વિજ્ઞાનનો દુરુપયોગ

આૅસ્કાર વાઈલ્ડની એક કથાવાત જુઓઃ

‘ઈસુ ખ્રિસ્ત એક વખત કોઈએક ગામડામાંથી નગરમાં જઈ રહ્યા હતા. રસ્તા પર ચાલતી વખતે એમણે એક યુવાનને રસ્તાના નાળામાં પડેલો જોયો. ઈસુએ એને પૂછ્યું, ‘ભાઈ, તું દારૂ પીને આવી ભયંકર અવસ્થામાં શા માટે પડ્યો છે?’ એ સાંભળીને પેલા યુવાને કહ્યું, ‘પ્રભુ, હું તો કોઢિયો હતો, આપે મારા પર કૃપા કરીને મારો કોઢ દૂર કરી દીધો. હવે હું બીજું કરી પણ શું શકું?’

આ સાંભળીને ઈસુએ એક લાંબો નિઃસાસો નાંખ્યો. વળી પાછા એમણે એક બીજા યુવકને વેશ્યાના કોઠામાં જતો જોયો. ઈસુએ પૂછ્યું,‘આ રીતે તું તારા આત્માને શા માટે પતનને માર્ગે લઈ જાય છે?’ સાંભળીને યુવાને કહ્યું, ‘હે પ્રભુ! હું તો અંધ હતો, તમે મારા પર દયા લાવીને મને આંખો આપી. હવે હું બીજું શું કરી શકું?’ નગરમાં પ્રવેશતાં જ ઈસુએ દુઃખપીડાથી કરાંજતા વૃદ્ધને જોયો. ઈસુએ એને દુઃખ સાથે કણસવાનું કારણ પૂછ્યું. વૃદ્ધે કહ્યું, ‘પ્રભુ, હું તો મરી ગયો હતો, આપે જ મને ફરીથી જીવતો કર્યાે, હવે આવાં રોદણાં રોવા સિવાય હું બીજું કરી પણ શું શકું?’ આ ત્રણેયે ઈશ્વરની કરુણા, સહાનુભૂતિ અને કૃપાનો દુરુપયોગ જ કર્યાે હતો.’

ઈસુ પોતાની અતિમાનવીય શક્તિઓથી જે ચમત્કાર કરી શક્યા એવા જ ચમત્કાર કરવામાં આજનું વિજ્ઞાન પણ સમર્થ છે. શલ્ય ચિકિત્સા તેમજ ચમત્કારિક ઔષધિઓની જાદુઈ ટેકનિક દ્વારા આજની બીમારીઓને તે દૂર હટાવી દે છે. અને એને લીધે આયુષ્ય પર પડનારા પ્રભાવને પણ દૂર કરી શકાય છે. જીનનું વિશ્લેષણ કરીને, એમાં પરિવર્તન લાવીને મૃત્યુને પણ ટાળી શકાય છે.

આમ છતાં પણ મનુષ્ય આ જ્ઞાનનો ઉપયોગ શું પોતાના કે સમાજના કલ્યાણ માટે કરી રહ્યો છે ખરો? કે પછી એ પણ ઉપર્યુક્ત આૅસ્કાર વાઈલ્ડની કથાનાં પાત્રોની જેમ મનની શક્તિઓનો વિકાસ કરનારાં મૂલ્યોનો ઉપયોગ સાંસારિક સુખોની લાલસા તૃપ્ત કરવા તથા પોતાની જાતને વિનાશના આરા સુધી લઈ જવા માટે કરી રહ્યો છે?

સંયુક્ત રાષ્ટ્રસંઘના વિશેષજ્ઞો આમ કહે છેઃ ‘આ પૃથ્વીની લગભગ અડધી વસતી કુપોષણ અને ભૂખમરાનો ભોગ બને છે. જો દુનિયામાં સૈન્ય માટે થતા ખર્ચનો એક ટકો બચાવીને ખાદ્ય પદાર્થાેના ઉત્પાદન માટે વાપરવામાં આવે તો એનાથી વીસ કરોડ ભૂખ્યાં બાળકોને ભોજન આપી શકાય.’ પણ કોઈ રાજ્ય કે રાષ્ટ્રે બાળકોના આહાર માટે પૂરતું ધન બચાવ્યું નથી. ભયંકર વિનાશ નોતરતાં હથિયારોના ઉત્પાદનમાં તથા તેને ભેગાં કરવામાં જ અખૂટ ધન ખરચાઈ રહ્યું છે. આવા વખતે આપણને બર્ટ્રાન્ડ રસેલની આ ઉક્તિ યાદ આવે છેઃ ‘આપણામાં પોતાના મિત્રોનું હિત કરવાને બદલે પોતાના શત્રુઓનો નાશ કરવાની ઇચ્છા જ વધુ પ્રબળ છે.’ આવી માનસિકતા જગતને કે લોકોને કોઈ રીતે લાભકારી નથી. આપણી શક્તિ અને આપણાં સંસાધનો મોટે ભાગે પોતાના સાચા મિત્રોની સહાય કરવાને બદલે કાલ્પનિક શત્રુઓના વિનાશ માટે જ વધારે ને વધારે પ્રમાણમાં વપરાઈ જાય છે.

કેવળ યંત્રો અને પ્રૌદ્યોગિકીનો વિકાસ ઉપકારક સિદ્ધ થયો નથી. એનું કારણ એ છે કે એ બંનેની સાથે માનવ હૃદયમાં કરુણા, સહાનુભૂતિ, સંયમ, નિઃસ્વાર્થતા, સહાયતા જેવા ભાવો ઉન્નત થયા નથી. એટલે કેવળ પ્રૌદ્યોગિકીનો વિકાસ માનવીય પ્રગતિ માટે અહિતકારી સિદ્ધ થયો છે. જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા કન્નડભાષાના કવિ કોવેમ્પૂ કહે છેઃ

વિજ્ઞાન તો છે માનવની દાસી, જ્ઞાન અને ધનરાશિ અપાર,

વિષયભોગની તૃષ્ણા જ્વાળા, મેળવે છે પેટ્રોલની ધાર,

ઊંચે જતી જ્વાળાઓ, યુદ્ધસ્થળની કેવી મહાઆગ,

ધની અને નિર્ધન બંનેને, ગ્રસી રહ્યો અતિધનનો અનુરાગ.

હિંસાનો દાનવ

વૈજ્ઞાનિક તથા બુદ્ધિજીવી જ્ઞાનનાં વિવિધ ક્ષેત્રોમાં સત્યની ખોજ માટે પોતપોતાનાં જીવન અર્પિત કરી રહ્યા છે. એમણે પ્રકૃતિની ભિન્નભિન્ન શક્તિઓને કામે લગાડવાની યુક્તિપ્રયુક્તિ શોધી લીધી છે. પરંતુ એમનો પરિશ્રમ, મનુષ્યમાં રહેલી દુર્મતિની આગને ફૂંકવાનું જ કામ કરે છે. આ બધાના અથાક પરિશ્રમથી શોધાયેલ પ્રકૃતિનાં રહસ્યો ખોટા હાથોમાં જઈને મનુષ્યના વિનાશના પથને વધારે તૈયાર કરવામાં મંડી પડ્યાં છે. હવે આપણે વિજ્ઞાનના ભયંકર વિનાશકારી ચહેરાને સ્પષ્ટરૂપે જોઈ રહ્યા છીએ.

સોમવાર, ૬ ઓગસ્ટ, ૧૯૪૫નો દિવસ. સવારના ૭ઃ૪૫ વાગ્યા છે. લગભગ ૬૦ હજાર સ્ત્રીપુરુષો અને બાળકો જોતજોતામાં કાળના મુખમાં હંમેશને માટે સમાઈ ગયાં. લાખો લોકો ભયંકર રીતે ઘાયલ થયાં, એક મોટું બંદર નાશ પામ્યું. એક મોટું શહેર બળીને ખાક થઈ ગયું. મિનીટોમાં જ બધું સ્વાહા! જાપાનમાં હિરોશીમા નગર પર નાંખેલા અમેરીકાના પહેલા અણુબોમ્બનું આવું ભયંકર પરિણામ.

હમણાં હમણાં વિજ્ઞાને ઘણી ઝડપી પ્રગતિ કરી છે. સાથે ને સાથે તે માનવ પ્રજાના સંહારની કળામાં ઉત્તરોત્તર વધારેને વધારે કુશળ થતું ગયું છે. આ વાતની વધારે સ્પષ્ટતાની જરૂર નથી. આ વિશે હમણાં જ જાહેર થયેલ એક પ્રામાણિક અહેવાલમાં આવા શબ્દો છેઃ ‘વિશ્વની પાંચ મહાશક્તિઓએ ભિન્નભિન્ન પ્રકારનાં આશરે ૫૦ હજાર શક્તિશાળી પરમાણુ હથિયાર એકઠાં કર્યાં છે. આ હથિયારો હિરોશીમા અને નાગાસિકી પર ફેકાયેલા બોમ્બની સરખામણીમાં ૧૦લાખ ગણાં વધુ વિનાશકારી છે.

આ હથિયારોનો લગભગ ૯૫થી ૯૭% ભાગ બે મહાશક્તિ (અમેરિકા અને રશિયા) પાસે છે. અને બાકીનાં ચીન, ઈંગ્લેન્ડ અને ફ્રાંસ પાસે છે. બંને મહાશક્તિઓ આ પરમાણું હથિયાર વિકસાવવા પ્રતિદિન લગભગ ૧ કરોડ ડોલરનો ખર્ચ કરે છે. સાથે ને સાથે એના પરિવહન, અનુસંધાન અને એકત્રિકરણ માટે ૧૦ કરોડ ડોલર વાપરે છે. વળી, આવાં ઉત્પાદનો રોકવાની કોઈ ચોક્કસ યોજના નથી. આમ છતાં પણ ઉપરછલ્લી રીતે શસ્ત્રનિરોધ માટેના હસ્તાક્ષરો અને કરારો થયા છે. કોઈ નિઃશસ્ત્રીકરણ માટે ગંભીરભાવે વિચારતું નથી.’

વિનાશક હથિયારોની મદદથી માનવના સંહારની કળામાં થયેલી પ્રગતિ વિશે કેટલીક જાણકારી આવી છે, ‘૧૯મી સદી પહેલાંનાં હજારો વર્ષ દરમિયાન યુરોપમાં ભિન્નભિન્ન યુદ્ધોમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા ૨૦ કરોડની છે.

પરંતુ આ એક જ શતાબ્દી દરમિયાન યુદ્ધોમાં લગભગ ૭૦ કરોડ લોકો માર્યા ગયા છે. આ આંકડો બીજા વિશ્વયુદ્ધ સુધીના યુદ્ધમાં માર્યા ગયેલા લોકોનો છે. ત્યાર પછી પણ વિશ્વમાં અનેક નાનાંમોટાં યુદ્ધોમાં ૧ કરોડથી પણ વધારે લોકો માર્યા ગયા છે.’

વિજ્ઞાનનો ભયાવહ ચહેરો

માનવને સુખસુવિધા આપવી એ જ વિજ્ઞાનનો એક માત્ર હેતુ છે. પરંતુ સુખસુવિધાનાં પ્રલોભન દેખાડીને તે માનવ પર પોતાની પક્કડ નિરંતર પ્રબળ કરી રહ્યું છે. ‘બ્રિટનમાં દરવર્ષે સાત હજાર લોકો યાતાયાતની દુર્ઘટનાઓમાં માર્યા જાય છે અને એક લાખ લોકો ઘાયલ થાય છે.

અમેરીકામાં આવી રીતે ૪૫ હજાર લોકો આવનજાવનની ઘાતક દુર્ઘટનાઓમાં મરણને શરણ થાય છે અને લાખો ઘાયલ થાય છે.’ ઈ.સ. ૧૯૮૨માં ‘લંડન ટાઈમ્સ’માં પ્રકાશિત થયેલ એક લેખમાળાનો સાર આવો હતો – એ સાચું છે કે વિજ્ઞાને આપણી સુખસુવિધાઓનું સ્તર ઊંચે લાવી દીધું છે, આપણું આયુષ્ય દીર્ઘ બન્યું છે, પણ સાથે ને સાથે દારુની લત વધતી જાય છે.

વસ્તુતઃ સભ્યતાની પ્રગતિ માટે બધાને ગર્વ છે. પરંતુ દુર્ભાગ્યવશ મદ્યપાનથી ઉન્મત્ત અવસ્થામાં હિંસક પશુઓથી પણ વધારે ખરાબ આચરણ કરનારની સંખ્યા વધી છે. ૧૯૬૧માં દારુ અને સીગરેટ પર ૧૫૦૦ કરોડ રૂપિયા ખર્ચાયા હતા. અત્યાર સુધીમાં આ સંખ્યા અનેકગણી વધી ગઈ છે.

દારુ પીને વાહન ચલાવવાથી થતી દુર્ઘટનાઓની સંખ્યા દર વર્ષે વધતી જાય છે. બ્રિટનમાં દર વર્ષે ૪૦૦ કરોડ લીટરથી પણ વધારે દારુની ખપત છે. ત્યાં કેવળ શરાબ અને સિગરેટ પર ઉઘરાવેલ કરની રકમ ૧૧૭૦ કરોડ રૂપિયા છે.

વિશેષજ્ઞો કહે છે, ‘પ્રૌધોગિકીની દૃષ્ટિએ સર્વાધિક ઉન્નત રાષ્ટ્રોમાંના એક અમેરીકામાં દર અડધી કલાકે એક હત્યા અને એક બળાત્કાર થાય છે. દર કલાકે દસ લૂંટફાટ અને ૪૦ કારની ચોરી કે તસ્કરીની ઘટનાઓ બને છે.

