શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની વિવિધ પ્રવૃત્તિઓ

રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજ ૩૦ ડિસેમ્બર,૧૧ના રોજ લીંબડી થઈને શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે પધાર્યા હતા. ૩૧ ડિસેમ્બર, ૨ અને ૫ જાન્યુઆરી,૧૨ના રોજ એમણે જિજ્ઞાસુ ભક્તોને આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું હતું.

૧ જાન્યુઆરી કલ્પતરુના પાવનકારી દિવસે શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજે શ્રીમંદિરમાં બપોરે ૩:૩૦ કલાકે સુંદર ટૂંકું પ્રવચન આપ્યું હતું. ૬ જાન્યુઆરી સંધ્યા આરતી પછી વિવેકહોલમાં એક જાહેર સભાનું આયોજન થયું હતું. આ સભામાં પ્રથમ શ્રીરામકૃષ્ણ આશ્રમના નૂતન પ્રકાશન અંગ્રેજી પુસ્તક ‘Tales and Parables of Sri Ramakrishna’ નો સ્વ. શ્રીદુષ્યંતભાઈ પંડચાએ કરેલ ગુજરાતી અનુવાદ, ‘શ્રીરામકૃષ્ણ દેવની સચિત્ર દષ્ટાંત કથાઓ’ અને પ્રો. જ્યોતિબેન થાનકી લિખિત અને શ્રી નલિનભાઈ મહેતા દ્વારા ધ્વનિપઠનની શ્રીરામકૃષ્ણદેવ, શ્રી શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદના જીવન અને સંદેશની ઓડિયો સી.ડી.નું વિમોચન શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાના વરદ્હસ્તે થયું હતું.

આ પ્રસંગે તેમણે શ્રીરામકૃષ્ણદેવની બોધ કથાઓમાંથી પંડિત અને દૂધવાળી બાઈની તેમજ અકબર બાદશાહ અને ફકીરની વાતનો ઉલ્લેખ કરીને ભગવદ્‌ભાવ માટેની હૃદયની ભાવના અને મનના ભીખારી એવા બાદશાહની ભીખારી મનોદશાની વિગતે વાત કરી હતી. આ પ્રસંગે આશ્રમના અધ્યક્ષ સ્વામી સર્વસ્થાનંદે શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજ અને ઉપસ્થિત સંન્યાસીઓ અને ભક્તજનોનું હાર્દિક સ્વાગત કર્યું હતું. સાથેને સાથે ઉપર્યુક્ત પુસ્તક અને સી.ડી વિષે સંક્ષિપ્ત વિવરણ પણ આપ્યું હતું.

આ પ્રસંગે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પ્રકાશન વિભાગમાં પોતાનું મૂલ્યવાન પ્રદાન કરવા માટે શ્રી કેશવલાલ શાસ્ત્રી, જામનગરના સ્વ. શ્રીદુષ્યંતભાઈ પંડચા વતી તેમના પુત્ર અશોકભાઈ પંડ્યા, કોલકાતાના શ્રી પ્રણવકુમાર ગુહા અને શ્રી મનસુખભાઈ મહેતાનું શાલ ઓઢાડીને પૂજ્ય સ્વામીજીએ સન્માન કર્યું હતું. રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ સ્વામી આદિભવાનંદજીએ સગ્રંથોના વાચનની રુચિ વધારવા ભક્તોને અનુરોધ કર્યો હતો. કાર્યક્રમના અંતે શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજે ભાવિકોએ પ્રણામ કર્યા હતા અને ત્યારપછી ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. તેઓશ્રી અહીંથી ઉપલેટાના ભાવપ્રચાર-પ્રસાર કેન્દ્રની મુલાકાત લઈને પોરબંદર રામકૃષ્ણ મિશનની મુલાકાતે પધાર્યા હતા.

યુવદિન નિમિત્તે વિવિધ કાર્યક્રમો

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સ્વામી વિવેકાનંદના અંગ્રેજી કેલેન્ડર પ્રમાણેના જન્મદિન ૧૨ જાન્યુઆરીને ગુરુવારે સવારે ૭:૪૫ કલાકે રાજકોટના ‘દિવ્ય ભાસ્કર’ દૈનિક પત્રના વ્યવસ્થાપન હેઠળ ૨૦૦૦ જેટલાં ભાઈબહેનોની એક મેરેથોન રેલી કાલાવાડ રોડ પરના કોટેચા ચોક પાસે આવેલ ‘સ્વામી વિવેકાનંદ’ની કાંસ્ય પ્રતિમા પાસેથી રવાના થઈ હતી.

