(ગતાંકથી આગળ)

ધનગોપાલ મુખરજી આદર્શવાદી પ્રકૃતિના માણસ હતા. એમની રુચિ ભાવનાપ્રધાન અને કલાભિમુખી હતી. આવા ગુણોની નીચે આધ્યાત્મિક અનુભવોની ઝંખનાનો મૌલિક વિચારપ્રવાહ વહેતો હતો! ઇતિહાસના કપરા કાળ દરમિયાન અમેરિકામાં લાંબો દેશવટો, ત્યાંની ખૂબ ખૂબ શરીરશ્રમવાળી મજૂરી તેમના અત્યંત આદર્શવાદી માનસ સાથે ટકરાઈ ઊઠી! છતાં આવી કેટલીય કપરી કસોટીઓ સામે આવવા છતાં તેમની કલાપ્રિયતા અને રચનાક્ષમતામાં તેમણે ક્યારેય ઓટ આવવા દીધી નથી એવું જણાય છે. ખિન્નતામાં ખૂબ ડૂબેલા હોવા છતાં તેઓ એક સમર્થ વક્તા બની રહ્યા! અમેરિકાનાં શહેરોમાં વિવિધ વિષયો પર એમણે અનેક વ્યાખ્યાનો આપ્યાં! થોડા સમયમાં એમનું નામ અને કીર્તિ સમગ્ર યુરોપમાં ફરી વળ્યાં! યુરોપની જુદી જુદી યુનિવર્સિટીઓમાં તેમને વ્યાખ્યાન આપવા માટે નિમંત્રણો મળતાં. અને એ રીતે તેઓ બર્નાડ શો, બર્ટ્રાન્ડ રસેલ, એચ. જી. વેલ્સ અને આઈન્સ્ટેઈન જેવા મહાનુભાવોના સાવ નજીકના સંપર્કમાં રહ્યા!

તેમણે પોતાની કારકિર્દી એક પત્રકાર તરીકે શરૂ કરી અને વિકસતાં વિકસતાં તેઓ એક પ્રસિદ્ધ સર્જનાત્મક બાળસાહિત્યકાર તરીકે ઉપસી આવ્યા. તેમણે ‘ગેનેક’  (જોન નોર્વે મેડલ વિજેતા પુસ્તક, ૧૯૨૭), ‘ધોન્ડ ધ હન્ટર’, ‘કારી’, ‘ધ એલિફન્ટ’, ‘જંગલ બીસ્ટ્સ એન્ડ મેન’, ‘હરિ’, ‘ધ જંગલ લાડ’, ‘હિન્દુ ફેબલ્સ’ અને ‘ધ ચિફ ઓફ ધ હર્ડ’ જેવી વાર્તાઓનો સમાવેશ થાય છે. અને બીજાં અનેક પુસ્તકો દ્વારા તેમણે ખ્યાતિ પ્રાપ્ત કરી છે. એવાં બીજાં ઉલ્લેખનીય પુસ્તકોમાં ‘વિઝિટ ઇન્ડિયા વિથ મી’, ‘કાસ્ટ એન્ડ આઉટ કાસ્ટ’, ‘માય બ્રધર્સ ફેઈસ’, ‘સિક્રેટ લિટરેચર ઓફ ઇસ્ટ’, ‘ડિવોશનલ મેસેજિસ ફ્રોમ ધ હિન્દુ બાઈબલ’ અને ‘ડિસ્ઈબ્યુઝન્ડ ઇન્ડિયા’ ગણનાપાત્ર છે.

તેમનાં આ પુસ્તકોના અનુવાદો ફ્રેન્ચ,જર્મન, ઇટાલિયન, રશિયન અને ઝેકોસ્લોવેકિયન ભાષામાં પ્રકાશિત થયેલા દેખાય છે. ઝેકોસ્લોવેકિયાના એક લેખક પ્રોફેસર ભારતના પ્રશંસક છે તેમણે શ્રી મુખરજીનાં છ પુસ્તકો ઝેકોસ્લોવેકિયન ભાષામાં પ્રકાશિત કર્યાં છે. (ઉદ્‌બોધન સપ્ટે. ૨૦૦૧ની) નોંધવા લાયક વાત તો એ છે કે પોતાની બંગાળી ભાષા સાથે તેમનો પરિચય જરા જેટલો જ હોવા છતાં તેમણે એ પુસ્તકો બંગાળીમાં લખ્યાં છે ભલે તેઓ અમેરિકામાં જ વધારે વસ્યા હોવા છતાં ભારતે શ્રી મુખરજીનું દિલ હરી લીધું હતું. એમનું ‘ધી ડિવોશનલ મેસેજિસ ફ્રોમ હિન્દુ બાઈબલ’ – પુસ્તક અમેરિકામાં ૧૯૨૯ની સાલમાં પ્રકાશિત થયું હતું. વધારામાં તેમણે ઈશોપનિષદ અને શ્વેતાશ્વતર ઉપનિષદનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું હતું. જવાહરલાલ નહેરુ તેમના સમકાલીન અને મિત્ર હતા. નહેરુની વિનંતીને માન આપીને નહેરુના પુસ્તક ‘ધ લેટર્સ ફ્રોમ એ ફાધર ટુ હિઝ ડોટર’ નામના પુસ્તક માટે યુરોપ અને અમેરિકા માટેનો પ્રકાશક તેમણે જ શોધી આપ્યો હતો.

શ્રી મુખરજીના જીવનનો એક રસિક પ્રસંગ ભારતના મહાન ક્રાંતિકારી નરેન્દ્રનાથ ભટ્ટાચાર્ય સાથે સંકળાયેલો છે. તેઓ દેશાંતર કરીને ફાધર માર્ટિનનું નામ ધારણ કરીને યુનાઈટેડ સ્ટેટ્સમાં વસવા આવ્યા હતા. એ વખતે ખરા ફાધર માર્ટિન નામધારી વ્યક્તિની જર્મનના જાસૂસ તરીકે શોધખોળ અમેરિકામાં ચાલી રહી હતી. એટલે નરેન્દ્રનાથ મુખરજી (ખોટા ‘ફાધર માર્ટિન’ નામધારી) એ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં રહેતા આપણા ધનગોપાલ મુખરજીની મદદ માગી. ધનગોપાલે તેમને આવકાર્યા, એમને મદદ કરી અને તેમને ‘એમ. એન. રોય’નું નવું નામ ધારણ કરાવ્યું. આ એમ. એન. રોયે પછીથી વિદેશમાં તેમ ભારતમાં પણ કીર્તિ સંપાદન કરી. આ બધાં કૌશલો ઉપરાંત ધનગોપાલ મુખરજીનું સાચું સ્વરૂપ તો આધ્યાત્મિક પ્રકાશ પ્રાપ્ત કરવાની તેમની અથાક ખોજ જ હતી.

જાણે કે કશાક આંતરિક અભાવના દુષ્કાળથી પીડાયેલા હોય તેવી ભીતર ઈશ્વરપ્રાપ્તિની બળબળતી ઝંખનાવાળા તેઓ કોઈક એવા જણને મળવા માગતા હતા કે જેણે ખરેખર જ શ્રીરામકૃષ્ણને જોયા, જાણ્યા, અનુભવ્યા હોય! તેઓ એવો માનવ શોધતા હતા કે જે રામકૃષ્ણને બરાબર સાક્ષાત્ ઓળખતો હોય! તેવો જ જણ તેમને મદદ કરી શકે તેમ હતો. રામકૃષ્ણના જીવનનો ઇતિહાસ માત્ર એમને માટે કશું કરી શકે તેમ ન હતો. આ દરમિયાન તેમને શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત (શ્રી ‘મ’નો ભેટો થયો. શ્રી ‘મ’એ તેમને રામકૃષ્ણનું રહસ્ય જાણવાની ઇચ્છા જરૂર પૂછી હશે અને એમણે જવાબ આપ્યો કે ‘હા, હું એ અદ્ભુત અને અનન્ય મહાન આત્માના વિશ્વસનીય જીવનની ઘટનાઓને એક સાથે ભેગી કરીને ગૂંથવા ઝંખી રહ્યો છું.’ અને આ બીજ ઉપરથી જ એમનું ‘The Face of Silence’ નામના પુસ્તકનું જાણે કે નિર્માણ થઈ રહ્યું! આ બાજુ ધનગોપાલ મુખરજીનો ઉપરનો જવાબ સાંભળીને શ્રી ઠાકુરજીવનના આ મહાન આલેખકના દિમાગમાં એક વિચાર સ્ફુર્યો- ‘હા, ખરેખર તેમની વાત સાચી જ છે! શ્રીરામકૃષ્ણની જીવન ઘટનાઓને એક સાથે ખાલી ગૂંથી લેવી પાલવે તેમ નથી. તે તો એક વિશેષ રહસ્યમય અદ્ભુત કથા છે, એમાં પ્રામાણિક માર્મિક હકીકતો છે એ પ્રામાણિક રહસ્યોને જ મેં લખ્યાં છે. એ રહસ્યમય ઘટનાઓ તો સચ્ચાઇનો જામ છે! એનો અનોખો નશો હોય છે! શુષ્ક તવારીખોની કેવળ યાદીનો કશો અર્થ નથી! એવી નોંધો કોઈની આધ્યાત્મિક ઉન્નતિ કરાવી શકે નહિ.’

ધનગોપાલ મુખરજીની પરમ યશોદાયી સાહિત્યકૃતિ ‘The Face of Silence’ તો તેમની મિસ મેક્લાઉડ સાથેની સને ૧૯૨૬માં થયેલી મૂલ્યવાન મુલાકાત પછી બાર વરસે પ્રગટ થઈ! આ પુસ્તક ન્યૂયોર્કમાં ‘E. દ્વારા પ્રકાશિત થયું અને પ્રકાશિત થવાની સાથે ‘લીગ ઓફ નેશન્સ’ દ્વારા વરસની ચાલીસ શ્રેષ્ઠ કૃતિઓ માંહેની એક તરીકે પસંદગી પામ્યું. અને ઇન્ટરનેશનલ લાઈબ્રેરી ઓફ જિનિવામાં એનો સમાવેશ કરવામાં આવ્યો! અને પછી તો કેટકેટલાયે પ્રકાશકોએ એનું પુનર્મુદ્રણ પણ કર્યું!

આ ‘Face of Silence’ શ્રી મુખરજીએ પોતાની પથપ્રદર્શક એવી પાંચ મહાનુભાવ વ્યક્તિઓને સમર્પિત કર્યું છે, જેમાં મિસ જોસેફાઈન મેક્લાઉડ પ્રથમ સ્થાન ધરાવે છે. શ્રી મુખરજીના પુત્રે સ્વામી તથાગતાનંદજીને જણાવ્યા મુજબ સ્વામી અખંડાનંદજી અને સ્વામી શિવાનંદજીએ એ પુસ્તકની પ્રશંસા જ કરી હતી. શ્રી મુખરજીએ આ પુસ્તક પછીનું એક પુસ્તક ‘માય બ્રધર્સ ફેઈસ’ નામે લખ્યું. આ પુસ્તકમાં શ્રી મુખરજીએ શ્રીરામકૃષ્ણના કેટલાક શિષ્યોનાં વર્ણનો આપ્યાં હતાં.

