દિવ્ય પ્રેમનો ખજાનો

એકવાર એક ભક્તે શ્રીરામકૃષ્ણના એક શિષ્ય સ્વામી વિજ્ઞાનાનંદજીને પૂછ્યું: ‘શ્રીરામકૃષ્ણના કયા ગુણે આપને સર્વાધિક પ્રભાવિત કર્યા છે?’ સ્વામી વિજ્ઞાનાનંદજીએ એના ઉત્તરમાં કહ્યું: ‘એ દિવસોમાં હું એમની આધ્યાત્મિક શક્તિ, એમનો ત્યાગ, એમનાં દિવ્ય દર્શનો તથા એમના ઉપદેશો વિશે કંઈ સમજી શક્યો ન હતો. પણ એમનો પ્રેમ અનુપમ હતો. પહેલીવાર મળ્યો ત્યારે એમણે મારી સાથે એવો વ્યવહાર કર્યો કે જાણે હું એમનો ચિરપરિચિત મિત્ર ન હોઉં ! મારાં માતાપિતા અને ભાઈ પણ મને એટલા વિશુદ્ધ પ્રેમભાવે જોતાં નહિ. શ્રીરામકૃષ્ણ તો પ્રેમનો ખજાનો હતા. એ દિવસે હું એમના પ્રેમને જોઈને મુગ્ધ બની ગયો. તેઓ અમારામાંથી પ્રત્યેકના કલ્યાણ માટે કેટલા પ્રયત્નશીલ રહેતા હતા!’

શ્રીરામકૃષ્ણદેવના સંપર્કમાં આવનાર દરેક વ્યક્તિ એમના પવિત્ર અને નિઃસ્વાર્થ પ્રેમથી અભિભૂત થઈ જતી. એમના સંપર્કમાં આવનાર દરેક માનવ આત્મસન્માન અને આત્મનિર્ભરતાના ભાવથી પૂર્ણ થઈ જતા અને આધ્યાત્મિક પ્રગતિના પથ પર આગળ વધવા માટે પ્રેરણા પ્રાપ્ત કરતા.

શ્રીરામકૃષ્ણદેવ નિરંતર દિવ્ય આનંદમાં ડૂબ્યા રહેતા. એમને એક માત્ર દુઃખ એ વાતનું હતું કે બધા લોકો એ દિવ્ય આનંદની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ નથી. એમની સતત એ જ ઇચ્છા રહેતી કે કેવી રીતે તેઓ બીજા લોકોને પણ પોતાના દિવ્ય આનંદની અનુભૂતિમાં ભાગીદાર બનાવે. લોકોનાં દુઃખદર્દ જોઈને એમનું હૃદય દ્રવી જતું. એક વ્યક્તિને પણ ઉપદેશ અને સમાશ્વાસન આપવામાં પોતે સમર્થ થતા તો તેઓ ખૂબ પ્રસન્ન થઈ જતા. પોતાની પાસે આવનાર યુવકોને તેઓ કહેતાઃ ‘મારી કોઈ સાંસારિક ઇચ્છા નથી. ભૌતિક સુખ, યશ અને ધનસંપત્તિની પણ મને કોઈ ચાહના નથી. ભગવાનનાં નામના ઉચ્ચારણ માત્રથી જ હું પોતાની જાતને ભૂલી જાઉં છું અને સમાધિભાવમાં ડૂબી જાઉં છું. હું તમારા પર આટલો બધો પ્રેમ શા માટે રાખું છું, એ જાણો છો ? તમે બધા હજુ તરુણ છો. તમારાં મન હજી સુધી સાંસારિક કાલિમાથી દૂષિત થયાં નથી. ભક્તિ અને સચ્ચાઈ સાથે જો તમે ધર્મસાધના કરો તો શાશ્વત આનંદ પ્રાપ્ત કરી લેશો. કેવળ આ જ કારણે હું તમને બધાને જોવા માટે આટલો બધો આકુળવ્યાકુળ રહું છું.’ દિવ્ય પ્રેમના સાગર શ્રીરામકૃષ્ણની આ ઉક્તિ પર મનન કરીને આપણે નિઃસ્વાર્થ પ્રેમના સ્રોતની કલ્પના કરી શકીએ. ઈશ્વર જ એ વિશુદ્ધ નિઃસ્વાર્થ પ્રેમનો સ્રોત છે.

