પ્રેમની દુર્લભતા

સ્વાર્થપરાયણતાને લીધે આ જગતમાં શુદ્ધ કે નિશ્છલ પ્રેમ એક દુર્લભ ગુણ બની ગયો છે. સ્વાર્થપરાયણતાએ અમીર, ગરીબ, વિદ્વાન કે અભણ બધાયને વશ કરી લીધા. એણે ઝૂંપડી અને મહેલમાં રહેનારાઓની વચ્ચેનો જાણે કે ભેદ જ દૂર કરી દીધો. અરે! એને જાતિ, ધર્મ કે સંપ્રદાયના ભેદની પણ નથી પડી. આ સંસારમાં જ્યાં સુધી નિ:સ્વાર્થ પ્રેમ ફરીથી સ્થાપિત ન થાય ત્યાં સુધી માનવ જાતિ શાંતિ અને સંતોષનો સ્વાદ ચાખી ન શકે. એક મોટા શૈક્ષણિક સંસ્થાનના સચિવે પોતાનો માર્મિક અનુભવ આ શબ્દોમાં કહ્યો છે: 

૯ વર્ષનો એક બાળક બીજા ધોરણમાં ભણતો હતો. તે પોતાના સહાધ્યાયીઓ એમાંય વિશેષ કરીને છોકરીઓ પાસેથી પૈસા માગ્યે રાખતો. ક્યારેક એ ભદ્ર વ્યવહાર કરતો તો વળી ક્યારેક ક્યારેક ધમકી આપીને પણ પૈસા કઢાવી લેતો. આવી રીતે દરરોજ પાંચથી માંડીને ૨૫ રૂપિયા ઉધાર માગતો અને વળી વાયદો પણ કરતો ‘મા ઘેર આવે કે તરત તમારા પૈસા પાછા.’ બીજા બાળકનાં માતપિતાએ બાળકનાં આવા અપરાધ વિશે આચાર્યને ફરિયાદ કરી. આચાર્ય અને વર્ગ શિક્ષક એ બાળકને લઈને મારી પાસે આવ્યા. એના આવા ખરાબ આચરણનું વર્ણન કરવા લાગ્યા. એકેય કડવું વેણ કાઢ્યા વગર મેં એ બાળક સાથે વાતચીત કરી. બાળકે પણ જરાય સંકોચાયા વિના હિંમત સાથે કહ્યું: ‘જુઓ સાહેબ, મને સવારે ઘરમાં કંઈ ખાવાનું મળતું નથી. એટલે કંઈક ખાવાની વસ્તુ ખરીદવા એ બધા પાસેથી પૈસા માગું છું.’

એ બાળકના વાલીઓએ એને શાળામાં મફત મળતા નાસ્તા ન લેવાનું કહ્યું હતું. એના પિતા સિંગાપુરમાં હતા અને મા એકાદ વર્ષ પહેલાં મરી ગઈ હતી. આ બાળકને એ વિશે કોઈએ કંઈ કહ્યું ન હતું. ક્યારેક એની મા આવીને એને આ પ્રેમ ન કરનારા વાલીઓના પંજામાંથી છોડાવશે, એ દિવસની રાહ જોતો હતો. એની સાથે ઠીક ઠીક સમય વાત કર્યા પછી મેં કહ્યું: ‘જો ભાઈ, તારે હવે કોઈની પાસેથી પૈસા માગવાની કે ઉધાર લેવાની જરૂર નથી. આ શાળામાં જ અમે તારા ભોજનની વ્યવસ્થા કરી દઈશું અને તારે જરૂરી પુસ્તકો અને લેખનસામગ્રી પણ આપીશું. હવે તું ચિંતા ન કર. તારે હવે વધારે શું જોઈએ છે?’ આટલા હઠીલા દેખાતા એ બાળકે ડૂસકાં સાથે કહ્યું: ‘સાહેબ, મારે તો મારી મા જોઈએ છે. તમે મારી મા મેળવી દો. હું મારી માને મળવા માગું છું.’ આ દુ:ખી બાળકનાં ડૂસકાં સાંભળીને અમે લોકો પણ માંડ માંડ અમારી આંખનાં આસું રોકી શક્યા. અમે એને નજીક બોલાવ્યો, આશ્વાસન આપીને શ્રીમા સારદાદેવીની એક છબિ આપીને કહ્યું: ‘ભાઈ, તું આને જ પોતાની મા સમજીને એમની પ્રાર્થના કરજે. એ તને સાચો માર્ગ ચીંધાડશે.’ 

