સ્વામી પૂર્ણાત્માનંદ દ્વારા સંકલિત ‘સ્મૃતિર્ આલોયે સ્વામીજી’ નામના બંગાળી પુસ્તકમાંથી સ્વામી વિવેકાનંદ વિશેનાં કેટલાંક મધુર સંસ્મરણોનો બ્ર.બોધિચૈતન્યે કરેલ ગુજરાતી અનુવાદ વાચકો સમક્ષ પ્રસ્તુત છે. – સં.

સ્વામી શારદાનંદ દ્વારા કથિત

સ્વામીજી જીવતા હતા ત્યાં જ અમારામાંથી કોઈ કોઈએ તેમના કામની ટીકા કરવાની શરૂઆત કરી દીધી. હું એ સમયે પશ્ચિમમાં હતો. મેં આવીને સાંભળ્યું કે એક દિવસ બલરામબાબુના ઘરમાં સ્વામી યોગેન વગેરેએ એવી વાત છેડી એટલે સ્વામીજીએ રોષ સાથે રડતાં રડતાં કહ્યું, ‘હવે હું આ દેહ રાખીશ નહીં, છોડી દઈશ!’ આમ કહીને તેઓ એકાંતમાં જઈ બેઠા રહ્યા. છેલ્લે મહારાજે (સ્વામી બ્રહ્માનંદે) આવીને એમને (યોગેન મહારાજ વગેરેને) ઠપકો આપતાં કહ્યું, ‘સર્વનાશ! તમે પાછું આ શું કર્યું? એક પાગલને (ધૂની અને લગનીવાળાને) ગુસ્સે કર્યો?’ મહારાજે બધાને શાંત કર્યા. વાસ્તવિક રીતે જે લોકો એમની ટીકા કરતા હતા, એમનોય વળી શું વાંક હતો? એમણે તો જોયું કે સ્વામીજીએ અમેરિકા જઈને જે ભાષણો વગેરે આપ્યાં એમાં ક્યાંય ઠાકુરનો થોડો ઘણોય ઉલ્લેખ ન હતો.

સ્વામીજી વિશે શ્રીઠાકુર પણ કહી ગયા છે: એ સમયે શ્રી ઠાકુરને કેટલાય દિવસથી ઊંઘ આવી ન હતી. આંખ અને મોઢું લાલ થઈ ગયાં છે. અમે બધા ઓરડામાં બેઠા હતા. ઓરડામાં સ્વામીજીએ પ્રવેશ કર્યો એની સાથે જ એમની તરફ આંગળી ચીંધીને શ્રીઠાકુરે કહ્યું, ‘હા, એના જેવો બીજો કોઈ નહીં. જો, તને અત્યારે કોઈ સમજી શકશે નહીં. તું સ્વસ્થ રહેજે.’

એક દિવસ સ્વામીજી અત્યંત ઉત્તેજિત થઈ ગયા. ત્યારે એમની વાતનો પ્રતિકાર કરવા કોણ સાહસ કરી શકે? અત્યંત ક્રોધે ભરાઈને કહે છે, ‘આપણું કાર્ય તોડી પાડવાની અમુકને શું જરૂર પડી? (જેટલા એમને શાંત કરવાનો પ્રયત્ન કરું એટલા જ તેઓ ઉત્તેજિત થતા જાય છે) ઠાકુરના ઉદાર ભાવને એક દૂષિત ધર્માંધ અને ચિત્રવિચિત્ર બનાવી દીધો. કહે છે કે શ્રીઠાકુર અવતાર છે એ વાત આગળ ધરો, પણ આપણી પદ્ધતિ જ અલગ છે. એમનું ચરિત્ર, એમનો વિચાર પહેલાં આપવાં જોઈએ. ત્યાર પછી લોકો જાતે જ અવતાર કહેશે.

એકવાર સ્વામીજીના શિષ્ય શાંતિરામ (સ્વામી પ્રેમાનંદજીના ભાઈ)ને એક અસાધ્ય રોગ થયો. જીવતા રહેશે કે કેમ, એ જ પ્રશ્ન હતો. એમનાં માતાએ અત્યંત વ્યાકુળ થઈને સ્વામીજી પાસે ગમે તેમ કરીને એને જલદી સાજો કરી દેવા વિનંતી સાથે હઠ કરી. અમારી સામે સ્વામીજીએ એક વાટકીમાં થોડું ગંગાજળ લાવવા કહ્યું. એ આવતાં, થોડી વાર તો એ પાણી સામે તાકીને જોતા રહ્યા. અને જુઓ આશ્ચર્ય! પાણી ગરમ થઈ ગયું અને એમાંથી વરાળ નીકળવા માંડી. એમણે કહ્યું, ‘જાઓ, એને થોડું થોડું કરીને પિવડાવી દો. પછી જે વધે એ ઘરમાં સાચવી રાખજો. ઘરના બીજા કોઈને આવો રોગ થાય તો ઉપયોગ કરજો.’