માતૃત્વનો સર્વોચ્ચ આદર્શ

કોઈ આદર્શ કે પરિકલ્પના જો કોઈ વ્યક્તિના જીવનમાં સાકારરૂપે ન પ્રગટે તો તે એક શુષ્ક સિદ્ધાંત માત્ર બની રહે છે. દૈનંદિન જીવનમાં એને કાર્યાન્વિત કરવા લોકોને પ્રેરણા અને માર્ગદર્શન મળી શકતાં નથી. શ્રીરામકૃષ્ણદેવે ઈશ્વરના માતૃભાવને પ્રદર્શિત કરવા માતૃત્વની એક સજીવ મૂર્તિ ઘડી, જે બધાંનાં ‘મા’ સંબોધનનો ઉત્તર આપતાં, એમનાં આશીર્વાદ તથા આશ્વાસન મનુષ્યને સંસારનાં બધાં બંધનોમાંથી મુક્ત કરી દેતાં અને દિવ્યતા પ્રાપ્તિમાં એમની મદદ પણ કરતાં. એમનું પોતાનું જીવન પણ આદર્શ માતૃત્વનો એક સંદેશ હતો. આ રીતે શ્રીરામકૃષ્ણે આપણને બધાને દર્શાવ્યું છે કે ઈશ્વર આપણા સગા અને સ્વજન છે, તેમજ આપણે પ્રેમ-સ્નેહભાવ દ્વારા એમની પાસે પહોંચી શકીએ છીએ. એમણે એ પણ દર્શાવ્યું છે કે આ ભાવની મદદથી કેટલાક લોકો ઓછામાં ઓછું નિઃસ્વાર્થ પ્રેમના શિખરે પહોંચી શકે છે. સાથે ને સાથે આ રીતે એમણે બીજાને એ પથ પર ચાલવા પ્રેર્યા હતા. એમણે બતાવ્યું છે કે માના નિઃસ્વાર્થ પ્રેમના આદર્શ દ્વારા નારીઓ કેવી રીતે પરિપૂર્ણતા અને ધન્યતા પ્રાપ્ત કરી શકે છે.

કરુણાનો સાગર

જાતિ, વર્ણ, કુળ કે સમાજ-સમુદાયના ભેદ ભૂલીને અસંખ્ય નરનારીઓ એમને ‘મા’ કહેતાં. જેમ કોઈ બાળક માના ખોળાનો ખાર ઇચ્છે છે તેવી જ રીતે ભક્તો પણ એમની પાસે જઈને એમના સાંનિધ્યમાં પોતાની બધી ચિંતાઓમાંથી મુક્ત થઈ જતા. એમના માર્ગદર્શનથી ભક્તોને કૃતાર્થતાનો અનુભવ થઈ જતો. મા પણ પોતાનાં સંતાનોના કલ્યાણ માટે દિનરાત પ્રાર્થના કરતાં. અપાર ધૈર્ય સાથે તેઓ પોતાનાં સંતાનોની સેંકડો ભૂલોને માફ કરી દેતાં અને એમને સન્માર્ગે ચાલવાનો ઉપદેશ દેતાં. દિવસો, મહિનાઓ અને વર્ષો સુધી તેઓ પોતાનાં સુખ-આરા છોડીને પોતાનાં સંતાનોનાં ભોજન અને આધ્યાત્મિક હિત માટે મંડ્યાં રહેતાં. ભક્તગણ દૂરસુદૂરથી આવતા રહેતા. એ લોકોને કારણે ઊભી થતી અગવડતાઓને પણ તેઓ ધીરજપૂર્વક સહન કરતાં અને એમની આકાંક્ષાઓને પૂર્ણ કરતાં. કરુણાભાવે પીગળી જઈને ઘોર રોગથી પીડિત ભક્તોની માંદગીને પણ યોગશક્તિ દ્વારા પોતાના ઉપર લેતાં. એનાથી એમને ઘણું કષ્ટ તો થતું પણ પોતાનાં દુઃખી ભક્ત સંતાનોને તેઓ આરામ- સુખ-શાંતિ આપ્યા વિના રહી ન શકતાં. આ રીતે તેઓ ભક્તોના શ્રદ્ધાયુક્ત સ્નેહનું પાત્ર બની ગયાં. એમણે પોતાનાં ભક્તસંતાનોને ત્યાગ, સેવા અને ધૈર્યનો ઉપદેશ આપ્યો. જીવનની ઝંઝટો તથા પ્રપંચોથી દુઃખી અને અસહાય ભક્તોને એમણે મંત્રદીક્ષા, જપધ્યાન અને પ્રાર્થનાનો ઉપદેશ આપીને એમને આધ્યાત્મિક શક્તિ અર્પી હતી. તેઓ પોતાની દિવ્યતાને છુપાવીને ભક્તોની વાસ્તવિક માતા જેવાં જ દેખાતાં હતાં. સતત સેવાનું જીવન વીતાવીને પણ તેઓ સર્વદા પ્રસન્ન ચિત્ત અને આનંદિત રહેતાં.

