ્ચ રૂપ છે. માનવતાના ઉત્કર્ષ માટે પણ એ સર્વશ્રેષ્ઠ અને સર્વ સમર્થ શિક્ષણપ્રદ શક્તિ છે. બધા માનવો પ્રત્યેની સમર્પિત અપાર પ્રેમની શક્તિ જ આ ધરા પરના માનવ માનવ વચ્ચેના સંઘર્ષો પર વિજયી નીવડે છે. સાથે ને સાથે માનવની માનવ દ્વારા થનાર ભાવિ કસોટીને પણ તે રોકી શકે છે. સશસ્ત્રીકરણ, યુદ્ધ, કૂટનીતિની ચાલબાજીઓ, ઉત્પીડન કરતું પોલીસબળ, શાળાકીય સજા, આર્થિક-રાજનૈતિક ઉપાય, હાઈડ્રોજન બોંબ અને આવી પડતા અનેક અનર્થોને પ્રેમ વિના રોકી ન શકાય. આ ચમત્કૃતિ તો માત્ર પ્રેમ જ કરી શકે. અલબત્ત આપણે એના સ્વરૂપને બરાબર જાણી લઈએ તેમજ એમના ઉદ્ભવ, સંચયન ઉપયોગના સક્ષમ ઉપાયોથી પરિચિત બની જઈએ, એ એની પ્રથમ આવશ્યકતા છે.

પ્રેમ અમૃત સ્વરૂપ છે. એવું પણ જોવા મળ્યું છે કે એમાં શારીરિક અને માનસિક વિકારોના ઉપચારની શક્તિ પણ રહેલી છે. મનમાં ઘૃણાભાવ રાખનાર પોતાનું માનસિક સંતુલન ગુમાવે છે અને પોતાના જીવન અને સ્વાસ્થ્યને પણ હાનિ પહોંચાડે છે.

બીજી બાજુએ પ્રેમ, સહાનુભૂતિ તથા મૈત્રીભાવ વ્યક્તિને માનસિક શાંતિ કાયમ રાખવામાં સહાયરૂપ બને છે, સાથે ને સાથે એ ત્રણેય એક સમતુલિત દૃષ્ટિકોણ પણ ઊભો કરે છે. આ ગુણોથી યુક્ત વ્યક્તિ દરેકે દરેક પરિસ્થિતિમાં શાંતિ અને આનંદ અનુભવશે.

બાળકોના વિકાસ માટે માતૃસુલભ પ્રેમ અત્યંત જરૂરી છે. બાળકો જેમ કોઈ ચેપી સંક્રામક રોગ, ભૂખની પીડા અને અસંતુલિત આહારને કારણે  બીમાર પડે છે, તેમ સાચા પ્રેમથી વંચિત બાળકો પણ માંદા પડે છે. આ વિશે રેને એ. સ્પિટ્ઝે હમણાં એક વિશેષ સંશોધન કર્યું છે: એ સંશોધનમાં એમણે એક ‘અનાથાલયમાં ૩૪ અનાથ શિશુઓના મૃત્યુનું ફિલ્મીકરણ કરીને એનો રિપોર્ટ તૈયાર કર્યો હતો. આ અનાથાલયમાં એ બાળકોને માતાના પ્રેમ સિવાય બધી સંભાળ અને સુવિધાઓ મળતી હતી. માતાના પ્રેમનો અભાવ જ એ બધાં શિશુઓનાં મોતનું કારણ પુરવાર થયું. ડો. સ્પિટ્ઝે બાળકોની પ્રાણશક્તિ નિસ્તેજ થવાની પૂરેપૂરી પ્રક્રિયાનું ફિલ્માંકન કર્યું હતું. પોતાનાં માતાપિતાના વિયોગના ત્રણ મહિના પછી, શિશુઓની ભૂખ જ ચાલી ગઈ, એમને બરાબર ઊંઘ પણ ન આવતી તેમજ મચકોડાતા, ધ્રૂજતા અને રડતા રડતા બે મહિના વધુ પસાર થયા અને તેઓ જડ બુદ્ધિવાળા બનવા લાગ્યા. જન્મના પ્રથમ વર્ષમાં ૨૭ અને બીજા વર્ષમાં ૭ અનાથ બાળકો મરી ગયા, ૨૧ બાળકો બચી ગયા. છતાં તેઓ એટલા ખરાબ રીતે બદલી ગયા કે એમને પછી ‘જડબુદ્ધિ’ના વિભાગમાં રાખી શકાય તેમ હતા.

માનસિક તથા નૈતિક વિકારોના ઈલાજ માટે અને એને રોકવામાં પ્રેમની આરોગ્યપ્રદ શક્તિ અત્યંત મહત્ત્વની છે. નવજાત શિશુઓને નૈતિક તથા માનસિક રૂપે સ્વસ્થ માનવના રૂપમાં વિકસિત કરવા માટે પ્રેમનું આદાનપ્રદાન અત્યંત આવશ્યક છે. પ્રેમ વ્યક્તિનાં મન તથા શારીરિક અવયવોનો ઉપચાર કરે છે અને એને પૂરતી સ્ફૂર્તિ પણ આપે છે. સાથે ને સાથે તેનો વિકાસ પણ કરે છે અને આ વિકાસ માનસિક, નૈતિક, હાર્દિક, તેમજ સામાજિક સમૃદ્ધિનું એક નિર્ણાયક તત્ત્વ સિદ્ધ થાય છે. પ્રેમ કરવો અને પ્રેમ પ્રાપ્ત કરવો એ બંને સૌથી વધારે મહત્ત્વના વિટામિનનું કામ કરે છે: તે બંને વ્યક્તિના સમ્યક્ વિકાસ અને સુખમય જીવન માટે અનિવાર્ય પણ છે.

સેવાની ભાવના

ઘણા લોકો પ્રેમ અને લગની સાથે પોતાના પ્રિયજનોની સેવા કરે છે. આમ છતાં પણ કયારેક કયારેક સેવા કરનાર પોતાના સેવ્ય પર અધિકારનો ભાવ રાખીને એને સદૈવ પોતાના પર આધારિત રાખવાનો પ્રયાસ કરી શકે છે. પ્રેમના નામે તે એના પર બળનો પ્રયોગ કરીને એનું શોષણ કરવાનો પ્રયાસ પણ કરી શકે છે. તે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષરૂપે ‘મારી સેવા વિના તમે અસહાય બની જાત’ – એવો સંકેત પણ આપી શકે છે. આવો માણસ એમ પણ કહી શકે છે કે ‘મારી સેવાનો મને કોઈ બદલો મળ્યો નહિ.’ – એ સેવા માટે વારંવાર ધન્યવાદ કે આભાર વ્યક્ત થાય એવી અપેક્ષા પણ રાખે છે. આવું હોવા છતાં પણ, પોતાની સેવાના બદલાની અપેક્ષા રાખનાર વ્યક્તિ પેલા ઘોર સ્વાર્થી અને સહાય કરવા માટે સાફ ઈન્કાર કરી દેનાર માણસ કરતાં તો વધારે બહેતર છે એમ કહી શકાય. પરંતુ આવી સેવા વિશુદ્ધ અને નિ:સ્વાર્થ પ્રેમની દ્યોતક નથી. એને નિ:સ્વાર્થ પ્રેમ તરફ આગળ એક પગલું ભરવા માત્ર કહી શકાય. પણ દરેકે દરેક વ્યક્તિ આ નિ:સ્વાર્થ પ્રેમની અવસ્થા સુધી પહોંચી શકતી નથી.