સ્વામીજીની પાસે ઘણી ચમત્કારી શક્તિઓ હતી પણ તેઓ એનો ભાગ્યે જ ઉપયોગ કરતા. શ્રીઠાકુરે એ માટે નિષેધ પણ કર્યો હતો.

અમેરિકામાં ભગિની ક્રિસ્ટીન પર કૃપા કરીને અલૌકિક ક્ષમતાનો પરિચય કરાવતી એક બીજી ઘટના છે. સ્વામીજીએ ક્રિસ્ટીનને કહ્યું, ‘જુઓ જ્યારે ખૂબ દુ:ખ-કષ્ટ થાય, દિવસો કેમેય ન જાય, ઘરમાં ખાવાનુંય ન રહે અને ભૂખ્યા રહેવું પડે ત્યારે આ બેગ ખોલવાથી તમને પૈસા મળશે, પણ સાવધાન, એનો દુરુપયોગ કરવાથી કોઈ ફળ નહીં મળે.’

સ્વામી અખંડાનંદ દ્વારા કથિત

સ્વામીજી બુદ્ધિમાન હતા. એમનામાં જરા સરખોય ગુસ્સો જોવા ન મળતો. તેઓ ‘અક્રોધ પરમાનંદ’ હતા. હું રાજપૂતાનામાં ગયો હતો, ત્યાં એક વાળંદ મારા વાળ કાપતાં કાપતાં બોલ્યો, ‘મહારાજ, તમારા સ્વામીજીની જોડ નહીં. અમે તો રહ્યા મૂરખ, એમની પંડિતાઈ વિશે તો વળી શું સમજીએ? પણ ગુસ્સાને કાબૂમાં રાખવા માટે એમના જેવા કોઈ નહીં. કેટલાક પંડિતો એમને તર્ક કરીને હરાવવા આવતા અને એમનું અપમાન થાય એવા ઉત્તર આપતા. સ્વામીજી હળવું હસીને એમને જવાબ આપે છે. છેલ્લે જે લોકો એમની નિંદા કરવા આવ્યા હતા એ જ લોકો એમના દાસ થઈ ગયા.’

એ મારાથી નાનો છે, એની પાસે તો વળી શું શીખવાનું હોય! એવો વિચાર કોઈ વસ્તુ શીખતી વખતે અમારા મનમાં આવતો ન હતો. સ્વામીજી જેવા પંડિતે પણ ખેતડીના નારાયણદાસની પાસે પાણિનિ વ્યાકરણ શીખવાનું શરૂ કરી દીધું. રાજાના ગુરુ હોવાથી અને પોતાનાં ત્યાગ અને તપસ્યાને લીધે ખેતડીમાં એમનાથી વધારે સન્માનનીય કોણ હતું? સ્વામીજીએ મને કહ્યું, ‘નારાયણદાસની પાસે વિદ્યાર્થીની જેમ ભણવાનું શરૂ કરી દીધું.’

-મન એકાગ્ર થાય તો બાહ્ય જગત સાથેનો સંપર્ક-સંબંધ પણ તૂટી જાય. સ્વામીજીને આવી અવસ્થા થતી. જ્યારે રાજેન્દ્ર મિત્રે લખેલો બૌદ્ધયુગનો ઈતિહાસ વાંચતા ત્યારે થોડો સમય વાંચ્યા પછી પુસ્તક પડ્યું રહેતું, એમનું મન એક અજ્ઞાત રાજ્યમાં ચાલ્યું જતું. સ્વામીજી કહેતા, ‘ઘર, પુસ્તક, ખુરશી, ટેબલ બધું અદ્રશ્ય થઈ જતું, જાણે કે કશું છે જ નહીં, અને મારું મન એક અનંતના રાજ્યમાં ખોવાઈ જતું.’

સ્વામીજી જ્યારે જે ભાવને વધારે મહત્ત્વ આપતા ત્યારે એવું લાગતું કે જાણે એ જ સત્ય, એકમાત્ર સત્ય. મઠમાં આવું ઘણી વાર બનતું. એટલે કોઈ એકાએક બહારથી આવે તો એમનો એ ભાવ સમજી શકતા નહીં.

જે દિવસે સેવાધર્મની વાત નીકળતી ત્યારે મનમાં એવું લાગતુ કે નિષ્કામ કર્મયોગ જ એકમાત્ર ઉપાય. બાકી બધું ખોટું, ભૂલ ભરેલું. વળી જે દિવસે શાસ્ત્રપાઠ કે ધ્યાન ધારણાની વાત નીકળે ત્યારે વળી એક બીજો જ ભાવ જોવા મળતો. એવું લાગતું કે જ્ઞાનમાર્ગ કે ધ્યાનમાર્ગ જ એકમાત્ર માર્ગ. બાકી બીજું બધું બકવાસ. એ દિવસે સ્વામીજી જાણે કે સાક્ષાત્ શંકર કે બુદ્ધ!