આ પ્રસંગે રાજકોટ શહેરના મેયરશ્રી જનકભાઈ કોટક, જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. રાજેન્દ્ર કુમાર, મ્યુનિસિપલ કમિન્નરશ્રી અજય ભાદુ, દિવ્ય ભાસ્કરના તંત્રી શ્રી કાનાભાઈ બાટવા અને એકમના વડા શ્રી જયદીપભાઈ અને અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં રાજકોટ આશ્રમના સંન્યાસીઓએ સ્વામીજીની પ્રતિમાને હારતોરા કર્યા હતા. ત્યારપછી જિલ્લા કલેક્ટરશ્રી, મ્યુનિ. કમીશ્નરશ્રી અને મેયરશ્રીએ હારતોરા કર્યા હતા.

આશ્રમના અધ્યક્ષ સ્વામી સર્વસ્થાનંદજી, જિલ્લા કલેક્ટરશ્રી, મ્યુનિ. કમીશ્નરશ્રી, મેયરશ્રી અને દિવ્ય ભાસ્કરના તંત્રી શ્રી કાનાભાઈ બાટવાએ પ્રતિમા સામે ઉપસ્થિત રેલીના સ્પર્ધકોને સંબોધ્યા હતા અને બધાએ સ્વામી વિવેકાનંદના સ્વદેશ મંત્રનું ઉચ્ચારણ કર્યું હતું. ૭:૪૫ કલાકે મેરેથોન રેલીને મેયરશ્રીએ લીલી ઝંડી ફરકાવીને રવાના કરી.

કાલાવાડ રોડ, મહિલા કોલેજ, કિસાનપરા ચોક, રેસકોર્સ રીંગરોડ થઈને જિલ્લાપંચાયત કચેરી, યાજ્ઞિક રોડ, ત્યાંથી આશ્રમ પાસે આવેલ સ્વામી વિવેકાનંદની પ્રતિમાને હારતોરા કરીને આ રેલીનું સમાપન આશ્રમના વિવેકહોલમાં થયું હતું. અહીં પણ મહાનુભાવોએ સભાને સંબોધી હતી.

પોતાના સંબોધનમાં શ્રી અજય ભાદુએ કહ્યું હતું કે સ્વામી વિવેકાનંદને સમજવા હોય તો તમારે શ્રીરામકૃષ્ણ પરમહંસને સમજવા જોઈએ. એ માટે શ્રી રામકૃષ્ણ કથામૃત વાંચવું અનિવાર્ય છે. એમણે આ પ્રસંગે કહ્યું હતું કે આવી મેરેથોન રેસ દરવર્ષે રાષ્ટ્રીય યુવાદિનના ઉપલક્ષ્યમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન યોજવાનો પ્રયત્ન કરશે એ માટે મ્યુનિસિપલ – કોર્પોરેશનના બજેટમાં યોગ્ય જોગવાઈ કરવાની વ્યવસ્થા પણ વિચારાશે. શ્રી કાનાભાઈ બાટવાએ કહ્યું હતું કે આ મેરેથોન રેસમાં ભાગ લેનાર ભાઈ-બહેનો પોતાના જીવનની દોડમાં પણ યશસ્વી બને અને રાષ્ટ્રનું નામ રોશન કરે. સ્વામી સર્વસ્થાનંદજીએ જણાવ્યું કે શ્રી રામકૃષ્ણ દેવના કૃપાકટાક્ષથી લાખો વિવેકાનંદ ઉદ્‌ભવે.સ્વામી મંત્રેશાનંદજીએ જણાવ્યું કે સ્વામીજીના જીવન અને સંદેશમાંથી આજના યુવાનો પ્રેરણા મેળવે અને પોતાના જીવનને ઉન્નત બનાવીને રાષ્ટ્રના ઘડતરમાં પોતાનું યોગદાન આપે.

