રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુર દ્વારા પ્રકાશિત ‘વિવેક જ્યોતિ’ હિન્દી સામયિકના વર્ષ ૩૭, અંક ૧માંથી બ્રહ્મલીન સ્વામી આત્માનંદજીએ લખેલ લેખનો ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે. – સં.

આજે સર્વત્ર આપણને આ જ વાત સાંભળવા મળે છે કે ઈમાનદારી એ ગુણ નથી, પણ દુર્ગુણ છે. લોકો કહે છે કે જે વ્યક્તિ ઈમાનદાર છે તે જીવનમાં ભૌતિક ઉન્નતિ કરી શકતો નથી અને એને માટે કેટલાંય ઉદાહરણો પણ આપે છે. વેપારી કે ઉદ્યોગપતિ ઈમાનદાર હોય તો કદાચ એની પેઢી બેસી પણ જાય… જો માસિક પગારદાર કર્મચારી ઈમાનદાર રહે તો પોતાના ‘બોસ’ને ખુશ ન કરી શકે. વહીવટનો ગમે તે વિભાગ હોય પણ પોતાના અધિકારીને ખુશ કરવામાં નાના કર્મચારીઓ કે અધિકારીઓ અપ્રામાણિક બને છે; આવું બધું આપણને સાંભળવા મળે છે. એટલે જ લોકો કહે છે કે ઈમાનદારીનું વળતર મળતું નથી. ઈમાનદાર વ્યક્તિને લોકો જમાનાની બહારનો ગણે છે.

ઈમાનદારીને એક ગુણ માનનારા એમ કહે છે કે આજે જ્યારે બધા લોકો બેઈમાન છે તો હું એકલો પ્રામાણિક બનીને શું કરી શકું? તેઓ મહાભારતના ‘શઠં પ્રતિ શાઠ્યં કુર્યાત્’નું ઉદ્ધરણ ટાંકે છે. જો કોઈ વ્યક્તિ સરળ અને નિષ્કપટ હોય તો એની સાથે સરળતા અને નિષ્કપટભાવથી વર્તી શકાય. પણ જો એ દુષ્ટ હોય, છળકપટવાળો હોય તો એની સાથે સરળતા કે કપટવિહોણાપણું નકામું નીવડે છે.

હવે આ બંને તર્કમાં વજન છે. મારા એક મિત્ર છે. રવિશંકર વિશ્વવિદ્યાલયમાં તેઓ કુલપતિ હતા. એમને એક વર્ષે પોતાનાં પુસ્તકોની રોયલ્ટી મળી. સ્વાભાવિક રીતે આવક વધી ગઈ. તેઓ અત્યંત પ્રામાણિક હતા. પોતાની આવકનો એક-એક પૈસાનો હિસાબ આપવામાં ભૂલ ન કરતા. પરંતુ આયકર વિભાગવાળાએ એ વર્ષની આવકને આધારે બીજાં વર્ષોની પણ આવક ગણી લીધી અને એના ઉપર આવકવેરો ઠોકી બેસાડ્યો. એણે કરજ કરીને આવકવેરો ભર્યો. અલબત્ત, આયકર વિભાગને ભૂલ સમજાતા એમણે એ રકમ ઘણા સમય પછી પાછી વાળી. આને લીધે એમને માનસિક અને શારીરિક પરેશાની કેવી થઈ હશે, એનો કોઈ ઇન્કાર ન કરી શકે.

હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે પ્રામાણિકતાને જીવનમાં શા માટે સ્થાન આપવું? ઈમાનદારી એ જ માણસના અસ્તિત્વનો મૂળ આધાર છે, એનો ધર્મ છે. એટલે જ એને સ્થાન મળવું જોઈએ. અગ્નિનો ધર્મ તાપ છે અને એ નષ્ટ થાય તો અગ્નિનું અસ્તિત્વ ન રહે. એવી રીતે પ્રામાણિકતા મનુષ્યનો ધર્મ છે અને એ નાશ પામે એટલે મનુષ્યતા મરી જાય છે. આજે માનવતા નાશને આરે ઊભી છે અને એનું કારણ એ છે કે એમાં ઈમાન તૂટતો જાય છે. આપણે એવી દલીલ કરીએ છીએ કે પ્રામાણિકતાથી કામ થતું નથી. આમ છતાં પણ આપણે પોતાની સાથેના વ્યવહારમાં પ્રામાણિકતા ઇચ્છીએ છીએ. આ એક વિચિત્રતા છે. આપણે એમ ઇચ્છીએ છીએ કે આપણને દુનિયામાં દગા-ફટકા કરવાની છૂટ મળવી જોઈએ. સાથે ને સાથે એવું પણ ઇચ્છીએ છીએ કે કોઈ આપણી સાથે દગાનો ખેલ ન કરી જાય! આપણે બીજાની સાથે અપ્રમાણિકતાનો વર્તાવ કરવામાં આ યુગની માગ અને ચાલ માનીએ છીએ. પણ કોઈ આપણી સાથે બેઈમાનીથી વર્તે તો નારાજ થઈએ છીએ. શું આપણે એવું ઇચ્છશું કે મારો પુત્ર, મારો પતિ, મારા ભાઈ કે પિતા, મારો નોકર કે કર્મચારી મારા પ્રત્યે અપ્રમાણિક બને? શું આપણે પત્નીને આપણા પ્રત્યે બેવફાઈ બતાવવાની છૂટ આપી શકીએ? જો આમ ન કરી શકીએ તો આપણે ‘અપ્રમાણિકતા વગર કામ થતું નથી’ એમ ન કહી શકીએ. મનુષ્યે પોતાની આ બેરંગી ચાલ બદલવી પડે. એકલા આપણે પ્રામાણિક બનીને શું કરીશું, એવી દલીલ થાય તો એના ઉત્તરમાં આપણે એટલું કહેવું પડે જો આપણે માનવતાના હિતેચ્છુ હોઈએ તો આપણે પોતાના જ જીવનમાં પ્રામાણિકતાનો પાઠ શરૂ કરવો જોઈએ.

Total Views: 15

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.