બાળક શાંત થયો હોય એવું લાગ્યું. પરંતુ પછીના દિવસથી એણે શાળામાં આવવાનું બંધ કરી દીધું. એના વાલીઓ શાળામાં શું વાત થઈ હતી, એ જાણવા આવ્યા અને એનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર લઈને એને કોઈ બીજી શાળામાં દાખલ કરાવી દીધો. બાળક પ્રત્યેના સાચા નિ:સ્વાર્થ પ્રેમની વાત તો એક બાજુએ રહી, પણ આ બાળક સામાન્ય પ્રેમથી પણ વંચિત હતો.

પિતાના પ્રેમથી વંચિત એક છોકરીએ પોતાની માને સહાનુભૂતિ સાથે કહ્યું: ‘જો હું મારી માને સ્થાને હોત તો પોતાના  પતિને એના ભાગ્યને ભરોસે છોડીને ચાલી ગઈ હોત!’ આ ઘટનાની પૃષ્ઠ ભૂમિ આવી છે:

એમનો એક સંભ્રાંત પરિવાર હતો. કોઈ સગા-વહાલા કે સહાય કરનારું ન હતું. આર્થિક સ્થિતિ નબળી અને ઉપર્યુક્ત વાત કરનારી છોકરીના પિતા હતા દારૂડિયા. દારૂ પીને મોડી રાતે પાછા ફરે અને સામાન્ય વાતો પર પત્ની સાથે ઝઘડે અને ગાળોનો વરસાદ અને મારપીટ તો ખરી જ. નાની છોકરી ભર ઊંઘમાંથી ઊઠીને આતંકિત ભાવે પિતાની ક્રૂરતા અને માનાં દુ:ખપીડા જોતી.

થોડીવાર પછી તે પોતે પણ માની સાથે રોતાં રોતાં થાકીને સૂઈ જતી. માત્ર સ્કૂલમાં જ તે પોતાના પિતાની વિરુદ્ધ બોલવા સ્વતંત્ર હતી. આમ, ઘરના વાતાવરણે એક બાજુ એનામાં આતંક અને ભય લાવી દીધાં અને બીજી બાજુએ પુરુષવર્ગ પ્રત્યે ઘૃણાનો ભાવ પણ ભરી દીધો. એના વ્યક્તિત્વ પર આની જબરી માઠી અસર પડી.

મધર ટેરેસા કહે છે: ‘સેવાના ક્ષેત્રમાં લોકોની સાથે ૨૦ વર્ષ સુધી કાર્ય કર્યા પછી એક વાત મારા મનમાં સ્પષ્ટ થઈ ગઈ છે – ‘મને કોઈ ચાહતું નથી’ એવી અપમાનજનક પીડાનો ભાવ વ્યક્તિ માટે સૌથી વધારે દુ:ખદ હોય છે. આપણે કોઢિયા માટે દવાઓ શોધી, ક્ષય માટે આજે ઈલાજ ઉપલબ્ધ છે અને મોટા ભાગના લોકો ચિકિત્સા પછી સ્વસ્થ પણ થઈ ચૂક્યા છે. બીજા સેંકડો રોગોની દવા શોધી કાઢી છે. પણ પ્રેમથી વંચિત હોવાના રોગનો ઈલાજ ક્યાં છે? પ્રેમભર્યું હૃદય અને સેવા તત્પર હાથ પ્રેમથી વંચિત રોગીઓના રોગને દૂર કરી શકે છે.’

ઘરના વડીલો કે મોટેરા કે સગાઓના પ્રેમથી વંચિત બનવાનું દુર્ભાગ્ય ભોગવતાં લોકોનાં દુ:ખને કોણ દળી શકે?

કોઈને પ્રેમભરી દૃષ્ટિએ જોવામાં એક પૈસાનોયે ખર્ચ કરવો પડતો નથી. વસ્તુત: દરેક વ્યક્તિ પાસે પ્રેમનો અક્ષયભંડાર છે. પ્રેમ દેનાર અને પ્રેમ મેળવનાર લોકો ધન્ય છે. દેનાર અને લેનાર બંને સુખ અને સંતોષ અનુભવે છે. પ્રેમી અને પ્રેમનું પાત્ર બનનાર બંનેનાં હૃદય પ્રસન્ન થઈ ઊઠે છે. પણ વિચિત્ર વાત તો એ છે કે આ સામાન્ય એવા પ્રેમનું દાન કરનાર લોકો પણ ઓછા જ છે. સિયારામ શરણ ગુપ્તે કહ્યું છે: ‘અરે! પ્રેમનો પ્યાલો પાસે છે તો પણ તને વિષ કેમ ભાવ્યું?’ એનું કારણ અજ્ઞાન અને ઉચિત પ્રશિક્ષણનો અભાવ છે. સામાન્ય તથા સાચા આધ્યાત્મિક પ્રેમ એ બંનેને ન જાણનાર વ્યક્તિ બીજાને કેવી રીતે પ્રેમના ઉપદેશનું મહત્ત્વ સમજાવી શકે? એક વાત તો ચોક્કસ છે કે 