આ ઘટનાઓની વાર્ષિક સંખ્યા ૨૦ લાખ કરતાં પણ વધારે છે. અપરાધો કરવા માટે અપરાધીઓ સૌથી વધારે ઉન્નત યુક્તિપ્રયુક્તિ અજમાવે છે. તેઓ એટલા સફળ રહે છે કે એમને નિષ્ફળ કરવા માટે પોલિસના સર્વાેત્તમ પ્રયાસ નકામા નીવડે છે.

ચાર ડાકુઓમાંથી એકનો પત્તો મળે છે. ઈ.સ. ૧૯૦૦થી લગભગ ૮ લાખ હત્યારાઓની ગોળીથી લોકો મર્યા છે. આ હકીકત માનવહૃદયમાં વ્યાપ્ત હિંસા તરફ સંકેત કરે છે. ગયે વર્ષે દસ હજાર લોકોએ પોતાને જ ગોળી મારીને પોતાની હત્યા કરી છે. આ વાત ત્યાંના નરનારીઓનાં સંઘર્ષ તથા હતાશાની ગહનતાની દ્યોતક છે.’

આ સંઘર્ષ અને હતાશાની ગંભીરતાને સમજાવવા વિશેષજ્ઞો બીજા આવા આંકડા પણ આપે છેઃ ‘અમેરિકાના લોકો દર વર્ષે ૨૮ હજાર ટન એસ્પિરિન જેવી ગોળીઓ ગળી જાય છે. સ્નાયુના તણાવને દૂર કરનારી સેંકડો કરોડ રૂપિયાની દવાઓ પણ ખપી જાય છે. અસંખ્ય લોકો અનિદ્રાના રોગથી પીડાય છે. અને એમને દરરોજ ઊંઘની ગોળીઓ ખાવી પડે છે. કોલેજોમાં અભ્યાસ કરનારાં યુવકયુવતિઓમાં ઘણી ઝડપથી ટ્રાંક્વીલાઈજર અને મનને શાંત રાખનારી ઔષધિઓ લેવાની લત દિવસે ને દિવસે વધતી જાય છે.’

‘રીડર્સ ડાઈઝેસ્ટ’ના નવેમ્બર, ૧૯૭૦ના અંકમાં આર્ટલિન્ક લેટરનો આ હૃદયદ્રાવક લેખ છપાયો હતો. એમાં એલ.એસ.ડી. (માદક દ્રવ્ય)ના નશાને લીધે પોતાની વીસ વર્ષની પુત્રીના એક ભવનના ઉપરને માળેથી કુદીને જાન દેવાનું વર્ણન કરતાં લેખકે અમેરિકી માતપિતાઓને આવી ચેતવણી આપી છે, ‘અમારા પરિવાર પર આવેલી આ ભયંકર કરુણાંતિકાની છાયા પ્રત્યેક ઘરને અંધકારમય બનાવી રહી છે. શિક્ષણનું સ્તર, ધનસંપત્તિ અને સામાજીક પ્રતિષ્ઠા આવું કંઈ પણ યુવકોને માદક દ્રવ્યના અતિસેવનથી બચાવી શકે તેમ નથી. આપણું સંતાન પછી ભલે તે પ્રાથમિક શાળામાં હોય, માધ્યમિક શાળામાં કે વિશ્વવિદ્યાલયમાં હોય પણ એ આ જ પળે માદક દ્રવ્યોના સંપર્કમાં આવી રહ્યું છે. જો તમે એમ વિચારતા હો કે એમ નથી તો તમારી આંખો હોવા છતાં તમે અંધ છો.’

કામુકતા, સ્વેચ્છાચાર અને ભોગવિલાસની તીવ્ર ઇચ્છા માટે ઈંધણની આપૂર્તિ કરતી વૈજ્ઞાનિક પ્રૌદ્યોગિકીએ માનવતા પર કેવો વિનાશકારી પ્રભાવ ફેલાવી દીધો છે.

વિયેટનામના યુદ્ધમાં ૪૫ હજાર સૈનિકો માર્યા ગયા, અને એક લાખ ચાલીસ હજાર લોકો માદક દ્રવ્યોના સેવનથી મરી ગયા છે. કહેવાય છે કે વિશ્વભરનાં ૧૩ વિશાળ સંગઠન માદક દ્રવ્યોના ગેરકાયદાના વેપારમાં જોડાયેલાં છે અને એમાં દરેકનો વાર્ષિક વેપાર ૨ હજાર કરોડ રૂપિયાનો છે.

Total Views: 183

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.