શ્રીરામકૃષ્ણદેવનું જીવન હિમાલય સમું શુભ્ર, પવિત્ર, સુંદર, ઉન્નત અને ભવ્ય છે. હિમાલયનાં દરેક શિખરો તેજોમય, આહ્લાદક અને શાંતિદાયક છે, એ જ રીતે શ્રીરામકૃષ્ણના જીવનનાં દરેક પાસાં હિમાલયનાં ભવ્ય ગિરિ શિખરો સમાં તેજોમય છે. યોગી, ત્યાગી, સંન્યાસી, સંસારથી પર, દરેક ધર્મની સાધનાના સિદ્ધ સાધક, પ્રેમાસ્પદ ભક્ત, દિવ્ય મા કાલીના સાચા બાળક, જીવન મુક્ત, છતાં ગૃહસ્થ જીવનના આદર્શરૂપ – આ બધાં જ અદ્ભુત વ્યક્તિત્વોનો સમન્વય શ્રીરામકૃષ્ણદેવમાં થયેલો જોવા મળે છે. આવું અજોડ વ્યક્તિત્વ વિશ્વના આધ્યાત્મિક ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળે. શ્રીરામકૃષ્ણદેવે જીવનનો ત્યાગ નહોતો કર્યો. તેમણે તેમની સમીપ જે કોઈ આવ્યું તે સર્વનો સ્વીકાર કરી, એ સર્વને ભગવદ્ માર્ગે વાળી દીધાં – એ જ તો એમની લાક્ષણિકતા હતી. એમના સંસારમાં માતા ચંદ્રામણિ, પત્ની શારદામણિદેવીથી લઈને અસંખ્ય ભક્તો, શિષ્યોનો સમાવેશ થતો હતો. એમાં દારૂડિયા ગિરીશ ઘોષ, કાલીપદ ઘોષ પણ આવી જાય, અને અભિનેત્રી વિનોદિની પણ આવી જાય. તો પ્રતાપચંદ્ર હાજરા જેવા કુટિલ ખલનાયકનો પણ એમાં સમાવેશ થઈ જાય છે. જે કોઈ એમની સમીપ જે ભાવે આવ્યું, તે ભાવને પકડીને પોતાના આત્માના સમસ્ત પ્રેમથી એમણે દરેકને ઊંચે ઊઠાવી લીધા. એમણે પોતે જ કહ્યું છે કે સંતો મહાત્માઓ એટલે એવો તરાપો કે જેમાં એ પોતે બેસી શકે અને બહુ બહુ તો બીજી બે ચાર વ્યક્તિઓને નદી પાર કરાવી શકે, પણ અવતાર એટલે તો મસમોટું જહાજ કે જેમાં હજારો લોકો સાગર પાર કરી શકે. શ્રીરામકૃષ્ણદેવ એ એવું પ્રચંડ જહાજ છે કે જેમાં દોઢ સૈકાથી હજારો મનુષ્યો ભવસાગર પાર કરી રહ્યા છે અને એ પણ બહુ જ આનંદપૂર્વક!

