ગતાંકથી આગળ…

वासांसि जीर्णानि यथा विहाय
नवानि गृह्णाति नरोऽपराणि ।

तथा शरीराणि विहाय जीर्णा-
न्यन्यानि संयाति नवानि देही ।। 2-22।।

આપણાં વસ્ત્રોનું રોજ આપણે તેમ કરીએ છીએ. અને આત્મા મૃત્યુ વેળાએ એમ કરે છે. આ વસ્ત્ર જૂનું છે, આ શરીર ઘસાઈ ગયું છે, મારે નવું ધારણ કરવું જોઈએ. પણ, તમે સારું વસ્ત્ર પણ ફેંકી દો તેવા પ્રસંગો પણ આવે છે. એટલે તો, શરીર જુવાન હોય છે ત્યારે અનેકવાર આપણે મોતનો સામનો કરવો પડતો હોય છે. પરંતુ, સામાન્ય રીતે, કપડું ઘસાઈ ગયું હોય અને જૂનું થયું હોય ત્યારે, આપણે નવું લઈએ છીએ. એ જ રીતે, આપણા કાર્ય માટે દેહ નકામો થઈ જાય તે કાળે મૃત્યુ આવે છે. મોટાભાગના લોકો વૃદ્ધ અને ખોખલા થઈ ગયા હોય છે ત્યારે મૃત્યુ પામે છે; જુવાનીમાં મરનારાની ટકાવારી ઘણી ઓછી છે. પછી શ્રીકૃષ્ણ આગળ કહે છે:

नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः ।
न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः ।। 2-23।।

‘આ આત્માને કોઈ શસ્ત્ર છેદી શકતું નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતું નથી, હવા સૂકવી શકતી નથી.’

આ આત્માને ‘કોઈ શસ્ત્ર હણી શકતું નથી વ. આત્માનું એ સ્વરૂપ છે. દાખલા તરીકે મનને લો. તમારા મનને તમે કાપી શકતા નથી, શસ્ત્રથી વીંધી શકતા નથી, એવું કશું જ કરી શકતા નથી. અલબત્ત, મારો અહં ઘવાય. પણ મનને ઘા હોતા નથી. દેહની આ મર્યાદાઓ સાથે આપણે જાતને જોડી દઈએ છીએ અને કહેતા હોઈએ છીએ કે, ‘હું ઘવાયો છું.’ પણ મનને કોઈ ઘા નથી થતો. કોઈ મનને કાપી શકતું નથી. તે ઘણું સૂક્ષ્મ છે; તે ભૌતિક પદાર્થ નથી. આત્મા તો તેનાથી વધારે સૂક્ષ્મ છે. એને કોઈ કદી બાળી શકે નહીં, કોઈ પાણી પલાળી શકે નહીં વ. પછી શ્રીકૃષ્ણ ભાવાત્મક રીતે કહે છે:

अच्छेद्योऽयमदाह्योऽयमक्लेद्योऽशोष्य एव च ।
नित्यः सर्वगतः स्थाणुरचलोऽयं सनातनः ।। 2-24।।

‘આ આત્મા છેદી શકાતો નથી, બાળી શકાતો નથી, ભીંજવી શકાતો નથી, સૂકવી શકાતો નથી. નિત્ય, સર્વવ્યાપી, સ્થિર, અચલ આ આત્મા સનાતન છે.’

અગાઉના વિચારનું જ આ પુનરાવર્તન છે. ફરી ફરીને એ સત્ય આપણે ગળે ઉતારાઈ રહ્યું છે: આપણે આ શરીર – મન સંકુલ નથી. એની અંદર કશુંક ગહન છે. આ રત્નદાબડી જેવું છે. દાબડી સુંદર લાગે છે પણ અંદરનું રત્ન અધિક મૂલ્યવાન છે; એને ના ભૂલતા. આપણા ગૂઢ સાહિત્યમાં પણ આ વાત વારંવાર ઘૂંટાઈ છે. ભગવાનનું પવિત્ર નામ રત્ન જેવું છે: રામરતન ધન પાયો મૈંને, એ મીરાંબાઈનું પ્રસિદ્ધ હિન્દી ભજન છે. ‘મને રામનામ રૂપી રત્ન મળ્યું છે.’ એ અમર છે ને એનાથી બધો ભય દૂર ભાગે છે. આમ આ સત્ય વારંવાર મહાન ઓલિયાઓ અને અધ્યાત્મ ગુરુઓ પાસેથી આપણને શીખવવામાં આવ્યું છે. આ શ્લોકોમાં ગીતા એને વ્યક્ત કરે છે.

