પ્રેમનો જાદુ

આપણે અનંતકાળ સુધી રાહ ન જોઈ શકીએ કે ક્યારે વૈજ્ઞાનિકો રસરુચિ લઈને ‘માનવતા પર પ્રેમનો પ્રભાવ’ એ વિશે પોતાનો નિષ્કર્ષ પ્રકાશિત કરશે. માનસિક અને દૈહિક રોગો વિશેની શોધો દ્વારા આપણે પહેલેથી જ જાણી ચૂક્યા છીએ કે ઘૃણા હાનિકારક છે અને પ્રેમ હિતકારક છે. ઘૃણા, ઈર્ષ્યા, ગર્વ, ચિંતા, શંકા અને બદલાની ભાવના જેવા દુર્ગુણો આપણા સ્વાસ્થ્ય માટે ઘણા નુકસાનકારી ઝેર જેવા છે. પ્રેમ માત્ર શારીરિક સ્વાસ્થ્ય આપતો નથી, એ તો આપણને નૈતિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય જાળવી રાખવા મદદ કરે છે. જ્હોન હન્ટર  નામના એક પ્રસિદ્ધ સર્જન હૃદયરોગથી પીડાતા હતા. એમણે એકવાર કહ્યું: ‘મને ગુસ્સે કરનાર વ્યક્તિમાં મારો જીવ લઈ લેવાની ક્ષમતા છે.’ એટલે એમનો અભિપ્રાય એવો હતો કે ક્રોધ કે આવેશ આવે તો હૃદયના આઘાતથી એમનું મોત નીપજે ખરું. અને આવા જ આઘાતથી એમનું મૃત્યુ થયું. દુર્ભાવનાઓ એને વિનાશ તરફ લઈ જઈ રહી છે એવું કોઈ વ્યક્તિને લાગે તો એમનાથી બચવાનો તે પ્રયત્ન કરશે. કેટલીક બાબતો વ્યક્તિગત, નૈતિક તેમજ સામાજિક દૃષ્ટિએ સારી લાગતી હોય પણ રાજનૈતિક દૃષ્ટિએ એ શું હાનિકારક નથી બની શકતી? આજે સામાજિક વિકાસ પ્રત્યે ચિંતિત રહેવાનો દાવો કરનારા આપણા રાજનીતિજ્ઞો, બુદ્ધિવાદીઓ અને ક્રાંતિકારીઓ પોતાના પક્ષના સ્વાર્થ માટે લોકોમાં પરસ્પર ઘૃણા અને તિરસ્કારનો ભાવ ફેલાવી રહ્યા છે. ક્રાંતિને નામે તેઓ સમાજમાં ઘૃણાનાં બીજ વાવે છે. વાણી સ્વાતંત્ર્યના નામે રચનાત્મક આલોચનાનું મહોરું પહેરીને તેઓ  પોતાના વિચારો સાથે અસંમત થનારા લોકોના ચારિત્ર્યનું ખંડન પણ કરી લે છે. તેઓ જુઠાણા સંઘર્ષ અને હલકી નિંદા કરવાની પરંપરા આદરી દે છે. સમાજ સુધારકના પાખંડી વેશમાં તેઓ સમાજના તાણાવાણાને વેરવિખેર કરી દે છે.

લોકોને આવા દુષિત વાતાવરણમાંથી બહાર કાઢવા એમનામાં નાનપણથી જ પ્રેમની મહત્તા પ્રત્યે શ્રદ્ધા ઊભી કરવા અને પ્રેમની સબળ ભાવના જાગ્રત કરવાની જરૂર છે. જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં વિશુદ્ધ પ્રેમ પ્રગટ કરવા એમને પ્રશિક્ષણ પણ આપવું પડે.