પ્રેમનો ઉદય થતાં જ હૃદયની દુર્બળતાઓ અને બીજા બધા દુર્ગુણો નાશ પામે છે અને પ્રેમનું બંધન સુદૃઢ બની જાય છે.

પ્રેમની શક્તિ

સ્વામી વિવેકાનંદે કહ્યું છે: ‘સમગ્ર સંસાર વિશુદ્ધ પ્રેમ મેળવવા વ્યાકુળ છે. બદલામાં કંઈ મેળવવાની આશા-અપેક્ષા રાખ્યા વિના જ આપણે આ પ્રેમનું વિતરણ કરવું જોઈએ. પાછું મેળવવાની ઇચ્છા રાખ્યા વિના જ એ પ્રેમ અર્પિત કરી દો.

પ્રેમ ક્યારેય નિષ્ફળ થતો નથી. કાલ હોય કે પરમ દિવસે હોય કે યુગો પછી પણ પ્રેમનો વિજય અવશ્ય થશે. પ્રેમ જ મેદાન મારશે. શું તમે પોતાના ભાઈઓને પ્રેમ કરો છો? 

વર્તમાનપત્રોમાં શું છપાય છે અને શું નથી છપાતું, એની હું ક્યારેય પરવા કરતો નથી. પ્રેમની અસાધ્યસાધિની શક્તિ પર વિશ્વાસ રાખો. જો તમારી પાસે નિ:સ્વાર્થ પ્રેમ છે તો તમે સર્વશક્તિમાન છો.’

સત્ય આપણા બધામાં એકતાનો સંચાર કરે છે. પ્રેમ જ સત્ય છે; ઘૃણા અસત્ય છે. ઘૃણા કે તિરસ્કાર ભાગલા પડાવીને આપણી વચ્ચે શત્રુતા ઉત્પન્ન કરે છે, એ માનવને માનવથી અલગ-થલગ કરી નાખે છે. એટલે એ દોષપૂર્ણ અને મિથ્યા છે. ઘૃણા એક વિનાશક શક્તિ છે, પ્રેમ એકીકરણની શક્તિ છે. પ્રેમ લોકોને એક સાથે બાંધી રાખે છે. મા, બાળક, પરિવાર, નગર, સમગ્ર સંસાર અને પશુ બધાં પ્રેમથી જ બંધાયેલ રહે છે. પ્રેમ જ જીવનના સામંજસ્યની સંચાલક શક્તિ છે.

પ્રેમનું સ્પંદન

એક સત્ય ઘટના આવી છે: ‘ભારતમાં રહેનાર એક દંપતીનો એકનો એક દીકરો અમેરિકામાં એક સુખ્યાત ચિકિત્સક છે. એણે ત્યાં પોતાનું નામ કાઢ્યું હતું. દુર્ભાગ્યને કારણે એને અને પત્ની વચ્ચે મતભેદ ઊભો થયો. જીવનથી નિરાશ થઈને એણે પોતાની જાતને ગોળીથી વિંધી નાખી. એ જ દિવસે એમની માતાએ સ્વપ્નમાં જોયું કે પોતાનો પુત્ર લોહીમાં લથપથ પડ્યો છે. ઊંઘ ઊડતાં એનું મન ઘણું બેચેન થઈ ગયું. પછીના દિવસે એને ટેલિફોનથી આ દુ:ખદ ઘટનાના સમાચાર મળ્યા. માનું હૃદય કરુણા અને વિશાદથી ભરાઈ ગયું.

કોઈ પુત્રનું દુર્ભાગ્ય દૂર રહેલી માનાં હૃદયને પણ પ્રભાવિત કરી દે છે. એનું આ એક માત્ર ઉદાહરણ નથી, આવાં તો અસંખ્ય ઉદાહરણ જોવા મળે છે. રશિયામાં એ વિશે અનેક પ્રયોગો થયા છે. પ્રેમનું સ્પંદન એક તરંગ કે મોજાંની જેમ ચાલીને કે વહીને પોતાના પ્રિયજનના હૃદયનો સ્પર્શ કરે છે અને એમને પ્રભાવિત પણ કરે છે. 