અત્યાર સુધી મોટેભાગે એવી માન્યતા પ્રચલિત હતી કે ઈશ્વરના સાક્ષાત્કાર માટે સંસાર છોડીને જંગલમાં ચાલ્યા જવું જોઈએ, તો જ ઈશ્વરનો સાક્ષાત્કાર ઝડપી બને. શ્રીરામકૃષ્ણદેવે પોતાના જીવન દ્વારા સમગ્ર માનવજાતિની સમક્ષ એ આદર્શ પ્રતિષ્ઠિત કર્યો કે ઈશ્વરની પ્રાપ્તિ સંસારની વચ્ચે રહીને પણ કરી શકાય છે. એટલું જ નહીં સર્વને ભરપૂર પ્રેમ આપવા છતાં પણ અનાસક્ત રહી શકાય છે. સર્વનો સ્વીકાર કરીને એ બધાંની વચ્ચે રહેવા છતાં પણ અલિપ્ત રહી શકાય છે. તેમનું જીવન ભક્તોને, ઈશ્વર પ્રત્યેનો પ્રેમ કેવો હોય, તેના વિરહનો તલસાટ અને વ્યાકુળતા કેવાં તીવ્રતમ હોય છે, એનું પ્રત્યક્ષ દૃષ્ટાંત પૂરું પાડે છે. તો જ્ઞાનીને જ્ઞાનની સર્વોચ્ચ પરાકાષ્ઠા એવી નિર્વિકલ્પ સમાધિની સ્થિતિનું સ્પષ્ટ દર્શન કરાવે છે. અને ત્યાગ તથા વૈરાગ્યની પરિપૂર્ણતા કેવી હોય તેનું શ્રેષ્ઠતમ ઉદાહરણ શ્રીરામકૃષ્ણનું જીવન છે, જેઓ રૂપિયા-પૈસાનો સ્પર્શ પણ કરી શકતા ન હતા. રૂપિયાનો સ્પર્શ થતાં તેમના હાથપગ ઠરડાઈ જતા અને જાણે વીંછીનો ડંખ લાગ્યો હોય એવી વેદના તેમને થવા લાગતી! જેમનાં મન-મુખ એક હોય, જેમના સમગ્ર અસ્તિત્વના રોમે રોમમાંથી ઈશ્વરીય ભાવ પ્રગટતો હોય એ સાચા સાધુ અને સંત શ્રીરામકૃષ્ણ સિવાય બીજે ક્યાં જોવા મળવાના છે? દૂર દૂર ગંગામાં કોઈને માર પડી રહ્યો છે, અને તેની વેદના પોતાના ઓરડામાં બેઠેલા શ્રીરામકૃષ્ણ અનુભવી રહ્યા છે, આવી અદ્વૈતની નક્કર અનુભૂતિનું દૃષ્ટાંત, સાચું અદ્વૈત શું છે, તેનું સચોટ દર્શન કરાવી જાય છે. તીર્થયાત્રાએ જતાં માર્ગમાં દુ:ખી, ગરીબોને જોઈને, જ્યાં સુધી આ ગરીબોને અન્ન વસ્ત્ર ન મળે ત્યાં સુધી અહીંથી આગળ જઈશ જ નહીં, એમ કહી દરિદ્રોની વચ્ચે જઈને બેસી રહેનાર શ્રીરામકૃષ્ણ જેવા શિવજ્ઞાને જીવસેવાનો સંદેશ આપનાર કરુણામય પુરુષ બીજે ક્યાં મળવાના હતા? માતા, પત્ની, વિધવા ભત્રીજી, ભાઈઓ, ભત્રીજા, અભ્યાગતો, ભક્તો – બધાંને પ્રેમથી રાખનાર, બધાંની જરૂરિયાતોનો પૂરો ખ્યાલ કરનાર, યુવાનોને ભાવિ કાર્ય માટે પિતાની જેમ વ્યવહારુ જ્ઞાન આપી ઘડનાર અને સાથે સાથે જીવનના ઊર્ધ્વમાર્ગે આંગળી પકડીને લઈ જનાર પરિવારના મોભી વડીલરૂપે પણ શ્રીરામકૃષ્ણ અજોડ છે.