અધિકાર કે સત્તાની આકાંક્ષા વિહોણા દેશભકતોનો એક પક્ષ બનાવાયો હોત તો સારું થાત. આવો પક્ષ સમાજના ભિન્ન ભિન્ન વર્ગો વચ્ચે સંવાદ અને સમાનતા સ્થાપિત કરીને પ્રેમનો સંદેશ ફેલાવી શકત. વસ્તુત: આ ધર્મપ્રાણ લોકોનું કામ છે. પણ દુ:ખની વાત તો એ છે કે આવા લોકો પણ પરસ્પર ઝઘડી રહ્યા છે. ‘એડગર કૈસીસ સ્ટોરી ઓફ એટિટ્યૂડ્સ એન્ડ ઇમોશન’ -એડગર કૈસીનાં દૃષ્ટિકોણ અને ભાવનાઓની કથા- નામના પુસ્તકમાં ઝેફરી ફર્સ્ટની આ વાતો પર ધ્યાન દેવાની જરૂર છે: ‘જીવવિજ્ઞાન, સ્વાસ્થ્ય તથા યૌવન જેવા વિષયો પર અભ્યાસ કરાવતી વખતે મને એવું લાગે છે કે મને આ વિષયો પર થોડી જાણકારી મળી છે. મારો મત એવો છે કે ગત સો વર્ષો દરમિયાન પહેલા ધોરણથી માંડીને કોલેજ સુધીનાં આપણા દેશનાં બાળકો તથા યુવાનો સમક્ષ વ્યાવહારિક અભ્યાસક્રમના રૂપે નિષ્કામ પ્રેમનાં બધાં પાસાં રખાયાં હોત તો આજે સામાજિક, રાજનૈતિક અને જાતિયસંબંધો વિશે પ્રકટ થતી કે થનારી સમસ્યાઓમાંથી મોટાભાગની સમસ્યાઓનો આપણે સામનો ન કરવો પડત.’

નિ:સ્વાર્થતાની કસોટી

સ્વામી વિવેકાનંદે પોતાના ‘કર્મયોગ’ નામના વ્યાખ્યાનમાં નિ:સ્વાર્થ ભાવનાને ઈશ્વરના રૂપે પ્રતિપાદિત કરી છે. તેઓ કહે છે કે નિ:સ્વાર્થતાનો ગુણ વ્યક્તિને દિવ્યતાની કક્ષા સુધી ઉન્નત કરે છે. દિવ્યતા માનવીય પૂર્ણતાની અવસ્થા છે અને એને પ્રાપ્ત કરવી એ જ જીવનનું લક્ષ્ય છે. ‘માતૃદેવો ભવ’ આ એક બહુ પ્રચલિત વેદવાક્ય છે. માના નિ:સ્વાર્થભાવથી કોણ અજાણ છે? તે પોતાની સુખસુવિધાઓને ભૂલીને સંતાનોની સંભાળ લે છે અને પ્રસંગ આવે ત્યારે બાળકોની રક્ષા માટે પોતાના પ્રાણનું બલિદાન આપવામાં પણ સંકોચ અનુભવતી નથી. આ રીતે પ્રેમપાત્રના હિત માટે પરિશ્રમ કરવો એ પ્રેમનો એક પક્ષ છે. નિ:સ્વાર્થ પ્રેમની સાકાર મૂર્તિ, એક માની સેવા તથા તેની બલિદાનની ભાવના દ્વારા જ અસંખ્ય પ્રાણીઓ શૈશવથી અસહાય અવસ્થામાંથી ઊભરે છે. એવા નિ:સ્વાર્થ પ્રેમની અભિવ્યક્તિથી જ માતૃત્વ સફળ અને સંતુષ્ટ બને છે.

માતા પોતાનાં બાળકોને કિલકારીઓ કરતાં જોઈને પરમ સંતોષ પામે છે. પોતાનાં બાળકોની આવી આનંદપૂર્ણ ક્રીડાઓને તે સતત નિહાળતી રહે એવી માની ઇચ્છા હોય છે. આ પ્રેમ મા અને સંતાન બંને માટે સુખદાયી, આનંદદાયી છે. બાળકો માટે માનો પ્રેમ સંરક્ષણ અને આશ્રયનો સ્રોત છે. બાળકના પ્રેમ વિના કોઈ મા સંતોષ અનુભવી શકતી નથી. માના પ્રેમનો અનુભવ કર્યા વિના કોઈ પણ બાળક આત્મવિશ્વાસ મેળવી શકતો નથી, તેમજ બીજાનામાં પણ શ્રદ્ધા કે વિશ્વાસ ધરાવી શકતો નથી. માતૃપ્રેમનું આસ્વાદન કરીને બાળક કૃતજ્ઞતાથી ધન્ય બનીને માની સાથે કાયમને માટે આત્મીયતાનો સંબંધ બાંધે છે. માતૃત્વની ભાવનાને આત્મસાત્ કરનાર મા દ્વારા આ વાત્સલ્યભાવ વિશેષ રૂપે અભિવ્યક્ત થાય છે. 