अव्यक्तोऽयमचिन्त्योऽयमविकार्योऽयमुच्यते ।
तस्मादेवं विदित्वैनं नानुशोचितुमर्हसि ।। 2-25।।

‘આત્મા અવ્યક્ત, ચિંતવી ન શકાય તેવો અવિકારી કહેવાય છે; એને આવો જાણ્યા પછી, તારે શોક કરવો ઉચિત નથી.’

આ આત્મા અવ્યક્ત કહેવાય છે. કયાંય પણ આપણે આત્માનો સ્પર્શ અનુભવી શકતા નથી. અવ્યક્ત એટલે જે પ્રગટ નથી તે. અચિંત્ય એટલે, જેનું ચિંતન કરી શકાય નહીં તેવો, વિચારના ખંડ વડે એને પકડી શકાતો નથી. એનો કશો ખ્યાલ જ કરી શકાતો નથી. જગતના તમામ પદાર્થાેને આપણે બે સાધનો વડે પકડવા કોશિશ કરીએ છીએ: એક વિચાર અને બીજું, વાણી વડે. કોઈ વિષય બાબત તમે વાત કરો અને એના વિચારના વાઘા પહેરાવો એટલે, તમે કહો છો કે, ‘હું એ કંઈક સમજ્યો છું.’ જગતના તમામ પદાર્થાે બાબત આમ કહી શકાય છે. પણ વાણી અને મન, આત્માને સ્પર્શવા અસમર્થ હોઈ પાછાં ફેંકાય છે. માટે તો એ અચિંત્ય છે. બૃહદારણ્યક ઉપનિષદ આત્મસાક્ષાત્કાર વિશે (૧.૪.૭માં) કહે છે: आत्मा इति अे व उपासीतः શંકરાચાર્ય આની ઉપર ટીકા કરે છે:

यह तु आत्मशब्दस्य इति परः प्रयोगः आत्मतत्त्वस्य परमार्थतो अविषयत्व ज्ञापनार्थम् अन्यथा आत्मानं उपासीत इति अेवं अवक्ष्यत् ‘આત્મા અન્વયે અવ્યય ઈતિનો પ્રયોગ થયો છે તે નિર્દેશે છે કે, ‘આત્મા’નું સત્ય શબ્દથી અને ખ્યાલથી પર છે. નહીં તો, શ્રુતિ માત્ર એટલું જ કહેત કે, પોતાના આત્માનું ધ્યાન કરવું.’ આપણે કોઈ શબ્દપ્રયોગ કરવાનો છે એટલે આપણે આત્મા શબ્દ વાપરીએ છીએ. પણ નાસી નહીં જાઓ, (આ આત્મા શબ્દથી મૂંઝાઈ ન જાઓ) આત્મા કોઈ પદાર્થ નથી. સર્વ પદાર્થાે પાછળનું સનાતન ચૈતન્ય એ છે. આ વાત વારંવાર ઘૂંટાઈ છે. अव्यक्तोऽयं अचिन्त्योऽयं. ઊંડી માનસશાસ્ત્રીય સૂઝ દર્શાવવાનો એક શ્લોક અષ્ટાવક્ર ગીતામાં આવે છે.अचिन्त्यं चिन्त्यमानोऽपि चिन्तारूपं भजत्यसौ, ‘અચિંત્યનું ચિંતન કરો છો ત્યારે, તમે માત્ર વિચારને વળગી રહો છો.’ અચિંત્યનો વિચાર કરીએ છીએ ત્યારે, એ અચિંત્યને પકડી શકાતું જ નથી. તમે માત્ર વિચાર બાંધો છો એ જ. એ વિચાર તો પદાર્થ છે. આ અચિંત્ય આત્મા છે, નિત્ય આત્મા છે.

આવાં ગહન સત્યોનું સૂક્ષ્મજ્ઞાન માત્ર ભારતીય સાહિત્યમાં જ મળે છે તેવું નથી; ચીનની તાઓ ફિલસૂફીમાં, ઝેન બૌદ્ધ ધર્મમાં અને ખ્રિસ્તી તથા મુસ્લિમ રહસ્યવાદીઓનાં કેટલાંક લખાણોમાં પણ એ સાંપડે છે; પણ એમના વિધિસરના, ઔપચારિક ધર્મોમાં નહીં. આ સત્ય બધી બોધઘટનાથી પર છે. એ આત્મા છે, નિત્યાત્મા છે, કર્તા છે, દ્રષ્ટા છે, પદાર્થ નથી. એ જ રીતે अविकार्योऽयं અર્થાત્, એ અવિકારી છે. સમગ્ર જગત પરિવર્તનશીલ છે. આ અપરિવર્તનશીલ છે. બહિર્જગત પરિવર્તનની જાળ છે. આ આત્મા કદી પરિવર્તન પામતો નથી, નિત્ય તે જ છે. જગત આ સત્યની ખોજ કરે છે. એ અપરિવર્તનશીલ, સનાતન સત્ય શું છે ? અગાઉ એને માટે આપણે ઈશ્વર શબ્દ વાપરતા. પણ ઈશ્વર શબ્દ અનેક વિવાદમાં ફસાયો છે. ને કેટલાક લોકો તો વળી કહે છે કે, ‘અમારે ઈશ્વરનું કંઈ કામ નથી.’ વાસ્તવમાં, ઓગણીસમી સદીમાં જર્મન ફિલસૂફ નિત્શેએ કહ્યું હતું, ઈશ્વર મરી ગયો છે તો એવા ઈશ્વરનું કશું જ સ્થાન નથી. પરંતુ વેદાંતનો ઈશ્વર તદ્દન ભિન્ન છે. એ સનાતન આત્મા દરેક ઘટનાનો સાક્ષી છે. એ નિત્ય આત્મા દરેક ‘હા’ અને ‘ના’ ઉપર નજર રાખે છે. એટલે, અનુભૂતિમાં, તમારા પોતાના આત્મામાં આનો દૃઢ પાયો છે.

