ન્યૂયોર્કની વેદાંત સોસાયટીના વડા શ્રી. સ્વામી તથાગતાનંદે શ્રીરામકૃષ્ણદેવની ૧૭૫મી જયંતીને અનુલક્ષીને હમણાં ‘Celebrating Shri Ramakrishna’ નામનું પુસ્તક પ્રકાશિત કર્યું છે. એમાં આ લગભગ અણપ્રીછેલી વિભૂતિની કથા વિસ્તારથી વર્ણવાયેલી છે. એમાંથી કેટલાક જાણવા જેવા પ્રસંગો વીણી વીણીને અહીં સુબોધ શૈલીમાં રજૂ કર્યા છે.

કોઈ ગુફામાં પડેલા એકલા અટૂલા મહામૂલ્યવાન રત્ન સમી આ ભવ્ય અને ઊર્મિલ વિભૂતિનું નામ છે. શ્રી ધનગોપાલ મુખર્જી! તેઓ ઈ.સ.૧૮૯૦માં બંગાળમાં જન્મ્યા હતા. એમના મોટા ભાઈ જદુગોપાલ મુખોપાધ્યાય એક સુવિખ્યાત સ્વાતંત્ર્ય સેનાની હતા. ધનગોપાલ પણ એમની સાથે જ જોડાયેલા હતા. પણ જેલવાસ કરવાની નોબત આવતાં વીસ વરસની વયે જ પોતાનાં માતા અને મોટાભાઈના આશીર્વાદ લઈને મજબૂત મનોબળ સાથે ભારતમાંથી જાપાનમાં છાનામાના નાસી છૂટ્યા.

જાપાનમાં નાસી તો આવ્યા પણ તેમના કમનસીબે આજીવિકા ચલાવવાનું મુશ્કેલ બન્યું. માંડ માંડ મજૂરી જેવું કામ કરી ગાડું ગબડાવવા લાગ્યા. જાપાનમાં સુખસગવડભર્યું જીવન જીવવાનું તેમનું સ્વપ્ન સાકાર ન થઈ શક્યું તેથી ઊંડી નિરાશા તેઓ અનુભવવા લાગ્યા. એવામાં સદ્ભાગ્યે તેમને એક અમેરિકનનો ભેટો થયો એ અમેરિકન એશિયન લોકોની નકલ કરનાર તરીકે ભરતી કરી રહ્યો હતો. ધનગોપાલ આગબોટ દ્વારા અમેરિકા ગયા અને સને ૧૯૧૦માં તેમણે ત્યાં નકલ ઉતારનાર તરીકેની નોકરી સ્વીકારી.

પરંતુ શ્રી મુખર્જી જુદી માટીના માનવી હતા. તેઓ એક અસાધારણ આધ્યાત્મિક પુરુષ હતા. કશીયે ઓળખપિછાણ વગરના સાવ અજાણ્યા મુલકમાં ખૂબ કરકસર કરીને પેટનો ખાડો પૂરવાનો એમણે ભારે સંઘર્ષ કર્યો. તેમના જીવનના ઇતિહાસના આ દૂરના સમયે આધ્યાત્મિકતાની ભારે કપરી કસોટીમાંથી તેઓ પસાર થયા હતા. આ વખતે તેઓ ખૂબ ગંભીરતાથી અને ભારે તીવ્રતાથી આધ્યાત્મિકતાનો પ્રકાશ ખોળી રહ્યા હતા.

તેમણે લખેલી ‘Face of Silence’ નામની ચોપડીનું પહેલું જ પ્રકરણ વાંચીને જાણી શકાય છે કે બેલુર મઠની આરતીમાં ભાગ લેતી વખતે એમની આધ્યાત્મિક ગહનતા કેટલી બધી ઉદ્ઘાટિત થઈ ઊઠતી હતી! અને એ વાંચીને કોઈ પણ માણસ એમના મનની સ્વરૂપાવસ્થિતિ કેવી હતી તે વધારે સમજી શકશે. તેઓ લખે છે:

‘તે ધ્યાન મારા બધા જ વિચારોને તીવ્રવેગે ધારદાર કાતરની પેઠે ચીરીને પૂરની પેઠે ઘસતું આખા ઓરડાને ભરી દેતું. ત્યારે મારી આગળ બેઠેલા બધા સંન્યાસીઓનો એકેએક ચહેરો તપશ્ચર્યાના તેજથી અને તપાવેલા સોના જેવી નિષ્કલંકતાથી ઝળહળતો મને દેખાતો! તેમની બંધ આંખો જાણે કોઈ ગહન શાંતિના અગાધ તળિયાંને શોધતાં હોય એવું લાગતું.’ (‘ફેઈલ ઓફ સાઈલેંસ’)

ઈ.સ. ૧૯૧૨માં તેઓ બહાર્મ ગુરુ અબ્દુલ વાહાને (૧૮૪૪-૧૯૨૧) મળ્યા. આ ગુરુ પર્શિયાના બહાઈ સંપ્રદાયના સ્થાપક મિરઝાહુસેનઅલી બહાઉલ્લાના (૧૮૧૭-૧૮૯૨) પુત્ર હતા. જો કે ધનગોપાલે તેમની પાસેથી મંત્રદીક્ષા તો લીધી હતી. આમ છતાં તેઓ તેમને કોઈ ગંભીરતાથી અનુસરતા ન હતા.એના પછીના વરસે, ઈ.સ. ૧૯૧૩માં તેમણે બ્રહ્મસૂત્ર શાંકરભાષ્યના બે દળદાર ગ્રંથો વાંચ્યા. આ ગ્રંથો મૂળ સંસ્કૃત ગ્રંથોના અંગ્રેજી અનુવાદો હતા. એ અનુવાદ જર્મનીના સુપ્રસિદ્ધ સંસ્કૃત વિદ્વાન જ્યોર્જ એફ. થિબોએ કરેલ હતો. વળી એની સાથે મેક્સમૂલરે સંપાદિત કરેલ ‘Sacred books of the East’ ગ્રંથ પણ સામેલ હતો. (આ થિબો છેલ્લે વારાણસીની સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વ વિદ્યાલયના વાઈસ ચાન્સેલર બન્યા હતા.)

શ્રી મુખર્જી તો કવિતાઓમાં જ જીવતા. જ્યારે તેઓ કેલિફોર્નિયામાં જેવી તેવી નોકરી કરી રહ્યા હતા ત્યારે પણ તેઓએ ત્યાં કવિતા પ્રેમીઓ અને કલાપ્રેમીઓ સાથે સંબંધ બાંધ્યો અને અવારનવાર કવિ સંમેલનો ભરતા રહ્યા. એમાં તેમણે અનુકૂળ વાતાવરણ મેળવ્યું. કશી પૂર્વતૈયારી વિના એકાએક જ કવિતા પાઠ કરવાની તેમની સ્વાભાવિક અભિરુચિ હતી, તે અહીં જલદી દેખાઈ આવી! બંગાળમાં લીધેલું તેમનું અંગ્રેજી શિક્ષણ તેમને કેટલાંય અમેરિકન તેમજ ઈંગ્લેન્ડનાં મહાકાવ્યોનો એકાએક પાઠ કરવામાં સમર્થ બનાવતું હતું. મિલ્ટનનું ‘પેરેડાઈસ લોસ્ટ’ જેવું મહાકાવ્ય તેમને હાથવગું હતું. એથી તેઓ પોતે આનંદ પામતા અને બીજાને આનંદ આપતા. આમ તેઓ સારી પ્રશંસા પામ્યા.

એક સૂઝવાળા અમેરિકને એમને એમના આ ખજાનાની પરિષ્કાર કરીને બર્કલેની કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવી લેવા માટે પ્રોત્સાહિત કર્યા. તેમણે આ સૂચનાનું અનુસરણ કર્યું અને ૧૯૧૪ની સાલમાં મે મહિનામાં બર્કલેમાંથી સ્નાતકની પદવી અંગ્રેજી સાહિત્યના વિષય સાથે પ્રાપ્ત કરી અને ત્યાર પછી અંગ્રેજી સાહિત્યના વિષય સાથે લેલેન્ડ સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાંથી અનુસ્નાતકની પદવી પણ મેળવી. આ વખતે તેઓ પોતાની ભાવિ પત્ની પેટ્ટીને મળ્યા. તેણી પણ એ જ યુનિવર્સિટીમાં એ જ વિષયમાં અનુસ્નાતકની પદવી માટે અભ્યાસ કરી રહી હતી.

ઈ.સ. ૧૯૧૪માં તેઓ લેલેન્ડ સ્ટેનફર્ડમાં તત્ત્વજ્ઞાન વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જ્યારે ફરજ બજાવી રહ્યા હતા, ત્યારે જ તેમને સ્વામી વિવેકાનંદનાં પરમ સુહૃદ એવાં મિસ જોસેફાઈન મેક્લાઉડનો ભેટો થયો. ધનગોપાલના પુત્રે સ્વામી તથાગતાનંદજીને કહ્યું હતું કે તેના પિતાશ્રીએ તેઓ જ્યારે ભારતમાં હતા ત્યારે સ્વામી વિવેકાનંદ વિશે સાંભળ્યું હતું. અહીં મિસ મેક્લાઉડે સ્વામી વિવેકાનંદ તરફ તેમનો રસ જાગ્રત કર્યો. એમાંયે જ્યારે તેણીએ એવું જણાવ્યું કે સ્વામીજીએ પોતે જ બીજા શંકરાચાર્ય હોવાનું કબૂલ કર્યું છે, ત્યારે તો શ્રી ધનગોપાલ મુખરજી ઉપર તેમની ખૂબ ઘેરી અસર પડી. 

‘ટેન્ટાઈન’ અથવા ‘જો’ના હૂલામણા નામે ઓળખાતાં મિસ મેક્લાઉડના વિધાનની ધનગોપાલ ઉપર ભારે અસર થઈ. તેમને લાગ્યું કે આ માણસ વિવેકાનંદના ઉપદેશને વિશ્વમાં ફેલાવવામાં અને એમના મિશનને પૂર્ણ કરવામાં તેમનો ભાર હળવો કરી દેશે. તેમણે પોતાનાં ભત્રીજા ભત્રીજીની આલ્બર્ટ સ્નર્જીસ મોન્ટેગ્યુને રામકૃષ્ણ – વિવેકાનંદની પ્રોફેસર ઉપર પડેલી આવી અદ્ભુત રૂપાંતરકારી પ્રભાવકતા વિશે લખ્યું એ વખતે આ પ્રોફેસર મુખરજીની ઉપર કેવળ આશીષ જ વરસતી હતી!

મિસ મેક્લાઉડે ભત્રીજા પરના પત્રમાં શ્રી મુખરજીને આધ્યાત્મિક જિજ્ઞાસુ તરીકે વર્ણવ્યા અને તીવ્ર બુદ્ધિશાળી કહ્યા. એક અન્ય સ્થળે મિસ મેક્લાઉડે તેમને કહ્યું છે કે ‘ધનગોપાલે સફળતાપૂર્વક અમેરિકાને ભારત વિષે સમજણ આપી છે.’

મેક્લાઉડે ઈ.સ. ૧૯૧૪ની સાલમાં તેની બહેનને લખેલ એક પત્રમાં સ્વીકાર્યું છે કે ‘મેં આ શ્રી મુખરજીમાં ખરેખર નૂતન ભારતની અભિવ્યક્તિ નિહાળી છે. એ તેજસ્વી અને મજબૂત મનોબળવાળા છે, ગમે તેમ પણ મારી ભારત તરફની જવાબદારી એકાએક જ તેમણે પોતાને ખભે ઊંચકી લીધી છે.’ 

એ મેક્લાઉડના હૃદયમાં જે ‘વિશ્વની આધ્યાત્મિક શિક્ષામાં ભારતનું શ્રેષ્ઠ સ્થાન’ની જે ભેટ વિવેકાનંદે આપી હતી, એ ભેટને સમગ્ર દુનિયામાં કેટલીક રીતે રજૂ કરી દેવા માટે આ યુવાન સર્જાયો હતો. થોડા દિવસ પછી તેણીએ પોતાના ભત્રીજા આલ્બર્ટને લખ્યું કે ‘જે સંપદા સ્વામીજીએ મારા હૃદયમાં રેડી હતી, તે બધી જ સંપદા પૂરા હૈયા સાથે મેં આ ધનગોપાલમાં રેડી દીધી છે. મેં મારું કામ બજાવી લીધું છે! ‘અને હવે હું હળવી થયાનો એહસાસ અનુભવું છું.’ ધનગોપાલ અને મિસ મેક્લાઉડનો આ પરિચય ભાવિ ઘટનાઓ ઉપર ઘણો મહત્ત્વનો પ્રભાવ પાડે છે.

ધનગોપાલ મુખરજીની પહેલી અમેરિકન નવલકથા ‘કાસ્ટ એન્ડ આઉટ કાસ્ટ’ના ઘટનાક્રમોમાં એના આત્માનાં હચમચાવનારાં આંદોલનો વરતાય છે. આ પુસ્તકને એકદમ ભારે સફળતા મળી. અને એના વેચાણથી એટલા પૈસા એમને મળ્યા કે પોતાનું અન્ય સાહિત્યિક પુસ્તક પણ એમાંથી છપાયું. પછી ત્યાંથી કંઈક કરકસરભર્યું જીવન જીવવા તેઓ ફ્રાંસ ગયા પણ ત્યાં તો તેઓ જાણે સમાજથી બહિષ્કૃત હોય એવું તેમને લાગ્યું એટલે એમને કોઈકે સલાહ આપી કે પૂર્વ અમેરિકા જાઓ ત્યાં તમને લેખક તરીકે માન્યતા મળી રહેશે એટલે તેઓ સજોડે બોસ્ટન પાસેના ન્યૂ બેડફોર્ડના મેસેચ્યુએટ્સમાં ૧૯૧૭ની આખરમાં પહોંચ્યા. ૧૯૧૮માં ત્યાં તેમને એક પુત્રનો જન્મ થયો. અને તે ત્યાંની ન્યૂ હેમ્સ્ફાયરની શાળામાં ભણ્યો.

ઈ.સ. ૧૯૨૦માં તેઓ એમની પત્ની સાથે ભારત- (પોતાની જન્મભૂમિ)માં આવ્યા પણ અરેરે! અહીં તેમના ભાઈ સિવાય તેમને કોઈ જ ઓળખતું નહતું. પોતાની માતૃભૂમિમાં પોતે જાણે પરદેશી હોય – સમાજથી બહિષ્કૃત હોય – તેવું તેમને લાગ્યું. પોતે અને ભારત – બંને સાવ બદલાઈ ગયા હતાં. તેમના એક માત્ર જીવતા હેતાળ ભાઈ જદુગોપાલ જ તેમને જાણતા હતા. અહીંથી અમેરિકા પાછા ફરીને ધનગોપાલે ‘મારા ભાઈનો ચહેરો’ નામે પુસ્તક લખ્યું. આ પુસ્તક તેમની અવિરત ચાલતી આત્માખોજની ઐતિહાસિક નોંધ જેવું છે.

ઈ.સ. ૧૯૨૨માં મિસ મેક્લાઉડ શ્રી મુખરજીને શ્રીરામકૃષ્ણના સાક્ષાત્ શિષ્ય સ્વામી શિવાનંદજી મહારાજ પાસે લઈ ગયાં. રામકૃષ્ણ મઠ – મિશનના તેઓ બીજા અધ્યક્ષ હતા. ભારતમાં જ શ્રી મુખરજીએ શિવાનંદજી મહારાજ પાસેથી દીક્ષા લીધી અને અમેરિકા ગયા પછી પત્રવ્યવહાર દ્વારા સંબંધ જાળવતા રહ્યા. એમની સાથેનો તેમનો સંબંધ પિતા – પુત્ર જેવો જ રહ્યો. ત્યાર પછી થોડા વખતમાં જ તેઓ ૧૯૨૨માં જ બેલુરમાં સ્વામી અખંડાનંદજીને મળ્યા. 

શ્રી મુખરજીએ એ બંને સ્વામીજીઓ સાથે આદરપૂર્વકનો આધ્યાત્મિક સંબંધ પત્રવ્યવહાર દ્વારા જાળવ્યો. સ્વામી શિવાનંદનાં પદચિહ્નોની છાપ તેમણે એક બહુમૂલ્ય પૂજનીય ખજાના તરીકે પોતાની પાસે જતનથી જાળવી હતી. તે તેમને આશ્વાસન આપતી. આ બંને સ્વામીઓએ તેમને અમેરિકા ગેરુઆ વસ્ત્રો મોકલ્યાં હતાં. શ્રી મુખરજીને રામકૃષ્ણના અન્ય સાક્ષાત્ શિષ્યો સાથે પણ સારો એવો ઘરોબો હતો. શ્રી મુખરજી આ બધા સાથે પત્રવ્યવહાર દ્વારા સંબંધ જાળવતા રહ્યા હતા.

સમય જતાં તેઓ અમેરિકા પાછા ફર્યા પણ આ વખતે માનસિક રીતે તેઓ પહેલાં કરતાં વધારે વિષાદમય હતા. એમના વિષાદનું મુખ્ય કારણ સ્વામીજીઓ સાથેનો તેમનો સંબંધ હતો, એ તો સ્પષ્ટ જ હતું. તેમની આ હતાશા આધ્યાત્મિકતાની તીવ્રતમ અભિપ્સાના રૂપમાં પરિણમી. સામાન્ય જનસમુદાય કરતાં તેઓ તો એક નોખી માટીના માનવી હતા. એમની હતાશાને ભૌતિક દૃષ્ટિકોણથી ન જ સમજવી જોઈએ. એ હતાશા તો એક ઉચ્ચતમ આધ્યાત્મિક પરિપ્રેક્ષ્યવાળી હતી અને એનો સાધક પોતાની પ્રબળ ઇચ્છાશક્તિથી ઈશ્વર પ્રાપ્તિને ઝંખી રહ્યો હતો!, ઈશ્વરીય આનંદસાગરમાં ડૂબી જવા ઝંખતો જાણે કે એ એક દ્વીપ હતો! અત્યારે એનો જન્મ જે લક્ષ્ય માટે થયો હતો એનું એને સ્પષ્ટ ભાન હતું.’ પોતાના આત્મીય સ્વામીઓની જેવી અનુભૂતિઓને પામવાના એને કોડ હતા. એટલું તો જાણે ચોક્કસ હતું કે એણે લીધેલી દીક્ષા અને એમની સાથેના પત્રવ્યવહારે એનામાં મુક્તિની ઝંખના જગાડી દીધી હતી.

Total Views: 11

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.