વૈજ્ઞાનિકોનું અજ્ઞાન

વિદ્યુત, અણુશક્તિ, તાપીય ઊર્જા, સૌર ઊર્જા જેવાં ક્ષેત્રોમાં પોતાની શોધો તથા પોતાનાં અન્વેષણો દ્વારા વૈજ્ઞાનિકોએ આ વિશ્વનો નક્શો જ બદલી નાખ્યો છે. જો એમણે નિ:સ્વાર્થ પ્રેમની શક્તિને સમજવાના પ્રયોગો કરીને સમગ્ર સંસારમાં તેની નિપજ, તેનું સંગ્રહણ અને વિતરણ માટે ઉપાયો શોધ્યા હોત તો આ પૃથ્વી માટે એ શોધો મહાન વરદાન રૂપ સાબિત થાત અને આ ધરતીને સ્વર્ગ બનાવી દેત. વૈજ્ઞાનિક પ્રવૃત્તિ કરનારા બુદ્ધિવાદી પહેલાં તો એવું કહેતાં રહે છે કે નિ:સ્વાર્થ પ્રેમની શક્તિનો પ્રયોગ કેવળ ધર્મોપદેશક જ કરી શકે છે. વૈજ્ઞાનિકો અને રાજનીતિજ્ઞોએ એ વિશે કોઈ ધ્યાન ન દીધું. પિટ્રિમ સોરોકિન કહે છે: ‘યુદ્ધ પહેલાંના વિજ્ઞાને સંતો કરતાં અપરાધીઓ, બુદ્ધિમાનો કરતાં વિક્ષિપ્તો, પારસ્પરિક સહાય કરતાં અસ્તિત્વ માટેના સંઘર્ષ તેમજ સહાનુભૂતિ, પ્રેમના કરતાં ઘૃણા અને સ્વાર્થપરાયણતાના અધ્યયનમાં વધારે રુચિ લીધી હતી.’

બે વિશ્વયુદ્ધોએ સમગ્ર વિશ્વના લોકોને જાણે કે હણી નાખ્યા છે. તે દિવસોમાં કેટલાય દેશ શાંતિ સ્થાપનાનું મહોરું પહેરીને યુદ્ધની તૈયારી કરતા હતા. સ્વાર્થપરાયણતા, સ્વેચ્છાચાર, ઈંદ્રિયપરતા, લોભ અને વિદ્વેષભરી પ્રતિયોગિતાને લીધે સમાજ માંદો પડીને વિનાશને આરે ઊભો છે. પિટ્રીમ સોરોકિનના મત પ્રમાણે લોકોમાં નિ:સ્વાર્થ પ્રેમ વધારવા અને સહયોગ તેમજ સદ્ભાવનો સંચાર કરવાના ઉપાયોની ખોજ કરવી જરૂરી છે. એને લીધે લોકોમાં શાંતિ અને સંવાદીજીવન જીવવાની તેમજ સમાજમાંથી હિંસા, આતંકવાદ અને હત્યાની પ્રવૃત્તિઓને દૂર કરવા પ્રોત્સાહન મળશે. એમનો પૂર્ણ વિશ્વાસ હતો કે શસ્ત્રાસ્ત્રો પાછળ ખર્ચવામાં આવતા સંસાધનોનો કેવળ એક અંશ પણ આ નિ:સ્વાર્થ પ્રેમની ઉન્નતિ થાય એવી શોધ પાછળ વપરાય તો એને લીધે સમગ્ર વિશ્વને ઘણો મોટો લાભ થાત. જો મનુષ્ય નિ:સ્વાર્થ પ્રેમની ઉપયોગીતાનો અનુભવ કરી લે તો દરેક વ્યક્તિ પોતાના દૈનિક જીવનમાં ઘૃણા, ઈર્ષ્યા અને નિમ્ન પ્રકારની સ્વાર્થપરાયણતામાંથી મુક્ત બનીને વિશુદ્ધ પ્રેમનું આચરણ કરી શકે તેમજ પોતાની આસપાસના લોકો અને પોતાની જાતને પણ સુખી બનાવી શકે છે. આ વિશુદ્ધ પ્રેમ આવી પડેલા વિનાશના ભયમાંથી પૃથ્વીનું રક્ષણ કરી શકશે.

Total Views: 19

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.