આધ્યાત્મિક સિદ્ધિના આ શિખરે તેઓ ધીમે ધીમે પહોંચ્યાં હતાં. તેઓ સેવા અને બલિદાનના આદર્શમાં સમર્પિત અને કર્તવ્યનિષ્ઠ પુત્રી હતાં. તેઓ એક પતિ પરાયણ પત્ની હતાં, પોતાનાં અસંખ્ય ભક્ત સંતાનોનાં મા હતાં, માનવતાને અધ્યાત્મ પથ પર લઈ જનાર ધર્મસંઘનાં ગુરુ હતાં અને એ બધાથી વધારે તેઓ દિવ્યપ્રેમની સાકાર મૂર્તિ હતાં. બાલિકાના રૂપે એમણે ક્યારેય સમયને વેડફડ્યો નહોતો. માતાપિતાના કાર્યમાં મદદ કરીને એમનો ભાર હળવો કરતાં. પિતાના મૃત્યુ પછી તેઓ પોતે ડાંગર ખાંડતાં. પોતાનાં વૃદ્ધ માતા અને કાકાની સાર-સંભાળ લેતાં. એમણે નાના ભાઈઓને લાડપ્યાર આપ્યા અને એમનું પાલનપોષણ કરીને આત્મનિર્ભર બનાવ્યા. એક ભાઈનું નાની વયે અવસાન થતાં એમને એમની પત્ની તથા બાળકોને આશરો આપ્યો. બીજા ભાઈઓ વચ્ચે વિવાદ થતો ત્યારે તેઓ એમની વચ્ચે મન-મેળાપના પ્રયાસ કરતાં. અનેક લોકો લાચારીને લીધે ઘરકામ કરે છે, પરંતુ મોટાભાગના લોકો પ્રસંગ આવે ત્યારે એ વિશે મોટી મોટી વાતો કરે છે કે પોતાના દુર્ભાગ્ય પર રોવા માંડે છે. પરંતુ માએ બધા પ્રત્યેના અપાર સ્નેહને લીધે જ લોકોની સેવા કરી અને એમણે ક્યારેય એ સેવાનો કે પરોપકારનો ઉલ્લેખ પણ ન કર્યો. પતિ પ્રત્યે એમની નિષ્ઠા તથા પત્ની રૂપે એમના આદર્શ જીવનનું બીજું કોઈ ઉદાહરણ નથી. માનવતાના સમગ્ર ઇતિહાસમાં વિશુદ્ધ આધ્યાત્મિક પ્રેમ પર આવા દિવ્ય દાંપત્યપ્રેમનું દૃષ્ટાંત બીજે ક્યાંય જોવા મળતું નથી. એમના આ આદર્શમાં ક્યારેય ઊણપ ન આવી. આ જગન્માતા કોણ હતાં ? એ હતાં શ્રીશ્રીમા શારદાદેવી. ગિની નિવેદિતાએ એમનું સૂક્ષ્મ નિરીક્ષણ કરીને આમ લખ્યું છે ‘મા એક એવી આકુલ પ્રેમની પ્રતિમૂર્તિ છે કે જે ક્યારેય અમારો અસ્વીકાર ન કરી શકે. જાણે કે સદાસર્વદા અમારી સાથે રહેનાર શુભાશિષ છે. તેઓ એક એવું વ્યક્તિત્વ છે કે જેનાથી આપણે ક્યારેય દૂર જઈ ન શકીએ. તેઓ એક એવું હૃદય છે કે જેમાં અમે બધાં સુરક્ષિત છીએ. તેઓ અસીમ મધુરિમા છે, ક્યારેય ન તૂટનારું બંધન છે. તેઓ છાયારહિત પવિત્રતા છે. વસ્તુતઃ તેઓ આ બધું તો છે પણ એનાથી પણ વધુ કંઈક છે.’

એ વાત સાચી છે કે સામાન્ય રીતે પિતાની સરખામણીએ માતાને બહુ ઓછી પ્રસિદ્ધિ મળે છે. પણ શું એ વાત સાચી નથી કે પિતાની કીર્તિ અને સંતાનોની પ્રગતિ પાછળ માનાં અસીમ પ્રેમરાશિ, સ્નેહ, બલિદાન, સેવા અને સહનશીલતા રહેલાં છે ? તેઓ વિનીત અને સંકોચશીલ બનીને લોકદૃષ્ટિથી છૂપાં રહે છે. માતાની સેવા અને તેના ત્યાગનું મૂલ્ય અસીમ છે. જો બાળકો આ નિઃસ્વાર્થ અને દિવ્યપ્રેમનો એક કણ પણ મેળવી લે તો એમનું મોટું કલ્યાણ થાય. એમનું વ્યક્તિત્વ ઉત્તમ ચરિત્રોના રૂપે વિકસિત અને પુષ્પિત બનશે. અને એમનું જીવન ધન્ય બનશે.

શ્રીમા શારદાની અપાર કરુણા બધાને માટે એક સરખી રહેતી. તેઓ કહેતાં ‘જેમનામાં દયા નથી તે શું મનુષ્ય કહેવાને યોગ્ય છે ?’ નીચે અહીં આપેલી ઘટના એમનાં કરુણા તથા સ્નેહનું એક સજીવ ચિત્ર આપણી સમક્ષ ખડું કરે છે.

કોલકાતાની એક બાલિકા પોતાના ઘરના લોકોને ઘણી હેરાન પરેશાન કરતી હતી. ઘરવાળાઓએ સતત એનું ધ્યાન રાખવું પડતું. તે બાલિકા પોતાની મા સાથે શ્રીશારદાદેવી પાસે આવતી-જતી. માના ઓરડામાં પ્રવેશતાં જ એ એમને ભેટી પડતી. મા હંમેશાં એને ખાવા માટે ઘણી મીઠાઈ આપતાં.

એકવાર શ્રીશ્રીમા ત્યાંથી પોતાના ગામ જયરામવાટી જઈ રહ્યાં હતાં. એમણે એ બાલિકાને કહ્યું: ‘બેટા, તું ઘણા દિવસોથી મારી પાસે આવે છે. શું તું મને ચાહે છે ખરી ?

બાલિકા : ‘હા, હું તમને ખૂબ ચાહું છું.’ એ સાંભળીને માએ કહ્યું ‘કેટલું ચાહે છે મને?’ બાલિકાએ પોતાના હાથ ફેલાવીને કહ્યું, ‘આટલું ચાહું છું.’ માએ કહ્યું : ‘શું તું હું જયરામવાટીમાં રહું તો પણ મને ચાહીશ ?’ એ સાંભળીને બાલિકા બોલી ઊઠી : ‘હા, હું તમને એટલું જ ચાહીશ. હું તમને ભૂલીશ નહીં.’

સાંભળીને માએ કહ્યું ‘પણ મને એની કેમ ખબર પડે ?’ બાલિકાએ કહ્યું ‘આપને એ સમજાવવા માટે મારે શું કરવું જોઈએ ?’ માએ કહ્યું : ‘જો તું ઘરમાં બધાંને ચાહી શકે તો મારા પ્રત્યેના તારા પ્રેમ વિશે હું ચોક્કસ નિશ્ચિત્ત બની જઈશ.’

બાલિકાએ કહ્યું : ‘સારું, હું ઘરમાં બધાંને ચાહીશ. હવે મારાં તોફાન, ઝઘડા બંધ કરીશ.’

એ સાંભળીને માએ કહ્યું : ‘તે તો સારું પણ તું બધાંને એક સરખાભાવે ચાહીશ, કોઈને ઓછું ય નહીં અને કોઈને વધુ નહીં, એની મને કેમ ખબર પડે ?’

આ સાંભળીને બાલિકા બોલી : ‘મા ! બધાને સમાનરૂપે ચાહવા મારે શું કરવું જોઈએ ?’

બાલિકાના પ્રશ્નના ઉત્તરમાં માએ કહ્યું : ‘બેટા ! બધાને સમાન રીતે ચાહવાની રીત હું તને બતાવું છું. જેને તું ચાહે છે એમની પાસેથી કંઈ માગતી નહીં. અને જો તું માગીશ તો એમાંથી કોઈક ઓછું દેશે અને કોઈ વધારે. એવું બને ત્યારે વધારે દેનારને તું વધારે ચાહીશ અને ઓછું દેનારને ઓછું ચાહીશ. આ રીતે તારો પ્રેમ બધા માટે સરખો નહીં રહે. તું બધાંને નિષ્પક્ષભાવે પ્રેમ કરી શકીશ નહીં.’

પેલી બાલિકાએ કોઈ દિવસ બદલાની અપેક્ષા રાખ્યા વિના સૌ કોઈને ચાહવાની પ્રતિજ્ઞા લીધી. વસ્તુતઃ એના પછી એનો વ્યવહાર આદર્શરૂપ બની ગયો. આ ઘટના આપણને સૌને બધાને સમાન અને નિષ્પક્ષ ભાવે ચાહવાની કળા શીખવે છે.

શ્રીમા શારદાદેવીનો પ્રેમ નિઃસ્વાર્થ હતો. તેઓ કોઈ બદલો મળવાની અપેક્ષા ન રાખતાં. એમનો પ્રેમ સજ્જન અને દુર્જન, સૌના પ્રત્યે સમાન રૂપે વ્યક્ત થતો. એમણે એક વાર કહ્યું હતું કે તેઓ પશુઓ, પક્ષીઓ અને કીટ પતંગિયાંની પણ મા છે !

Total Views: 242
By Published On: March 1, 2012Categories: Jagadatmananda Swami0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram