(ગતાંકથી આગળ)

मात्रास्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः
आगमापायिनोऽनित्या: तांस्तितिक्षस्व भारत।।14।।

मात्रास्पर्शा: થી શ્લોક આરંભાય છે; સ્પર્શ એટલે સ્પર્શ, માત્રા એટલે ઈન્દ્રિય પદાર્થો. આપણે ઈન્દ્રિય પદાર્થોને અડીએ, સ્પર્શ કરીએ ત્યારે, આપણું જ્ઞાનતંત્ર ઈન્દ્રિયપદાર્થોના સંપર્કમાં આવે છે. मात्रा શબ્દને ‘માપવું’ સાથે સંબંધ છે, મા એટલે માપવું; આ શબ્દ અદ્‌ભુત છે. તે દિવસે આપણા અણુવૈજ્ઞાનિક રાજા રામન્ના મન અને પદાર્થ, પ્રકૃતિ અને મન વિશે બોલ્યા હતા, એમણે મા માપવું એ પ્રયોગ કર્યો હતો. આને માપન વિદ્યા સાથે સંબંધ છે; અહીં ગણિતશાસ્ત્ર આવે છે. બધાં ભૌતિકશાસ્ત્રો માપને અધીન છે. પરંતુ, મનુષ્યમાં આ ભૌતિક પરિમાણોની પાર જઈએ છીએ ત્યારે, કશું માપન શકય નથી. ઈન્દ્રિયકક્ષા સુધી માપ લઈ શકાય તો, मात्रा શબ્દ આ માપનના ખ્યાલમાંથી ઉદ્ભવે છે; પોતાની સામેના પદાર્થને આ મજ્જાતંત્ર માપે છે. એ રીતે આપણે જગતના સંપર્કમાં આવીએ છીએ. मात्रास्पर्शास्तु कौन्तेय, ‘ઈન્દ્રિય પદાર્થો સાથેનો સંપર્ક, હે અર્જુન’; એથી તમને શું થાય છે? ‘કોઈવાર એ તમને ઠંડીની તો કોઈવાર ગરમીની, કોઈવાર સુખની તો કોઈવાર દુઃખની સંવેદના જગાવશે.’ આવા સંપર્કનું એ લક્ષણ છે; शीत-उष्ण-सुख-दु:ख-दा:. પણ એ તો आगम-अपायिनो છે, ‘આવે ને જાય છે’; એ સ્થિર નથી, અનિત્ય. વાત એમ છે તો, આપણે શો પ્રતિકાર આપીશું? तान्‌ तितिक्षस्व भारत, એમને, હે અર્જુન, સહન કરી લે!

અદ્‌ભુત કથન છે આ. એક અંગ્રેજી કહેવત છેઃ

‘What can not be cured must be endured – જેનો ઈલાજ ન થઈ શકે તે સહન કરી લેવું’. માંદા પડી તમે ડૉકટર પાસે જાઓ છો. એ તમારી સારવાર કરશે; એનું શાસ્ત્ર છે પણ, તમને લાગેવળગે છે ત્યાં સુધી, રોગ છે ત્યાં લગી, ડૉકટર સાથે સહકાર આપવાનો અને સારવાર સહન કરવાનો દૃઢ નિશ્ચય જોઈએ. માટે तान्‌ तितिक्षस्व, ‘એમને સહન કરી લે’; એથી મનોબળ વિકસે છે. સારવારથી એમને દૂર કરવાનો પ્રયત્ન તમે કરો જ; જેનો ઈલાજ જ ન હોય તે સહી લેવાનું. આવી બાબતો સહી લેવાની શક્તિ પ્રચંડ શક્તિ છે. પીડા અને બીજા અનુભવો સહેવાની શક્તિ લોકોમાં સાપેક્ષ છે, કોઈકમાં વધારે તો કોઈકમાં ઓછી.