જે દિવસે તેઓ રાધારાણી, ગોપીભાવ કે પ્રેમભક્તિની વાતો કરતા ત્યારે તેઓ પૂર્ણપણે એક બીજી જ વ્યક્તિ બની જતા. તેઓ કહેતા, “Radha was not of flesh and blood. She was a froth in the ocean of love. -શ્રીમતી રાધા માત્ર રક્તમાંસની પૂતળી ન હતાં. તેઓ તો હતાં પ્રેમ સાગરની એક લહેર’. એમને મેં આવી વાત કહેતાં ઘણી વાર સાંભળ્યા છે. વળી ક્યારેક મનમાં ને મનમાં ગણગણે છે અને ઉતાવળી ચાલે ટહેલે છે. પરંતુ સામાન્ય રીતે જો કોઈ રાધાકૃષ્ણ કે ગોપીપ્રેમની ચર્ચા ઉપાડે તો તેને અટકાવીને કહેતા, ‘શંકરને વાંચો, શિવના ભાવથી ભરપૂર થઈ જાઓ’. ત્યાગ, જ્ઞાન, ધ્યાન, કર્મ- એ બધાંને જ મહત્ત્વ આપતા.

સ્વામીજી અને મેં હિમાલયમાં મુસાફરી કરતાં એક જગ્યાએ જોયું કે એક સાધુ બેસીને ધ્યાન કરે છે- ખૂબ સારી રીતે ચાદર વડે મોઢું ઢાંકી દીધું છે અને જોરથી નસકોરાં બોલાવે છે. સ્વામીજી બોલી ઊઠ્યા, ‘અરે! મારો બેટો બેઠાં બેઠાં સૂઈ ગયો છે-એના ખભે હળ જોડી દો, તો એનું કોઈ કાળે કંઈ થાય.’ આ બધું જોઈને અને સાંભળીને જ સ્વામીજી કહેતા, ‘સત્વનું ભાન કરીને જ દેશ તમસના સમુદ્રમાં ડૂબવા બેઠો છે. એમને બચાવવા માટે જોઈએ આપાદમસ્તક સમગ્ર શિરાઓમાં વિદ્યુત સંચારી રજોગુણ.’ એટલા માટે જ તો સ્વામીજીએ કર્મયોગ ઉપર આટલું જોર આપ્યું. પરોપકારથી કોનો ઉપકાર? આપણો પોતાનો, એટલા માટે જ તો સ્વામીજીનો કર્મયોગ- સેવાધર્મ. સેવાથી ચિત્તશુદ્ધિ, સેવાથી હૃદયનો વિસ્તાર, સેવાથી સર્વભૂતમાં આત્મદર્શન. આત્મજ્ઞાન થયા પછી વિશ્વપ્રેમ. ત્યારે સમજમાં આવે એ અનુભૂતિ- ‘બ્રહ્મથી લઈ અણુપરમાણુ-સર્વભૂતોમાં એ જ પ્રેમમય.’

Hand, Head, and Heart (હાથ, બુદ્ધિ અને હૃદય) ત્રણેનો વિકાસ કરવો જોઈએ. સ્વામીજીની અંદર ત્રણે પ્રસ્ફુટિત થયા હતા. આપણે પ્રયત્ન કરવો જોઈએ હાથથી. સ્વામીજીની જેમ આધ્યાત્મિક આપણે ના પણ થઈ શકીએ, એમના જેમ આપણાં હૃદય અને બુદ્ધિ વિકસીત ના પણ થઈ શકે, પરંતુ એમની જેમ હાથ વડે કામ કરવામાં તો આપણે એમનું અનુસરણ કરી જ શકીએ. મઠમાં તેમણે મોટાં મોટાં કડાં ધોયાં હતાં, જેમાં પૂરા એક ઈંચનો મેલ જામ્યો હતો. આપણે શું એક વાડકી પણ સાફ ન કરી શકીએ?

તેઓએ મઠના પાયખાનાં પણ સાફ કર્યાં હતાં. એક દિવસ એમણે જઈને જોયું કે ખૂબ દુર્ગંધ આવે છે. એમને સમજતાં વાર ન લાગી. કપડા વડે મોઢું બાંધીને બે હાથમાં ડોલ લઈને સાફ કરવા માટે જાય છે. ત્યારે એમને જોઈને બીજાઓ બોલ્યા, ‘સ્વામીજી તમે સ્વયં!’ સ્વામીજી હસતાં હસતાં બોલ્યા, ‘અત્યાર સુધી નહીં ને હવે કહો છો- ‘સ્વામીજી તમે સ્વયં!’’

Total Views: 69
By Published On: September 1, 2012Categories: Sankalan0 CommentsTags: , , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram