(ગતાંકથી આગળ)

પ્રાર્થના અથવા આત્મસૂચન

જૂન આવે અને શાળાઓ ફરી ખૂલે અને વર્ગો તથા અભ્યાસ શરૂ થાય. દોઢ મહિનાના વેકેશન બાદ વિદ્યાર્થીઓ એક ચિત્તે નિષ્ઠાપૂર્વક ભણવાનું શરૂ કરી દે. જ્યારે ઘણા ખરા સામાન્ય કક્ષાના વિદ્યાર્થીઓ વેકેશનના મૂડમાં આમતેમ ઝૂલતા રહે, ગંભીર અને ઉત્સુક વિદ્યાર્થીઓ તરત જ તેમના અભ્યાસમાં પરોવાઈ જાય.

પરંતુ જેમ જેમ વર્ષ આગળ વધે, ઘણા બધા હોશિયાર, ધીર ગંભીર વિદ્યાર્થીઓ ઘાતક એવા ‘પરીક્ષાના ભય’થી ઘેરાઈ જાય છે. વાંચવાના સતત સંઘર્ષ અને પાઠ્યક્રમના અનેક પ્રકારના મુદ્દાઓને યાદ કરવાની મથામણમાં તેઓમાંના ઘણાને ફેંકાઈ જવાની બીક સતાવે છે. કેટલાક વિદ્યાર્થીઓની ફરિયાદ હોય છે કે તેઓને તેમના વિષયોની પૂરી સમજ પડતી નથી. વિદ્યાર્થીઓમાં આવી સમસ્યાઓ બહોળા પ્રમાણમાં રહે છે. એવું નથી કે આ સમસ્યાઓના કોઈ નિરાકરણ નથી. પરંતુ સાચા ઉપાયો શોધવા માટે તમારે જરા ધીરજ અને દૃઢતાથી વિચારવું રહ્યું. તમે કેટલાક ઉપાયો વિશે બીજી બે નાની પુસ્તિકાઓ ‘સિક્રેટ ઓફ કોન્સન્ટ્રેશન’ અને ‘વિદ્યાર્થીને પત્ર’ એમાં વાંચ્યું હશે. અમે એક વધુ અગત્યનું નિરાકરણ તમને દર્શાવીએ છીએ.

આ એક અપવાદરૂપે અસરકારક અને એક રીતે અત્યંત સરળ ઉપાય છે. પરંતુ તે સતત મહાવરો માગે છે. તમને જે રીતે કહેવામાં આવે તે દરરોજ અચૂક તમારે કરવાનું છે. એટલું જ. એ ઉકેલ કયો છે? – પ્રાર્થના.

પ્રાર્થના પરંપરાગત રીતે ઈશ્વરને સંબોધીને થતી હોય છે. ઈશ્વર કોણ છે અને તે ક્યાં છે? તે આપણા હૃદયમાં બિરાજમાન છે. તમે તેને રામ, કૃષ્ણ, ગણેશ, લક્ષ્મી, સરસ્વતી અથવા જીસસ અને તમારા હૃદયમાં રહેલા બીજા કોઈ સ્વરૂપે કલ્પી શકો. ઈશ્વરને તમે તમારી ઇચ્છા મુજબ તમારા હૃદયમાં સ્થાન આપી શકો છો. તમને સૌથી વધુ ગમતું સ્વરૂપ છે એ તમારા ઈષ્ટદેવ કહેવાય. ઈશ્વર સર્વવ્યાપી અને સર્વશક્તિમાન છે. તે સર્વજ્ઞ અને સર્વ પ્રત્યે કરુણાશીલ છે. તે સર્વશક્તિમાન હોઈ આપણી પ્રાર્થનાને પ્રત્યુત્તર આપવો એ તેના માટે બાળકની રમત જેવું સહજ છે. તે કરુણાનિધાન હોઈ આપણી પ્રાર્થનાના અવાજની અવહેલના કરી શકતો નથી. પરંતુ તેનામાં શ્રદ્ધા હોવી તે આપણા પક્ષે અત્યંત આવશ્યક છે, આપણને દૃઢપણે વિશ્વાસ હોવો જોઈએ કે તે આપણી પ્રાર્થનાનો ચોક્કસપણે જવાબ આપશે.

વિદ્યાર્થીઓએ કઈ રીતે પ્રાર્થના કરવી જોઈએ? આપણે સામાન્ય રીતે આપણી ઇચ્છિત કામના પૂર્ણ કરવા પ્રાર્થના કરીએ છીએ, વિદ્યાર્થીઓ જ્ઞાનની ઇચ્છા રાખે છે. વિદ્યાર્થીઓ ઇચ્છે છે કે જે તેઓ વાંચે છે તે બધું સમજાય; વિદ્યાર્થીઓ ઇચ્છે છે ઉચ્ચ ગુણાંક મેળવવા અને પરીક્ષાઓમાં સફળ થવા. ખરું કે નહિ? એથી જ, વિદ્યાર્થીઓએ આ જ બાબતે ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ: ‘હે ઈશ્વર, મારા તને પ્રણામ છે. મારા મનને વાચન પ્રત્યે વધુ ને વધુ અભિમુખ બનાવ. હું જે કંઈ વાંચું તેની સમજ સ્પષ્ટ થાય એવી બુદ્ધિ આપ. જે કંઈ વાંચું અને સમજું તે મનમાં રહે અને યાદ રહે એવી મારી સ્મૃતિ સતેજ બનાવ. મને એક સારો વિદ્યાર્થી બનાવ. હે ઈશ્વર, હું તારી શરણે આવ્યો છું. હું તારા પર આધારિત છું. મારા પ્રત્યે દયા કર અને મારી પ્રાર્થનાનો ઉત્તર આપ.’

પ્રાર્થના કરતી વખતે આંખો બંધ રાખવાથી ઘણો ફાયદો થશે. એનું કારણ એ છે કે જ્યારે આંખો ખુલ્લી હોય તો બહારની લાઈટ અને પદાર્થો આપણું ધ્યાન ખેંચે છે, મનને વ્યસ્ત રાખે છે અને મનને પોતાનામાં અંદર પ્રવેશવા દેતું નથી. તેથી જ આપણે આંખો બંધ રાખવી જરૂરી છે અને પૂરાં હૃદય અને આત્માને પરોવીને પ્રાર્થના કરવી જોઈએ. આપણા હૃદય અને આત્મામાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વિનંતી કરીએ.

જ્ઞાનપિપાસુ વિદ્યાર્થીઓએ સૂતાં પહેલાં આ રીતે સતત ત્રણ મહિના આ પ્રાર્થનાનો પ્રયોગ કરવો અને તેની અસરકારકતા ચકાસવી. એટલું નિશ્ચિત છે કે તેઓ અલ્પસમયમાં પણ તેનાં મધુરફળનો અનુભવ કરશે. પરંતુ પ્રાર્થના સાચા હૃદયની હોવી જોઈએ. તે અંદરથી આવવી જોઈએ. તમારું સંપૂર્ણ હૃદય અને પ્રાણ તેની સાથે એકરૂપ થવાં જોઈએ; શ્રદ્ધા તેની સાથે ભળવી જોઈએ. શ્રદ્ધા પ્રાર્થનાનું ખરું રહસ્ય છે.

શું તમે જાણો છો, ઈશ્વર આપણી પ્રાર્થનાનો પ્રતિસાદ આપે છે. તે આપણા મસ્તિષ્કને અભ્યાસ માટે સજ્જ કરે છે; પ્રાર્થના આપણા મનને ઊર્જા અને ઉત્સાહથી ભરી દે છે. આપણા મગજમાં રહેલી શક્તિ અને સામર્થ્યને જાગૃત કરે છે. સક્ષમ દિમાગથી માણસ ધાર્યું કામ લઈ શકે. વધુ ને વધુ વિદ્યાર્થીઓને ‘પ્રાર્થના’ રૂપી ‘સાધન’ તરફ અભિમુખ કરવા જોઈએ. વધુ ને વધુ વિદ્યાર્થીઓને પ્રાર્થના કરતાં શીખવવું જોઈએ અને તેનો મહત્તમ લાભ ઊઠાવતાં પણ શીખવવું જોઈએ.

વિદ્યાર્થીઓનો એક બીજો પણ વર્ગ છે. તેઓ ઈશ્વરમાં માનતા નથી અથવા તેમને તેના પ્રત્યે શ્રદ્ધાભાવ કેળવવાની કોઈ ઇચ્છા પણ નથી. આવા વિદ્યાર્થીઓએ શું કરવું? તેમના માટે પણ ઉપાય છે – આત્મસૂચન. આવા વિદ્યાર્થીઓ સતત બળપ્રેરક નિશ્ચિત વિધાનો દોહરાવે. તેઓએ આ રીતે વિચારવું: ‘હું વધુ ને વધુ વાંચીશ. હું વધુ ને વધુ અભ્યાસ કરીશ. જે કંઈ હું વાંચું કે અભ્યાસ કરું, હું એને સમજીશ, યાદ રાખીશ. હું ખૂબ જ ઉચ્ચ કક્ષાના વિદ્યાર્થી તરીકે ખીલી ઊઠીશ.’

આ પ્રાર્થના તો નથી. આ એક વિચાર છે, વિચારમાંથી આવતું નિવેદન છે. આવાં આત્મસૂચનોનું પુનરુચ્ચારણ કરી કરીને વિદ્યાર્થી નિશ્ચિત રીતે અભ્યાસમાં આગળ વધી શકે. કહેવાયું છે કે ‘જેવું તમે વિચારશો, તેવા તમે થવાના.’ તમારી જાત વિશે જે વિચારશો અને અનુભવશો તેવા નિશ્ચિતપણે બની શકશો. આ અફર કાયદો છે. તમે તમારા હૃદય અને મનથી હંમેશાં વિધાયક રીતે વિચારો તે જરૂરી છે. પોતાની જાતમાં અડગ શ્રદ્ધાથી આ વિચારોને મજબૂત કરવા જોઈએ. આ ખૂબ અગત્યનું છે. પ્રાર્થના હોય કે આત્મનિવેદન, શ્રદ્ધા જ તેને ફળદાયી અને અસરકારક બનાવી શકે. દરેક વિદ્યાર્થીએ આ સોનેરી રહસ્ય શીખવું જોઈએ. બીજું રહસ્ય એ છે કે આત્મસૂચન કરવાનો સમય સૂતાં પહેલાંનો રાખવો. સૂતાં પહેલાં જે વિચારો કરશો તે તમારા અજાગૃત મનમાં ઊંડે ઊતરશે. 

જ્યારે સવારે તમે જાગશો આ જ વિચારો શક્તિનું સીંચન કરશે અને તમારાં સમગ્ર વ્યક્તિત્વને નીખારશે. કેટલાક મહિનાઓ સુધી તમે આ વિચારોથી તીવ્રતાપૂર્વક મનને ભરી દો, તમને લાગશે કે તમારી અંદર પ્રચંડ શક્તિ પ્રગટ થશે. જાગૃતપણે આ મહાવરો આપણને ઇચ્છિત પ્રાપ્તિ સુધી દોરી જશે. મહાપુરુષોના જીવન જુઓ, તેઓ પણ આપણા જેવા જ મનુષ્યો હતા. તેઓ મહાન કઈ રીતે બન્યા? તેમના શક્તિપ્રદ વિચારોથી અને દૃઢ ઇચ્છાશક્તિથી! તેઓએ મહાન બાબતો વિશે વિચાર્યું અને તે પ્રકારે આયોજન કર્યું. પ્રત્યેક શ્વાસે તેમનું ધ્યેય તેમની સાથે રહ્યું. તેમનો સંકલ્પ સતત તેમની નજર સમક્ષ હતો – ‘હું આ કરીશ જ. તેને પ્રાપ્ત કર્યા પહેલાં હું જંપીશ નહિ.’ એક દિવસે, આ રીતે, તેઓ ઇચ્છિત લક્ષ્યને આંબી શક્યા અને મહાપુરુષોની હરોળમાં સ્થાન પામ્યા. તેમણે આ જગતને ઘડવામાં ફાળો આપ્યો.

આથી જ, વિદ્યાર્થીઓ આ રીતે વિચારે – ‘હું વધુ ને વધુ વાંચીશ. હું વધુ ને વધુ અભ્યાસ કરીશ. જે કંઈ હું વાંચું અને અભ્યાસ કરું, તેને સમજીશ, યાદ રાખીશ અને આત્મસાત્ કરીશ. આ શક્તિને વિકસાવીને હું ઉચ્ચ કક્ષાના વિદ્યાર્થી તરીકે ખીલી ઊઠીશ.’ 

એથી, વિદ્યાર્થીઓને પોતાની જાત વિશે વિધાયક વિચારો કરવા દો. વિચારોનો પ્રભાવ એટલો બધો અસરકારક છે કે તે વિદ્યાર્થીઓને સખત મહેનત તરફ પ્રેરી જશે.. વિદ્યાર્થીઓની ચેતનાને પ્રગટાવશે… અને તેમના સમગ્ર વ્યક્તિત્વને રૂપાંતરિત કરશે. બીજા શબ્દોમાં કહીએ તો આવા સાદા વિચારો વિદ્યાર્થીઓને સફળતા અને આનંદના દેદિપ્યમાન સૂર્યના પ્રકાશના વિશ્વમાં લઈ જશે. ‘પ્રાર્થનાની શક્તિને શબ્દોમાં વર્ણવી શકાય નહિ, કારણ કે જે પ્રાર્થના કરે છે, તેને તેનો સ્પષ્ટ અનુભવ થાય છે.’

Total Views: 17

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.