શ્રી રમણ મહર્ષિ સોળ સત્તર વર્ષના છોકરા જેવડા હતા ત્યારે, એમના જીવનનો આ પહેલો અને છેલ્લો આધ્યાત્મિક અનુભવ એમને થયો હતો; એમને થયું, ‘હું મરી જવાનો છું.’ એ ગભરાઈ ગયા હતા, ઘેર દોડી આવ્યા, ઓરડામાં ભોંયે પડી બોલવા લાગ્યા, ‘હું મરી જવાનો છું.’ ‘હું મરી જવાનો છું.’ અને મૃત્યુની અનુભૂતિનું એમણે અનુકરણ કર્યું હતું. ‘હા, હું મરું છું ને, હું મરી ગયો છું.’ પછી, ખૂબ આનંદપૂર્વક એમણે જોયું કે, પોતાના મૃત્યુનું અવલોકન એ જાતે કરી રહ્યા હતા. ‘હું’ અમર છું, મારા મૃત્યુને જોનાર કશુંક સનાતન છે. એ મારો સાચો આત્મા છે. એમના જ જણાવ્યા અનુસાર, પોતાના જીવનની એ પહેલી અને છેલ્લી મૃત્યુ અંગેની અનુભૂતિ હતી. અલબત્ત, સારી વાસનાઓ અને સારા સંસ્કારોને કારણે, પહેલેથી એમનો આધ્યાત્મિક વિકાસ થવાને કારણે એ અનુભૂતિ એમને આટલી સહજોપલબ્ધ થઈ હતી. એટલી સરળતાથી આપણને એ પ્રાપ્ત ન પણ થાય. પણ તમને સત્યની જરાકેય ઝાંખી થાય કે, ‘હા, એમાં થોડુંક સત્ય છે,’તો તમે એની પાછળ લાગી રહો. આરંભમાં આપણે એટલું જ બસ છે. માટે, तस्मादेवं विदित्वैनं, ‘એને આમ જાણીને, न अनुशोचितुं अर्हसि, ‘એને માટે શોક કરવો તે તારે માટે યોગ્ય નથી.’ પછી શ્રીકૃષ્ણ દલીલની દિશા બદલે છે.’

अथ चैनं नित्यजातं नित्यं वा मन्यसे मृतम् ।
तथापि त्वं महाबाहो नैवं शोचितुमर्हसि ।। 2-26।।

‘તું જો એમ માનતો હો કે આ આત્મા રોજ જન્મે છે ને રોજ મૃત્યુ પામે છે, તો પણ, હે મહાબાહુ, એનો શોક કરવો તે તારે યોગ્ય નથી.’ પછીનો શ્લોક આ વાત સ્પષ્ટ કરે છે:

जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च ।
तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि ।। 2-27।।

‘જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત જ છે; મરેલાનો જન્મ પણ નિશ્ચિત છે; તો આ અનિવાર્ય બાબત માટે તારે શોક કરવો યોગ્ય નથી.’

‘જે જન્મે તે મૃત્યુ પામે જ,’ जातस्य हि ध्रुवो मृत्यः જે કોઈ જન્મ લે તેણે મૃત્યુને વશ થવું જ ઘટે. એક અંગ્રેજ કવિએ કહ્યું છે, ‘આપણાં હૈયાં કબરે જવાના મરશિયા ગાય છે ! સત્યને વ્યક્ત કરવાની આ એક રીત છે કે, જીવન હશે તો, મૃત્યુ પણ આવશે જ.’ માટે, तस्मात् अपरिहार्येऽर्थे, ‘આ અનિવાર્ય પરિસ્થિતિમાં,’ न त्वं शोचितंु अर्हसि, ‘શોક કરવો તને ઘટતો નથી.’

Total Views: 443

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.