ગુરુએ કોઈ વ્યક્તિ નથી. ગુરુ એ તો શક્તિ છે. ગુરુશક્તિ વિષે સીસ્ટર નિવેદિતા કહે છે કે રામકૃષ્ણ એક સિદ્ધાંત છે. કેટલાક વિચારો અને અનુભવોનું મૂર્ત સ્વરૂપ છે. રામકૃષ્ણ અને વિવેકાનંદના સ્થૂળ દેહ ક્યારનાય વિલય થઈ ગયા પરંતુ આજે તેમની પૂજા થાય છે. આ સ્થૂળ શરીર એ એક પ્રતિક છે. એ એક આપણો આધાર-અવલંબન છે. જેમાંથી આપણને રામકૃષ્ણતત્ત્વ, વિવેકાનંદતત્ત્વ પ્રાપ્ત થાય છે. જગદંબાના સ્પર્શથી શ્રી રામકૃષ્ણનો ગુરુભાવ પ્રગટ થાય છે. જગદંબાનું મહત્ અહં શ્રીરામકૃષ્ણમાં નિત્ય લીલા પ્રગટ કરે છે એટલે જ ગુરુની મહાનતા છે. શરીરની મહાનતા નથી.

જે સ્રોતમાંથી આધ્યાત્મિકતાનો પ્રવાહ મને મળે તે મારા ગુરુ. ગુરુભાવ એ એક વિચાર છે-મહાસત્ય છે. જે દિવ્ય પ્રવાહ ગુરુના માધ્યમ દ્વારા આવે છે એનું જ અહીં મહત્ત્વ છે. આ મહાસત્ય એક મહાભાવ છે. શાસ્ત્ર પ્રમાણે હું સંન્યાસી છું. હું ગુરુ થવા માટેનો પૂર્ણ અધિકારી છું. સંન્યાસ દ્વારા ઉપદેશ આપવાની સત્તા મળે છે. રામકૃષ્ણ મિશનના દરેક સાધુમાં શાસ્ત્રોક્ત રીતે ગુરુ થવાની લાયકાત છે. પરંતુ અમારી હજી એવી માન્યતા છે કે અમારામાં હજી ગુરુશક્તિ પ્રગટી નથી. દસમા અધ્યક્ષ વીરેશ્વરાનંદજીએ પણ ૧૯૬૬ સુધી પોતે ગુરુ બનવાની કલ્પના પણ કરી ન હતી પરંતુ ત્યાં તેમને ગુરુસ્થાને બેસાડ્યા પછી તેમનામાં મહાનગુરુ શક્તિ પ્રગટ થઈ. ગુરુ એ દિવ્યતાના ધારક અને વાહક છે.

સ્વામી બ્રહ્માનંદ જેવા મહાપવિત્ર ઈશ્વરકોટિ જીવ, એમના દ્વારા ગુરુભાવ પ્રગટ થાય. બ્રહ્મજ્ઞ ગુરુમાં શાસ્ત્રો સોળઆના શ્રદ્ધા રાખવાનું કહે. દીક્ષાદાતા ગુરુની ભક્તિ કરો. ગુરુના ભાગવતી તનુની પૂજા કરીએ. એમની ચરણરજ લઈએ કારણ કે ગુરુનો ભાવ અને આપણું અવલંબન એક અભિન્ન શ્રદ્ધાબળ છે. તમે રાતદિવસ એ પ્રમાણે સાધના કરતાં જ જાઓ ત્યારે તમે એવા બની જાઓ છો. રાતદિવસ ભગવાન ભગવાન કરવાથી એક દિવસ ભગવાન બની જવાય.

ગુરુ અનેક નહિ, ગુરુ એક જ. તમારા અને મારા ગુરુમાં કશો ફેર નહીં. આધ્યાત્મિક ગુરુઓ જુદા જુદા શરીર-અવલંબન લઈને આવે છે. પરંતુ ભાવરૂપે એક જ. જ્યાં સુધી દેહભાન રહે ત્યાં સુધી જે શરીરમાં ગુરુભાવ તે ગુરુ. પરંતુ પછી તો ફક્ત ગુરુભાવ એ જ ગુરુશક્તિ- એ જ ગુરુ. આ એક સંપ્રદાય ઊભો કરવા માટે નથી પરંતુ આ એક ઊંડો મનોવૈજ્ઞાનિક અભ્યાસ છે. રામે જ્યારે વિષ્ણુરૂપ ધારણ કર્યું ત્યારે હનુમાનજી મૂંઝાઈ ગયા. રામને તેમની મૂંઝવણ સમજતા વાર ન લાગી અને હનુમાનજીએ કહ્યું, કેમ હનુમાનજી તમે તો જ્ઞાની છો. આત્મા એક છે. જે વિષ્ણુ એ જ રામ. હનુમાનજીએ કહ્યું, ‘જી હા, આ રૂપ બહુ મધુર. શ્રીનાથ અને જાનકીનાથ એક જ પરંતુ મારું હૃદય તો રામ કમલલોચન જ નિહાળવા ઈચ્છે છે. મારા માટે તો રામ જ મારા ઈષ્ટદેવ. ફરી રામે વિષ્ણુરૂપ છોડી રામરૂપ ધારણ કર્યું. ત્યારે હનુમાનજી શાંત થયા.’

શ્રીરામકૃષ્ણદેવ કહેતા કે જગદ્ગુરુ મંત્ર દે પ્રાણમાં અને માનવગુરુ મંત્ર આપે કાનમાં. જેના દ્વારા મનમાંથી-બુદ્ધિમાંથી જડતા દૂર થઈ જાય અને એની જગ્યાએ શુદ્ધતા અને સાત્ત્વિકતા આવે ત્યારે જ અંદરનો અવાજ સ્પષ્ટ પણે સાંભળી શકાય. એ સાત્ત્વિકતાને લીધે જ અંદર બેઠેલા જાગ્રત ભગવાનનો અવાજ સાંભળી શકાય. જ્યારે ઈન્દ્રિયોનો ખળભળાટ-કલહ બંધ થાય ત્યારે જ અંદરનો પ્રણવ ધ્વનિ સંભળાય. અનાહત ધ્વનિ યુગયુગોથી સંભળાતો આવે છે છતાં આપણે એને કેમ સાંભળી શકતા નથી? મન જ્યારે શાંત સ્વચ્છ અને સ્થિર થાય ત્યારે મન તમારો ગુરુ બનશે.

ગુરુ સ્વયં આનંદમૂર્તિ છે. પોતાની તૃપ્તિ માટે બીજા પર નિર્ભર નથી. તેમના હાથમાં જ બ્રહ્માનંદ છે. હસ્તામલકવત ગુરુ એ તો શુદ્ધ મનના સઘન સ્વરૂપ. એમનામાં ઐશ્વર્ય, વૈભવ નથી. ગુરુ શુદ્ધ સચ્ચિદાનંદ. તેમાં કોઈ જાતનો ક્લેશ નથી. અંતર અને બર્હિ સંયમની મૂર્તિ. સમસ્ત મન એમની મુઠ્ઠીમાં પ્રશાંત રહે. કોઈ જાતની જીવજગતની ઊર્મિઓના ઘાતપ્રતિઘાતથી તેઓ ચંચલ નહિ થાય. સર્વ વિદ્યાનો ખજાનો એમનામાં છે. સામાન્યથી બ્રહ્મ વિદ્યા સુધીનો ખજાનો એમનામાં છે.

આપણા ગુરુ જન્મજન્માંતરના આપણા ભવરોગને સમજી શકે છે. તેઓ દુઃખ દૂર કરવા માટે સરસ ઉપાય બતાવી શકે છે. એમની ઈશ્વરીય મહાશક્તિથી માયાનાં બંધન દૃષ્ટિમાત્રથી છૂટી શકે. જડબુદ્ધિવાળો માણસ ગુરુની અનેરી કરુણાથી જાગૃત બની શકે. ભગવાન સ્વયં ગુરુ દ્વારા આપણને સહાય કરે છે. સૌના ગુરુ આ રીતે જુદીજુદી રીતે ભવરોગથી મુક્ત કરે છે.

ગુરુ જ્ઞાનદાતા છે. બ્રહ્મનિષ્ઠ ગુરુ હાથમાંથી જે રીતે આપણે બીજાને વસ્તુ આપીએ તેમ બ્રહ્મજ્ઞાન આપી શકે. શંકરાચાર્યની ગુરુસ્તુતિ ખૂબ સરસ છે. જન્મમરણનાં દુઃખને નિર્મૂળ કરે છે એ જ ખરા સદ્ગુરુ. એમને આપણે વંદન કરીએ. ગુરુમહારાજ એક જગ્યાએ કહે છે કે રામનામ પણ લો અને કપડાં પણ સાચવો એ ન ચાલે. શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધાનું ઊંડાણ હોવું જોઈએ. ઈશ્વરના સ્પર્શથી તાત્કાલીક ભેદ દૂર થાય. ગુરુ મહારાજ પાસે હરિવલ્લભ આવ્યા ને જોયું તો ગુરુમહારાજની અત્યંત નમ્રતા. અદ્‌ભુત ગુરુની ઉદારતા પણ મહાન હોય છે. એમના તરફ ભક્તોનું ખેંચાણ પણ અનન્ય હોય છે. શંકરાચાર્ય કહે છે, ‘આત્મરતિ અર્થાત્ બ્રહ્મનિષ્ઠ બનવું તે જ ભક્તિ.’

શ્રીરામકૃષ્ણનો પુણ્ય દેહ એક યંત્ર. તેના દ્વારા દૈવીતત્ત્વ, ઈશ્વરતત્ત્વ, બ્રહ્મતત્ત્વ પ્રસારિત થાય છે. જેમ સૂર્યમાંથી સૂર્યનાં કિરણો પ્રસારિત થાય તેમ. પરંતુ જ્યાં સુધી આપણું મન શરૂ સાત્ત્વિક ન થાય ત્યાં સુધી ઊર્ધ્વગતિ થાય નહિ. ઠાકુર કહેતા કે રાધાકૃષ્ણનું મિલન થાય ત્યારે સખીઓને નિરાંત થાય, આરામ થાય, શાંતિ થાય. પરંતુ જ્યાં સુધી બંનેનું મિલન ન થાય ત્યાં સુધી તો સખીઓ ખૂબ દોડાદોડી કરે અને એમના મિલન માટે સતત ચિંતા કરે. ગુરુનું પણ એવું જ. જ્યાં સુધી ઈષ્ટદેવ સાથે શિષ્યનું મિલન ન થાય ત્યાં સુધી ગુરુને સતત ચિંતા રહ્યા કરે. એક ભક્તે ગુરુને વિહ્્વળતાથી પૂછયું, ‘ઈષ્ટદેવ અને શિષ્યનું મિલન થાય ત્યારે ગુરુ ક્યાં જતા રહે?’ ત્યો શ્રીરામકૃષ્ણે કહ્યું, ‘ગુરુ ત્યારે ઈષ્ટદેવમાં લીન થઈ જાય.’

Total Views: 695

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.