આ મેરેથોન રેલીના ભાઈઓના વિભાગના સ્પર્ધકોમાંથી પ્રથમ વિજેતા ભારતીય હિતેશ (ગાંધી જ્ઞાનમંદિર સ્કૂલ), બીજા ક્રમે લીલા મોઢવાડિયા અને ત્રીજા ક્રમે પીયૂષ ગોહિલ (આર.ડી.એ શૈક્ષણિક સંકુલ) અને બહેનોના વિભાગમાં પ્રથમ ક્રમે જલ્પા સોલંકી (કે.કે. ધારૈયા કોલેજ), બીજા ક્રમે એશા પૂન અને ત્રીજા ક્રમે પટેલ મયૂરી (બી.પી.ડી. કોલેજ) આવ્યાં હતાં.

આ બધા વિજેતા સ્પર્ધકોને રોકડ પારિતોષિક તેમજ સ્મૃતિ ચિહ્ન અને પુસ્તકો અપાયાં હતાં. બંને વિભાગના પ્રથમ વિજેતાને પાંચ પાંચ હજાર, બીજા વિજેતાઓને ત્રણ ત્રણ હજાર અને ત્રીજા વિજેતાઓને એક એક હજાર રૂપિયા રોકડ અપાયા હતા. ૬૨ વર્ષના અને પોતાની એક કિડની દાનમાં આપનાર શ્યામ મોહનાની, જિલ્લા પંચાયતના પૂર્વ કર્મચારી ૬૯ વર્ષના શ્રીત્રિવેદીભાઈ અને ૮૦ વર્ષની ઉંમરના શ્રીમનસુખભાઈ કણસાગરાએ પણ આ રેલીમાં જોડાઈને યુવાનોને પ્રેરણા આપી હતી.

તે જ દિવસે વિવેક હોલમાં સવારે ૧૦ થી ૧૧.૩૦ તથા બપોરે ૩.૩૦ થી ૫ સુધી અનુક્રમે શ્રીમુરલીધર વિદ્યાલયના ૪૦૦ જેટલાં વિદ્યાર્થી ભાઈ બહેનો તથા કાંતા સ્ત્રીવિકાસ ગૃહનાં ૪૦૦ જેટલી વિદ્યાર્થિનીઓને આશ્રમના સંન્યાસીઓએ સ્વામી વિવેકાનંદના જીવન અને ઉપદેશ પર ઉદ્‌બોધન કર્યું હતું.

તે દિવસે સાંજે રાજકોટ સેન્ટ્રલ જેલમાં ‘સ્વામી વિવેકાનંદ જીવન અને ઉપદેશ’ પર સ્વામી મંત્રેશાનંદે પ્રવચન આપ્યું હતું.

૧૫ જાન્યુઆરીના રોજ રવિવારે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતીનો ઉત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે સવારે મંગળા આરતી, વિશેષ પૂજા, કઠોપનિષદ પાઠ, હવન, ભજનનો કાર્યક્રમ શ્રીરામકૃષ્ણ મંદિરમાં યોજાયો હતો. ત્યાર બાદ બપોરે બે હજાર જેટલા ભક્તજનોએ પ્રસાદનો લાભ લીધો હતો. સાંજે ૫.૩૦ કલાકે શિવનામ સંકીર્તન તથા સંધ્યા આરતી પછી સ્વામીજીનાં જીવન અને કવન વિશે આશ્રમના સંન્યાસીઓનાં પ્રવચન યોજાયાં હતાં.

વિવેકાનંદ આઈ કેર સેન્ટર દ્વારા રાજકોટ જિલ્લાનાં વિવિધ સ્થળોએ તા. ૧ ડિસેમ્બરથી ૧૬ જાન્યુઆરી દરમિયાન સાત નિઃશુલ્ક નેત્રયજ્ઞનું આયોજન થયું હતું. આ સેવાનો આશરે ૧૧૦૦ દર્દીઓએ લાભ લીધો હતો. જેમાં ૧૨૩ ભાઈઓ અને ૧૪૭ બહેનો મળીને કુલ ૨૦૦ દર્દીઓનાં આશ્રમની હોસ્પિટલમાં ઓપરેશન થયાં હતાં.

ગુજરાત રાજ્ય ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના એલ.ડી. ઈજનેરી કોલેજના મેદાનમાં અમદાવાદ ખાતે યોજાયેલ પ્રથમ એન્યુઅલ કોન્વોકેશન સમારંભમાં રાજકોટ આશ્રમના સ્વામી સર્વસ્થાનંદ અતિથિ વિશેષ સ્થાને રહ્યા હતા. એ પ્રસંગે કુલાધિપતિ, સન્માનનીય રાજ્યપાલશ્રી (ગુજરાત), લેફ્ટ. જન. એન.બી. સિંઘના વરહસ્તે ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા હતા.

રામકૃષ્ણ મિશન, લીંબડી

શ્રી રામકૃષ્ણ મિશન લીંબડીમાં રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજ ૨૮ થી ૩૦ ડિસેમ્બર,૧૧ સુધી પધાર્યા હતા. તેઓશ્રીએ ૨૮ ડિસેમ્બરના રોજ નવા બનેલા સાધુ નિવાસનું ઉદ્‌ઘાટન કર્યુ હતું. સંધ્યા આરતી બાદ ભક્તજનોએ એમના સત્સંગનો લાભ લીધો હતો. તા.૨૯ના રોજ જિજ્ઞાસુઓને આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું હતું.

૧૨ જાન્યુઆરી, યુવદિન નિમિત્તે પાંચ શાળાઓમાં સ્વામી વિવેકાનંદ જીવન-સંદેશ પર પ્રવચનોનું આયોજન થયું હતું. બપોરે ૧૫૦ ગરીબ વિદ્યાર્થીઓને સ્વેટરનું વિતરણ થયું હતું. તે જ દિવસે સાંજે પછાત વિસ્તારનાં ૩૧ ગરીબ બાળકોને સ્વેટર તથા ૨૦ ગરીબ લોકોમાં ધાબળાનું વિતરણ થયું હતું.

૧૯ જાન્યુઆરીના રોજ સવારે ૯ વાગ્યે ટાવર બંગલાથી મિશન સુધી એક શોભાયાત્રાનું આયોજન થયું હતું. જેમાં ૧૭ શાળાનાં ૧૧૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શોભાયાત્રાના અંતે મિશનના પ્રાંગણમાં વિશાળ સભાનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં અગાઉ યોજાયેલ યુવા સ્પર્ધાના વિજેતાઓને રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ સ્વામી આદિભવાનંદજી, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી સર્વસ્થાનંદ અને ગુજરાત સરકારના પર્યાવરણ મંત્રી શ્રીકિરીટસિંહ રાણા દ્વારા ઈનામ અપાયાં હતાં.

રામકૃષ્ણ મિશન, વડોદરા

૧૮ ડિસેમ્બર રવિવારે રામકૃષ્ણ મિશન વડોદરા દ્વારા મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના સુવર્ણ ચંદ્રક વિજેતા વિદ્યાર્થીઓને સન્માનવાનો એક સમારંભ યોજાયો હતો. આ સમારંભમાં મ્યુનિસિપલ કમિશ્નરશ્રી અશ્વિની કુમારે વિશેષ ગુણવત્તા પ્રાપ્ત વિદ્યાર્થીઓને પોતપોતાના કાર્યક્ષેત્રમાં અનેરી સિદ્ધિ મેળવવાની સાથે સમાજના પછાત રહી ગયેલા લોકો માટે સમસંવેદના અનુભવવા તેમજ એમને માટે કાર્ય કરવા હાકલ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા યુવા સાંસ્કૃતિક અને રમત ગમત વિભાગના સચિવ શ્રી ભાગ્યેશ ઝાએ પોતાના વ્યક્તિગત અનુભવોની વાત કરતાં કહ્યું હતું કે એમને સુવર્ણ ચંદ્રક મળ્યો છે એની વાત પોતાના પિતાને કરી ત્યારે એમણે અભિનંદન આપવાને બદલે કહ્યું કે સ્વામી વિવેકાનંદની ગ્રંથમાળા સંપૂર્ણપણે વાંચીશ ત્યારે જ તને સુવર્ણ ચંદ્રક મળ્યાનો આનંદ મળશે.

પિતાની સલાહ માનીને એમને અપૂર્વ લાભ મળ્યો હતો. એમણે વિદ્યાર્થીઓને જીવનમાં સાચી સફળતા અને સુખાકારી મેળવવા સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો વાંચવાની સલાહ આપી હતી.

આ પહેલાં સંસ્થાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ મુખ્ય મહેમાનો, અગ્રણીઓ અને ઉપસ્થિત માતપિતા અને વિદ્યાર્થીઓનું અભિવાદન કર્યુ હતું. સાથે ને સાથે પોતાના સમયનો એક ટકા જેટલો ભાગ સ્વામીજીનાં પ્રેરક પુસ્તકો વાંચવા, પ્રાર્થના અને ધ્યાન માટે આપવા વિનંતી કરી હતી.

૧૨ જાન્યુઆરી, યુવદિન નિમિત્તે વડોદરા શહેરના બદામી બાગ પાસે આવેલ સ્વામી વિવેકાનંદની મૂર્તિ પાસેથી મિશન સુધીની શોભાયાત્રાનું આયોજન થયું હતું. જેમાં શહેરની વિવિધ શાળા-મહાશાળાનાં ૧૫૦૦ વિદ્યાર્થી ભાઈ-બહેનો અને નાગરિકોએ ભાગ લીધો હતો.

રામકૃષ્ણ મિશન, વડોદરાની યુવા શિબિર

‘જીવનની સફળતા માટે સ્વામી વિવેકાનંદના સંદેશનું અનુસરણ કરો’ – વડોદરાના સી.સી.મહેતા 0સભાગૃહમાં ૧૮ જાન્યુઆરી, ૧૨ના રોજ રામકૃષ્ણ મિશન, વડોદરા દ્વારા યોજાયેલ યુવા શિબિરમાં આપણા ભૂતપૂર્વ સન્માનનીય રાષ્ટ્રપતિ શ્રી એ.પી.જે. અબ્દુલ કલામે મોટી સંખ્યામાં ઉપસ્થિત યુવાનોને સંબોધતાં આ શબ્દો ઉચ્ચાર્યા હતા.

સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી ઉત્સવ કે પ્રસંગે તેમણે કહ્યું હતું કે,‘સામાન્ય કે નાનું લક્ષ્ય એ ગુનો છે’ એટલે હંમેશા જીવનમાં મોટું લક્ષ્ય સેવતા શીખો.’ એમના પ્રભાવક વ્યાખ્યાન પછી વિદ્યાર્થીઓએ પૂછેલા- તમારા જીવનનો સૌથી વધુ સ્મરણીય પ્રસંગ અને સ્વામી વિવેકાનંદમાંથી તમને મળેલી પ્રેરણા, વિદ્યાર્થીઓએ રાજકારણમાં પોતાના અભ્યાસ પછી જોડાવું જોઈએ કે નહીં? જેવા પ્રશ્નોના ઉત્તર ઘણા માહિતીસભર અને રસપ્રદ રહ્યા હતા.

આ સાથે એમણે ‘વિવેકાનંદ સેન્ટર ઓફ પોઝીટીવ થિંકિંગ એન્ડ કાઉન્સેલિંગ’ ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓ માટેની આ યોજનાને ખુલ્લી મૂકી હતી. આ પહેલાં સંસ્થાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ સુયોગ્ય વ્યક્તિના વરહસ્તે આ યોજના ખુલ્લી મુકાઈ છે એ સૌથી વધુ અગત્યનું છે એમ જણાવ્યું હતું.

સ્વામી વિવેકાનંદની જેમ તેઓ પણ ભારતને અને ભારતના યુવાનોને ચાહે છે તેમજ વિવેકાનંદની જેમ ભવ્ય ભારતનું નવસર્જન કરવાનું એમનું સ્વપ્ન છે. આ પ્રસંગે ડૉ. જ્યોતિબેન પંડ્યા મેયરશ્રી વડોદરા, ડૉ. યોગેશ સિંઘ મ.સ.યુનિ.ના કુલપતિ, જિલ્લા કલેક્ટરશ્રી અને મ્યુનિસિપલ કમિન્નરશ્રી તેમજ અન્ય અગ્રણીઓ, આચાર્યો અને ૫૦ શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા. કાર્યક્રમના અંતે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી સર્વસ્થાનંદજીએ ઉદ્‌બોધન કર્યુ હતું.

Total Views: 173

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.