જ્ઞાનતંતુઓની પરિભાષામાં જેને ‘પીડાનો ઉંબરો’ કહેવાય છે તે, બધા લોકોમાં જુદો જુદો હોય છે. કેટલાક લોકો ખૂબ પીડા સહન કરી શકે છે; કેટલાકથી થોડીયે સહન નથી થતી. મૈસુરમાં વિદ્યાર્થી છાત્રાલયની જવાબદારી હું સંભાળતો હતો ત્યારે, અમારા વિદ્યાર્થીઓને અમારે મેલેરિયાનાં ઇંજેકશન આપવાં પડતાં; એ છોકરાઓ ૧૦, ૧૧, ૧૨ની વયના હતા; કેટલાક આવી, ઇંજેકશન લઈ ચાલ્યા જતા; એક બે વિદ્યાર્થીઓ ઇંજેકશનની સોઈને જોતાં જ બેહોશ થઈ પડી જતા! એમનો પીડાનો ઉંબરો સાવ નીચો હતો. એટલે, આપણે એ શક્તિ વિકસાવવાની છે; ‘હું એ સહી શકીશ, સહી શકીશ’, એમ કહો. જીવનની વ્યર્થ અને ક્ષુલ્લક બાબતોને સહેવાની શક્તિ અગત્યની શક્તિ છે. માટે તો શ્રીકૃષ્ણ કહે છે, तान्‌ तितिक्षस्व भारत, ‘એમને સહન કરી લે.’ તું સહન નહીં કરે તો, તું પડી જશે, નાશ પામશે. થોડી વધુ તાકાત તેં વિકસાવી હોત તો તું એનો સામનો બરાબર કરી શક્યો હોત. તું આટલો ઢીલો ન થા. જીવનનાં પરિવર્તનો અને તકોનો સામનો કરવાની થોડી શક્તિ સૌએ વિકસાવવી જોઈએ. જિંદગી કંઈ એકલી મજા નથી, એકલો આનંદ નથી; અવારનવાર મુસીબતો આવે છે; એટલે, પર્યાવરણ સામે માનવતંત્રનું આવું મજબૂતીકરણ માનવજીવન માટે ખૂબ અગત્યનું છે. આપણું શરીર સુદૃઢ હોય તો કોઈ રોગનાં જંતુઓ એમાં પ્રવેશી વૃદ્ધિ પામી શકે નહીં. એ નબળું હોય તો, ગમે તેટલાં જંતુઓ દાખલ થઈ પીડા ઊભી કરી શકે. તો શરીરને સુદૃઢ રાખો. તમારું મન પણ સુદૃઢ હોવું ઘટે.

આ ગ્રંથમાં આ વિચારને શ્રીકૃષ્ણ અનેક વેળા ઘૂંટે છે. મનની મક્કમતા અને જ્ઞાનતંતુ તંત્ર ઉપર અંકુશ કોઈપણ ભદ્ર માનવી માટે ખૂબ અગત્યનાં છે. આ પ્રકારના આત્મનિયમન વિના સદ્ગુણ અને નીતિમત્તા પ્રવર્તી શકે નહીં. સામાન્ય જિંદગીમાં કઠણાઈઓ આવે જ. તમે થોડું સહન કરી શકો તો, થોડા કાળ પછી, મામલો સુધરી જાય. તમે દરિયામાં તરવા જાઓ ત્યારે, મોજાઓ આવે ને તમારી સાથે અથડાય. મોજાં આવે ત્યારે, એમની નીચે જવું; અને જાય ત્યારે પાછું ડોકું કાઢવું. મોજાઓ સાથે કામ પાડવાનો એ જ રસ્તો છે. એ આવે ને જાય. એ સદાકાળ હોતાં નથી. એટલે, આ રીતે, સામે મોજે તરવાની શક્તિ તમે કેળવી શકો છો. માટે, આ तान्‌ तितिक्षस्व – ‘એમને સહન ક૨વા’નો વિચાર, કારણ, તેઓ अनित्या: – ‘સદાકાળ નથી.’ થોડી ધીરજથી ઘણું પરિવર્તન આવે. આપણે નિર્બળ મનના હોઈએ ત્યારે, કોઈ દુઃખદ પરિસ્થિતિનો પહેલો હુમલો જ આપણને ભાંગી નાખે. ફક્ત પહેલો હુમલો! એ દુર્બળતા છે. માણસમાં થોડી પણ તાકાત હોય તો એ કહેશે, ‘હું એ સહી લઈશ, ‘હું એને પાર કરી જઈશ.’ આ છે પ્રચંડ આત્મશ્રદ્ધા! આને આત્મશ્રદ્ધા કહેવાય. આપણે સૌ આત્મશ્રદ્ધા કેળવીએ એમ શ્રીકૃષ્ણ ઇચ્છે છે; ‘હું એને પાર કરીશ’ નો ભાવ. અમેરિકનોનું એક રાષ્ટ્રગીત છે, ‘અમે પાર કરીશું, અમે પાર કરીશું.’ બધા લોકોમાં એ ભાવના હોવી જોઈએ. માટે એમણે કહ્યું, ‘तान्‌ तितिक्षस्व’. સંસ્કૃતમાં તિતિક્ષા મોટો શબ્દ છે. વિવેકચૂડામણિના ૨૪મા શ્લોકમાં શંકરાચાર્યે તેની વ્યાખ્યા આપી છે. વેદાંતના અભ્યાસુએ આ ગુણ કેળવવો ઘટે:

सहनं सर्व दु:खानां अप्रतिकारपूर्वकं,
चिन्ताविलापरहितं सा तितिक्षा निगद्यते।

‘ચિંતા અને રુદન વગર અને પ્રતિકારની ઇચ્છા વગર બધું દુઃખ સહેવું તે તિતિક્ષા.’

(ક્રમશ:)

Total Views: 238

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.