ક્યારેક ક્યારેક એવું બની શકે કે આ નિ:સ્વાર્થપ્રેમ પૂર્ણવિકસિત રૂપે અભિવ્યક્ત ન થાય છતાં પણ આપણે પોતાની માતા પ્રત્યે આદરભાવ જાળવી રાખવો જોઈએ. આપણે મા દ્વારા પ્રદર્શિત થતા પ્રેમ, મૃદુતા, કરુણા અને સેવાને ક્યારેય ભૂલવાં ન જોઈએ. આપણે ક્યારેય મા પ્રત્યે કૃતઘ્ન ન બનવું જોઈએ. માનો આદર કરીને આપણે સૌ સદ્‌ગુણ સંપન્ન બનીશું અને આપણા જીવનને કૃતાર્થ બનાવીશું. એટલે જ પ્રાચીન ઋષિઓએ ‘માતૃદેવો ભવ’ કહ્યું છે.

જો મા સ્વાર્થી બને તો એના ભયાનક પરિણામની કલ્પના કરવી સહજ છે. પોતાનું શારીરિક સૌંદર્ય ઘટી ન જાય એટલે પશ્ચિમના દેશોમાં કેટલીક નારીઓ બાળકોને જન્મ દેવામાં તથા એના પાલનપોષણની બીનજરૂરી ઝંઝટમાં પડવા ઇચ્છતી નથી. વિવાહિત નારીઓ પણ ગર્ભધારણથી આશંકિત રહે છે એવુંય ઘણે સ્થળે બને છે. માતા પોતાનાં બાળકોનાં કલશોર, ઘોંઘાટ અને તોફાનોથી કંટાળીને એને કઠોર સજા પણ કરતી રહે છે, એવા સમાચારો અવારનવાર જોવાજાણવા મળે છે. એને પરિણામે આવી માતાનાં બાળકો આજીવન શારીરિક અને માનસિક પીડા ભોગવતાં રહે છે. 

હોલ્ટ, રિંચેંટ, વિન્સ્ટન પોતાના ‘અન્ડર સ્ટેન્ડિંગ હ્યુમન બિહેવયર – માનવીય વ્યવહારની સમજ’ નામના ગ્રંથમાં કહે છે: ‘અનેક સ્ત્રીઓ પોતાનાં સંતાનોને પ્રેમ પણ કરતી નથી અને એની સારસંભાળ પણ લેતી નથી. અને આપણે આગળ જોઈશું કે દરેક વર્ષે આવી હજારો સ્ત્રીઓ પોતાનાં બાળકોને ત્યજી દે છે, એનાં અંગો તોડી મરડી નાખે છે અને કેટલીક સ્ત્રીઓ તો પોતાનાં સંતાનોની હત્યા પણ કરી નાખે છે. પિતાઓની વાત તો આના કરતાંય બદતર છે.’ આપણે સારી રીતે કલ્પના કરી શકીએ છીએ કે જો મા સ્વાર્થી બની જાય અને માતૃત્વના આદર્શથી ભ્રષ્ટ થઈ જાય તો આ સમાજ પર કેવું ભયાનક સંકટ છવાઈ જાય!

પ્રેમની વિશુદ્ધતાની કસોટી નિ:સ્વાર્થ ભાવનામાં જ છે. પ્રકૃતિ આપણને માના ઉદાહરણ દ્વારા નિ:સ્વાર્થતાનો બોધપાઠ આપે છે. ઉપરાંત માતૃત્વની ઉચ્ચ જવાબદારી પ્રકૃતિએ સ્ત્રીઓને જ સોંપી છે. આજે આધુનિક શિક્ષણ અને યંત્રયુગની સુવિધા મુજબ વિકસિત રાષ્ટ્રોમાં સ્વતંત્રતાને નામે અનૈતિકતા અને સ્વેચ્છાચાર વધતાં જાય છે. નારીસ્વાતંત્ર્યની ધારણા માતૃત્વના આદર્શની જાણે કે દુશ્મન બની રહી છે. સ્ત્રી તથા પુરુષની વચ્ચે સમાનતાની વકીલાત કરનારા કહેવાતા સુધારાવાદીઓ ધાર્મિક પૃષ્ઠ ભૂમિમાં નક્કી થયેલ નિયમોને અને એનાથી થનારા લાભોને સમજી શકતા નથી. ધર્મના બધા નિર્દેશો લોકોને ક્રમશ: નિ:સ્વાર્થ ભાવનાની સીડીઓ ચડાવતાં ચડાવતાં દિવ્યાનંદ તરફ દોરી જાય છે. આ આધ્યાત્મિક આદર્શો પર સુયોગ્ય ધ્યાન આપ્યા વગર માત્ર ધર્મને જ ખરાબ ઠરાવી દેવાથી સમાજ વિનાશ તરફ જઈ શકે છે.