આત્મીયતાની મર્યાદાઓ

સત્યભામાએ એકવાર દ્રૌપદીને પૂછયું: ‘તમે કેવી રીતે તમારા પાંચેય પતિને વશમાં રાખો છો? પોતાના પતિ શ્રીકૃષ્ણને વશમાં રાખવા માટે હું પણ એ જ ઉપાય અપનાવવા ઇચ્છું છું.’ દ્રૌપદી જાણતાં હતાં કે કૃષ્ણ પહેલેથી જ સત્યભામાને વશ છે. આમ છતાં પણ દ્રૌપદીએ પોતાના પાંચ પતિઓના પ્રેમ પ્રાપ્તિનું રહસ્ય સમજાવતાં સત્યભામાને કહ્યું: ‘મારા પાંચેય પતિ સૌમ્ય, સત્યનિષ્ઠ અને સદ્‌ગુણી છે. આમ છતાં પણ હું એમની નિરંતર એવી રીતે સેવા કરું છું કે જાણે તેઓ નિર્દય અને ક્રોધી હોય. હું એમની ભલમનસાઈ પર આધારિત રહેતી નથી. એમની આવશ્યકતાઓની પૂર્તિ માટે હું નિરંતર સજાગ અને સાવધાન રહું છું: સ્ત્રી માટે એનો પતિ જ સર્વસ્વ છે, એ જ સાક્ષાત્ ઈશ્વર અને એકમાત્ર ધ્યેય છે. પોતાના પતિ પ્રત્યે નિષ્ઠા રાખવી એ જ સ્ત્રીની એક માત્ર ધર્મસાધના છે. હું મોટેરાં પ્રત્યે શ્રદ્ધા અને સન્માનનો ભાવ રાખું છું. હું મારી સાસુને પણ ઘણા આદરની દૃષ્ટિએ જોઉં છું. હું એમનાં સ્નાન, ભોજન, વસ્ત્ર જેવી દૈનિક આવશ્યકતાઓનું પણ ધ્યાન રાખું છું. એમના ભોજન કે વિશ્રામ પહેલાં હું ભોજન કે વિશ્રામ પણ નથી કરતી. હું એમને ધરતીમાતા સમજીને એમની પૂજા કરું છું. મહેલમાં જ્યારે અતિથિ રૂપે હજારો વિદ્વાન અને મહાત્માઓ આવે છે ત્યારે એમાંના દરેકના આતિથ્ય માટે હું નજર રાખું છું. વળી મહેલમાં હજારો દાસીઓના નામને પણ જાણતી હતી. હું એમની આવશ્યકતાઓ, મુશ્કેલીઓ અને સમસ્યાઓથી પણ પરિચિત રહેતી. હું યુધિષ્ઠિરના તબેલામાં રહેલ હજારો ઘોડાની સારસંભાળ રાખવાની વ્યવસ્થા પણ કરતી. ઘરની બાબતોનો ભાર મારા પતિઓએ મારા પર છોડી દીધો હતો. અને તેઓ પોતે પોતાનાં પ્રશાસનિક કર્તવ્યોમાં પૂરેપૂરું મન લગાડી દેતા. આમ જોઈએ તો આ બધી જવાબદારીઓને પૂર્ણ કરવી એ સહજ સરલ કામ ન હતું, મેં પડકારો સામે કયારેય હથિયાર હેઠાં નાખી દેવાનું પસંદ નહોતું કર્યું. દિવસ રાત પરિશ્રમ કરીને આ બધું મેં સંભાળી લીધું. બીજા બધા લોકો ઊઠી જાય એ પહેલાં હું પ્રાત:કાળે ઊઠી જતી અને સૌ સૂવા જાય પછી જ હું સૂવા જતી. પોતાના પતિઓનો પ્રેમ જીતવા માટે મેં આવું બધું કંઈક ખરેખર કર્યું હતું. જોકે સત્યભામા શ્રીકૃષ્ણને અત્યંત પ્રેમ કરતાં હતાં, છતાં પણ આત્મીયતાને કારણે કયારેક કયારેક તેમની ઉપેક્ષા પણ કરી બેસતાં. દ્રૌપદીનાં ઉપર્યુક્ત ઉપદેશ વચનોએ એમની ઊણપોનું ભાન કરાવ્યું અને સત્યભામામાં પરિવર્તન પણ લાવી દીધું. – એટલે પ્રેમ તથા આત્મીયતાના ફળ સ્વરૂપે કયાંય આવો ઉપેક્ષાનો ભાવ ન આવી જાય એનું ય ધ્યાન રાખવું જોઈએ.

Total Views: 21

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.