ગૃહસ્થ જીવનનો શ્રેષ્ઠ આદર્શ શ્રીરામકૃષ્ણ:-

દક્ષિણેશ્વરમાં જ્યારે શ્રીરામકૃષ્ણની સાધનાઓ તીવ્રભાવે ચાલી રહી હતી, એ સમાચાર કામારપુકુર પહોંચતાં તેમના માતા ચંદ્રામણિદેવીને થયું કે ‘ગદાઈ ઉન્માદ અવસ્થામાં છે, તો થોડા દિવસ અહીં આવશે તો તેને સારું થઈ જશે.’ તેમણે તેમને પોતાની પાસે બોલાવી લીધા. પછી તો તેમને થયું કે જો ગદાઈને પરણાવી દેવામાં આવે તો તેનું મન સ્થિર થઈ જશે. એમ માનીને પોતાના વચેટ પુત્ર રામેશ્વરને કન્યાની શોધ કરવા કહ્યું. માતા-પુત્ર બહુ જ છાની રીતે આ કાર્ય કરી રહ્યાં હતાં. પણ તેમાં તેઓને સફળતા મળતી ન હતી. આખરે શ્રીરામકૃષ્ણને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેમણે સામેથી કહ્યું કે ‘કન્યા તો પહેલેથી નક્કી જ છે, જાઓ જયરામવાટીમાં રામચંદ્ર મુખરજીના ઘરે.’ ત્યાં તપાસ કરતાં કન્યા તો મળી ગઈ. પણ ઉંમર હતી માત્ર પાંચ જ વર્ષની. અને શ્રીરામકૃષ્ણની ઉંમર હતી ૨૪ વર્ષની!! પણ એ સમયે બંગાળમાં કન્યાની ઉંમર જોવાતી ન હતી. એટલે લગ્ન થઈ ગયાં. શારદામણિ સાસરે આવ્યાં. લગ્ન વખતે એમને લાહા શેઠને ત્યાંથી માગીને લાવેલ ઘરેણાં પહેરાવ્યાં હતાં. તે હવે પાછાં આપવા માટે બાલિકાવધૂના શરીર પરથી ઉતારતાં ચંદ્રામણિનો જીવ ચાલ્યો નહીં. રાત્રે જ્યારે શારદામણિ ઊંઘી ગયાં હતાં, ત્યારે શ્રીરામકૃષ્ણે ખૂબ જ સિફતથી એ ઘરેણાં ઉતારી આપ્યાં. પણ સવારે એ ઘરેણાં ન જોતાં શારદામણિ રડવા લાગ્યાં. ત્યારે માતાએ કહ્યું; ‘મારો ગદાઈ તને આનાથી પણ વધારે સુંદર ઘરેણાં ઘડાવી આપશે.’ અને ખરેખર, શ્રીરામકૃષ્ણે તેમની સાધના દરમિયાન સીતા માતાનો સાક્ષાત્કાર કર્યો હતો, ત્યારે સીતાના હાથમાં જેવાં સુવર્ણકંકણો હતાં, એવાં સુવર્ણકંકણો શારદામણિદેવીને ઘડાવી આપીને પોતાનાં માતાનું વચન પૂર્ણ કર્યું હતું! પછી તો શ્રીરામકૃષ્ણ પાછા દક્ષિણેશ્વર આવીને સાધનામાં મગ્ન થઈ ગયાં. ઘરેણાં ઉતારી લીધાં હોવાથી એમના મામા ગુસ્સે થઈને શારદામણિને બીજે જ દિવસે જયરામવાટી લઈ ગયા હતા.