માનો ભાવુકતાપૂર્ણ પ્રેમ

પોતાની પ્રૌઢાવસ્થામાં એક વરિષ્ઠ અધિકારીએ પોતાની માની યાદ કરતાં આમ કહ્યું હતું: ‘પોતાનાં બધાં સગાંસંબંધીઓ તેમજ અમારા સૌ માટે મારી મા દિવ્ય પ્રેમનું જીવંત પ્રતીક હતાં. એમનું નામ જ ‘કૃપા’ હતું. મને શ્રદ્ધા બંધાઈ ગઈ કે તેઓ ભગવદ્કૃપાની સાક્ષાત્ મૂર્તિ હતાં. એમનો પ્રેમ ક્યારેય ઘટતો નહિ. તેઓ પોતાના અસીમ આશાવાદ સાથે સદૈવ મુશ્કેલીઓ અને આપત્તિઓનો સામનો કરવા તૈયાર રહેતાં. એમનામાં અપાર ધૈર્ય હતું અને એમણે ક્યારેય પ્રશંસા કે મીઠાં વચનોની અપેક્ષા રાખી ન હતી. ઈશ્વર તથા એમના માર્ગદર્શનમાં મારી માને અટલ વિશ્વાસ હતો. એમનો વ્યવહાર આંતરિક સંતોષભર્યો હતો. મારા મનમાં અંકિત થયેલ એ ભાવ પછીના દિવસોમાં પણ ક્યારેય મટ્યો નહિ. એમના સદ્‌ગુણની સ્મૃતિઓ મને અભિભૂત કરી મૂકતી. એમના જીવનના અંતિમ બે-એક વર્ષ દરમિયાન એમણે પૂર્ણ અનાસક્તિ, બધા પ્રત્યે પ્રેમભાવ અને બધું સ્પષ્ટપણે જોવાની અંતર્દૃષ્ટિ પ્રાપ્ત કરીને પોતાની જાતને એક સંતના સ્તર સુધી ઉન્નત કરી દીધી. એમની ઉપસ્થિતિ જ બધા માટે પ્રેરણાનું સ્રોત બની રહેતી. દૂર દૂરના સ્થળે કાર્યરત હોવા છતાં પણ અમે લોકો દર વર્ષે ઓછામાં ઓછા થોડાક દિવસ એમની સાથે પસાર કરવા વ્યાકુળ બની જતા. બાળપણમાં જ હું એમની સાથે પ્રેમ તથા આત્મીયતા સાથે વર્તાવ કરતો. આજે તો એમના પ્રત્યે આદર અને ભક્તિભાવથી નતમસ્તક બની ગયો છું.’ શું કોઈ પરિવાર એક આવી માતાના ઉચ્ચ ગુણોથી પ્રભાવિત થયા વિના રહી શકે ખરો?

પ્રેમ: કૌટુંબિક જીવનનો પ્રાણ

મહેલ જેવું ઘર. માણસોથી ભર્યોપૂર્યો એક ધનવાન પરિવાર છે. સુખ-સગવડતાની કોઈ કમી નથી. આમ છતાં પણ ઘરના બધા લોકોનાં મન અસંતોષ અને મનની ખટાશવાળી તીરાડોથી વિભાજિત રહે છે. સમૃદ્ધિ છે પણ એ બધાને પરસ્પર જોડનાર શક્તિ અને ‘પ્રેમ’નો અભાવ વર્તાય છે.

પરિવારનો મુખી વહેલી સવારે ઊઠે છે. નિત્યકર્મ પછી એક કપ ચા માટે પોતાની બીમાર પત્નીને જગાડવાનો પ્રયત્ન કરે છે. વારંવાર પ્રયાસ કર્યો પણ પત્ની ન ઊઠી એટલે પોતાના ભાગ્યને માથે દોષનો ટોપલો નાખીને પોતે જ ચા બનાવવા માંડે છે. બડબડતા સ્નાન કરી લે છે. નિત્ય પૂજાપાઠ પૂરાં કરીને પથારીમાં સૂતેલ બાળકોને જગાડવાનો પ્રયત્ન કરે છે. મીઠી ઊંઘની મજામાં વિક્ષેપ પડવાથી એ બધા નારાજ થઈને ગણગણે છે. આવું તો રોજેરોજ ચાલ્યા કરે છે. આ તો થઈ દિવસભરના અસ્તવ્યસ્ત જીવનની શરૂઆત.

કામ માટે બહાર જતી વખતે એ બડબડતા કહે છે: ‘અરે! આ કામ કરવા જવું એ કેવી બેકાર વાત છે!’ પોતાના કર્મ પ્રત્યે એને નિષ્ઠા નથી. શાળામાં ભણનારા આ ઘરનાં બાળકો પણ એમાં અપવાદરૂપ નથી. બધાને બધું વેઠ જેવું લાગે છે. તેઓ પોતાના આચરણ કે વ્યવહારમાં નહિ પણ કેવળ ઠાઠમાઠ કરવામાં કુશળ છે. ધન સંપત્તિમાં સાવ ડૂબી ગયા છે. લોભની બેડીઓ લાગી ગઈ છે. એટલે ધનનોય આનંદ લઈ શકતા નથી. પરિવારના મુખી બધાં સુખોને ત્યજીને વધારે ને વધારે ધન સંપત્તિ એકઠી કરી લેવા ઇચ્છે છે. અને છોકરાઓ પણ તેને ગમે તે રીતે મેળવી જીવનનાં બધાં સુખનો ઉપયોગ કરી લેવા ઇચ્છે છે. ગ્રાહકો પ્રત્યે મિત્રતા રાખનાર લોભી પિતા ક્યારેય પોતાનાં બાળકો સાથે પ્રેમની વાતો કરતા નથી. બાળકોને વઢવાની કે મોટેથી બોલાવવાની ટેવ પડી ગઈ છે. બાળકો પણ એમને ક્યારેય મનની વાત નથી કરતા. પરસ્પરની સમજણનું સૂત્ર તૂટી ગયું છે. દરેકે દરેક ‘હું’, ‘મારું’ અને ‘મારાથી’નો મંત્રજાપ કરે છે. એટલે નિરંતર ઘરમાં કલહ અને ઝઘડા જ થતાં રહે છે. ઘરના વાતાવરણમાં ક્રોધ, કોલાહલ, અવિશ્વાસ, અસહમતી, ઈર્ષ્યા અને દુર્ભાવ ભરપૂર ભર્યાં છે. ઘરનાં સભ્યો વચ્ચે અણબનાવ અને મતભેદ રહે છે. પરસ્પરની ફાટફૂટ અને મતભેદને કારણે ઘરનાં સુખશાંતિ નાશ પામ્યાં છે.

ઘરમાં કેવળ સુખસુવિધાઓની સામગ્રી એકઠી કરવાથી જ પારિવારિક જીવનમાં મેળ સુમેળ અને સામંજસ્ય સ્થાપિત ન કરી શકાય. મેળ સુમેળ અને સામંજસ્ય પરસ્પરના પ્રેમનું પરિપક્વ ફળ છે. પ્રેમના અભાવે કૌટુંબિક જીવન નિ:સાર બની જાય છે. જાણે કે સુંદર મજાના શણગાર સજેલા દેહમાં પ્રાણ ન હોય એવું.

એક બીજોય પરિવાર છે. ગરીબીને લીધે હાંડલાં ખખડે છે. જૂનું પુરાણું મકાન છે. કપડાં પણ થીંગડાંવાળાં, પણ છે બધું સ્વચ્છ-સુંદર. એક દિવસ કામ ન મળે તો બધાને ભૂખ્યા રહેવું પડે. પણ મુખ પર ક્યાંય અસંતોષ કે ઘરમાં ક્યાંય અણબનાવ નજરે ન પડે. બધાનાં મોઢા પર સ્મિત છે. મેળ-સુમેળ સાથે જ રહેવાનો પ્રબળ ભાવ છે. પ્રેમે આ બધા સભ્યોને એક સૂત્રે પરોવી દીધાં છે.

પિતા રસોયા છે. માતા મસાલા બનાવીને ઘરમાં સહાયરૂપ બને છે. વહેલી સવારે તેઓ બંને ઘરનાં કામકાજ પૂરાં કરીને કામે નીકળી પડે છે. બાળકો પણ વહેલી સવારે ઊઠી જાય છે. એટલે એમને ઘરેથી વહેલા નીકળવામાં મોડું થતું નથી. આંગણું વાળીચોળીને સાફ રાખે છે, ઘરમાં પણ બધું સજાવીને સુવ્યવસ્થિત રાખે છે. ઘરમાં ઉપયોગમાં આવતા અને આંગણમાં લગાડેલા ફૂલછોડ માટે કૂવામાંથી પાણી લાવે છે. પશુઓની દેખભાળ રાખે છે. આ બધાં કાર્યોમાં બાળકો પણ સહાયરૂપ બને છે અને બરાબર સમયે એ બધાં કામ આટોપી લે છે. ઘરનાં બધાં સભ્યો પ્રાર્થના વખતે એકઠાં મળે છે. નાસ્તો કરતી વખતે ભલે ને સાંજની રોટલી હોય તો પણ એકઠાં થાય છે.

માતા પિતા બહાર જઈને કઠિન પરિશ્રમ કરે છે અને બાળકો ઘરની જવાબદારી સંભાળી લે છે. મોટાં છોકરાં નાનાંને જમાડી દે છે. એમને શાળાએ જવા માટે ગણવેશ પહેરાવી દે છે. એ ગણવેશ પણ ધોયેલ અને સ્વચ્છ હોય છે. ભલે એમનાં કપડાં જૂના હોય પણ એમનો વ્યવહાર અને વર્તન અનુકરણ કરવા જેવું રહે છે. ક્યારેય ધનસંપત્તિનાં આકર્ષણોથી લોભાતાં નથી. જે કંઈ મળે એનાથી સંતુષ્ટ રહે છે. સાંજે માતપિતા ઘરે પાછા આવે ત્યારે બાળકો હસતે મુખે એમનું સ્વાગત કરે છે. તેઓ આખા દિવસમાં ઘટેલી ઘટનાઓની આપલે કરી લે છે. થયેલી કમાણી અને થનાર ખર્ચ વિશે ચર્ચા પણ કરી લે છે અને સૌ કોઈ સાથે બેસીને પ્રેમથી ભોજન લે છે. સાવ સાદાસીધા ભોજનમાં પણ એમને પકવાન જેવો સ્વાદ મળે છે.

અહીં ગરીબી છે પણ કંજૂસાઈ નથી. ઉત્સવો અને ધાર્મિક સમારોહમાં પણ ઉદારતાથી ઉત્તમ વસ્તુઓ દાનમાં આપે છે. બીજાને સુખી જોઈને સુખી થાય છે. એમની પાસે મોંઘાં આભૂષણ કે ધનસંપત્તિ નથી પણ એનાં મન-હૃદય ઉદાર છે અને એ એની સંપત્તિ છે. એને લીધે એ બીજાને દુ:ખી જોઈ શકતા નથી. જ્યારે લોકો એમની ભૌતિક સંપત્તિ વિશે પૂછે છે ત્યારે તેઓ આટલું જ કહે છે: ‘આપ જુઓ છો તેમ, અમે લોકો બાહ્ય રીતે ગરીબ છીએ. પણ સાચી વાત એ છે કે અમે ધનવાન છીએ. અમને અહીં પુષ્કળ આનંદ અને સંતોષ મળે છે. આ સંતોષ અમારા જીવનની ઉચ્ચ સંપત્તિ છે.’ વસ્તુત: એમની સંપત્તિ નજરે દેખાતી નથી. એ છે હૃદયની સંપત્તિ, પ્રેમની સંપત્તિ અને એ ભેદભાવને દૂર કરીને બધાંને અપનાવી લે છે. આભૂષણ, વસ્ત્ર, ભૌતિક સગવડો પર કૌટુંબિક સુખનો આધાર નથી, એનો આધાર છે પ્રેમ પર. પ્રેમ જ કૌટુંબિક સુખની ચાવી છે. પ્રેમ એ જ પરિવારનું હૃદય છે. હૃદયની સંપત્તિ જ પરિવારના સુખને ચોક્કસ કરી દે છે અને એનો અભાવ પરિવારને વિનાશને કિનારે મૂકી દે છે.

Total Views: 18

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.