વાસ્તવિકતા કરતાં વધુ કલ્પનાસભર અને કવિત્વમય અને જાણે કે કોઈ કિંવદન્તી હોય એવા આ ‘કચબી કર્ જૈનીહબી’ પુસ્તકે વિશ્વભરના વાચકોનાં મન મોહી લીધાં! એની ખરી પૂંજી તો એ છે કે શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદનાં જીવનચરિત્રો લખનાર વિશ્વ વિખ્યાત સાહિત્યકાર રોમાં રોલાંનું મન પણ આકર્ષી લીધું! આ પુસ્તકે રોમાં રોલાંના કલા સંબંધી વિચારો અને એના ગ્રહણશીલ માનસ ઉપર જબ્બર અને ઊંડી ભૂંસાય નહિ એવી છાપ પાડી દીધી! અને એને એક ‘અનન્ય કલાકૃતિ’ તરીકે બિરદાવ્યું; કારણ કે એમાં રામકૃષ્ણકાલીન ભારતનો માહોલ અને એમાં રામકૃષ્ણનું જાગરણ સમ્યક્ રીતે ઉપસી આવ્યાં છે! એણે આગળ ઉમેર્યું: ‘જો હું મારી વાત કરું તો હું એ ક્યારેય ભૂલી શકીશ નહિ કે આ સુંદર પુસ્તકની પ્રેરણાથી જ હું શ્રીરામકૃષ્ણનો પ્રથમ પરિચય પામ્યો છું અને એણે મારેલા ધક્કાથી જ હું આ કામ માટે પ્રેરાયો છું. એ માટે હું મારી કૃતજ્ઞતા પ્રકટ કરું છું. આ પુસ્તકમાં શ્રી મુખરજીએ પોતાની પ્રખર બુદ્ધિમત્તા અને કૌશલથી શ્રીરામકૃષ્ણના વ્યક્તિત્વનાં એવાં પાસાંઓને ઉપસાવ્યાં છે કે જે યુરોપની અને અમેરિકાની ચેતનાને કશોય આંચકો આપ્યા વગર જ આકર્ષી લેશે. મને લાગે છે કે એમની અવધારણાઓની ઉપરવટ જઈને હું એ માટે ખરેખરા દસ્તાવેજી પુરાવાઓ એકઠા કરીને અને મારા તરફથી કશું જ ઉમેર્યા વગર ગૂંથી લઉં.’ (The life of Ramakrishna)

સને ૧૯૨૮માં શ્રી મુખરજીનું એક બીજું પુસ્તક પ્રકાશિત થયું: ‘A son of mother India answers’ આ કૃતિ ભારતમાતાનો મહિમા ગાતું અને એના નિંદકોને જડબાતોડ જવાબ આપતું પુસ્તક છે! વાત એમ હતી કે કેથેરિન મેયોએ સને ૧૯૨૭માં ‘Mother India’ નામે એક પુસ્તક પ્રકાશિત કર્યું હતું અને એમાં ભારતને ભારોભાર અન્યાય કરતી ભારે નિંદા અને કુથલી – કટાક્ષો કરવામાં આવ્યાં હતાં. અને આ પુસ્તક પ્રગટ થતાંવેંત જ એનાં પાંચ પુનર્મુદ્રણો થઈ ગયાં હતાં! ૧૯૩૦માં છવ્વીસ સને ૧૯૩૫માં પાંત્રીસ પુનર્મુદ્રણો થયાં! એ પુસ્તકનું ચલણ વધી પડ્યું! એક અમેરિકન યાત્રી તરીકે મિસ મેયો ભારતમાં ૧૯૨૫માં આવેલ. એણે પોતાના પુસ્તકને છેતરામણું નામ આપ્યું અને એવા નામથી તદ્દન વિપરીત વાતો કરીને ભારતીય જીવનની જબરદસ્ત વગોવણી કરી! એની સંસ્કૃતિની અને સભ્યતાની નિંદા કરી. ભારતીય સમાજના પ્રચલિત તત્કાલીન રીતરિવાજોનું મૂલ્ય એણે એના સંકુચિત પરિપ્રેક્ષ્યથી આંક્યું! આ પુસ્તકે અમેરિકા અને યુરોપ પર ભારે અસર કરી મૂકી! ભારતને તુચ્છ લેખનારા પહેલાંના અલ્બે દુબોઈસ જેવા ભારત વિરોધી પૂર્વગ્રહી આક્રમક લેખકોનાં જ એમાં ઉદાહરણો અપાયાં છે! બ્રિટીશના ગુલામ બનેલ ભારતને હીણું ચીતરનારાઓને બ્રિટીશ શાસનનું પૂરતું પીઠબળ હતું. અને એવું એવું હીણું વાંચવાની એ યુરોપ – અમેરિકાની પ્રજાને મજા પડતી!

ધનગોપાલે આ ‘A son of mother India answers’ પુસ્તક લખીને એવા લેખકોનો ભાંડો ફોડી નાખ્યો કે આવાં ભારતવિરોધી પુસ્તકોનો પ્રચાર-પ્રસાર કરવા માટે ઇસ્ટ ઇન્ડિયા કંપની જ પૈસા ખર્ચતી હતી! આ રીતે ઇસ્ટ ઇન્ડિયા કંપની આવા લેખકો દ્વારા ભારત પર સાંસ્કૃતિક હુમલાઓ કરાવતી રહેતી હતી! ધનગોપાલે બરાબર મોકે જ આ પુસ્તક બહાર પાડ્યું અને મેયોના દરેકે દરેક મુદ્દાનો જડબાતોડ જવાબ આપી દીધો!

શ્રી મુખર્જીએ મહાત્મા ગાંધીના સાપ્તાહિક સમાચારપત્ર ‘હરિજન’માંથી પણ આ ‘Mother India’ પુસ્તકની સાહિત્યિક આલોચના કરી. ગાંધીજીએ પણ મેયોને ‘ગટરની રખેવાળ’ કહી છે! કેટલાક અમેરિકન મિત્રોના કહેવાથી જ તેમણે આ વળતો ઘા કરતું પુસ્તક લખ્યું છે મુખર્જીએ મારેલા આ વળતા જોરદાર અને સુયોગ્ય ફટકામાં પણ ખૂબીની વાત તો એ છે કે એમણે મિસ મેયોને કોઈ જ કડવો શબ્દ કહ્યો નથી! એમણે તો ફક્ત ભારતની સરકાર તેમજ યુરોપિયન સ્રોતોમાંથી જ ભેગા કરેલા આંકડાઓ પુરાવા તરીકે આપીને જવાબદારીપૂર્વક જ આ બૌદ્ધિક જવાબ આપેલ છે.’

મિસ મેયોની ચોપડીનાં ‘લંડન ટાઈમ્સ’ વગેરે ઘણાં છાપાંઓમાં વખાણ છપાયાં; પણ એની પહેલાં તો એનો વિરોધ કરતો,  ભારતના સુવિખ્યાત રાજપુરુષો એવા પારસીઓ, હિન્દુઓ અને મુસલમાનોની સહીવાળો એક પત્ર ભારતીય છાપાંઓમાં છપાઈ જ ચૂક્યો હતો! ભારતના હાઈકમિશનરે ભારતના આ પ્રમાણભૂત વિરોધી અવાજને વ્યક્ત કરવા માટે આ પત્ર ‘લંડન ટાઈમ્સ’ને મોકલ્યો પણ હતો, આમ છતાં ‘લંડન ટાઈમ્સે’ આ મૂલ્યવાન આલોચનાત્મક પત્ર અમને છાપવાની ના પાડી દીધી! શ્રી મુખરજીએ પોતે જ આ વાત પોતાના એ જવાબી પુસ્તકમાં જણાવી છે!

જીવનની એકદમ બનતી જતી ઘટનાઓ અને અનુભવોની વચ્ચે શ્રી મુખરજી પોતાની જીવનનૌકાને ક્યાંય લાંગરી શકયા નહિ, તેઓ ખૂબ જ અંતરમુખી માનવી હતા. ચિંતન તેમના સ્વભાવમાં હતું. રામકૃષ્ણ સંઘના આદરણીય સ્વામીજીઓ સાથેને તેમનો પ્રેમાળ સંબંધ અને તેમની સાથે તેમણે કરેલો પત્રવ્યવહાર જ તેમની આધ્યાત્મિક મૂડી હતા. તેમની એ પૂંજી ધીરે ધીરે ઊંડી ને ઊંડી થતી ચાલી! તેમણે ન્યૂયોર્કની ૩૨૫ ઇસ્ટ, ૧૨મી સ્ટ્રીટમાંથી સ્વામી અખંડાનંદજીને ૧૨મી જુલાઈ, ૧૯૩૬ના રોજ બંગાળી ભાષામાં એક પત્ર લખ્યો હતો. તેમાં તેમણે પોતાનું અમેરિકાનું જીવન વર્ણવ્યું છે. સ્વામી અખંડાનંદજીએ તેમને બંગાળી ભાષામાં જ પત્રો લખવાનો આદેશ આપ્યો હતો! કેવી નિષ્ઠા! બસ, ગુરુ આજ્ઞાનું આ છેલ્લે પાલન કરીને તેઓ ધ્યાન કરવા બેસી ગયા! અને એકાંતમાં કેવળ ઈશ્વરના જ સાંનિધ્યમાં તેમણે સ્વેચ્છાથી પોતાના પ્રાણ ઈશ્વરને અર્પણ કરી દીધા અને તેમના ભૌતિક દેહને તેમણે પોતાના એ રૂમમાં તે જ રાત્રિએ ફાંસામાં લટકાડી દીધો! આમ કરવાનું કારણ એવું જણાય છે કે તેમની તીવ્ર તાલાવેલીને કારણે શ્રીરામકૃષ્ણદેવે તેમને બે વખત દર્શન આપ્યાં હતાં અને તેમણે જ તેમને આવું સ્વેચ્છામૃત્યુ પામવા પ્રેર્યા હતા! એમનાં પત્નીને તો એવી સ્પષ્ટ ખાતરી જ હતી કે તેમણે પોતાનો દેહ આધ્યાત્મિક શક્તિથી જ છોડી દીધો હતો! તાજેતરમાં પ્રકાશિત થયેલા તેમના છેલ્લા પ્રખ્યાત પત્રના છેલ્લા પરિચ્છેદમાં શ્રી મુખરજીએ પ્રબળ આધ્યાત્મિકતાથી છલકાતા શબ્દોમાં ભગવાન સાથે એકાકાર થઈ જવાની સતત અતિ તીવ્ર તાલાવેલી દાખવી હતી! હૈયાને હચમચાવી નાખતી તાલાવેલી, પ્રકાશિત જીવનની અતિશય તલસાટ ભરી ઝંખના કરતા કોઈપણ ભક્તના હૃદયને ઊંડી સહાનુભૂતિથી ભરી દે છે, ન્યૂયોર્કનાં વેદાંત સોસાયટીના તત્કાલીન અધ્યક્ષ સ્વામી બોધાનંદે શ્રી મુખરજીના આ પત્રનું અંગ્રેજી ભાષાંતર કરીને સ્વામી અખંડાનંદને તેમણે વિનંતી કરવાથી મોકલ્યું હતું. મુખરજીના અંતિમ સંસ્કાર પણ સ્વામી બોધાનંદે જ કર્યા હતા. અને તેમની નાનકડી શ્મશાનયાત્રામાં પણ સામેલ થયા હતા.

શ્રી મુખરજીના પુત્રનો એક અસરકારક પત્ર સ્વામી તથાગતાનંદજીને સને ૨૦૦૪ના સપ્ટેમ્બર માસની સોળમી તારીખે મળ્યો એમાં તેમની નમ્ર્ર અને સ્પષ્ટ નોંધોની સાથે આ નીચે બતાવેલી બાબતોનો સમાવેશ થાય છે: ‘સ્વામી શિવાનંદજીના પત્રો તેમને માટે (ધનગોપાલ માટે) ઘણા તાલીમ આપનારા તેમજ તેમને આધાર આપનારા નીવડતા. તેમણે (સ્વામી શિવાનંદજીએ) મારા પિતાજીનું સ્વામી વિવેકાનંદે યુ.એસ.એ.ને આપેલા વારસાને અનુસરવાનું વલણ બરાબર પારખી લીધું હતું. સ્વામીજીના સંદેશને અમેરિકાના લોકો સુધી પહોંચાડયાનો તેમનો દૃષ્ટિકોણ પારખી લીધો હતો. સ્વામી અખંડાનંદ જ્યારે મઠ-મિશનના અધ્યક્ષ થયા ત્યારે તેમણે પણ મારા પિતાશ્રીની ઠાકુરને – ઈષ્ટને મળવા માટે સ્વેચ્છામૃત્યુની મનીષા જાણી લીધી હતી. સ્વામી અખંડાનંદજીએ મારા પિતાજીને એક સુંદર પત્ર લખ્યો. એ પત્ર જૂન – જુલાઈના અરસામાં લખાયેલો હતો. એનો પ્રત્યુત્તર મારા પિતાશ્રીએ બંગાળી ભાષામાં આપ્યો અને પછી જીવન ટૂંકાવી નાખ્યું! સ્વામી અખંડાનંદજીના પૂર્વોક્ત પત્રની સાથે તેમણે મારા પિતાશ્રી માટે એક ગેરુઆ રંગનું કપડું પણ મોકલ્યું હતું… …સને ૧૯૩૩માં મારા પિતાશ્રી આ દુનિયાદારીના વહેવારો છોડીને મારી સાથે ફક્ત ધ્યાનમાં જ બાકીના દિવસો ગાળવા ઇચ્છતા હતા. પણ હું એમને સાથ આપી શક્યો નહિ! મેં મારા પિતાજીને ગુમાવ્યા એનું કારણ મારા પિતાજીએ પોતાનું હૃદય ઈશ્વરને ધરી દીધું હતું! મારા નસીબમાં તો એમનો એક પત્ર જ મેળવવાનું બચી રહ્યું! એ પત્રમાં મને જણાવવામાં આવ્યું હતું કે હવે તેઓ સંસારનો ત્યાગ કરી રહ્યા હતા અને મારા પિતાશ્રી તરીકેનો પાઠ સમાપ્ત કરી રહ્યા હતા! અને જીવનની કોઈ પણ સમસ્યાના માર્ગદર્શન સામે સ્વામી અખંડાનંદજીની સલાહ લેવાનું સૂચવી ગયા હતા! … સ્વામી અખંડાનંદ મારા પિતાજીના ઈશ્વર પ્રેમને બરાબર પિછાણતા હતા… દિનરાત તેઓ ઈશ્વરને પુકારતા – ઝંખતા રહેલા, વિરહ વ્યથા ભોગવતા, રડતા – તલસતા રહેતા! ‘હે ભગવાન! મને દર્શન દે’ – આ જ તેમનું રટણ હતું! બેલુર મઠમાંથી અખંડાનંદજીએ મોકલેલ ગેરુઆ વસ્ત્ર સાથેના પેલા પત્રથી ઈશ્વરવિરહની તેમની અસહ્ય વેદના કંઈક મોળી પડી હતી. હું આ બધું આપને એટલા માટે જણાવી રહ્યો છું કે સમાચાર પત્રો તો આ ઘટનાને આત્મહત્યા તરીકે ખપાવશે! પણ આ તો એક શુદ્ધ મહાન આત્માનો મોક્ષ હતો! સમાચાર તરીકે તેનું ગમે તે મૂલ્ય હોય!’

આ વિભૂતિનો રોમાં રોલાં સાથેનો ભવ્ય મેળાપ કેવા અદ્ભુત માહોલમાં થયો? રામકૃષ્ણ – વિવેકાનંદનાં જીવન ચરિત્રો લખવાની રોમાં રોલાંને મુખરજીએ કેવી રીતે પ્રેરણા આપી? રોમાં રોલાંનાં પુસ્તકોનાં પ્રકાશનો રશિયામાં કેવી રીતે થયાં? રોમાં રોલાંના શાંતિવાદને કેવી પ્રેરણા મળી? વગેરે ઘણી ઘણી રસિક વાતો મોકો મળ્યે ક્યારેક કરીશું.

Total Views: 9

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.