ફરી શ્રીરામકૃષ્ણ જ્યારે કામારપુકુર આવ્યા, ત્યારે શારદામણિને પણ ત્યાં તેડાવવામાં આવ્યાં. આ સમયગાળામાં શ્રીરામકૃષ્ણે શારદામણિને આંતરિક રીતે અને બાહ્ય રીતે કેળવણી આપવાનું કાર્ય કર્યું. આંતરિક રીતે તેઓએ તેમના મનને એવી રીતે ઘડ્યું કે તેમાં સાંસારિક માયાનો પ્રવેશ થાય જ નહીં. શુષ્ક ઉપદેશ નહીં, બ્રહ્મજ્ઞાનની નીરસ ચર્ચા પણ નહીં, ઉચ્ચ જીવનના આદર્શોની લાંબી ચોડી વાત પણ નહીં, પરંતુ રોજિંદા જીવનમાં બનતી ઘટનાઓનાં દૃષ્ટાંતો દ્વારા, સામાન્ય વાતચીત દ્વારા તેઓના મનમાં આધ્યાત્મિક જીવનનું મૂલ્ય એવું તો દૃઢ કરી દીધું કે પછી સાંસારિક જીવન પ્રત્યે મન જાય જ નહીં. તેમણે એમને એનું પણ સ્પષ્ટ દર્શન કરાવ્યું કે સાંસારિક જીવન કેવું દુ:ખોથી ભરપૂર છે. સાચા આનંદ અને પ્રેમથી સભર જીવન તો ભગવાન સાથે એકરૂપ થઈને જ જીવી શકાય. સાથે સાથે શ્રીરામકૃષ્ણે તેમને વ્યવહારુ જ્ઞાન પણ આપ્યું. ફાનસની વાટ કેમ સંકોરવી, રસોઈ કેમ બનાવવી, દાળ-શાકમાં કયા મસાલા નાખવા? પાન કેમ બનાવવું? મુસાફરીમાં ગયાં હોઈએ ત્યારે સામાન કેમ સાચવવો? ઉપરાંત અલગ અલગ પ્રકૃતિ ધરાવતા લોકો સાથે કામ કેમ પાર પાડવું? આ બધાંની સાથે સુમેળ કેમ સાધવો? આમ બધા જ પ્રકારની કેળવણી આપીને શારદામણિને પોતાના ભાવિકાર્યને માટે જાણે સજ્જ કરતા ન હોય! શ્રીશારદાદેવી પણ પોતાના આ દૈવી પતિના સાંનિધ્યમાં અપૂર્વ આનંદથી બધું શીખી રહ્યાં હતાં. આ આનંદભર્યા દિવસોની વાત કરતાં તેમણે પાછળથી જણાવેલું કે ‘અપૂર્વ આનંદના હતા એ દિવસો! ત્યારથી મને અનુભવ થતો હતો કે મારા હૃદયમાં જાણે આનંદનો એક પૂર્ણ કળશ સ્થાપિત થઈ રહેલ છે. ધીર, સ્થિર અને દિવ્ય ઉલ્લાસથી મારું અંતર એટલું બધું ભરેલું રહેતું કે એ સ્થિતિને શબ્દોથી સમજાવી શકાય નહીં.’ દિવ્ય પ્રેમ મનુષ્યને ઊંચે ઉઠાવે છે. એ કદી નિમ્ન સ્તરમાં ખેંચી જતો નથી. આ પ્રેમ સાથે પરમ આનંદ જોડાયેલો છે, એ અનુભવ શ્રીરામકૃષ્ણના શ્રીશારદાદેવી સાથેના સંબંધમાંથી પ્રગટ થાય છે.

એ પછી ફરી શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર જતા રહ્યા. ત્યાં તેમની સાધનાવસ્થાની ઉચ્ચ સ્થિતિ સામાન્ય લોકો સમજી શકતા ન હતા. આથી તેઓ પાગલ થઈ ગયા છે, ઉન્માદાવસ્થામાં રહે છે, તેવી વાતો કામારપુકુર અને જયરામવાટીમાં પહોંચી. શારદામણિએ જ્યારે આ સાંભળ્યું ત્યારે તેમને દક્ષિણેશ્વર જઈને શ્રીરામકૃષ્ણને પ્રત્યક્ષ મળવાની ઇચ્છા જાગી. તેઓ પિતા સાથે દક્ષિણેશ્વર આવી પહોંચ્યાં. ત્યારે શ્રીરામકૃષ્ણે એમને આવેલાં જોઈને કહ્યું; ‘આખરે તમે આવી પહોંચ્યાં! બહુ સારું કર્યું! પણ આટલાં મોડાં કેમ આવ્યાં? અરેરે, હવે શું મારો મથુર (રાણી રાસમણિના જમાઈ મથુરબાબુ) છે કે તમારી સંભાળ લે?’ આવો પ્રેમપૂર્ણ આવકાર સાંભળીને શ્રીશારદામણિની બધી ચિંતાઓ અદૃશ્ય થઈ ગઈ! ‘કેવો મીઠો આવકાર! કોણ કહે છે કે એમના પતિ પાગલ છે!’ એ જ પ્રસન્નતા અને એ જ શીતળતાનો અનુભવ કરાવી દીધો જે તેમણે અગાઉ અનુભવ્યો હતો. જ્યારે શ્રીરામકૃષ્ણે એ જાણ્યું કે તેઓને તાવ આવે છે, ત્યારે તેમની રહેવાની વ્યવસ્થા પોતાના જ ઓરડામાં કરાવી અને તેમને સાજાં કરી દીધાં. શ્રીશારદામણિ પતિ અને સાસુની સેવા કરવા દક્ષિણેશ્વર રોકાઈ ગયાં. શ્રીરામકૃષ્ણદેવની સાધનામાં નવો જ વળાંક આવ્યો!

શ્રીરામકૃષ્ણે પોતે કંઈ શારદામણિને દક્ષિણેશ્વરમાં તેડાવ્યાં નહોતાં. તેઓ તો પોતાની ઉત્કટ સાધનામાં તેમને ભૂલી જ ગયા હતા. પણ જ્યારે શારદામણિ સ્વેચ્છાએ એમની પાસે આવ્યાં અને એમની સેવામાં ઓતપ્રોત બની ગયાં ત્યારે તેમને જણાયું કે જગન્માતાની ઇચ્છા એવી જ છે કે તેઓ તેમની સાથે રહે અને શ્રીમાના કાર્યમાં સહભાગી બને. જ્યારે એમને અંતરમાં આ પ્રતીતિ થઈ ત્યારે તેમણે તેમના આગમનને વધાવી લીધું.

એક દિવસ શારદામણિ નિત્યક્રમ મુજબ શ્રીરામકૃષ્ણની ચરણ સેવા કરી રહ્યાં હતાં ત્યારે અચાનક જ રામકૃષ્ણે તેમને પૂછયું કે તમે શું મને સંસારના માર્ગે ખેંચી જવા આવ્યાં છો?’ તુરત જ શારદામણિએ હું તો તમને ઈષ્ટમાર્ગે સહાય કરવા આવી છું.’ આ હતા ઓગણીસ વર્ષની ગ્રામ્ય, સરળ ભોળી તરુણીના સહજ ઉદ્‌ગાર!

આ સાંભળીને શ્રીરામકૃષ્ણ અત્યંત પ્રસન્ન થઈ ગયા. એક વખત શ્રીશારદામણિએ પણ શ્રીરામકૃષ્ણને પૂછી નાખ્યું; ‘ઠાકુર, તમે મને કઈ દૃષ્ટિથી જુઓ છો?’ શ્રીરામકૃષ્ણે તત્ક્ષણ જવાબ આપ્યો; ‘જે મા, મંદિરમાં બિરાજે છે, તે જ માતાએ આ દેહને જન્મ આપ્યો છે, તે જ માતા અત્યારે નોબતખાનાની ઓરડીમાં રહે છે અને એ જ માતા અત્યારે મારી ચરણ સેવા કરી રહી છે. ખરેખર હું તમને સાક્ષાત્ આનંદમયી જગદંબા માનું છું.’ આ હતી એ પરમહંસ યોગીપુરુષની પોતાની પત્ની પ્રત્યેની દૃષ્ટિ! અહીં બંને વચ્ચે કોઈ માનવીય સંબંધ હતો જ ક્યાં? આ તો હતો પરમાત્માના સીધા ચૈતન્યનો પુરુષ અને પ્રકૃતિ રૂપે સીધો આવિર્ભાવ! પ્રભુના કાર્ય માટે શિવ અને શક્તિનું એક જ સ્વરૂપનું બે દેહમાં પ્રાગટ્ય! આ હતો પૃથ્વી પર દૈવી દાંપત્યનો સર્વોચ્ચ આદર્શ! નવા યુગ ધર્મની સ્થાપના માટે સામાન્ય મનુષ્યોને ભગવદાભિમુખ કરવાના કાર્ય માટે અસંખ્ય આત્માઓની જરૂર હતી અને એ માટે એકલા શ્રીરામકૃષ્ણ પર્યાપ્ત નહોતા એટલે જ જગન્માતાએ માતૃશક્તિને શ્રીશારદામણિરૂપે મોકલી આપી અને શ્રીરામકૃષ્ણના યુગ પરિવર્તનના નવા મહાન કાર્યનો પ્રારંભ થયો.

શ્રીરામકૃષ્ણે ફલહારિણી અમાસના દિવસે પોતાના ઓરડામાં શ્રીશારદાદેવીની ત્રિપુરાસુંદરી તરીકે જે ષોડશી પૂજા કરી પોતાની સમસ્ત સાધનાનું ફળ તેમનાં ચરણોમાં ધરી દીધું એ ઘટના તો વિશ્વના આધ્યાત્મિક ઇતિહાસની અભૂતપૂર્વ ઘટના છે. હજુ સુધી ક્યાંય આવું બન્યું નથી. દેવીના આસન ઉપર શારદાદેવીને બેસાડ્યાં. તેઓ પણ સમાધિમાં ચાલ્યાં ગયાં. ત્યારે શ્રીરામકૃષ્ણે શારદાદેવીનાં સર્વ અંગોમાં ન્યાસ કરી એમના સમગ્ર દેહમાં ભગવતી ત્રિપુરાસુંદરીનું આવાહ્ન કર્યું. પછી મંત્રો વડે પૂજા કરી મહામાયાને પ્રાર્થના કરી:

‘હે બાલિકા, હે સર્વશક્તિની અધીશ્વરી માતા, ત્રિપુરાસુંદરી સિદ્ધિનાં દ્વાર ખોલી દો. આમના તનને અને મનને પવિત્ર કરી એમનામાં આવિર્ભૂત થઈ સર્વ પ્રકારે કલ્યાણ કરો.’ એ પછી તેમણે ષોડશી પૂજા કરી. પછી મંત્રોચ્ચાર કરતાં કરતાં તેઓ પણ ઊંડી સમાધિમાં ચાલ્યા ગયા. હવે ન રહ્યા પૂજક કે ન રહ્યાં દેવી. બંને આત્મભાવમાં એક થઈ ગયાં. પરબ્રહ્મ અને તેની શક્તિ એક બની ગયાં. આરાધક અને આરાધ્યનો ભેદ ભૂંસાઈ ગયો. આ અપૂર્વ સમાધિમાં બંનેનો એક પહોર વીતી ગયો. શ્રીરામકૃષ્ણને થોડું દેહભાન આવતાં તેમણે ફરી વિધિવત્ પૂજા મંત્રોચ્ચાર કરી, જગદંબાની નારાયણી સ્તુતિ કરી. સમાપ્તિ વિધિમાં એમણે પોતાની સર્વ પ્રકારની આધ્યાત્મિક સાધનાના ફળને, સર્વસિદ્ધિઓને અરે, પોતાની જપમાળાને પણ જગદંબારૂપ શ્રીશારદામણિનાં ચરણોમાં સમર્પી દીધી. ઊંડી ધ્યાનાવસ્થામાં લીન રહેતાં શ્રીશારદામણિએ ધ્યાનાવસ્થામાં જ શ્રીરામકૃષ્ણની સાધનાના ફળને ગ્રહણ કર્યું. અને હવે તેઓ શ્રીરામકૃષ્ણનાં સહધર્મચારિણી જ માત્ર નહીં, પણ તેમની સમગ્ર સાધનાઓની સિદ્ધિઓનાં અધિષ્ઠાત્રી બની ગયાં. એમનામાં જગદંબાનો આવિર્ભાવ થતાં હવે તેઓ વિશ્વના સર્વ જીવોનાં મા બની ગયાં. આમ શ્રીરામકૃષ્ણની સઘળી સાધનાઓ અનોખી છે. આધ્યાત્મિક માર્ગમાં પત્નીનો ત્યાગ નહીં પણ સ્વીકાર કરીને તેનાં મન અને હૃદયને ઊર્ધ્વભૂમિકામાં પ્રતિષ્ઠિત કરીને તેમાં જગદંબાના સ્વરૂપને જગાડીને તેમણે ત્રિપુરાસુંદરી રૂપે તેમની જે પૂજા કરી એ તો વિશ્વમાં અદ્વિતીય છે. ઉપરાંત પોતાની સમગ્ર સાધનાઓના ફળને એ જગદંબારૂપ પત્નીનાં ચરણોમાં અર્પણ કરીને પત્ની પ્રત્યે પ્રેમ અને કર્તવ્યની અભિવ્યક્તિ એમણે જે રીતે કરી એનો જોટો પણ વિશ્વમાં જડવો મુશ્કેલ છે. શ્રીરામકૃષ્ણના આ દિવ્ય દાંપત્ય જીવનની એ પરાકાષ્ઠા ગણાવી શકાય.

લીલા સંવરણ પહેલાં પણ શ્રીરામકૃષ્ણે એક દિવસ શ્રીમા શારદાદેવીને બોલાવીને કહ્યું; ‘શું તમે કંઈ જ નથી કરવાનાં?’ એના જવાબમાં શ્રીમાએ કહ્યું; ‘હું તો સ્ત્રી છું, હું શું કરી શકું?’ ત્યારે પોતાનું શરીર બતાવીને શ્રીરામકૃષ્ણે કહ્યું; ‘આણે જે કર્યું છે, તેના કરતાં ઘણું વધારે કામ તમારે કરવું પડશે.’ આમ પોતાના ભાવિ કાર્યની જવાબદારીની સોંપણી પણ શ્રીરામકૃષ્ણે શરીરમાંથી વિદાય લેતા પહેલાં શ્રીમાને કરી દીધી હતી. એમણે આગળ એ પણ કહ્યું કે ‘કોલકાતાના લોકો કીડાની જેમ અંધારામાં સબડે છે, તમે એમને સંભાળજો.’ ફરી એ જ પ્રશ્ન ‘હું શું કરી શકું?’ ત્યારે શ્રીરામકૃષ્ણે પોતાની જ વાત કહેલી ચાલુ રાખી કે, ‘આ કંઈ મારા એકલાની જવાબદારી ઓછી છે? તમારી પણ છે.’ આમ શ્રીરામકૃષ્ણ શ્રીમા શારદાદેવીને એમના ભાવિ કાર્ય માટે જાગૃત કરીને અત્યાર સુધી નેપથ્યમાં રહીને પતિની અનન્યભાવે સેવા કરી રહેલી માતૃશક્તિને હવે બાહ્યભૂમિકામાં પ્રગટ કરી રહ્યા હતા. પૃથ્વી ઉપરથી સ્થૂલદેહે વિદાય લેતાં પહેલાં એમણે પોતાના વિશાળ સંસારની કાળજીભરી માવજત કરવાની સઘળી જવાબદારી શ્રીમા શારદાદેવીને સોંપી દીધી તથા યુવાન શિષ્યોનું ધ્યાન રાખવાની જવાબદારી નરેન્દ્રનાથને સોંપી દીધી!

શ્રીરામકૃષ્ણદેવે પોતાના પચાસ વર્ષના આયુષ્યકાળમાં જડવાદી સભ્યતા વચ્ચે ઘેરાયેલા ગુલામ મનોદશામાં જીવતા લોકોની સમક્ષ કેટકેટલા આદર્શો જીવી બતાવ્યા. પોતાના જીવનના પ્રત્યક્ષ ઉદાહરણ દ્વારા એમણે દરેક પ્રકારના લોકોને માટે ભગવદ્ પ્રાપ્તિનો ઉજ્જવળ માર્ગ કંડારી આપ્યો ને પરમાત્માને એટલા સુલભ કરી આપ્યા કે જે કોઈ ચાહે અને શ્રીરામકૃષ્ણે બતાવેલા કોઈ માર્ગનું અનુસરણ કરે તેને માટે હવે ઈશ્વર અત્યંત સમીપ આવી ગયા છે! 

આવો, આપણે શ્રીરામકૃષ્ણદેવને પ્રાર્થના કરીએ કે સંસારમાં રહીને પણ અમે ઈશ્વરનું સામીપ્ય અનુભવીએ, એ માટે આપે કંડારી આપેલા માર્ગે ચાલી શકીએ એવી અમને શક્તિ આપો.

Total Views: 17

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.